Bereavement books and stories free download online pdf in Gujarati

વિરહ

"કેમ હવે ચુપ થઈ ગયો?" બહુ બળતરા થાય છે ને તારી સો કોલ્ડ સેક્રેટરી મિસ જુહી ગુપ્તા સાથે ચેટ કરતાં તને પકડી પાડ્યો, બિઝનેસ મિટિંગના નામે ક્યારના છાનગપતીયા ચાલે છે એ હું જાણું છું. મારી જ આંખે પાટા બંધાયેલા હતા કે તારો અસલી રંગ મને હવે પાંચ વર્ષે દેખાયો," નિરાલી હજુ ઉશ્કેરાટમાં હતી.

"ઇનફ ઇઝ ઇનફ, બસ, હું આખો દિવસ ફેકટરીમાં ગદ્ધાવૈતરું કરું છું તે કોના માટે, તારા અને આપણા દીપ માટે અને તું એ બે વર્ષના બાળકને આયા પાસે મૂકીને ક્યારેક કીટી પાર્ટી ની મોજ માણવા જાય છે તો ક્યારેક કોલેજના મિત્રોને મળવા. એક માં થઈને દીપનો વિચાર કર," યશ પણ પોતાનો ઉભરો કાઢી રહ્યો હતો. "મમ્મી-પપ્પાની ઉપરવટ જઈ મેં તારી સાથે લગ્ન કર્યા, મને એમ હતું કે તું બધું સાચવી લઈશ પણ હું એ ભૂલી ગયો હતો કે આસોપાલવના માત્ર શોભાના તોરણ બને એ કદી છાયા ના આપી શકે."

"બસ બસ હવે, પોતાની પોલ ઉઘાડી પડી એટલે બીજા પર દોષનું ટોપલું નાખી દેવાનું? અને હું આપણી પ્રાઇવેટ વાતો કોઈની સાથે શેર નથી કરતી તમારી જેમ. જુહીને કોણે કીધું કે હું બેડ માં સાવ કોલ્ડ છું, ફ્રીજીડ, તો જાઓ તમારી પેલી સગલી પાસે. શું કામ મારી પાસે આવો છો?" નિરાલી રડતાં રડતાં બોલી રહી હતી.

"વાહ, આ સરસ, તું તારા કોલેજ ફ્રેન્ડ તિમિર સાથે બહાર જાય એ ચાલે. શું તું એની સાથે બધું શેર નથી કરતી?" યશ પણ ધૂંધવતા બોલ્યો.

નિરાલી અને યશ બંને એ ભૂલી ગયા હતા કે અત્યારે બંને શહેરના નામાંકિત એડવોકેટ મિ.સમીર દેસાઈ અને એમની કાઉન્સેલર વાઈફ મિસિસ સ્નેહા દેસાઈની ઓફિસમાં હતા અને ઓફિસનો સ્ટાફ એમને જોઈ રહ્યો હતો. યશ નાણાવટી અને નિરાલી પટેલના લવમેરેજ હતા. બંને કોલેજમાં સાથે ભણતા હતા અને કોલેજની દોસ્તી પહેલાં પ્રેમમાં અને પછી પરિણયમાં બદલાઈ. શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલ્યું. યશના માતા પિતાએ પહેલાં તો વિરોધ કર્યો પણ દીકરાની ખુશી માટે એમણે નિરાલીને અપનાવી લીધી. લગ્નના બે વર્ષ પછી દીપનો જન્મ થયો અને નિરાલી એની પાછળ ગૂંથવાઈ ગઈ તો યશ પણ બિઝનેસ આગળ વધારવામાં લાગી ગયો. પછી શરૂ થયેલી નાની નાની ચણભણ ધીમે ધીમે અંગારા બની બંનેના લગ્નજીવનની વેદીને જ્વાળામાં પલટાવતી ગઈ. નાની નાની વાતો મોટું સ્વરૂપ ધારણ કરવા લાગી અને યશ અને નિરાલીએ જુદા થવાનો નિર્ણય લીધો. આજે એ બંને એડવોકેટ સમીર દેસાઈ અને એમની વાઇફની એપોઇન્ટમેન્ટ લઈ એમની પાસે ગાઈડન્સ લેવા આવ્યા હતાં પણ એમની વચ્ચે શરૂ થયેલી રકઝક ઝઘડાનું રૂપ લેવા લાગી હતી ત્યાં જ સમીર દેસાઈ એમની ચેમ્બરમાંથી બહાર આવ્યા અને સ્નેહા દેસાઈ ને એમની ચેમ્બરમાંથી બોલાવી," સ્નેહા, તું યશનું કાઉન્સેલિંગ કર હું નિરાલીને સમજાવું છું," કહી નિરાલીને પોતાની ચેમ્બરમાં લઇ ગયા અને યશ સ્નેહા દેસાઈ સાથે એમની ચેમ્બરમાં ગયો.

