Yog-Viyog - 54 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 54

યોગ-વિયોગ - 54

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૪

ભીની આંખે હસતી જાનકી એનો હાથ પકડીને એને જબરદસ્તી બોલડાન્સ કરાવતો અલય અને સામે ઊભેલી ઉદાસ આંખે, પણ પરાણે સ્મિત કરતી વૈભવી...

એક ગજબનું ફેમિલી પોટ્રેટ બનતું હતું આ ! ટ્રેજી કોમિક ? કે કોમીટ્રેજીક ?

બહાર આ દૃશ્ય હતું તો વસુમાના ઓરડામાં અજય વસુમા સાથે વાત કરી રહ્યો હતો.

‘‘મા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું.’’ અજયને વાત કઈ રીતે શરૂ કરવી એ સમજાતું નહોતું.

‘‘પરિસ્થિતિ ? કઈ પરિસ્થિતિ ?’’

‘‘હું આવી રીતે અચાનક અમેરિકા...’’

‘‘તને સાચું કહું બેટા, તો તારે માટે આ પરિસ્થિતિ કદાચ અચાનક હશે, મારા માટે નહીં.’’ અજયે ધ્યાનથી જોયું. વસુમાના ચહેરા પર એકદમ શાંતિ અને સ્વસ્થતા હતા.

‘‘એટલે ?’’

‘‘બેટા, તારા બાપુ અહીંયા આવ્યા ત્યારથી એક વાત નક્કી હતી.’’ વસુમાએ અજય તરફ જોઈને સ્મિત કર્યું. એમના બોલવામાં ક્યાંય કટાક્ષ કે દુઃખ નહોતા, ‘‘મારા ત્રણમાંથી એક દીકરો એ લઈ જવાના...’’

‘‘આવું ના બોલ મા.’’ અજય વિચલિત થઈ ગયો.

‘‘ખરેખર કહું છું.’’ વસુમા હજીયે શાંત હતાં, ‘‘બેટા, હું તારા બાપુને પણ ઓળખું છું અને મારાં સંતાનોને પણ. અલય નહીં જાય એ નક્કી હતું. તારા અને અભયમાંથી કોણ જશે એટલું જ મારે જોવાનું હતું.’’

‘‘તને એવું લાગે છે કે મેં તારો દ્રોહ કર્યો?’’ અજયનું ગળું ભરાઈ આવ્યું હતું. રડું રડું થતાં અવાજે એણે માને પૂછ્‌યું.

‘‘બેટા !? દ્રોહ શાનો ? તને તારી જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે. આ શહેર અને આ દેશ તારી પ્રતિભાની કદર નથી કરી શક્યા, કદાચ !’’ વસુમાનો અવાજ ધીમો થઈ ગયો, ‘‘તને ત્યાં જઈને કદાચ એ બધું જ મળે જે તેં ઇચ્છ્‌યું હતું અથવા તને મળવું જોઈતું હતું.’’

‘‘મા, હું પૈસાની લાલચે નથી જતો.’’ અજયે જાણે ગુનાની કબૂલાત કરતો હોય એવી રીતે નીચી નજરે કહ્યું, ‘‘પૈસા માટે હું તને છોડીને જાઉં એવું તને લાગે છે ?’’

વસુમા હસ્યાં, પણ કડવું કે કટાક્ષ ભરેલું નહીં, સમજદારીભર્યું, પ્રેમાળ !

‘‘દીકરા મારા, તું મને છોડીને ક્યાં જાય છે ? આ તો તારા બાપુ અમેરિકા રહે છે એટલે આ ચર્ચા પણ થાય છે. બાકી ખરેખર તું ક્યાંક નોકરી કરતો હોત અને તારી કંપની તને અમેરિકા મોકલત તો તું જાત કે નહીં ?’’

અજય વસુમા સામે જોઈ રહ્યો. જાતને ખરી તૈયાર કરી હતી આ સ્ત્રીએ ! કોઈ પણ પરિસ્થિતિને શાંતિ અને સમાધાનની ભૂમિકા પર લઈ આવતા આવડતું હતું આ સ્ત્રીને...

‘‘કેવા અને કયા કયા સંજોગોમાંથી પસાર થઈ હશે મારી મા ?’’ અજયના મનમાં વિચાર આવ્યો, ‘‘કેટલા મનોમંથન પછી આ ભૂમિકા સુધી પહોંચી હશે એ !’’ અજય હજીયે વસુમા સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાં આછાં આછાં પાણી ભરાઈ આવ્યાં હતાં. ખુરશીમાં બેઠેલાં વસુમા હળવેથી ઊભાં થયાં અને ધીમાં ડગલાં ભરતાં અજયની પાસે આવીને ઊભાં રહ્યાં. અજયને એમણે હળવેથી હાથ ફેરવવા માંડ્યો.

અજય નાના બાળકની જેમ એમને બે હાથથી લપેટીને વળગી પડ્યો, ‘‘મા, મને માફ કરી દેજે, પણ હવે, હું મને જ નકામો લાગવા માંડ્યો હતો. વૈભવીભાભીનાં મહેણાં અને જાનકીની આવક સામે હું જાણે લાચાર થઈ ગયો મા...’’

