Yog-Viyog - 62 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 62

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૨

અલયે પાછળ પડેલી ખુરશીને ઉશ્કેરાટ અને આક્રોશમાં લાત મારી. ખુરશી ઊછળીને પડી. મોટો અવાજ થયો. અલયે શ્રેયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘સુહાગરાતે તારો લોહાણો વર તને અડકે એ પહેલાં તારી આ ઈંચે ઈંચ ચામડી ઉપરથી મારી ફિંગર પ્રિન્ટ લૂછાવી નાખજે... ’’ અલય નાના બાળકની જેમ જેમ રડું રડું થઈ રહ્યો. એના હોઠ થરથરી રહ્યા હતા. નાકનાં ફણાં ફૂલી ગયાં હતાં, ‘‘મને એમ હતું કે મારી કારકિદર્ીના આ ભયજનક વળાંક ઉપર તું મારો હાથ પકડીને મને થોડો વધારે આગળ લઈ જઈશ... પણ મને લાગે છે કે આ વળાંકે તું કોઈ પણ રીતે મારાથી છૂટવા માગે છે.’’ એણે શ્રેયાને ધક્કો માર્યો, ‘‘જા, હું નહીં રોકું તને...’’

અને પછી કોફીશોપની બહારની તરફ ચાલવા લાગ્યો.

શ્રેયા પાછળ દોડી. એણે અલયને રોકવાનો પ્રયત્ન કર્યો. એનું બાવડું પકડ્યું, પણ ગુસ્સા અને ઉશ્કેરાટમાં એનો હાથ છોડાવીને, એને ધક્કો મારીને અલય આગળ ચાલવા લાગ્યો.

શ્રેયા અન્યમનસ્ક જેવી રસ્તા ઉપર ઊભી રહી.

એને કલ્પના પણ નહોતી કે એના મનની વાત કહેવાથી અલય આટલો બધો ઉશ્કેરાઈ જશે. એણે તો બસ એમ જ, અલયની સાથે પોતાના મનનો ભાર હળવો કરવા વાત કરી હતી, પરંતુ એનો મનફાવતો અર્થ કરીને અલયે આખી વાતને જુદા જ પ્રકાશમાં જોઈ હતી.

શ્રેયા સમજતી હતી કે અલય ખૂબ ટેન્શનમાં હતો. આવતા અઠવાડિયે એની ફિલ્મનું રિલીઝ હતું. આજે સેન્સરનું સર્ટિફિકેટ આવવાનું હતું. પરમ દિવસે લોન્ચ પાટર્ી અને સ્ક્રિનિંગ હતું. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ, પ્રેસવાળા અને બધા જ ‘હુઝ હુ’ હાજર રહેવાના હતા. શૈલેશ સાવલિયાએ ગાઈ-વગાડીને પાટર્ીની અને લોન્ચની તૈયારી કરી હતી.

પ્રેસ અને મીડિયાએ એની ફિલ્મને એટલી હાઇપ આપી હતી કે અલયની ફિલ્મથી ઘણા લોકોને ઘણી આશાઓ હતી. એ ફિલ્મમાં નાનામાં નાનો રોલ કરનારા સપોર્ટિંગ એક્ટરથી શરૂ કરીને અભિષેક સુધી સૌ આ ફિલ્મમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા હતા.

આટલાં વર્ષોથી સાથે જીવવાનું એક સપનું પંપાળી પંપાળીને અલય અને શ્રેયા આવનારા ભવિષ્યની રાહ જોતાં રહ્યાં હતાં અને જ્યારે બધું જ બરાબર થવા લાગ્યું હતું ત્યારે...

‘‘હું શું કરું ?’’ શ્રેયાએ જાતને જ પૂછ્‌યું. પછી એને વસુમાનો વિચાર આવ્યો, ‘‘જઈને પૂછું ?’’ એણે વિચારી જોયું.

‘‘મને ખબર છે એ મને શું જવાબ આપશે.’’ એણે જાતને જ કહ્યું, ‘‘ દરેક માણસને દરેક વસ્તુ તો મળતી જ નથી શ્રેયા, કંઈક મેળવવા જતાં કંઈક છોડવાની માનસિક તૈયારી તો રાખવી જ પડે છે.’’

‘‘પણ...’’ શ્રેયા પાસે જાણે કોઈ દલીલો નહોતી. એક તરફ એને પિતાનો આંસુ ભરેલી આંખોવાળો ઘરડો, અસહાય ચહેરો દેખાતો હતો તો બીજી તરફ અલયનો આક્રોશ, એનો ક્રોધ અને એની અસહાયતા પણ સમજી જ શકતી હતી શ્રેયા !

એ ત્યાં જ ઊભી રહી અને અલયને જતો જોઈ રહી.

મોટી મોટી ડાફો ભરીને ગુસ્સામાં ચાલતો અલય ગજબનો ‘પુરુષ’ દેખાતો હતો. એના પહોળા ખભા ક્રોધમાં તણાઈને થોડા વધુ પહોળા થઈ ગયા હતા. જ્યારે ખભે લટકાવેલી બેગ, ટક-ઇનમાંથી નીકળી ગયેલું શર્ટ, ચૂંથાયેલું જીન્સ અને સિંહ જેવી પાતળી કટી... શ્રેયાને થયું કે એ દોડીને અલયને વળગી પડે !

પણ એ ત્યાં જ ઊભી રહી.

