remando ek yodhdho - 10 books and stories free download online pdf in Gujarati

રેમન્ડો એક યોદ્ધો - 10

શાર્વીને તિબ્બુરે કિલ્લામાં કેદ કરી.
********************




હ્નદયના હરેક ખૂણામાં પ્રેમના મીઠાં સંવાદો ફૂટ્યા છે,
ના કહી શક્યો એ શબ્દો એટલે ખ્વાબો ફરી તૂટ્યા છે!




તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો.રેમન્ડો પણ ઝડપથી તિબ્બુર ના સંકજામાંથી શાર્વીને છોડાવવા માટે ખચ્ચર ઉપર બેસીને તિબ્બુરની પાછળ ગયો. સરદાર સિમાંન્ધુ રેમન્ડોને રોકે એ પહેલા રેમન્ડોએ પોતાનું ખચ્ચર દોડાવી મૂક્યું.

"આર્ટુબ ક્યાં ગયો ?' આજુબાજુ આર્ટુબ ના દેખાયો એટલે સરદાર સિમાંન્ધુએ રાડ પાડી.

"આર્ટુબ તિબ્બુરના જે સૈનિકો જીવીત બચ્યા છે એમને બંદી બનાવી રહ્યો છે સરદાર.' હિર્યાત નામના સૈનિકે માથું નમાવીને જવાબ આપ્યો.

"હિર્યાત તું જલ્દી જા આર્ટુબને અહીં બોલાવી આવ.' સરદાર આદેશાત્મક અવાજમાં બોલ્યા.

"જી સરદાર.' સરદાર સિમાંન્ધુની આજ્ઞા થતાં જ હિર્યાત માથું નમાવીને ત્યાંથી ચાલ્યો ગયો.

હિર્યાત ચાલ્યો ગયો એટલે સરદાર સિમાંન્ધુ આમ તેમ આંટા મારવા લાગ્યા. રેમન્ડો એકલો તિબ્બુરની પાછળ ગયો એ વાતનો એમને ડર લાગી રહ્યો હતો. કારણ કે તિબ્બુરનું સૈન્ય ખુબ જ વિશાળ હતું. તિબ્બુરના સૈન્યમાં એકથી એક ચડે એવા રણવીર યોદ્ધાઓ હતા.રેમન્ડો અને તિબ્બુરની અથડામણમાં જો વચ્ચે ક્યાંય એનું સૈન્ય આવી જાય તો પછી તિબ્બુર રેમન્ડોને બંદી બનાવ્યા વગર છોડે નહીં.બંદી બનાવ્યા પછી તિબ્બુર રેમન્ડો ને મૃત્યુદંડ જ આપે એ વાતથી સિમાંન્ધુ ખુદ પરિચિત હતા.તિબ્બુર પકડાયેલા દુશ્મનોનું ખુબ જ ક્રૂરતાપૂર્વક કત્લ કરી નાખતો.

"જી સરદાર મને બોલાવ્યો તમે.' આર્ટુબ સરદાર સિમાંન્ધુ પાસે આવીને વિનમ્ર અવાજે બોલ્યો.

"હા આર્ટુબ.' રેમન્ડો અને તિબ્બુરના વિચારોમાંથી બહાર આવી સરદાર સિમાંન્ધુ બોલ્યા.

આર્ટુબ સરદાર સિમાંન્ધુની સામે માથું નમાવીને ઉભો રહ્યો.

"આર્ટુબ આપણી પાસે જેટલાં સૈનિકો બચ્યા છે એમને બધાને જલ્દી તૈયાર કર. રેમન્ડો એકલો ગયો છે. જો સામે તિબ્બુરનું સૈન્ય આવી ગયું તો એ મુસીબતમાં ફસાઈ જશે.' થોડીકવાર ઉભા રહીને સરદાર સિમાંન્ધુ ચિંતિત અવાજે બોલ્યા.

"સરદાર બધા જ સૈનિકો તૈયાર છે. બસ ક્યારે ઊપડવું છે એ કહો.' આર્ટુબે સરદાર સિમાંન્ધુ સામે જોઈને કહ્યું.

"સૈનિકો તૈયાર હોય તો ચાલો અત્યારે જ રેમન્ડો અને તિબ્બુરની પીછો કરીએ. એકવાર તિબ્બુર મારા હાથમાં જીવતો પકડાઈ જાય પછી તો હું એને બધા વચ્ચે ઊંધો લટકાવીને એની નીચે આગ સળગાવીશ. મોતનો ખોફ શું છે એ એને બતાવવું પડશે.' સરદાર સિમાંન્ધુ દાંત પીસતા બોલ્યા.

