Yog-Viyog - 57 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 57

યોગ-વિયોગ - 57

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૭

એરપોર્ટથી બી.એમ.ડબ્લ્યુ.માં બેસીને ઘર તરફ આવતો અજય આ દેશ જોઈને ચકિત થઈ ગયો. અહીંની સ્વચ્છતા, અહીંની ટ્રાફિક ડિસિપ્લિન અને અહીંની શહેર વ્યવસ્થા એને માટે આશ્ચર્યચકિત કરી નાખનારી બાબત હતી.

‘‘કેવી તબિયત છે બાપુની ?’’

‘‘તમે ઘરે જઈને જાતે જ જોઈ લેજો.’’ મધુભાઈએ સ્મિત કર્યું, ‘‘બસ, તમારી જ રાહ જુએ છે.’’

ઘર સુધીના રસ્તે ટનલ્સમાંથી પસાર થતા, હાઈવે ઉપર કે શહેરના માર્ગો પર અજય આ શહેરની સમૃદ્ધિ જોઈ રહ્યો હતો. અહીં સમૃદ્ધિ છાકમછોળ હતી. ભાગતા-દોડતા, અટકતા માણસો અને ગાડીઓ હતી. બધું જાણે સતત ક્યાંક પહોંચવા માટે, કોઈ હરીફાઈમાં ઊતરીને પહેલા પહોંચવા માટે ઉતાવળું થઈને સરકી રહ્યું હતું.

જાગી ગયેલો હૃદય પણ બારીમાંથી બહાર જોઈને ઉત્તેજિત થઈને બૂમો પાડતો હતો. જાનકીને રહીને રહીને વસુમાની વાત યાદ આવતી હતી.

‘‘બેટા અજય, તને નહીં સમજાય, મને કેટલી શાંતિ થઈ છે તને અહીંયા જોઈને !’’ ઘણી ના પાડ્યા છતાં પોર્ચમાં અજયને લેવા આવેલા સૂર્યકાંત અજયને ભેટી પડ્યા.

અજયને પિતાના ખભા પર મુકાયેલા પોતાના ચહેરા પરની બંધ આંખોમાં શ્રીજી વિલામાં દાખલ થતા પિતા અને દોડીને એમને ચોટી પડતો નાનકડો અજય ફરી એક વાર દેખાઈ ગયા.

‘‘હવે તું આવ્યો છે એટલે મારે કોઈ ચિંતા રહેતી નથી. તારી બહેનનાં લગ્ન કરવાના છે, બિઝનેસ સંભાળી લેવાનો છે અને મારું પણ ધ્યાન રાખવાનું છે.’’

‘‘ડેડી, એમને અંદર તો આવવા દો.’’ લક્ષ્મીએ હસીને કહ્યું અને આરતીની થાળી લઈ ભાઈ-ભાભીની આરતી ઉતારી.

અનાજના લોટાને પગ અડાડીને ઘરમાં દાખલ થતી જાનકીની આંખો છલછલાઈ આવી. એને શ્રીજી વિલામાં પોતાનો ગૃહપ્રવેશ યાદ આવી ગયો.

બધા જઈને સ્મિતાના ફોટા પાસે ઊભા રહ્યાં. ઘડીભર મૌન રહ્યા પછી સૂર્યકાંતે ફોટા સામે જોઈને કહ્યું, ‘‘જાનકી, આ તમારાં બીજાં સાસુ છે અને સ્મિતા આ તારી વહુ છે અને આ તારો દીકરો...’’

ત્યાં ઊભેલાં બધાનાં ગળાં ભરાઈ આવ્યાં. ફોટામાં હસતી સ્મિતા જાણે સાક્ષાત અહીં જ બધાની સામે ઊભી હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું.

દિવસભર આરામ અને અમેરિકા વિશે વાતો ચાલતી રહી. રાત્રે જ્યારે જમવાના ટેબલ પર બધા ભેગા થયા ત્યારે સૂર્યકાંતે અજય સામે જોયું, ‘‘બેટા, એકાદ અઠવાડિયું તારે મારી જે મદદ જોઈતી હોય તે...’’ પછી મધુકાંતભાઈ સામે જોયું, ‘‘બાકી તો મધુકાંતભાઈ છે જ.’’ એક ઊંડો શ્વાસ લઈને એમણે હળવેથી ઉમેર્યું, ‘‘હું અઠવાડિયા-દસ દિવસ પછી ભારત જવા માગું છું.’’

‘‘ડેડી !’’ લક્ષ્મીના અવાજમાં આશ્ચર્ય છલકાયા વિના ના રહ્યું.

‘‘હા બેટા, અલયની ફિલ્મની રિલીઝ છે... તારાં લગ્ન વિશે નિર્ણયો કરવાના છે...’’

‘‘પણ તમારી તબિયત... એટલી ઉતાવળ શું છે?’’ જાનકીને બોલવું નહોતું, છતાં બોલાઈ ગયું.

‘‘મારી તબિયત જ મને કહે છે કે હવે ભારત જતા રહેવું જોઈએ.’’ ખોળામાં બેઠેલા હૃદયને એક હળવું ચુંબન કરીને એમણે ઉમેર્યું, ‘‘આ અબ લૌટ ચલે... નૈન બિછાયેં, બાહેં પસારે... તુજકો પુકારે દેશ તેરા...’’

‘‘પણ ડેડી, આ તબિયત તમને ટ્રાવેલિંગ કરવાની છૂટ નહીં આપે.’’

