remando ek yodhdho - 3 books and stories free download online pdf in Gujarati

રેમન્ડો એક યોદ્ધો - 3

રેમન્ડોએ કર્યો લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશ..
_________________________________________

અંગ અંગમાં નવી રોનક ભરી દે એવું આ વેલ્જીરિયા પ્રેદેશ ના પહાડી વિસ્તારનું વાતવરણ ટુમ્બીયા પર્વતની આજુબાજુ માઈલો સુધી છવાયેલું રહેતું. યુગાન્ડાના બધા પ્રદેશો કરતા વેલ્જીરિયા પ્રાંતની આબોહવા,અહીંના લોકોની રહેણીકરણી, એમનો વસવાટ ,એમની જીવનશૈલી, એમના વસવાટો, રીતિ રિવાજો, એમનો પોશાક, એમનો ખોરાક, એમના તહેવારો આ બધું તદ્દન ભિન્ન જ રીતે તરી આવતું.


વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ દર વર્ષે બદલાતો. જો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં એક જ વ્યક્તિ જીતી જાય તો એને સેનાપતિ બન્યા બાદ ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં થતી જડીબુટ્ટી લેવા જવુ પડતું. પરંતુ જો આખલા સામેના દ્વંદ્વયુદ્ધ માં બે વ્યક્તિઓ વિજયી બને તો એમાંથી એકને સેનાપતિ નક્કી કરવા માટે પહેલા ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં સુતર્બ જડીબુટ્ટી લેવા માટે મોકલવામાં આવતા અને જે જડીબુટ્ટી લઈને પહેલા આવી જાય એને સમગ્ર વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ બનાવામાં આવતો.

રેમન્ડો અને અમ્બુરા પોત પોતાના ખચ્ચર ઉપર બેસીને ટુમ્બીયા પર્વત પાસે આવી પહોંચ્યા. અને બન્નેએ પોતાના ખચ્ચરોને ત્યાં જ પર્વતની તળેટીમાં ચારો ચરવા માટે છુટ્ટા મૂકી દઈ જડીબુટ્ટી શોધવા માટે અલગ-અલગ ગુફામાં ઘુસ્યા.

સુતર્બ જડીબુટ્ટી શોધવી સરળ નહોતી. એ ભાગ્યે જ કોઈક ગુફામાંથી મળી આવતી. રેમન્ડોએ પોતાની તમામ તરકીબો કામે લગાડીને ગુફામાંથી જડીબુટ્ટી શોધવા લાગ્યો. અંધારું છવાયું ત્યાં સુધીમાં તો રેમન્ડો બે ત્રણ મોટી ગુફાઓ ફંફોળી વળ્યો પણ એને ક્યાંય જડીબુટ્ટીનો પત્તો ના મળ્યો.

અંધારું ગાઢ બન્યું ત્યારે રેમન્ડો પોતાના ખચ્ચર પાસે આવીને થોડોક આરામ કરવા બેઠો. પણ એને અમ્બુરા અને અમ્બુરાનું ખચ્ચર બંને દેખાયા નહી એટલે થોડીક શંકા ઉદ્દભવી કે અમ્બુરા ક્યાં ગયો હશે..? પણ એણે પળભરમાં એ શંકાને ખંખેરી કાઢી અને ઉભા થઈને ખચ્ચર ઉપર બાંધેલો સામાન છોડ્યો. એમાં એના માટે ખાવાનું હતું એ ઝટપટ પતાવી દીધું. પછી એના સામાનમાંથી એક મશાલ કાઢી. એક ચામડાની થેલીમાં તેલ હતું એ તેલ મશાલમાં ભર્યું અને પછી મશાલ સળગાવી.

મશાલ સળગાવ્યા બાદ રેમન્ડોએ પોતાના ખચ્ચરને એક ઝાડના થડ સાથે બાંધ્યું.અને પછી બીજી ગુફાઓમાં સુતર્બ જડીબુટ્ટી શોધવા માટે આગળ વધ્યો. એ એક ગુફામાંથી નીકળીને બીજી ગુફા તરફ આગળ વધતો હતો એવામાં એને ધબ દઈને અવાજ સંભળાયો. એણે આજુબાજુ જોયું તો કંઈ જ દેખાયું નહી. પોતાના મનને ભ્રમ થયો હશે એવું ગણીને એ ફરીથી આગળ વધ્યો ત્યાં ફરીથી એને ધબ દઈએ કોઈક જોરથી પછડાયું હોય એવો અવાજ આવ્યો.

