Yog-Viyog - 50 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 50

યોગ-વિયોગ - 50

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૦

‘‘મોમ...’’

‘‘નીરવ...?! અત્યારે ? બધું બરાબર તો છે ને ? તારા ડેડ...’’

‘‘દરેક વખતે ડેડની ચિંતા થાય છે તને ? હું મારા કામ માટે ફોન ના કરી શકું ?’’

‘‘કરી જ શકે બેટા, પણ ક્યારેય કરતો નથી એટલે નવાઈ લાગી. એકાદ પેગ ગળા નીચેઊતરે પછી જ તને મા યાદ આવે છે. એટલે મને નવાઈ લાગી...’’

‘‘બસ ! બોલી લીધું ?’’

‘‘હા, હવે તું બોલ.’’ રિયાના અવાજમાં થોડું આશ્ચર્ય અને થોડીક મજાક હતા.

‘‘મેં સેટલ થવાનું નક્કી કરી લીધું છે.’’

‘‘એટલે અત્યાર સુધી તું સેટલ નહોતો, એમ ને ?’’ રિયાએ મનોમન ગણતરી માંડી અને એને લાગ્યું કે હંમેશની જેમ ફરી એક વાર બાપ-દીકરો બાખડ્યા હશે. વિષ્ણુપ્રસાદે કંઈક એવું આડું અવળું કહ્યું હશે એટલે નીરવે ફરી એક વાર મુંબઈ છોડવાનુું નક્કી કર્યું હશે અને હંમેશની જેમ ચિડાઈને ફોન કર્યો હશે.

આવું પહેલાં અનેક વાર થઈ ચૂક્યું હતું. વિષ્ણુપ્રસાદ એમના સ્વભાવને કારણે કડવું બોલવાનું છોડી ન શકતા અને નીરવને ખાસ કરીને જ્યારે વિષ્ણુપ્રસાદ, ‘રિયાનો દીકરો’ કહીને કંઈક સંભળાવે કે ચોપડાવે ત્યારે ભારે લાગી આવતું. તમામ રીતે નીરવે વિષ્ણુપ્રસાદ સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિષ્ણુપ્રસાદના સ્વભાવે કોઈનેય એમની સાથે ફાવે એમ નહોતું. નીરવ સગો દીકરો હોવા છતાં એમાં અપવાદ નહોતો. સંબંધો કરતાં તેમણે હંમેશાં જાતને વધારે મહત્ત્વ આપ્યું હતું અને એને કારણે જ રિયાએ એમને છોડીને પરદેશ સેટલ થવાનું નક્કી કર્યું હતું.

નીરવ અને વિષ્ણુપ્રસાદને પણ અવારનવાર જુદી જુદી બાબતોએ ચકમક ઝરી જતી. નીરવનું ઓફિસમાં ગેરહાજર રહેવુંથી શરૂ કરીને એનું ઘરે મોડા આવવા સુધી કોઈ પણ બાબતે વિષ્ણુપ્રસાદ ચિડાઈ શકતા અને એક વાર ચિડાય પછી એ આગલો-પાછલો બધો જ હિસાબ ખોલી નાખતા. આજથી બે-ચાર મહિના પહેલાં બનેલી બાબત પણ એ વખતે ફરી એક વાર પાછી ખૂલતી અને વિષ્ણુપ્રસાદની જીભ લીંબડાના રસમાં બોળેલા કારેલા જેવી થઈને એવા વાક્યો ઉચ્ચારતી જે નીરવ માટે અસહ્ય થઈ પડતાં.

વિષ્ણુપ્રસાદની એકલતા અને એમના સ્વભાવની મુશ્કેલીઓ સમજી શકતો નીરવ સામાન્ય રીતે કડવા ઘૂંટડા ગળી જતો, પણ ક્યારેક એનામાં રહેલો રિયાનો વિદ્રોહી સ્વભાવ ઊછળી આવતો અને એ વિષ્ણુપ્રસાદને જવાબ તો આપી જ દેતો, પણ સાથે ઘર અને મુંબઈ બંને છોડવાનો નિર્ણય કરી બેસતો.

જ્યારે જ્યારે આવું બનતું ત્યારે નીરવ રિયાને ફોન કરતો.

‘‘મેં ટિકિટ લીધી છે ’’ અને ‘‘ક્યારેય પાછો નથી આવવાનો’’ સુધી બધું જ કહી નાખતો. ચોવીસ કલાક પસાર થતા અને ઊભરો શમી જતો ત્યારે વિષ્ણુપ્રસાદની તબિયત અને એકલતાના વિચારે નીરવનો ગુસ્સો ઊતરી જતો અને વિચાર બદલાઈ જતો.

આ એવો જ કોઈ પ્રસંગ હશે એમ માનીને રિયા જરા મજાકના મૂડમાં હતી. નીરવના આવા ગુસ્સાઓને હવે રિયા સિરિયસલી નહોતી લેતી.

‘‘તારા ડેડી અઠ્ઠાવન વર્ષે પણ સેટલ નથી થયા તો તું ઓગણત્રીસ વર્ષે ક્યાંથી સેટલ થઈ જવાનો છે ?’’ રિયાએ મજાક કરી.

‘‘મોમ, મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.’’

‘‘વ્હોટ...?!?!’’ રિયા લગભગ ઊછળી પડી. અડધી રાત વીતી ગઈ હોવા છતાં રિયાના અવાજમાં જે કુતૂહલ, આશ્ચર્ય અને આનંદ ઊભરાઈ આવ્યા એ અવર્ણનીય હતા.