‘‘બેટા ! મને એવું ના કહીશ કે તું લાચારીમાં અમેરિકા જાય છે.’’ વસુમાનો હાથ હજીયે એમને વળગીને ખુરશીમાં બેઠેલા અજયના વાળમાં ફરતો હતો. એમના અવાજમાં ગજબની દૃઢતા હતી, ‘‘એવું કહીશ તો હું તને ક્યારેય માફ નહીં કરું. અમેરિકા જવાનો નિર્ણય તારો પોતાનો, અંગત અને સ્વતંત્ર નિર્ણય છે... તેં સફળતાની દિશામાં પહેલું પગલું ઉપાડ્યું છે દીકરા, હવે અટકતો નહીં.’’

‘‘કઈ માટીની બનેલી છે મા, તું ?’’ અજયથી પૂછ્‌યા વિના ના રહેવાયું. એ હવે નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો, ‘‘તેં અમને સૌને માફ કરી દીધા છે... બાપુને પણ કરી દેજે.’’

‘‘માફી બહુ મોટો શબ્દ છે બેટા, મને કોઈને માફ કરવાનો અધિકાર જ નથી.’’ વસુમાની આંખો પણ ભીની તો થઈ જ હતી, ‘‘હા, હું હવે મનમાં કોઈ કડવાશ સાથે નથી જીવતી એ સત્ય છે. મારી જિંદગી સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચેના ટુકડામાં જીવાઈ જાય છે. મારે નથી આવતી કાલની ચિંતા કરવી કે નથી રહ્યો ગઈ કાલનો અફસોસ...’’

‘‘મા, બાપુ એકલા છે, દુઃખી છે...’’ અજયે વસુમાને મનાવવા માંડ્યાં હતાં, ‘‘તને નથી લાગતું કે તારે એમની પરિસ્થિતિનો વિચાર કરીને એમની પાસે આવવું જોઈએ?’’

‘‘બેટા !’’ વસુમાનો હાથ હજીયે અજયના વાળમાં ફરતો હતો, ‘‘આ ઘરની એક એક ઇંટમાં મારાં સાસુ અને સસરાનો આત્મા વસે છે. આ દેશની જમીનમાં મારાં મૂળ બહુ ઊંડાં જતાં રહ્યાં છે. આ ઘરની દીવાલોમાં દેવશંકર મહેતાની પરંપરા શ્વાસ લે છે... મારે ક્યાંય નથી જવું. આ ઘર તારા બાપુનું છે... એ ગમે ત્યારે અહીંયા આવી શકે છે.’’

‘‘મા ! તને નથી લાગતું કે તું વાતને વધુ પડતી ખેંચી રહી છે ?’’

‘‘બેટા, હું આ જ ઘરમાં હતી, તારા બાપુ ગયા ત્યારે પણ... પાછા આવ્યા ત્યારે પણ... અને ફરી પાછા ગયા ત્યારે પણ...’’ વસુમાએ ઊંડો શ્વાસ લીધો, ‘‘હું તો અહીં જ છું, પૃથ્વીની જેમ. મારી ધરી પર સ્થિર... મારે મારી ધરી પર જ ફરવાનું છે. નિશ્ચિત દશા અને દિશામાં... બેટા, જાય જ છે તો તારા બાપુને મારો એક સંદેશો આપજે.’’

‘‘બોલ, મા.’’ અજયે આંસુ લૂછી કાઢ્યાં અને લપેટેલા હાથ છોડીને વસુમાની સામે જોઈ રહ્યો.

‘‘બેટા, તારા બાપુને એવું કહેજે, કે મેં તો રાહ જોઈ જ છે અને જોતી જ રહીશ... પણ હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે.’’ એમણે અજયના ગાલ પર માર્દવથી હાથ ફેરવ્યો, ‘‘આથમતા સૂરજના સમયે પંખી પણ ઘેર પાછાં ફરે ને આપણે તો માણસ છીએ... એમના બાપુજી પણ એમને વારંવાર કહેતા કે સંધ્યા ટાણાની ઝાલર વાગે ત્યારે માણસે ઘરભેગા થવું જોઈએ...’’ હવે વસુમાને ડૂમો ભરાઈ ગયો હતો. એમનો હેતાળ હાથ અજયના ગાલ પર ફરતો રહ્યો અને મા-દીકરો બંનેની આંખોમાંથી ઝરઝર આંસુ વહેતાં રહ્યાં.

લક્ષ્મી એકીટશે રિયા સામે એવી રીતે જોઈ રહી હતી જાણે રિયા કોઈ ફિલ્મ બતાવતી હોય અને રિયા પણ ભૂતકાળનાં પાનાં એવી રીતે ખોલતી હતી જાણે કોઈ જજર્રિત પુસ્તકનાં પાનાં સાચવીને હળવેથી ખોલતી હોય...