‘‘તે હું ક્યાં છૂટ માગું છું ?’’ સૂર્યકાંતે સ્મિત કર્યું, ‘‘મેં તો છૂટ લઈ જ લીધી છે. અજય અહીંયા સેટલ થઈ જાય એટલી જ વાર. એ જેટલો ઝડપથી સેટલ થશે એટલી ઝડપથી હું મારા ઘેર પાછો જઈશ.’’

ડાઇનિંગ ટેબલ પર બેઠેલા દરેક માણસે ‘મારા ઘેર’ શબ્દ સાંભળીને આગળ કોઈ દલીલ ના કરી.

શ્રીજી વિલાથી નીકળીને શ્રેયા જે ઝડપે પાલીહિલ પહોંચી એ આશ્ચર્યજનક હતું. રાજેન્દ્રકુમારના બંગલા ડિમ્પલમાં આવેલા ડબિંગ સ્ટૂડિયોમાં અલયની ફિલ્મનું ડબિંગ ચાલતું હતું.

બહાર લાલ લાઇટ હતી એટલે શ્રેયા થોડી વાર ત્યાં જ ઊભી રહી. લાઇટ બંધ થઈ કે સાઉન્ડ પ્રૂફ વજનદાર દરવાજો ખોલીને શ્રેયા અંદર દાખલ થઈ.

‘‘અરે ! ભરબપોરે ચાંદો !’’ અલયે એના ગાલ પર ટપલી મારી.

શ્રેયા અલયને વળગી પડી, ‘‘મારે તારું કામ છે.’’

‘‘લગ્નનું શોપિંગ કરવાનો ટાઇમ નથી મને.’’ અલયની નજર સામે સ્ક્રીન ઉપર ફ્રીઝ થઈ ગયેલી અનુપમાના ક્લોઝ-અપ પર હતી.

‘‘શોપિંગની વાત જ નથી. મારે તારી સાથે વાત કરવી છે.’’ કોણ જાણે શ્રેયાના અવાજમાં શું સંભળાયું અલયને કે એણે અચાનક શ્રેયા સામે જોયું, શ્રેયાની આંખોમાં કંઈક એવું હતું કે અલયને વાતની ગંભીરતા સમજાઈ ગઈ.

‘‘માજિદ.’’ અલયે એના આસિસ્ટન્ટને બૂમ પાડી, ‘‘હું કલાક બહાર જાઉં છું.’’

‘‘પણ... ડબિંગ ? મને તારી જરૂર પડી તો ?’’ કાન પર હેડફોન પહેરીને, આગળ પોડિયમ ઉપર સ્ક્રિપ્ટ રાખીને ડબિંગ કરી રહેલી અનુપમા શ્રેયાને અચાનક જોઈને ક્ષણેક માટે વિચલિત થઈ.

‘‘ફોન.’’ અલયે મોબાઇલ દેખાડ્યો, ‘‘મારો ફોન ચાલુ છે.’’

‘‘સાંજે વાત થાય એવું નથી ?’’ અનુપમાએ કોઈ કારણ વગર શ્રેયાને પૂછ્‌યું. શ્રેયા એની સામે જોઈ રહી. અનુપમાને વગર બોલે જ જવાબ મળી ગયો જાણે. પછી એણે જાતને સંભાળીને અલયને કહ્યું, ‘‘તમે બહાર જઈને બેસો તો હું...’’

‘‘શ્યોર...’’ અલય શ્રેયાને લઈને બહાર નીકળી ગયો. અનુપમાએ હેડફોન ઠીક કર્યા અને ફરી સ્ક્રિપ્ટ હાથમાં પકડીને બૂમ પાડી, ‘‘માજિદ, આઇ એમ રેડી.’’

અલય અને શ્રેયા બહાર નીકળીને વેઇટિંગ જેવી નાનકડી ફોયરમાં બેઠાં. અલય શ્રેયા સામે જોઈ રહ્યો, ‘‘બહુ અગત્યની વાત છે?’’

‘‘આપણી જિંદગીનો સવાલ છે.’’

‘‘હું એરપોર્ટ પર જ વાત કરતો હતો, પણ ત્યારે તેં સાંભળી નહીં.’’

‘‘ત્યારે મારી સાંભળવાની હિંમત નહોતી અલય.’’ શ્રેયાનો અવાજ અત્યારે પણ ધ્રૂજવા લાગ્યો. અલયે એનો હાથ પકડ્યો અને ઊભી કરીને બહાર નીકળી ગયો.

ટેક્સીમાં બેસીને બંને જણા બેન્ડ સ્ટેન્ડ ઉપર આવેલી કોફી શોપ પર પહોંચ્યાં ત્યાં સુધી બંનેમાંથી કોઈ એક અક્ષર બોલ્યું નહીં. શ્રેયાના મનમાં કેટલીયે ગડમથલ ચાલતી હતી. જે એના ચહેરા પર પડઘાતી હતી... અલય વારે વારે શ્રેયાની સામે જોઈ રહ્યો હતો અને પોતે પણ પોતાની વાત કેવી રીતે કહેવી એ ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘‘અલય...’’ કોફીશોપમાં બેસીને શ્રેયાએ જાણે બિઝનેસ ડીલ કરતી હોય એવી રીતે સીધી મુદ્દાની વાત કરી, ‘‘મને બહુ ડર લાગે છે.’’

‘‘શાનો ?’’ અલયે ટેબલ પર મૂકેલા શ્રેયાના હાથ પર પોતાનો હાથ મૂક્યો, ‘‘કોનો ડર લાગે છે તને ?’’

‘‘સાચું પૂછે તો મારો પોતાનો...’’

‘‘શ્રેયા, મારી મા હંમેશાં કહે છે કે માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે છે.’’

‘‘હું માને જ મળવા ગઈ હતી.’’

‘‘એટલું તો હું સમજી જ શકું છું કે આ વાત કરવાની હિંમત એને મળ્યા પછી જ આવી હશે તારામાં. મેં એરપોર્ટ પર જ્યારે તને કહેવાનો પ્રયત્ન કરેલો ત્યારે તું સાંભળી શકે એમ નહોતી...’’ અલયે એની આંખોમાં આંખો નાખી, ‘‘તું પૂછે ને હું જવાબ આપું... તો એ ઊલટ તપાસ થઈ શ્રેયા. તારા પૂછ્‌યા વિના હું તને કહું એનું નામ સત્ય.’’

શ્રેયાને લાગ્યું કે એ ઊઠીને અલયને વળગી પડે. એને વહાલ કરી દે. આટલો સાચો અને આવો અણિશુદ્ધ માણસ એનો પતિ બનવાનો હતો એ વિચારે એનું હૈયું ભરાઈ આવ્યું, ‘‘મારે કોઈ સવાલ-જવાબ નથી કરવા અલય, બસ એક વાત કહેવી છે.’’

‘‘એ પહેલાં મારે તને કહેવી છે એક વાત.’’ અલયની આંખોમાં સ્ફટિકની પારદર્શકતા હતી. અવાજ એકદમ મક્કમ અને સ્થિર. રોજની જેમ એના શર્ટનું પહેલું બટન ખુલ્લું હતું. એની છાતીના વાળ એમાંથી દેખાતા હતા. એના પહોળા ખભા, એનું આર્યન નાક અને વીખરાયેલા વાળ જોઈને શ્રેયાને અલયનો મોહ થઈ ગયો.

‘‘શ્રેયા, તારી ગેરહાજરીમાં ગોવામાં અનુપમા સાથે જે કંઈ થયું એ તું ન સમજી શકે એવું નથી... અને છતાંય એ વાત પ્રત્યે આંખો મીંચીને પણ કોઈ ફાયદો નથી.’’ અલયની તગતગતી આંખો અચાનક નીચી થઈ ગઈ, ‘‘હું એને મારી નબળાઈ નથી કહેતો.’’ એણે એક ક્ષણ માટે પોરો ખાધો, ‘‘તું કહી શકે છે, હું વિરોધ નહીં કરું.’’

‘‘અલય, એ ક્ષણિક નબળાઈ હોય ત્યાં સુધી મને કોઈ...’’

‘‘શ્રેયા, ઘણી બધી વસ્તુઓ માણસના પોતાના હાથમાંથી નીકળીને પરિસ્થિતિના હાથમાં જતી રહેતી હોય છે... અનુપમાની આંખોમાં દેખાતી તરસ હું સહી ના શક્યો.’’

‘‘તેં મારો વિચાર ના કર્યો?’’ શ્રેયાને ડૂમો ભરાઈ ગયો, ‘‘જે ખભે માથું મૂકીને અનુપમા સૂતી, જે હોઠથી તેં એને ચૂમી કે જે હથેળીઓથી...’’ એક ક્ષણભર નીચું જોઈને ટેબલ પર પડેલા પોતાના આંસુના ટીપાથી અસ્પષ્ટ આકાર બનાવતી રહી, ‘‘થોડા જ કલાકો પછી ત્યાં હું હોઈશ... એવો વિચાર ના આવ્યો તને ?’’

‘‘શ્રેયા, એક વાત કહું ?’’ અલયે ઊંચું જોયું. હાથ લંબાવીને શ્રેયાના ગાલ પર થયેલી આંસુની ધાર લૂછી નાખી, ‘‘શ્રેયા, હું એવો કોઈ દાવો નથી કરતો કે મને અનુપમાની દયા આવી... એનામાંનું સ્ત્રીત્વ ક્યાંક મારામાંના પુરુષત્વને સ્પર્શ્યું હશે... પણ એમાં ક્યાંય પ્રેમ નહોતો. અથવા હતો તો એ તારા પ્રેમમાંથી ઓછો કરીને અપાયેલો પ્રેમ નહોતો.’’

‘‘આ બધા શબ્દો છે અલય...’’ શ્રેયાને ગુસ્સો આવી ગયો, ‘‘રૂપાળા શબ્દો ! તું એક બીજી સ્ત્રી સાથે...’’ એણે મોઢું ફેરવીને ઉપલા દાંત નીચે હોઠ દબાવ્યો, ‘‘હું એટલું જ સમજું છું કે તારું શરીર એ પળે કોઈ બીજી સ્ત્રીના બાહુપાશમાં હતું.’’ એણે ફરી અલય સામે જોયું. એનાં નસકોરાં હાલતાં હતાં. આંખો લાલ થઈ ગઈ હતી અને ગુસ્સામાં શરીર ધ્રૂજવા લાગ્યું હતું.

‘‘શ્રેયા, આ સત્ય છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ભૂતકાળને રિવાઇન્ડ કરીને ભૂંસી શકવાના નથી.’’ અલયના ચહેરા પર હલકી ઝાંખપ ફરી વળી હતી, પણ અવાજ હજીયે મક્કમ હતો, ‘‘તું ઇચ્છે તે સજા આપી શકે છે. મને તરછોડી દઈ શકે છે.’’

‘‘એ સજા તો મને થઈ, તને નહીં.’’ શ્રેયાએ મોઢે રૂમાલ દબાવી દીધો. એની આંખોમાંથી ઝરઝર આંસુ વહેતાં હતાં.

‘‘તો શું કરું બોલ ?’’ હવે અલયનો અવાજ પણ સહેજ ભીનો થયો.

‘‘અલય, હું માની શકું છું કે આ પરિસ્થિતિ એક વાર સર્જાઈ, પણ તમે તો રોજેરોજ સાથે કામ કરશો, બીજી ફિલ્મ- ત્રીજી ફિલ્મ, આઉટડોર અને પરદેશ પણ...’’ શ્રેયાની આંખો એક ડરમાં, અસલામતીમાં ડૂબેલી દેખાતી હતી.

‘‘હા, કામ તો હું કરીશ એની સાથે.’’ અલયે શ્રેયા સામે જોયું, ‘‘અને એવું વચન પણ નહીં આપી શકું કે હવે પછી એની સાથે કામ નહીં કરું.’’

‘‘એવું વચન હું માગતી પણ નથી.’’

‘‘જો શ્રેયા, ડર તારા મનમાં છે...’’

‘‘એ ડર ખોટો છે ?’’

‘‘હા, એ ડર ખોટો છે શ્રેયા, જે પળે મેં અનુપમાને પહેલું ચુંબન કર્યું...’’

‘‘નથી સાંભળવું મારે.’’ શ્રેયાનો અવાજ એટલોે ઊંચો હતો કે કોફીશોપમાં બેઠેલા બીજા લોકો પણ એમની તરફ જોવા લાગ્યા.

‘‘સાંભળવું પડશે.’’ અલયે શ્રેયાના હાથ પર પોતાનો હાથ મૂકીને દબાવ્યો, ‘‘જે પળે મેં અનુપમાને પહેલું ચુંબન કર્યું, એ જ પળે મેં નક્કી કરી લીધું હતું કે આ પ્રસંગ અને આ ક્ષણ મારા જીવનમાં ફરી ક્યારેય નહીં ભજવાય.’’

‘‘એટલે ?’’

‘‘વિશ્વાસ હોય તો રાખ શ્રેયા, ભૂતકાળ ક્યારેય ભવિષ્ય નહીં બને.’’

‘‘અલય, વિશ્વાસ છે એટલે તો આવી છું...’’ શ્રેયાની આંખોમાં આટલા સમયમાં પહેલી વાર એક શ્રદ્ધા, એક વિશ્વાસ દેખાયા અલયને.

‘‘શરીરને આટલું બધું મહત્ત્વ શું કામ આપે છે શ્રેયા ? કોઈ સાથે શરીરનો સંબંધ એ મનના સંબંધથી ઊંચો કે મહત્ત્વનો ના જ હોઈ શકે.’’ પછી એણે બે હાથે શ્રેયાના ગાલ પકડી લીધા, ‘‘હું તારા પડખામાં સૂઈને કોઈનો વિચાર કરું એને બદલે કોઈના પડખામાં સૂઈને તને યાદ કરું એ સ્થિતિ વધારે ઇચ્છનીય નથી ?’’ અલય હજી પણ શ્રેયાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો હતો, ‘‘એનો અર્થ એવો પણ નથી કે મને વારે વારે આવું કરવાની છૂટ છે અથવા ઇચ્છા છે...’’ અલયે બે હાથે પોતાનો ચહેરો જાણે લૂછી લીધો. પછી શ્રેયા સામે જોયું, ‘‘હું શું માનું છું એ અગત્યનું નથી. તારે માટે મારું શરીર, મારી વફાદારીનો ભાગ છે અને હવે પછી હું તને ફરિયાદની તક નહીં આપું.’’

શ્રેયા ઊભી થઈ અને કોફીશોપમાં બેઠેલા બધા જ માણસોની વચ્ચે અલયને વળગીને ડૂસકે ડૂસકે રડી પડી.

‘‘શ્રેયા, હું તને ચાહું છું અને તારી સાથે જ જીવવા માગું છું. એ માટે તારા તમામ નિયમો અને શરતો મને આજ પછી કબૂલ છે.’’ એણે વળગેલીને ઊભેલી શ્રેયાનો ચહેરો ચિબુક પકડીને ઊંચો કર્યો, ‘‘મારી એક ભૂલ... જેને તું ભૂલ ગણે છે, એને માટે મને માફ કરી શકીશ ? આજ પછી ક્યારેય એવો ભય નહીં રાખતી કે તારો અલય દુનિયાની બીજી કોઈ સ્ત્રી સાથે શરીર કે મનથી જોડાશે... આઇ પ્રોમિસ...’’

શ્રેયા ક્યાંય સુધી એને વળગીને રડતી રહી અને અલયે એને રડવા દીધી.

રાત્રે જમ્યા પછી લક્ષ્મી રિયાના રૂમમાં આવી.

‘‘મા...’’

રિયાએ લક્ષ્મીની આંખોમાં કોણ જાણે શું જોયું, પણ એણે લક્ષ્મી કંઈ બોલે તે પહેલાં જ કહ્યું, ‘‘લક્ષ્મી, ગઈ કાલ રાતની વાત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આપણે કોઈ નવી વાત નહીં કરીએ.’’

‘‘મા, તમે ગમે તેટલી ના પાડો, મારે રોનીને મળવું છે.’’

‘‘શા માટે ? શું મળશે તને ? જે વાત ભુલાઈ ચૂકી છે એ વાતને ફરી યાદ કરવાનો ન તને કોઈ ફાયદો છે, ન એને.’’

‘‘મારે એ માણસને જોવો છે, જાણવો છે, જેને લીધે મારું અસ્તિત્વ સંભવ્યું.’’ રિયા કંઈ બોલવા જાય એ પહેલાં જ લક્ષ્મીએ એને રોકી લીધી, ‘‘મા, મને એમની પાસેથી કોઈ અપેક્ષા નથી. હું કદાચ એમને કહું પણ નહીં કે હું એમની દીકરી છું, પણ...’’ એની આંખોમાં અને અવાજમાં આજીજી ઊતરી આવ્યા, ‘‘પ્લીઝ મા, પ્લીઝ...’’

‘‘હું જાણતી હતી, હું જેવી આ વાત કરીશ કે એની આગળ આ પ્રકરણ આવીને ઊભું જ રહેશે.’’ રિયા સહેજ ચિડાઈ ગઈ, ‘‘શા માટે જીદ કરે છે છોકરી ? કેટલી બધી જિંદગીઓ એક સાથે હચમચી જશે...’’

‘‘ભલે હચમચી જાય... એક વાર મારે એમને મળવું છે. બસ એક વાર...’’

‘‘સ્ત્રીઓ ખરેખર મૂરખ હોય છે. જે બાપ, પતિ કે પ્રેમી, કે પછી દીકરો પણ... એને છોડી જાય, ભૂલી જાય એને યાદ કરીને આખી જિંદગી વીતાવી નાખે છે. આને મૂરખ લાગણીશીલતા કહેવી કે લાગણીશીલ મૂર્ખતા !’’ રિયાની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. એ કદાચ પોતાની પણ વાત કરતી હતી.

‘‘મા, છેલ્લે તમે એમને ક્યારે મળેલાં ?’’

‘‘તારા જન્મ પહેલાં. સ્મિતા પ્રેગનન્ટ હતી અને હું રોની સાથે વાત કરવા ગયેલી...’’ રિયા જાણે એ પળ અને એ દિવસમાં ફરી પહોંચી ગઈ. એની આંખો શૂન્યમાં જોઈ રહી હતી. પોતાની જાતને એ પબના ટેબલ ઉપર રોનીની સામે બેઠેલી જોતી હતી. રોનીના ચહેરા પર કોઈ ભાવ નહોતા અને રિયા ઉશ્કેરાટમાં, ટેન્શનમાં અને ચિંતામાં બેબાકળી હતી.

મોડી સાંજનો સમય હોવાથી પબ ખીચોખીચ ભરેલું હતું.

‘‘જો રિયા, મેં સ્મિતાને પહેલાં જ કહ્યું હતું કે હું લગ્નમાં નથી માનતો... એ ઇન્ડિયન છે. એના ઇમોશન જુદા હોય એ સમજી શકું છું, પણ તું એને સમજાવ... તને શું મળ્યું લગ્ન કરીને ? એને શું મળ્યું આલ્બર્ટ સાથેનાં લગ્નથી ?’’ રોનીએ ઠંડકથી બિયરનો એક ઘૂંટડો ભર્યો.

‘‘રોની, સ્મિતા મરી રહી છે. તારાં લગ્ન આમ પણ છ-બાર મહિનાથી વધારે નહીં ટકે...’’ રિયાની આંખો ઊભરાઈ ગઈ, ‘‘એક મરતા માણસની છેલ્લી ઇચ્છા પૂરી નથી કરી શકતો ?’’

‘‘ઓહ કમ ઓન રિયા ! આ બધી સ્ટૂપીડ જેવી લાગણીશીલતા છે. ફૂલિશ સેન્ટીમેન્ટાલિઝમ... હું આ બધામાં માનતો નથી અને મારાથી કંઈ નહીં થાય.’’ રોનીએ રિયાના હાથ થપથપાવ્યા, ‘‘એને અબોર્શનમાં કે મેડિલ ટ્રીટમેન્ટમાં જ્યાં મારી જરૂર હોય ત્યાં હું હાજર હોઈશ... એને થોડા ડોલર્સ જોઈતા હોય તો પણ...’’

‘‘મને ખબર નહોતી કે અમેરિકન પુરુષો આટલા નિષ્ઠુર હોય છે.’’ રિયા ખુરશીને ધક્કો મારીને ઊભી થઈ ગઈ, ‘‘મને સાંભળવા બદલ આભાર...’’ અને ઊંધી ફરીને બહાર જવા લાગી. પછી એક ક્ષણ રોકાઈ, પાછી ફરી અને રોનીની આંખોમાં આંખો નાખી કહ્યું, ‘‘બાય ધ વે, તું જવાબદારી લે કે નહીં, તારું આ સંતાન ધરતી પર જન્મ લેશે અને જો ઈશ્વર હોય, સત્ય નામની વસ્તુ ક્યાંક વસતી હોય અને સ્મિતા હૃદયથી શુદ્ધ હોય તો તારું એ સંતાન એક દિવસ તારી સામે આવીને ઊભું રહેશે. આઇ ચેલેન્જ યુ મિ. રોનાલ્ડ, સમયના ચક્રને ફરતું કોઈ રોકી નથી શકતું...’’ અને રિયા સડસડાટ પબની બહાર નીકળી ગઈ.

આજે રિયાને પોતાની જ એ વાત યાદ આવી રહી હતી. સમયનું ચક્ર ફર્યું હતું અને રોનાલ્ડની દીકરી લક્ષ્મી એને શોધવા કમર કસી રહી હતી.

‘‘બેટા, એ અમારી છેલ્લી મુલાકાત હતી. એ પછી તો સ્મિતાની તબિયત બગડતી ગઈ અને નીરવના હક-દાવા માટે હું અને વિષ્ણુ ઝઘડતાં રહ્યાં. હું મારા પ્રશ્નમાં રહી અને સ્મિતા એની દુનિયામાં! અમે માત્ર ફોન પર મળતા રહ્યા... એ પછી હું ન રોનાલ્ડને મળી શકી, ન સ્મિતાને.’’ એણે લક્ષ્મીના ચહેરા પર વહાલસોયો હાથ ફેરવ્યો, ‘‘તું જન્મી ત્યારે એક વાર હું સ્મિતાને મળવા આવેલી... બસ !’’

‘‘હું ક્યાં શોધું એમને ?’’ લક્ષ્મી જાણે અસહાય થઈ ગઈ, ‘‘ઓગણીસ વર્ષ થઈ ગયાં !’’

‘‘આપણે અમેરિકન બેન્કમાં તપાસ કરીએ. કદાચ કોઈ માહિતી મળી જાય. મારી જૂની ડાયરીમાં રોનીનો નંબર હશે કદાચ, હું ડાયરીસ ફેંકતી નથી.’’

‘‘પ્લીઝ મા, તમે મારી મદદ કરો.’’

‘‘હજી કહું છું કે ભૂતકાળનાં પડ ખોલવાનું રહેવા દે.’’

‘‘પડ તો ખૂલી ચૂક્યાં છે. હવે મારે એના તળિયા સુધી પહોંચી જવું છે...’’ લક્ષ્મી રિયાના ખભે માથું મૂકીને ક્યાંય સુધી બેસી રહી. બંને જણાએ સવારે ઊઠીને બેન્ક ઓફ અમેરિકામાં તપાસ કરવાનું નક્કી કર્યું.

જોકે એકબીજાની બાજુમાં સૂતેલી લક્ષ્મી અને રિયામાંથી આખી રાત કોઈને નિરાંતની ઊંઘ ના આવી, પણ એ તો સ્વાભાવિક જ હતું.

પથારીમાં પડખાં બદલતી અનુપમા જાણે અત્યારે પણ અલયની છાતીના વાળનો સ્પર્શ પોતાના ચહેરા પર અનુભવી રહી. આઠ બાય આઠના સુંદર- સુંવાળા પલંગ ઉપર આઠ-દસ ફેધરના ઓશિકાં જોડે સૂતેલી અનુપમાને કોઈ રીતે ઊંઘ નહોતી આવતી.

આખી સાંજ એણે મોબાઇલ હાથમાં રાખીને અલયના ફોનની રાહ જોઈ હતી, પણ અજયના જવાની તૈયારીમાં અને ડબિંગની સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં ડૂબેલો અલય જાણે અનુપમાને ભૂલી જ ગયો હતો.

અનુપમાએ કંઈ કેટલાયે મેસેજ મોકલ્યા હતા, પણ એકનોય જવાબ નહોતો આવ્યો.

અનુપમાનો ગુસ્સો હદ વટાવી ગયો હતો.

એણે કંટાળીને ડ્રિન્ક બનાવ્યું, એક... બે... ત્રણ... કોને ખબર કેટલાં ?

મોબાઈલ પર આવતા બધા જ ફોન એણે ડિસકનેક્ટ કર્યા.એક માત્ર અલયના ફોન કે મેસેજની રાહ જોતી અનુપમાએ આખરે કંટાળીને અલયને ફોન પણ કર્યો...

‘‘બિઝી છું. પછી ફોન કરું.’’ અલયના અવાજમાં ન ઉષ્મા હતી ન કોઈ આરોહ-અવરોહ ! અનુપમાએ ફોન પટકી દીધો, ‘‘આ હિંમત?’’

કદાચ અનુપમાને પોતાનેય નહોતું સમજાયું એવી રીતે પોતાની સ્વસ્થતાના આંચળા હેઠળ અને બલિદાનના ઓઠા હેઠળ અનુપમાએ અલય સાથે એક સોદો કરવાનો પ્રયત્ન કર્યો હતો, અલબત્ત જાણીજોઈને નહીં જ ! એ ઊંડે ઊંડે કદાચ માનતી હતી કે પોતાના આ બલિદાન અને ત્યાગના રંગને જોઈને અલય જીવનભર બંધાઈ જશે. એને પોતાના રૂપ પર, પોતાની બુદ્ધિ પર, પોતાની સફળતા પર અને પોતાના ‘અનુપમા’ હોવાપણા પર અજબ ગર્વ હતો.

અલયની સામે ઘૂંટણિયે પડીને જ્યારે એણે અલયનો પ્રેમ માગ્યો ત્યારે એના સુષુપ્ત મનમાં ક્યાંક એમ હશે કે હવે અલય કાયમ માટે એનો થઈ જશે. પરંતુ એવું થઈ શક્યું નહીં ! એટલું જ નહીં, પાછા ફર્યા પછી અલયની સ્વસ્થતા એને માટે અસ્વસ્થતાનું કારણ બની.

સામાન્ય રીતે પોતાની જાતને અનુપમા બહુ સ્વસ્થ માનતી. એને ખબર નહોતી એવી રીતે એની અંદર એક હલચલ થઈ ગઈ હતી. એની તમામ સ્વસ્થતા, એની તમામ બુદ્ધિ અને લોજિકનાં મહોરાં ખરી પડ્યાં હતાં. આખી સાંજ એ અલયના વિચારોમાં અકળાતી-અટવાતી રહી.

રહી રહીને એને એક જ વિચાર આવતો હતો, ‘‘અલય વિના કેવી રીતે જીવી શકાશે ?’’

‘‘આ બધું તો તારે એને પ્રેમ કરતા પહેલાં વિચારવાનું હતું. બહુ સમજાવી હતી એણે તને...’’ અનુપમાનું જ મન એની સાથે દલીલ કરતું હતું.

