" તારી જોડે રહેવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે, શું થયું હતું કે તારી જોડે લગ્ન કરી લીધા."
"તો મને પણ કઈ શોખ નહોતો તારા જેવી લપ સાથે પરણવાનો, તને ભૂત સવાર થઈ ગયું હતું ચાલ લગ્ન કરી લઈએ."
"રહેવા દે રહેવા દે! એ તો ખબર જ છે કોણ ઉતાવળું થતું હતું."
" બસ મારી ભૂલ બધી, પણ હવે નહીં થાય ભૂલ, મારે હવે રહેવું જ નથી તારી જોડે!"
" મારે પણ નથી રહેવું, ડિવોર્સ પેપર આવે એની જ રાહ જોઈ રહી છું." ગુસ્સામાં તરબતોડ મીતા બોલતી હતી અને મલય એને સામે ને સામે વળતા પ્રહાર કર્યે જતો હતો.
લગ્નને સાતેક વર્ષ થયાં એમને, પ્રેમલગ્ન કરનાર એ યુગલમાં આજે ન સમજાય એવી ફાટ પડી ચૂકી હતી, જે એકબીજા માટે જાન પણ આપવા તૈયાર હતા એમના માટે જીવનભર દૂર થઈ જવાના નિર્ણયો એકવખત તો ખરાબ સપનાં કરતાં કઈ ઓછા નહોતા! એમનો સંસાર સરસ ચાલતો હતો પરંતુ થોડા સમય થી જવાબદારીઓ એ એવો ઘેરો ઘાલ્યો કે એના ચક્રવ્યૂહ માં બન્ને એવા ફસાવા લાગ્યા કે એકબીજાના પ્રેમની કદર ભૂલી ગયા, નાના નાના ઝગડાઓ એ આજે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું, વાત એકબીજાથી છૂટા થવા પર આવી ગઈ.
મલય મીતા વગર એક ક્ષણ પણ જુદો રહી નહોતો શકતો અને એ આજે એની જોડે વાત કરવાનું પણ ટાળે છે, મીતા એમના પ્રેમનાં નિશાન સમાં એમના બાળકની દેખરેખમાં રચીપચી એવી રહેવા લાગી હતી કે એના મન મલય કોઈ ત્રાહિત જ ના બની ગયો હોય! બાળક આવ્યા બાદ એમના વચ્ચે ખાઈ વધારે ઊંડી આવવા લાગી, એમના થકી જે ફૂલ ખુલ્યું હતું એ મેશ્વા, જે ખરેખર ફૂલ જ હતી, પણ હવે એ ફૂલ ખીલવાની સાથે મુરઝવાના એંધાણ આવી રહ્યા છે.
મલય અને મીતા એકબીજાથી કંટાળીને છૂટા થશે તો મેશ્વા કોની જોડે રહેશે હજી એ નક્કી થયું નહોતું.કાલે કોર્ટમાં છેલ્લી તારીખ હતી, બન્નેના નિર્ણયનો ફેસલો હતો, એની સાથે જ મેશ્વા ની જિંદગીનો સૌથી ભયાવહ નિર્ણય હતો, જેને હવે ખરેખર માં બાપ ની જરૂર હતી ત્યારે જ એનું નસીબ નફ્ફટ બની ગયું હતું. એને મન આવા નિર્ણયની શું અસર થશે એનાથી સાવ અજાણ હતી, રોજના ઝગડાઓથી ટેવાયેલ હવે એને માટે બધું સહજ બની ગયું હતું.
નિર્ણયની સવારે એ ઉઠી ત્યારે ઘરમાં સન્નાટો હતો, બન્નેનો કકળાટ સાવ બંધ હતો જોઈને એને નવાઈ લાગી, આજે ક્યાંક એના માબાપને એની ચિંતા વર્તાઈ રહી હોય એમ જણાતું હતું. એના પર આ પરિણામની શું અસર થશે એની ચિંતા આજે બન્ને ને થવા લાગી, જ્યારે એમને ઝગડાઓ બંધ કર્યા અને વિચાર્યું, બન્નેને અહેસાસ થયો પણ હવે અહંકારની આડ માં પહેલ કરવી મુશ્કેલ બની ગયું હતું.
