VEDH BHARAM - 18 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 18

બીજા દિવસે રિષભને સ્ટેશન પહોંચતા થોડૂ મોડુ થઇ ગયુ. રાતે ભુતકાળના વિચારોએ તેને એવો તો ઘેરી લીધો હતો કે તે મોડી રાત સુધી જાગતો રહ્યો હતો. તેને લીધે સવારે ઊઠવામાં પણ મોડુ થઇ ગયુ હતુ. રિષભ જ્યારે સ્ટેશન પહોંચ્યો ત્યારે આખો સ્ટાફ આવી ગયો હતો. રિષભ તેની ઓફિસમાં જઇને બેઠો એટલે હેમલ અંદર દાખલ થયો અને બોલ્યો “સાહેબ,તમારી તબિયત તો સારી છે ને?”

કાલે રાત્રે અનેરીના ઘરેથી રિષભ નીકળ્યો ત્યારે તેનો મૂડ સારો નહોતો આ જોઇ હેમલને લાગ્યુ કે રિષભની તબિયત ખરાબ થઇ ગઇ હશે. પણ એમા હેમલનો પણ બિચારાનો શું વાંક? એને એવી તો ક્યાંથી ખબર હોય કે ગઇકાલે તેના સાહેબની વર્ષો પહેલા છુટી પડી ગયેલી પ્રેમિકા અચાનક જ મળી ગઇ હશે. હેમલના પ્રશ્નનો જવાબ આપ્યા વિના જ રિષભે કહ્યું “વસાવા અને અભયને બોલાવ.”

આ સાંભળી હેમલને સમજાઇ ગયુ કે આજે સાહેબ કઇક અલગ જ મૂડમાં છે એટલે તે કંઇ પણ બોલ્યા વગર સીધો જ બહાર ગયો અને વસાવા અને અભયને લઇને પાછો આવ્યો. હેમલે પેલા બંનેને ઇશારાથી જ સમજાવી દીધુ હતુ કે આજે સાહેબ કંઇક અલગ જ મૂડમાં છે એટલે ત્રણેય આવીને ઊભા રહ્યા પણ કોઇ કંઇ બોલ્યુ નહીં. રિષભે ત્રણેયને બેસવાનો ઇશારો કર્યો અને અભયને કહ્યું “બોલ કાલે રાત્રે તુ શું કહતો હતો?” આ સાંભળી અભયે ખીસ્સામાંથી એક પેન ડ્રાઇવ બહાર કાઢી ટેબલ મૂકતા બોલ્યો “આમા કંસાર હોટલનું અને એટીએમનુ રેકોર્ડીંગ છે.” આ સાંભળી રિષભે પોતાનુ લેપટોપ બહાર કાઢી ટેબલ પર મુક્યુ અને લેપટોપ ચાલુ કરતા બોલ્યો “હા તો તમને શું માહિતી મળી આના પરથી?” આ સાંભળી અભયે કહ્યું “સાહેબ, આ નવ્યા અને નિખિલ જે કહેતા હતા તે આમતો સાચુ છે કે તે લોકો હોટલમાં ગયા હતા અને પછી એટીએમમાં પણ ગયા હતા. પણ તે બંને બાબતમાં થોડુ ખોટુ બોલ્યા હતા.” આટલુ બોલી અભય રોકાયો એટલે રિષભે લેપટોપમાંથી ઉપર જોઇ પૂછ્યું “તે શું ખોટુ બોલ્યા હતા?” આ સાંભળી અભયે કહ્યું “સર, હું તમને લેપટોપમાં જ દેખાડુ તો વધુ સમજાશે.” આ સાંભળી રિષભે લેપટોપ અભય તરફ ફેરવ્યુ એટલે અભયે લેપટોપ પોતાની પાસે ખેંચી અને તેમા થોડીવાર કામ કર્યુ અને પછી લેપટોપની સ્ક્રીન રિષભ તરફ ફેરવતા બોલ્યો “સર, આ કંસાર હોટલનું રેકોર્ડીંગ છે તેમા જુઓ નિખીલ અને નવ્યાની સામે કોઇ એક છોકરી બેઠી છે. એનો મતલબ એમ થાય કે ત્યારે જમવામાં માત્ર તે બે જ નહોતા પણ તેની સાથે બીજી એક છોકરી પણ હતી. અને મારો અંદાજ સાચો હોય તો આ છોકરી પણ નવ્યા નિખીલની જેમ બધુ જાણે છે.” આ સાંભળી રિષભે રેકોર્ડીંગને થોડીવાર આગળ પાછળ કર્યુ અને પછી અભયને પૂછ્યું “આમા તે છોકરીનો ચહેરો તો દેખાતો નથી. હોટેલના બીજા કેમેરાના રેકોર્ડીગ જોયા કે નહી?” આ સાંભળી “હા સર, બધા જ કેમેરાનું રેકોર્ડીંગ છે પણ એકેયમાં તેનો ચહેરો દેખાતો નથી. કેમકે તે હોટલમાં દાખલ થઇ ત્યારે તેણે મોઢા પર ઓઢણી બાંધી હતી. જે આ ટેબલ પર બેઠા પછી જ હટાવી. અને અકસ્માત હોય કે પછી તે છોકરીની ચાલાકી આ ટેબલ પર એક જ કેમેરો છે જે તેની પાછળની બાજુ પર છે.” આ સાંભળી રિષભે હોટલના જુદા જુદા કેમેરાનુ રેકોર્ડીંગ જોયુ અને તેને લાગ્યુ કે અભયની વાત સાચી છે એકેય કેમેરામાં તે છોકરીનો ચહેરો કવર થતો નથી. છેલ્લે રિષભે ફરીથી તે છોકરીની પાછળના કેમેરાનું રેકોર્ડીંગ બે ત્રણ વાર જોયુ એ સાથે તેના ચહરા પર ચમક આવી ગઇ. થોડીવાર બાદ રિષભે અભયને પૂછ્યું “આના પરથી તમે એવુ કેમ કહી શકો કે આ બીજી છોકરી પણ બધુ જાણે છે. કદાચ એવુ પણ બની શકે ને કે તે નવ્યા અને નિખીલ સાથે માત્ર જમવા જ આવી હોય પણ તેના વિશે બધુ જાણતી ન હોય.” આ સાંભળી અભયે કહ્યું “સર, એક મિનિટ લેપટોપ આપશો?” રિષભે લેપટોપ અભય તરફ ફેરવ્યુ એટલે અભયે ફરીથી લેપટોપમાં થોડીવાર કામ કર્યુ અને લેપટોપ રિષભ તરફ ફેરવતા બોલ્યો “સર, આ જુઓ, અહીં એ.ટી.એમમાં પણ તે છોકરી નિખીલ અને નવ્યા સાથે છે. પણ તેના નસીબ એટલા સારા છે કે તે એકદમ કેમેરાની નીચે ઊભી છે એટલે અહી પણ તેનો ચહેરો દેખાતો નથી.”

