A bitter but sweet trip books and stories free download online pdf in Gujarati

એક કડવી પણ મીઠી સફર

આ વાત ને કદાચ એક વર્ષ થયુ હશે.
હું હોસ્ટેલ માં ભણતો હતો.
ઉનાળા નું વેકેશન પડ્યું એટલે હું હોસ્ટેલેથી ઘરે ગયો. વેકેશન માત્ર એક અઠવાડિયા નું જ હતું. તેથી એક એક દિવસ મારા માટે કિંમતી કહેવાય.માત્ર મારે અને પપ્પા ને જ વેકેશન પડ્યું હતું.

ઘરે જઈને ખબર પડી કે જૂની બળદ ગાડીની validity પુરી થઈ ગઈ છે. એટલે નવી બળદગાડી બનાવવી પડશે.તે માટેનો સામાન અમારે ત્યાં ઉના (ગામ નું નામ-અમારા ગામથી લગભગ 12 km દૂર થાય)માં તો મળી જ રહે પણ મારા પપ્પા ને કોઈએ કહ્યું હશે કે લોખંડ માટે સાવરકુંડલા (ગામ નું નામ-અમારા ગામથી લગભગ 70 km દૂર થાય. અમરેલી વિસ્તાર લાગે.) સસ્તું પડશે.

આમ તો મારા મમ્મી ત્યાં જવાની ના પાડતા હતા.પણ મારા પપ્પા ના એક મિત્ર ત્યાં રહે.મારા પપ્પા એ તેમને ફોન કર્યો અને બળદગાડી માટેની વાત કરી.તો તેમણે કહ્યું કે હમણાં જ જૂની ગાડીઓ ચાર-પાંચ હજાર માં વહેંચાય ગઈ. તેથી પપ્પા એ સાવરકુંડલા જવાનું નક્કી કર્યું. તેથી બીજા દિવસે સવારે જવાનું હતું.તેથી મને પણ જવાનો ઉત્સાહ હતો.

આમ તો અમે અમરેલી બાજુના વિસ્તાર માં ઘણી વખત ગયેલા. ત્યાં ના સાઈડ ના રસ્તા માં સાવરકુંડલા રહી જાય.

ઉનાળાના દિવસો હતા અને અમે ત્યાં બાઈક લઈને જવાનું હતું તેથી મમ્મી એ મને ટોપી,ચશ્મા અને રૂમાલ આપ્યો અને પપ્પા ને હેલ્મેટ આપ્યું.અમે કદાચ ઘરેથી સવારના 8:30 વાગ્યે નીકળ્યા હશે.રસ્તામાં ખાંભા (ગામ નું નામ) આવ્યું ત્યાં પપ્પા એ ચા પીવા માટે ગાડી ઉભી રાખી.

આમ તો મને ચા પીવા ની ટેવ નહીં પણ જરા ગાડીમાં ઊંઘ આવતી હતી તેથી પપ્પા એ મને થોડી ચા પીવા કહ્યું. ત્યાર બાદ તે ચા વાળા ભાઈને આગળ ના રસ્તા વિશે પૂછયું, તેને કહ્યું કે ત્યાંથી 32 km દૂર હશે.

ત્યાર પછી અમે ફરી ગાડી પર સવાર થઈને રસ્તે ચડ્યા. લગભગ 10:45 વાગ્યા હશે અને અમે સા.કુંડલા પહોંચ્યા.

આમ તો તે અજાણ્યું હતું. અમે તો હાર્ડવેર ની દુકાનો શોધવાની શરૂ કરી. અમે એક દુકાને ગયા (દુકાન નં-1) નામ તો યાદ નથી.

અમે ત્યાં ગયા અને ગાડીની વાડની લોખંડની કાળી પાટી (લોખંડની કાળી પાટી-બળદ ગાડી ની આડસર માટે આવે) વિશે પૂછયું. પણ પહેલા તો તે ખાટલા ની પાટી વિશે સમજ્યા અને તેમણે અમને બતાવી ત્યાર બાદ અમે ના પાડતા કહ્યું કે અમારે ગાડીની પાટી જોઈએ છે. તેણે કહ્યું કે તે અમે નથી રાખતા પણ તેણે એક બીજી દુકાન નું સરનામું આપ્યું. તેમણે કહ્યું કે આગળ અમરેલી રોડ પર એક લોખંડ નું ગોડાઉન છે ત્યાં મળી જશે.