હવે રેમન્ડો એકદમ સાવધ બની ગયો કારણે કે આ વખતે એનું મગજ સતર્ક અને કાન સરવા હતા એટલે એના મનમાં એ વાત તો નક્કી થઈ ગઈ કે અવાજ તો ક્યાંક આજુબાજુ માંથી જ આવ્યો છે. એ મશાલ લઈને ચોતરફ ફરી વળ્યો પણ કોઈ દેખાયું નહીં. ત્યાં એની નજર બે પથ્થરોની આડે આવેલી એક નાનકડી બખોલમાં પડી. અને ત્યાં એણે કોઈકના પગરખાં જોયા. એ વિચારમાં પડી ગયો કે અહીંયા આ પગરખાં આવ્યા ક્યાંથી..? એણે બખોલમાં મશાલ ધરી.

જેવી એણે બખોલમાં મશાલ ધરી કે એ એનું હ્રદય ધબકારો ચુકી ગયું. આગળના ભાગથી બખોલ દેખાતી જગ્યા અંદરથી ખુબ જ વિસ્તૃત અને ફેલાયેલી હતી. એ હળવેક રહીને એ બખોલમાં થઈને અંદરની તરફ વિસ્તૃત પામેલી ગુફામાં દાખલ થયો. આ ગુફા તદ્દન અલગ ણ પ્રકારની હતી. ગુફાની શરૂઆતમાં જ અંદર જવા માટે પગથિયા જેવી રચના હતી. આ જોઈને રેમન્ડોને તાજ્જુબ થયું અહીંયા પગથિયા કોણે બનાવ્યા હશે એ વિશે એવા પ્રશ્નોથી એનું મગજ ઘેરાવા લાગ્યું થોડોક સમય માટે તો અંદર જવુ કે નહીં એવા વિચારો કરીને જ એ ગુફાના પગથિયાઓ પાસે થંભી ગયો.

થોડીવારમાં એણે બધો ડર અને શંકાઓના ભૂતને ખંખેરી માર્યું અને એણે પહેલા પગથિયા ઉપર પગ મુક્યો. જેવો એણે પ્રથમ પગથિયા ઉપર પગ મુક્યો કે તરત જ ધબ અવાજ સાથે આખી ગુફા ગુંજી ઉઠી. આવુ થયું એટલે રેમન્ડોનો પગ આપોઆપ પાછો ખેંચાઈ ગયો. અને એના શરીરમાં એક ભયનું લખલખું પસાર થઈ ગયું. પણ એમ એ હાર માને એવો નહોંતો. એણે ફરીથી પ્રથમ પગથિયા ઉપર હળવેકથી પગ મુક્યો. આ વખતે ધબ દઈને ધીમો અવાજ આવ્યો. એણે તરત જ પોતાના પગરખા કાઢી નાખ્યા અને બાજુમાં મૂકી દીધા. રેમન્ડોને હવે ખબર પડી ગયો કે આ ગુફાનું વાતાવરણ જ એવું છે જેના કારણે અહીંયા થોડોક પણ અવાજ થાય એનો દસઘણો અવાજ સામે પડઘાય છે.

રેમન્ડોએ એ પણ ખબર પડી ગયો કે અંદર જે પણ ગયું છે એ પણ બહાર પગરખા એ માટે ઉતારીને ગયું છે કે અંદર જતી વખતે વધારે અવાજ ના થાય. એ પણ હવે આગળ વધ્યો મશાલ આગળ ધરીને એ ધીમે ધીમે ગુફામાં આગળ વધવા લાગ્યો.

રેમન્ડો ગુફામાં આગળ વધતો હતો ત્યાં કોઈકની કાન ફાડી નાખે એવી મરણ ચીસ સંભળાઈ. એ ચીસનો અવાજ એટલો વધારે હતો કે રેમન્ડો એના બંને હાથ કાન ઉપર દાબીને ત્યાંજ બેસી ગયો. ક્યારેય ના ડરનારો રેમન્ડો ભયથી કાંપવા લાગ્યો. એણે પાછા જવા માટે પગ ઉપાડ્યા પણ એનું મન એને ફરીથી પાછુ ખેંચવા લાગ્યું અને ગુફામાં આગળ વધવા માટે પ્રેરિત કરવા લાગ્યું.

