Jindgi ni aanti ghunti - 10 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-10

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ વિઘ્નો દૂર કરતા કરતા કોલેજનું એડમિશન ફોર્મ ભરી દે છે પણ હવે તેમનો પગાર થયો નથી અને ફી ભરવાની છે તે હવે શું કરશે? કોણ એમની મદદ કરશે હવે આગળ)
એમને એમ વિચારોમાં આખો દિવસ કામ કરતો ગયો, બીજી ચિંતા સોમવાર ની પરીક્ષાની પણ હતી કેવી હશે પરીક્ષા? શું હું બરાબર આપી શકીશ,
હવે તેની તૈયારી પણ કઈ રીતે કરવી , એમને એમ સાંજ પડી ગઈ, સાંજે ગ્રાહકો જમવા આવવા લાગ્યા, પાછો કામમાં લાગી ગયો, છેલ્લે પેલા કાકા જમવા આવ્યા, તેમણે મને પૂછ્યું કામ થઈ ગયું દીકરા મે કહ્યુ હા, કાકા ... તેમને મને સાયકલ આપી હતી, તે બદલ તેમનો મે આભાર માન્યો, પણ તે મારો ચહેરો જોઈ કળી ગયા હોય, તેમ મને પૂછવા લાગ્યા, હજુ પણ તારા ચહેરા પર ચિંતાની લકીર કેમ દેખાય છે , કંઈ નહિ કાકા એતો થાકને લીધે એવું લાગતું હશે, અને તે કાકા એ જમીને વિદાય લીધી..
મેં મારું કામ પૂરું કરી હિસાબ ગણીને લખી દીધો. પછી રઘુ અને બંને વાતો કરવા બેઠા, મેં રઘુ ને આકાશ ની વાત કરી રઘુ એ કહ્યું દોસ્ત ચેતીને ચાલજે ,અહીં બધા પહેલા તો મિત્ર બનાવશે ,અને પછી એવા કોઈ કામમાં સપડાવી દે છે કે જિંદગીભર બહાર નીકળી નહી શકાય, હું તો ચેતીને જ ચાલીશ .
હવે સોમવાર ની ચિંતા છે, સોમવારે કઈ રીતે કોલેજ પહોંચીશ, સાડા આઠ થી સાડા નવ ની પરીક્ષા છે, પરીક્ષા આપવા કઈ રીતે જઇશ અને બીજે દિવસે તેનું રિઝલ્ટ જોવા જવું પડશે, શું કરીશ?
રઘુ ફરીથી તું મારા માટે ભાડાની સાઇકલ લેતો આવીશ, એને કહ્યું સારું લેતો આવીશ, પણ તું બહુ વિચારોના કર , કાલે કદાચ શેઠ આવે પણ ખરા, આવી જાય તો સારું જ ને,
નહીં તો સાયકલ તો ભાડાથી મળી જશે, પણ પૈસા નું શું થશે?
રઘુ બોલ્યો ચાલ હું નીકળું છું અને કાલનો દિવસ હજુ બાકી છે,બહુ ચિંતા ના કર, કંઈક તો સગવડ થઇ જશે,
રઘુ ઘરે જવા નીકળ્યો અને હું વિચારમાં પડ્યો કે, આમ બોલીએ છીએ રૂપિયા-પૈસા શું કરવા છે, પણ એના વિના એ કશું કામ થતું નથી, આજે બાપુ કહેતા તે વાત યાદ આવતી હતી, કે ભાઈ 'ત્રેવડ ત્રીજો ભાઈ છે' અને 'કરકસર કરીએ તો આગળ આવીએ' પણ એના માટે પાસે પૈસા હોવા જોઈએ ને,
પાછું ઘર યાદ આવી ગયું ઘરે બધા શું કરતા હશે, મને યાદ કરતા હશે કે પછી ભૂલી ગયા હશે,
*************************************
આ બાજુ ગામમાં બાપુ અને ભાઈઓ શોધાશોધ કરી મૂકી હતી, પણ ક્યાંથી એ સમાચાર ન મળતા ,મન વાળી લીધું હવે ધીરે ધીરે બધું ભુલાતું જતું હતું, પણ માં હજુ ભુલવા નહોતી માગતી,
તે દરરોજ એક વાત કરતી કે મારો મહેશ મને કાગળ તો લખશે જ અને દરરોજ ટપાલીની રાહ જોતી, મને પણ કાગળ લખવા નું મન થઇ આવતુ પણ ના હું કાગળ લખું, ને ઘરે ખબર પડી જાય કે હું કઈ જગ્યાએ છું ,તો મને પાછો ઘરે લઈ જાય,
અને મારે ઘરે પાછા નથી જવું, મારી કોલેજ શરૂ થઈ જાય પછી ઘરે કાગળ લખીશ એવા વિચારોમાં ઊંઘી ગયો.