‘‘આ શું થઈ ગયું છે અમારા સંબંધને ?’’ એ દૂર દેખાતા દરિયા તરફ જોઈ રહી, ‘‘જ્યારે જ્યારે અમારી નાવ લાંગરવાનો સમય થાય છે ત્યારે જ કેમ તોફાન આવે છે ?’’ એની આંખોમાં પાણી આવી ગયાં. અનિચ્છાએ એણે ફોન બહાર કાઢ્યો અને શ્રીજી વિલાનો નંબર ડાયલ કર્યો.

‘‘હલો...’’ વસુમાનો રણકતો-ચોખ્ખો અવાજ માર્દવથી છલકાઈ રહ્યો હતો.

‘‘મા...’’ શ્રેયાની આંખો છલછલાઈ આવી. એણે આમતેમ જોઈને આંસુ લૂછી નાખ્યા.

‘‘શ્રેયા !’’ વસુમાના અવાજમાં ચિંતા હતી, ‘‘બધું બરાબર તો છે ને ? અલયની ફિલ્મનું સેન્સર...’’

‘‘હજી ખબર નથી આવ્યા મા.’’ શ્રેયા પરાણે રડવું રોકી રહી હતી.

‘‘આવશે દીકરા, આટલી બધી વિચલિત શું થાય છે ?’’ વસુમાના અવાજમાં આશ્વાસન હતું.

‘‘મા...’’ શ્રેયાનો ડૂમો છૂટી ગયો, ‘‘મારા પપ્પા...’’

‘‘ના પાડે છે ને ?’’ વસુમાના ચહેરા પર સ્મિત હશે એવું શ્રેયા કલ્પી શકી, ‘‘એ તો પાડવાના જ હતા દીકરા !’’

‘‘પણ મા એ કહે છે કે જો હું અલય સાથે પરણીશ તો...’’

‘‘તો...?!’’ વસુમાનો અવાજ હજી પણ સ્વસ્થ હતો, ‘‘તારી સાથે સંબંધ નહીં રાખે. તને ઘરમાં નહીં આવવા દે, ખરું ને ?’’

‘‘હમ...’’ શ્રેયા રસ્તા ઉપર ઊભી ઊભી રડી રહી હતી. એણે નજર નાખી તો અલય હવે નહોતો દેખાતો. કાં તો રિક્ષામાં બેસી ગયો હતો અથવા દેખાતી બી.ઈ.એસ.ટી.ની બસમાં ચડી ગયો હશે કદાચ !

‘‘જો બેટા ! આ તો થવાનું જ હતું. તું શું કામ અકળાય છે ?’’

‘‘મા, અલય ખૂબ ગુસ્સે થઈને ગયો છે. મેં તો અમસ્તુ...’’ શ્રેયાના ડૂસકા જેમ રોકવાનો પ્રયત્ન કરતી હતી એમ વધતા જતા હતા.

‘‘શ્રેયા...’’ વસુમા ફોનની પેલી તરફથી જાણે એને પંપાળી રહ્યાં હતાં, ‘‘હું જઈશને તારા પપ્પા સાથે વાત કરવા. બધું બરાબર થઈ જશે.’’

‘‘મા...’’ શ્રેયા હજીયે રડી રહી હતી.

‘‘તું ક્યાં છે ?’’ વસુમાએ ચિંતાથી પૂછ્‌યું.

‘‘અહીં... જૂહુમાં...’’

‘‘અહીં આવતી રહે.’’

‘‘ના મા, હું મંદિરજઈશ. ઈશ્વરનેપૂછીશ કે હું ક્યાં ખોટી છું ? શા માટે મારી જિંદગીના એક એકમાત્ર સપનાને એ સતત વહેંત છેટું રાખે છે મારાથી ?’’ એ હજીયે રડી રહી હતી.

‘‘બેટા, એનો જવાબ તો તને ઈશ્વર જ આપી શકશે. પણ હું તને એક વાત કહું, સપનું વહેત છેટું રહેને તો જ સપનાની મજા છે. એને પહોંચવા માટે આપણે સતત પ્રયત્ન કર્યા કરીએ... ખરું ને ?’’

‘‘તમે પણ મા...’’

‘‘બેટા, અલય સાથેનાં લગ્ન એ સપનું નથી, એ તો જિજિવિષા છે તારી, ઝંખના છે તમારા બંનેની...’’ વસુમાના અવાજમાં ગજબની મક્કમતા હતી, ‘‘ઈશ્વર પણ ડરે બેટા, આવી ઝંખના અને જિજિવિષા સાથે એ પણ ન ટકરાય. રમી લેવા દે એને પણ એની રમત ! એક દિવસ તો એય હારશે ને ?’’

‘‘મા !’’ શ્રેયાએ અચાનક જ આંસુ લૂછી નાખ્યાં.

‘‘હા બેટા, ઈશ્વર પણ ક્યારેક તમને કંઈ આપતા પહેલાં તમારી પાત્રતા જોતો હોય છે. તેં જે ઉત્કટતાથી ઝંખ્યાં છે અલયને તેં, અને અલયે તને... ઈશ્વર પણ તમને જુદા પાડી નહીં શકે દીકરા.’’ એમનો અવાજ પણ સહેજ હાલી ગયો, ‘‘પચીસ વર્ષે પણ ઝંખનાઓ પૂરી થતી જોઈ છે ને તેં ? તો પછી...’’ એમણે ભરાઈ આવેલું ગળું ખંખાર્યું, ‘‘તો પછી હિંમત કેમ હારી જાય છે દીકરા ? જા... મંદિર જા, નાખ તારા ભગવાનની આંખમાં આંખ ને પૂછ એને...’’