‘‘શું વાત કરે છે ? કોણ છે એ છોકરી ? શું નામ છે ?’’

‘‘લક્ષ્મી.’’

રિયાનો અવાજ ઠંડો પડી ગયો, ‘‘એની જોડે તો વિષ્ણુપ્રસાદ પરણ્યા છે. જિંદગી આખી તારા બાપે માત્ર કમાવાનો વિચાર કર્યો અને હવે તને પણ મનીમેકિંગ મશીનમાં ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે.’’ રિયાનું ગળું ભરાઈ આવ્યું, ‘‘મને તો એમ કે તું સિરિયસલી, સાચે કહે છે.’’

‘‘મોમ, હું સાચું કહું છું. લક્ષ્મી એટલે પૈસાની વાત નથી કરતો. એ છોકરી છે. એનું નામ સાચે જ લક્ષ્મી છે.’’

‘‘ખરેખર ?’’ રિયાને હજીયે વિશ્વાસ નહોતો આવતો.

‘‘હા મા, ખરેખર. અમેરિકન સિટિઝન છે. ત્યાં જ જન્મી છે. ન્યૂયોર્કમાં રહે છે.’’

‘‘ઓહ ગોડ ! આઈ એમ સો હેપ્પી...’’ રિયાએ કહ્યું અને મનોમન જાણે એના દીકરાને વહાલ કરી લીધું.

‘‘મોમ, આઇ નીડ એ ફેવર.’’

‘‘તારા ડેડી સાથે હું વાત નહીં કરું.તું તો જાણે છે, અમેરિકામાં રહેતી છોકરીની વાત કરીશ એટલે એવું ધારી લેશે કે આ બધું ગોઠવેલું મારું ષડયંત્ર છે. આઇ નો વિષ્ણુ ટુ વેલ.’’

‘‘મોમ, ડેડને વાત નથી કરવાની. બીજું કામ છે મારે.’’ આ કહેતાં જ નીરવે વિચાર આવ્યો કે માત્ર લગ્ન કરવાનું નક્કી કરવાથી કંઈ નહીં થાય. વિષ્ણુપ્રસાદના ગળે આ વાત ઉતારવી સૌથી અઘરી બાબત બનવાની છે. અત્યારે એ અગત્યની વાત નહોતી એટલે એ ચર્ચા ટાળીને એણે વાત આગળ ચલાવી, ‘‘મોમ, લક્ષ્મીના ડેડી હોસ્પિટલમાં છે, એ એકલી છે.’’

‘‘તો તું આવી જાને અહીંયા.’’

‘‘હું તો આવીશ જ, પણ એ પહેલાં એ તને ફોન કરશે. બની શકે તો તું લીવ લઈને...’’

‘‘શ્યોર, એનો ફોન આવશે તો હું જરૂર જઈશ.’’

‘‘આવશે જ મા, હુંં કહીશ એને.’’

‘‘નીરવ, તેં બરાબર વિચાર્યું છે ને ?’’ રિયાથી પૂછ્‌યા વિના ના રહેવાયું, ‘‘માત્ર જુવાનીના આવેગમાં કે કોઈ છોકરી ગમી ગયાના ઉન્માદમાં જિંદગીભરનું વચન નથી આપી બેઠો ને ?’’

‘‘ના મોમ, મેં ખૂબ વિચાર્યું છે. ઇનફેક્ટ લક્ષ્મી જ્યારે અહીંથી ગઈ ત્યારે અમે તો ઓલમોસ્ટ બ્રેકઓફ કરી નાખેલું, પણ એના ગયા પછી મને સમજાયું છે કે અમે એકબીજા માટે જ બન્યા છીએ, કદાચ !’’ નીરવના અવાજમાં ખૂબ પીડા ભળી ગઈ, ‘‘બે ખરાબ લગ્નનાં સંતાનો કદાચ એક સારું લગ્ન જીવી શકે ?’’

‘‘એટલે...’’ રિયા સહેજ અચકાઈ, ‘‘એના પેરેન્ટસ પણ...’’

‘‘એ અલયની સ્ટેપ સિસ્ટર છે.’’

‘‘એટલે ? અલયના ડેડી...’’

‘‘અમેરિકામાં સેટલ થયા હતા. પચીસ વર્ષે ઘેર પાછા ફર્યા ત્યારે સાથે લક્ષ્મીને લઈને આવ્યા.’’

‘‘ધીસ ઈઝ મેન ! આ પુરુષ છે, પચીસ પચીસ વરસથી રાહ જોતી પત્નીની કોઈ કિંમત નહીં. એમણે તો જઈને લગ્ન કરી લીધાં. પોતાની જિંદગી વસાવી લીધી. એમની દુનિયા બરાબર ચાલવી જોઈએ. બાકી જેનું જે થવાનું હોય તે થાય, એ જ પુરુષની પ્રકૃતિ છે.’’ રિયાના અવાજમાં ભારોભાર કડવાશ હતી.

નીરવ સહેજ હસ્યો, ‘‘મોમ, તું પુરુષની નહીં, એકલા ડેડની વાત કરે છે. પુરુષ હું પણ છું, પણ હું એવો નથી કદાચ, અને મારી આસપાસ એવા ઘણા પુરુષો છે, જે એવા નથી.’’

