Yog-Viyog - 52 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 52

યોગ-વિયોગ - 52

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૨

સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા.

કોણ જાણે કેમ, છાતીનો દુખાવો શરૂ થયો એ ક્ષણથી શરૂ કરીને આજ સુધી સૂર્યકાંતને ભૂતકાળ જાણે ફિલમની પટ્ટીની જેમ યાદ આવી રહ્યો હતો. જીવાયેલી એક એક ક્ષણ સૂર્યકાંતની નજર સામે જીવતી થઈને આવતી હતી. એ બધાં જ પાત્રો, જેને આ છેલ્લા બે દાયકામાં લગભગ ભૂલી ગયા હતા એ બધાં જ પાત્રો, એમના ચહેરાઓ અને એમની સાથે બનેલું એ તમામ, જેને સૂર્યકાંત ભૂલવા મથતા હતા એ સૂર્યકાંતને ફરી ફરીને સતાવી રહ્યું હતું. સૂર્યકાંત મુંબઈ છોડીને ચાલી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને મુંબઈ પાછા પહોંચ્યા ત્યાં સુધી એક વસુંધરાને છોડીને બધા જ એમ માનતા હતા કે સૂર્યકાંતનું મુંબઈ છોડીને નાસી જવાનું કારણ એમનાથી ચૂકવી ના શકાયેલું લાખ્ખોનું દેવું હતું.

થોડા ઘણા અંશે વસુંધરા જાણતી હતી કે સૂર્યકાંત યશોધરાની સાથે નાટક-ચેટકના રવાડે ચડ્યા હતા અને પોતે નાટકો પ્રોડ્યુસ કરવા માગતા હતા. એ સમયે એમને લાગતું હતું કે પોતે ભાંગવાડી પ્રકારનું એક આખું થિયેટર ઊભું કરી શકશે. એમના નામના સિક્કા પડશે ! યશોધરાનાં ગીતો અને નખરાં ઉપર જેમ પોતે ડોલી ઊઠતા હતા એમ પ્રેક્ષકો પણ ઘેલા થઈને ડોલી ઊઠશે અને સાંજને છેડે પોતે રોકડા ગણતા ગણતા યશોધરાની સાથે...

વસુંધરા પરણીને આવી એ પહેલાંથી જ સૂર્યકાંત નાટકો જોતા, ક્યારેક મૂજરા જોતા અને ક્યારેક ક્યારેક છાંટો-પાણી કરી લેતા થઈ ગયા હતા.

આટલા પૈસાવાળા બાપનો એકનો એક સૂર્યકાંત !

ચંદ્રશંકર તો બાળપણથી જ માનસિક રીતે બીમાર હતો. સૂર્યકાંતને ખબર હતી કે દેવશંકર મહેતાની આટલી બધી મિલકતનો પોતે એકમાત્ર વારસદાર હતો, અને આ વાત સૂર્યકાંતને ખબર હતી એનાથી વધારે એની આસપાસ વીંટળાવા લાગેલા એના ‘ચમચા’ઓને ખબર પડવા માંડી હતી.

દેવશંકર મહેતા તો કડક અનુશાસનમાં માનતા. પૈસો પૈસાની રીતે વપરાવો જોઈએ, યોગ્ય રીતે અને યોગ્ય સ્થળે એવું એમનું દૃઢપણે માનવું હતું. એટલે એ તો સૂર્યકાંતને આપવામાં આવતા એક એક રૂપિયાની વિગત પૂછતા.

મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યાને હજી બે દાયકા પૂરા નહોતા થયા. બિયરબાર નવા નવા થયા હતા. છાનાછપના ચાલતા કેબ્રે ડાન્સ આવા બારમાં સૂર્યકાંત જેવા નબીરાઓને ખેંચી લાવતા.

પિતાનો ભયાનક કડપ અને ડિસિપ્લીન શીખવવાની જીદ, સામે પક્ષે માના લાડ અને પિતાથી છુપાવીને પૈસા આપવાની, આપતા રહેવાની માની ટેવ. ચંદ્રશંકરના ગાંડપણને કારણે સૂર્યકાંત માટેનો માનો મોહ... અને આ કરોડોની મિલકતનો નજર સામે દેખાતો વારસો.

સૂર્યકાંત દિશા ભૂલી ગયા હતા અને ઘરમાં એવું કોઈ નહોતું, જે સૂર્યકાંતને સાચી દિશા બતાવે. આમન્યા, મર્યાદા અને સંતાનો પર દાબ જેવા શબ્દોને બ્રહ્મવાક્ય માનતા પિતા ક્યારેય પુત્રના મિત્ર ના થઈ શક્યા. પિતાથી સતત દબાયેલી અને ડરતી રહેતી મા ક્યારેય પિતાને સાચું કહી ના શકી અને માને માટે તો સૂર્યકાંત જે કહેતા તે જ સત્ય હતું, કારણ કે એની પાસે એ સિવાય સત્ય જાણવાનો કોઈ બીજો રસ્તો પણ નહોતો.

સૂર્યકાંત મિત્રો સાથે પહેલાં નાટક જોતા થયા. નાટક જોતા જોતા એ ક્યારે પડદાની પાછળ જઈને યશોધરાને મળતા, ધીમે ધીમે એને ઘેર જતા અને પછી તો એને રિહર્સલ પર લેવા-મૂકવા જતા થઈ ગયા એની ખુદ સૂર્યકાંતને જ ખબર નહોતી.

