The ambition books and stories free download online pdf in Gujarati

મહત્વકાંક્ષા

જગતના પ્રત્યેક માતા-પિતાની એવી ઇચ્છા હોય છે કે પોતાનું સંતાન પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી ભણીગણીને હોંશિયાર બને. સારી નોકરી મેળવીને પગભર થાય અને પોતાના પરિવારનો ટેકો બને. એટલા માટે જ તેઓ પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. ભવિષ્યમાં તેમને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એ માટે સંપત્તિ એકઠી કરે છે. પોતાના સંતાનનું જીવન વધુને વધુ સુખમય બને એવી કામના હોય છે. પરંતુ શું ફક્ત ભવિષ્યની કામના કરવી પર્યાપ્ત છે? તો ચાલો જોઈએ એવો જ એક પ્રસંગ.
સુરેશભાઈ એક સારા બિઝનેસ મેન છે. ટેક્સટાઇલ માર્કેટમાં તેમનું સ્થાન મોખરે રહેતું. પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા કે ક્યારેક તેમને જમવાનું ભાન પણ ન રહેતું. તેમનો દીકરો અમન બરમાં ધોરણમાં અભ્યાસ કરે છે. એકનો એક દીકરો હોવાથી તે ઘરમાં ખૂબ જ લાડકો. અમનના મમ્મી પ્રીતિબેન તે પણ અમનને ખૂબ જ લાડ કરે. અમન ભણવામાં ઓછો હોંશિયાર મિત્રો સાથે રખડવામાં ઘણો સમય વેડફી નાખતો. અમન જે જીદ કરે તે બધી જ મમ્મી-પપ્પા પુરી કરતા.
અમનને જ્યારે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા હતી ત્યારે જીદ કરી કે પરીક્ષા પાસ થાય તો તેને બાઇક લઇ આપવી. થયું પણ એવું જ રિઝલ્ટ આવ્યું કે તેજ દિવસે સુરેશભાઈએ તેને બાઇક લઇ આપી. ત્યારથી અમનને બહાર આંટા મારવાના વધી ગયા. ખરાબ મિત્રોની સોબતમાં આવી તેને પાન-મસાલા ખાવાનું અને સિગારેટ ફૂંકવાનું વ્યસન થઈ ગયું. તેના મમ્મી-પપ્પા આ વાતથી અજાણ જ હતા. અમન અગિયારમા ધોરણમાં આવ્યો ત્યારે જીદ કરીને મોબાઈલ અને લેપટોપ પણ લેવડાવ્યું. ઘરે હોય એટલો સમય મોબાઈલ અને લેપટોપમાં વિતાવે. ઘરમાં આર્થિક સ્થિતિ સારી એટલે અમન પૈસા માંગે કે તરત જ મમ્મી આપી દેતા. એ પૈસાથી અમન મિત્રોને જલસા કરાવતો. હવે તો તે ઘરે ખોટું બોલીને પણ પૈસા કઢાવી લેતો. અમન સહેજ પણ ઉદાસ થઈને બેઠો હોય તો મમ્મી-પપ્પા તે જોઈ ન શકતા. તે ઘરે વાંચવા પણ ઓછું બેસતો પ્રીતિબેન ઘણી વાર તેને કહેતા પણ અમન મમ્મીની વાતને ધ્યાનમાં ન લેતો. સુરેશભાઈ પણ એમ જ કહેતા કે આપણે ક્યાં એને આગળ ભણાવવાનો છે મોટો થઈને એણે જ કંપનીને સંભાળવાની છે આવું કહીને વાતને ટાળી દેતા. ઘરમાં પણ સાંજ-સવારની રસોઈ અમનને પૂછીને જ બનાવવામાં આવતી. ક્યારેક તો અમનને ઘરે જમવાનું મુડ ન હોય તો ત્રણેય જણા બહાર હોટલમાં જમવા જતા. અમન પણ તેના મમ્મી-પપ્પાને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ ખરાબ મિત્રોની સંગત થવાને કારણે અમન ઘરનાને પણ છેતરવામાં કોઈ કસર બાકી ન રાખતો. મમ્મી ઓછું ભણેલા અને ભોળો સ્વભાવ એટલે તરત અમનની વાતમાં આવી જતા.
