padchhayo - 20 books and stories free download online pdf in Gujarati

પડછાયો - ૨૦

રોકીના આત્માના મોક્ષ માટેની વિધિ ચાલી રહી હતી. નયનતારાના કહેવા પ્રમાણે રોકીની આત્મા પડછાયાના સ્વરૂપમાં હોવાથી પહેલા શરીર બનાવવું પડશે પછી જ તેની આત્માને મુક્તિ મળશે. પહેલાં તો કવિતાબેને આ ક્રિયા કરવાનો વિરોધ કર્યો પણ કાવ્યાના કહેવાથી શરીર બનાવવાની ક્રિયા ચાલુ થઈ. નયનતારાએ સિંહ, ઘુવડ, ઘોડો, બાજ તથા હાથી જેવા પ્રાણીઓના હ્રદય ઊકળતા પાણી જેવા દ્રવ્યમાં નાખીને કાવ્યાની હથેળી પર ચાકુ વડે લોહી કાઢી ઉકળતાં દ્રવ્યમાં નાખ્યું અને કંઈક મંત્રોચ્ચાર ચાલુ કર્યા.

થોડી વાર બાદ જેવા મંત્રોચ્ચાર બંધ થયા કે તરત જ આકાશમાંથી કાળો ધુમાડો નીચે આવી ઉકળતાં દ્રવ્યના પાત્રમાં સમાઈ ગયો અને દ્રવ્ય સાથે ભળી ગયો અને જોરદાર ધડાકો થયો. દૂર સુધી ધડાકાના પડઘા પડ્યા અને ધરતી પણ ધ્રુજી ગઈ. બધા ડરીને ત્યાં આવી ગયા. કવિતાબેન પણ કાવ્યા પાસે દોડીને આવી ગયા.

બધા ઉકળતાં દ્રવ્યના પાત્ર તરફ જોઈ રહ્યા હતા. અચાનક તેમાંથી એક માનવાકૃતિ ધીમે ધીમે ઊભી થઈ અને પાત્રમાંથી બહાર આવી. તે જેમ જેમ આગળ વધી રહી હતી તેમ ધીમે ધીમે માણસ જેવું જ શરીર ધારણ કરી રહી હતી. બધાં આશ્ચર્યચકિત થઈ તેને જોઈ રહ્યા હતા અને થોડાં ઘણાં ડરી પણ રહ્યા હતા, પણ નયનતારા આ જોઈ એકદમ ખુશ થઈ રહી હતી અને તેના મોં પર શૈતાની ચમક આવી ગઈ.

તે માનવઆકૃતિ સંપૂર્ણ શરીર બનતા જ કાવ્યાએ જોયું તો એ રોકી જ હતો. તેણે પહેલાં રોકીનો ફોટો વનરાજ સિંઘાનિયાના ઘરે જોયો હતો. આથી તે તેને ઓળખી ગઈ. રોકી સંપૂર્ણ નગ્ન હોવાથી નયનતારાએ તેને કપડાં આપ્યાં અને તે થોડે દૂર ઝાડની ઓથે જઈને કપડાં પહેરીને બધા ઊભા હતા ત્યાં આવ્યો.

રોકી સીધો જ કાવ્યા પાસે આવ્યો અને શરીરને કમરથી નીચે વાળીને કાવ્યાનો આભાર માન્યો, "કાવ્યા, હું તારો આભારી છું. તે મને મૂક્તિ અપાવવા માટે જે કર્યું એ બીજું કોઈ ના કરી શકે. હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે." આમ બોલી કાવ્યાનો હાથ પકડી લીધો અને ભીની આંખે તેની સામે જોયા રાખ્યું.

"આ તો મારી ફરજ હતી રોકી.. તમે જે કંઈ દુઃખ સહન કર્યું છે એના બદલ આ કંઈ જ નથી. ઊલટાનું હું તમારી માફી માગું છું." કાવ્યા પણ રોકી સામે જોઈ ગળગળા અવાજે બોલી.

"એ બધું ભૂલી જા કાવ્યા.. જે થયું તે થયું પણ તે મારી મદદ કરીને મને મૂક્તિ અપાવી એ મારા માટે ઘણું છે." રોકી બોલ્યો.

કાવ્યા હળવેથી મુસ્કુરાઈને બસ હા જ બોલી. રોકી કાવ્યાનો હાથ છોડી કવિતાબેન તથા રસીલાબેન તરફ ફર્યો અને બોલ્યો, "હું તમારી પણ માફી માગું છું. મારા લીધે તમે લોકો બહુ પરેશાન થયા છો. જો માફ કરી શકો તો મહેરબાની રહેશે."

"એમાં માફી શું માંગવાની? તમે તો બસ તમારી આત્માની શાંતિ માટે મૂક્તિ માટે જ તો કરી રહ્યા હતા એમાં માફી માંગવાની કોઈ જરૂર નથી." રસીલાબેન બોલ્યાં.

રોકી તેમની સામે મુસ્કુરાઈને નયનતારા તરફ ફર્યો અને તેમનો આભાર માન્યો અને પાછો કાવ્યા પાસે આવ્યો. "હવે મારા જવાનો સમય થઇ ગયો છે, રજા આપ મને.." રોકી બોલ્યો. કાવ્યાએ માથું હકારમાં હલાવ્યું અને રોકી ફરી પાછો ધુમાડો બનીને આકાશમાં જઈ અદ્રશ્ય થઈ ગયો અને નયનતારાએ આપેલા કપડાં ત્યાં જ પડ્યા રહ્યા. આકાશમાં રોકી ની આત્મા જઈ રહી હતી ત્યાં લાલ રોશની થતી રહી. બધા જ્યાં સુધી લાલ રોશની દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી આકાશ તરફ જોતાં રહ્યાં.

"બેટા, હવે તું અને અમન શાંતિથી જીવન જીવી શકો છો. આજથી તારાં જીવનમાં ખુશીઓનો પ્રવેશ થઈ ગયો છે. ચાલ ઘરે જવા નીકળીએ હવે." કવિતાબેન બોલ્યા.

"પણ મમ્મી, પહેલાં અહીં આ બધું સમેટવામાં નયનતારાજીની મદદ તો કરી દઈએ." કાવ્યા બોલી અને રસીલાબેન એ તેમાં હામી ભરી.

"ના કાવ્યા, હું જાતે જ કરી લઈશ. તું ઘરે જા અને પહેલા તારો ઈલાજ કરાવ, તું વધુ પડતી ઘાયલ છે." નયનતારા બોલી.

"હા એ સાચું કહ્યું તમે. ચાલ કાવ્યા, પહેલાં હોસ્પિટલ જઈએ. પછી બીજી વાત!" રસીલાબેન બોલ્યાં અને પછી કાવ્યાને લઈને પહાડી ઉતરીને નીચે કાર પાસે આવી ગયા.

"કાવ્યા, બેટા તું પાછળની સીટ પર બેસી જા. કાર હું ચલાવું છું." કવિતાબેન બોલ્યા.

"તમને કાર ચલાવતા આવડે છે વેવાણ?" રસીલાબેન નવાઈ સાથે બોલ્યા.

"હા તો.. શીખી છું કાર ચલાવવાનું." કવિતાબેન બોલ્યા અને કાવ્યા પાસેથી કારની ચાવી લઇ ડ્રાઈવર સીટ પર બેસી ગયા અને કાવ્યા તથા રસીલાબેન પાછળની સીટ પર બેસી ગયા અને કાર સીધી હોસ્પિટલ જઈને રોકાઈ.

બધા નીચે ઉતરીને હોસ્પિટલમાં દાખલ થયા અને કાવ્યાની સારવાર કરાવી. ડૉક્ટરે જ્યારે કાવ્યાના ઘા વિશે પૂછ્યું ત્યારે કાવ્યા જૂઠું બોલી કે એક્સીડન્ટ થયું હતું.

સારવાર કરાવીને તે લોકો ઘરે ગયા. કાવ્યાને તેના બેડરૂમમાં લઈ ગયાં અને સુવડાવી દીધી. બધાંના મોં પર એક જાતની ખુશી હતી કે પડછાયાથી છુટકારો મળી ગયો. કવિતાબેન અને રસીલાબેન પણ પોતપોતાના રૂમમાં જઈ સૂઈ ગયા.

******

આ તરફ નયનતારા બધો સામાન એકઠો કરીને ઘરે જવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ આકાશમાંથી કાળો ધુમાડો નીચે આવ્યો અને નયનતારાનો રસ્તો રોકીને તેની સામે ઊભો રહી ગયો. ધુમાડો વિખેરાઈને માનવાકૃતિ બની ગયો.

"મારા માલિક, આજે આપણું કાર્ય પૂર્ણ થયું છે. હવે તમે અતિશય બળવાન બની જશો. પેલી નાસમજ છોકરી કાવ્યા એ આપણું કાર્ય આરામથી પતાવી દીધું અને તમે ફરી પાછા મને મળી ગયાં મારા માલિક!" નયનતારા માનવાકૃતિની સામે શીશ નમાવી બોલી.

"આપણું કાર્ય પૂર્ણ નથી થયું, હજુ તો બસ શરૂઆત છે. અને ખબરદાર જો કાવ્યા વિશે કંઈ પણ બોલી છે તો!" માનવાકૃતિ ગુસ્સા ભર્યા સુરે બોલ્યો અને તેની આંખો લાલઘૂમ થઈ ગઈ અને ચમકવા લાગી.

"માફી ચાહું છું મારા માલિક, હવે નહીં બોલું." નયનતારા ફરી પાછી શીશ નમાવી બોલી.

માનવાકૃતિ નયનતારાની સામે જોઈને માથું ધુણાવ્યું અને પછી તેની પીઠ પર પાંખો આવી ગઈ અને તે સડસડાટ બાજની પેઠે ઊડીને દૂર અદ્રશ્ય થઈ ગયો. નયનતારા તેને જતો જોઈ રહી.

********

વધુ આવતા અંકે

નયનતારાએ કોને ફરી પાછા મેળવ્યા છે, કોની છે આ માનવાકૃતિ, શું કાવ્યા એ તથા તેના મમ્મી અને સાસુ એ જેની આત્મા ને મૂક્તિ અપાવી તે રોકી જ હતો કે નયનતારાનું કોઈ ષડયંત્ર આ બધાં સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો આ દિલધડક સસ્પેન્સ હોરર નોવેલનો આગલો ભાગ.