બીજા દિવસે રવિવાર હતો એટલે હોટલમાં થોડી ઘરાકી વધુ રહેતી, અને આખો દિવસ કામ પણ વધુ રહેતું ,મારે તો બે કામ સંભાળવાના હતા, હોટલ નું કામકાજ અને હિસાબનુ સવારથી ઊઠીને નિત્યકર્મ પતાવીને હું કામે લાગી ગયો એટલામાં રઘુ પણ આવી ગયો,
રઘુ આજે થોડો ઉદાસ લાગતો હતો, મેં પૂછ્યું શું થયું? કંઇ નહીં યાર ,ના કંઈક તો થયું લાગેછે, તારે કહેવું પડશે, આપણે તો મિત્રો છીએ ,તું બોલીશ તો તારું મન હળવું થશે.
શું કહું યાર અમારા ઘરે તો ઝઘડા દરરોજ હોય છે, પણ કાલે રાતે મારા બાપુએ દારૂ વધારે પીધો હતો, અને મારી માને બહુ મારી છે, તે આજે તો ઊભી નહી થઈ શકે તેવી હાલત છે, આજે હું કામે આવ્યો છું પણ મારો જીવ તો ઘરે જ છે,
મારી નાની બેન એને કોણ સંભાળશે!રઘુ તારે ઘરે જવું હોય તો જા, અહીતો, હું સંભાળી લઈશ, આમેય શેઠ અહીં ક્યાં છે? તારો પગાર પણ નહીં કપાવા દઉં .
ના યાર તું એકલો કેટલું કામ કરીશ!
એ તો હું કરી લઈશ અને આજે સવારે બનાવેલો નાસ્તો થોડો બચ્યો છે, તે લઈ જા તારી માઅને બેનને ખાવા થશે,
અને તું કાલે આવી જજે કાલે સવારે મારે કોલેજ પર જવાનું છે, તેથી લે આ પાંચ રૂપિયા સાયકલ લેતો આવજે,
રઘુ એ કહ્યું અત્યારે હું જાઉં છું, પણ કદાચ સાંજે મા ને સારું લાગે તો હું પાછો આવીશ, નહિ તો સવારે વહેલો આવી જઈશ, અને રઘુ ચાલ્યો ગયો અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો
આજે તો એકલા હાથે બે માણસનું કામ કરવાનું હતું , આખો દિવસ કામમાં ક્યાં ગયો ખબર જ ના પડી, સાંજે તો હું એટલો થાકી ગયો હતો કે હિસાબ લખવાનું પણ મન નહોતું થતું ,હિસાબ કરી દીધો
અને પછી કાલે સવારે શું થશે, ના વિચારો સાથે ઊંઘી ગયો, અને અડધી રાત જેવું થવા આવ્યું હશે, ને એક ટોળું પકડો મારોના અવાજ સાથે ત્યાંથી નીકળ્યુ હું અધકચરો જાગ્યો, અને પછી પાછો ઊંઘી ગયો..
