Fitness Fanda books and stories free download online pdf in Gujarati

ફિટનેસ ફંડા

ફિટનેસ ફંડા
લોક ડાઉનના સમયમાં પોતાના માટે ઘણો સમય મળ્યો. કોરોના બીમારીથી બચવા માટે રોગ પ્રતિકારશક્તિ વધારવા બાબતે આપણે સચેત થઈ ગયા. કોરોનાએ આપણાં પ્રત્યે સજાગ બનતાં તેમજ સ્વને સમય આપવાનો અવસર આપ્યો. બહાર ન જઈને પોતાની જાતને જાણવા ‘પોતાની અંદર’ જવાનો મોકો આપ્યો. આ સમયે આપણને આપણી પ્રાચીન યોગ પધ્ધતિ અને આયુર્વેદિક- રસોડાના મસાલાનો ઉપયોગ કરવા તરફ વાળ્યા છે. કોરોના મહામારીના આ સંજોગોમાં શારીરિક, માનસિક અને આર્થિક સક્ષમતા કેળવવા યોગ, પ્રાણાયામ, ધ્યાન – સૂર્ય નમસ્કાર અતિ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત મનને શાંત, હકારાત્મક બનાવવા, નીડર બનાવવા માટે અનિવાર્ય છે. યુવા પેઢી એવું માને છે યોગ- ધ્યાન એ માત્ર 40 -50 વર્ષ પછી કરવાની ક્રિયાઓ છે, માટે તેઓ જિમમાં જઈને કસરત કે ઝૂમ્બા કરવાનું પસંદ કરે છે પરંતુ હકીકતમાં 15 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ જો યોગ અને પ્રાણાયામ કરવાનું શરૂ કરી દે તો તેઓ માનસિક –શારીરિક સ્વસ્થ બની કોઈ પણ જાતના રોગનો કે કુટેવનો ભોગ બને નહીં. ત્વચા સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ તેજસ્વી –કાંતિમય કુદરતી સૌંદર્ય મેળવી શકશે. તેઓની તમામ સમસ્યાઓનો અંત આવી જશે જેથી તેઓ પોતાના અભ્યાસ અને કેરિયરમાં પણ સફળતા મેળવી શકશે. ફીટ રહેવા માટે યોગ- પ્રાણાયામ કરવાથી શું ફાયદા થાય છે તે જાણીએ.
યોગ
યોગ એટ્લે શરીર અને મનને એકતાલ કરવું. મૂળ સંસ્કૃત છે કે જે ‘યુજ’ ધાતુ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે જોડવું- બાંધવું કે બંધાવું, સંગઠિત કરવું. યોગ એક આંતરિક વિજ્ઞાન છે તો આધ્યાત્મિક શાખા છે. જેમાં જુદી જુદી પધ્ધતિઓનો સમાવેશ થાય છે. શરીર અને મન એક બીજા સાથે જોડાઈને આત્મસાક્ષાતકાર કરી શકે છે. યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી અને ઊર્જાના લેવલે કાર્ય કરે છે એટ્લે યોગના મુખ્ય ચાર ભાગ પાડવામાં આવ્યા છે. કર્મયોગ કે જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીયે. જ્ઞાન યોગ જ્યાં આપણે મન/બુધ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિ યોગ કે જ્યાં આપણી લાગણીનો ઉપયોગ કરીએ છીએ અને ક્રિયા યોગ જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. યોગ સાધનામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ, બંધ તથા મુદ્રાઓ, ષટ્કર્મો, યુક્તાહાર, મંત્ર જપ, યુક્ત, કર્મ નો સમાવેશ થાય છે. પરંતુ આપણે બહુ ઊંડાણમાં ન જઈએ અને માત્ર અમુક જ બાબતોને અનુસરીએ તો પણ જીવનમાં સ્વસ્થતા, શાંતિ- સમૃદ્ધિ લાવી શકીએ.
સામાન્ય રીતે આપણી તન અને મનની સ્વસ્થતા માટે એટલેકે આપણે હંમેશ નિરોગી- તંદુરસ્ત રહીએ તે માટે અઠવાડિયાના પાંચ દિવસ યોગ-પ્રાણાયામ કરવા જ જોઈએ. આપણી દિનચર્યામાં જ તેનો સમાવેશ કરવો જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધે, સ્નાયુઓ મજબૂત બને, યાદ શક્તિ વધે, મન શાંત રહે એટ્લે સ્વાભાવિક જ નિરોગી રહી શકીએ. વિચારવાની શક્તિ વધે, મન એકાગ્ર બની કાર્ય કરે એટ્લે ઓછા સમયમાં વધુ યાદ રાખી અભ્યાસમાં પ્રગતિ કરી શકીએ. આના કારણે માંદગી પાછળ થતાં ખર્ચમાં પણ ઘટાડો થાય. વળી, સમયનો પણ બચાવ થાય છે. જેને લીધે આર્થિક ઉન્નતિ પણ થવાની. યાદ શક્તિ અને એકાગ્રતામાં વધારો થાય તેમજ દરેક કાર્ય પૂર્ણ ધ્યાન પૂર્વક કરવાથી ક્ષમતા વધે એટ્લે નોકરી –વ્યવસાયમાં પણ પ્રગતિ થવાની. વર્તમાન સમયમાં સતત મોબાઈલનો ઉપયોગ સમય પસાર કરવા, મનોરંજન મેળવવા કે પછી અભ્યાસ- વ્યવસાયને કારણે ઘણા કામકાજ ઓનલાઈન થતાં હોવાના લીધે ‘માયોપિયા ટેક્સ્ટ નેક’ નામની શારીરિક માનસિક બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આ બીમારીમાં ચીડિયાપણું, ગુસ્સો, હતાશા, માથાનો દુખાવો, નિરસતા, સ્વ-ઈજા કરવાના વિચારો, અનિદ્રા તેમજ વર્ટીગોં, સર્વાઈકલ પેઇન થાય છે. આ બધાથી બચવા માટે એક જ સચોટ ઉપાય છે યોગ- પ્રાણાયામ. યોગ સાથે જ અમુક સૂક્ષ્મ ક્રિયાઓ તેમજ સર્વાંગી વ્યાયામ પણ જરૂરી છે. આ બધી બાબતોને વિશ્વ એ પણ અપનાવી છે.