"જો નિરાલી, ડોકટર કે વકીલ પાસે કંઈજ છુપાવવું નહીં, જે હોય એ કહી દે, પહેલાં પાણી પી ને સ્વસ્થ થઈ જા," કહી એમણે નિરાલીને ટેબલ પર રહેલો પાણીનો ગ્લાસ આપ્યો.

"યશ, હજુ તો આખી જિંદગી બાકી છે, આમ જ લડતાં રહેશો તો દીપના ભવિષ્યનું શું? એનો ક્યારેય વિચાર કર્યો છે તમે બંનેએ" સ્નેહા દેસાઈ યશને સમજાવી રહ્યાં હતાં.

બંનેને પોતપોતાની રીતે સમજાવી સમીર દેસાઈ નિરાલી સાથે અને સ્નેહા દેસાઈ યશ સાથે બહાર નીકળ્યા "સ્નેહા, મને લાગે છે કે આ બંનેને બે દિવસ પછી બોલાવીએ, ત્યાં સુધી એ બંને પણ ડિવોર્સ લેવાનો નિર્ણય બદલવા માનસિક રીતે તૈયાર થાય" કહી સમીર દેસાઈએ યશ અને નિરાલીને બે દિવસ પછી આવવા માટે કહી પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા અને સ્નેહા દેસાઈ પોતાની ચેમ્બરમાં. યશ અને નિરાલી પણ ઘરે પાછા ફર્યા.

*** *** ***

સાંજે સમીર દેસાઈ અને સ્નેહા દેસાઈ બંને ઓફિસેથી ઘરે આવ્યાં અને પોતપોતાના રૂમમાં જતા રહ્યાં. છેલ્લા કેટલાક સમયથી બંને એક જ ફ્લેટમાં અલગ અલગ રહેતાં હતાં. બંને વચ્ચે માત્ર ખપ પૂરતી વાતો થતી. આજે યશ અને નિરાલીને જોઈ બંનેને એમનો ભૂતકાળ નજર સામે આવી ગયો.

*** *** ***

૧૭ વર્ષ પહેલાં.....

સમીર દેસાઈ અને સ્નેહા દેસાઈના લવ કમ એરેન્જડ મેરેજ હતાં. લૉ કોલેજમાં સાથે ભણતા બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા અને બંનેએ પોતપોતાના માતા પિતાની મંજૂરી મેળવી લગ્ન કરી લીધા. થોડાં જ અરસામાં સમીરે બાહોશ વકીલ તરીકે નામના મેળવી તો સ્નેહા પણ કાઉન્સેલર તરીકે લોકપ્રિય બની. પૈસો અને પ્રતિષ્ઠા પાછળની આંધળી દોડમાં બંનેના રસ્તા ફંટાઈ ગયા.