રિષભે આ જોઇ કહ્યું “કદાચ આમા નસીબ નહી પણ , ચાલાકી પણ હોઇ શકે.” અને પછી લેપટોપમાંથી અભય તરફ જોતા બોલ્યો “બીજુ શું કંઈ ખાસ મળ્યુ આમાં?” આ સાંભળી અભયે કહ્યું “હા, સર તમે આ એટીએમવાળુ રેકોર્ડીંગ ફરીથી જુઓ.” રિષભે રેકોર્ડીંગ ચાલુ કર્યુ અને ફરીથી જોયુ એટલે તેને સમજાઇ ગયુ કે અભય શું કહેવા માંગે છે, છતા તેણે પૂછ્યું “કેમ આમા શું નવુ છે?” આ સાંભળી અભય હસી પડ્યો કેમકે તેને ખબર હતી કે સાહેબ સમજી ગયા છે પણ મારી પાસેથી જાણવા માગે છે.

“સર, તેમા તે લોકો પૈસા ઉપાડતા નથી પણ, કેસ ડીપોઝીટ મશીન દ્વારા પૈસા ખાતામાં જમા કરાવે છે.” અને પછી રેકોર્ડીંગ ઊભુ રાખી સ્ક્રીન પર એક જગ્યાએ બતાવતા અભયે કહ્યું “જુઓ તે લોકો આ બેગમાંથી પૈસા કાઢી વારાફરતી બે કાર્ડનો ઉપયોગ કરી એકાઉન્ટમાં નાખી રહ્યા છે. તે લોકો એ આવા બે ટ્રાંજેક્શન કર્યા છે. મે તપાસ કરી છે કે ડેબીટ કાર્ડ દ્વારા તમે એક દિવસમાં મહત્તમ બે લાખ રુપીયા એકાઉન્ટમાં નાખી શકાય. આથી બે ટ્રાન્જેક્શન કરીને તે લોકો ધારે તો ચાર લાખ જેવી રકમ જમા કરાવી શકે, અને તે પછી પણ આ બેગમાં થોડા રુપીયા બાકી છે. એનો મતલબ કે તે દિવસે તે લોકો પાસે ઘણા બધા રુપીયા હતા.” અભયે સ્ક્રીન પર બતાવતા બતાવતા સમજાવ્યુ. અભયની મહેનત અને ચાલાકી જોઇ રિષભ બોલી ઊઠ્યો “ગુડ જોબ યંગ મેન. તે ખરેખર ખૂબ સારુ કામ કર્યુ છે.” આ સાંભળી અભય ખુશ થઇ ગયો અને બોલ્યો “સાહેબ તમારી સાથે રહેવાથી અમારામાં પણ જોશ આવી જાય છે.” આ સાંભળી રિષભ બોલ્યો “ના આમા મારે ખોટી ક્રેડીટ ન લેવાય. આ કામ તારુ છે અને તેની ક્રેડીટ તને જ મળવી જોઇએ. તને અને હેમલને જોઇને મને આપણા પોલીસ ડીપાર્ટમેન્ટનું ભવિષ્ય ઉજ્વળ દેખાય છે.” અને પછી વસાવા સામે જોઇને રિષભે કહ્યું “સાચી વાતને વસાવા સાહેબ?” વસાવાને અભયને માન મળતુ જોઇને થોડી ઇર્ષા થતી હતી પણ તે કંઇ કરી શકે એમ નહોતા. તે આજ વિચારમાં હતા ત્યાં રિષભે અચાનક તેને વાતમાં ઢસડ્યા એટલે મો પર બનાવટી સ્મિત લાવી વસાવા બોલ્યા “હા સાચી વાત છે સાહેબ પણ તે લોકોને આપણા ડીપાર્ટમેન્ટની હવા ના લાગે તો સારુ.” આ સાંભળી રિષભે સામો કટાક્ષ કરતા કહ્યું “આ ડીપાર્ટમેન્ટ પણ આપણા જેવા અધિકારીથી જ બને છે. જો અધિકારી સારા હશે તો ડીપાર્ટમેન્ટ પણ સારો જ રહેશે.” આ સાંભળી વસાવાની બોલતી બંધ થઇ ગઇ.