સુરેશભાઈ અમનના ઉજ્વળ ભવિષ્ય ખાતર સંપત્તિ એકઠી કરવા રાત-દિવસ એક કરી મહેનત કરતા. અમનને નાનપણથી આજદિન સુધી કોઈપણ વસ્તુની કમી નથી આવવા દીધી. તેની બધી જ જીદ પુરી કરવામાં આવી છે. અમનને પણ પોતાના મમ્મી-પપ્પા કોઈ દિવસ ગુસ્સે થયા હોય કે, કોઈ વસ્તુની ના પાડી હોય એનો ખ્યાલ સુધ્ધા નથી. પરંતુ બધા જ દિવસો સરખા નથી હોતા. દરિયામાં જે રીતે ભરતીને ઓટ આવે છે એ જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આવતું રહે છે. સુરેશભાઈના પરિવારમાં પણ આવું જ કંઈક થયું. ટેક્સટાઇલના ધંધામાં તેમને ખૂબ જ મંદી આવી હોય છે. એમનું કામકાજ મોટું એટલે સ્ટાફ પણ મોટો હતો. દર મહિને સ્ટાફને પગાર પણ વધુ કરવો પડતો. બે-ત્રણ મહિનામાં તો સુરેશભાઈ દેવાદાર બની જાય છે. પોતે જે સંપત્તિ ભેગી કરી હતી તે બધી જ વેચાઈ જાય છે. ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાને કારણે બેંકમાંથી તેઓ લોન લે છે. સમયસર લોન ન ભરાવાને કારણે તેમની કંપનીમાં સીલ લાગી જાય છે. સગા-સંબંધીઓ પાસે ઓછીના લઈને થોડાક લોનના હપ્તા તો ભરાયા પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ઘર ચલાવવા માટે પણ તેમને ફાંફા પડવા માંડયા. સુરેશભાઈ ઓળખાણને કારણે બીજી એક કંપનીમાં સાધારણ પગારથી નોકરીમાં જોડાય છે. પરંતુ દર મહિને લોનના હપ્તા અને ઘર ચલાવવા માટે તેમનો પગાર પર્યાપ્ત ન હતો.
અમન હવે કોલેજમાં આવી ગયો હતો. તેના ખર્ચા પણ વધી ગયા હતાં. કરકસર શું છે તેની અમનને ખબર જ ન્હોતી. તેને ઘરમાંથી હવે ઓછા પૈસા મળતા. ક્યારેક તો ન પણ મળતા એટલે મમ્મી-પપ્પા સાથે ઝઘડો કરતો. અમનનું આવું વર્તન જોઈને સુરેશભાઈ અને પ્રીતિબેનને ખૂબ જ આશ્ચર્ય થતું. આટઆટલા લાડકોડથી મોટો કરેલો દીકરો આજે તેમને જ સામે થતો હતો. અમનને પાન-મસાલા તેમજ સિગારેટની એવી લત લાગી હતી કે તેના વિના ચેન ન પડતું. કોલેજમાં પણ બાઇકને બદલે હવે બસમાં જવું પડતું. તેનો સ્વભાવ ખૂબ જ ચીડિયો થઈ ગયો હતો. વાતવાતમાં ઝગડી પડતો એટલે તેના મિત્રો પણ હવે ઓછા થઈ ગયા હતા. ભણવામાં આમ તો પહેલીથી જ નબળો હતો. પણ હવે તેને અભ્યાસમાં સહેજ પણ રુચિ રહી ન હતી.
એક દિવસ કોલેજ જતાં બસમાં તેને ચોરી કરવાનો વિચાર આવે છે. બસમાંથી ઉતરતી વેળાએ ચતુરાઈ પૂર્વક એક વ્યક્તિનું પાકીટ ખિસ્સામાંથી કાઢી લે છે. અંદર ઘણા પૈસા હતા એટલે અમનને થોડા દિવસ જલસા પડી જાય છે. પૈસા પુરા થતા બીજા કોઈનું પાકીટ બુચ મારે છે. આમ ઘણા સમય સુધી ચોરીનો સિલસિલો ચાલુ રહ્યો. એક દિવસ તે પકડાય જાય છે અને પોલીસ આવીને તેને પકડી જાય છે. અમનને જેલમાં પૂર્યો હોવાથી તેના મમ્મી-પપ્પા પોલીસ સ્ટેશને આવે છે. અમનની કરતૂતો જાણે છે ત્યારે તેમના દુઃખનો પાર નથી રહેતો.