વર્ષ પહેલાં

"શું બેસ્વાદ રસોઈ બનાવે છે તું, આના કરતાં તો ભૂખ્યા પેટે સુઈ જવું સારું," એક દિવસ સમીર અધૂરા ભાણેથી ઉભો થતાં બોલ્યો,"કારકિર્દીના કુવામાંથી બહાર નીકળ અને આપણી ગૃહસ્થી પણ જો."

"કેમ, તારો ઈગો હર્ટ થાય છે, લોકો મારી પાસે કાઉન્સેલિંગ માટે આવે છે એ તને નથી ગમતું એની મને પણ ખબર છે," સ્નેહાએ પણ સામે જવાબ આપ્યો," હું ઓફિસે આવું તો તારું આસિસ્ટન્ટ મિસ નંદિની જોશી સાથેનું લફરું બહાર આવી જાય ને."

"તારી આ શંકા કરવાની આદત જ મને નથી ગમતી, કારકિર્દી ઉભી કરવાની લ્હાયમાં તે માં બનવાનો વિચાર પણ નથી કર્યો. આપણા લગ્નને આટલાં વરસો વીતી ગયાં પણ હું હજી સંતાન સુખથી વંચિત છું, આવડા મોટા ઘરમાં પા-પા પગલી ભરનાર હજુ કોઈ નથી. મમ્મી-પપ્પા તો પૌત્ર/પૌત્રી ને રમાડવાના સપનાં આંખોમાં ભરીને જ આ જગતમાંથી વિદાય લઈ ગયા." કહી સમીર ઉભો થઇ પોતાના બેડરૂમમાં જતો રહ્યો.

સ્નેહા હજી કિચનમાં રડી રહી હતી. બધું કામ સમેટયા વગર નોકરાણી સુનિતાને કામ પૂરું કરવાનું કહી જમ્યા વગર જ પોતાના બેડરૂમમાં ભરાઈ ગઈ.

*** *** ***

ભૂતકાળના દલદલમાંથી જેમતેમ નીકળ્યા બાદ સવારે ઉઠીને સ્નેહાએ પોતાનો સામાન બેગમાં ભરી બેગ લઈ હોલમાં આવી, જ્યાં સમીર છાપું વાંચતો સોફામાં બેઠો હતો.

"સમીર, હું ઘર છોડી જઈ રહી છું. જે નિર્ણય વર્ષો પહેલાં લેવો જોઈતો હતો એ આજે લઈ રહી છું. છેલ્લા ૫-૬ વરસોથી આ ડ્રામેટિક લાઈફ જીવી કંટાળી ગઈ છું. સમાજમાં બતાડવા માટે સાથે રહેવા છતાં આપણે તન અને મનથી અલગ છીએ. કાલે કોર્ટમાં મળીશું. મ્યુચ્યુઅલ કનસેન્ટથી ડિવોર્સ મેળવવાની અરજી ફાઇલ કરવા. ગુડ બાય," કહી સ્નેહા સમીરને અધવચ્ચે જ વિરહની આગમાં સળગતો મૂકી એ જ વિરહની વેદના પોતાના હૃદયમાં ધરબી ઘરમાંથી નીકળી ગઈ.

*** *** ***

બે દિવસ પછી યશે નિરાલીને છાપાની હેડિંગ બતાવતા કહ્યું," આ જો નિરાલી, વિખ્યાત એડવોકેટ કપલ સમીર દેસાઈ અને સ્નેહા દેસાઈનું લગ્નજીવન ભંગાણને આરે. સત્તર વર્ષના સહજીવનનો અકાળે અંત, નિરાલી આપણે ડિવોર્સ નથી લેવા. દીપ માટે આપણે બંને સમજીને સાથે રહેશું. આપણને વિરહની વેદના લઈ નથી જીવવું. આજથી આપણે બધું ભૂલી જઇ નવી શરૂઆત કરીએ" કહી યશે નિરાલીને બાહોમાં જકડી લીધી અને નિરાલીએ પણ યશની વાતનો સહર્ષ સ્વીકાર કરી લીધો.

-શીતલ મારૂ.