Anusandhanni Kshan - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

અનુસંધાનની ક્ષણ - દિવ્યેશ ત્રિવેદી

મૃત્યુ શાશ્વત અને અફર છે એ જાણવા છતાં તેનો સતત ભય લાગવાનું કારણ એ છે કે મૃત્યુ સાથે જ તમામ લીલા થઈ જવાની છે. ઈન્દ્રીય સુખોનો અંત આવી જવાનો છે અને સંબંધોની દુનિયા પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે એ આપણે જાણીએ છીએ. જીવન દરમિયાન એકઠા કરેલા સુખો, ધન-વૈભવ, રાગ-દ્વેષ વગેરે સાથે એક ઝાટકે સંબંધ કપાઈ જવાનો છે એ વાત સહેલાઈથી પચતી નથી. વળી એક મોટી મુશ્કેલી એ છે કે, બીજા બધા જ પ્રકારના ડરનો એક યા બીજા સમયે અને એક યા બીજા સ્વરૂપે આપણને ક્યારેક અને ક્યારેક અનુભવ થઈ ચૂક્યો હોય છે. એથી એવા જ કોઈ ડરનો સામનો કરવાની આપણે થોડીક પણ તૈયારી હોય છે. પરંતુ મૃત્યુનો અનુભવ સામાન્ય રીતે જીવનમાં એક જ વાર - પહેલી અને છેલ્લી વાર થતો હોય છે. બહુ અપવાદરૂપ લોકોને જીવલેણ અકસ્માત કે છેલ્લી કક્ષાની બીમારીમાં મૃત્યુ નજીક આવીને ઊભું હોય એવો અનુભવ થતો હોય છે. છતાં એ મૃત્યુ તો નથી જ હોતું. એથી જ મૃત્યુનો અનુભવ આપણા માટે સદા અજ્ઞાત રહે છે અને અજ્ઞાતનો ભય હંમેશાં તીવ્ર હોય છે.

મૃત્યુ અજ્ઞાત ઘટના હોવાથી જ એના વિશે ચોક્કસપણે કશું જ કહી શકાતું નથી અને એથી આપણી કલ્પનાઓને છૂટો દોર મળી જાય છે. મૃત્યુ વખતે એવો અનુભવ થતો હોય છે એ તો કોઈ એક વાર મૃત્યુ પામીને પુનઃજીવિત થાય તો જ કહી શકે, પરંતુ મુશ્કેલી એ છે કે મૃત્યુ પામીને પુનઃજીવિત થનાર ખરેખર મૃત્યુ પામ્યો હતો કે કેમ એવો સવાલ ઊભો થાય છે, કારણ કે મૃત્યુ તો અંતિમ પડાવ છે અને ત્યાંથી કદી કોઈ પાછું આવતું નથી. અતૃપ્ત આત્મા અને ભૂત-પ્રેતની માન્યતાઓ પાછળ પણ આ જ સમજ કામ કરે છે.

