padchhayo - 16 books and stories free download online pdf in Gujarati

પડછાયો - ૧૬

પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી કાવ્યાને પોતાની આપવીતી કહી રહ્યો હતો જેમાં અમનના હાથે તેનું મૃત્યુ થયું હતું.
અમને રોકીને પંદર માળની ઈમારતની છતની કિનારી પર ફક્ત શર્ટનો કૉલર પકડીને લટકાવી રાખ્યો હતો અને કૉલર ફાટતાં રોકી નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું.

બીજી તરફ કાવ્યાના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન છતના દરવાજા પાછળ દરવાજો ખખડાવી રહ્યા હતા અને કાવ્યાની ચિંતા કરી રહ્યા હતા. કેટલીય વાર સુધી દરવાજો ખખડાવ્યાં છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતાં તેઓ ત્યાં જ નીચે બેસી ગયાં હતાં.

"મારી આખી જિંદગીમાં મેં પહેલી વખત આવું જોયું છે. કાવ્યા તો બસ એની મેળે જ ખેંચાઈ રહી હતી. હું વિજ્ઞાનની ટીચર મારા વિદ્યાર્થીઓને આવાં ભૂતપ્રેતમાં ન માનવા માટે સમજાવતી અને આજે મેં મારી સગી આંખે જોયું. વિજ્ઞાનથી ક્યાંય આગળ છે આ જે છે એ." કવિતાબેન બોલ્યા અને રસીલાબેન એ પણ તેમાં હામી ભરી અને બોલ્યા, "હું તો ગામડામાં જ રહી છું હંમેશા છતાં પણ આવી ઘટના પહેલી વાર જ જોઈ છે. નાની હતી ત્યારે બધા ભૂતપ્રેતની વાતો કરતાં પણ ક્યારેય જોયું નહોતું." બંને કાવ્યા ની ચિંતા કરી રહ્યા હતા અને જિંદગીમાં પહેલી વખત જોયેલી આ ઘટનાને વાગોળી રહ્યા હતા.

રોકીની કહાની સાંભળી કાવ્યાને આંચકો લાગ્યો અને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેેેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે અમનના લીધે રોકીનું અપમૃત્યુ થયું હતું અને આજ સુધી અમને તેને જણાવ્યું પણ નહોતુું. જણાવવાની વાત તો દૂર રહી તેેેેણે કાવ્યાને ખબર સુદ્ધાં પણ પડવા દીધી ન હતી. પણ અત્યારે આ વિચારવાનો સમય નહતો.

કાવ્યા પડછાયા સ્વરૂપમાં રહેલા રોકી તરફ જોઈને બોલી, "રોકી, અમનને માફ કરી દો પ્લીઝ.. એણે જાણીજોઈને તમારું ખુન નથી કર્યું, એ બસ એક્સીડન્ટ જ હતો. પ્લીઝ, અમન તરફથી હું તમારી માફી માગું છું."

કાવ્યાના અવાજમાં ભીનાશ હતી, તે રડી રહી હતી. તેને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું પણ અત્યારે દુઃખી થવાનો સમય ન હતો. રોકીની આત્મા પડછાયો બનીને તેની પાસે આવી હતી, તે અમનને કોઈ નુકસાન પહોંચાડી શકે છે એ ડર પણ હતો આથી જ કાવ્યા રોકીની માફી માગવા લાગી હતી. તે નહોતી ઈચ્છતી કે અમનને કંઈ પણ થાય.

"કાવ્યા, તું ચિંતા ના કર. હું અમનને કોઈ નુકસાન નહીં પહોંચાડું. હું હવે બસ એક આત્મા છું, મેં અમનને માફ કરી દીધો છે. પણ હું બસ તારી પાસે એક મદદ ઈચ્છું છું. શું તું મારી મદદ કરીશ?" રોકી શાંત સ્વરે બોલ્યો.

"થેંકયુ વેરી મચ રોકી તમે અમનને માફ કરી દીધો.." કાવ્યા ખુશ થઈ બોલી પછી ઉમેર્યું, "હા હું તમારી મદદ જરૂર કરીશ જો મારાથી શક્ય હશે તો. પણ એ પહેલાં તમે એ જણાવો કે તમે શનિવારે જ શા માટે દેખાઓ છો? આઈ મીન બીજા કોઈ દિવસે કેમ નહીં?"

કાવ્યાનો સવાલ સાંભળી રોકી પહેલાં તો થોડો અકળાઇ ગયો પછી બોલ્યો, "એ હું નથી જાણતો કાવ્યા. શનિવારે જ હું દેખાઉં છું એ વાત સાચી છે કે નહીં એ પણ હું નથી જાણતો."