‘‘તું કેવો છે એ મને નથી ખબર ?’’ રિયાના અવાજમાં હજી કડવાશ અકબંધ હતી, ‘‘તારા મોટા થયા પછી જ્યારે કોર્ટે તને પસંદગી કરવાની છૂટ આપી ત્યારે પણ તેં તો તારા ડેડી સાથે જ રહેવાનું નક્કી કર્યું. તને એવો વિચાર ના આવ્યો કે તારી મા પણ એકલી છે. તને માત્ર તારા ડેડીની તકલીફ અને એકલતા દેખાઈ. તારી માની પીડા તારા માટે જરાય અગત્યની નહોતી નીરવ.’’

‘‘મોમ, આ શું ડિસ્કસ કરી રહ્યા છીએ ? અને શાના માટે ? આ જ વાત ઉપર આપણે અનેક વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. મેં તને મારો પોઇન્ટ ઓફ વ્યૂ પૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તું એ ભૂલી જાય છે કે ત્યારે મારા નિર્ણય સાથે તું સહમત હતી...’’

‘‘એની વે નીરવ, ફરી ક્યારેક આ વાત કરીશું આપણે !’’ રિયાએ જાણે ચર્ચા અધૂરી છોડી દીધી, ‘‘લક્ષ્મીને કહેજે મને ફોન કરે. હું જઈશ એની પાસે ન્યૂયોકર્.’’

એ પછી મા-દીકરા વચ્ચે ખાસ્સી ક્ષણો મૌન વીતી ગઈ. પછી જાણે વાત પૂરી કરવી હોય એમ નીરવે કહ્યું, ‘‘મોમ, લક્ષ્મી ખૂબ સરસ છોકરી છે. આઇ હોપ, એ તને સમજી શકશે.’’ અને પછી હળવેથી ફોન મૂકી દીધો.

મુકાઈ ગયેલા ફોન છતાં રિસિવર હાથમાં પકડીને રિયા થોડી વાર ફોન સામે જોતી રહી. આ એ જ નીરવ હતો જેને માટે લગ્ન એક ભયાનક સપનાથી વધારે કશું નહોતું. આજે એ જ નીરવ જિંદગીની દિશામાં જોઈ રહ્યો હતો, અને પોતાની ફરજ એક મા તરીકે ફક્ત એટલી જ હતી કે પોતાના દીકરાને પોતે કરેલી ભૂલોથી દૂર રાખે... રિયાએ વિચાર્યું, અને ફોન મૂકીને ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

‘‘મા...હું શું કરું ? જે થયું તે સ્વીકારી શકતી નથી અને નથી સ્વીકારી શકતી એટલે વધુ ને વધુ દુઃખી થતી જાઉં છું, દુઃખી થાઉં છું એટલે શું કરું તો સત્ય બદલાય એ વિચારે નહીં સ્વીકારવાની વૃત્તી તીવ્ર થાય છે... અને સત્ય બદલવાના ફાંફા મારું છું એટલે ફરી વધુ દુઃખી થાઉં છું.’’ વૈભવીએ ટેબલ પર માથું નાખી દીધું. વસુમાએ એના વાળમાં આંગળા પરોવ્યા. એના વાળ હજી ભીના હતા.

હળવેથી એના માથામાં હાથ ફેરવતાં વસુમા કશું બોલ્યાં નહીં, પણ એમનો સ્પર્શ એટલો તો મમતામયી હતો કે વૈભવીની અંદર ધીરે ધીરે કશુંક શાંત થવા માંડ્યું એવું એ અનુભવી શકી.

‘‘બેટા, સત્ય એટલે જ જે ન બદલી શકાય તે. સૂર્ય ઊગે, દિવસ બદલાય, ઋતુઓનું ચક્ર ફરતું રહે, આ બધાં સત્ય છે. આપણને ગમે કે નહીં, સમય એનું કામ કર્યા જ કરે છે. આપણે સ્વીકારીએ કે નહીં, પરિસ્થિતિ એનો વળાંક લઈને એનું ધાર્યું જ કરે.’’

‘‘એટલે મા, માણસનું કોઈ મહત્ત્વ નહીં ? એની ઇચ્છાઓ, એના સંબંધો અને સંબંધોને આવેલાં વર્ષો બધું જ નકામું ? બધું જ સત્યના ચરણમાં નાખીને જીવવાનું માણસે ? માત્ર સત્યને આશરે ?’’ જાનકીએ નવાઈથી વૈભવીની સામે જોયું, ‘‘આ વૈભવીની ભાષા હતી? એ વૈભવીની, જે હંમેશાં નસીબને પોતાની મુઠ્ઠીનું રમકડું માનતી. જેને માણસની લાગણી કરતાં વધારે હાર-જીતની ચિંતા હતી. એ વૈભવી આ ભાષામાં અને આટલી બધી ઋજુ થઈને બોલી રહી હતી ? આ સમયની રમત નહોતી તો બીજું શું હતું ?’’

‘‘બેટા, માણસ માત્ર પાસે સત્યને સ્વીકાર્યા સિવાય બીજોે કોઈ રસ્તો બચતો નથી. હસીને સ્વીકારો કે રડીને, સ્વીકાર તો કરવો જ પડે છે. સત્ય પરિસ્થિતિનું, સંબંધોનું કે બીજું કોઈ પણ માણસના ગમા-અણગમા સાથે કે ઇચ્છા-અનિચ્છા સાથે બદલાતું નથી. માણસે બદલાવું પડે છે. સત્યની ઇચ્છા અને સત્યના ગમા-અણગમા સાથે.’’ પછી વસુમાએ જાનકી સામે જોયું. જાણે એને પણ કહેતાં હોય એમ એમણે આગળ કહ્યું, ‘‘બેટા, અભય કે અજય તમારાથી વધુ અગત્યના નથી.’’

વૈભવીએ નવાઈથી વસુમાની સામે જોયું.

‘‘હા બેટા, એ મારા દીકરા છે અને છતાં તમને એક વાત કહેવી છે મારે. એક સ્ત્રી તરીકે, એક સ્ત્રી બનીને એક સલાહ આપવી છે.’’ બંને પુત્રવધૂઓ વસુમાની સામે જોઈ રહી.

‘‘કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર એટલા મહત્ત્વના નથી કે એને રડારોળ કર્યા વિના છોડી ન શકાય ! મુક્તિ શબ્દ બહુ સ્વાર્થી હોવો જોઈએ બેટા.’’ એમનો હાથ ક્યારનોય વૈભવીના વાળ અને પીઠ પસવારી રહ્યો હતો, ‘‘કોઈ પણ સંબંધમાંથી જાતને બહાર ખેંચી લેવી અઘરી જરૂર છે, અશક્ય નથી.’’

‘‘પણ મા, આટલાં વર્ષો, આટલી લાગણીઓનાં બંધન, સાથે ગાળેલો સમય... એ મોહ... અને આસક્તિ...’’ વૈભવી આજે જાણે સાવ જુદી વ્યક્તિની જેમ વાત કરી રહી હતી. આજ સુધીની વૈભવી ક્યારેય કોઈની પાસે પોતાના મનની ગૂંચવણ ખોલે એ તો શક્ય નહોતું જ, પણ કોઈની વાત કે વ્યાખ્યા આટલી શાંતિથી સાંભળે કે સ્વીકારે એ પણ તદ્દન અસંભવ હતું.

‘‘એક સંબંધનું તૂટવું માણસને કેટલો બદલી નાખે છે !’’ જાનકી વિચારી રહી, ‘‘અત્યારની તૂટેલી-હારેલી વૈભવી પહેલાની વૈભવી કરતાં વધુ વહાલી અને વધુ પોતાની લાગે છે.’’ જાનકી પોતાના જ વિચારથી ચોંકી ગઈ, ‘‘માણસ માત્રને નબળાં-હારેલાં કે તૂટેલાં વ્યક્તિત્વો માટે અનાયાસે લાગણી જાગતી હશે ? શું દુઃખી માણસ જ સ્નેહને પાત્ર છે ? સ્નેહનો રસ્તો સહાનુભૂતિમાંથી જ પસાર થાય છે?’’

‘‘શું વિચારે છે જાનકી ?’’ વસુમાએ અચાનક જ એની વિચારશ્રૃંખલા તોડી નાખી.

‘‘હં...!? કંઈ નહીં.’’

‘‘આજે ઘરે રસોઈ નહીં બનાવતાં. તું અને વૈભવી બહાર જાવ. ઘરમાં બીજું તો કોઈ છે નહીં. અજય પણ મોડો આવવાનો છે. મારી વ્યવસ્થા હું કરી લઈશ.’’

‘‘કેટલી સમજદાર છે આ સ્ત્રી !’’ બંને પુત્રવધૂઓના મનમાં એકસાથે વિચાર આવ્યો, ‘‘અમને બંનેને થોડો સમય જાત સાથે રહેવાની- થોડો સમય આ આખીય પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. એ કેટલી સરળતાથી સમજે છે અને કેટલી સ્વાભાવિકતાથી સ્વીકારે છે !’’

‘‘મા, કરી શકો તો મને માફ કરી દેજો.’’ વૈભવીથી સ્વભાવ વિરુદ્ધ કહેવાઈ ગયું, પછી એ ખુરશીને પાછળ ધકેલીને ઊભી થઈ. એ ત્યાંથી જાય એ પહેલાં વસુમા ઊભાં થયાં અને એમણે વૈભવીને પોતાની નજીક ખેંચીને છાતીસરસી ચાંપી દીધી. એમનો હાથ વૈભવીની પીઠ પર હળવે હળવે ફરતો રહ્યો અને વૈભવી એક પણ શબ્દ બોલ્યા વિના થોડીક ક્ષણો એમ જ શાંત ઊભી રહી.

‘‘ઊઠો પ્રિયે !’’ અભયે પ્રિયાના વાળ એના ચહેરા પરથી ખસેડ્યા.

‘‘ઊંહ ! આજે ક્યાં ઓફિસ જવાનું છે ?’’

‘‘એટલે ઊંઘ્યા જ કરીશ ?’’

‘‘હા. મને ડર લાગે છે કે આંખ ખોલીશ તો સપનું તૂટી જશે.’’

‘‘આંખ ખોલીને જો તો ખરી...’’ અભયે છાતી પર માથું મૂકીને સૂતેલી પ્રિયાના કપાળ પર એક ચુંબન કર્યું, ‘‘તારું સપનું જીવતું-જાગતું તારી સામે ઊભું છે. રાહ જોઈને - કે તું જાગે અને એને વહાલ કરી દે.’’

‘‘અભય, આ સુખ, આ સુધિંગ ફીલ અને આ આકંઠ છલકાઈ જતી તૃપ્તિ...’’ પ્રિયાએ સહેજ આંખ ખોલીને ઊંચું જોયું, ‘‘વૈભવીબહેનને છેલ્લી વાર મળ્યા પછી મને મારી પોતાની ન હોય એવું લાગવા માંડ્યું છે.’’

