Smbandhni Parampara - 5 books and stories free download online pdf in Gujarati

સંબંધની પરંપરા - 5

મોહન સીતા દાદીને જોઈને એક અજબ જ યાદગીરીમાં સરી પડે છે...

શિક્ષકની હાજરી છતાં ડર વગર એક ક્લાસમાં બધા બાળકો ખુશખુશાલ હોય છે. જાણે,"ભાર વિનાનું ભણતર". જ્યાં.. વારાફરતી બધાની પરીક્ષા લેવાતી, પ્રશ્નોત્તરી થતી, કાવ્ય લહેરીઓ ગવાતી. એ સિવાયની દરેક ઈત્તર પ્રવૃત્તિ શાળાના આ ક્લાસરૂમમાં નિરંતર થતી. એટલે જ કદાચ આ ક્લાસરૂમ બધાનો પ્રિય હતો. પરંતુ, મર્યાદિત બાળકોને જ આ ક્લાસરૂમમાં ભણવાનો મોકો મળતો.

મોહન આ બાળકોમાં નો એક હતો. એટલે જ એને ભણતર પણ વ્હાલું લાગવા માંડ્યું હતું. નહીંતર તે હંમેશા શાળાએ જવાના બહાનાઓ શોધ્યા કરતો.

આ લાગણી અને અદ્ભુત લગાવ એ આ ક્લાસરૂમ નહીં પણ એમાં અભ્યાસ કરાવનાર સીતા મેડમનો હતો. જે શાળા પ્રત્યે એટલા વફાદાર હતા કે બાકી બધું એના માટે ગૌણ. કુટુંબ પણ પછી..જ. સ્વભાવના તો એવા સરળ કે કોઈ પણ બાળકને સહેજે લાગણી થઈ જ આવે.

વિદ્યાર્થીઓ વર્ષો સુધી આ શિક્ષકને અને શાળાની અભ્યાસ સમયની યાદગીરીને વાગોળ્યા જ કરે એવું એમનું વ્યક્તિત્વ.

આશ્રમમાં આવી ઓચિંતા આજે સીતા દાદીને જોઈ મોહનની નજર સમક્ષ આ બધી યાદગીરી કોઈ ફિલ્મની જેમ એક પછી એક નજર સમક્ષ જાણે ભજવાઈ રહી હતી. તે શૂન્યમનસ્ક અવસ્થામાં સ્થિર ત્યાં ને ત્યાં જ ઉભો હતો.

બીજી તરફ ઘણા સમયથી ન મળેલા મીરાં અને દાદી પોતાના મનોભાવોને એકમેકની સામે જોઈ માત્ર મૌનમાં જ રજુ કરતા હતા અને બંનેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. થોડીવાર સુધી મીરાં અને સીતા દીદી વચ્ચે આ મૌન સંવાદ ચાલુ રહ્યો. પછી, બંને સ્વસ્થ થયા. બંન્નેને 'સ્વ' નું ભાન થતા સમયોચિત વાત કરવા લાગ્યાં.

તેવામાં એમનું ધ્યાન સ્થિર છતાં ભાવુક અવસ્થામાં ઉભેલા મોહન પર ગયું.

સીતા દાદી બોલ્યા ..."આ કોણ છે?"

મીરાં સહેજ શરમાતા વદને મોહનની ઓળખાણ આપવા જતી હતી ત્યાં, તેના અવાજથી મોહનનું મૌન તૂટ્યું. તેણે મીરાને વચ્ચેથી જ બોલતાં અટકાવી દીધી. મોહન સીતા દાદી પાસે જઈ ઊભો રહ્યો અને એ પરિચિત ચહેરાની પરિચિતતાની ખાતરી કરવા લાગ્યો.

તેને એકાએક જૂની પરંતુ, અનમોલ કહી શકાય તેવી ક્લાસરૂમની યાદગીરી યાદ આવી ગઈ. તેણે તેને શબ્દશઃ રજુ કરવા પ્રયત્ન કર્યો.

" ધરતી પરનું માતૃત્વ તો દરેકને કુદરતી મળે જ છે. પણ શિક્ષકોને આ તક ઈશ્વર તરફથી મળેલ કોઈ સોગાતથી કમ નથી. એટલે જ આ તકને મારે ખરા અર્થમાં જીવવી છે. અને સાર્થક કરવી છે."

સીતા દાદી આ શબ્દો સાંભળી ખૂબ ભાવુક થઈ ગયા. તેને પણ પોતાનો ક્લાસરૂમ યાદ આવી ગયો. પોતે શિક્ષક થયાની સાર્થકતા માટે વારંવાર ઉપરના વાક્યોને ક્લાસમાં કે કોઈ શાળાકીય સમારંભમાં અચૂક બોલતા.

આજે મોહનના દ્વારા આ વિધાન સાંભળી સીતા દાદી દાદીથી રડાઈ ગયુ. બીજી જ ક્ષણે તે સ્વસ્થ થઈ ગયા.
પણ તે મોહનને ઓળખી ન શકયા.

મોહનને પૂછવા લાગ્યા.." કો..ણ છે.. તું... અને આ. શબ્દોને કેવી રીતે જાણે છે?

મોહન કહે... "માધવપુરની માધ્યમિક શાળાનો એ ક્લાસ અને ત્યાંના સાક્ષાત્ સરસ્વતી સમાન મારા એ શિક્ષકને તો કોઈ મૂર્ખ જ ભૂલાવી શકે.

સીતા દાદીએ કહ્યું.... "તું માધવપુરનો છે..?

મોહને કહ્યું ..."તમે મને ન ઓળખ્યો..!"

સીતા દાદી મોહનનો ચહેરો જોઈ તેને ઓળખવા પ્રયત્ન કરે છે.પણ, બાળપણના એ ચહેરામાં આજે યુવાનીનો રંગ ચડતા સ્પષ્ટ પરીચય ન થઈ શક્યો.ધણીવાર વિચારી જોયું.કદાચ વૃદ્ધાવસ્થા અને સમયની થપાટોએ સ્મૃતિને ઝાંખી કરી નાખી હશે !આવુ ધણું ધણું એમણે વિચારીને મગજને ફરી ફરીને ઢંઢોળી જોયું પણ કોઈ જ એવો ચહેરો એના માનસમાં ન આવ્યો તે ન જ આવ્યો.

વધુ આવતા અંકે...

-ડૉ.સરિતા (જલધિ)