‘‘હા મા, હું એ જ કરું છું.’’ એણે ફોન મૂકતા પહેલાં ખૂબ ધીમેથી અને વહાલથી ઉમેર્યું, ‘‘થેન્ક યુ મા, આઇ લવ યુ.’’

‘‘લવ યુ ટુ બેટા !’’

લક્ષ્મીએ બોસ્ટન જવાને બદલે ઘેર જવાનું નક્કી કર્યું અને એ જ્યારે ઘરના પગથિયા ચડતી હતી ત્યારે એના મનમાં એક જ લાગણી રહી રહીને ઉછાળા મારતી હતી...

એને સૂર્યકાંતની છાતી પર માથું મૂકીને ખૂબ રડવું હતું, એમની સાથે ઝઘડવું હતું... એમને સવાલો પૂછવા હતા... અને જવાબો જાણતી હોવા છતાં ફરી એક વાર એમની પાસે સાંભળવા હતા.

એ ઘરમાં દાખલ થઈ ત્યારે જાનકી લિવિંગરૂમમાં બેસીને હૃદય સાથે કાર્ટૂન જોઈ રહી હતી. અજય લેપટોપ પર કંઈક કામ કરતો હતો. મધુભાઈ એની મદદ કરતા ત્યાં બેઠા હતા.

‘‘અરે લક્ષ્મીબેન !’’ જાનકી ઊભી થઈ ગઈ.

‘‘મમ્મા...’’ ઊંઘરેટા હૃદયે ખોળો ખસતાં બૂમ પાડી.

‘‘અચાનક પાછી ? બોસ્ટન નથી ગઈ ?’’ અજય પણ ઊભો થઈને લક્ષ્મી તરફ આવ્યો.

‘‘ભાઈ...’’ લક્ષ્મી આગળ વધી અને અજયને લપેટાઈ ગઈ. એની છાતી પર માથું મૂકીને થોડી વાર એમ જ ઊભી રહી. મધુભાઈ, જાનકી અને ઊંઘરેટો હૃદય પણ લક્ષ્મીને જોઈ રહ્યાં. અજયે એને એમ જ ઊભી રહેવા દીધી અને એના માથા પર હાથ ફેરવતો રહ્યો.

‘‘કંઈ થયું ?’’

‘‘ના ભાઈ... મને ઘર યાદ આવીગયું !’’

સૌ એક સાથે હસી પડ્યાં. હૃદય પણ સમજ્યા વગર હસ્યો. જાનકી લક્ષ્મીની નજીક આવી અને એની પીઠ પર હાથ ફેરવીને કહ્યું, ‘‘થાય ! પિયરથી સાસરે જતી છોકરીને આવું જ થાય.’’ પછી એનો અવાજ ભરાઈ આવ્યો, ‘‘મને તો અનાથ આશ્રમ છોડતાં પણ આવું થયું હતું. જ્યારે તમારી પાસે તો ભરેલું ઘર છે !’’

‘‘ના ભાભી !’’ લક્ષ્મીએ અજયથી છૂટા પડીને જાનકી તરફ જોયું, ‘‘હું... હું રોનાલ્ડને મળવા ગઈ હતી.’’

‘‘વ્હોટ ?’’ જાનકીનો અવાજ ઊંચો થઈ ગયો.

‘‘પણ બેટા, તન ેસરનામું...’’ અત્યાર સુધી ચૂપ રહેલા મધુભાઈ પહેલી વાર બોલ્યા, ‘‘ભાઈ જાણે છે ?’’

લક્ષ્મીએ ડોકું ધુણાવીને ના પાડી. પછી ઉપલા દાંત નીચે હોઠ દબાવી દીધો. એની આંખોમાં પાણી આવી ગયાં હતાં.

‘‘ડેડીને બધી ખબર હતી, રોની વિશે.’’ લક્ષ્મીએ ફરી એક વાર અજયની છાતી પર માથું મૂકી દીધું, ‘‘પણ એમણે મને ક્યારેય ના કહ્યું.’’

‘‘ભાઈ માનતા હશે કે તને કહેવાથી તને દુઃખ થશે બેટા.’’

‘‘જે જાણવાનું હતું એ તો મેં જાણ્યું જ...’’ લક્ષ્મીના અવાજમાં ફરિયાદ હતી. પછી આગળ ચર્ચા કર્યા વિના એ સીધી સૂર્યકાંતના ઓરડા તરફ આગળ વધી ગઈ.

ત્યાં ઊભેલા અજયે જાનકી સામે એવી રીતે જોયું જાણે આ બધું જાણતા હોવા છતાં જાનકીએ એને નહીં કહીને સારું નથી કર્યું. જાનકીએ સહેજ ઝંખવાયેલા ચહેરે અજયને કહ્યું, ‘‘તમે... ઓફિસના કામમાં... મને લાગ્યું કે પછીથી...’’

‘‘જાનકી, આપણી વચ્ચે ક્યારેય કોઈ વાત છુપાવવાનો રિવાજ નથી. આ વાત તેં મને સમયસર કહી હોત...’’