પરંતુ થોડું ઊંડાણથી વિચારીએ અને આપણા જીવન પર એક દ્રષ્ટિપાત કરીએ તો સમજાય છે કે મૃત્યુનો અનુભવ સાવ અજ્ઞાત નથી. મુશ્કેલી એ છે કે મૃત્યુ વિશેના આપણા ખ્યાલો અજ્ઞાત પર આધારિત હોવાથી જ જીવન દરમિયાન થતા મૃત્યુ જેવા અનુભવો આપણી સમજ બહાર રહી જાય છે. સૂક્ષ્મ રીતે જોવા જોઈએ તો બે શ્વાસોશ્વાસની વચ્ચેની ક્ષણ વાસ્તવમાં મૃત્યુની ક્ષણ જ છે. આપણે શ્વાસ લઈએ છીએ અને પાછું બહાર કાઢીએ છીએ ત્યારે જીવનનું એક સૂક્ષ્મ ચક્ર પૂરું થાય છે. ફરી શ્વાસ લઈએ ત્યારે જીવનનું ચક્ર ફરી એક આંટો મારે છે. ફર્ક એટલો છે કે શ્વાસ લઈને બહાર કાઢ્યા પછી બીજો શ્વાસ ન લેવામાં આવે ત્યારે એ સ્થિતિને આપણે મૃત્યુ કહીએ છીએ. બે શ્વાસ વચ્ચેનો વિરામ અથવા ગાળો એ મૃત્યુ છે. બીજા શ્વાસે આપણે પુનર્જીવિત થઈએ છીએ, પરંતુ આ ગાળો એટલો સૂક્ષ્મ છે કે એટલી ખાલી ક્ષણનો આપણને અનુભવ થતો નથી અને આપણે માનીએ છીએ કે શ્વાસોશ્વાસની ક્રિયા સતત ચાલતી રહેતી હોવાથી આપણે સતત જીવીએ છીએ. ફિલ્મની પટ્ટીમાં બે દ્રશ્યો વચ્ચે આવો જ ગાળો હોય છે, પરંતુ ફિલ્મની પટ્ટી ઝડપથી આગળ ફરતી હોવાના કારણે એ ગાળો આપણને દેખાતો નથી અને ફિલ્મનાં દ્રશ્યો સળંગ દેખાય છે. વિજ્ઞાન આ પ્રક્રિયાને દ્રષ્ટિ સાતત્ય (Persistence of vision) કહે છે, શ્વાસની આવનજાવનમાં અનુભૂતિ-સાતત્ય (Persistence of Experience) કામ કરે છે. પરંતુ હકીકતમાં તો એ સૂક્ષ્મ ઘડી મૃત્યુની ઘડી છે, જેનો આપણે ભાગ્યે જ અનુભવ કરીએ છીએ.

આપણો અનુભવ સૂક્ષ્મ મૃત્યુ સુધી જ સીમિત નથી. જીવનમાં આવતાં આવાં અનેક અલ્પવિરામોથી આગળ વધીને ઊંઘ અથવા નિદ્રાનો આપણો અનુભવ પણ લઘુમૃત્યુ અથવા વિરામનો જ અનુભવ છે. માણસ ઊંઘી જાય છે ત્યારે એ નથી હોતો જે જાગૃત અવસ્થામાં હોય છે, ઊંઘનું આવરણ ચડી ગયા પછી માણસને પોતાનું નામ નથી હોતું, સરનામું નથી હોતું, એ વેપારી છે કે નોકરિયાત, પત્નીનો પતિ છે કે બાળકનો પિતા છે, એ ધનવાન છે કે ગરીબ છે અથવા એ કયા દેશમાં છે કે કયા શહેરમાં છે એવી કોઈ જ વાત મોજૂદ નથી હોતી. એ દૃષ્ટિએ ઊંઘ પણ એક પ્રકારનું મૃત્યુ છે. સવારે જાગે ત્યારે નવો જન્મ હોય છે, પરંતુ આ પણ રોજિંદી ક્રિયા હોવાથી એનો અહેસાસ ભાગ્યે જ થાય છે.

આ દ્રષ્ટિએ જોઈએ તો જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પણ એક પ્રકારની નિંદ્રા જ છે. ફેર એટલો કે એ સૂક્ષ્મ નિદ્રા અને અલ્પનિદ્રાને બદલે મહાનિદ્રા બની જાય છે. ફરી નહીં જાગવા માટે આવતી ઊંઘ એટલે જ મહાનિદ્રા યાને મૃત્યુ. સૂક્ષ્મ નિદ્રા અને અલ્પનિંદ્રાનો જો મૃત્યુ સ્વરૂપે અનુભવ કરી શકાય તો ખરેખર મૃત્યુ કેવું હોય તેની ઘણી સચોટ કલ્પના થઈ શકે.

ઘણા યોગીઓ અલ્પ મૃત્યુની ક્ષણને લંબાવી શકતા હોય છે. એક શ્વાસ લઈને મૂક્યા પછી બીજા શ્વાસ વચ્ચેનો ગાળો વધારી એટલો સમય તેઓ મૃત્યુનો જ અનુભવ કરે છે. કેટલાક યોગીઓ આ પ્રક્રિયા હેઠળ જમીનમાં દટાઈને કલાકો, દિવસો અને મહિનાઓ સુધી આવી કામચલાઉ મૃત્યુ અવસ્થામાં રહે છે. એક યોગીએ ભૂતકાળમાં આવો જ એક પ્રયોગ કેટલાક વર્ષો સુધી કર્યો હતો અને એ દરમિયાન એની તમામ શારીરિક ક્રિયાઓ સ્થગિત રહી હતી. વિજ્ઞાનીઓએ આવા કેટલાક પ્રયોગોના નિરીક્ષણો કર્યા છે અને એવું કબૂલ્યું છે કે કામચલાઉ મૃત્યુની આવી અવસ્થા તબીબી દૃષ્ટિએ મૃત્યુ જેવી જ હોય છે.

