Losted - 29 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 29

લોસ્ટેડ - 29

રિંકલ ચૌહાણ

"સર લોસ્ટેડ મર્ડર કેસ નો ચાર્જ ઈ. વિજય શર્મા સંભાળી રહ્યા છે. એમણે જીગર રાઠોડ ને અરેસ્ટ કરવાની બધી તૈયારી કરી લીધી છે." કોન્સ્ટેબલ ખાન પાર્કિગ ના ખુણે ગાડીની ઓથે ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા.
"થેંક્યું ખાન; હવે તમે મને ફોન નહી કરતા, બાકી નુ બધુ હું સંભાળી લઈશ." રાહુલ ફોન કાપી પાછળ ફર્યો ત્યારે એની નજર પીલર ને અઢેલી ને ઊભેલી આધ્વીકા પર પડી.
"હું એક ખાસ કામથી બહાર જઉં છું, રયાનને મળીશ તો એ હજારો સવાલ કરશે અને હું જવાબ નહી આપી શકું તો આ ચિઠ્ઠી આપી જઉં છું. મારા ગયા પછી રયાન ને આપી દેજે." આધ્વીકા એ એક ચિઠ્ઠી રાહુલના હાથમાં આપી.
"આધ્વીકા હું પુછી શકું કે તું ક્યાં...." રાહુલની જીભ થોથવાઈ ગઈ, આગળના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા.
"હું માઉંટ જઈ રહી છું, આ...આ આપણી છેલ્લી મુલાકાત છે.... કદાચ." આધ્વીકા એ ઊંડો શ્વાસ લીધો અને ઉમેર્યું, "તમારી પણ એ જ ઇચ્છા હતી ને ઈ. રાહુલ કે હું તમારાથી દૂર રહું..." વાત અધૂરી મૂકી ને પાછળ જોયા વગર જ એ સડસડાટ ત્યાંથી નીકળી ગઈ.
કોરી નિસ્તેજ આંખો થી રાહુલ ક્યાંય સુધી પોતાના થી દૂર-દૂર જઈ રહેલી આધ્વીકાને જોઈ રહ્યો.

***

"પહેલા આધ્વીકા એ મને મેસેજ કરી પેલી મિતલ ની આત્મા ને બાબા જોડે જઈ આઝાદ કરાવવાનું કીધું. અને એ પણ કેવી આઝાદી, કે એની આત્મા આઝાદ થાય પણ પોતાની મરજીથી કંઈ ન કરી શકે. પછી મમ્મી બેહોશ થઈ ગઈ અને એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. અને પહેલી વાર મમ્મી મારી સામે જુઠું બોલી, મમ્મી એવું કેમ બોલી હતી કે એના કારણે આધ્વીકા અને મીરા અનાથ થઈ ગઈ." જીજ્ઞાસા આખી રાત ઊંઘી નહોતી, સતત આ જ વિચારો એના મનમાં આવ-જા કરી રહ્યા હતા.
"જીજ્ઞા બેટા હું શું કહેતી હતી મીરા, ચાંદની અને મોન્ટી ને હવે ઘરે બોલાવી લઈએ? મારું મન ઉચાટ કરે છે, બાળકો મારી નજર સામે રહેશે તો મને થોડી શાંતિ મળશે." આરાધના બેન રૂમમાં આવતાં બોલ્યાં.
"મામી આધ્વીકા એ કીધું છે કે એક અઠવાડીયું મોન્ટી ને ગુજરાતની બાર જ રેવાનું છે. તમે ચિંતા ના કરો ચાંદની, મીરા અને મોન્ટી સુરક્ષિત જગ્યાએ છે અને એન્જોય કરી રહ્યા છે."
"જીજ્ઞા, શું થયું બેટા? તારો અવાજ આટલો બુઝાયેલો કેમ છે? તારી આંખો કેમ સુજાયેલી છે? તું આખી રાત જાગી છે ને? સાચું બોલ જે પણ હોય." આરાધના બેન એ જીજ્ઞાસાનો ચહેરો પોતાના બન્ને હાથમાં લીધો.
"મા એવું બોલી હતી કે એના કારણે આધ્વીકા અને મીરા અનાથ થઈ ગઈ, અને જ્યારે મે પુછ્યું તો મા મારી સામે જુઠું બોલી. મામી તમે પણ બધી વાત જાણો છો ને?" જીજ્ઞાસા રડું રડું થઈ ગઈ હતી.
"જીજ્ઞા બેટા રડ નઈ, તું શાંતી થી ઓફિસ જા હાલ. હું તને વચન આપું છું કે એક વાર જયશ્રીબેન ઠીક થઈ જાય પછી હું તને સાચી વાત જણાવીશ." જીજ્ઞાસા ના માથા પર હાથ ફેરવી આરાધના બેન રૂમની બાર નીકળી ગયા.