‘‘વ્હોટ રબીશ...’’ અભય પ્રિયાને ધક્કો મારીને ઊભો થઈ ગયો, ‘‘એ એરપોર્ટ મૂકવા જ એટલા માટે આવી હતી કે એ તારા મનમાં ગિલ્ટ નાખી જાય.’’

‘‘ખબર નહીં કેમ, આ વખતે મને તમારી વાત સાચી નથી લાગતી.વૈભવીબહેનની આંખોમાં જે પીડા અને આટલાં વર્ષો પછીના સંબંધ તૂટ્યાનું દુઃખ હતું એ કોઈ પણ સંવેદનશીલ સ્ત્રીને હચમચાવી મૂકવા માટે પૂરતું હતું, અભય !’’ પ્રિયા હજીયે એમ જ શાંત સૂતી હતી.

‘‘હું સમજી નથી શકતો કે સ્ત્રીના મનમાં શું હોય છે.’’ અભય અકળાઈ ઊઠ્યો હતો, ‘‘જ્યાં સુધી વૈભવીને ખબર નહોતી, ત્યાં સુધી તું મારી સાથે સમય ગાળવા બહારગામ જવાની, મને રાત્રે તારા ઘરે રોકી લેવાની જીદ કરતી, વારંવાર એવો આગ્રહ રાખતી કે મારે વૈભવીને આપણા સંબંધો વિશે ચોખ્ખેચોખ્ખું અને સ્પષ્ટ કહી દેવું જોઈએ અને હવે વૈભવીની સંપૂર્ણ જાણમાં એને કહીને પૂરેપૂરી સમજૂતીથી તને લઈને આવ્યો છું તો આની આ વાત ગઈ કાલ રાતથી અત્યાર સુધી તેં મને ત્રીજી વાર કહી. શું ઇચ્છે છે તું ?’’ અભયે પૂછ્‌યું અને ઊભો થઈને બાથરૂમ તરફ જવા લાગ્યો.

‘‘અભય !’’ પ્રિયા ઊભી થઈ અને એણે અભયને પાછળથી પકડી લીધો. એના હાથ અભયની છાતી પર અંકોડાની જેમ ભીડાઈ ગયા અને એણે અભયની પીઠ પર માથું મૂકી દીધું, ‘‘ગુસ્સે ના થાવ, કોઈ પણ સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ નથી જોઈ શકતી.’’

‘‘વાહ !’’ અભયે પ્રિયાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. પ્રિયાએ વધારે કસીને પકડી લીધો અભયને, ‘‘એટલે તું એમ કહેવા માગેછે કે વૈભવી તારું દુઃખ ન જોઈ શકી એટલેએણે આપણને અહીંયા આવવા દીધા અને તું એનું દુઃખ નથી જોઈ શકતી એટલે હવે...’’

‘‘અભય ! કડવું લાગે છતાં આ સત્ય છે. હોસ્પિટલમાં મેં જે કંઈ કહ્યું એ વાતની વૈભવીબહેન પર અસર થઈ છે એ નક્કી.’’

‘‘તો હવે મારું શું કરવા ધાર્યું છે ?’’ અભય પ્રિયા તરફ ફર્યો અને એને ખભામાંથી પકડી લીધી, ‘‘તમે બે જણા મને ફૂટબોલ સમજો છો? ક્યારેક એકબીજાની હાથમાંથી આંચકી લેવાનો પ્રયત્ન કરો છો તો ક્યારેક લાત મારીને એકબીજા તરફ ધકેલવાનો પ્રયત્ન કરો છો...’’ અભય સાચે જ ચિડાઈ ગયો હતો.

‘‘અભય, અમે નથી આંચકી લેવાનો પ્રયત્ન કર્યો કે નથી તમને કોઈ ધકેલતું. અમે બંને તમને પ્રેમ કરીએ છીએ... અને બંને તમારું સુખ ઇચ્છીએ છીએ.’’

‘‘પ્રિયા ! જો મારું જ સુખ ઇચ્છતાં હો બંને જણા...’’ અભયે પ્રિયાની આંખોમાં જોયું, ‘‘તો મને નક્કી કરવા દો કે મારું સુખ શામાં છે? હું બે વરસનું બાળક નથી કે મને બહુ ચોકલેટ ખાવાના ગેરફાયદા ખબર ના હોય.’’

‘‘અભય, તમે સમજતા નથી...’’

‘‘સમજું છું, બધું જ સમજું છું...’’ અભયનો અવાજ ખૂબ ઊંચો થઈ ગયો હતો, ‘‘તને જો એટલું જ ગિલ્ટ થતું હોય તો ચાલ, કાલે પાછા જતા રહીએ.’’

‘‘મેં એવું નથી કહ્યું.’’

‘‘હું કહું છું.’’ અભયનો અવાજ હજીયે ઊંચો હતો. એ ગુસ્સામાં પલંગ પર બેસી ગયો, ‘‘ગઈ કાલ સુધી તને થ્રિલ હતી, કોઈના પતિની સાથે છાનોછપનો અફેર કરવાની. હવે એ રોમાંચ મરી ગયો ને ? હવે તો તને વૈભવીએ પણ સ્વીકારી લીધી, હાર-જીતની બાજી પૂરી થઈ ગઈ...’’