"એવું કેવી રીતે બને, તમને તો બધી ખબર જ હોય ને."

"કાવ્યા, બધું જ સંભવ નથી હોતું. દરેકની કોઈ ને કોઈ મર્યાદા હોય જ છે. કોઈ સંપૂર્ણ શક્તિશાળી કે બુદ્ધિમાન નથી હોતું."

"હા એ તો છે. હવે તમે મને જણાવો હું તમારી શું મદદ કરી શકું?" રોકીનો જવાબ સાંભળી કાવ્યાએ વધારે પૂછવાનું માંડી વાળ્યું અને રોકીને જોઈતી મદદ વિશે પૂછવા લાગી.

"કાવ્યા, હું આ રૂપમાં રહીને, પ્રેત બનીને કંટાળી ગયો છું. મારે મુક્તિ જોઈએ છે. મારે હવે વધું ભટકવું નથી તું મને મુક્તિ અપાવી દે પછી હું તારી જિંદગીમાંથી હંમેશા માટે ચાલ્યો જઈશ." રોકી તરત જ બોલી ઉઠ્યો જાણે એને આ પળની જ રાહ હતી કે કાવ્યા તેની મદદ કરવા માટે તૈયાર થાય‌.

"હા હું તમારી મદદ જરૂર કરીશ. તમને મુક્તિ અપાવવા માટે હું તમારા ડેડીને કાલે સવારે જ કોલ કરીશ. તેઓ વિધિ કરાવીને તમારી આત્માને મુક્તિ અપાવશે." કાવ્યા બોલી.

"ના કાવ્યા.. મારે મારા ડેડીની કોઈ મદદ નથી જોઈતી. જો એમની પાસે જ મદદ જોઈતી હોત તો એમની પાસે જ ગયો હોત પણ આ કાર્ય ફક્ત તારે જ કરવાનું છે. તારે જ વિધિ કરીને મારી આત્માને મુક્તિ અપાવવાની છે. જો તું મદદ કરવા ના માંગતી હોય તો કંઈ વાંધો નહીં." રોકી બોલ્યો.

"હું કરીશ તમારી મદદ પણ હું જ શા માટે, બીજું કોઈ કેમ નહીં?"

"કારણકે આખી દુનિયામાં બસ એક તું જ એક સાચા અને પવિત્ર દિલની છે. બીજા કોઈ પર મને વિશ્વાસ નથી. અને સાચી વાત તો એ છે કે હું તને પ્રેમ કરવા લાગ્યો હતો. આથી જ્યારે મારી આત્મા એ મારું શરીર છોડ્યું કે તરત જ તારામાં જ પરોવાઈ ગઈ. બની શકે કે એટલાં માટે જ હું ફક્ત તને જ દેખાઉં છું." રોકી હવે સત્ય બોલી ગયો.

કાવ્યા તો આ સાંભળીને જડવત થઈ ગઈ. તેને જોઈ રોકી બોલ્યો, "કાવ્યા, એ બધું જીવન હતું ત્યારની વાત છે હવે હું બસ એક આત્મા છું એ પણ બસ એક પડછાયો જ. એટલે હવે બસ મારે મુક્તિ જોઈએ છે. તો તું ડર નહીં હું તને અથવા અમનને કોઈ નુકસાન નહીં પહોંચાડું. તું બસ મને મુક્તિ અપાવી દે."

"હા રોકી, હું વિધિ કરીશ અને તમને મુક્તિ અપાવીશ."

"કાવ્યા, આ વિધિ તારે કાલે રાત્રે જ કરવી પડશે. હું હવે વધુ સમય રાહ જોવા નથી માગતો. તો તારે કાલે રાત્રે બાર વાગ્યા પહેલાં વિધિ કરવાની રહેશે."

"હા જરૂર. હું તમને વચન આપું છું કે કાલે રાત્રે બાર વાગ્યા પહેલાં જ વિધિ કરી લઈશ અને તમને આ પડછાયાના સ્વરૂપમાંથી અને પ્રેત જગતમાંથી મુક્તિ મળી જશે."

"થેંકયુ કાવ્યા.." આટલું બોલતાં જ પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી અદ્રશ્ય થઈ ગયો. કાવ્યા તેને જોઈ રહી અને પછી દોડીને છતનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ કવિતાબેન ઊભા થઈ ગયા અને દોડીને કાવ્યાને ગળે વળગી ગયા. રસીલાબેન પણ દોડીને કાવ્યા પાસે આવી ગયા અને કાવ્યા ના માથે હાથ ફેરવવા લાગ્યા.