સવારે પક્ષીઓના કલરવ સાંભળતા હું ઉઠી ગયો, મંદિરમાં ઝાલર વાગ્યા, ભગવાનને પ્રાર્થના કરી કે" હે પ્રભુ આજે મારો બેડો પાર ઉતારજો" અને હું નાહી ધોઈને તૈયાર થયો, અને ચિંતામાં પડી ગયો કે,
રઘુ આજે આવશે કે નહીં આવે,જો નહિ આવી શકે તો, હું શું કરીશ? કઈ રીતે જઈશ? એવું વિચારતો હતો અને સાયકલની ઘંટડી નો અવાજ સંભળાયો, જોયું તો રઘુ સાયકલ લઈને ઉભો હતો,
હું બહાર નીકળ્યો અને પૂછ્યું મા ની તબિયત કેવી છે, આજે તો સારું છે તે પણ બેનને લઈને કામે જવા નીકળી છે, અને હું અહીં આવ્યો છું.
લે આ સાયકલ અને જવાની તૈયારી કર, અને જો તુ અહીની ચિંતા ના કરતો હું અહીં બધું સંભાળી લઈશ,
પણ હું આવતો હતો, એટલે સાંભળ્યું છે કે તું જવાનો છે એ વિસ્તારમાં રાત્રે તોફાનો થયા છે, એટલે સાવચેતીથી જજે, અને મને અચાનક યાદ આવ્યું કે મને રાતે જે બૂમો સંભળાયેલી તે સાચી જ હતી,
અને હું બેગ લઇ ને કોલેજ જવા નીકળ્યો ,આજે રસ્તો સૂમસામ હતો, કદાચ રાતના તોફાનોની અસર હશે, અને અડધે રસ્તે પોલીસવાળાએ મને રોકી અને પૂછ્યું ક્યાં જાય છે? સાહેબ પરીક્ષા આપવા, અને મેં ફી ભર્યાની પાવતી બતાવી તો મને જવા દીધો.
હું કૉલેજ પહોંચ્યો તો બે-ત્રણ જણ આવીને બેઠા હતા, હું જઈને બેઠો એ બધા રાતે બનેલી ઘટનાની ચર્ચા કરતા હતા,

થોડીવાર પછી એક છોકરી આવી છોકરી શું પરી કહેવાય લાંબા વાળ ગુલાબી ગાલ અને પાણીઆરી આખો તેને જોતા જ રહી જવાય,
હશે તો ગુજરાતી પણ બોલતી હતી ઇંગ્લિશ, એવું ફટાફટ બોલે કે હું તોગુજરાતી પણ એવું નહોતો બોલી શકતો, હું તો તેના પર ઈમ્પ્રેસ થઈ ગયો,
એટલામાં પટાવાળાએ બોલાવવા આવ્યો અમને બધાને એક વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા.
શિક્ષક આવીને જરૂરી સુચના આપી ગયા, અને પછી પેપર આપ્યા, પેપર આવતા ની સાથે હું તો આજુબાજુ કોણ છે, એ પણ ભૂલી ગયો અને લખવા લાગ્યો પેપર હતું ઈંગ્લીશમાં પણ મારે માટે તો સહેલું હતું, લખતાં લખતાં વિચાર્યું કે એડમિશન તો પાક્કું મળી જશે, એટલામાં જ મારી પાછળ બેઠેલી છોકરી એ મને બોલાવ્યો, પણ મેં પાછું ફરીને ના જોયું,

આજ સુધી પરીક્ષા આપી પણ પરીક્ષા સમય કોઈની સામે જોવાનું નહીં, જોઈએ તો જવાબ કેવા પડે ને પરીક્ષાનો સમય પૂરો થયો, અને સૂચના આવી કે...
આ પરીક્ષાનું રિઝલ્ટ જે કાલે આવવાનું હતું, તે હવે ગુરુવારે આવશે એટલે બધાએ ગુરુવારે હાજર રહેવું, મને મનમાં થોડી રાહત થઇ, હાશ બે દિવસ સુધીમાં તો શેઠ આવી જશે ,અને મારો પગાર થઈ જશે ,
અને અમે વર્ગમાંથી બહાર નીકળ્યા પેલી છોકરી તો મારી સામે ગુસ્સાથી જોયું અને જતી રહી, અને હું પણ સાયકલ લઈને ચાલ્યો.