મેશ્વાને ઉઠાડી મીતા એને તૈયાર કરતી હતી, એની આંખમાં આજે આસું સુકાતા નહોતા, નાની એની આંખો આ બધું ચૂપ બનીને જોયા કરતી હતી, કશું બોલતી નહોતી. મલય સોફા પર બેસીને કંઇક ચિંતન કરી રહ્યો હતો. નવ વાગ્યે જ્યારે કોર્ટમાં જવાના સમયે ત્રણેય એક જગ્યા પર ભેગા થયા ને એકબીજાની સામે જોયું તો મીણની માફક દિલ પીગળવા માંડ્યા, સાવરની ચુપ્પી તૂટી.
"દીકરા, ચાલો આપણે બહાર જવાનું છે."- મલય એ શરૂઆત કરી.
" ક્યાં જવાનું છે પાપા?"
" કોર્ટમાં."
" ત્યાં શું કરવાનું છે?" એને ભોળાભાવે પૂછ્યું.
" ત્યાં હું તને ચોકલેટ આપીશ."- મીતા એ એને ટાળતાં જવાબ આપ્યો.
" ના મમ્માં, પણ ત્યાં જઈને શું કરવાનું છે?"
" ત્યાં આજે નક્કી થવાનું છે તારે કોની જોડે રહેવાનું છે? ડેડી જોડે કે મમ્મા જોડે?"
" પણ મારે તો તમારા બન્ને ની જોડે રહેવું છે."
" પણ બેટા...." મીતા અટકી ગઈ.
મેશ્વા મલયની સામે જોઈ રહી સાવ અજાણ બની ને, જાણે એને અલગ રહેવાનું કારણ પૂછી ના રહી હોય! મલય અને મીતા એકબીજાની સામે જોઈ રહ્યા, આ કુમળા ફૂલને જોઈ ને, શું જવાબ આપવો એ માટે બન્ને અવઢવમાં હતા. બન્ને ની આંખમાં અનાયાસે આંસુ આવી ગયાં, એમની ભૂલ એમને સમજવા માંડી. એ બેની ભૂલ મેષ્વા નું પતન કરી નાખશે એની ભિતી બન્ને સામે આવી ને ઉભી રહી.
" સારું દીકરા, તો આપણે નથી જવું, તારી મીતા તું કહે તો બીજે ક્યાંક જઇએ?" મલયે બન્ને ને કહેતાં વાત વહેતી કરી.
" ક્યાં જઈશું?" નાની કળી બોલી ઉઠી.
" મલય જ્યાં લઈ જાય ત્યાં." મીતા એ કહ્યું.
" પેલા દરિયા કિનારે જઇએ જ્યાં આપણે જતા હતા વર્ષો પહેલાં!" મલય એ એક નવી શરૂઆત કરી. મીતા ના મુખ પર એક લાલિમા તરી આવી.
આજે વર્ષો બાદ એ જગ્યા યાદ આવી જ્યાં એમની મુલાકાત થઈ હતી, એમના પ્રેમની સાક્ષીની જગ્યા!
એમના એ નિર્ણયની સાક્ષી બીજી મેશ્વા પણ હતી, કોઈ વકીલ નહિ, કોઈ જજ નહિ! દિલ થી લેવાયેલા નિર્ણયનો એક ચુકાદો હતો. મેશ્વાના ભોળપણનો અહી જીત હતી. ત્રણેય ના ચહેરા પર એક સંતોષની લાગણી હતી, પ્રેમ હતો, અતૂટ બનીને જીવવાનો આનંદ હતો!