યશોધરા ચાલાક, જમાનાની ખાધેલ છોકરી હતી. વળી એની માએ પરિસ્થિતિને બરાબર સૂંઘી લીધી હતી. પ્રેમનાં નાટકો જોઈ જોઈને અને પ્રેમનાં ગીતો સાંભળી સાંભળીને સૂર્યકાંતને લાગતું હતું કે આવી રીતે ઘર છોડીને ભાગી જવું, વડીલો સામે બળવો કરવો, પ્રેમના નામે જાન કુરબાન કરી દેવો, બસ એ જ જીવન છે. પહેલાં માની પાસે માગીને અને પછી ધીરે ધીરે માના કબાટમાંથી ઉઠાવી લીધેલા રૂપિયા અને દાગીના યશોધરાના કબાટમાં ગોઠવાતા ગયા...

યશોધરાને પોતાને ક્યારેક સૂર્યકાંતની સચ્ચાઈ જોઈને દુઃખ થતું, એને આ નાટકની જિંદગી છોડીને ક્યારેક સૂર્યકાંત સાથે ગોઠવાઈ જવાની, લગ્ન કરીને કુટુંબ ઊભું કરવાની લાગણી થઈ આવતી.

પણ યશોધરાની માનાં સપનાં બુલંદ હતાં. એને યશોધરાને સિનેમામાં કામ કરાવવું હતું. એ યશોધરાને લઈને નિર્માતાઓના દરવાજા ખખડાવતી, યશોધરા સુંદર હતી, સેક્સી હતી એની ના નહીં, પણ એવી અદભુત અભિનેત્રી નહોતી, જેવી એની મા એને માનતી હતી! યશોધરા પોતે કદાચ આ વાત જાણતી હતી.

નિર્માતાઓની ઓફિસોમાં એનાં કપડાંની આરપાર પસાર થઈ જતી આંખો એ અનુભવી શકતી હતી, પણ મા સામે બોલવાની એની હિંમત નહોતી. એણે અભિનેત્રી બનવા માગતી છોકરીઓની વેડફાતી જિંદગીઓ જોઈ હતી.

નિર્માતાથી શરૂ કરીને થિયેટરના માલિકો સુધી અભિનેત્રીઓને જે રીતે શોષણનો ભોગ બનવું પડતું એની યશોધરાને ખબર હતી અને છતાં એ પોતાની માને ના નહોતી કહી શકતી.

એને સૂર્યકાંત ગમતો.

સૂર્યકાંત જે રીતે એની પાછળ પૈસા ઉડાડતો, ઘેલા કાઢતો, જે રીતે એને સાચવતો અને ઓછો ઓછો થતો એ એને પીગળાવી જતું. સૂર્યકાંતે અવારનવાર એની સાથે લગ્નની વાત કરી હતી.

પોતાના પિતાને મનાવીને એ યશોધરાને પત્ની બનાવશે એવાં વચનો એણે યશોધરાને વારંવાર આપ્યાં હતાં.

યશોધરાની મા યશોધરાના કૌમાર્યની કિંમત જાણતી ખડૂસ બાઈ હતી. એ યશોધરાને અને સૂર્યકાંતને ઇરાદાપૂર્વકની છૂટ આપતી. પરિસ્થિતિ એના હાથની બહાર ન જતી રહે એ વિશે એ સંપૂર્ણપણે સજાગ રહેતી.

શરૂઆતમાં સૂર્યકાંતને બહુ ગંભીરતાથી ન લેતી યશોધરા ધીરે ધીરે સૂર્યકાંતના પ્રેમમાં પડવા માંડી હતી, પોતાની મા સામે ક્યારેક એ બળવો કરી બેસતી. એને પણ સૂર્યકાંત સાથે જીવવાનાં સપનાં આવવા માંડ્યાં હતાં ! યશોધરાને પણ ઘર વસાવીને કોઈ પત્ની બનવાની ઇચ્છા થવા લાગી હતી.

એને ધીમે ધીમે સમજાવા માંડ્યું હતું કે મોટી કિંમત મળે તો એની મા ખુદ યશોધરાનો સોદો કરી નાખતા પણ અચકાય એવી બાઈ નથી. યશોધરા ક્યારેક ક્યારેક એની માને સૂર્યકાંત સાથેના પોતાનાં લગ્નના સપના અંગે સમજાવવાનો પ્રયત્ન કરતી.

‘‘મૂર્ખી... બુદ્ધિ વગરની... એ કહે ને તું માને. આજ સુધી કોઈ શેઠિયાના દીકરાએ નાટકવાળી બાઈ જોડે લગ્ન કર્યાં છે?’’

‘‘કેમ, ‘પાકિઝા’માં તો તવાયફના મહોલ્લામાં જાન આવે છે. હું તો માત્ર નાટકોમાં કામ કરું છું.’’

‘‘મૂર્ખી, આ બધું ફિલ્મોમાં અને નવલકથાઓમાં થાય. કોઈ દિવસ જિંદગીમાં આવું થતું જોયું છે ?’’

‘‘હું કરીને બતાવીશ. મારો સૂરજ પૃથ્વીરાજની જેમ ઘોડા પર બેસીને આવશે અને સંયુક્તાની જેમ મારું હરણ કરી જશે...’’ યશોધરા સ્વપ્નિલ આંખો કરીને માને કહેતી, ‘‘તું જોતી જ રહી જઈશ.’’