"કાવ્યા, મારી દીકરી હું તો ડરી જ ગઈ હતી. બેટા, તું ઠીક તો છે ને.." કાવ્યાને પોતાનાથી અળગી કરી કવિતાબેન બોલ્યા.

"હા મમ્મી, જુઓ હું એકદમ ઠીક છું મને કંઈ નથી થયું." કાવ્યા હસીને બોલી.

"બેટા, અમને તારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી. તને સહી સલામત જોઈને હવે જીવમાં જીવ આવ્યો છે અને મેં તો મનોમન આપણા કુળદેવી શક્તિ માતાજીની માનતા પણ માની લીધી હતી." રસીલાબેન કાવ્યાને ગાલ પર હાથ ફેરવી બોલ્યા.

"તો મમ્મી, માનતા પૂરી કરી દેજો. હું એકદમ ઠીક છું." કાવ્યા બોલી.

"પણ બેટા, શું થયું હતું એ પડછાયો કોનો હતો અને એ તને એવી રીતે હેરાન શા માટે કરતો હતો એ જણાવ.." કવિતાબેન અધિરાઈ સાથે બોલ્યા.

"પહેલાં નીચે ચાલો, મને તરસ લાગી છે પાણી પીને હું બધું જણાવું તમને." કાવ્યા બોલી અને બધા નીચે ગયા. કવિતાબેન અને રસીલાબેન સોફા પર બેઠા અને કાવ્યા કિચનમાં જઈ ફ્રીઝમાંથી પાણી પીધું અને એક બોટલ બહાર લઈ આવી અને બંને મમ્મીઓને પાણી આપ્યું. પછી કાવ્યા એ પડછાયા વિશે સંપૂર્ણ વાત જણાવી અને તેની મુક્તિ કાવ્યા એ અપાવવાની છે એ પણ જણાવ્યું.

"તો કાવ્યા, કાલે જ એ પ્રેતને મુક્તિ અપાવી દે એટલે તું અને અમન શાંતિથી જીવન જીવી શકો." કવિતાબેન બોલ્યા.

"હા કાવ્યા, આ કાર્ય જેટલું ઝડપથી થઇ જાય એટલું વધું સારું." રસીલાબેન બોલ્યાં.

"હા મમ્મી, કાલે રાત્રે જ હું વિધિ કરીશ પણ મને ખબર જ નથી કે એ વિધિમાં કરવાનું શું હોય અને વિધિ ક્યાં કરવાની હોય મને કશી જ ખબર નથી. તમને કોઈને કંઈ ખબર હોય તો કહોને પ્લીઝ.." કાવ્યા ફોડ પાડતા બોલી.

"મને નથી ખબર બેટા, પણ રસીલાબેનને ચોક્કસ જાણકારી હશે આ વિશે." કવિતાબેન બોલ્યા.

"મને પણ નથી ખબર કવિતાબેન.." રસીલાબેન પણ આ વિધિ માટે અજાણ હતા.

"તો કોઈ તાંત્રિક પાસે કરાવીએ તો?" કવિતાબેન બોલ્યા.

"બેસ્ટ આઇડિયા મમ્મી.." કાવ્યા ખુશ થઈ બોલી.

"હા તો તમે કોઈ તાંત્રિકને ઓળખો છો?" રસીલાબેન બોલ્યાં.

"ના. હું કોઈ તાંત્રિકને નથી ઓળખતી, પણ રસીલાબેન તમારે ગામડામાં તો હશે ને કોઈ તાંત્રિક?" કવિતાબેન રસીલાબેન સામે જોઈ બોલ્યા.

"એક તાંત્રિક હતો પણ તે વિધિ કરવાના બહાને સ્ત્રીઓનું શોષણ કરતો અને ફાયદો ઉઠાવતો આથી તેને ગામના લોકો એ મારીને પોલીસ હવાલે કરી દીધો હતો." રસીલાબેન બોલ્યાં અને બધા આ સાંભળી હસવા લાગ્યા.

"તો હવે શું કરીશું આપણે? મેં રોકીને વચન આપી દીધું છે કે કાલે રાત્રે બાર વાગ્યા પહેલાં વિધિ કરી લઈશ. ખબર નહીં કેવી રીતે કરીશ હું એ વિધિ???" કાવ્યા નિરાશ થઈ બોલી.

*************

વધુ આવતા અંકે