પણ થોડેક જ દૂર ગયો હોઇશ અને એક તોફાની ટોળું આવ્યુ હું તો ગભરાઈ ગયો, થોડીક વારમાં તો બાજુમાં ઉભો રહી ગયો, તે નજીક આવતું દેખાયું, પણ હવે શું કરવું? જીવ અધ્ધર થઈ ગયો
શું થશે હવે? પણ તે મારી બાજુમાંથી નીકળી ગયું, અને" ખરેખર મારી કોઈ રક્ષા કરતું હોય તેવું લાગ્યું"
અને હું સાયકલ લઈને ચાલ્યો રસ્તો હજુ પણ સુમસામ લાગતો હતો થોડીક દુકાનો ખુલ્લી હતી શાનો ઝગડો હતો, તે કંઈ ખબર નહોતી પડતી, અને હું સડસડાટ સાયકલ ચલાવતો પાછો હોટલે પહોંચી ગયો
હોટલે પહોંચીને જોવું છું, તો આ શું! શેઠ આવીને બેઠેલા હતા, ગુસ્સામાં લાલ પીળા હું તો સાયકલ ઊભી કરતાં થથડી ગયો, કે હવે શું કરશે,? રઘુએ શું કહ્યુ હશે, હું બીતો બીતો હોટલના પગથિયાં ચડ્યા, તો કહે આવો રાજકુમાર,
ક્યાં ફરીને આવ્યા? હું થોથવાઇ ગયો , કંઈ બોલી ના શક્યો, મારી નજર રઘુ ને શોધતી હતી, ઉંધો ફરી જા, હું ઉંધો ફર્યો મોટેથી શેઠ નો હસવાનો અવાજ આવ્યો, શેઠે કહ્યું - શાબાશ મહેશ તું મારી પરીક્ષામાં પાર ઉતર્યો છે,
હું તો કંઈ સમજ્યો નહીં તેમને કહ્યું તે તારી કોલેજની પરીક્ષા આપી પણ આ મે તારી પણ એક પરીક્ષા લીધી હતી,
ખરેખર તારી આવડત અને ઇમાનદારી જોઈને ખુશ થઈ ગયો હવે હું તને મહિને 300 રૂપિયા આપીશ,
કોઈકવાર હું ના હોય ત્યારે તારી હિસાબ રાખવાનો અને હવેથી તારે હોટલની ફક્ત દેખરેખ રાખવાની અને વેઈટરનું કામ કરવાનું વાસણ સાફ કરવા બીજા માણસને રાખી લઈશ.
તું મારી નજરમાં એટલો ખરો ઉતર્યો છે કે તારી આવડત અને કુનેહ થી તું બહુ જ આગળ વધી જઈશ,
હું તો શેઠની આ બધી વાતો સાંભળીને દંગ જ રહી ગયો ,હું નહોતો માની શકતો કે આ અમારા શેઠ હતા. અને મને રઘુ હલાવી રહ્યો હતો, મહેશ તું તો દિવસના સપના જોવાના શરૂ કરી દીધા કે શું!
અરે ક્યાં છે શેઠ?
