Amy Poems (Part-3) books and stories free download online pdf in Gujarati

અમી કાવ્યો (ભાગ -3)


ઘર...

જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર
એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર
દિલનાં તાર તાર ગૂંથાયેલા હોય આપ્તજનોથી,
મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ઘર.

લાગણીઓનાં જ્યાં ઘોડાપુર હોય, સ્નેહમાં તણાતાં,
પ્રેમની નૈયામાં સમાતા,ખડખડાટ હાસ્યથી ભીંજાતા,
દૂર દૂરથી અનુભૂતિનો થતો રહેતો અહેસાસ ઘરનો,
અદ્રશ્ય ડોરથી ખેંચાય મન ઘર તરફ આળોટવા પ્રેમમાં.

ઘર છે એક મંદિર સમું જ્યાં હોય ભરપૂર આસ્થા,
વિશ્વાસની ડોરી ખમી ગઈ જ્યાં પ્રકાશિત દીવો થયો,
શ્રધ્ધા રાખી એકમેકના દિલમાં, સ્વર્ગ ઉતરી આવ્યું,
મનની શાંતિ મળે છે જ્યાં લાગણીઓ ઉભી ઉંબરે.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

યાદો ની ઉજાણી...


યાદો નું આવ્યું વંટોળ, લઈને વાવાઝોડું,
જાગૃત થઈ યાદો, કરી ઉજાણી હરખથી.

તારી મારી યાદોના સંભારણા છે મધુર,
સ્મિતભરી યાદોની, ઉજાણી જીવનભર.

તારી યાદ સાથે ગમ આવે, તો સહી લઉં છું હું,
ગમની નથી ગુલામ, ગમની પણ ઉજાણી કરું હું.

યાદની સાથે આવે દિલમાં, એક કસક મીઠી,
દિલની કસક સાથે, આંસુઓની ઉજાણી કરું હું.

તારી એક એક યાદના કિસ્સા છે, રુહને સ્પર્શતા,
રુહ આનંદિત છે,તો કેમ ના કરું હું ઉજાણી ???

""અમી""


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ઈશ્વર દીવાદાંડી...


ઇશ્વર કરે અનેક રચના, એક રચનાનો હું ભાગ,
જિંદગીમાં સામે ધરી દીવાદાંડી, હું તારી સાથ.

ભવસાગર મધ્યે હું બિરાજુ છું તુજ કાજ,
રસ્તે રાખી દીવાદાંડી, સાગરક્ષિતિજ ની પાર.

જીવનમાં ન તું કદી હારતી ટમટમતી હું આશ,
રાખજે નજર મારા પર, દિશાનો તારો આધાર.

દીવાદાંડી ઉભી અડીખમ, દૂર દૂરથી હરખાય,
આવ્યું કોઈ સ્વજન નજદીક, ઇશ પુરે આશ.

તું તારા દીવાની દાંડી થઈને ફેરવ એક નજર,
જિંદગીમાં બન તું તારો દીવો, પ્રકાશ ચારેકોર.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ભીતરનું અજવાળું...


રાહ જોવામાં થઈ ગયું અજવાળું,
અંધકારમાં જોવાતી રહી વાટડી નૈનોથી.

સ્મરણોનાં અજવાળાથી આંખ થઈ રાતી,
યાદે યાદે અજવાળાથી વહી રહી આંખલડી.

અવાઝના સ્મરણથી ધબકી ઉઠી ધડકન,
કર્ણમાં થયું અજવાળું યાદ આવ્યો ટહુકો.

લાગણીઓનું અજવાળું વરસે અનરાધાર,
પ્રેમનાં અજવાળે ખોલ્યા ભીતરના દ્વાર.

મનકેરા અજવાળે વિચારો ઝગમગ થાય,
ચિત થયું સ્થિર માયલો મંદ મંદ મુસ્કાય.

ભીતર થયું અજવાળું, આત્મદીપ પ્રગટ્યો,
બુજ્યો દીવો, થઈ ધૂર્મસેર, મહેક પ્રસરાવી.

જિંદગીમાં અજવાળાનાં થયા પાથરણા,
પાથરણે કદમ ભરીને માણી મસ્તાની જિંદગી.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

અરીસો....


અરીસા વગરની ખૂબસૂરતી અધૂરી,
કે ખૂબસૂરતી વગરનો અરીસો અધુરો ???

અરીસો છે અસલી રાઝદાર સૌનો,
અસલ રંગ બતાવે, માને કોણ??

જીવનનું વાસ્તવિક પ્રતિબિંબ જીલે,
કલ્પનામાં રાચતો કલ્પનામાં જુએ ???

સત્યની ચરમસીમા કહી બતાવે,
અસત્યનો પરદો કોઈ હટાવા દે???

જાદુઇ અરીસો જ્યારે કમાલ કરે,
અસ્તિવ સાચું બતાવાની ધમાલ કરે???

જ્યારે સાચુ જીવન દર્પણ ઝીલાય,
અરીસો જ્યારે ચકચકિત ભાસે ???

આઇનાનાં થાય જ્યારે અસંખ્ય ટુકડા,
જીવનમનનાં ટુકડા સંધાતા દીસે ???.

અરીસાની મલિનતા કરીએ સાફ મિનિટોમાં,
શું મનની મલિનતા દૂર થાય જીવનભર ???.

""અમી""


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ટાઈપરાઇટર......


ટકટક નાં અવાઝ સાથે ઉદભવે અક્ષરો મઝાના,
ધીમા સંગીતનાં તાલે હાથની કરામત પામતા.

ક્યારેક મોટો અક્ષર ક્યારે બની જાય નાનો,
વાંચવામાં લાગે સરખો, જોવામાં ન આવે મજાનો.

દિલનાં ધબકારા ટકટક અવાઝમાં ભળી જાય,
પ્રેમથી ભીંજવતો પત્ર પળભરમાં લખાઈ જાય.

વિરહની વેદનાના સિસકારા, ખટખટમાં સમાય,
ચિત્કાર ધરબાઈને કાગળની શ્યાહીમાં સમાય.

ઉત્સવની ઉજવણીના શબ્દો હરખથી રેલાય,
આંગળીઓની લયમાં સંગીતની ઝડપ વધી જાય.

સામું બેઠું જુવે વાટ, આજે દિન મારો કેવો જાશે,
વિરહમાં છલકતા આંસુઓ કે થપાટોની આજે હેલી.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ચાંદ.....

ચાંદ ની ચાંદની નિખરી છે આજે,
ચાંદ ફુલબહારમાં ખીલ્યો છે આજે.

ધીરે ધીરે તેજ પુરીને પ્રકાશમય આજે,
દુનિયાને ભાન કરાવતો ધીરજની આજે.

નથી બતાવતો વ્યથા ભોગવે છે ખુદ,
અમાસ પછી પૂનમ હોય છે જ્યારે.

ઉપમા આપે સૌ ચાંદની, હરખે આપ્તજન,
જાણે સાચે ઊતર્યો ચંદ્ર આભેથી ધરતી પર.

ચાંદ છે મસ્ત, શિવ ભાલે હું સોહાવું,
શ્રાપ યાદ કરીને હું શું કરવા પસ્તાવું.

રાખો શીતળતા મનની, મન અતિ ચકોર,
મનનો કારક હું કહાવું, હું જ શીતળતા આપું.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

મારાં કાવ્ય સંગ્રહ ને ઉત્તમ પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર🙏🙏🙏