Parda Paachhadna Kalakar - 5 books and stories free download online pdf in Gujarati

પડદા પાછળના કલાકાર - 5 - વિનોદ સાહની : એક ગુપ્તચર

વિનોદ સાહની : એક ગુપ્તચર
જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યો


ઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની રફતાર બતાવે છે કે ડ્રાઈવર અનુભવી છે. પાછળની સીટ પર બેઠેલા બે આધેડ વયના પુરુષો એની સાથે વચ્ચે વચ્ચે થોડી વાતો કરી લે છે. જમ્મુ ની લોકલ ટ્રીપ પર નીકળેલા બંને પુરુષો અંદરોઅંદર પણ પ્રમાણમાં ઓછી વાતો કરે છે. મોટા ભાગનો સમય બારી બહાર પસાર થતાં દૃશ્ય જોવામાં જ વીતે છે. ડ્રાઈવરને ખુશી એ વાતની છે કે બંને પેસેન્જરો કોઇપણ સ્થળે વધુ સમય લેતા નથી. બાહુ ફોર્ટ , મુબારક મંડી મહેલ, રઘુનાથ બજાર, પીર બાબા દરગાહ, ડુંગરા મ્યુઝિયમ જેવા સ્થળોએ આ બંને જણાએ વધુ સમય ન લીધો. અમર મહલ મ્યુઝિયમમાં તેઓએ સારો એવો સમય આવ્યો. ત્યાંથી પરત ફર્યા પણ તેઓ તેની ફ્રેન્ચ કલાની ચર્ચા કરતા હતા. તેઓની ચર્ચા એક શિક્ષિત વ્યક્તિઓ તરીકેની છાપ છોડી રહી હતી. તેમની વાતમાં વચ્ચે સૂર પુરાવી રહેલા ડ્રાઈવરને થોડીક ઉતાવળ પણ હતી. નક્કી થયા પ્રમાણે બંને મહાનુભાવોને એરપોર્ટ નજીક ની હોટેલ પર છોડી દઈ તે મનસર લેકની કોઈ સવારી પકડી આંટો મારી લેવા માંગતો હતો. થોડા વર્ષોના તેના અનુભવે જાતજાતના પેસેન્જરો જોયા હતા. ખૂબ પ્રશ્નો કરતા, તદ્દન શાંત રહેતા, ખૂબ ઉતાવળ કરતા, દરેક સ્થળે ખૂબ સમય લેતા, પૈસાની રકઝક કરતા વગેરે વગેરે.
આજે મળેલા પેસેન્જર મોટેભાગે પોતાનામાંજ વ્યસ્ત રહેતા હતા. તેઓની અંદરોઅંદર ની ચર્ચા પણ અંગ્રેજી માં ચાલતી હતી. ડ્રાઇવર સાથે થયેલી વાતચીત પરથી તે ગરીબ ઘરનો હોવાનું માલૂમ પડતું હતું. જમ્મુના લોકલ પ્રવાસ ઉપરાંત તે ક તરા કે શિવખોડી ની ટ્રીપ પણ મારતો હતો.શ્રીનગરનું નામ સાંભળતાં જ તેની આંખોમાં અંગારો ચમકી જતો. સરકારની ઢીલી નીતિ તથા પાકિસ્તાનનો કાશ્મીરમાં હસ્તક્ષેપ બંને બાબતોને તે પોતાની ગરીબી માટે જવાબદાર ગણાવાતો હતો. આખરે હોટેલ આવી ગઈ. બંને પેસેન્જરો નીચે ઉતર્યા. બેમાંથી એક જાણે પોતાનું પાકીટ કાઢયું અને ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા. ત્યારબાદ પોતાનું વિઝિટિંગ કાર્ડ ડ્રાઈવર સામે ધર્યું અને કહ્યું: “ કભી આપકો સરકારી નોકરી કી જરૂરત હો તો હમે બોલના, નોકરી મિલ જાયેગી ઓર દેશ કી સેવા ભી હો જાયેગી.” ડ્રાઇવર યંત્રવત તે કાર્ડ લીધું અને ટેક્સી ચાલુ જ કરવા જતો હતો ત્યાં બીજા એ પૂછ્યું: “ આપકા નામ?” “ વિનોદ.” અને ઘડીભરમાં ટેક્સી બીજા વાહનોની ભીડમાં ખોવાઈ ગઈ.