રઘુ બોલ્યો કોણ? શેઠ એ તો હજુ આજે પણ નથી આવ્યા, તને આવતાની સાથે શેઠ નો આભાસ કઈ રીતે થયો,
ખબર જ નથી એમના વિચારોમાં ને વિચારોમાં ,
બોલ તારુ પેપર કેવું ગયું ,
સારું યાર એક રાહતના સમાચાર છે કે રિઝલ્ટ ગુરુવારે આવશે, તો મારે ફી ગુરુવારે ભરવાની રહેશે,
સારું થયું ત્યારે એટલામાં તો શેઠ પણ આવશે ને આપણો પગાર પણ થઇ જશે,
સાચી વાત રઘુ આજે નહિ તો કાલે શેઠ આવી જવા જોઈએ કંઈ નહીં તો હિસાબ લેવા તો આવા જ જોઈએ,
અને અમે બંને વાતો કરતાં કરતાં કામે વળગ્યા બપોર નું કામ પૂરું થયું સાજ ની તૈયારી શરૂ કરી,
4:30 વાગ્યે એક રીક્ષા આવી હોટલની આગળ ઉભી રહી, અમને એમ કે શેઠ આવ્યા હશે,
પણ રીક્ષામાંથી એક સુંદર સ્ત્રીઉતરી અને હોટલની અંદર આવી, રઘુ તેને ઓળખી ગયો હશે તે અંદરથી દોડતો આવ્યો,' આવો શેઠાણી બા' અરે આતો શેઠનાં પત્ની હતા,
તે બોલ્યા શેઠ હમણાં આવી શકે તેમ નથી તેથી મને હિસાબ લેવા મોકલી છે,
રઘુ એ મને કહ્યું મહેશ બધો હિસાબ આપી દે, અને મેં બધો હિસાબ આપી દીધો, પૂછવાનો વિચારતો થઇ આવ્યો કે અમારો પગાર કયારે થશે! પણ હું પૂછી ન શક્યો અને તે હિસાબ લઈને ચાલતા થયા,
મેં વિચાર્યું શેઠે હિસાબ લેવા શેઠાણીને મોકલ્યા તો અમારા પગાર નહી કીધું હોય મારે તો જરૂર છેજ, પણ રઘુ ને તો મારાથી કદાચ વધારે જરૂર હશે,
હવે શું થશે? બે દિવસ તો એમ જ વીતી ગયા, બુધવારની સાંજ હતી કાલે સવારે તો પરીક્ષાનું રિઝલ્ટ હતું, અને ફી ભરવાની હતી પણ કઈ રીતે! હું વિચારમાં પડી ગયો હતો, કોને કહું? કેવી રીતે પૈસા મળશે? પાછો એ જ વિચાર આવ્યો છે, શેઠ ના ગલ્લામાંથી લઇ લઉં એને ચોરીથોડી કહેવાય, પણ મન તો મારું નાજ કહેવા લાગ્યું ,કોઈને કીધા વગર લઈએ તો ચોરી જ કહેવાય, કોઈજૂએ કે ના જૂએ પણ ઉપરવાળો તો જોવે જ છે ...
તો પછી શું કરીશ, એમ વિચારતો વિચારતો પડખા ઘસતો હતો થોડી ઊંઘ આવતી હતી થોડી નહોતી આવતી,
કાલ સવારની ચિંતા હતી, હવે મારા સપનાની નાવ તો ડૂબવાની જ હતી
કાલે સવારે શું લઈને કોલેજ જવું, એ પણ નક્કી ન હતું ,મારી પાસે તો 30 રૂપિયા પડ્યા હતા,
શું મારા હાથમાં આવેલો મોકો ખોઈ બેસીશ! તો મારું એક વર્ષ બગડશે ,
શું કરું હું! ઘરેથી શું કામ ભાગ્યો?
મારી જિંદગીમાં આ રીતે આટીઓ વધતી જ રહેશે કે પછી ઉકેલશે એ પળોજણ કરતો ઊંઘી ગયો,
અને સવારે સાયકલની ઘંટડી નો અવાજ સંભળતા હું સફાળો જાગી ગયો, કોણ આવ્યુ, મારી મદદ કરવા,
જેમ નરસિંહ મહેતાને માથે કોઈ સંકટ આવી પડતું ત્યારે મારો વ્હાલો તેમની પડખે આવી ઊભા રહેતા, એમ કોણ આવ્યું મારી મદદે ...
(કોણ આવ્યું હશે મહેશ ની મદદ કરવા કે પછી કોઇ સપનું હશે જોઈએ આગળના ભાગમાં)