ખરેખર તો યશોધરા જોતી રહી જાય અને એનું માનું કહેલું સાચું પડે એવી ઘટના બની. અચાનક એક દિવસ સૂર્યકાંત જે રીતે થિયેટર પર આવ્યો એ જોઈને યશોધરા ડરી ગઈ. વિખરાયેલા વાળ, બે દિવસની વધેલી દાઢી, લાલ આંખો અને ચહેરો સાવ પીળો પડી ગયેલો.

‘‘શું થયું સૂરજ ?’’ ફિલ્મી અને નાટકિયા માહોલમાં જીવતી યશોધરા સૂર્યકાંતને સૂરજ કહેતી.

‘‘મારી જિંદગી બરબાદ કરી નાખી એ દેવશંકર ડોસાએ...’’ સૂર્યકાંતે ધબ દઈને થિયેટરની ખુરશીમાં પડતું નાખ્યું હતું.

‘‘પણ થયું શું ?’’ આમતેમ જોઈને યશોધરાએ સૂર્યકાંતના ગાલ પર એક હળવું ચુંબન લઈ લીધું.

‘‘મારાં... મારાં લગન નક્કી કરી નાખ્યાં છે. માગશર સુદ- બીજે.’’

‘‘આજે કારતક વદ- અગિયારસ તો થઈ !’’

‘‘એ જ તો ! મારી પાસે બિલકુલ સમય નથી એને સમજાવવાનો. અમારે એકમે જાન લઈને નીકળવાનું છે.’’

‘‘બહારગામ ?’’

‘‘હા, અમારા વડવાઓના મંદિરના પૂજારી છે, એની દીકરી છે- વસુંધરા.’’

‘‘સુંદર છે ?’’ મોગલ-એ-આઝમ, દેવદાસ અને એવાં કેટલાંયે બીજાં પિક્ચરની અસર નીચે યશોધરાએ આંખોમાં આંસુ લાવીને ત્યાગના અભિનયની શરૂઆત કરી, ‘‘સૂરજ, તું સુખી થતો હોય તો મારે શું જોઈએ ?’’

‘‘આ નાટક નથી, જિંદગી છે મૂરખ.’’ સૂર્યકાંત ચિડાઈ ગયા, ‘‘એક્ટિંગ બંધ કર અને શું કરીશું એ વિચાર.’’

‘‘તારા બાપુજીએ નક્કી કર્યું છે એટલે હવે તને પરણાવીને જ રહેશે... હું શું કરી શકવાની ? હું તો લાચાર, ગરીબ... એક કનીઝ છું.’’

‘‘મારી સાથે ભાગી જઈશ ?’’

‘‘ખબરદાર, જો મારી છોકરી સામે નજર નાખી છે તો...’’ થોડે દૂર ઊભી રહીને એમની વાતચીત સાંભળતી યશોધરાની મા આગળ આવી.

‘‘મા... હું તમારી દીકરીને ખૂબ સુખી કરીશ.’’ સૂર્યકાંત એકદમ લાગણીશીલ થઈ ગયો.

‘‘ખબરદાર, જો લગન-બગનની વાત કરી છે તો.’’ યશોધરાની માએ યશોધરાની સામે ડોળા કકડાવ્યા, ‘‘અને તું, નીકળ હવે. મારે કોઈ પ્રકારની માથાકુટ નથી જોઈતી. તું મારી છોકરીને લઈને ભાગે તો તારો બાપ તને છોડી દેશે એમ માને છે ?’’ એણે હાથ જોડ્યા, ‘‘અમને છોડ ભઈસાબ, તું તારે લગન કરી લે અને અમને શાંતિથી અમારી જિંદગી જીવવા દે.’’

સૂર્યકાંત ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. લળી લળીને આવકાર આપતી અને એને માટે અચ્છો અચ્છો વાના કરતી આ સ્ત્રી પાંચ જ મિનિટમાં આટલી બધી બદલાઈ શકે ?

‘‘પણ મા...’’ સૂર્યકાંત આગળ કંઈ બોલવા ગયા.

‘‘જાય છે કે ચોકીદારને બોલાવું ?’’ યશોધરાની માએ પોતાની જાત દેખાડી અને પછી યશોધરાને બાવડામાંથી પકડીને ઘસડતી ઘસડતી અંદરની તરફ લઈ ગઈ.

એ પછીના પંદર દિવસ સૂર્યકાંત માટે જીવલેણ નીવડ્યા. ઘરનો ટેલિફોન યશોધરાની મા જ ઉપાડતી. થિયેટર પર ચોકીદારને કડક સૂચના હતી કે સૂર્યકાંતને દાખલ ન થવા દેવો. ઘરમાં પિતાના સવાલો અને દબાણ વધતા જતા હતા. ગોદાવરી લગનની તૈયારીમાં ઘેલી થવા લાગી હતી. સૂર્યકાંતે એકાદવાર પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરી જોયો, લગ્ન ઠેલવા વિશે...

માને કહી જોયું, પિતા સાથે વાત કરવાનું, પણ માએ ‘નટી’નું નામ સાંભળીને સાથ આપવાની ચોખ્ખી ના પાડી દીધી.

અને પછી વસુંધરા પરણીને ઘરમાં આવી.

ડાઇનિંગ ટેબલ ઉપર વિઝાના સ્ટેમ્પ મારેલા ત્રણ પાસપોર્ટ પડ્યા હતા.