ડ્રાઈવરનું નામ હતું વિનોદ સાહની અને નોકરીની ઓફર કરનારા બંને સજનો હકીકતમાં R &AWના અધિકારીઓ હતા. કોઈક ઓફિશિયલ કામકાજ અંગે જમ્મુ ની મુલાકાત લીધા બાદ તેઓએ જમુના પર્યટક સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. જમ્મુના બક્ષી નગર ખાતે આવેલા પોતાના નાનકડા ઘરમાં પરત ફર્યા બાદ વિનોદ પેલા વીઝીટીંગ કાર્ડ ને તાકી રહ્યો. માત્ર નામ અને નંબર ધરાવતું (ઓફિસનો લેન્ડલાઈન નંબર હતો. મોબાઇલ ફોનના જન્મને હજી વર્ષો બાકી હતા) એક કાર્ડ તેનું ભવિષ્ય બદલી શકે? જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તતી બેકારી અને ગરીબી રીતે પૈસા ખંખેરી નોકરી અપાવનાર એજન્ટોની ત્યાં કમી નહોતી. ઉજ્જવળ ભવિષ્યની લાલચ આપીને નોકરીને નામે થયેલી ઠગાઈના બે-ત્રણ કિસ્સાએ અખબારોમાં વાંચી ચૂક્યો હતો. પણ સરકારી નોકરી........? લાલચ જેવી તેવી નહોતી. પોતાના કેટલાક મિત્રોને સરકારી નોકરી કરી માલેતુજાર થતાં એ જોઇ ચૂક્યો હતો. શંકા-કુશંકા ના ઘેરાયેલા વાદળો વચ્ચે એણે ફોન જોડ્યો. એક લાંબી રીંગ ગયા પછી સામે છેડેથી ફોન ઊચકાયો અને વિનોદ ની જીંદગીએ એક નવો વળાંક લીધો.
માસિક ૩૦૦ રૂપિયાની (૭૦ના દાયકામાં પણ મામૂલી ગણાતી) કમાણી કરતા વિનોદ સાહનીને કેટલાક શારીરિક અને માનસિક પરીક્ષણો પછી ગુપ્તચર તરીકેની તાલીમ માટે પસંદ કરાયા.તેમના જણાવ્યા મુજબ તેમને બે ત્રણ અલગ-અલગ સ્થળોએ, ઓફિસ ન લાગતી હોય એવી જગ્યાઓ પર બોલાવાયા. પોતાને મિસ્ટર દાણી તરીકે ઓળખાવતા અધિકારીએ તેમને આગામી દિવસો માટે તૈયાર કર્યા. સાહનીએ પાછળથી કબૂલ્યું હતું કે આ નોકરી માટે તેમની તૈયારી જ નહોતી પણ R &AWના અધિકારીઓએ તેઓનું બ્રેઈન વોશ કર્યું. તેમની સહમતિ બાદ મિસ્ટર ચડ્ડા તરીકે ઓળખાતા એક અધિકારીની નિગરાનીમાં તાલીમ શરૂ થઈ.શત્રુ દેશમાં વિષમ સંજોગોમાં ટકી રહેવા આ તાલીમ અત્યંત જરૂરી છે. શારીરિક સૌષ્ઠવ ખીલવવાની સાથે જરૂરી છે અત્યંત મજબુત મનોબળ. ઉપરાંત ધરપકડ વખતે ઇન્ટ્રોગેશન (પૂછપરછ)નો સામનો કઈ રીતે કરવો તથા અત્યંત પીડાદાયક થર્ડ ડિગ્રી ટોર્ચર નો સામનો કઈ રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવે છે. તાલીમ ની સમાપ્તિ બાદ આખરી કસોટી તરીકે ફરીથી માનસિક પરીક્ષણ કરવામાં આવે છે. ઉમેદવાર એમાં પણ ઉત્તીર્ણ થઈ જાય એટલે એને માટે શત્રુ દેશના દ્વાર ખોલવાની તૈયારી કરી દેવામાં આવે છે.