જાનકી કશું બોલી નહીં, બસ અજય સામે જોતી રહી. જાણે કહેતી હોય, ‘‘આટલા બધા પ્રોબ્લેમ્સમાં એક નવો ઉમેરો ક્યાં કરું ?’’

‘‘જાનુ, લક્ષ્મી મારી બહેન છે અને મારી જવાબદારી પણ.’’ અજયે જાનકીના ખભે હાથ મૂક્યો, ‘‘હવે પછી લક્ષ્મીની બાબતમાં તું જેટલું જાણતી હોય એટલી ખબર મને હોવી જ જોઈએ. મારે બાપુના વિશ્વાસને એક ક્ષણ માટે પણ પ્રશ્નાર્થમાં નથી બદલવો.’’

અજય અને જાનકી જાણે મધુભાઈ ત્યાં ઊભા છે એ ભૂલી જ ગયાં અને જાનકી અજયની નજીક આવી. અજયે એના ખભાની આસપાસ હાથ લપેટ્યો અને એને વધુ નજીક ખેંચીને વહાલ કર્યું.

‘‘મને પણ...’’ ઊંઘરેટા હૃદયે બૂમ પાડી. અજયે નજીક જઈને એને ઊંચકી લીધો અને એક પપ્પી કરીને જાનકીના હાથમાં આપીને કહ્યું, ‘‘જા, સૂવાડી દે.’’

જતાં જતાં જાનકીએ અજય સામે એવી રીતે જોયું, જાણે વર્ષોનું વહાલ ફરી એક વાર ઢોળતી હોય. મધુભાઈ આ સુખદ મંગલ યુગલના સાક્ષી બનવા બદલ પોતાની જાતને સદભાગી માની રહ્યા.

લક્ષ્મી સૂર્યકાંતના ઓરડાનો દરવાજો ધકેલીને દાખલ થઈ ત્યારે સૂર્યકાંત હજીયે આલબમ ઉથલાવી રહ્યા હતા.

‘‘અરે !’’ એમણે નાનકડા ચશ્માની ઉપરથી લક્ષ્મીને જોઈ, ‘‘ગઈ નથી ?’’

લક્ષ્મી દોડીને સૂર્યકાંતની નજીક આવી, એણે આલબમ લગભગ ઝૂંટવીને સાઇડમાં મૂક્યું અને પલંગ પર સૂર્યકાંતની બાજુમાં બેસીને, વાંકી વળીને એમની છાતી પર માથું મૂકી દીધું.

માથું મૂકતાંની સાથે જ કેટલાય કલાકોથી ગોરંભાઈ રહેલો એનો ડૂમો છૂટી ગયો અને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

રડતાં રડતાં સાવ નાના બાળકની જેમ મોટે મોટેથી બોલતી રહી, ‘‘ડેડી... ડેડી, આઇ લવ યુ... આઇ લવ યુ ડેડી !’’

એના માથે હાથ ફેરવતાં સૂર્યકાંતે થોડી વાર એને રડવા દીધી. એમને લાગ્યું કે ઘરેથી નીકળીને બોસ્ટન જતાં લક્ષ્મીને ઘર છોડીને જવાનો વિચાર જરા ભારે પડ્યો હશે અને બીજી કોઈ પણ છોકરીની જેમ એને સાસરે જવાની તકલીફ પડી હશે એટલે એ અડધે રસ્તેથી પાછી આવી હશે...

‘‘બેટા, નીરવ બહુ સરસ છોકરો છે, તને સુખી રાખશે.’’

‘‘હમ... મને ખબર છે.’’ લક્ષ્મીનું રડવાનું ચાલુ જ હતું.

‘‘બધી છોકરીઓએ સાસરે તો જવું જ પડે ને ?’’

‘‘એ પણ ખબર છે.’’

‘‘આમ ભાગી આવે એ કંઈ ચાલતું હશે ? તારી સારુ અને મારો જમાઈ શું વિચારશે ?’’ સૂર્યકાંત હસી રહ્યા હતા, ‘‘છોકરીને બહુ લાડ લડાવીને બગાડી નાખી છે એમ કહેશે.’’

‘‘ડેડી, તમે મને કહ્યું કેમ નહીં કે તમે રોનીને ઓળખો છો ?’’

સૂર્યકાંતના ઓરડામાં એક મણ વજનનો સોપો પડી ગયો. લક્ષ્મી રડતી રહી અને સૂર્યકાંત જવાબ આપ્યા વિના એના વાળમાં હાથ ફેરવતા રહ્યા.

‘‘ડેડી, તમે મારા માટે જે કર્યું છે એનો બદલો હું કેવી રીતે ચૂકવીશ? તમે તમારા કુટુંબને ભૂલીને મને ઉછેરવા માટે...’’ સૂર્યકાંત જવાબ આપ્યા વિના રડતી લક્ષ્મીના માથે હાથ ફેરવી રહ્યા હતા.

‘‘હું તમારી દીકરી નહોતી તો પણ તમે...’’

‘‘કોણે કહ્યું તું મારી દીકરી નહોતી ?’’ સૂર્યકાંતનો અવાજ સ્વસ્થ હતો, પણ સહેજ ભીનો. એમના હાથ હજીયે લક્ષ્મીના માથા પર ફરી રહ્યા હતા, ‘‘તું જન્મીને ત્યારે હું લેબર રૂમમાં હતો. લોહીથી ખરડાયેલી તું જ્યારે આ દુનિયામાં દાખલ થઈ ત્યારે સૌથી પહેલાં હું સ્પર્શ્યો છું તને... તને ધોઈને સાફ કરતા મને એક જ વિચાર આવ્યો હતો, આ મારી દીકરી છે. મારા એકલાની !’’