વૈભવી વસુમા સામે જોઈ રહી, ‘‘આ સ્ત્રી કઈ માટીમાંથી બનેલી હતી ? દરેક પરિસ્થિતિમાં દરેક માણસ વિશેનો આટલો સંતુલિત અને આટલો સ્પષ્ટ નિર્ણય કઈ રીતે કરી શકતી હશે એ !’’

‘‘વૈભવી.’’ વસુમાના ચહેરા પર હજી એટલી જ સ્વસ્થતા હતી, ‘‘તું જાનકીને પેકિંગમાં મદદ કરજે. પરમ દિવસની ટિકિટ છે એટલે રાતની હશે.’’ એમણે અજય સામે જોયું.

‘‘હા.’’ અજયના ચહેરા પર કેમ જાણે અપરાધનો ભાવ દેખાયા કરતો હતો.

‘‘અભય પરમ દિવસે બપોરે આવી જશે. ઘરના બધા જ સાંજે સાથે જમીશું અને પછી અજય, જાનકી અને હૃદય અમેરિકા જવા નીકળશે.’’

‘‘મા, મારે તારી સાથે વાત કરવી છે.’’

‘‘હા, શાંતિથી મારા ઓરડામાં આવ.’’ પછી એમણે વૈભવી સામે જોઈને ઉમેર્યું, ‘‘અભયને ફોન કર્યો ? એની તબિયત કેમ છે ?’’

‘‘જી... મેં નથી કર્યો.’’ પછી વૈભવી સહેજ અચકાઈ. થોડીક ક્ષણો ચૂપ રહી અને નીચું જોઈને જ એણે ઉમેર્યું, ‘‘એમને કદાચ એવું લાગે... કે એ પ્રિયા સાથે છે એટલે મેં તપાસ કરવા ફોન કર્યો હતો...’’

વસુમાના ચહેરા પર એકદમ વહાલસોયુ, મમતાળું સ્મિત આવી ગયું. એણે હસીને વૈભવીના માથે હાથ ફેરવ્યો, ‘‘કેમ, પહેલાં અભય જતો હતો ત્યારે તું ફોન નહોતી કરતી ?’’

‘‘ત્યારની વાત જુદી હતી.’’

‘‘કેમ ? ત્યારે શું જુદું હતું વૈભવી ? ત્યારે તને અભયની ચિંતા હતી અને હવે નથી ? કે ત્યારે તું પત્ની હતી અને હવે નથી ? એને શું લાગશે એની ચિંતા કર્યા વિના તને શું લાગે છે એનો વિચાર કર.’’

વૈભવી એમની સામે જોઈ રહી.

‘‘બેટા, આપણે આપણો મોટા ભાગનો સમય બીજા શું વિચારશે અને બીજાને શું લાગશે એ વિચારીને વર્તવામાં કાઢી નાખીએ છીએ... અને એ પણ ખોટી દિશામાં !’’ વૈભવીની આંખો ભરાઈ આવી. જે દિવસથી અભય ગયો હતો એ દિવસથી વૈભવી જાણે આળી થઈ ગઈ હતી. વાતે વાતે એની આંખમાં પાણી આવી જતાં. વાતે વાતે એને ઓછું આવતું. જાણે જીવેલા લગ્નજીવનના બે દાયકાની સફર વૈભવી પળે પળે કરી રહી હતી.

‘‘બેટા, ખોટું નહીં લગાડતી, અને મારી વાતને પોઝિટિવલી લેજે, પણ અભયના ગમા-અણગમાનો આટલો જ વિચાર થોડાં વર્ષો પહેલાં કર્યો હોત તો ?’’

‘‘મા, કોઈ પણ ભૂલ એટલી મોટી હોય કે એ માફ જ ના થઈ શકે?’’ વૈભવીની છલછલાઈ આવેલી આંખો ઊભરાઈ ગઈ, ‘‘અભય મને ધિક્કારવા લાગે એટલો મોટો ગુનો છે મારો ?’’

વસુમાની આંખો પણ કોણ જાણે શું વિચારીને ભીની થઈ ગઈ, ‘‘બેટા, સવાલ માફી કે સજાનો નથી રહેતો, કેટલીક પરિસ્થિતિઓમાં પોતાના જ નિર્ણયની વાત માણસના પોતાના હાથમાંથી જ બહાર નીકળી જાય છે.’’ એમને પણ જાણે સૂર્યકાંત સાથેના સંવાદો એક પછી એક યાદ આવી ગયા, ‘‘બેટા, હું સ્કૂલમાં શિક્ષિકા હતી, વર્ષો સુધી. દર વર્ષે નવી બેચ અને જૂની બેચ આગળ નીકળી જાય ! એ વર્ષે એ બેચ સાથે લાગણીઓનું બંધન એવું હોય કે જાણે વર્ષોવર્ષ એ લોકો એ જ ક્લાસમાં ભણવાના છે અને હું એમને એ જ ક્લાસમાં ભણાવવાની છું.’’ એ વૈભવી સામે જોઈ રહ્યા.

‘‘હું સમજી નહીં મા.’’