આ જોઇ રિષભે કહ્યું “ઓકે, અભય તુ અત્યારે દર્શનની ઓફિસ પર જા અને તપાસ કર કે દર્શનનુ ખૂન થયુ તેના એક બે દિવસ અગાઉ દર્શને કોઇ મોટી રકમ ઊપાડી હતી? જો તે લોકો માહિતી આપવામાં આનાકાની કરે તો તુ મારી સાથે વાત કરાવજે. દર્શનના બધા જ એકાઉન્ટના છેલ્લા અઠવાડીયાના સ્ટેટમેન્ટ લઇ આવજે. અને હા તે લોકોને કોઇ માહિતી આપવાની નથી.”

આ સાંભળી અભય ત્યાંથી જતો રહ્યો એટલે રિષભે હેમલને કહ્યું “હેમલ તુ અશ્વિની ઓફિસે જા અને નવ્યાના અને નિખિલના બધા જ બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ ક્ઢાવીને લઇ આવ. અને સાંભળ જરુર પડે તો બેન્કમાં જઇને બધી જ ડીટેઇલ્સ કઢાવી લાવજે.” આ સાંભળી હેમલ પણ ઓફિસમાંથી જતો રહ્યો. હવે રિષભે વસાવા તરફ જોઇને કહ્યું “સાહેબ આ જુવાનીયા પાસેથી આપણે શીખવાની જરુર છે. તે લોકો ભલે નવા રહ્યા પણ કામ પ્રત્યેની તેની ધગશ અને પોઝિટીવ એપ્રોચ આપણે તેની પાસેથી શીખવા જેવો છે.” રિષભની વાત વસાવાને ગમી નહી એટલે તે બોલ્યા “સાહેબ, આ તો નવા નવા છે એટલે વધુ ઉત્સાહમાં છે પણ જેમ જેમ જુના થશે તેમ તે પણ આપણા જેવા જ થઇ જશે.” આ સાંભળી રિષભે કહ્યું “સાહેબ તમારો આજ વાંધો છે તમે તેના જેવા થવા નથી માંગતા પણ તે લોકોને તમારા જેવા કરવા માંગો છો.” આ સાંભળી વસાવાની બોલતી બંધ થઇ ગઇ. તેને સમજાઇ ગયુ હતુ કે હવે કંઇ પણ બોલવુ એ સિંહના મોમા હાથ નાખવા જેવુ થશે. એટલે મનોમન ગાળો દેતા તે ચૂપ બેસી રહ્યા. આ ઓફિસર પોતાની જાતને સમજે છે શું? કોઇ પણ જાતના વાંક વગર બોલ્યા રાખે. એક પરીક્ષા પાસ કરી લીધી એટલે શું અમારી માથે બેસી જવાનું? વસાવા મનોમન ભડાશ કાઢી રહ્યા હતા. રિષભ પણ આ જ ઇચ્છતો હતો કે તે વખત ગુસ્સે થાય. વસાવાને મનોમન ધુઆફુઆ થયેલા જોઇને તે બોલ્યો “વસાવા સાહેબ તમને ખોટુ લાગ્યુ છે તે મને ખબર છે પણ તમે ભૂલ જ એવી કરી છે.” આ સાંભળી વસાવા ચોંકી ગયો. અત્યાર સુધી તો તેને એમ જ હતુ કે મારી કોઇ ભૂલ જ નથી આ સાહેબ એમ જ મને દબડાવી રહ્યા છે. પણ હવે તેને સમજાયુ હતુ કે જરુર મારી ક્યાક ભૂલ થઇ છે. રિષભનો અત્યાર સુધીના અનુભવ પરથી તે સમજી ગયા હતા કે જરુર મારી કંઇક ભૂલ હશે. બાકી રિષભ ખોટી રીતે તો ના જ ધમકાવે. હવે તેની આંખમાં એક ડર દેખાતો હતો. આ જોઇ રિષભ આગળ બોલ્યો “તમે કેટલા વર્ષથી અહી સ્ટેશન ઇન્ચાર્જ છો?” વસાવાને લાગ્યુ કે આ પ્રશ્નને આ કેસ સાથે શુ લેવાદેવા છે પણ તેણે સીધો જ જવાબ આપતા કહ્યું “લગભગ પાંચ વર્ષ થયા હશે.”