આમ, આપણે જો સૂક્ષ્મ મૃત્યુ અને અલ્પમૃત્યુનો યથાર્થ રીતે અનુભવ કરી શકીએ તો જીવન વિષે થોડું ગંભીર ચિંતન કરવાનો મોકો આપોઆપ ઊભો થાય છે. એ રીતે વિચારીએ તો દરેક ક્ષણ આપણા માટે નવું જીવન છે અને એથી દરેક ક્ષણને સાર્થક રીતે જીવી શકાય તો જીવન સાર્થક થયું ગણાય, પરંતુ આપણે મોટા ભાગે વર્તમાન અને ભવિષ્યની કલ્પના કરવામાં અને એને સાકાર કરવાના આયોજનમાં વિતાવીએ છીએ. ભવિષ્યનો મૂળભૂત ખ્યાલ જ ભ્રામક છે. આ ક્ષણ જ આપણી છે હવે પછીની ક્ષણ આપણા કાબૂ બહાર છે. એ આવે પણ ખરી અને ન પણ આવે, પરંતુ આપણે તો ભવિષ્યની ક્ષણો પર પણ આપણો અધિકાર છે એવા મિથ્યા માનસમાં રહીએ છીએ.

યોગીઓ અને જ્ઞાનીઓ કહે છે કે બે શ્વાસની વચ્ચે આવતા અલ્પમૃત્યુની ક્ષણે આપણું અનુસંધાન પળવાર માટે આપણે જાત સાથેથી છૂટી જાય છે અને શાશ્વત અસ્તિત્વ કે પરમચેતના સાથે જોડાય છે. એ જોડાણ પણ અલ્પકાલીન હોવાથી આપણને એનો અહેસાસ થતો નથી, પરંતુ આ અલ્પક્ષણ લંબાય ત્યારે જે અનુભૂતિ થાય છે એને જ આપણે સમાધિ કહીએ છીએ. એ અર્થમાં સમાધિ પરમતત્વ કે પરમચેતના સાથેનું અનુસંધાન જ છે. આ અલ્પક્ષણે થતાં પરમતત્ત્વ સાથેના અનુસંધાન અંગે સભાન થવામાં જ જીવનની સાર્થકતા છે. રમણ મહર્ષિએ જીવનનો મર્મ સમજાવતાં કહેલી વાતને આ સંદર્ભમાં ફરી યાદ કરવા જેવી છે.

જે ક્ષણે કૃત્ય કર્યાનો સંતોષ કે આનંદ પ્રાપ્ત થાય એ ક્ષણ સાર્થક બને છે. એ જ સમાધિની ક્ષણ છે. કવિઓ, લેખકો, ચિત્રકારો અને બીજા અનેક કલાકારો અવારનવાર આવી ક્ષણોનો અનુભવ કરે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા અનેક કવિઓ કહી ગયા છે કે કવિતા ઊતરતી હોય એ ક્ષણે અનુસંધાન જાત સાથે નહીં, પરંતુ કોઈ પરમ ઊર્જા સાથે હોય છે. યોગીઓ અને ઋષિ મુનીઓ તો આવા બેસુમાર અનુભવ કરતા આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત, મોહંમદ પેયગંબર કે અષો જરથુષ્ટ્ર જેવાઓ કોઈ મહાજ્ઞાની નહોતા. એમને અક્ષરજ્ઞાન એટલું હતું એ ય સવાલ છે. છતાં કોઈક એવી ક્ષણે તેઓ ભગીરથ બન્યા અને જ્ઞાનની ગંગાનું એમના મુખે અવતરણ થયું એ આ વાતનો પુરાવો છે. મહામૃત્યુ તો એમને પણ આવ્યું હતું, પરંતુ અલ્પમૃત્યુની પ્રત્યેક ક્ષણે પરમતત્વ સાથે સધાતા અનુસંધાન પ્રત્યે તેઓ પૂરેપૂરા સભાન અને જાગૃત હતા.