ઘણા લોકો આ મહત્વને સમજીને યોગ કરતાં હોય છે પરંતુ તેના ફાયદા મેળવી શકતા નથી કારણકે ક્યારેક તેઓ નિયમિત રહી શકતા નથી તો ક્યારેક ખોટી રીતે કરવામાં આવે એટ્લે જ યોગ કરવા માટે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. યોગ શરૂ કરતાં પહેલા એક પ્રાર્થના હંમેશ કરવી જોઈએ.
ૐ સંગચ્છધ્વ સંવદધ્વ સં મનાન્સિ જાનતામ . દેવા ભાગમ યથા પૂર્વે સજજનાના ઉપાસતે |
આનો અર્થ છે : આપણે એક સાથે ચાલીએ, એક સાથે બોલીએ, આપણું મન એક બને. પ્રાચીન સમયના દેવતાઓનું આવું આચરણ હતું માટે તેઓ વંદનીય છે. આપણે પણ તેવા બનવા પ્રયત્ન કરવા માટે યોગ અપનાવીએ.
પ્રાણાયામ
પ્રાણ આયામ એટ્લે પ્રાણાયામ. આનો મતલબ છે કે શ્વાસની સામાન્ય ગતિને નિયંત્રણ કરી દીર્ઘ (લાંબી) કરવી. ફેફસાને મજબૂત બનાવવા માટે, લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કરવા માટે, લોહીમાં ઑક્સીજન પ્રમાણ વધારવા પ્રાણાયામ જરૂરી છે. યોગ્ય રીતે શ્વાસ લેવા અને છોડવાની ક્રિયા કરવામાં આવે તો તન –મનથી સ્વસ્થ રહી જીવનને માણી શકાય છે. શ્વાસ લેતી વખતે પહેલાં ડાયાફ્રામ (પેટની ઉપરનો ભાગ) અને પછી છાતીનો ભાગ ફૂલવો જોઈએ. શ્વાસ બહાર નીકળે ત્યારે પેટ અંદર જવું જોઈએ. પ્રાણાયામ ઘણા પ્રકારના હોય છે. અમુક બીમારી માટે ખાસ પ્રાણાયામ પણ હોય.
સૂર્ય નમસ્કાર
ધરતી પર રહેનાર તમામ સજીવને હવા, પાણી અને સૂર્યની ઉર્જા ની જરૂર પડે છે જેમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય પ્રકાશ વિટામિન D આપે છે તે હેતુથી જ સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્યની ઉર્જાનો શરીરમાં સંગ્રહ કરવાનું મહત્વ છે. માટે જ ધર્મ સાથે જોડી દઈને હિન્દુ ધર્મમાં સૂર્યને દેવ ગણી પૂજન કરવામાં આવે છે પણ હકીકતમાં આ કોઈ ધાર્મિક પુજા નથી પરંતુ સંપૂર્ણ – સ્વતંત્ર વ્યાયામ છે માટે દરેક ધર્મના વ્યક્તિઓએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કારમાં સૂર્યના 12 નામ લેતા જઈ કરવાના હોય છે. વળી તેના દ્વારા આપણાં ચક્રો પણ ઊર્જાન્વિત થાય છે. શરીરના દરેક અંગ બળવાન અને નિરોગી બને છે. પેટ, આંતરડા, સ્વાદુપિંડ, હ્રદય, ફેફસાં સ્વસ્થ રહે છે. કરોડરજ્જુ અને કમરને લચીલા બનાવે છે. શરીરના ઝેરી દ્રવ્યો બહાર કાઢે છે. વધારાનું વજન ઓછું કરે છે. ચામડી સુંદર, ડાઘ રહિત, તેજસ્વી, કસાયેલી બને છે. સુગર લેવલ નિયમિત કરે છે જેથી ડાયાબિટીક દર્દીઓએ ખાસ કરવું જોઈએ. ઉપરાંત લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. સવારે કે સાંજે સૂર્યની દિશામાં આ વ્યાયામ પેટ- આંતરડા અને કિડની ખાલી હોય ત્યારે કરવું જોઈએ. પણ જો સવારે કરવામાં આવે તો તેનું પરિણામ ઉત્તમ મળી રહે છે. સૂર્યનો કુમળો તડકો શરીર પર પડવો જોઈએ. અથવા રૂમમાં પણ કરી જ શકાય. ઝડપથી, મધ્યમ કે ધીમે કરી શકાય.
આજથી જ સંકલ્પ કરી લઈએ કે આપણી દિનચર્યામાં યોગ- ધ્યાન –પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનો સમાવેશ કરીને હંમેશ નિરોગી સ્વસ્થ રહેવું છે. ઓનલાઈન ક્લાસ પણ કરી શકાય. કોરોનાની આફત સ્વ સાથે સુમેળ સાધવાનો અવસર લાવી છે એવો હકારાત્મક અભિગમ કેળવીને સ્વાસ્થ્યને સાચવીએ. ‘કરો યોગ, રહો નિરોગ’.
પારૂલ દેસાઈ