“તો તમને આ પાંચ વર્ષમાં તમારી અંડરમાં આવેલા કેસ તો યાદ હોવા જોઇએને. કદાચ બધા જ કેસ યાદ ના હોય તો પણ એક જ લોકેશન પર બીજો કેસ આવે તો તો પછી એટલુ યાદ આવવુ જ જોઇએ કે આ લોકેશન પર આ પહેલા પણ એક ગુનો નોંધાયો છે.” રિષભની વાતોમાં વસાવાને કંઇ સમજ પડતી નહોતી. તેને બધુ ઉપરથી જ જતુ હતુ. વસાવાના ચહેરા પરના હાવભાવ જોઇને રિષભે સ્પસ્ટતા કરતા કહ્યું “આ જ ફાર્મ હાઉસ પરનો એક કેસ આ પહેલા પણ અહી નોંધાયો છે. તે બે ત્રણ વર્ષ પહેલાનો જ કેસ છે.” આ સાંભળી વસાવા વિચારમાં પડી ગયા અને થોડીવાર બાદ બોલ્યા “હા, સર, તમારી વાત સાચી છે. આઇ એમ સોરી અત્યારે હવે મને યાદ આવે છે કે કદાચ એક કેસ આવેલો.” પછી થોડુ રોકાઇને બોલ્યા “સોરી, સાહેબ મારી યાદદાસ્તમાંથી જ તે નીકળી ગયુ.” વસાવાની હાલત જોઇને રિષભે કહ્યું “સાહેબ,આ દર્શનનો કેસ કેટલો અગત્યનો છે અને મારા પર કેટલુ પ્રશર છે, તે તમને નહીં સમજાઇ. આ કેસમાં કોઇ પણ વિગત ધ્યાન બહાર ન જવી જોઇએ. એમા આવડી મોટી વાત જ ચુકાઇ જાય તે કેમ ચાલે?” આ સાંભળી વસાવા એકદમ ઢીલો થઇ ગયો અને બોલ્યો “સોરી સાહેબ, પણ હવે બીજીવાર આવી ભૂલ નહી થાય.” આ સાંભળી રિષભે કહ્યું “જો મે ઇચ્છ્યુ હોત તો આ વાત હેમલ અને અભયની સામે પણ કરી શક્યો હોત. પણ તમારા જેવા સીનીયર ઓફિસરની ઇજ્જત તે લોકો સામે જળવાઇ રહે એટલે જ મે આ વાત તમને એકલાને કહી છે. હું તમારુ માન જળવાઇ રહે તે જોઉ છું. પણ સામે તમારે પણ હવે આવી કોઇ ભૂલ કરવાની નથી.” આ સાંભળી વસાવા એકદમ ગળગળો થઇ ગયો અને બોલ્યો “સર, હું તમને પ્રોમિસ આપુ છું કે તમને બીજી વખત ફરીયાદનો મોકો નહી આપુ.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, હવે તમે જાવ અને બે ત્રણ વર્ષના બધા રેકોર્ડ ચેક કરો અને આ ફાર્મ હાઉસ પરથી આ પહેલા એક વ્યક્તી ગુમ થઇ ગઇ હતી તેની કેસ ફાઇલ લઇ આવો.” આ સાંભળી વસાવા ઊભા થવા જતા હતા ત્યાં રિષભ પર હેમલનો ફોન આવ્યો. હેમલની વાત સાંભળ્યાં પછી રિષભે હેમલને જે કહ્યું તે સાંભળી હેમલ ચોંકી ગયો અને વસાવા પણ વિચારતો થઇ ગયાં.

-------------***********-------------*************----------------************----------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો. મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM