Jivan Aek Sangharsh - 14 books and stories free download online pdf in Gujarati

જીવન એક સંઘર્ષ - 14

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-14

આપણે પ્રકરણ-13 માં જોયું કે ઐશ્વર્યાને વિઝા મળી ગયા છે એટલે આશ્કા, તેનું તેમજ ઐશ્વર્યાનું પેકિંગ કરી રહી હતી. કપડાના પેકિંગની સાથે સાથે આશ્કા મમ્મી-પપ્પાની મીઠી વાતો, છૂપો પ્રેમ અને અઢળક સલાહ પણ પેક કરી રહી હતી. અને મમ્મી-પપ્પાને તેની ચિંતા ન કરવા કહી રહી હતી કે, " આ હવે પહેલાની ડરપોક અને બીકણ આશ્કા નથી રહી. સમીરે ડાયવોર્સ આપ્યા અને મીતુલે ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તે આશ્કાનું મૃત્યુ થયું હતું હવે તમારી સામે જે આશ્કા ઉભી છે તે બહાદુર આશ્કા છે હવે તેને ઘરમાંથી કોઇ કાઢી મૂકશે નહિ. પપ્પા તમે મારી હવે બિલકુલ ચિંતા કરશો નહીં. અને યુ એસ એ આવવાની તૈયારી રાખજો તમને હું થોડાક જ સમયમાં યુ એસ એ બોલાવી લઇશ. " અને પપ્પાને મનાવતી હોય તેમ વ્હાલથી પોતાના પપ્પાને ભેટી પડતી.

અને મનોહરભાઇ અને રમાબેનની આંખમાં આંસુ આવી ગયાં. તેમને પણ થયું કે આશ્કા હવે જીવનના કડવા અનુભવોને કારણે ઘડાઇ ગઇ છે. હવે અમારી દીકરી ક્યાંય પાછી નહિ પડે...!! ( સમય માણસને ઘણું બધું શીખવાડી જાય છે. )

આશ્કાને જવાનો દિવસ હવે નજીક આવી ગયો હતો. મમ્મી-પપ્પાને તો જાણે આ વખતે આશ્કાને હવે પોતાનાથી દૂર મોકલવી જ ન હતી તેમ પપ્પાએ તો એકવાર કહ્યું પણ ખરું કે, " હવે તું યુ એસ એ પાછી ન જાય તો ન ચાલે બેટા, તારી ઉપર વિશ્વાસ છે બેટા કે તું હવે હિંમત નહિ હારે પણ આ સમય ઉપર વિશ્વાસ નથી બેટા, એ તને છેતરી જશે તો...!! હવે તારું દુઃખ અમારાથી નહિ જીરવાય બેટા. " અને પપ્પા રડી પડ્યા એટલે આશ્કાની આંખમાં પણ આંસુ આવી ગયાં, એક વખત તો તેને પણ એવો વિચાર આવી ગયો કે, મમ્મી-પપ્પાને એકલા મૂકીને ક્યાંય નથી જવું હવે, પણ પછી તેને ઐશ્વર્યાનો વિચાર આવતો કે તેના ફ્યુચરનું શું...?? એ ઇનોસન્ટ બાળકે શું ગૂનો કર્યો છે...?? તેને હું કઇરીતે સજા આપી શકું...?? અને એક ઉંડો નિ:સાસો નાંખે છે. અને નિસર્ગ....કદાચ નિસર્ગ મને સાચા દિલથી પ્રેમ કરતો પણ હોય...!! મેં તેને પ્રોમિસ આપી છે કે હું ઐશ્વર્યાને લઇનેયુ એસ એ આવી જઇશ... હું તેની સાથે કઇરીતે ચીટીંગ કરી શકું...??

અને આશ્કા ઐશ્વર્યાને લઇને સપનાઓની ઉડાન ભરીને યુ એસ એ પહોંચી ગઇ...નિસર્ગ તેને અને ઐશ્વર્યાને પીકઅપ કરવા માટે આવી ગયો હતો. નાની માસુમ ઐશ્વર્યાને જોઇને, પોતાની દીકરીને ભેટે તેમ નિસર્ગ ભેટી પડ્યો હતો. આશ્કા બાપ-બેટીનો પ્રેમ જોઇ રહી હતી અને વિચારી રહી હતી કે હવે મારી ઐશ્વર્યાને પિતાનો પ્રેમ મળશે અને ખુશી સાથે બોલી ઉઠી કે, " બાપ-બેટીનું ભેટવાનું પૂરું થઇ ગયું હોય તો આપણે હવે ઘરે જઇએ...!! " અને પછી રસ્તામાં ઐશ્વર્યા સાથે મીઠી મીઠી વાતો કરતા કરતા રસ્તો ક્યાં કપાઈ ગયો તેની ખબર પણ ન પડી અને નિસર્ગનું તેમજ આશ્કાના સપનાનું ઘર આવી ગયું. જ્યાં આશ્કાએ નિસર્ગ સાથે એક નવા જીવનની શરૂઆત કરી હતી.

જેટલું બ્યુટીફૂલ યુ એસ એ હતું એટલું જ બ્યુટીફૂલ આશ્કાનું હાઉસ અને તેનું જીવન હતું. નિસર્ગ આશ્કાને તેમજ ઐશ્વર્યાને ખૂબજ પ્રેમ કરતો હતો. આશ્કાનો પરિવાર એક સંપૂર્ણ પરિવાર લાગી રહ્યો હતો અને નિસર્ગ બીજું બાળક લાવવાની પણ
" ના " પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, " આપણે ઐશ્વર્યાને ખૂબજ લાડથી ઉછેરીને મોટી કરવી છે અને મારે તેને ખૂબ ભણાવવી છે. " આશ્કા હવે ખૂબજ ખુશ હતી. પણ આશ્કાની ખુશી જાણે થોડા સમય માટેની જ હોય તેમ તેના જીવનમાં બીજી એક આફત આવે છે. આશ્કાના જીવનમાં બીજી શું આફત આવે છે... વાંચો આગળના પ્રકરણમાં.....