આર્ટુબ હિર્યાતની સાથે સૈનિકોને તૈયાર કરવા ચાલ્યો ગયો. સરદાર સિમાંન્ધુ પણ તૈયાર થઈને પોતાના ખચ્ચર ઉપર સવાર થયા. થોડીવારમાં આર્ટુબ અને હિર્યાત પણ બધા સૈનિકોની સાથે ખચ્ચર ઉપર સવાર થઈને આવી પહોંચ્યા.

"સરદાર આપણું સૈન્ય તૈયાર છે.' આર્ટુબ પોતાનું ખચ્ચર સિમાંન્ધુની નજીક લાવતા બોલ્યો.

"તો હવે વાર શેની ચાલો જલ્દી.' સરદાર સિમાંન્ધુ બુલંદ અવાજે બોલ્યા. અને એમણે પોતાના ખચ્ચરને એડી મારી. સરદાર સિમાંન્ધુના ખચ્ચરની પાછળ આર્ટુબ,હિર્યાત વગેરે સૈનિકોએ પોતાના ખચ્ચરો દોડાવી મુક્યા.

બપોર થઈ ચુકી હતી. સૂર્ય આજે મન મૂકીને તડકા સ્વરૂપે ગરમી વર્ષાવી રહ્યો હતો. તિબ્બુર પુરપાટ ઝડપે પોતાનું ખચ્ચર દોડાવી રહ્યો હતો. શાર્વી તિબ્બુરના હાથમાંથી છૂટવા માટે તરફડીયા મારી રહી હતી પણ તિબ્બુરના તાકાતવાન બાહુઓમાંથી છૂટી શકતી નહોતી. રેમન્ડોનું ખચ્ચર પણ પુરી તાકાત લગાવીને તિબ્બુરના ખચ્ચરની પાછળ દોડી રહ્યું હતું. પણ તિબ્બુરના ખચ્ચર સુધી પહોંચી શકતું નહોતું. તિબ્બુર અને રેમન્ડો વચ્ચે લગભગ અડધા માઈલ જેટલું અંતર રહ્યું હતું. વિકરાળ તડકાના કારણે બન્નેના ખચ્ચરો હાંફી રહ્યા હતા. ખચ્ચરોના મોંઢામાંથી ફીણ ટપકી રહ્યા હતા.

આજુબાજુનો આખો વિસ્તાર વેરાન હતો. નાના મોટા ઝાડી ઝાંખરાઓ સિવાય પથરાળ જમીન દૂર સુધી નજરે પડી રહી હતી. રેમન્ડો દાંત પીસીને પોતાના ખચ્ચરને એડી મારી રહ્યો હતો પરંતુ એનું ખચ્ચર તિબ્બુરના ખચ્ચરને આંબી શકતું નહોતું. તિબ્બુરનું ખચ્ચર વધારે તાકાતવર હતું. તિબ્બુર અને શાર્વી બન્નેનું વજન ઉંચકીને એ પુરપાટ ઝડપે દોડી રહ્યું હતું. ધીમે ધીમે વેરાન પ્રદેશ પુરો થતો હતો. હરિયાળા પ્રદેશની શરૂઆત થઈ રહી હતી.

ચારેય બાજુ હરિયાળી નજરે ચડી રહી હતી. વેલ્જીરિયા પ્રાંતની મુખ્ય સીમા અહીંયાથી શરૂ થઈ રહી હતી. વેલ્જીરિયા પ્રાંત ચારેય કબીલાઓનું મુખ્ય મથક હતું. કમ્બુલા જયારે આખા વેલ્જીરિયા પ્રાંતનો સરદાર હતો એ સમયે વેલ્જીરિયા પ્રાંતની સમૃદ્ધિ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહી હતી. પણ જયારે તિબ્બુરે આક્રમણ કરીને કમ્બુલાના હાથમાંથી વેલ્જીરિયા પ્રદેશ પડાવી લીધો ત્યારબાદ વેલ્જીરિયા પ્રદેશના મોટાભાગના લોકો ભૂખમરાના કારણે પીડાવા લાગ્યા કારણે કે તિબ્બુરે બધા લોકોના મોટાભાગના અન્નભંડાર અને ધનદોલત ઉપર લૂંટ ચલાવી હતી.

