Aage bhi jaane na tu - 6 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 6

પ્રકરણ - ૬/છ

ગતાંકમાં વાંચ્યું

અનંતરાયને કોઈનો ફોન આવતા એમની તબિયત અચાનક બગડે છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. રાજપરામાં જોરાવરસિંહ અને રતન એમના રોજિંદા જીવનમાંવ્યસ્ત છે. રાજીવ અનંતરાયનો પડી ગયેલા મોબાઈલમાં આવેલ નંબરની તપાસ કરતાં ખબર પડે છે કે ફોન કરનાર વ્યક્તિ છે "ખીમજી પટેલ."

હવે આગળ

બે દિવસની સારવાર અને ટેસ્ટિંગ કરાવ્યા બાદ બધા રિપોર્ટ નોર્મલ આવતાં અનંતરાયને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ.
રાજીવ એમને ઘરે લઈ આવ્યો અને ડૉક્ટરની સૂચના પ્રમાણે આરામ કરવા માટે કહ્યું, "પપ્પા, હવે થોડા દિવસ તમારે રૂમમાં જ રહેવાનું છે, ક્યાંય બહાર નથી નીકળવાનું. આજથી તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું અહીં જ મળશે," રાજીવે ઓશીકું સરખું કરી અનંતરાયની પીઠ પાછળ ગોઠવ્યું,"જમનામાસી, આજથી પપ્પાને જમવાનું અહીં જ આપવાનું કામ તમારું અને મમ્મી તારે પણ આખો દિવસ પપ્પા પાસે જ રહેવાનું. આ છે પપ્પાના મેડિકલ રિપોર્ટ અને ફાઇલ એમાં લખ્યા મુજબ પપ્પાને દવા આપવાનું કામ તારું," રાજીવે સુજાતાને ફાઇલ આપી ને પોતે અનંતરાયના પગ દબાવવા બેસી ગયો," મારું સ્થાન અહીં, પપ્પાના ચરણોમાં. હું પપ્પાનો રામ ને પપ્પા મારા દશરથ પિતા, પિતાશ્રી આપકી સેવામે આપકા બેટા હાજીર હૈ," રાજીવનો અભિનય જોઈ અનંતરાય, સુજાતા અને જમનાબેન હસી પડયા. "અરે.... હસો નહીં તમે, હવે તો અનન્યા આ ઘરમાં આવે એટલી જ વાર છે, પછી એ તમારો બરાબર ખયાલ રાખશે અને તમારી રજેરજની માહિતી મને આપતી રહેશે..." રાજીવ હજુ વાક્ય પૂરું કરે ત્યાં તો ડોરબેલ વાગી એટલે જમનાબેન નીચે જવા લાગ્યા ત્યાં જ આશા અનન્યા અને એના માસી માલતીબેનને લઈને ઉપર આવી. મસ્ટર્ડ કલરની એન્કલ લેન્થની પેન્ટ પર વ્હાઇટ કલરનું ફુલ સ્લીવનું ટોપ પહેરેલી અનન્યા ખુબજ સુંદર લાગતી હતી. આવીને અનંતરાય અને સુજાતાને પગે લાગી અનન્યા સુજાતાની બાજુમાં બેઠી અને માલતીમાસી સામેના સોફા પર ગોઠવાયા. રાજીવ હજી અનન્યાને જોઈ રહ્યો હતો એટલામાં જમનાબેન પાણીના ગ્લાસ લઈ આવ્યા. રાજીવને અનન્યાને એકીટશે જોતો જોઈ સુજાતાએ ખોંખારો ખાધો. રાજીવ અને અનન્યા તંદ્રામાંથી જાગતાં હોય એમ ચમકીને બીજે જોવા લાગ્યાં.

"પપ્પાજી, હવે તબિયત કેમ છે તમારી?" અનન્યાએ ટ્રેમાંથી બે ગ્લાસ ઉપાડ્યા અને એક માલતીમાસીને ધર્યો. "હું પાછી આવું ત્યાર સુધી તમારે એકદમ ફિટ થઈ જવાનું છે."

"હું તો એકદમ ફિટ એન્ડ ફાઈન છું દીકરી, તું આવીશ ત્યાર સુધીમાં તો હું દોડતો થઈ જઈશ. આ તો નાહક આ બંનેએ પહેલાં મને હોસ્પિટલમાં એડમિટ કર્યો અને હવે ઘરમાં નજરકેદ. તું જલ્દી આવી જા પછી આપણે બંને ભેગા મળીને મા-દીકરાને દોડતા કરશું," અનંતરાય ઓશિકાનો ટેકો લઈ બેઠાં, "અમે ત્રણે સિનિયર સિટીઝન વાતો કરીએ છીએ તું ને રાજીવ પણ એકાંતમાં વાતો કરી લો. જો તો ખરી, રાજીવ તારી સાથે વાત કરવા માટે કેટલો આતુર છે."

