smbandhni parampara -2 books and stories free download online pdf in Gujarati

સંબંધની પરંપરા - 2

મીરાં અને મોહનની એ મુલાકાત એકમેકને માટે કંઈક સંકેત આપતી હોય એવી હતી.પરસ્પરના નિખાલસ વ્યક્તિત્વ અને ધ્યાનાકર્ષક ચેહરાઓ કંઈક અલગ જ અસર ઉપજાવતા હતા.જાણે કે કોઈ ચૂંબકીય શક્તિ એકમેકને આકર્ષી રહી હતી અને છતાંય અસમાન ધ્રુવોની જેમ એકબીજાથી દૂર થવા માટે પ્રયત્ન કરી અલગ-અલગ રસ્તે પાછા ફરતા હોય તેવો અહેસાસ થતો હતો અને તેમ છતાંય જાણે એકબીજાથી વિખુટા પડવાનું અસહ્ય થઈ રહ્યું હતું. માત્ર નજરના દ્રષ્ટિપાતોથી વાત કરવા મથતા તે તેમ જ થંભી જાય છે.ઘટેલા અકસ્માતને મદદના તાંતણે ઠીક કરી લે છે અને માત્ર આભાર અને હાસ્ય સાથે આ મુલાકાતને પૂર્ણ જાહેર કરી ચાલ્યા જાય છે.ફરી પોતાના રોજિંદા જીવનમાં ખોવાઈ જાય છે.
આ મુલાકાત પછી આજે ફરી પાછી મુલાકાત થાય છે.ત્યારે, પ્રથમ મુલાકાતના દ્રશ્ય સાથે ઉત્પન્ન થયેલા એ અદ્રશ્ય ભાવ ફરીથી અંતઃકરણમાં તરંગિત થવા લાગે છે.ફરી એક દ્રષ્ટિપાત અને મૌનમાં પણ અસંખ્ય શબ્દો દ્વારા થતી વાતો. જાણે કોઈ બીજીજ દુનિયામાં વહી ગયા હોય તેવો અલૌકિક અનુભવ બંને અનુભવી રહ્યા હતા . આજુબાજુના એ સામાજિક વાતાવરણને તો સાવ ભૂલી જ ગયા હતા. હજી એ સ્વપ્ન જગતના દ્વાર બંધ ના થયા હોત જો મીરાંને તેની માતાએ હચમચાવી સ્વસ્થ ના કરી હોત.ફરી પાછા એ સામાજિક વાતાવરણના દ્રશ્ય શરૂ થાય છે.પરસ્પર વેવાઈ વચ્ચે સબંધ અને સામાજિક વ્યવહારોની વાતચીત થાય છે. મોહન તો હજી પ્રશ્નાર્થ અવસ્થામાં જ છે.પણ, કંઈક પ્રશ્ન અને તેની સામે મંડાયેલી નજરથી એ પણ સ્વપ્ન જગતમાંથી જાગી જાય છે અને સ્વસ્થ થાય છે.
એક માંગણી માતા-પિતા સમક્ષ કરે છે કે તેઓ આ સંબંધને મંજૂરી આપતા પહેલા એકાંતમાં કોઈ વાતચીત કરવા માગે છે ? શરૂઆતમાં નકાર બાદ તેની વાતને માન્ય રખાય છે . તેઓને વાતચીત કરવાની સંમતિ અપાય છે.

બંને ઓરડામાં પ્રવેશ કરે છે મીરાં માત્ર ઈશારાથી મોહનને બેસવા માટે હાથ વડે ઈશારો કરે છે. પરંતુ,મોહન પહેલા તેને બેસવા માટે કહે છે થોડીક મૂંઝવણ બાદ બંને પલંગના એક એક છેડે બેસી જાય છે.મોહન તો સ્વસ્થ ચિત્તે બેઠો છે.પરંતુ,મીરાં નીચી નજરે કોઈ પ્રશ્નાર્થ ઉઠાવતી ભાવથી બેઠી છે.
મોહન મીરાંને પ્રશ્ન કરે છે કે" તે આ સંબંધથી ખુશ છે કે કેમ ?"મીરાં મૌન જ રહે છે પણ મોહન ફરી પ્રશ્નોને દોહરાવતા સંમતિ માટે યોગ્ય જવાબની વિનંતી કરે છે ? મીરાં માત્ર હકારમાં માથું ધુણાવે છે.મોહનને ફરી પાછો પ્રશ્ન જાગે છે કે તે ખરેખર આ સંબંધથી ખુશ તો હશેને? એ માટે તેના આ હકાર માટે પણ ફરી પ્રશ્ન પૂછે છે કે તેણે શા માટે આ સંબંધને મંજૂરી આપી? વડીલોના વિચારો અને રૂઢિવાદી પરંપરાને માન આપીને તો ક્યાંક એણે ના નથી પાડી ને ? ત્યારે જાણે મીરાંને મનમાં પણ એક વાચા ફૂટે છે તે નજરને ઊંચી કરીને મોહન સમક્ષ નજર કરી ને કહે છે "મારા બધા જ જવાબ તમારા બધા જ પ્રશ્નો માટે હકાર છે.પણ, એક પ્રશ્ન તો હું પણ પૂછીશ કે તે દિવસે એ તમે જ હતા ને કે જેણે મને આમ દુઃખી થતાં જોઈ મારી પીડાનો અનુભવ સાક્ષાત કર્યો ? મનથી જાણે સાથે હોય તેઓ ભાસ કરાવ્યો. પરંતુ,ખરેખર મદદ માટે તો ન જ આવ્યા?