અમે ત્યાં શોધતા શોધતા ત્યાં ગયા. (દુકાન નં-2) ત્યાં જઈને કાળી પાટી વિશે પૂછયું, પણ તેઓએ ના પાડતા કહ્યું કે અમે તો માત્ર સફેદ પાટી જ રાખીએ છીએ.

એવામાં પપ્પા એ તેમના મિત્રને ફોન કર્યો અને તેના ઘરનું સરનામું પૂછ્યું તે દૂર હતું.પપ્પા એ મને ત્યાં જવાનું પૂછ્યું પણ મેં તો ના જ કહી દીધું કે જો આપણે ત્યાં જઈશું તો તેઓ જમ્યા સિવાય નહિ જવાદે તેથી આપણે ઘરે જવાનું મોડું થશે.

પછી તે દુકાન વાળા એ બીજી દુકાન નું સરનામું આપ્યું અને કહ્યું કે ત્યાં મળી જશે. અમે ત્યાં ગયા. ત્યાં મોટો બધો ગોડાઉન હતો.(દુકાન નં-3) અમને લાગ્યું કે અહીં તો મળી જ જશે. પણ ત્યાં જઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે કેટલાય વર્ષો પહેલા તે બંધ કરી દીધી છે. અમે ત્યાંથી નિરાશ થઈને નીકળ્યા.

અમે ત્યાંથી નીકળ્યા તો એક હાર્ડવેર ની દુકાન મળી.(દુકાન નં-4) ત્યાં પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે કાળી પાટી તો કદાચ કોઈ નહિ રાખતું હોય. છતાં તેણે બે-ત્રણ દુકાન ના સરનામાં આપ્યા. એટલે અમે મેઈન બજારમાં ગયા. ત્યાં પૂછ્યું તો ના જ પાડી. એટલે તે મેઈન બજાર માં અમે ચાર થી પાંચ વખત આવી ગયા હશે.કારણ કે તે અજાણ્યું હતું.

પછી અમને કંટાળો આવ્યો. પછી અમે ઘરે જવાનું નક્કી કર્યું કે હવે ક્યાંય મળશે નહીં. ત્યાં ઘરે જતાં રસ્તા માં એક હાર્ડવેર ની દુકાન મળી. ત્યાં તો પૂછ્યું પણ તેને કહ્યું અમે નથી રાખતા. પણ તેણે બીજી બે દુકાન ના સરનામાં આપ્યા. તે શોધવા અમે અડધે રસ્તે થી પાછા મેઈન બજારમાં આવ્યા.

તે દુકાન તો જોઈ પણ ત્યાં પણ ન મળી.પણ બીજું સરનામું બાકી હતું.પણ મેં કીધું કે હવે જવા દો ત્યાં નહિ મળે. તેથી અમે જવા દીધી. પણ અમે માંડ સા. કુંડલા થી 1-2 km બહાર નીકળ્યા હશે.

ત્યાં ઘરે થી ફોન આવ્યો અને પૂછ્યું કે મળી? અમે કહ્યું કે શોધખોળ જારી છે મળતાં જ ફોન કરીશુ! પછી પપ્પા ને એવું થયું કે ખાલી હાથે ઘરે જઈશું તો હાસ્યને પાત્ર થઈશું.

પછી નક્કી કર્યું કે હવે કાળી પાટી ને બદલે ધોળી પાટી લઈ જઈએ. તેથી પાછા અમે મેઈન બજાર માં આવ્યા. તે દુકાને(દુકાન નં-5) ધોળી પાટી જોઈ.પણ અમારે દોઢ ઇંચની પાટી જોઈતી હતી,પણ તેની પાસે તો એક ઇંચની પાટી જ હતી! પણ તેણે કહ્યું કે ગોડાઉનમાં હશે. અમે ત્યાં ગોડાઉનમાં અડધો કિલોમીટર ચાલીને ગયા ત્યાં ગોડાઉનમાં તે ભાઈએ ઘણી શોધ-ખોળ કરી પણ ત્યાં મળી નહિ.અમે શરમાંણાં અને પછી પાછા દુકાને આવ્યા.