‘‘ જેમ સ્કૂલમાં ભણતા હો ત્યારે તમને સ્કૂલ, સ્કૂલના મિત્રો અને ટીચર્સ સાથે લાગણીઓનું ગજબનું બંધન હોય છે, પણ એક વાર સ્કૂલ પાસ કરો પછી તમે સ્કૂલને ધિક્કારતા નથી, યાદ કરો છો, મિત્રોને પણ મળો છો, પણ ક્યારેક જ ! તમે કોલેજમાં જાવ છો. નવા મિત્રો થાય છે... નવું ભણો છો, નવું શીખો છો.’’ વસુમા જાણે પોતાની જાતને પણ કહી રહ્યા હતા, ‘‘જૂનું ભૂલી નથી જતા વૈભવી, નવું ઉમેરાતું જાય છે. તમારા મોટા થવાનું, ગ્રોઇંગ-અપનો ભાગ છે આ.’’

‘‘એને એને અભયભાઈની વાતને શું સંબંધ, મા ?’’ ક્યારની ચૂપ બેઠેલી જાનકી ધીમેથી, પણ પૂછી બેઠી.

‘‘બેટા, તમે ગમે તેટલું ઇચ્છો, પણ સ્કૂલમાં પાછા નથી જઈ શકતા... નાના નથી થઈ શકતા. તમારે ઇચ્છાએ કે અનિચ્છાએ આગળની તરફ જ જવું પડે છે !’’

બંને વહુઓ અને અજય વસુમા તરફ જોઈ રહ્યા.

‘‘છોકરાંઓ, આ એકલી વૈભવીની વાત નથી કે નથી આ એકલા પતિ-પત્નીના સંબંધની વાત... જિંદગીના દરેક સંબંધમાં, જિંદગીના દરેક તબક્કે સૌએ આગળ વધી જ જવું પડે છે.’’ પછી થૂંક ગળે ઉતારી થોડીક ક્ષણો આંખો મીંચીને શાંત બેસી રહ્યાં, ‘‘ગયેલો સમય, સંબંધ અને સંપત્તિ ક્યારેય પાછા નથી આવતા બેટા, અને એટલે જ એનું જતન કરવાનું, એનું સન્માન કરવાનું...’’

‘‘મા, અલય ક્યારે આવવાનો છે ?’’ અજયને વાતાવરણ વજનદાર થતું લાગ્યું એટલે એણે વાત બદલવાનો પ્રયત્ન કર્યો.

‘‘આવવો જ જોઈએ.’’ વસુમાએ કાંડે બાંધેલી ઘડિયાળ જોઈ, ‘‘ઇનફેક્ટ કોઈ પણ મિનિટે આવવો જોઈએ.’’

ગોવાના દાબોલિમ એરપોર્ટ પર અલય, અભિષેક, શ્રેયા અને અનુપમા ફ્લાઇટની રાહ જોતાં હતાં. સંજીવ અનુપમાનું આગળનું શેડ્યુઅલ પ્લાન કરવા આગલા દિવસે ચાલી ગયો હતો.

કાયમ ચહેકતી, ચપડચપડ કરતી અનુપમા કોણ જાણે કેમ સાવ ચૂપચાપ હતી. બ્લૂ કલરનું ડેનિમ અને ઉપર સફેદ છોકરાઓ પહેરે એવું કોલરવાળું શર્ટ એણે ગાંઠ વાળીને પહેર્યું હતું. શર્ટની અંદર એવા જ ડાર્ક બ્લૂ કલરનું સ્લિવલેસ ગંજી જેવું ચામડીને ચપોચપ બેસતું ટી-શર્ટ પહેયુર્ં હતું. લાંબા વાળનો અંબોડો વાળીને એમાં લેધરની પીન ભરાવી હતી. અભિષેક શોર્ટસ અને ટી-શર્ટમાં હતો. લોકોનાં ટોળેટોળાં બે જણાના ઓટોગ્રાફ લેવા એકઠા થતા હતા.

શ્રેયા અને અલય જાણે આ બધાથી અલગ એક ખૂણામાં બેસીને પોતાની વાતો કરી રહ્યાં હતાં. શ્રેયા બડબડ કરી રહી હતી. અલયનું ધ્યાન અડધો વખત એની વાતોમાં નહોતું એવું શ્રેયાને અચાનક લાગ્યું.

‘‘ઓ... ધ્યાન ક્યાં છે તારું ?’’

‘‘તારામાં.’’ અલેય એક ક્ષણ પણ ગુમાવ્યા વિના જવાબ આપ્યો.

‘‘મને ખબર છે, તારું ધ્યાન મારામાં નથી અને એટલે પૂછું છું કે મારામાં નથી તો ક્યાં ધ્યાન છે તારું ?’’ એણે પાછળ ફરીને અભિષેક અને અનુપમા સામે જોયું. અનુપમા ઓટોગ્રાફ આપવામાં વ્યસ્ત હતી.

‘‘તારી હિરોઇન સેફ છે.’’

‘‘મારું ધ્યાન એનામાં નથી શ્રેયા.’’

‘‘તો ?’’ મજાકના મૂડમાંથી શ્રેયા અચાનક ગંભીર થઈ આવી, ‘‘કંઈ પ્રોબ્લેમ છે, અલય ?’’

‘‘મારે તને કંઈક કહેવું છે.’’

‘‘મને ખબર છે.’’ શ્રેયાએ સ્મિત કર્યું, ‘‘તારી ફિલ્મની રિલીઝ ડેટ આવી ગઈ છે...’’ પછી બાજુમાં બેઠેલા અલયનું બાવડું પકડીને એના ખભે માથું મૂકી દીધું, ‘‘આપણાં લગ્નનો દિવસ સાવ નજીક આવી ગયો છે.’’