મોહનની આંખો શરમથી ઝૂકી જાય છે.પરંતુ,બીજી જ ક્ષણે તે મીરાંને કહે છે કે "આપણી વચ્ચેનું અંતર ફૂટપાથે વધારી દીધું હતું .વળી,કોઈ અજાણી યુવતીને મારાથી કેમ સ્પર્શ થાય? તે દિવસે તમે મારા માટે અજાણ્યા હતા. આપણી કોઈ એવી ઓળખાણ નહોતી કે જેમાં કોઈ અવકાશ હોય. હા, એક માણસના નાતે મને એક અહોભાવ જરૂર જાગેલો.પરંતુ,મને એ વસ્તુ નૈતિકતાની દૃષ્ટિએ પણ અયોગ્ય લાગેલી અને સામાજિક દ્રષ્ટિએ પણ .એટલા માટે હું મદદ ન કરવા મજબુર હતો છતાંય મારા એ વર્તનથી તમને દુઃખ થયું હોય તો ક્ષમા માંગુ છું"

આ સાંભળી મીરાંનું રોમેરોમ પુલકિત થઈ જાય છે. તેના મનમાં એક અજબ વિધાયક ભાવ જાગે છે અને તે મનોમન બોલે છે કે "તેના માટે પસંદ કરાયેલ જીવનસાથી તેના માટે પૂરેપૂરો યોગ્ય જ છે."કેમકે,મીરાંને નાનપણથી જ રામાયણના એ એકપત્ની-વ્રતવાળા રામ સૌથી વધુ પ્રિય હતા. કેમકે,વંશજોની એ રૂઢિવાદી પરંપરાને એમણે પોતાના પર હાવી થવા ન દીધી. પોતાને જીવનસાથી તરીકે આવું પાત્ર મળ્યું એ વિચારી એ વધું હર્ષમાં આવી ગઈ પછી એકમેકની સંમતિ સાથે એ સંબંધને તો સગપણની મહોર લાગી ગઈ . બંને વારાફરતી વડીલો સમક્ષ આવે છે અને પોતાની મંજૂરી દર્શાવે છે.વડીલો પણ હરખાય છે અને એકબીજાના મોં મીઠાં કરાવે છે.પછી તો મોહનના જવાના વિચાર માત્રથી મીરાં વિચલિત થતી જાય છે .
થોડાક સમય પહેલાની એ ક્ષણ કે જેમાં બે પાત્રો એકબીજાને ઓળખતા પણ નહોતા અને એક ક્ષણ પછીની આ ક્ષણ કે જ્યારે તેઓ એકબીજાના વિરહને પણ સાખી શકતા નથી.લાગણીનો તંતુ એવું તો કેવો જોડાઈ ગયો કે બે પાત્રોને પોતાના મોહપાશમાં જકડી લીધા પણ સમય ક્યાં કોઈનો રોક્યાે રોકાય છે!.
મોહન તેના પરિવારજનો સાથે ઘરે જાય છે અને મીરાં પણ ખુશ થઈ ઘરમાં કામ કરવા લાગી જાય છે.પણ, વિચારો એનો પીછો છોડતા નથી એના મનોમંથનમાં તેનો પ્રિયતમ મોહન જ છે.
આમને આમ,પંદરેક દિવસ જેવો સમય વીતી જાય છે.સંબંધ નક્કી થયા બાદ મીરાંને મોહન આ દિવસોમાં ફરી ક્યારેય એકબીજાને મળ્યા જ નથી.એવું નથી કે વડીલોએ તેને મનાઈ ફરમાવી છે.પરંતુ,સંજોગોવસાત એવો અવકાશ જ ન મળ્યો કે મળી શકાય.પણ તેઓ પ્રથમ મુલાકાત ક્યારેય ન ભુલી શક્યા આ મુલાકાત એ જ તો આ પંદર દિવસમાં વાગોળતા રહ્યા હતા.