"પણ.... તું ક્યાં જાય છે અનન્યા," સુજાતાએ અનન્યાના હાથ પર પોતાનો હાથ મુક્યો.

"કાલે સવારે અનન્યા પોરબંદર જાય છે, આ એની છેલ્લી હોળી છે એ પરિવાર સાથે હોળી માણવા માંગે છે. કેટલું કહ્યું પણ એની વાતેય સાચી છે. પછી તો સાસરિયાના રંગમાં જ રંગાઈ જવાનું છે," માલતીમાસીએ પાણીનો ગ્લાસ ટ્રેમાં મુક્યો. અનન્યા રાજીવને અંગુઠો બતાડી ચિડવવા લાગી.

"જમનાબેન, ચા-નાસ્તો લઈ આવો," સુજાતાએ કહ્યું

"અમે નીચે બેસીએ છીએ, માસી અનન્યા માટે નાસ્તો નીચે જ લાવજો," કહી રાજીવ અને અનન્યા અનંતરાયના બેડરૂમમાંથી બહાર નીકળી નીચે આવી ને ડ્રોઈંગરૂમમાં બેઠાં.

" મેડમ, આ વખતે તો તમે બચી ગયા પણ નેક્સ્ટ યર હોળીમાં એવી રંગીશ કે આ વર્ષની બધી કસર પુરી કરીશ," કહેતો રાજીવ અનન્યાની એકદમ લગોલગ આવી બેઠો,"પણ એક વાત છે તારો ચહેરો તો લજ્જાથી જ લાલઘૂમ થઈ ગયો છે એની લાલાશ આગળ બધા રંગ ફીકા પડી જાય."

અનન્યાએ હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. રાજીવે અનન્યાના હાથ હટાવી કપાળે હળવેથી ચુંબન કર્યું. અનન્યા શરમાઈને પગના અંગૂઠેથી જમીન ખોતરવા લાગી એટલામાં જમનાબેન નાસ્તો લઈ આવ્યા ને રાજીવ-અનન્યાને જોઈ ખોંખારો ખાધો.

"પ્રેમી પંખીડાની પ્રેમગોષ્ટી પુરી થઈ ગઈ હોય તો જરા નાસ્તામાં પણ ચાંચ નાખજો, ગરમાગરમ પૌંઆ અને ઠંડુ ઠંડુ ખસનું શરબત લાવી છું. અનન્યા બેન અમારા રાજીવને હવે તમારે સાચવવાનો છે. મારા ખોળામાં રમીને મોટો થયો છે હવે તમારા ખોળાના ખૂંદનારને પણ મોટો કરવો છે." જમનાબેને બંનેના હાથમાં પ્લેટ આપી ને શરબતના ગ્લાસની ટ્રે સેન્ટર ટેબલ પર મૂકી."રાજીવે તો બાળપણમાં કેટલીયે વાર મારી સાડી ભીની કરી છે," જમનાબેનની આંખના ખૂણા ભીના થઈ ગયા.

"માસી, સૌથી પહેલા તો મને અનન્યા કહીને બોલાવશો તો મને વધુ ગમશે, તમારી દીકરી જેવી જ તો છું. કોઈ મને બેન કહે છે તો મને આંટી જેવી ફિલિંગ આવે છે. એવું લાગે છે કે મારા વાળમાં સફેદી આવી ગઈ છે," અનન્યા હસતાં હસતાં પૌંઆ ખાવા લાગી,"માસી..... ખરેખર તમારા હાથમાં તો જાદુ છે, પૌંઆ એટલા ટેસ્ટી બનાવ્યા છે કે એવું થાય છે તમારા હાથ ચૂમી લઉં," અનન્યા ઉભી થઇને જમનાબેનનો હાથ પોતાના હાથમાં લઇ ચૂમી લીધો અને એમના પગે લાગી. જમનાબેને પણ પ્રેમથી ભેટી માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. થોડીવાર રાજીવ અનન્યાએ વાતો કરી ત્યાં સુજાતા અને માલતીમાસી નીચે આવ્યાં.

"તમારી ગુફ્તગુ પુરી ના થઇ હોય તો અમે પાછા ઉપર જતા રહીએ," માલતીમાસીના વાકયે રાજીવ અનન્યા શરમાઈને નીચું જોઈ ગયા. "હવે અમને રજા આપો. ઘરે જઈ અનન્યાએ બેગ પેક કરવાની છે અને ઘરે જતાં પહેલાં થોડી ખરીદી પણ કરવી છે અને આઠ-દસ દિવસની જ તો વાત છે પછી ચટ મંગની પટ બ્યાહ."