‘‘શ્રેયા.’’ પોતાના ખભે મુકાયેલા શ્રેયાના માથા પર અલયે માથું અડાડ્યું, ‘‘એ પહેલાં મારે તને કંઈક કહેવું છે.’’

‘‘મંગળસૂત્રની ડિઝાઇન, પાનેતર... કોઈને બોલાવવા છે કે નહીં? એવું બધું ?’’

‘‘ના, એવું બધું નહીં. કશું ખૂબ ગંભીર, સમથિંગ વેરી સિરિયસ, શ્રેયા.’’

શ્રેયાએ અચાનક માથું ઊંચું કર્યું અને અલયની આંખોમાં આંખો પરોવી, ‘‘એય, તારો વિચાર બદલાઈ નથી ગયો ને ?’’

અલયે શ્રેયાના બે ગાલ પર હાથ મૂક્યા, ‘‘ના, મારો વિચાર ક્યારેય નહીં બદલાય શ્રેયા, પણ હુંં જે કહું તે સાંભળીને કદાચ તારો વિચાર બદલાઈ જાય...’’ અલયની આંખોમાં હલકી ભીનાશ તરવરી આવી, ‘‘એવું થાય તો... તો... હું એને મારી ભૂલની સજા માનીને સ્વીકારી લઈશ.’’

‘‘સ્ટૂપીડ !’’ શ્રેયાને અલયની આંખોમાં જોઈને જાણે બરફની સૂસવાટા મારતી ઠંડી હાડકાની આરપાર પસાર થઈ જાય એવી લાગણી થઈ, ‘‘આવી બધી વાતો નહીં કર ! હું જિંદગીભર ઝઘડતાં ઝઘડતાં તારી સાથે એક ઘરમાં જીવી શકું છું, પણ તારા વિના નહીં જીવી શકું અલય !’’ એણે ખુરશીમાં બેઠા બેઠા જ અલયની છાતીમાં માથું નાખી દીધું. અલયે પણ એને એવી રીતે જકડી લીધી, જાણે પોતાનાથી જુદી પડવા દેવા ન માગતો હોય.

દૂર ઓટોગ્રાફ સાઇન કરી રહેલી અનુપમાએ એને ઘેરીને ઊભેલા ટોળાની વચ્ચેથી આ દૃશ્ય જોયું. એની અને અભિષેકની નજર એક સાથે પડી હતી આ દૃશ્ય પર. અનુપમાએ નજર ફેરવી લીધી, પણ અભિષેકે એના ખભે હાથ મૂકીને થપથપાવ્યો, ‘‘ધીસ ઇઝ લાઇફ સ્વીટ હાર્ટ ! ટેઇક ઇટ ઓર લીવ ઇટ.’’

અનુપમા નીચું જોઈને એક નિઃશ્વાસ નાખવાથી વધુ કંઈ કરી શકી નહીં.

અનુપમાના આશ્ચર્ય વચ્ચે શ્રેયા ફ્લાઇટમાં એની બાજુમાં બેઠી. છેક ગોવાથી મુંબઈ સુધી એની સાથે જાતજાતની વાતો કરતી રહી. મુંબઈ છત્રપતિ શિવાજી એરપોર્ટનું અનાઉન્સમેન્ટ થયું કે અનુપમાએ આંખો બંધ કરીને માથું પાછળ ઢાળી દીધું.

એ જાણતી હતી કે હવે અલય એને પહેલાંની જેમ રોજ નહીં મળે. ડબિંગ માટે હજી કદાચ ચાર-છ દિવસ સાથે કામ કરવાનું થાય તો થાય, પછી તો અલયને જોવો પણ દુર્લભ થઈ જશે.

‘‘અનુ, અલય બીજી ફિલ્મ અનાઉન્સ કરે છે, તારી સાથે.’’

‘‘તને કોણે કહ્યું ?’’ અનુપમા ઊછળી પડી.

‘‘કહે કોણ ? મેં ધારી લીધું.’’ શ્રેયા હસી, ‘‘અલય એક ફિલ્મ કરીને બેસી તો રહેશે નહીં, અને બીજી ફિલ્મ કરશે તો એને તારા વગર ચાલશે નહીં.’’

અનુપમાએ શ્રેયા સામે એવી રીતે જોયું, જાણે એનો આભાર માનતી હોય. શ્રેયાએ બે સીટની વચ્ચેના હાથા પર મુકાયેલા અનુપમાના હાથ પર હાથ મૂક્યો અને સહેજ દબાવ્યો.

‘‘અનુ, જિંદગીની કેટલીક અદભુત વસ્તુઓ મારા એકલાની હોય તો સારું - એવી ઇચ્છા રાખવી એ માણસની પ્રકૃતિ છે, પણ એ જ્યારે મારા એકલાની નથી એવી ખબર પડેને ત્યારે એ સત્યને સ્વીકારીને જેટલું પોતાનું છે એટલાનો આનંદ માણતા શીખી જવું જોઈએ...’’ એણે ફરી એક સ્મિત કર્યું, ‘‘તો સુખી થવાય કે નહીં એની મને ખબર નથી, પણ દુઃખી ન થવાય એવું નક્કી !’’

અનુપમા કંઈ બોલવા જતી હતી. એને રોકીને શ્રેયાએ કહ્યું, ‘‘આ વાત તારા અને મારા બંને માટે સાચી નથી ?’’