અનુસંધાનની આવી ક્ષણને આત્મસાત કરવાનું કામ જેટલું કઠિન છે એટલું જ સરળ પણ છે. દુન્યવી બંધનો, સંબંધોની જંજાળ, ઐન્દ્રીય સુખો, ઈચ્છાઓ અને ઓષણાઓનાં જાળાં તથા અહંકારની ઝાડીઓ અલ્પમૃત્યુની ક્ષણે પણ આપણી આસપાસ ઝળૂંબતી રહે છે અને આપણને પરમતત્વ સાથેના અનુસંધાનમાં સ્થિર થવા દેતી નથી. કદાચ એથી જ અષ્ટાવક્ર જેવા જ્ઞાનીઓથી માંડીને રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, કૃષ્ણમૂર્તિ અને ઓશો રજનીશ જેવા માર્ગદર્શકો સાક્ષીભાવ કેળવવા પર ભાર મૂકતા આવ્યા છે. કૃષ્ણએ પણ ગીતામાં આ જ ન્યાયે સાક્ષીભાવનો મહિમા કર્યો છે. સંસારમાં રહીને જળકમળવત્ રહેનાર માટે અનુસંધાનની એ ક્ષણ સહજ અને સુલભ છે, પરંતુ જળકમળવત્ થવાની પ્રક્રિયા બહુ અઘરી છે. મન, બુદ્ધિ અને અહંકારને વશમાં કર્યા વિના જળકમળવત્ થવાતું નથી. એ અર્થમાં જ આ કામ બહુ અઘરું સાબિત થાય છે.

અલ્પમૃત્યુ અને લઘુમૃત્યુના કાળને આત્મસાત કરવા માટે કદાચ એ મહત્વની ક્ષણ વારંવાર હાથમાંથી છટકી જતી હોય એવું પણ બને, પરંતુ એ ક્ષણની હયાતિનો અહેસાસ થાય એ પણ ઓછું નથી. એથી જ કૃષ્ણમૂર્તિ, ઓશો રજનીશ અને ગુર્જિએફ જેવા ચિંતકો પ્રત્યેક ક્ષણને સભાનતાની ક્ષણ બનાવવાની શિખામણ આપતા આવ્યા છે. રમણ મહર્ષિની સલાહનો એની સાથે વિનિયોગ કરીએ તો જીવનને સાર્થક બનાવવાનો માર્ગ એકદમ હાથવગો બની જાય છે. સભાનતાની દરેક ક્ષણ વિશુધ્ધ હોય છે અને એને કોઈ દૂષણો સ્પર્શી શકતા નથી. એટલે જ ઓશો તો ત્યાં સુધી કહે છે કે ખોટું કામ કરવાની ઈચ્છા થાય તો પણ સભાનતાપૂર્વક કરો. સભાનતા હશે તો ખોટું કામ થશે જ નહીં અને થશે તો એનું સાચા કાર્યમાં આપમેળે રૂપાંતર થઈ જશે.

આપણે જેને એક જીવન કહીએ છીએ એ સાચા અર્થમાં તો અનેક જીવનોનો સમૂહ છે. આ જીવન દરમ્યાન આપણી નજર પરમતત્વ કે પરમ ચૈતન્ય તરફ જ તકાયેલી હોય તો પણ અસ્તિત્વનો આ કાળ જગત સાથે, દુનિયા સાથે, સંસાર સાથે અને જીવમાત્ર સાથે જોડાયેલો છે. આપણું દરેક ચિંતન અને દરેક વર્તન સભાનતાપૂર્વક થતું રહે તો ક્યારે અને કઈ ક્ષણે એનું ચાલક બળ આપણે નહીં, પરંતુ પરમ ચૈતન્ય બને છે એ સમજાય ત્યારે એ અસ્તિત્વનો અનેરો અવસર બની જાય છે. જગતમાં એક પણ માણસ એવો નહીં હોય જેના જીવનમાં ક્યારેક પણ પરમ સાર્થકતાની એકાદ ક્ષણ પણ ન આવી હોય. પછી એ કોઈ રાજા-મહારાજા કે દરિદ્ર ભિખારી કેમ ન હોય! જીવનને સાર્થક બનાવવાનું ધ્યેય એ જ મૃત્યુનો પરમ વિજય છે!