‘‘તો ? સમજાવી તેથી શું ? હું ચાહું છું એને... કંઈ માગતી નથી. માત્ર આપવા માગું છું- જીવનભર...’’

‘‘તું જે આપવા માગે છે એના બદલામાં એણે શું ખોવું પડશે એની કલ્પના છે તને ?’’ એનું જ મન એને કહી રહ્યું હતું, ‘‘અનુપમા, જાતને છેતરવાનું બંધ કર. તેં જ કહ્યું હતું કે તું બીજી વાર અલયનો વિચાર સુધ્ધાં નહીં કરે. આજે શું થઈ રહ્યું છે આ ? તેં જ કહ્યું હતું કે એ પળને સંઘરીને તું જીવી જઈ શકીશ, હવે કયો મોહ, કઈ ઝંખના, કઈ તરસ જગાડે છે તને ?’’

અનુપમા ઊભી થઈ... એણે પોતાનું વોર્ડરોબ ખોલ્યું. એમાં મૂકેલું અલયનું શર્ટ બહાર કાઢ્યું. એરપોટર્ પર અલયે પહેરાવેલું એ શર્ટ ન અનુપમાએ પાછું આપ્યું ને ન અલયે પાછું માગ્યું...

એ શર્ટને છાતી સરસું ચાંપીને અનુપમા જાણે અલયને વહાલ કરતી હોય એમ પાગલની જેમ ચૂમવા લાગી...

‘‘ઓહ અલય... અલય આઇ લવ યુ... આઇ લવ યુ અલય... હું તારા વિના જીવી નહીં શકુંં...’’ અનુપમા કહેતી હતી અને શર્ટને ચૂમતી જતી હતી.

એ જ વખતે એના મોબાઇલની રિંગ વાગી.

‘‘અલય ?!’’ અનુપમાના અવાજમાં હજીયે પેલો નશો અને ધ્રુજારી અકબંધ હતા, ‘‘અત્યારે ?’’

‘‘અનુ ! વોટ એ ફેન્ટાસ્ટિક સિકવન્સ...’’ અલયના અવાજમાં ઉત્સાહ ઉછાળા મારતો હતો, ‘‘આ ફિલ્મ તને ઓસ્કાર અપાવે તો નવાઈ નહીં. ફિલ્મ ફેર તો નક્કી છે.’’

‘‘પણ મને જે જોઈએ છે તે નહીં અપાવી શકે.’’ અનુપમાએ કહ્યું અને ચૂપ થઈ ગઈ.

‘‘અનુ ! તેં મને વચન આપ્યું હતું કે...’’

‘‘આપ્યું હતું.’’ અનુપમાએ જોરથી ચીસ પાડી. લગભગ સ્કીઝોફ્રેનિક માણસ પાડે એવી ચીસ હતી એ, ‘‘આપ્યું હતું વચન, હવે નહીં પાળું તો શું કરી લઈશ ?’’

‘‘અનુ !’’ અલયનો અવાજ સ્વસ્થ અને સંયત હતો. જાણે એને આ પ્રકારના વર્તનની અપેક્ષા હતી જ.

‘‘હું આપઘાત કરીશ.’’

‘‘તો મારી ફિલ્મ હિટ થઈ જશે... વર્ષો સુધી લોકો યાદ રાખશે, ઇતિહાસ બની જઈશ તું.’’ અલય હસ્યો.

‘‘હસ નહીં, હું સાચે મરી જઈશ... અને ચિઠ્ઠી લખીશ કે હું તારે માટે આપઘાત કરું છું.’’

અલય ફરી હસ્યો, ‘‘ગુડ ! એથી હું તને મળી નહીં જાઉં અનુપમા.’’ અલયના અવાજમાં અચાનક જ મક્કમતા ભળી ગઈ, ‘‘મેં કહ્યું હતું તને... બહુ અઘરું છે અનુપમા.’’

‘‘હા, હા, કહ્યું હતું, ને મેં સાંભળ્યું પણ હતું... પણ હવે હું નથી માનતી એ વાત. હું તારા વિના નહીં જીવું અલય...’’

‘‘તો શું કરીશ ?’’ અલય હજી પણ સ્વસ્થ અને મક્કમ જ હતો.

‘‘મરી જઈશ.’’ અનુપમાનો અવાજ કંઈ કેટલાયે ડેસિબલમાં આખા ઓરડામાં ગૂંજતો હતો, ‘‘હું મરી જઈશ અલય... મારે નથી જીવવું તારા વિના.’’

‘‘અનુ, આપણે કાલે વાત કરીએ ?’’

‘‘ફોન નહીં મૂકતો અલય...’’ અનુપમા ચીસો પાડી રહી હતી.

‘‘અરે ! હુંં કામ કરું છું. મને લાગ્યું કે મારે તને કોમ્પ્લિમેન્ટ આપવા જોઈએ એટલે મેં ફોન કર્યો...’’

‘‘બસ, એટલું જ ? મારી યાદ, મારો અભાવ, મારી તરસ નથી?’’ અનુપમાના અવાજમાં વીંધાયેલી વાઘણ જાણે ત્રાડ પાડી રહી હતી.

‘‘ના !’’ અલયના અવાજમાં હજી એ જ મક્કમતા હતી.

‘‘અલય, તું શ્રેયાને કહી દે...’’ અનુપમાએ વધુ જોરથી ચીસ પાડી, ‘‘કહી દે એને કે તું ચાહે છે મને... તું મારી સાથે...’’