‘‘ડેડી...’’

‘‘હા બેટા, સ્મિતા આ દુનિયામાં નહીં રહે એવું તો નક્કી જ હતું.’’ સ્મિતાની યાદ આવતા સૂર્યકાંતનો અવાજ નીતરવા લાગ્યો, ‘‘જે સ્ત્રીએ તને જનમ આપવા માટે પોતાના જીવની પરવા ના કરી, જેણે મને ભીખ માગતો હતો ત્યાંથી ઉઠાવીને કરોડોની સંપત્તિ ઉપર બેસાડી દીધો, જિંદગીના થોડાક જ મહિનાઓમાં જેણે મને એટલું સન્માન અને એટલો સ્નેહ આપ્યો, જેનો હું અધિકારી જ નહોતો...’’

સૂર્યકાંત થોડી વાર સાવ ચૂપ થઈ ગયા. ઓરડામાં લક્ષ્મીના રડવાનો અવાજ અને એનાં ડૂસકાં પડઘાતાં રહ્યાં, ‘‘બેટા, તને મારા હાથમાં સોંપતી વખતે સ્મિતાની આંખોમાં જે શ્રદ્ધા અને વિશ્વાસ હતા એ હું ક્યારેય નહીં ભૂલું.’’

‘‘અને વસુમાનો વિશ્વાસ ?’’ લક્ષ્મીથી પુછાઈ ગયું, ‘‘તમને ક્યારેય એમના વિશ્વાસની, એમની જવાબદારીની યાદ ના આવી ?’’

‘‘તું તો મળી છે એને !’’ સૂર્યકાંતે નિઃશ્વાસ નાખ્યો, ‘‘એવું બને ખરું ? વસુની સાથે જે એક વાર જીવે એ વસુને ભૂલી શકે ?’’

‘‘તો પછી...’’ લક્ષ્મીએ બાજુમાં પડેલા ટિશ્યૂના બોક્સમાં ટિશ્યૂ લઈને નાક સાફ કર્યું.

સૂર્યકાંતની આંખોમાં પાણી હતાં, પણ ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘સહેજ પણ નથી બદલાઈ. ચાર વરસની હતી ત્યારે પણ આમ જ નાક સાફ કરતી. કોણ કહે તારાં લગન થવાનાં છે ?’’

‘‘એ વાત પછી. પહેલા મને કહો કે તમે વસુમા પાસે પાછા કેમ ના ગયા ?’’

સૂર્યકાંત ચૂપ રહ્યા, પણ એમને મહેન્દ્ર સાવલિયાનું લોહીમાં લથપથ શરીર યાદ આવી ગયું. એ પછી એમને ખાસ્સાં વર્ષો સુધી ભારત જતાં પહેલાં એ દૃશ્ય યાદ આવતું અને એ જે રીતે જવાનું માંડી વાળતા એ દરેક પ્રસંગ યાદ આવ્યા.

એ પછી મુંબઈમાં તપાસ કરાવવાની હામ અને બુદ્ધિ આવી ત્યારે પહેલાં કૃષ્ણપ્રસાદનું અવસાન અને પછી રોહિતના પ્રશ્નોએ એમને જે રીતે બાંધ્યા એ બધું જ એમની નજર સામે એક વાર તરવરી ગયું.

‘‘બેટા, માણસ જ્યારે જ્યારે જે કંઈ કરવા ધારે એ પ્રમાણે કરી શકેને તો ઈશ્વરમાં એનો વિશ્વાસ જ ના રહે ! માણસ અને એની ઇચ્છા વચ્ચેનું અંતર એટલે એની શ્રદ્ધા અને વિશ્વાસ !’’

‘‘ડેડી, મારી મમ્મી તમને ફસાવીને જતી રહી, નહીં ?’’ લક્ષ્મીએ ફરી એક વાર નાક લૂછ્‌યું. એની રાખોડી આંખો અને નાકનું ટોપકું લાલ લાલ થઈ ગયા હતા.

‘‘ના રે બેટા ! ઊલટાની મેં એને ફસાવી.’’ સૂર્યકાંતની આંખોમાં પાણી આવી ગયા. એના સ્મિતાના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે એણે જે કહેલું એ યાદ આવી ગયું. સ્મિતાના હાથમાં પકડેલો હાથ એમણે જે વિશ્વાસ અને વહાલથી પંપાળ્યો હતો એ લાગણી જાણે આજે પણ એમની હથેળીમાં થઈ રહી. સામે સ્મિતાનો ફોટો હતો, સૂર્યકાંતથી એને પુછાઈ ગયું, ‘‘તને મારામાં વિશ્વાસ છે ને ?’’

...અને સૂર્યકાંત જાણે એ આખોય પ્રસંગ ફરી એક વાર જીવતા હોય એમ જાત સાથે જ સંવાદ કરી રહ્યા.

‘‘તને મારામાં વિશ્વાસ છે ને ?’’