***

ગામના બસ સ્ટેન્ડ આગળ આવી આધ્વીકા એ ગાડી ને બ્રેક મારી, "મને માફ કરી દેજો રાહુલ, હું જુઠું બોલી તમારી સામે. હું માઉંટ નથી જઈ રહી, અને જ્યાં જઈ રહી છું એ હું તમને કહી શકું એમ નથી." આધ્વીકા એ ગાડી ચાલું કરી બાલારામ તરફ લીધી. હેવન વિકેન્ડ હોમ આગળ ગાડી પાર્ક કરી આધ્વીકા એ જયેશને ફોન લગાવ્યો, ત્રીજી રીંગ એ જ જયેશ એ ફોન ઉપાડ્યો.
"હું તમને જ ફોન કરવાનો હતો મેડમ, જેવો તમારો મેસેજ જોયો મે તરત જ કામ ચાલું કરી દીધું હતું. મિતલ એ ગાડીમાં બેસી નીકળી પછી એ ગાડી આબુરોડ ગઈ હતી, પછી એજ દિવસે સાંજે એ ગાડી પાછી ચિત્રાસણી આવી અને એના ત્રીજા દિવસે એ ગાડી પાછી અમદાવાદ આવી." જયેશ એ વાત પુરી કરી.
"થેંક્યું સો મચ જયેશ, મે એક મેસેજ કર્યો કે મિતલ એ ગાડીમાં બેઠી પછી એ ગાડી ક્યાં ક્યાં ગયેલી. અને તે આટલા ઓછા સમયમાં આટલી જાણકારી કાઢીને આપી. તારું પેયમેન્ટ ઓફીસ જઈ લઈ લેજે, હું વાત કરી લઈશ." આધ્વીકા એ ફોન મૂક્યો ત્યારે તેને લાગ્યું કે તેની પાછળ કોઈ છે.
"તું જે સમજી રહી છે એ બરોબર છે, હું જ છું તારી પાછળ...." એક અટ્ટહાસ્ય હવામાં વિખેરાયું.
"તું મારા ભાઈને કઈ રીતે ઓળખે છે? તમે બધા એકસાથે આબુરોડ કેમ ગયા હતા? એ દિવસે શું થયું હતું મિતલ?" આધ્વીકા એ પાછળ જોયુ ત્યારે ત્યાં કોઈ નહોતું.
"જતી રહી લાગે છે." આધ્વીકા એ મનોમન વિચાર્યું અને આગળ જોયું ત્યારે એક બિહામણી વિકરાળ આકૃતિ એની લગોલગ હતી. વહેલી સવારના શિતળ વાતાવરણમાં પણ આધ્વીકા ને માથે પરસેવો બાઝી ગયો.
"એ દિવસે શું થયું હતું એ તું તારા ભાઈને કેમ નથી પુછી લેતી, આઈ એમ સ્યોર સાચી વાત જાણ્યા પછી તું જે આ પ્રયત્નો કરી રહી છે ને તારા લાડલા ભાઈને બચાવવાના એ પ્રયત્ન બંધ કરી તું પોતે જ એને જેલમાં બંધ કરી દઈશ." ધુમાડાથી બનેલી એ આકૃતિ એ જવાબ આપ્યો અને એ આકૃતિ હવામાં વિખેરાઇ ગઇ.
"તું કહેવા શું માંગે છે? શું કર્યું છે મારા ભાઈએ? મિતલ ક્યાં ગઈ તું જવાબ આપ..... શું કર્યું છે મારા ભાઈએ?" આધ્વીકા બુમો પાડતી રહી પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો.

ક્રમશઃ