"મમ્મીજી, પપ્પાજીનું ધ્યાન રાખજો સાથે તમારું પણ," અનન્યા સુજાતાને પગે લાગી સુજાતાએ એને નાનકડું બોક્સ ગિફ્ટ આપતા કહ્યું," અને રાજીવનું ધ્યાન કોણ રાખશે? તું જલ્દીથી પરણીને આ ઘરમાં આવી જા એટલે બે બાબામાંથી એકની જવાબદારી તો ઘટે."

અનન્યા અને માલતીમાસી એમની કારમાં બેસવા જતા હતા ત્યાં અચાનક અનન્યા રાજીવ પાસે આવી એનો હાથ પકડ્યો ,"રાજીવ કોઈ ટેન્શન છે, હું આવી ત્યારથી જોઈ રહી છું તું ઉપરથી સ્વસ્થ પણ અંદરથી અસ્વસ્થ લાગે છે. પપ્પાજીની ફિકર નહીં કરતો, જલ્દી જ સારા થઈ જશે." રાજીવને લાગ્યું કોઈએ એની દુઃખતી નસ દબાવી દીધી સાથે અનન્યાની સમજણ માટે માન ઉપજ્યું કે આટલા ટૂંકા ગાળામાં પણ અનન્યાએ એની મનસ્થિતિ પારખી લીધી હતી.

"હમમમમમ..... , હું ઓલરાઇટ છું, તું નકામી ચિંતા કરે છે. તું પણ સાચવીને જજે. પહોંચીને ફોન કરજે," રાજીવનો હાથ છોડાવી અનન્યા કારમાં બેસી ગઈ અને ડ્રાઇવરે કાર દોડાવી મૂકી અને સુજાતા અને રાજીવ ઘરમાં ગયા.

"અનન્યા જેવી સમજુ પુત્રવધુ પામવા બદ્દલ હું ઈશ્વરનો પાડ માનું છું. તમારી જોડીને કોઈની નજર ન લાગે," સુજાતાએ રસોડામાં જતાં જમનાબેનને હાક મારી," જમનાબેન, સાંજે સાહેબ માટે સૂપ અને મુઠિયા બનાવજો."

"શું આ જ સુખ છે? ભર્યોભાદર્યો પરિવાર, આજ્ઞાંકિત બાળકો, લક્ષ્મી જેવી પુત્રવધુ ને દીકરાસમ જમાઈ, નાણાંની રેલમછેલ, નોકર-ચાકર. હે કુળદેવીમા, આ પરિવારનું પીઠબળ બની ઉભી રહેજે અને ક્યારેય આંચ ના આવે એની જવાબદારી તમને સોંપુ છું. ક્યારેક વધુ પડતા સુખનો ડર પણ લાગે છે. " સુજાતાએ મંદિરમાં દિવાબત્તી કરી બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી રહી હતી.

રાજીવ પોતાના બેડરૂમમાં આવી ને મોબાઈલ હાથમાં લઈ ઓન કર્યો ત્યાં જ જેનીનો ફોન આવ્યો.

" ગુડ ઇવનિંગ. બોલો મિસ જેની," ચેર પર બેસી લેપટોપ ઓપન કરી ઈ મેઈલ ચેક કરવા લાગ્યો.

"ગુડ ઇવનિંગ સર, શાહ બ્રધર્સમાંથી મિ. આનંદ શાહનો મેસેજ હતો આવતીકાલે મિટિંગ માટે, તો તમારું શેડ્યુલ જણાવો, હું મિટિંગનો ટાઈમ ફિક્સ કરી નાખું એન્ડ સર આઈ નીડ ટુ ડેઝ લીવ, ફિયોન્સ સાથે હોળી એન્જોય કરવી છે,"સામે છેડેથી જેની ઉન્માદક સ્વરે બોલી રહી હતી.

"હમણાં બે દિવસ કોઈ મિટિંગ નહીં, પપ્પાની તબિયત સારી થઈ જાય પછી હું નેક્સટ મિટિંગની ડેટ જણાવીશ. અને.... હા, લીવ ગ્રાન્ટેડ પણ એક વાતનું ધ્યાન રાખજે કે હોળીના રંગો ચારિત્ર પરના ડાઘ ના બની જાય. યુવાનીનો ઉન્માદ હદમાં રહે તો સારું," ફોન કટ કરી રાજીવ પાછો લેપટોપમાં પરોવાયો.