‘‘અભય...’’ પ્રિયાનો અવાજ એકદમ સંતુલિત હતો. એ અભયની બાજુમાં બેસી ગઈ અને હળવે હળવે એની પીઠ પર, એના ખભા પર, એની છાતી પર હાથ ફેરવવા લાગી, ‘‘અભય, હાર-જીતની બાજી નહોતી એ, ત્યારે પણ ! ને આજે પણ નથી જ. સવાલ માત્ર એક વ્યક્તિની લાગણીઓ સમજવાનો છે. હું એમની જગ્યાએ હોઉં તો...’’

‘‘તું ક્યારેય ના હોય એની જગ્યાએ.’’ અભયના અવાજમાં ગુસ્સાની સાથે તિરસ્કાર અને કડવાશ ભળી ગયા, ‘‘બબ્બે દાયકા પૂરા થવા આવ્યા, વૈભવી ક્યારેય પોતાની જાતને છોડીને કશું વિચારી શકી જ નથી. એણે હંમેશાં મારી લાગણીઓનો, મારી ભલમનસાઇનો, મારી સારાઈનો અર્થ એક જ કર્યો - મારી નબળાઈ.’’ એ થોડી વાર તદ્દન ચૂપ થઈ ગયો. પ્રિયાએ પણ એના મૌનને છંછેડ્યા વિના એ ફરી બોલે એની રાહ જોઈ.

‘‘પ્રિયા, શું કહું તને ?’’ અભય જાણે જાત પ્રત્યેની ઘૃણાથી ઊભરાઈ રહ્યો હતો, ‘‘એને શાંત રાખવા, એના વર્તનની અસર નીચે, મારા ઘરમાં મારી મા અને મારાં ભાઈઓ અને બહેન પર ન પડે એટલા ખાતર, માત્ર એટલા ખાતર એની દરેક જીદ સામે હથિયાર નાખી દીધાં છે મેં.’’ અભયની આંખોમાં હલકી ભીનાશ ઊતરી આવી હતી, ‘‘એક પુરુષ થઈને મારા શરીરનો સોદો કર્યો છે મેં. એ કહે ત્યારે અને કહે એ રીતે એની શરીરની ભૂખ સંતોષી છે મેં, મારી ઇચ્છા હોય કે ના હોય...’’ એણે પ્રિયાને પકડીને હચમચાવી નાખી, ‘‘સમજે છે ? એક પુરુષ માટે આનાથી વધારે ઘૃણાસ્પદ બાબત કઈ હોઈ શકે ? એક વસ્તુની જેમ ફાવે તેમ અને ફાવે ત્યારે મારો ઉપયોગ કર્યો છે એણે.’’

‘‘હા, અભય !’’ પ્રિયાના હાથ હજુ અભયને પંપાળતા હતા, ‘‘હું સમજી શકું છું.’’

‘‘ના.’’ અભયે લગભગ ચીસ પાડી, ‘‘નહીં સમજી શકે તું. મને એક જિગોલો જેવી, એક પુરુષવેશ્યા જેવી અનુભૂતિ કરાવી છે એ બાઈએ.’’ એણે થૂંક ગળે ઉતાર્યું, ‘‘અને આ બધું કર્યા છતાં જે માટે આ કરતો રહ્યો એ તો મળ્યું જ નહીં, પ્રિયા !’’

પ્રિયા ચૂપચાપ અભયની સામે જોતી રહી.

‘‘ઘરની શાંતિ માટે, આટલાં બધાં અને મોટાં સમાધાનો કર્યાં પછી પણ એ તો એની એ જ રહી... આ બધાંય વર્ષો દરમિયાન.’’ અભય નીચું જોઈને ચૂપચાપ બેસી રહ્યો ખાસ્સી વાર સુધી. એનો આક્રોશ, એનો ગુસ્સો ઠંડા પડે એની રાહ જોતી પ્રિયા પણ એની બાજુમાં ચૂપચાપ બેસીને એને હળવે હાથે વહાલ કરતી રહી.

‘‘પ્રિયા, હું તારો વાંક નથી કાઢતો.’’ અભયનો અવાજ જાણે ઊંડી ગુફામાંથી આવતો હોય એવો હતો, ‘‘તેં એનાં આંસુ જોયાં છે. આજે જ ! પહેલી વાર ! પણ મેં જે વૈભવી જોઈ છે અને જેવી એને ઓળખી છે એ પછી મને એને માટે કોઈ દયા કે સહાનુભૂતિ નથી થઈ શકતી. આઇ એમ સોરી !’’

અભય ઊભો થવા જતો હતો કે પ્રિયાએ એનો હાથ પકડીને બેસાડી દીધો. બંને હાથ એના ખભાની આસપાસ લપેટીને માથું એના ખભે મૂકી દીધું, ‘‘ઇટ્‌સ ઓ.કે. અભય.’’

‘‘અને બીજી એક વાત પ્રિયા, તને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ કે ગિલ્ટ થતું હોય તો તું મારી જિંદગીમાંથી ખુશી ખુશી જઈ શકે છે.’’ એણે પ્રિયાનો હાથ પોતાના શરીર પરથી હટાવી લીધો, ‘‘હું તને રોકીશ નહીં, પણ હા, તું જો એમ માનતી હોય કે તારા જવાથી હું વૈભવી પાસે પાછો જઈશ તો એ તારી ભૂલ છે. વૈભવીની જિંદગીમાંથી મારી જગ્યા ક્યારની ભૂસાઈ ગઈ હતી. હવે મેં મારી જિંદગીમાંથી પણ એને કાઢીને ફેંકી દીધી છે...’’ અભય ઝટકાથી ઊભો થઈને બાથરૂમ તરફ ચાલી ગયો.