‘‘પછી ?’’ ખાસ્સી વાર મૌન રહેલી રિયા સામે લટકતા સ્મિતાના ફોટા તરફ જોઈ રહી હતી. એણે લક્ષ્મીને વહાલ કર્યું, ‘‘બેટા, હું ગઈ હતી સ્મિતા સાથે, ડોક્ટર પાસે. એને ગર્ભાશયનું કેન્સર હતું. ગર્ભમાં ઊછરતા બાળકને અસર થાય એટલે કાં તો અબોર્શન કરવું પડે અને કાં તો ડિલિવરી પછી જ ટ્રીટમેન્ટ થઈ શકે...’’

‘‘પણ મારા ડેડી... ડેડી ક્યાં મળ્યા ?’’

‘‘બેટા, એ મને નથી ખબર, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે અચાનક એક દિવસ સ્મિતાનો ફોન આવ્યો. ત્યારે હું એને અબોર્શન કરાવીને ટ્રીટમેન્ટ કરાવવા માટે સમજાવી રહી હતી. કોણ જાણે કેમ ગર્ભમાં દીકરી છે એ જાણ્યા પછી સ્મિતા અબોર્શન કરાવવા તૈયાર નહોતી.’’

લક્ષ્મીની આંખો ભરાઈ આવી. એ ઊભી થઈ અને સામે લટકતા ફોટા પાસે ગઈ. એેણે પોતાનો ધ્રૂજતો હાથ ઊંચક્યો અને સ્મિતાના ફોટામાં એના ગાલ પર હાથ ફેરવ્યો... જાણે આંસુ લૂછતી હોય એવી રીતે !

‘‘સ્મિતાના અવાજમાં જાણે કેન્સર મટી ગયું હોય એવો ઉત્સાહ હતો. એણે કહ્યું કે એને એક માણસ મળ્યો હતો, જે એનાં બાળકોની સંભાળ લેવા, એમને પોતાનું નામ આપવા તૈયાર હતો...’’ રિયા ક્ષણભર ચૂપ રહી. એણે ઊંડો શ્વાસ લીધો અને હળવેથી વાત આગળ ચલાવી, ‘‘મને ભય હતો કે લાગણીશીલ અને પ્રમાણમાં ભોળી સ્મિતાને ફરી એક વાર કોઈ લેભાગુ માણસ ના મળ્યો હોય.’’

લક્ષ્મી એની સામે જોઈ રહી.

‘‘મેં પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકીનેતારા ડેડીની તપાસ કરાવેલી.’’ એણે સહેજ ઝંખવાયેલા સ્મિત સાથે ઉમેર્યું, ‘‘આઇ એમ સોરી.’’

બંને સ્ત્રીઓ ખાસ્સી વાર ચૂપ રહી.

‘‘તારા ડેડી અમેરિકા કોઈ સ્ત્રી સાથે આવેલા... પછી એ સ્ત્રી એમને છોડી ગઈ... એ એકલા હતા. અમેરિકન પોલીસ એમને શોધતી હતી. એમના વિઝા પૂરા થઈ ગયેલા એટલે જો મળી આવત તો એમને ડિપોર્ટ કરી દેત. એવામાં તારી મા મળી... મને લાગે છે તારી માની સચ્ચાઈ અને શુદ્ધતા તારા ડેડીને અડી ગઈ હશે, ક્યાંક !’’

‘‘ચાલ, મારી સાથે. બાકી હું મારી જાતને પોલીસને સોંપી દઈશ...’’ સૂર્યકાંતે મરણિયો દાવ ખેલી નાખ્યો, ‘‘હું તો મરીશ, પણ તનેય જીવવા નહીં દઉં...’’

સૂર્યકાંતના શરીરમાં આજે પણ એ ઝનૂન ફરી એક વાર ઊભરાયું હતું. હોસ્પિટલના બિછાને સૂતેલા સૂર્યકાંતને એ સમયનો યશોધરાનો અસમંજસમાં પડેલો, નબળો, નિરાધાર ચહેરો યાદ આવી ગયો હતો.

જિંદગીના કદી નહીં કલ્પેલા એવા ફાંટા ઉપર આવીને યશોધરા ઊભી રહી ગઈ હતી.

એક રસ્તો સીધો જેલમાં અને ત્યાંથી કદાચ ફાંસીના તખતા સુધી જતો હતો અને બીજો રસ્તો ક્યાં જતો હતો એની યશોધરા કે સૂર્યકાંત બેમાંથી કોઈને ખબર નહોતી અને છતાં જવું તો એ જ રસ્તે પડવાનું, એવું નક્કી થઈ ગયું હતું.

શૈલેષ કંઈ પણ સમજે કે વિચારે એ પહેલાં યશોધરાએ એને ડરાવી દીધો...

‘‘એમ્બ્યુલન્સ બોલાવ છોકરા ! બાકી તારો બાપ અહીં જ દમ તોડી દેશે.’’