એકાએક એનું ધ્યાન સ્ટડી ટેબલ પર મૂકેલા અનંતરાયના મોબાઈલ પર ગયું અને એને ખીમજી પટેલ યાદ આવી ગયા. એના મગજમાં એક ચમકારો થયો, રાજપરા એટલે રતનનું ગામ. રાજીવે રતનને ફોન લગાડ્યો પણ સામે લાઇન બીઝી આવતાં રાજીવે વોટ્સએપ પર "જેવો ફ્રી થાય મને કોલ કરજે" નો મેસેજ ટાઈપ કરી સેન્ડ કર્યો અને અનંતરાયના રૂમમાં એમનો મોબાઈલ આપવા ગયો પણ અનંતરાયને રૂમમાં ન જોતા એ બહાર નીકળ્યો તો અનંતરાય સ્ટડીરૂમમાંથી બહાર નીકળી રૂમને લોક કરી રહ્યા હતા. લોક કરી પાછળ જોતાં રાજીવને જોઈ અનંતરાય એક આંચકો ખાઈ ગયા પણ ચહેરા પર પ્રસન્નતા લાવી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાજીવ પણ એમની પાછળ રૂમમાં ગયો ને મોબાઈલ અનંતરાયના હાથમાં સોંપી પાછો પોતાના રૂમમાં આવ્યો. સોફા પર બેસી રતનને ફોન લગાડ્યો. બે-ત્રણ રિંગ પછી સામેથી માયાનો અવાજ સંભળાયો," હેલો, રાજીવભાઈ, કેમ છો? ઘણાં દિવસો બાદ રતનની યાદ આવી તમને. હોળી રમવા આવો છો કે પોરબંદર જવાના," માયા મસ્તીના મૂડમાં હતી. "રતન તો મિત્રો જોડે હોળીની તૈયારી કરવા ગામમાં ગયો છે અને આ ડબલું અહીં જ ભૂલી ગયો છે."

"ભાભી..... ભાભી..... શાંતિ, કેટલા પ્રશ્નો એકસાથે પૂછશો? હું ગૂંચવાઈ ગયો કે ક્યાંથી શરૂ કરું," રાજીવ હજી બઘવાયેલો હતો."રતન આવે એટલે એને કહેજો મને જરૂર કોલ કરે," ફોન કટ કરી રાજીવ બાલ્કનીમાં આવ્યો.

સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મંદ પવન વાતો હતો. પક્ષીઓ પોતપોતાના માળે પાછા ફરી રહ્યા હતા. ઢળતા સૂર્યની લાલિમાએ રાજીવને અનન્યાની યાદ અપાવી દીધી. થોડીવાર બાલ્કનીમાં બેસી જમનાબેન ડિનર માટે બોલાવતા રાજીવ નીચે ગયો. જમીને પાછા બધા પોતપોતાના રૂમમાં ગયા. સુજાતાએ અનંતરાયને ડોક્ટરની સૂચના મુજબ દવાઓ આપી. કપડાં બદલી ફ્રેશ થઈ સુવાની તૈયારી કરવા લાગ્યા.

રાત્રે લગભગ ૧૦:૪૦એ રાજીવનો મોબાઈલ રણક્યો. રતનનો નંબર જોતા રાજીવે તરત ફોન રિસીવ કર્યો.

"બોલ દોસ્ત, શું કામ પડ્યું છે મારું? એક વાત તો પાકી છે કે તું અત્યારે કોઈ મુસીબત કે ટેંશનમાં છે," રતનનું અનુમાન સાંભળી રાજીવને સાચો દોસ્ત મળવાનો આનંદ થયો. મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કરી રાજીવે ટૂંકમાં અનંતરાયની બગડેલી તબિયત અને એમને આવેલા ફોનની વાત કરી.

"સાંભળ રતન, મારે રાજપરા આવવું પડશે. બે દિવસમાં હોળી છે એના પછીના દિવસે હું ત્યાં આવવા નીકળીશ.બસ એક વાત યાદ રાખજે હું ત્યાં આવવાનો છું એ કોઈ કહેતાં કોઈને ખબર ન પડવી જોઈએ. માયાને પણ નહીં. મારે ખીમજી પટેલને મળવું છે. એની હાઉ." રાજીવ સૂતા સૂતા જ વાત કરી રહ્યો હતો.

"પણ..... રાજીવ, યાર દસ દિવસ પછી તારી સગાઈ છે અને અંકલની તબિયત પણ ઠીક નથી."

"પણ ને બણ કાંઈ નથી સાંભળવું, હું આવી રહ્યો છું. ઇટ્સ ફાઇનલ." રાજીવે ફોન કટ કરી સાઈલેન્ટ મોડ પર મૂકી સુવાની કોશિશ કરવા લાગ્યો.

"કોણ છે આ ખીમજી પટેલ, શું સંબંધ છે એમનો પપ્પા જોડે. શું છે આ કમરપટ્ટાનું રહસ્ય?" વિચારતાં વિચારતાં જ રાજીવની આંખ લાગી ગઇ ને એ ઊંઘમાં સરી પડ્યો.

વધુ આવતા અંકે....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.