Smbandhni Parampara - 11 books and stories free download online pdf in Gujarati

સંબંધની પરંપરા - 11

અચાનક મોહન પાછળ આવી ઊભો રહી ગયો. મીરાંને બેચેન જોઈ તેનાથી રહેવાયું નહિ એટલે બોલી ગયો.

"ચાલ, અહીં કેમ ઉભી છે..? ઘરે જવાનો ઇરાદો નથી".

મીરાં ખુશ થવાને બદલે પાછળ ફર્યા વગર જ ગુસ્સામાં બબડવા લાગી... "બધા ક્યારના રાહ જોવે છે..મને પુછતાં હતા કે તમે ક્યાં ચાલ્યા ગયા..? ડ્રાઇવર પણ ખિજાઈને જલ્દી બોલાવોની બૂમો પાડે છે..! ".એક શ્વાસે તે આટલું બોલી ગઈ અને પછી પાછળ ફરી જોયું.

ત્યાં તો ,મોહનના એક હાથમાં મીઠાઇનું બોક્સ અને બીજા હાથમાં ચાની બે પ્યાલીઓ હતી.પણ, સમય ઓછો હોવાથી ઝધડાનો કોઈ અવકાશ ન હતો. બંને ઝડપથી બસમાં બેસી ગયા અને બસ ચાલતી થઈ ગઈ.

મોહને એક પ્યાલી સીતા મેડમને અને એક મીરાંને આપી પણ મીરાંએ ચા પીવાની ના પાડી. મોહનના બહુ કહેવાથી તેણે અડધી પ્યાલી ચા પીધી ને બીજી મોહનને આપી દીધી. બાકીની વધેલી ચા પીવાની મોહનને ઘણી ઈચ્છા થઈ આવેલી. પણ, સીતા મેડમની આમન્યા જાળવવા એણે મીરાંની એઠી પ્યાલી નીચે મૂકી દીધી.

એકાદ કલાકમાં ધરમપુર સ્ટેશન આવી ગયું. બધો સામાન લઈ મોહન નીચે ઉતર્યો. પાછળ મીરાં પણ સીતા દાદીનો હાથ પકડી ઉતરી ગઈ. બધાએ મોહનના ઘર તરફ ચાલવા માંડ્યું.

અત્યાર સુધી તો મીરા ચિંતામાં હતી. પણ, હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ કે ત્યાં કેમ જવું.? પણ,તે કંઈ બોલી શકી નહીં ને મોહનનું ઘર આવી ગયું.

મોહન સામાન બહાર મુકી,સીતા મેડમને લઈ ડેલામાં પ્રવેશી ગયો. અંદર ફળિયામાં જઈને જોયું તો કોઈ દેખાયું નહિ. પણ,કોઈના અંદર પ્રવેશવાના પગરવથી મોહનના ભાભી રસોડામાંથી બહાર આવ્યા.જોયું તો....

"મોહનભાઈ આવી ગયા તમે.? બધા ક્યારના તમારી રાહ જોતા હતા. બા તો બે વાર પાદરમાં જઈને પણ જોઈ આવ્યા. ક્યાંક,તમે ત્યાં તો નથી રોકાઈ ગયા ને ..?".

"ઓહ! કયાં છે બા..?"

"તમારી રાહ જોતા થાકયા એટલે ,હમણાં જ એ શાંતા કાકીના ઘરે ગયા. લ્યો,હવે કહી દઉં કે તમે આવી ગયા એટલે ચિંતા ન કરે."

ત્યાં જ તેમની નજર સીતા દાદી પર પડી એટલે પૂછ્યું "મોહનભાઈ આ મહેમાન કોણ છે ? ઓળખાણ નથી પડતી.

મોહન કહે "ભાભી મહેમાન નથી આપણા જ ઘરના વડીલ છે. તેમનો પૂરો પરિચય હું હમણાં આપું છું. તમે તેમને અહીં બેસાડો. હું બહારથી સામાન લઈને આવું છું".

મોહન સામાન લેવા બહાર ગયો. મીરાંને કહે "ચાલ હવે અંદર.પાણી પીને થોડીવાર રહી, હું તને તારા ગામ તારા ઘરે મૂકી જાવ.

મીરાં કહે."ના...અત્યાર સુધી આ ઉંબરે વિનાસંકોચ આવી જવાતું.આજે એ નહીં થાય. તમે સામાન મૂકી, પહેલા મને ઘરે મૂકી જાવ. મારા ઘરે પણ બધા ચિંતા કરતા હશે".

મોહન સ્થિતિ સમજી ગયો એટલે એણે જીદ ના કરી. સામાન મૂકીને પાછો ફર્યો. ત્યાં તેણે સામેથી તેના બાને આવતા જોયા..મીરાં પણ તેમને જોઈ ગઈ એટલે તેણે ચૂંદડીનો છેડો આડો કરી લીધો.