‘‘શ્રેયા, તું ખૂબ બદલાઈ ગઈ છે.’’ અનુપમાએ પોતાના હાથ પર મુકાયેલા શ્રેયાના હાથ પર પોતાનો બીજો હાથ મૂકી દીધો.

‘‘અમારા માર્કેટિંગની દુનિયામાં એમ કહેવાય કે બજારમાં ટકવું હોય તો અપગ્રેડ કરતા રહેવું જરૂરી છે...’’ પછી એકદમ ગંભીર થઈને અનુપમાની આંખોમાં જોઈને કહ્યું, ‘‘મારા હાથમાંથી મારું સુખ સાવ સરી જાય એને બદલે મને વહેંચી લેવામાં વાંધો ન જ હોવો જોઈએ.’’

અનુપમા અને શ્રેયા બંને જાણે એકબીજાનું દુઃખ સમજતાં હોય, એકબીજાનો ખાલીપો વહેંચી શકતા હોય એમ ખાસ્સી ક્ષણો ફરી એક વાર ચૂપચાપ બેસી રહ્યા.

અલય ઘરમાં દાખલ થયો ત્યારે ઘરનું વાતાવરણ પ્રમાણમાં બોઝલ હતું.

અજયના ઓરડામાં પેકિંગ ચાલતું હતું. વૈભવી અને જાનકીને સાથે મળીને કામ કરતાં જોઈ અલયે કમેન્ટ કરી, ‘‘ક્યા બાત હૈ... કાઝી અને પંડિત એક સાથે ?’’

‘‘હમ !’’ વૈભવીએ અલયને જોઈને સ્મિત કર્યું, ‘‘એક પાદરીની ખોટ હતી, એ પણ આવી ગયો !’’

‘‘મા ક્યાં છે ?’’

‘‘અજય સાથે વાત કરે છે, એમના રૂમમાં.’’ જાનકીની આંખોમાં એક બહુ જ દેખાઈ આવતી ઉદાસી હતી, ‘‘પપ્પાજી હોસ્પિટલમાં છે.’’

‘‘ખ્યાલ છે મને. તમારી પરમ દિવસની ટિકિટ છે ને ?’’

‘‘લેટેસ્ટ ન્યૂઝ અપડેટ ?’’ વૈભવીનું સ્મિત અકબંધ હતું.

‘‘ભાભી, ચીડાવ નહીં તો એક વાત કહું ?’’ વૈભવીને સારા મૂડમાં જોઈને અલયને એનો મૂડ બગાડવાની ઇચ્છા ન થઈ.

‘‘નહીં ચીડાઉં !’’

‘‘તમને હસતાં જોઈને મને શું વિચાર આવે છે, ખબર છે ?’’

‘‘ગીત ગાયા પથ્થરોને...’’ વૈભવી હજી હસી રહી હતી, ‘‘કે પછી રાવણ હસા ?’’

‘‘ભાભી !?’’

‘‘મારાં છોકરાંઓ આ કમેન્ટ કરી ચૂક્યાં છે, કંઈ નવું હોય તો કહો.’’

‘‘મારા થોડાક દિવસ ગોવા જવાથી જો આ ઘરમાં આટલો બધો ફેરફાર થતો હોય તો હું ગોવા સેટલ થઈ જવા તૈયાર છું.’’

‘‘એક અમેરિકા જશે, એક ગોવા જશે...’’ જાનકીની આંખો ડબડબાઈ આવી, ‘‘આ ઘર વીખરાઈ જશે અલયભાઈ.’’

‘‘ભાભી, આ ઘર આમ જ અકબંધ રહેશે. ઘર માણસોના મનથી બને છે અને આપણે દુનિયાના કોણ પણ ખૂણામાં રહીએ, આપણા મન એકબીજા સાથે જોડાયેલાં છે...’’ પછી એણે સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને રોમિયોની જેમ જાનકીનો હાથ પકડ્યો... ‘‘રોના... કભી નહીં રોના, ચાહે તૂટ જાયે કોઈ ખિલોના...’’ પછી ઊભા થઈને જાનકીનો હાથ પકડીને બોલડાન્સ કરવા માંડ્યો.

ભીની આંખે હસતી જાનકી એનો હાથ પકડીને એને જબરદસ્તી બોલડાન્સ કરાવતો અલય અને સામે ઊભેલી ઉદાસ આંખે, પણ પરાણે સ્મિત કરતી વૈભવી...

એક ગજબનું ફેમિલી પોટ્રેટ બનતું હતું આ ! ટ્રેજી કોમિક ? કે કોમીટ્રેજીક ?

વિષ્ણુપ્રસાદ ચોકસી પોતાના ઓરડામાં બેસીને દિવસનું બીજું ડ્રિન્ક લઈ રહ્યા હતા.