આખરે સાહનીને જમ્મુ થી ૨૮ કિલોમીટર દૂર સૂચેતગઢ નામ ની સરહદ પાસે લઈ જવાયા. તેમની સાથે બીજા ત્રણ પુરુષો ઉપરાંત એક ગાઈડ પણ હતા. ગુપ્તતા જાળવવાના હેતુસર તેઓને એકબીજાના નામ પૂછવાની પણ મનાઈ હતી. ગાઈડ તરીકે આવેલ વ્યક્તિને આ ક્ષેત્ર નો અનુભવ હતો અને તે ભૂતકાળમાં પાકિસ્તાનમાં કામ કરી ચૂક્યો હતો. વિનોદ તથા તેના અન્ય સાથીઓ સિયાલકોટ, ઇસ્લામાબાદ, ફૈસલાબાદ તથા શેખપુરા ના મહત્વના સ્થળોની મુલાકાત લેતા રહ્યા અને માહિતીઓ અકબંધ અને સહી સલામત રીતે ભારત સુધી પહોંચાડતા રહ્યા. સાહનીના જણાવ્યા મુજબ એક જ વર્ષમાં તેઓને પાકિસ્તાનની ત્રણ વખત મુલાકાત લેવાની થઈ. એક દિવસ તેઓ લશ્કરના હાથે ઝડપાઇ ગયા. હકીકતમાં ગાઈડ તરીકે કામ કરનાર વ્યક્તિને પાકિસ્તાન લશ્કર એ દબોચી દીધો અને તેણે અફસરોને સહાની નું ઠેકાણું બતાવી દીધું.
૧૯૭૭માં બનાવ બનેલા આ બનાવે તેમને શરૂઆતમાં તો સિયાલકોટ ની જેલ માં નાખી દીધા. નવ મહિના ની ચાલેલી અદાલતી કાર્યવાહી અને અંતે તેઓને મુલતાનની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયા. અદાલતે તેમને ૧૧ વર્ષનો કારાવાસ ફરમાવ્યો હતો.. ધરપકડ પછી ના તમામ અનુભવો ખૂબ જ દર્દનાક રહ્યા. બાતમી કઢાવવા માટે તેમને સાત દિવસ ભૂખ્યા રાખવામાં આવ્યા આવ્યા. ત્યારબાદ તેમનું મૃત્યુ થતું અટકાવવા માત્ર બે રોટલી અને દાળભાતનું ખાવાનું આપવામાં આવ્યું. કારાવાસમાં પણ પાકિસ્તાનના અધિકારીઓ નો વર્તાવ અમાનવીય રહ્યો. સા હનીના જણાવ્યા મુજબ તેમના માથાના તમામ વાળ કાપી નાખવામાં આવ્યા અને દિવસો સુધી લગભગ નગ્ન હાલતમાં રાખવામાં આવ્યા. (કેદીઓના માથા હાથ-પગ કે છાતી પરથી વાળ ઉખેડી નાખવાની ઉખેડી નાખવાનો આઈડિયા હિટલરના નાઝિ કેમ્પમાં જોવા મળતો. કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલાયેલા યહૂદીઓ કે હિટલર વિરોધીઓના શરીર પરથી તમામ વાળ દૂર કરાવી કરવામાં આવતા હતા જેથી શરીર પર પડતાં હન્ટરના ફટકા સામે ચામડીને રક્ષણ મળી ન શકે. ત્યાં સુધી કે ગેસ ચેમ્બરમા ફેલાવાતાં ઝેરી ગેસની અસર પણ વાળ વગરની ચામડી પર જલદી થઈ શકે.) ત્યાંના અન્ય ભારતીય કેદીઓ માં જાસૂસીના આરોપસર પકડાયેલા માણસો, ભારત- પાકિસ્તાનની જળસીમા કે જમીન સીમા આકસ્મિક રીતે પાર કરીને ત્યાં આવી ચુકેલા નાગરિકોનો સમાવેશ થતો હતો. આ તમામ કેદીઓ સાથે બર્બરતાપૂર્ણ આચરણ કરવામાં આવતું હતું. કેદખાના ની પ્રત્યેક બેરેકમાં જરૂર કરતાં વધુ કેદીઓ હતા. અઠવાડિયામાં એક