તેણે કહ્યું કે એક દુકાને હશે તેમ કહીને તેણે એક દુકાન નું સરનામું આપ્યું.અમે ત્યાં ગયા તો જોયું તો તે જ દુકાન હતી જે અમે પહેલી વાર ગયા હતાં.(દુકાન નં-1) પછી અમને થયું કે જો ખાલી હાથે જઈશું તો ઘરે જઈશું તો બધા ખિજાશે.તેથી તે દુકાને અમે ખેડવા માટેના શાહયાં (ખેતર માં શાહ નાખવા માટેનું સાધન) જોયા અને તે લેવાનું નક્કી કર્યું. તે જોખના ભાવે હતા એટલે કે એક શાહયું 4 kg નું હતું તેની કિંમત 320 રૂપિયા હતાં. તેથી અમે 3 શાહયાં લીધા. તેની કિંમત 960 રૂપિયા થાય.પરંતુ તે 4 kg કરતા થોડું વધુ હતું તેથી તેની કિંમત કદાચ 10 રૂપિયા વધુ થતી હતી.અમે તેની સાથે 10 રૂપિયા માટે ઘણી માથા કૂટ કરી પણ તેણે 10 રૂપિયા પણ ઓછા ન કર્યા.

પછી અમે તે લઈ પાછા દુકાન નં-5 આવ્યા જેણે આ દુકાન નું સરનામું આપ્યું હતું. તેને પૂછયું કે કાળી પાટી ક્યાંય મળી રહેશે? તેણે કહ્યું કે મહુવા (ગામ નું નામ) મળી જ રહેશે. પછી અમે ગાડી નો બીજો ઝીણો સામાન લઈને ઘરે જવા નીકળ્યા.

કદાચ 1 વાગ્યે હશે. ભૂખ તો બહુ જ લાગી હતી પરંતુ મારા પપ્પા બહાર નું ન જ ખાય! તેથી મારે પણ ભૂખ્યું રહેવાનું! પણ અમે શેરડીનો રસ પીધો. પછી અમે નીકળ્યા.સાવરકુંડલા ની બહાર નીકળ્યા ત્યાં પપ્પા એ પૂછયું કે મહુવા જવું છે? મેં પૂછયુ કે કેટલા km થાય? તો પપ્પા એ કહ્યું કે 50 km હશે.તો મેં તરત જ ભાર પૂર્વક ના પાડી દીધી.

પછી અમે મૂંગા મોઢે નીકળી પડ્યા. બપોર નો સમય હતો તેથી ઊંઘ આવતી હતી.પવનના કારણે મારી ટોપી બે વખત ઉડી ગઈ! અમે કદાચ 2:30 વાગ્યે ખાંભા પહોંચ્યા. ત્યાં પણ હાર્ડવેર ની દુકાન જોઈ. બે દુકાને તો ના મળી અને એક દુકાન બંધ હતી,તે 3:00 વાગ્યે ખુલવાની હતી. અને તેની વાટ જોઈ.ત્યાં પછી શેરડીનો રસ પીધો. પછી મારા પપ્પા તે દુકાને ગયા. પછી પાછા આવ્યા પણ કાંઈ મળ્યું નહીં. મને હસવું આવ્યું.પછી અમે ઘરે નીકળ્યા.

અમે કદાચ 4:00 વાગ્યે ઘરે પહોંચ્યા. મારા પપ્પા જમવા બેઠા, હું તો તરત જ ખાટલા ઉપર ઢળી પડ્યો.

આ વાતથી ખબર પડી કે "લાલચ બુરી બલા હૈ."

અમે એમ વિચાર્યું હતું કે ઉના કરતા ત્યાં સસ્તું મળશે. પરંતુ ત્યાં ઉના કરતા પણ મોંઘુ હતું.અને આખો દિવસ બગડ્યો અને મારા એક અઠવાડિયા નો એક આખો દિવસ બગડ્યો.પછી સાંજે મમ્મી ઘરે આવ્યા અને બહુ જ દાંત કાઢ્યા.

વેકેશન પૂરું થતા હું પાછો હોસ્ટેલે ગયો. પછી ઘણા દિવસો પછી ઘરે ફોન કર્યો અને પેલા તો ગાડી વિશે જ પૂછયું. તો તેણે કહ્યું કે હમણાં ગાડીની પ્લેટ લેવા મહુવા જવાનું છે. હું જવાબ આપું કે હું સાથે આવું! ત્યારે હું અને મારા પપ્પા બન્ને હસી પડ્યા......!