‘‘મારી જાતથીયે વધારે.’’ સ્મિતાએ કહ્યું હતું. એને શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. એણે સૂર્યકાંતની આંખોમાં જોયું હતું અને જાણે એમનું સર્વસ્વ માગતી હોય એવા અવાજે પૂછ્‌યું હતું, ‘‘કાન્ત, એક વચન માગવું છે, આપીશ ?’’

‘‘તું જે માગીશ એ આપીશ... મારો જીવ આપીને પણ તને બચાવી શકાતી હોય તો તને બચાવી લઉં.’’ સૂર્યકાંતને અત્યારે પણ ડૂમો ભરાઈ ગયો.

‘‘તને મળ્યા પછી જાણે જીવવાની ઇચ્છા જાગી ઊઠી. રોજેરોજ ઈશ્વરને પ્રાર્થના કરતી કે હજી બે-ચાર દિવસ વધારે તારી સાથે જીવી શકાય...’’ સ્મિતાના શ્વાસોશ્વાસ અત્યારે પણ જાણે આ ઓરડામાં ઉફણાતા હતા, ‘‘પણ એટલાં પાપ કર્યાં છે કે ભગવાન મારી પ્રાર્થના નહીં સાંભળે... પણ તું તો સાંભળીશ ને ?’’ સ્મિતાની ભીની આંખોમાં જાણે ઢગલાબંધ વહાલ અને આજીજી હતા, ‘‘આવતા જન્મે મને પરણજે.’’ સ્મિતાએ પોતાના હાથમાં પકડેલો સૂર્યકાંતનો હાથ જોરથી દબાવ્યો હતો, ‘‘બોલ, આપે છે વચન ?’’

‘‘હા.’’ સૂર્યકાંતથી અત્યારે પણબોલાઈ ગયું અને આંખો મીંચતાં જ સામે વસુંધરાનો ચહેરો હસી રહ્યો. સૂર્યકાંતે આંખો ખોલી, સામે ભીંત પર લગાડેલો સ્મિતાનો મોટો ફોટો બાપ-દીકરી તરફ જોઈને હસતાં હસતાં કહી રહ્યો હતો, ‘‘હું તો છું જ ! આ ઘરની દીવાલોમાં, ફર્શમાં, છતમાં, હવામાં... તમારા બંનેમાં અને આ પળે, આ ઓરડામાં પણ હું હાજર જ છું.’’

‘‘ડેડી ! તમને ક્યારેય વિચાર ના આવ્યો કે તમે મને લઈને ભારત જતા રહો.’’

‘‘નહીં આવ્યો હોય બેટા ?’’ સૂર્યકાંતની આંખો બંધ હતી. એની નજર સામે વસુંધરા અને સ્મિતાના ચહેરા એકબીજામાં ભળતા, છૂટા પડતા અને ફરી ભળી રહ્યા હતા, ‘‘રોહિતને અને આ બિઝનેસને રેઢો મૂકીને જવાય એમ નહોતું...’’ પછી સહેજ અટકીને, ઊંડો શ્વાસ લઈને એમણે ઉમેર્યું, ‘‘ત્યાંની સ્થિતિની મને ખબર નહોતી બેટા, અને...તારા નાના એમ તને લઈને જવા દે એમ નહોતા.’’

‘‘ડેડી !’’

‘‘હા બેટા, જુઠ્ઠું નહીં બોલું, મેં પ્રયત્ન કર્યો હતો... તારા નાના સાથે વાત કરવાનો, પણ સ્મિતાની છેલ્લી નિશાની અને એમના બે ગ્રાન્ડ ચાઇલ્ડમાં એમનો જીવ એટલો તો અટવાયેલો હતો કે તમને લઈને જાત તો કદાચ એ જીવ્યા જ ન હોત.’’

‘‘એ તો આમેય...’’

‘‘હા બેટા, એ અકસ્માત હતો. એ ગુજરી ગયા પછી રોહિતની ઉંમર અનેમનઃસ્થિતિ એવી હતી કે એ કોઈ રીતે મારી સાથે આવવા તૈયાર ના થયો.’’

‘‘ઓહ ડેડી ! તમે અમારા માટે...’’

‘‘તમારા માટે શું કામ બેટા ? મારા માટે...’’ સૂર્યકાંતનો હાથ હજીયે લક્ષ્મીની પીઠ પર, એના માથા પર ફરી રહ્યો હતો, ‘‘મારાં સંતાનો હતાં તમે ! મારું લોહી નહોતાં તો શું થયું? મારું વહાલ, મારી જવાબદારી તો હતા ને ? શું મોં બતાવત તારી માને ?’’

‘‘ડેડી, કોઈ સગાં સંતાનો પણ આટલું ના કરે, જ્યારે તમે તો સાવકા...’’

‘‘શટ-અપ !’’ સૂર્યકાંતે લગભગ ચીસ પાડી, ‘‘કોને સાવકા કહે છે તું ? મારા રોહિતને ? તારી જાતને ? બેટા, જેટલો મારો અજય કે અંજલિ મને વહાલાં છે, એનાથી એક તસુયે ઓછો રોહિત નહોતો કે એક રતિભર ઓછી તું નથી.’’ સૂર્યકાંતે લક્ષ્મીને છાતી સાથે ભીંસી દીધી. લક્ષ્મીએ પણ પોતાના બંને હાથ સૂર્યકાંતના ગળામાં નાખીને એમને વહાલ કરવા માંડ્યું.