‘‘એ જાણે છે.’’ અલયે એટલી જ સ્વસ્થતાથી કહ્યું, ‘‘અને તું પણ જાણે છે કે એ જાણી ગઈ છે.’’ થોડી વાર અટક્યો અલય, ‘‘અનુ, ખરેખર તો મને શ્રેયા પાસેથી આવા રિએકશનની અપેક્ષા હતી અને તારી પાસેથી એક સ્વસ્થતાની, એક સમજદારીની આશા હતી. એને બદલે...’’

‘‘એને બદલે શું અલય ?’’ અનુપમાનો અવાજ ધ્રૂજતો હતો. એની આંખોમાંથી પાણી વહેતું હતું. એનું આખું શરીર ઉશ્કેરાટ અને ક્રોધમાં ઝાડના પાંદડાની જેમ કંપતું હતું, ‘‘મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું... હવે તારે જે કરવાનું છે તે તું કર.’’

‘‘હું એ જ કરું છું.’’ અલયે પૂર્ણવિરામની જેમ કહ્યું, ‘‘મારું કામ!’’

‘‘અલય, તું ભૂલ કરે છે. મને તરછોડીને... તું તારી કરિયર... અને તારી જિંદગીને તરછોડી રહ્યો છે. તારું ભવિષ્ય મારી સાથે છે, અનુપમા ઘોષ સાથે ! તારી લાઇફ મેં બનાવી છે અલય.’’

‘‘મને હતું જ... મને હતુંં જ કે આ વાત હજુ સુધી કેમ ના આવી ?’’ અલય હસ્યો, ‘‘ક્યાં ગઈ એ અનુપમા ? જે મને કહેતી હતી કે- મને સ્વીકારી લે, મારી આ તરસ, આ મારી આ ઝંખના, મારી આ જીજીવિષા શાંત કરી દે. મારો મોક્ષ કરી દે અલય, મારું તર્પણ કરી દે.’’ અલયના અવાજમાં સહેજ કડવાશ પણ ઊતરી આવી, ‘‘યાદ છે મેક-અપ વેનની એ વાત ? જેમાં અનુપમા ઘોષ બોલી હતી- ‘‘ઈશ્વરે મારા માટે જે લખ્યું હતું તે ! પણ મેં એને ખોટું પાડ્યું છે. એણે વિચાર્યું હશે કે એ મારી જિંદગીમાં તને નહીં પ્રવેશવા દઈને મને તરસી રાખશે... પણ મેં તો એક જ ઘૂંટડો એટલો મોટો ભર્યો અલય કે મારો આખો જન્મારો તૃપ્ત થઈ ગયો... એ અનુપમા અને આ અનુપમા વચ્ચે આસમાન-જમીનનો ફેર છે.’’

‘‘છે ! ફેર છે... કારણ કે મને એ વખતે નહોતું સમજાયું અલય કે તારા વિના જીવવું આટલું અઘરું પડશે...’’ અનુપમાનો અવાજ હજીયે ઊંચો હતો. એ રડતા રડતા બોલતી હતી, ‘‘આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ... હું નહીં જીવું તારા વગર અલય... ’’ એણે ડૂસકાં રોકીને સાવ નરમઘેશ જેવા અવાજમાં પૂછ્‌યું, ‘‘તું ભૂલી ગયો અલય ? તેં કહ્યું હતું મને કે હું તારી જવાબદારી છું.’’

‘‘એ તો આજે પણ છે, પણ આ રીતે નહીં.’’ અલયનો અવાજ સ્થિર અને સંયત હતો, ‘‘અનુપમા, મને તારા માટે લાગણી છે, માન છે, પણ તારા મિજાજના અને મનઃસ્થિતિના આવા ઉતાર-ચડાવ સાથે હું મારી જાતને બદલી નહીં શકું. ભૂલી જા એ બધું...’’

‘‘તું...’’ અનુપમા નાના બાળકની જેમ અસહાય થઈને કરગરતી હતી, ‘‘તું ભૂલી ગયો છે અલય ? હેં અલય... તું ભૂલી ગયો છે? એ ક્ષણ, એ પ્રેમ, એ ઉન્માદ, એ એકમેકમાં સમાઈ જવાની...’’

અલયે એને વચ્ચે જ રોકી, ‘‘આપણી વચ્ચે નક્કી થયું હતું કે આપણે ક્યારેય એ વાત અને રાતને યાદ નહીં કરીએ. અનુપમા, તારો તારી જાત પર કાબૂ નથી રહ્યો ! જો આમ જ ચાલશે તો મારે બધું ભૂલી જવું પડશે.’’

‘‘હું તને ભૂલી જાઉં એ શક્ય નથી, ને તું મને ભૂલી જાય એ હું થવા નહીં દઉં.’’ અનુપમાએ આખો બંગલો હલબલી જાય એવા અવાજે ચીસ પાડી, ‘‘હું મરી જઈશ... પણ તને યાદ રહીશ.’’ અને પછી મોબાઈલ છૂટ્ટો ફેંકીને જોરજોરથી રડવા લાગી. ભીતમાં માથું પછાડવા લાગી.

અલયનો ફોન ચાલુ હતો. એ અનુપમાનું રડવું, એની ચીસો અને ભીંતમાં માથું પછડાવાનો અવાજ સાંભળી શકતો હતો.

(ક્રમશઃ)

Rate & Review

Jigneshkumar Suryakant Dabhi
Khyati

Khyati 2 months ago

Nirav Desai

Nirav Desai 2 months ago

Natvar Patel

Natvar Patel 2 months ago

Kunal Bhatt

Kunal Bhatt 3 months ago