શૈલેષ બેબાકળો થઈને એમ્બ્યુલન્સ બોલાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. એ દરમિયાનમાં યશોધરાએ કબાટ ખોલીને એમાંથી દાગીના અને રોકડા રૂપિયા કાઢી લીધા. બે-ચાર જોડી કપડાં અને બાકીની બધી માલમત્તા એક બેગમાં ભરી અને ફોન પર સરનામું સમજાવતા શૈલેષ સામે જોઈને સૂર્યકાંતનો હાથ પકડ્યો, ‘‘ચાલ, ઊભો છે શું ?’’

સૂર્યકાંત યશોધરાની સાથે બહાર નીકળ્યો. એક ટેક્સીને હાથ કરીને યશોધરાએ ઊભી રાખી. એ ટેક્સી લઈને બંને દાદર ગયાં, ત્યાં ટેકસી છોડીને બીજી ટેક્સી પકડી. એનાથી બોમ્બે સેન્ટ્રલ...

બોમ્બે સેન્ટ્રલ પહોંચીને સૂર્યકાંતે યશોધરાને કહ્યું, ‘‘અમદાવાદ જઈએ. મારા મામાનો દીકરો રહે છે ત્યાં, એ આપણી મદદ કરશે.’’

‘‘મૂરખ, ચૂપ રહે...’’ યશોધરાનું મગજ પાંચ ગણી ઝડપે કામ કરતું હતું. સૂર્યકાંતનો હાથ પકડીને લગભગ ધસડતી હોય એમ એ એને લોકલ ટ્રેનના સ્ટેશન પર લઈ આવી. ટ્રેનમાં બેસીને બંને બોરીવલી આવ્યાં.

‘‘ચાલ, હવે કંઈક ખાઈ લઈએ.’’ સૂર્યકાંતે યશોધરા તરફ નવાઈથી જોયું. આટલી બધી ભાગદોડ વચ્ચે એને ખાવાનું યાદ આવતું હતું !

બંને એક ખૂણાની રેસ્ટોરાંના ખૂણાના ટેબલ પર જમ્યાં.

‘‘હવે ?’’ સૂર્યકાંતે યશોધરાને પૂછ્‌યું.

‘‘મારો ઓળખીતો એક એજન્ટ છે. એ લોકોને નાટકમાં અને ફોક ડાન્સના ગ્રૂપમાં અમેરિકા લઈ જાય છે.’’

‘‘અમેરિકા ?’’ સૂર્યકાંતને લાગ્યું કે યશોધરા મજાક કરી રહી છે, ‘‘ત્યાં જઈને શું કરીશું ?’’

‘‘દેશ છોડી દેવો પડે સૂર્યકાંત... નહીં તો મારી મા, મુંબઈની પોલીસ અને તારી બૈરી કોઈ આપણને સખે જીવવા નહીં દે.’’ યશોધરા ખૂબ ઝડપથી નિર્ણયો કરી રહી હતી, ‘‘આજ કાલમાં એનું ગ્રૂપ વિઝા લેવા જવાનું છે. તારો પાસપોર્ટ ક્યાં છે ?’’

‘‘મારા... મારા...’’ સૂર્યકાંત યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

‘‘અરે, પાસપોર્ટ છે કે નથી ?’’

‘‘છે... છે...’’ સૂર્યકાંતને અચાનક યાદ આવ્યું, ‘‘ચાર દિવસ પહેલાં જ મેં મારા દોસ્તની ઓફિસે મૂક્યો છે. બહેરિન જવાની એક નોકરી હતી.’’

યશોધરાએ ઘડિયાળ જોઈ, ‘‘કોઈ હશે ઓફિસમાં ?’’

સૂર્યકાંતે ડોકું હલાવીને ના પાડી, ‘‘અત્યારે તો...’’

‘‘વેરી ગુડ... તાળું તોડી નાખવાનું.’’

‘‘હેં !?!’’

એ પછી સૂર્યકાંતને સમજાય કે પચે એનાથી વધુ ઝડપે ઘટનાઓ બનતી ગઈ હતી. યશોધરાએ સાચે જ તાળું તોડીને ઓફિસ ઉઘાડી હતી, એમાંથી સૂર્યકાંતનો પાસપોર્ટ લીધો હતો...

બંને એજન્ટ પાસે આવ્યાં હતાં.

યશોધરાએ રોકડા કાઢીને પોતાની બેગ એજન્ટ સામે ખુલ્લી મૂકી હતી. થોડી આનાકાની પછી એજન્ટ માની ગયો હતો...

અને અડતાળીસ કલાક અંધેરી ઇસ્ટના મહાકાલી કેઇવ્ઝ પાસે આવેલા એક ખખડધજ ગેસ્ટ હાઉસમાં ફફડતા જીવે યશોધરા અને સૂર્યકાંત સંતાયેલાં રહ્યાં હતાં...

બે દિવસ પછી વિઝા માટેની લાઇનમાં ઊભેલાં યશોધરા અને સૂર્યકાંત મનોમન ઇષ્ટદેવને પ્રાર્થના કરી રહ્યાં હતાં...

અમેરિકાની ફ્લાઇટમાં બેઠા પછી યશોધરાએ સૂર્યકાંતના ખભે માથું મૂક્યું હતું, ‘‘સૂરજ....’’

‘‘હજી મારા માન્યામાં નથી આવતું કે આપણે મુંબઈ છોડીને નીકળી ગયા.’’

‘‘તો માન મૂરખ...’’ યશોધરા એટલા જોરથી હસી હતી કે વિમાનમાં બેઠેલા બધા એના તરફ જોવા લાગ્યા હતા.

‘‘આ તો કોઈ ફિલ્મ કે નવલકથા જેવી વાર્તા છે.’’ લક્ષ્મીની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં હતાં. જે માને એણે ક્યારેય જોઈ પણ નહોતી એ માએ એને જન્મ આપવા માટે મૃત્યુ વહોરી લીધું એ વાત એને આજે સમજાઈ હતી.

‘‘તારી મા ખરેખર કોઈ નવલકથાના પાત્ર જેવું જ જીવી છે. ટવીસ્ટ અને ટર્નિંગથી ભરેલી ઝડપી જિંદગી.’’ રિયાએ આંસુ લૂછ્‌યાં અને ઘડિયાળ તરફ જોયું, સવાર પડવાની તૈયારી હતી.

‘‘થોડી વાર ઊંઘી જઈએ બેટા ?’’ રિયાએ હળવેથી લક્ષ્મીના માથામાં હાથ ફેરવ્યો.

લક્ષ્મી થોડી વાર શાંત રહી. પછી રિયા સામે જોયું અને કહ્યું, ‘‘તમે આજે અહીં જ સૂઈ જાવ, મારી બાજુમાં.’’

રિયા ચૂપચાપ લક્ષ્મીની બાજુના બેડ પર આડી પડી ગઈ. નિઃશબ્દ રડતી લક્ષ્મીના માથામાં લક્ષ્મી ઊંઘી ગઈ ત્યાં સુધી રિયાનો વહાલસોયો હાથ ફરતો રહ્યો.

હોસ્પિટલના બિછાને સૂતેલા સૂર્યકાંતને આજે પણ યાદ આવતું હતું યશોધરાનું એ વર્તન !

અમેરિકામાં આવીને પેટ્રોલપંપ પર, ગુજરાતી પટેલોની દુકાનો પર અને પિત્ઝા સ્ટોર્સમાં કરવી પડેલી મજૂરી...

એ અપમાન, એ ભૂખ, એ બેકારી... પોલીસથી નાસતા ફરવાની અને સતત ફફડતા રહેવાની એ ભયાવહ લાગણી ! આવા કેટલાય ભારતીયો હતા, જે વગર વિઝાએ અમેરિકામાં રહેતા હતા. એક આખી વસાહત હતી એમની...

જેમાં ભૂખ, બેકારી, અસલામતી અને ભયનું સામ્રાજ્ય હતું.

આ જ વસાહતમાં પરેશ પટેલ રહેતો હતો. ઇન્ડિયામાં કરોડો રૂપિયા હતા એના. ત્રણ વાર વિઝા રિજેક્ટ થયા પછી મેક્સિકોના રસ્તે ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યો હતો. ઘણાં ભાઈ-બહેનો હતાં એનાં અહીં, મામાના દીકરા, કાકાના દીકરા અને ફોઈઓના, માસીઓના દીકરા ! અવાર-નવાર એમની પાસેથી ડોલર્સ લઈ આવતો, યશોધરાની પાછળ એ ડોલર્સ ઉડાડતો ! સૂર્યકાંત જોઈ શકતો હતો કે એ યશોધરાની પાછળ ઓછો ઓછો થઈ જતો. સૂર્યકાંતે એકાદ વાર યશોધરા સાથે વાત પણ કરી હતી, પણ અમેરિકા આવ્યા પછી યશોધરામાં જાણે નખશિખ બદલાવ આવ્યો હતો - ભારતમાં સૂર્યકાંતનો હાથ પકડીને અહીંતહી ભટકતી યશોધરા જાણે હવે જરૂર પૂરતી સૂર્યકાંત સાથે રહેતી હતી. સૂર્યકાંતને પણ યશોધરા માટેનો એ પ્રેમ ગણો કે ઘેલછા, સાવ ઓછા થઈ ગયા હતા. એમને પોતાનું કુટુંબ યાદ આવતું. વસુંધરાનું સમર્પણ અને સમજદારી હવે એમને પળેપળે બેચેન કરતા હતા.

ઘરે ફોન કરવાની ઇચ્છા થતી, પણ થઈ શકતો નહોતો. છોકરાં- વસુંધરા અને નવો જનમ લેનાર જીવ કેમ અને કઈ હાલતમાં હશે એ વિચારે સૂર્યકાંત આખી આખી રાત સૂઈ નહોતા શકતા. આવા સમયે એમનો સાથ આપવાને બદલે યશોધરા એમને ખરીખોટી ચોપડાવતી. પરેશ સાથે બેધડક રખડવા જતી યશોધરાને હવે સૂર્યકાંત રોકી શકતા નહોતા...

સૂર્યકાંત ગળા સુધી આવી ગયા હતા. એમને સમજાતું નહોતું કે આ ‘બલા’થી છૂટવું કઈ રીતે ?

આજે પણ હોસ્પિટલમાં એ અસહાયતા અને માનસિક એમની આંખો ભીંજવી ગયા, ‘‘કેવા દિવસો કાઢ્યા છે મેં. વસુને કલ્પના પણ નથી કે એને કેટલી યાદ કરી છે મેં.’’ સૂર્યકાંતને વિચાર આવ્યો, ‘‘સમય જ ના મળ્યો. બાકી, મારે એને કહેવું હતું આ બધું. એને કહેવું હતું કે એને છોડીને હું પણ સુખી નથી રહ્યો...’’

સૂર્યકાંત હોસ્પિટલના બિછાને સૂતા સૂતા વિચારી રહ્યા હતા, ‘‘કયાં પાપોની સજા હશે આ ? વસુંધરા જેવી સ્ત્રીને છોડી દીધાની?’’

સૂર્યકાંતને અમેરિકાની એક રઝળપાટ અને માનસિક ત્રાસના દિવસો અત્યારે પણ યાતના આપી રહ્યા હતા. યશોધરા એ દિવસોમાં વધુ ને વધુ છકતી હતી. પરેશ એને પૈસા આપતો. જ્યારે કામ ન મળે અને ચોવીસ કલાકની ભૂખ સહન ન થાય ત્યારે સૂર્યકાંત સ્વમાન ગીરવે મૂકીને યશોધરા પાસે બે-ચાર ડોલર માગતા. જેના જવાબમાં યશોધરા અને પરેશ સૂર્યકાંતનું એટલું તો અપમાન કરતા કે જેના વિચારે સૂર્યકાંતના રુંવાડા અત્યારે પણ ઊભા થઈ ગયા. એમનું ચાલે અને યશોધરા એમની સામે હોત તો સૂર્યકાંતે આ ક્ષણે એનું ગળું દબાવ્યું હોત !

સૂર્યકાંત ક્યારેક ક્યારેક સબ-વેના પગથિયા પાસે ઊભા રહેતા. ભીખ ન માગતા, પણ એમની હાલત જોઈને પસાર થતા કોઈ ભારતીય એમના હાથમાં એક-બે ડોલર આપી દેતા.

એ ડોલરમાંથી ખાવાનું ખરીદીને ખાતી વખતે સૂર્યકાંતને ડચૂરો બાઝતો... એકાદ પાર્કના નળમાંથી પાણી પીતી વખતે સૂર્યકાંતને એક જ ચહેરો નજર સામે દેખાયા કરતો - એ ચહેરો વસુંધરાનો હતો.

એ ચહેરો એમને વારંવાર કહેતો હતો, ‘‘શું કામ રહો છો ત્યાં ? પાછા આવી જાવ... અમે બધા તમારી રાહ જોઈએ છીએ.’’ ક્યારેક રેલવે સ્ટેશને બેસીને સૂર્યકાંત નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં અને ગાંઠ વાળતા કે યશોધરાને છોડી દેશે...

રસ્તા પર રહેશે, પાર્કમાં પડી રહેશે, પણ યશોધરાની સાથે પેલા નાનકડા- ગંધાતા ઘરમાં પાછા નહીં જાય.

અંધારું ઊતરી આવતું અને પાર્કમાં પોલીસો આંટા મારવા માંડતા... સૂર્યકાંત ભયના માર્યા ઘેર પાછા ફરતા.

‘‘આવી ગયા ? ખોટા રૂપિયા જેવા... પકડાઈ જવું હતું ને ?’’ યશોધરા હસતી, ‘‘ઘેર મોકલી આપત, વસુંધરા પાસે. સતીના આશીર્વાદથી બધું બરાબર થઈ જાત.’’

ક્રોધ સૂર્યકાંતના લોહીમાં એવો ઉછાળા મારતો કે નસ ફાડીને બહાર નીકળી આવે. પણ સૂર્યકાંત લાચાર થઈને ખૂણામાં પડ્યા રહેતા.

યશોધરા અને સૂર્યકાંત આટલી બધી કડવાશ છતાં સાથે રહેતાં હતાં, કારણ કે બંને સમજતાં હતાં કે અમેરિકામાં જો સલામતીથી ટકવું હોય તો બેમાંથી એકને ગ્રીનકાર્ડ મળે ત્યાં સુધી સાથે રહેવું અનિવાર્ય હતું.

યશોધરા ક્યારેક કહેતીય ખરી, ‘‘ગળાનો સાપ છે તું ! નથી ઉતારીને ફેંકાતો ને નથી ગળામાં બાંધી રખાતો હવે...’’

કુુટુંબથી દૂર અપરાધભાવથી દબાયેલા સૂર્યકાંત પાસે એટલા પૈસાય નહોતા કે એ પાછા ચાલી જાય અને મહેન્દ્ર સાવલિયાના ખૂનનો આરોપ ફેણ ફુત્કારીને એમને પાછા ફરતા રોકતો હતો, એય સાચું! કોણ જાણે આવી યાતનામાં કેટલા મહિના કાઢ્યા હશે એમણે.

અને એવામાં અચાનક એક દિવસ...

‘‘થેન્ક યુ.’’ સબ-વેના પગથિયા પર ચક્કર ખાઈને પડવા જતી એક છોકરીને એમણે આધાર આપીને બચાવી લીધી, ‘‘ભારતીય છો? વિઝા વગર... સંતાઈને રહો છો, રાઇટ ?’’ છોકરીએ એમના ખભે હાથ મૂક્યો હતો, ‘‘ડોન્ટ વરી, કંઈ ખાવું છે ?’’

અમેરિકા આવ્યા પછી પહેલી વાર કોઈએ આટલા સદભાવ અને સહાનુભૂતિથી વાત કરી હતી.

સૂર્યકાંત રડી પડ્યા.

એ છોકરી એમને લઈને નજીકના પિત્ઝા હટમાં ગઈ હતી, જ્યાં સૂર્યકાંતે કોણ જાણે કેટલા દિવસ પછી પેટ ભરીને ખાધું.

એ દિવસ પછી એ છોકરી અવારનવાર સબ-વે પાસે આવવા લાગી. સૂર્યકાંતને પેટ ભરીને જમાડતી, એમની સાથે વાતો કરતી- ગુજરાતીમાં !

સૂર્યકાંત ધીમે ધીમે એ છોકરીની રાહ જોતા થઈ ગયા હતા.

એક દિવસ એમણે એ છોકરી પાસે પાછા જવાની ટિકિટના ડોલર માગ્યા...

છોકરીએ પૈસા આપવાના બદલે એક ઓફર આપી !

એક રાત્રે છોકરી - જેનું નામ સ્મિતા હતું, સૂર્યકાંતને પોતાના ઘેર લઈ ગઈ. એના નખશિખ ગુજરાતી ભલા માણસ દેખાતા પિતા સામે એમને ઊભા કરી દીધા અને નફ્ફટની જેમ જાહેરાત કરી, ‘‘વી આર મેરિડ.’’

સૂર્યકાંત સમયના મારથી એવા તો ઘવાયેલા હતા કે એક અક્ષર પણ બોલ્યા વિના પલટાતી પરિસ્થિતિને જોતા રહ્યા.

સ્મિતાની તબિયત, કૃષ્ણપ્રસાદનો વધતો જતો પ્રેમ, રોહિતના પ્રશ્નો અને બિઝનેસની આંટીઘૂંટીમાં ગૂંચવાતા જતા સૂર્યકાંત રોજ રાત્રે જાતને વચન આપતા, ‘‘આવતી કાલે તો વસુંધરાને ફોન કરીને બધું જ કહી દઈશ.’’

સવાર પડતી...

મહેન્દ્ર સાવલિયાનું લોહીમાં ડૂબેલું શરીર અને શૈલેષની આંખો યાદ આવતી. મુંબઈ પોલીસના મારનો વિચાર આવતો...

જેલના સળિયા દેખાતા અને સૂર્યકાંતના ઇરાદા નબળા પડી જતા.

‘‘એક વાર... એક વાર વસુંધરાને ફોન કર્યો હોત તો કદાચ...’’

સૂર્યકાંતને આજે પણ એ વાતનો અફસોસ ઘેરી વળ્યો.

એ પછી સ્મિતા સાવ પથારીવશ થઈ ગઈ - લક્ષ્મી જન્મી - કૃષ્ણપ્રસાદની તબિયત લથડતી ચાલી - રોહિતના પ્રશ્નો વધુ ને વધુ મુશ્કેલીભર્યા થતા ગયા...

ભારત જવાનો દિવસ, રોજ એક દિવસ પાછળ ઠેલાતો ગયો !

સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ મુંબઈ તરફ ઊડવા લાગી ત્યારથી જ પ્રિયાના ચહેરા પર કોઈક ફેરફાર થઈ ગયો હતો. અભયે એને બે-ચાર વાર પૂછ્‌યું, પણ પ્રિયા ચૂપ રહી.

ફ્લાઇટ દરમિયાન અભયના બાવડાને પોતાના હાથમાં લપેટીને એના ખભે માથું મૂકી પ્રિયા ચૂપચાપ કશું વિચારતી રહી.

‘‘પ્રિયા...’’ અભયે પ્રિયાનો ચહેરો ઊંચો કર્યો, ‘‘શું વાત છે ? ઘેર પાછા તો જવાના જ હતા ને ? આમ જીવ બાળીશ તો કેમ ચાલશે?’’

‘‘અભય... જીવ નથી બાળતી. મન સવાલો પૂછે છે.’’

‘‘પ્રિયા, વિચારવાનું ઓછું રાખ. આપણા સંબંધનાં કેટલાંક સત્યો સ્વીકાર્યા વિના કેમ જીવાશે ?’’