ત્યાં જ લક્ષ્મીના ફોનની રિંગ વાગી હતી...

‘‘ક્યાં છે તું ?’’ નીરવે ગુસ્સામાં પૂછ્‌યું હતું.

એ પછી ચાલેલી વાતચીત અને લક્ષ્મીના ચહેરા પરની લાલીમા જોઈને સૂર્યકાંતને વિચાર આવ્યો હતો, ‘‘અમારા જમાનામાં આવા ફોન કેમ નહોતા ?’’

શ્રેયા ઇસ્કોન મંદિરમાં દાખલ થઈ ત્યારે બે-ચાર લોકો મંદિરના વિશાળ હોલમાં બેસીને ઈશ્વર સ્મરણ કરી રહ્યા હતા. કૃષ્ણ-રાધાની સુંદર શણગાર સજેલી મૂર્તિ, અદભુત લાઇટિંગ અને શાંતિનું એક ગજબ પવિત્ર વાતાવરણ હતું અહીં. ખૂણામાં બેઠેલા થોડા હરેકૃષ્ણ ભક્તો મૃદંગ અને મંજિરા સાથે કૃષ્ણભજનો ગાઈ રહ્યા હતા.

શ્રેયા મૂર્તિની સામે હોલની વચ્ચોવચ બેસી ગઈ. કંઈ જ બોલ્યા વિના બસ, મૂર્તિની સામે જોતી રહી. એની આંખોમાંથી ઝરઝર આંસુ વહેતાં હતાં. ન એણે હાથ જોડ્યા, ન નમસ્કાર કર્યા. બસ, મૂર્તિની સામે જોતી રહી.

વસુમાએ કહ્યું હતું એમ જ એણે ઈશ્વરની આંખોમાં આંખો નાખી હતી... એના અંતરમાં વસતો એનો કાનો એની ફરિયાદ ના સમજે એ શક્ય જ નહોતું એવો શ્રેયાને વિશ્વાસ હતો.

આસપાસથી પસાર થતા એક-બે લોકોએ એને રડતી જોઈ પરંતુ મંદિરમાં સૌ પોતાની શ્રદ્ધા પ્રમાણે વર્તે એમ માનીને એને ખલેલ પહોંચાડ્યા વિના એ લોકો પસાર થઈ ગયા.

શ્રેયાના મનમાં પ્રતિ ક્ષણ જુદો વિચાર આવતો હતો. અજબ પ્રકારનું દ્વંદ્વ હતું આ. પિતા અને પતિ વચ્ચે, પ્રેમ અને જવાબદારી વચ્ચે, લાગણી અને ફરજ વચ્ચે, ઇચ્છા અને નકાર વચ્ચે, સ્વપ્ન અને સત્ય વચ્ચે...

બી.ઈ.એસ.ટી.ની બસમાં ચડી બેઠેલો અલય હજીયે ગુસ્સામાં હતો. બારી પાસે બેસીને એ ડાબી બાજુ દેખાતો દરિયો જોઈ રહ્યો હતો. ત્યાં એના મોબાઇલની િંરગ વાગી. એણે બેગમાંથી સેલ કાઢ્યો.

‘‘સર...’’ માજીદના અવાજમાં ઉત્સાહ માતો નહોતો.

‘‘બોલો.’’ અલયને જાણે કોઈ વાતમાં રસ નહોતો.

‘‘સર, ફિલ્મ સેન્સર પાસ થઈ ગઈ. નોટ અ સિંગલ કટ સર...’’ માજીદ બૂમો પાડી રહ્યો હતો.

‘‘તો ?’’

‘‘સર ?’’ માજીદને અલયના આ ઠંડા રિસ્પોન્સથી નવાઈ લાગી.

‘‘સર્ટિફિકેટ લઈને કાલે સવારે મળ મને.’’ અને માજીદ આગળ કંઈ બોલે એ પહેલાં અલયે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

એ ફોન બેગમાં જ મૂકવા જતો કે ફરી રિંગ વાગી.

અનુપમા કોલિંગ !

ફોન ઉપાડવો કે નહીં એવું વિચારતો અલય સેલફોનના સ્ક્રિન પર લખાયેલું નામ ફ્લિકર થતું જોઈ રહ્યો.

શ્રેયા કોણ જાણે કેટલી વાર મંદિરમાં બેસી રહી હશે. મોટા સભાગૃહમાં એક તરફ ખૂણામાં બેસીને એ ક્યાંય સુધી આંખો બંધ કરીને ઈશ્વરસ્મરણ કરતી રહી. ધીરે ધીરે એનું મન શાંત થવા લાગ્યું. એણે આંસુ લૂછ્‌યાં. ફરી એક વાર મૂર્તિ તરફ જોયું, ‘‘કાના, આજે તને કોઈ વિનંતી નથી કરતી, નથી તારી પાસે કંઈ માગતી. બસ, મારા માટે અને બીજા સૌ માટે જે ઉત્તમ હોય એવું કરજે.’’ એણે મનોમન કહીને હાથ જોડ્યા અને ફરી એક વાર આંખો બંધ કરીને માથું નમાવ્યું.