એર કન્ડિશન કમરો ઓછામાં ઓછા ફર્નિચર સાથે જાણે વધારે વિશાળ લાગતો હતો. જમીન પર વોલ-ટુ-વોલ ગ્રે કલરની કાર્પેટ બિછાવેલી હતી. દોઢ દોઢ ફૂટના નાના નાના લો-સિટિંગ કમરાના એક ખૂણે ગોઠવેલા હતા. આખી ખૂલી જાય એવી સ્લાઇડિંગ વિન્ડોઝને અડીને એક પથ્થરની બેઠક જેવી પાળી બનાવેલી હતી, જે સ્લાઇડિંગ વિન્ડો અને કમરાને છૂટા પાડી દેતી. પાળીની પેલી તરફ લગભગ ત્રણ ફૂટ એક્સેન્ડ કરેલા સહેજ ઊંચાણવાળા ફ્લોરિંગ પર જાતજાતના પ્લાન્ટ્‌સ ગોઠવેલા હતા. પામથી શરૂ કરીને ક્રિસ્મસ ટ્રી, રબર પ્લાન્ટ અને રાતરાણી સુધીના છોડ હતા અહીં.

આઠમા માળ પરનો આ ઓરડો જાણે ગાર્ડનનો એક ભાગ હોય એવો લાગતો હતો...

નીચે છ બાય છનું ગાદલું પાથરેલું હતું, એની બંને તરફ એક ફૂટ ઊંચાં સાઇડ ટેબલ્સ હતાં. એના ઉપર આરસપહાણના ગણપતિ ઉપર બનાવેલા બે લેમ્પ મૂકેલા હતા.

ઓરડો ઓફ વ્હાઇટ રંગમાં તદ્દન સોબર દેખાતો હતો. આખાય રૂમના ફર્નિચરમાં ઓફ વ્હાઇટ, લેમન યલ્લો અને વ્હાઇટ સિવાયના કોઈ રંગો નહોતા ! કોઈ પણ ફર્નિચર બે ફૂટથી ઊંચું નહોતું... એક માત્ર રોકિંગ ચેર, જે સિસમના લાકડાની બનેલી હતી એના ઉપર વિષ્ણુપ્રસાદ ચોકસી આંખો બંધ કરીને માથું, ઢાળીને બેઠા હતા. ખુરશી ધીમે ધીમે ઝૂલી રહી હતી.

એ ટેસ્ટફૂલ ઓરડામાં ડાબી તરફ બે-અઢી લાખ રૂપિયાથી ઓછી નહીં હોય એવી મોટી મ્યુઝિક સિસ્ટમ ગોઠવેલી હતી. ચાર સ્પીકરવાળી એ મ્યુઝિક સિસ્ટમમાં અત્યારે દિવાળીબહેન ભીલનો અવાજ રેલાઇ રહ્યો હતો.

નીરવ ભાગ્યે જ આ ઓરડામાં આવતો. બાપ-દીકરો કાં તો ડાઇનિંગ ટેબલ ઉપર અથવા ડ્રોઇંગરૂમમાં મળતા. નીરવના ઓરડામાં વિષ્ણુપ્રસાદ ભાગ્યે જ જતા. એવી જ રીતે નીરવ પણ વિષ્ણુપ્રસાદના ઓરડામાં ભાગ્યે જ પગ મૂકતો. એક ઘરમાં રહેતા બે અજાણ્યા માણસોની જેમ જીવ્યે જતા આ બાપ-દીકરો જરૂર સિવાય વાત જ નહોતા કરતા.

‘‘ડેડ !’’ નીરવ દરવાજો ખોલીને ત્યાં જ ઊભો રહ્યો.

વિષ્ણુપ્રસાદે આંખો ખોલી, ‘‘યેસ !’’

‘‘મારે વાત કરવી છે.’’

‘‘હમણાં જ ?’’ વિષ્ણુપ્રસાદ ફરી આંખો મીંચવાની તૈયારીમાં હતા, ‘‘કાલે બ્રેકફાસ્ટ પર વાત કરીશું.’’ વિષ્ણુપ્રસાદે ફરી આંખો બંધ કરીને માથું ઢાળી દીધું.

‘‘ના, મારે હમણાં જ વાત કરવી છે.’’ નીરવ ત્યાં જ ઊભો રહ્યો, દરવાજાનું હેન્ડલ પકડીને.

વિષ્ણુપ્રસાદે આંખો ખોલી.

‘‘હું...’’ નીરવે થૂંક ગળે ઉતાર્યું, ‘‘હું... પરમ દિવસે અમેરિકા જાઉં છું.’’

‘‘વ્હોટ નોન સેન્સ ?!?’’ વિષ્ણુપ્રસાદ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એમના હાથમાં પકડેલો ડ્રિન્કનો ગ્લાસ ધ્રૂજી ગયો. એમાંથી છલકાયેલી વ્હીસ્કી કાર્પેટ પર પડી, ‘‘તારા રૂમમાં જા, મને લાગે છે તેં વધારે દારૂ પીધો છે.’’

‘‘મેં એક ટીપું નથી પીધું ! અને હું પરમ દિવસે જાઉં છું.’’ નીરવે હળવેકથી દરવાજો બંધ કરી દીધો. પોતાના ઓરડામાં એકલા ઊભેલા વિષ્ણુપ્રસાદ ચોકસી બંધ દરવાજા સામે જોઈ રહ્યા. મ્યુઝિક સિસ્ટમ પર દિવાળીબહેન ભીલ ગાઈ રહ્યાં હતાં,

‘‘તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો...

આવ્યા ત્યારે અમ્મર થઈને રહો...’’

(ક્રમશઃ)

Rate & Review

Hemant Sanghvi

Hemant Sanghvi 1 month ago

Natvar Patel

Natvar Patel 2 months ago

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 months ago

Jigna

Jigna 5 months ago

Swati Bhuskute

Swati Bhuskute 5 months ago