પ્રિયા અન્યમનસ્ક જેવી થોડી વાર ચૂપચાપ બેસી રહી.

એ જાણતી હતી કે અભય અને વૈભવી વચ્ચે ઘણાં મનદુઃખ છે, પણ અભયના પક્ષે આ વાત આટલી ઊંડી અને આટલી કડવી થઈ ગઈ છે એવી પ્રિયાને કલ્પના નહોતી.

સામાન્ય રીતે વૈભવી સાથે ક્યારેય ઊંચે સાદે ન બોલતો અભય, જાહેર સમારંભોમાં સ્મિત કરતો અભય અને આદર્શ યુગલ હોવાનો દેખાવ કરતાં એ બંનેના સંબંધો આટલી હદે ખોખલા થઈ ગયા છે એ જાણીને પ્રિયાની અંદર કશું હચમચી ગયું હતું ? કે કશુંક સ્થિર થઈ ગયું હતું ? કોને ખબર !

ઓ.ટી. તરફ જઈ રહેલા સ્ટ્રેચર જોડે લક્ષ્મી થોડી વાર દોડી, પછી એ સ્ટ્રેચર લાલ લાઇટવાળા મોટા દરવાજાની પાછળ ખોવાઈ ગયું.

ઓ.ટી.માં જઈને ચારે તરફ નજર ફેરવતા સૂર્યકાંતને લાગ્યું કે જાણે એ આ દુનિયાને છેલ્લી વાર જોઈ રહ્યા છે. મોટાં મોટાં ઇલેક્ટ્રોનિક સાધનો, માથા અને છાતી ઉપર મોટી મોટી લાઇટો, ઓપરેશન ટેબલની બાજુમાં મૂકેલાં જાતજાતનાં સાધનો, મોઢા ઉપર માસ્ક પહેરેલા, ટોપી પહેરેલા ડોક્ટર્સ અને નર્સીસ અને આખાય માહોલમાં ફેલાઈ રહેલી ડિસઇન્ફેક્ટન્ટની તીવ્ર વાસ...

‘‘યેસ ગ્રાન્ડપ્પા... હજી દુઃખે છે છાતીમાં ?’’ચહેરામાં માત્ર બે કાળી આંખો દેખાતી હતી એવી એક પતલી છોકરીએ આવીને એમનો હાથ પકડ્યો અને હાથ લાંબો કરીને કોણીની આગળના ભાગમાં રૂ લઈને ઘસવા માંડ્યું, ‘‘મુઠ્ઠી વાળો.’’

‘‘ગુજરાતી ?!’’

‘‘યેસ... માનિની પટેલ.’’ એ છોકરીએ કદાચ માસ્કની પાછળ સ્મિત કર્યું હશે એવું સૂર્યકાંતને લાગ્યું, ‘‘હું એનેસ્થેટિસ્ટ છું. યુ વીલ બી ફાઇન ઇન અ વ્હાઇલ.’’ એણે કહ્યું અને સૂર્યકાંતને એક ઇન્ટ્રાવીનસ ઇન્જેક્શન આપી દીધું.

બે કાનની નીચે પાછળ બોચીના ભાગમાં સૂર્યકાંતને કશુંક ખૂબ ધીમું, ખૂબ મધુર લાગ્યું... એમની તમામ નસો, તમામ ઉશ્કેરાટ, તમામ પીડા અને તમામ સવાલો જાણે શમી જતા લાગ્યા...

એમની આંખો ધીમે ધીમે ઘેરાવા લાગી. એ ઘેરાતી આંખો સામે વસુમાનો ચહેરો પાણી પર ચીતરેલો હોય એમ હાલતો હાલતો ઓગળવા લાગ્યો.

‘‘કદાચ આમ જ આવતુંં હશે મોત !’’ સૂર્યકાંતને બેહોશીમાં સરી જતાં પહેલાં છેલ્લો વિચાર આવ્યો, ‘‘માણસ તમામ ઉશ્કેરાટ, તમામ પીડા અને સવાલો ભૂલીને એક શાંત, પ્રગાઢ, લાંબી નિદ્રામાં સરી પડતો હશે... એને જ મૃત્યુ કહેવાતું હશે, કદાચ.’’

અને સૂર્યકાંત થોડા સમય માટે દુન્યવી સંપકરેથી કપાઈ ગયા.

એનેસ્થેસિયાની અસર બરોબર થઈ છે એની તપાસ કર્યા પછી ઓપરેશન થિયેટરમાં સૂર્યકાંતની બાયપાસ સજર્રી શરૂ થઈ.

અને બહાર એકલી પડી ગયેલી બેબાકળી લક્ષ્મીએ રિયાને ફોન લગાડ્યો.

‘‘મા...’’

‘‘લક્ષ્મી ?!?’’ રિયાના અવાજમાં આનંદ અને સ્નેહ છલકાતો હતો, ‘‘નીરવે મને કહ્યું કે તું ફોન કરીશ...’’

‘‘મા, આઇ નીડ યુ.’’ લક્ષ્મીનો અવાજ ભરાઈ આવ્યો, ‘‘હું સાવ એકલી છું. મને જરૂર છે તમારી.’’ લક્ષ્મીને પોતાને પણ ના સમજાયું કે એક સાવ અજાણી સ્ત્રી, જેને એણે પહેલાં ક્યારેય જોઈ પણ નથી, જેને વિશે માત્ર સાંભળ્યું છે એની સાથે બે જ વાક્યની વાત કરતાં એ આટલી લાગણીવશ કઈ રીતે થઈ ગઈ ?!