આ યાદગીરીમાં મોહનને એ વાત વિસરાઈ ગઈ કે મીરાં સાથે પેલા વૃદ્ધ કોણ હતા?શા માટે તેને બચાવવા માટે તેણે આવું જોખમ વહોરી લીધું?મોહનને મીરાંને મળીને આ પ્રશ્ન કરવાની ઘણી ઈચ્છા થઈ આવી.પણ,મળવું કઈ રીતે ?

મોહન એના માટેની યુક્તિ વિચારવા લાગ્યો. ખૂબ મનોમંથન બાદ એણે નક્કી કર્યું કે કુવા કાંઠે જઈ મળી લેવું.પરંતુ,કોઈ જુએ નહીં એ રીતે અને એકાંતમાં .ફરી વિચાર આવ્યો કે કુવાકાંઠે તો એકલા કેમ મળી શકાય? એટલા માટે એવું વિચાર્યું કે કોઈ સાથેની પનિહારી મારફતે સંદેશો કહેવડાવી એને જ બોલાવી લેવી.
મોહનની એ યુક્તિ સફળ પણ થઈ. તે દિવસે મીરાં મોહનને મળવા આવી પણ ખરી; એકબીજાનાં નયનો જાણે કંઈ કેટલાય દિવસના તરસ્યા હોય તેમ મૌન એકબીજાને નિહાળી રહ્યા હતા.
ગામના પાદરમાં આવેલા એ શિવ મંદિરમાં લોકોની અવરજવર ઓછી હોય ક્યારેક કોઈ એકલદોકલ વ્યક્તિ જ ત્યાં મળી આવે.એક આહલાદક શાંતિપૂર્ણ વાતાવરણ હોય.ત્યાં જઈ બંને ઓટલા પર બેસી જાય છે.મીરાં કોઈ પ્રશ્ન પૂછતી નથી.પરંતુ,તેની આંખો પ્રશ્નાર્થ દ્રષ્ટિએ મોહન તરફ જુએ છે.
મોહન એની આંખોના પ્રશ્નોને વાંચી લે છે અને પોતાના મનમાં રહેલા એ પ્રશ્નને વર્ણવી દે છે કે "તે દિવસે તે વૃદ્ધા કોણ હતા?" ત્યારે મીરાં કહે છે "પોતે જે વૃદ્ધાશ્રમમાં નોકરી કરતી હતી ત્યાં પાંચેક વર્ષથી તે ત્યાં રહેતા હતા.તેની સાથે એનું મન મળી ગયેલું." જાણે કોઈ પોતાનું સ્વજન સાથે હોય એવી રીતે એણે એ બે વર્ષ તેમની સાથે પસાર કરેલા.એટલે કોઈ આત્મીય જેવો એમની સાથે નાતો બંધાઈ ગયેલો પણ એક તરફ એના કુટુંબ પર ફિટકાર પણ થઇ આવતો કે "માતા-પિતા સંતાનો માટે બોજ કેમ થઈ જતા હશે!કોઈ સુખી-સંપન્ન કુટુંબના એ વૃદ્ધ સ્વજન આમ ઘર અને કુટુંબીજનો વિહોણા કેમ બની જતા હશે?"મીરાંની આ વાત સાંભળી મોહનને પણ તેના પ્રત્યે અહોભાવ થઈ આવ્યો.

મોહને મીરાંને ઉત્સુકતાવશ પૂછી પણ લીધું કે "શું તે તેના વિશે કંઈ જાણે છે,તે વૃદ્ધ કોણ છે ?તેનું કુટુંબ ક્યાં છે?"
જો તને તેનો પરિચય હોય તો આપણે તેને તેના કુટુંબ સાથે તેને મેળવી દઈએ. ત્યારે મીરાંએ કહ્યુંકે "મારા અનેકવાર પૂછવા છતાંય તે પોતાના પુત્રને સમાજમાં કલંકિત થવા દેવા તૈયાર નથી.એટલા માટે જે છે એ તેમનું ભાગ્ય છે અને તે જ સ્વીકારવું રહ્યું. એમ કહી મારી વાતને ટાળી દેતા" એટલે હું કંઇ જાણી શકી નથી .

તો શું મોહન અને મીરાં તે વૃદ્ધને કુટુંબ સાથે મેળવી શકશે?કે તેના જીવન માટે કોઈ નવો વિકલ્પ શોધવા પ્રયાસ કરશે? વાંચો આવતા અંકે...