‘‘અભય, હું મારો વિચાર નથી કરતી, તમારો વિચાર કરું છું.’’ પ્રિયાના ચહેરા પર પહેલાં ક્યારેય ના જોયેલી એક વિચિત્ર ભીનાશ હતી.

‘‘મારો ?’’

‘‘આજ રાતથી તમે તમારા બેડરૂમમાં - તમારી પત્નીના પડખામાં સૂતા હશો...’’

‘‘એ પણ મારી જિંદગીનું સત્ય છે.’’

‘‘હું તો સ્વીકારું છું એ સત્ય, તમે શું કરશો ?’’

‘‘પ્રિયા પ્લીઝ...’’ અભયને અવાજ એક પળ માટે ધ્રૂજી ગયો, ‘‘મારે એ વિશે નથી વિચારવું.’’

‘‘જેને તમે સત્ય કહો છો એનું નામ વૈભવી છે. એ તમારા ખભે માથું મૂકીને, તમને લપેટાઇને... તમારી નજીક આવીને સૂશે આજે રાત્રે...’’ પ્રિયા અભયની આંખોમાં જોઈને બોલી રહી હતી, ‘‘બાર કલાકમાં બદલાયેલો ચહેરો પડખામાં લઈને સૂવાનું ફાવશે ?’’

‘‘આપણે શા માટે આ વાત કરીએ છીએ ?’’ અભયનો અવાજ અનિચ્છાએ ઊંચો થઈ ગયો.

‘‘અભય, આ વિચાર માત્રથી તમને આટલી તકલીફ થાય છે, મારે તો આ જીવવાનું છે...જીરવવાનું છે, રોજેરોજ.’’

‘‘શું ઇચ્છે છે ?’’ અભય અકળાઈ ગયો, ‘‘છોડી દઉં એને ? ઘર છોડી દઉં ? તારી સાથે રહેવા આવી જાઉં ? છૂટાછેડા આપી દઉં ?’’

‘‘એનાથી સાવ ઊંધું.’’ પ્રિયાના અવાજમાં બરફની ઠંડક અને પથ્થરની અડગતા હતી, ‘‘ઘરે પહોંચ્યા પછી ઘરમાં જ રહેવાનો પ્રયત્ન કરજો. તમારી પત્નીનું નામ વૈભવી અને પ્રિયતમાનું નામ પ્રિયા છે, એ સતત યાદ રાખજો ! તમે નક્કી કર્યું છે ને બે જિંદગી જીવવાનું? તો એ બે જિંદગીને એકબીજા સાથે સેળભેળ કર્યા વિના જીવજો હવે, સિંગાપોરમાં જેમ વૈભવી આપણી સાથે હતી એમ શ્રીજી વિલામાં પ્રિયાને સાથે નહીં લઈ જતા. બાકી તમે તમારી જિંદગીની સાથે સાથે અમારી જિંદગીઓ પણ ગૂંચવી નાખશો, અભય.’’ પ્રિયાની આંખો સાવ કોરી હતી. એ જાણે કોઈ બિઝનેસ ડીલની વિગતો આપી રહી હોય એટલો બધો આરોહ-અવરોહ વિનાનો અવાજ હતો એનો, ‘‘અભય, એક પિતા, એક દીકરો, એક પતિ છે શ્રીજી વિલામાં... એ જ થવાનો પ્રયત્ન કરજો, ખરા હૃદયથી !’’

અભય પ્રિયા સામે જોઈ રહ્યો, જોકે એની વાત છાતીમાં તીરની જેમ પેસી ગઈ, પણ આ વાત હવે અભયની જિંદગીનું એક એવું સત્ય હતું જેને દોરી પર ચાલતા નટની જેમ પળેપળે બેલેન્સ કરીને જીવવાનું હતું અભયે...

એ પછી છેક મુંબઈ એરપોર્ટ સુધી બેમાંથી કોઈ કશુંયે ના બોલ્યું.

મુંબઈ એરપોર્ટ પર બંનેના આશ્ચર્યની વચ્ચે વૈભવી સામે જ ઊભી હતી, એના ચહેરા પર ફિક્કું પણ સ્મિત હતું.

અભયના પગ જમીન સાથે જડાઈ ગયા. પ્રિયાએ એની પીઠમાં હળવો ધક્કો માર્યો. અભય આગળ વધ્યો. ઘડીભર વૈભવી સામે જઈને ઊભો અને એણે હાથ ફેલાવીને વૈભવીને હળવું આલિંગન આપ્યું.

વૈભવી ત્યાં જ, એરપોર્ટ પર જ છૂટ્ટા મોઢે રડી પડી. એના આંસુથી અભયનો ખભો ભીંજાતો રહ્યો, ક્યાંય સુધી !

બંનેને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે પ્રિયા ત્યાં નહોતી.

(ક્રમશઃ)

Rate & Review

Parva Kaneriya

Parva Kaneriya 2 months ago

Hetal Desai

Hetal Desai 2 months ago

Swati Bhuskute

Swati Bhuskute 5 months ago

Yesha Parmar

Yesha Parmar 9 months ago

Bhakti

Bhakti 1 year ago