તેમણે અત્યારે ઓચિંતાની મીરાંને જોઈ એટલે આશ્ચર્ય તો થયું પણ, મીરાંને આમ ઉદાસ જોઈ કારણ ન પુછ્યું એણે મીરાંને કહ્યું "આમ અહીંયા કેમ ઊભી ? અંદર ચાલ..

મીરાં કાંઈ બોલે તે પહેલાં જ મોહને તેમને અટકાવીને કહ્યું..બા અમે અત્યારે ઉતાવળમાં છીએ..હું તેને ઘરે મુકી આવું. તમે અંદર જાવ.કોઈ વિશેષ અતિથિ આપણા ઘરે આવ્યા છે.તેનો આદર સત્કાર કરો.

ગોમતીબાઈ કહે."ભલે જાઓ.. પણ,સંભાળીને જાજો.

મોહને ખીસ્સામાંથી ચાવી કાઢી ગાડી સ્ટાટૅ કરી.મીરાં કહે..રહેવા દો..ગામમાં અત્યારે બધા પાદરના ઓટલે જ બેઠા હશે.એટલે ગાડી લઈને નથી જવું.આપણે પાછળના સાંકડા નહેરવાળા રસ્તે પગપાળા જલ્દી પહોંચી જાશું.મોહન કહે સારુ ચાલો..

બંનેએ સાથેપણ અંતર રાખી ચાલવા માંડયું.અંકુરિત થયેલા પ્રણય અંકુરને સુવાસિત કરવાનો અવસર તો હતો પણ,સમાજ અને કુટુંબના ભયને લીધે મનને કાંઈ વિચારવા મોકો જ ન મળ્યો.

ચિંતામાં ને ચિંતામા કદમો એટલા ઝડપી બન્યા કે ઘરની શેરી નજીક આવી ગઈ. મીરાંએ રસ્તો બદલ્યો .કદાચ કોઈ ફળિયામાં હોયને તેને આવતી જોઈ જાય તો એટલે ...તે પાછળના દરવાજેથી દાખલ થઈ.મોહન તેની પાછળ પાછળ ચાલ્યો..પણ, મીરાંએ તેને અટકાવી પાછો વાળી દીધો.

જાનબાઈ મીરાંના ન આવવાથી ચિંતામાં હતા તે મીરાં ને જોઈ રોષે ભરાયા...

"કાંઈ ઘરની ફકર ચંત્યા સે કે નથ...હવારની ગય'તી તો અટાણ લગી તારી કૈ કોલેજ ખુલી હોય..ઓલી ગીતા પણ પુસતી'તી કે મીરાં આયજ કેમ નથ દેખાણી".આમ જુવાનજોધ દિકરી ઘરમાંથી બા'ર આખોદિ રે તો લોક વાતું કરે.અને એમાય હવે તો તારી હગાઈ થઈ ગય સે અટલે એની તો આમન્યા હોવી જોયને...

આવું ઘણું ઘણું હજી મીરાંને સાંભળવું પડત. જો
મોહન મીરાંના કહેવાથી પાછો વળી ગયો હોત.પણ,મોહન મીરાં અંદર ગઈ પછી તેને કોઈ ઠપકો ન મળે એટલે એ જોવા બહાર રોકાયો જેની જાણ મીરાંને પણ ન હતી.

ફોઈ જાનબાઈના મીરાંને આવા કકૅશ વચનો કહેતા તે સાંભળી ન શકયો અને તે પણ અંદર આવી ગયો.આવીને કહે."રામ,રામ ફોઈબા...

મોહનને આમ,ઓચિંતો આવેલ જોઈ જાનબાઈ ગુસ્સો છુપાવી ગયા.પણ,મોહને કહ્યું "ફોઈ , મીરાં મારી સાથે હતી..એ કોઈ ખોટા કામે ન્હોતી ગઈ..જયાં ગઈ ત્યાં અમે સાથે જ હતા. પણ,અમારી ભૂલ એટલી જ કે તમને કંઈ કહ્યા વગર ગયા.

તારી હારે..! પણ,કેમ...?એવુ તે સું કામ હતુ તે આમ આખો દી લાગી ગ્યો?

મોહને તેમને શાંતિથી બેસાડયા અને બધી માંડીને વાત કરી. જાનબાઈનો ગુસ્સો સાવ ઓસરી ગયો.તેણે મીરાંને કહ્યું" ધરેથી કોકને કીધુ હોત તો કોઈ ના નો પાડત કાંય... તારા બાપુ આવત તારી હારે ને લય આવત તારા દાદીને આંયાજ..".

વધુ આવતા અંકે...

-ડૉ.સરિતા (જલધિ)