વખત પાકિસ્તાનના કેદીઓને ફળાહાર કરાવવામાં આવતો હતો. ફળ ખાધા બાદ તેના છોતરા તેઓ ભારતીય કેદીઓ તરફ ફેંકતા હતા અને ભૂખમરો વેઠતાં ભરતીય કેદીઓ તે છોતરા ચાવી જતા, (જોકે આ વાત પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા અન્ય કેદીઓ એ કહી નથી ઉલટુ થોડા સમય પહેલા ત્યાંની કેદમાંથી મુક્ત થયેલા માછીમારો એ ખોરાક પૂરતો મળતો હોવાનું સ્વીકાર્યું હતું)
૧૯૮૮, 11 વર્ષ સુધી ચાલેલી કાળરાત્રી નો અંત આવ્યો. સાહનીને અન્ય 103 ભારતીય કેદી સહિત મુક્ત કરાયા. ભારત પાકિસ્તાન ની પ્રખ્યાત વાઘા બોર્ડર ક્રોસ કરી તેઓ માતૃભૂમિ પરત ફર્યા. જિંદગીના ચાર દાયકા પૂરા થવા આવ્યા ત્યાં સુધીમાં તો કેટકેટલું જોઈ નાખ્યું હતું!! પોતે દેશને આપેલી સેવાના બદલામાં તેઓ હવે એક સ્થાયી નોકરી ઇચ્છતા હતા પરંતુ ગુપ્તચર તરીકે મોકલાયા બાદ તેઓના અસલી પુરાવાઓ નષ્ટ કરી નંખાયા હતા. ગુપ્તચર ખાતાના અધિકારીઓએ મોં ફેરવી લીધું. સરકાર તરફથી પણ ઉડાઉ જવાબો અપાતા રહ્યા. ૧૯૯૦માં કૈલાસ રાની સાથે લગ્ન થયા બાદ સ્થિતિ વધુ કફોડી બની ગઇ. તેમના બે પુત્રો વિવેક અને વિદુર તેમના ભાઈની સહાયથી અભ્યાસ કરતા હતા. આટલી કફોડી અને નિઃસહાય પરિસ્થિતિ તો પાકિસ્તાનમાં પણ નહોતી!!!
આખરે તેમણે ભારત સરકાર સામે લડત આપવાનું નક્કી કર્યું. પોતાની તદ્દન મામૂલી બચત વડે તેમને ભૂતપૂર્વ એજન્ટોને સંગઠિત કર્યા અને એક સંસ્થા બનાવી. સંસ્થાનું નામ હતું : Jammu Ex-Sleuths Association. ત્યારબાદ ઘણી બધી કહાનીઓ બહાર આવી. દાખલા તરીકે કે.એલ બાલી નામના એક ભૂતપૂર્વ એજન્ટ તબીબી સહાય ના અભાવે મૃત્યુ પામ્યા. ત્યારબાદ તેમની પત્નીએ એક ઈન્જેક્શનના અભાવે પ્રાણ છોડ્યા. ઇન્જેક્શન ની કિંમત હતી: માત્ર રૂપિયા 250!! માતા પિતાના મૃત્યુ બાદ ૨૭ વર્ષીય પુત્ર આત્મહત્યા કરી નાખી કારણકે તે આ સ્થિતિ સહન ન કરી શક્યો. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિદેશોના કારાવાસ બાદ પરત ફરેલા જાસૂસોને દેશમાં પુનઃસ્થાપિત કરવાનો હતો. આ ઉપરાંત પાકિસ્તાનની જેલમાં સજાની મુદત વીતી ગયા પછી પણ મુક્ત ન કરાયેલા કેદીઓ અંગે સરકારને વાકેફ કરવાનો પણ હતો. સાહની આ લડત ખૂબ જ ખાનદાનીપૂર્વક ચલાવી. પોતે કરેલા જાસૂસી કાર્ય અંગે જાહેરમાં નિવેદન આપીને ન તો લશ્કરને બ્લેકમેલ કર્યું કે ન તો દેશની સુરક્ષાને જોખમમાં મૂકી. સત્યાગ્રહ અનશન અને એ પ્રકારના વિવિધ કાર્યક્રમો આપીને બંધારણીય લડત તેઓ લડતા રહ્યા.