બંધ આંખોની સામે અલયનો ગુસ્સાવાળો ચહેરો તરવરી રહ્યો. એના રડું રડું થતા ચહેરા, નાકનાં ફૂલેલાં ફણાં અને થથરતા હોઠ હજીયે શ્રેયાને વિચલિત કરી રહ્યાં હતાં, ‘‘કેટલાં વર્ષોનો સંબંધ હતો આ ? આ પળની અમે બંને કેટલી રાહ જોઈ હતી ? અલયની વાત સાવ ખોટી નથી... હું જાણતી જ હતી કે પપ્પા આવી જ રીતે વર્તવાના છે. પછી કઈ રીતે આટલી બધા હાલી ગઈ હું ?’’ શ્રેયાએ મનોમન પોતાને જ પૂછી નાખ્યું. પછી ધીમે રહીને ઊભી થઈ અને કશુંક નક્કી કરીને મંદિરની બહાર નીકળી. જતી ઓટોને હાથ કરીને એ ઓટોમાં બેઠી...

એની ગાડી તો ત્યાં જ કોફીશોપ પાસે પડી હતી. ઉદ્વિગ્ન મનોદશામાં ચાલતાં ચાલતાં મંદિર પહોંચી ગયેલી શ્રેયાને ગાડી પણ યાદ નહોતી રહી !

અલયે માજિદને કહ્યું, ‘‘સર્ટિફિકેટ કલેક્ટ કરીને કાલે મળ મને.’’ ફોન ડિસકનેક્ટ કરીને બેગમાં મૂકવા જતો હતો કે તરત રિંગ વાગી, ‘‘અનુપમા કોલિંગ...’’

અલય સ્ક્રિનની સામે જોઈ રહ્યો.

ફોન ઉપાડવો કે નહીં એ વિચારી રહેલા અલયે ફોન ઉપાડ્યો.

‘‘ફિલ્મ સેન્સર થઈ ગઈ. નોટ અ સિંગલ કટ.’’ અનુપમાનો અવાજ ઉત્સાહથી છલકાતો હતો.

‘‘હમ... માજિદનો ફોન આવી ગયો.’’

‘‘જે પ્રકારનાં બોલ્ડ દૃશ્યો કર્યાં હતાં તેં એનાથી મને જરા બીક લાગતી હતી.’’

‘‘હમ...’’ અલયનું મગજ ક્યાંય બીજે કામ કરી રહ્યું હતું.

‘‘અને એ દૃશ્યો કપાઈ જાય તો વાર્તાને નુકસાન થાય.’’ અનુપમા હજી કહી રહી હતી, ‘‘ક્યાં છે તું ?’’

‘‘અહીં...’’ પછી અલયે આસપાસ જોયું, ‘‘જૂહુમાં...’’

‘‘ઓહ ! એટલે મારા ઘરની નજીક.’’

‘‘હા, કેમ ?’’

‘‘આવ, સાથે જમીએ.’’

‘‘અ...મારે થોડું...’’

‘‘ના આવવું હોય તો ના પાડ, કામનું બહાનું નહીં કર. લંચ કરવા બોલાવું છું, જમીને જતો રહેજે. આટલા સારા સમાચાર આવ્યા છે એટલે મને થયું...’’

પહેલાં અલયને થયું કે એ સ્પષ્ટ ના પાડી દે. ગૂંચવાયેલી પરિસ્થિતિને વધુ ગૂંચવવા અનુપમાને ઘેર જવાની જરૂર નહોતી જ, પણ પછી એને વિચાર આવ્યો કે અત્યારે ક્યાં જઈ શકાય ?

એને ઘરે નહોતું જવું. શ્રેયા ચાલી ગઈ હશે, હવે નીરવ અમેરિકા હતો... અને ફિલ્મનું કશું જ કામ બાકી નહોતું...

એનું મન ખાસ્સું મથામણમાં હતું, ‘‘બીજે ક્યાંય જઈને ટાઇમ પાસ કરવા કરતાં અનુપમાને ત્યાં જઈને લંચ કરવામાં કંઈ વાંધો નથી.’’ એને વિચાર આવ્યો, ‘‘લંચમાં તો કદાચ સંજીવ પણ હોય ત્યાં...’’

અલય હજી ફોન હાથમાં પકડીને એમ જ, વિચારતો ઊભો હતો.

‘‘હલો... હલો... તું સાંભળે છે ?’’ સામે છેડે અનુપમા પૂછી રહી હતી.

‘‘હા, હા...’’ અલયે એ જ ક્ષણે નિર્ણય કર્યો, ‘‘હું આવું છું.’’ પછી એણે ફોન ડિસકનેક્ટ કર્યો અને બસ ઊભી રહી ત્યાં ઊતરી ગયો. એણે રિક્ષા માટે આમતેમ જોવા માંડ્યું.

અલયની જાણ બહાર સામેની દિશામાં શ્રેયાની ઓટો પસાર થઈ. શ્રેયાએ અલયને આમતેમ જોતો જોયો, પણ રોડ ડિવાઇડરને કારણે એ ઊતરે અને આ તરફ આવે એ પહેલાં તો અલય સામેથી આવતી ઓટોને હાથ કરીને અંદર બેસી ગયો.

શ્રેયા ઓટોના પૈસા આપીને આ તરફ આવી. કોણ જાણે કઈ સિક્સ્થ સેન્સથી કે અલયની ચિંતાને કારણે એણે તરત જ પાછળ આવેલી બીજી ઓટોને હાથ કર્યો અને એમાં બેસીને કહ્યું, ‘‘વો આગે વાલી ઓટો કે પીછે લે લો...’’

(ક્રમશઃ)