રેમન્ડોએ બધો ભય ખંખેરી નાખ્યો અને જે થશે એ જોયું જશે એમ વિચારીને એ ફરીથી આગળ વધ્યો. એ થોડોક આગળ વધ્યો કે ગુફામાં ડાબી તરફ વળાંક આવ્યો એણે જેવો વળાંક પસાર કર્યો કે એ નવાઈમાં ડૂબી ગયો. કારણ કે એ વળાંકથી આગળ ગુફાની દીવાલ ઉપર સારી રીતે લીંપણ કરવામાં આવ્યું હતું અને કોઈક પારદર્શક વસ્તુ ગુફાની દીવાલમાં ઠેર-ઠેર જડી દીધેલી એને દેખાઈ અને એ પારદર્શક વસ્તુમાંથી નીકળતો પ્રકાશ આખી ગુફાને પ્રકાશમાન કરી રહ્યો હતો.

એ ધીમે ધીમે આગળ જવા લાગ્યો. ગુફામાં પ્રકાશ હોવાથી એને એકવાર પોતાના હાથમાં રહેલી મશાલને બુઝાવવાનો વિચાર આવ્યો પણ આગળ જતાં જો અંધારું આવી જાય તો આગળ કેવીરીતે વધવું એમ વિચારીને એણે મશાલને બુઝાવવાનો વિચાર પડ્તો મુક્યો.

થોડીક વાર પહેલા જ રેમન્ડો આ ગુફામાં મરણચીસ સંભળાઈ હતી પણ એને કોઈ શબ કે ઘાયલ વ્યક્તિ ક્યાંય નજરે પડતું નહોતું. હવે જેમ જેમ આગળ વધતો હતો એમ એમ ગુફાનો ઢોળાવ એકદમ સીધો થતો હતો જો થોડાંક ગફલતમાં રહીએ અને એક પગથિયા ઉપરથી જો પગ ચુકી ગયો તો ખબર નહીં ક્યાં જઈને પછડાઇએ.

ત્યાં તો રેમન્ડોના હાથમાં રહેલી મશાલ છૂટી ગઈ અને પગથિયાઓ સાથે અથડાતા પછડાતા નીચે તરફ જવા લાગી.
મશાલ પછાડવાના ભયકંર અવાજો એના કાનના પડદાઓને ભેદવા લાગ્યા. આવા ભયકંર અવાજના કારણે થોડીકવાર માટે એનું મગજ સાવ સુન્ન બની ગયું.

પછી એક મોટો ધડાકો ગુફામાં થોડીકવાર પડઘાતો રહ્યો અને પછી એકદમ શાંત થઈ ગયો. રેમન્ડો જલ્દી પગથિયાં ઉતરવા લાગ્યો. થોડોક નીચે ઉતર્યો અને એની નજરેમાં બધા પગથિયાં પુરા થતાં હતા ત્યાં સામેની દીવાલ ઉપર પડી. જેવી એની એની નજર સામેની દીવાલ ઉપર પડી કે એના પગ નીચે ઉતરતા થંભી ગયા. સામેની દીવાલમાં ખોસેલા વિચિત્ર પ્રકારના ભાલાઓમાં અમ્બુરાનું શરીર ફસાઈને લોહીલુહાણ અને નિષ્પ્રાણ હાલતમાં પડ્યું હતું. નીચે બીજા પણ ઘણા વખત પહેલાના કેટલાક હાડપિંજરો પડ્યા હતા. એક હાડપિંજરની બાજુમાં એના હાથમાંથી છટકેલી મશાલ પડી હતી.

પણ આ અમ્બુરા અહીંયા કેવીરીતે આવી પહોંચ્યો એ એને સમજાયું નહીં. અમ્બુરાના આ રીતે મૃત્યુનું કારણ તો એને સમજાઈ ગયું. એના હાથમાંની મસાલની જેમ અમ્બુરા પણ પગથિયાં ઉતરતી વખતે લપસી ગયો હશે અને આ લોહીના તરસ્યા ભાલાઓમાં એનું શરીર ભરાઈ ગયું હશે. એણે નીચે ઉતરીને પેલા હાડપિંજર પાસે પડેલી પોતાની મશાલ ઉઠાવી. અને ધ્રુજતા હાથે દીવાલ સાથે જડાયેલા પોતાના ભલાઓને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો. પણ જેવો એ ભાલાને બહાર ખેંચવા ગયો કે એ દીવાલ એક દરવાજાની માફક ખૂલી ગઈ. રેમન્ડોએ અચકાતા અચકાતા અંદર પ્રવેશ કર્યો.

અંદર પ્રવેશતાની સાથે જ એના તન મનમાં નવી રોનક પ્રસરી એના મગજમાં નવા વિચારો આવવા લાગ્યા. એ કોઈ લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશી ગયો હોય એવો અહેસાસ એને થવા લાગ્યો.

(ક્રમશ)