‘‘ઋણાનુબંધ કદાચ આને જ કહેતા હશે !’’ લક્ષ્મીના મનમાં વિચાર આવ્યો.

‘‘હું આવું છું બેટા, ન્યૂયોર્કની પહેલી અવેલેબલ ફ્લાઇટ લઉં છું હું. જરાય ચિંતા ના કરીશ.’’ પછી રિયાએ સૂર્યકાંતના ખબર પૂછ્‌યા.

‘‘બાયપાસ માટે લઈ ગયા છે. ઓપરેશન ઓન છે.’’

‘‘બધું બરાબર થઈ જશે બેટા, ડોન્ટ વરી.’’

‘‘પણ તમે જલદી આવો.’’ કોણ જાણે કયા અધિકારે લક્ષ્મીએ રિયાને કહ્યું.

‘‘યેસ માય ચાઇલ્ડ.’’ રિયાએ કહ્યું અને ફોન ડિસકનેક્ટ કર્યો.

લક્ષ્મી ક્યાંય સુધી સાવ એકલી ઓપરેશન થિયેટરની બહારના વેઇટિંગ લાઉન્જમાં બેઠી રહી. એને જ નહોતી ખબર કે કેટલો સમય પસાર થઈ ગયો. અચાનક ડોક્ટરે આવીને એના ખભ હાથ મૂક્યો.

‘‘હી ઇઝ ફાઇન. એમને રૂમમાં શિફ્ટ કરીએ છીએ.’’

‘‘હું મળી શકું ?’’

‘‘હમણાં નહીં. પણ એ બરાબર છે અને ઓપરેશન પણ સફળ થયું છે.એમની આર્ટરીના બ્લોકેજ ખોલીને બ્લડ ફ્લો બરાબર કરી નાખ્યો છે. કદાચ ફરી એમને આવી તકલીફ નહીં થાય.’’

‘‘થેન્ક યુ.’’ લક્ષ્મીની આંખો ભરાઈ આવી. એણે ડોક્ટરનો હાથ પકડી લીધો.

‘‘ઇટ ઇઝ ઓ.કે. ચિંતા નહીં કરતા.’’ અમેરિકન ડોક્ટરે પ્રોફેશનલ અવાજમાં આરોહ-અવરોહ વિના કહ્યું, ‘‘મેડિકલ ઇન્સ્યોરન્સ તો હશેને તમારો ? પેપર્સ સબમિટ કરી દેજો.’’ અને ઝડપભેર ચાલીને ત્યાંથી નીકળી ગયા.

લક્ષ્મીએ મધુભાઈને ફોન લગાડ્યો.

અજય, જાનકી, વૈભવી, લજ્જા, આદિત્ય અને હૃદય ડાઇનિંગ ટેબલની આસપાસ ગોઠવાયેલા હતા. સૌ ખાસ્સી વારથી તદ્દન ચૂપ અને અન્યમનસ્ક હતા.

ડાઇનિંગ ટેબલ ઉપર વિઝાના સ્ટેમ્પ મારેલા ત્રણ પાસપોર્ટ પડ્યા હતા.

‘‘ક્યારે નીકળવું છે બેટા ?’’ ખાસ્સી ક્ષણો ચૂપકિદીનું વજન વેંઢાર્યા પછી વસુમાએ પૂછ્‌યું.

‘‘પરમ દિવસની ટિકિટ છે. વિઝા આવે એટલે ઓ.કે. કરાવવાની જ રાહ જોતો હતો.’’

‘‘અભયભાઈ અને અલય આવે ત્યાં સુધી તો...’’ જાનકીએ વસુમા સામે જોયું.

‘‘અભયને મેં કાંતના એટેક વિશે હજુ કહ્યું નથી.’’ વસુમાએ ખૂબ હળવેથી કહ્યું. વૈભવીએ ચોંકીને એમની સામે જોયું, ‘‘અલય આજે આવે છે અને એ જાણે છે કાન્તની તબિયત વિશે.’’

‘‘પણ પપ્પાજીની તબિયત આટલી ખરાબ હોય તો અભયને પાછા બોલાવી લેવા જોઈએ.’’

‘‘કાન્તનું ઓપરેશન થઈ ગયું છે. હવે ચિંતા કરવાની જરૂર નથી. મેં આજે સવારે વાત કરી એમની સાથે.’’ વસુમાએ વૈભવીની આંખોમાં જોયું, ‘‘સિંગાપોરથી મુંબઈ આવીને અમેરિકામાં હોસ્પિટલમાં સૂતેલા એના પિતા માટે આમ પણ અભય શું કરી શકશે ?’’

વૈભવી વસુમા સામે જોઈ રહી, ‘‘આ સ્ત્રી કઈ માટીમાંથી બનેલી હતી ? દરેક પરિસ્થિતિમાં દરેક માણસ વિશેનો આટલો સંતુલિત અને આટલો સ્પષ્ટ નિર્ણય કઈ રીતે કરી શકતી હશે એ !’’

(ક્રમશઃ)

Rate & Review

Chhotalal

Chhotalal 3 weeks ago

Kishor D Adhia

Kishor D Adhia 2 months ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Natvar Patel

Natvar Patel 2 months ago

Jigna

Jigna 5 months ago