વેલ્જીરિયા પ્રાંતનો મુખ્ય કિલ્લો હવે આવી ગયો હતો. તિબ્બુરનું ખચ્ચર કિલ્લાના દરવાજાથી ફક્ત એક માઈલ જેટલું જ દૂર રહ્યું હતું. જયારે રેમન્ડોનું ખચ્ચર કિલ્લાથી સવા માઈલ જેટલું દૂર રહ્યું હતું. રેમન્ડોને થયું કે જો તિબ્બુર ખચ્ચર સાથે શાર્વીને લઈને કિલ્લામાં ઘૂસી ગયો તો બાજી હારી જવાશે એટલે એને પોતાના જીવ ઉપર આવીને ખચ્ચરને દોડાવવા લાગ્યો. રેમન્ડો બસ તિબ્બુરથી થોડોક જ દૂર રહ્યો ત્યાં તો તિબ્બુર એના ખચ્ચર સાથે કિલ્લામાં ઘૂસી ગયો. તિબ્બુરનું ખચ્ચર જેવું કિલ્લામાં ઘુસ્યું કે તરત જ કિલ્લાના દરવાજા બંધ થઈ ગયા.

"હટ્ હરામખોર કાયર.!!' કિલ્લાના દરવાજા બંધ થયા એટલે રેમન્ડોના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. અને એણે નીચા ઉતરીને ગુસ્સામાં કિલ્લાના વિશાળ દરવાજાને લાત મારી પછી ત્યાં જ બેસી પડ્યો.

તિબ્બુરના કિલ્લામાં તિબ્બુર એની સાત પત્નીઓ સાથે રહેતો હતો. વેલ્જીરિયા પ્રદેશ ઉપર પોતાનો કબજો જમાવ્યા બાદ તિબ્બુરે વેલ્જીરિયાના ચારેય કબીલામાંથી જે સ્વરૂપવાન યુવતીઓ હતી એમને ઉઠાવી લાવીને બળજબરી પૂર્વક એમની સાથે લગ્ન કર્યા હતા.

કિલ્લામાં ઘુસતાની સાથે જ તિબ્બુરે શાર્વીને એની પક્કડમાંથી મુક્ત કરી. તિબ્બુરના સંકજામાંથી મુક્ત થતાની સાથે જ શાર્વી ધ્રુજતા શરીરે એકબાજુ ઉભી રહી.

"કેવો લાગી રહ્યો છે તમારો કિલ્લો.' તિબ્બુર અટ્ટહાસ્ય કરતા બોલ્યો. પહેલા આ કિલ્લો શાર્વીના પિતા કમ્બુલાનો હતો એ વાતને ઉદ્દેશીને તિબ્બુર આ વાક્ય બોલ્યો હતો.

શાર્વી બિચારી શું બોલે એ તો પિંજરામાં કેદ પક્ષીની માફક ફફડી રહી હતી.

"તું આટલી ડરી કેમ રહી છે ? હવે તો તારે મારી રાણી બનવાનું છે.' તિબ્બુર શાર્વીની નજીક આવીને શાર્વીના હોઠ ઉપર પોતાની આંગળીઓ વડે સ્પર્શ કરતા બોલ્યો.

"દૂર રહે મારાથી.! મારે નથી પરણવું તારી સાથે.' લાચાર શાર્વી આટલું બોલીને રડી પડી.

"કેમ હું નથી ગમતો.!! હું અહીંનો સરદાર છું અને હું જે કહીશ એ જ તારે કરવું પડશે.' શાર્વીએ પરણવાની આનાકાની કરી એટલે ગુસ્સામાં રાતોપીળો થયેલો તિબ્બુર ઊંચા અવાજે તાડુકી ઉઠ્યો.

"તારે જે કરવું હોય એ કરી લે.હું મરી જઈશ પણ તારી સાથે તો નહીં જ પરણું.' શાર્વી મક્કમ અવાજે બોલી.

"હું પણ જોઉં છું તું મારી ઈચ્છા વિરુદ્ધ કેવીરીતે જાય છે.' આમ કહીને ગુસ્સામાં લાલપીળો થયેલો તિબ્બુર ત્યાંથી પગ પછાડતો ચાલ્યો ગયો.

તિબ્બુર ચાલ્યો ગયો એટલે શાર્વી ત્યાં બેસી પડી અને હૈયાફાટ રડી પડી. તિબ્બુર જયારે શાર્વીને ખચ્ચર ઉપર ઉપાડીને આ તરફ આવી રહ્યો હતો ત્યારે શાર્વીએ તિબ્બુરના સંકજામાંથી છૂટવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એના લીધે શાર્વીના શરીરના નાજુક અંગો ઉપર લાલ નિશાનો ઉપસી આવ્યા હતા. રેમન્ડો સાથે હોત તો એ કેટલી ખુશ હોત એમ વિચારીને રેમન્ડોને યાદ કરીને શાર્વી રડવા લાગી.



દુશ્મને લાગણીઓની સાથે મારો દેહ પણ કેદ કર્યો છે, છોડાવી જાઓને પિયા,મારો પ્રેમ તો તમને જ વર્યો છે!


શાર્વી..


(ક્રમશ)