થોડા દિવસ પછી તેને જેલમાંથી છોડી દેવામાં આવે છે. જેલમાં રહેવાથી તેને જે તકલીફ થઇ છે તેનાથી બધું ભાન તેને આવી જાય છે. પોતાના કર્મો પર તેને ખૂબ જ પસ્તાવો થાય છે. પોતાના મમ્મી-પપ્પાને હેરાન કર્યા હતા તેના માટે અમન પ્રાયશ્ચિત કરવા માટે પણ તૈયાર થાય છે. જેલમાં જેટલા દિવસ રહ્યો એટલા દિવસ પાન-મસાલા કે સિગારેટ ન મળવાથી તેનું વ્યસન પણ છૂટી ગયું હતું. અમન ઘરે આવે છે અને મમ્મી-પપ્પાની માફી માંગે છે. પોતાના દિકરામાં પરિવર્તન આવેલું જોઈને મમ્મી-પપ્પા ખૂબ ખુશ થઈ જાય છે. પરંતુ પોતાના પુત્રમાં જે સંસ્કારોનું સિંચન કરવાનું પોતે ચુકી ગયા હતા એના માટે તેઓ હવે જાગૃત થાય છે. લોનના હપ્તા પણ હવે ભરાય ગયા છે. સુરેશભાઈએ નોકરી છોડીને પોતાની કંપનીમાં ધીમે-ધીમે કામ શરૂ કરી દીધું છે. પોતાની આર્થિક પરિસ્થિતિ પણ હવે સુધરતી જણાય છે. અંધકાર પૂરો થઈ સૂર્યોદય થતો હોય એ રીતે એક મોટા પરિવર્તન સાથે તેમનો પરિવાર જીવન સંગ્રામ માટે નવી શરૂઆત કરી રહ્યો છે.
પિતા પોતાના પુત્રના સારા ભવિષ્ય માટે હંમેશા ચિંતિત હોય જ છે. એટલા માટે જ પોતાના સંતાનનું ભવિષ્ય પોતે જ નિશ્ચિત કરવાનો પ્રયત્ન તેઓ કરતા રહે છે. જે માર્ગ પર પિતા પોતે ચાલ્યા છે, જે માર્ગના પથરાને પોતે જોયા છે, માર્ગની છાંયા, માર્ગનો તડકો પોતે જાણ્યો છે. એ માર્ગ પર પોતાનો પુત્ર પણ ચાલે પરંતુ તે માર્ગમાં તેને કોઇ તકલીફ ન પડે એજ મહત્વકાંક્ષા હોય છે પ્રત્યેક પિતાની. પરંતુ અમુક વાત પર વિચાર કરશું તો ખ્યાલ આવશે કે, શું સમયની સાથે પ્રત્યેક માર્ગ બદલાઈ નથી જતા? નવો સમય હંમેશા નવીને નવી ચુનોતીઓને લઈને આવે છે. તો પછી વીતી ગયેલો સમય નવી પેઢીને કઇ રીતે લાભ આપી શકે? શું દરેક સંતાન પોતાના માતા-પિતાનું ચિત્ર હોય છે? સંતાનોને સંસ્કાર તો અવશ્ય માતાપિતા આપે છે પરંતુ અંદરની ક્ષમતા તો ઈશ્વર જ આપે છે. તો જે માર્ગ પર પિતાને સફળતા મળી છે, વિશ્વાસ છે કે એજ માર્ગ પર એના સંતાનને સફળતા મળે. શું જીવનની ચુનોતીઓ અને સંઘર્ષ લાભકારી નથી હોતી? પ્રત્યેક નવો પ્રશ્ન એક નવા ઉત્તરનો દ્વાર નથી ખોલતો? તો પછી સંતાનોને નવા-નવા પ્રશ્નો, સંઘર્ષો અને ચુનોતીઓથી દૂર રાખવાનું એમના માટે લાભદાયક કહેવાય કે હાનિ પહોંચાડવું? જે પ્રકારે સંતાનોનું ભવિષ્ય નિર્માણ કરવાને બદલે એના ચારિત્ર્યનું નિર્માણ કરવું શ્રેષ્ઠ છે. એજ રીતે સંતાનોના જીવનના માર્ગ નિશ્ચિત કરવાને બદલે એમને નવા-નવા સંઘર્ષોથી ઝઝૂમવા માટે મનોબળ અને જ્ઞાન આપવું અધિક લાભદાયક નીવડશે. તેમના ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ કરવાથી સંતાનો જાતે જ પોતાના ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરી લેશે.

- ઢોડિયા ધવલ