Yog-Viyog - 76 - last part in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 76 - છેલ્લો ભાગ

યોગ-વિયોગ - 76 - છેલ્લો ભાગ

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૬

નીરવ, રિયા અને લક્ષ્મી જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઊતર્યાં ત્યારે રિયાને રહી રહીને ભાગી છૂટવાની ઇચ્છા થતી હતી. દર બીજી મિનિટે એને એક જ વિચાર આવતો હતો અને એ હતો, વિષ્ણુપ્રસાદ ચોકસીના ગુસ્સાનો વિચાર...

નીરવ અને લક્ષ્મી જે રીતે અમેરિકામાં લગ્ન કરીને અહીં આવ્યાં હતાં એ પછી જે આગ લાગવાની હતી એની તમામ માનસિક તૈયારી સાથે રિયા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરવા માગતી હતી, પણ એના હૃદયમાં બેસી ગયેલી દહેશત એને વારે વારે એ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા ઉશ્કેરતી હતી. જોકે એ ભાગી શકે એમ નહોતી...

વોક થ્રૂ ચેનલમાંથી સામાન લઈને એ લોકો જ્યારે બહાર નીકળ્યા ત્યારે વિષ્ણુપ્રસાદ સામે જ ઊભા હતા. અલય, શ્રેયા અને નીરવના એક-બે બીજા મિત્રો પણ એમને લેવા આવ્યાં હતાં.

આટલા બધા લોકોને જોઈને એક રીતે રિયાને રાહ થઈ ગઈ, ‘‘વિષ્ણુ આ બધાની સામે તો બૂમાબૂમ નહીં જ કરે ! હાશ !’’

નીરવ અને લક્ષ્મી આગળ વધીને વિષ્ણુપ્રસાદને પગે લાગ્યાં. લક્ષ્મીના હાથમાં મહેંદી, લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર વગેરે વિષ્ણુની નજર બહાર નહીં જ રહ્યું હોય એવી રિયાને ખાતરી હતી...

‘‘પરણીને આવ્યો, એમ ને ?’’ વિષ્ણુપ્રસાદે ધાર્યા કરતા સાવ જુદો જ પ્રતિભાવ આપ્યો. રિયા એક ક્ષણ માટે વિષ્ણુપ્રસાદની સામે જોઈ રહી. પછી જાણે ઊંઘમાંથી જાગી હોય એમ તરત જ બોલવા માંડી, ‘‘મને તો ખબર પણ નહોતી. મારી પણ જાણ બહાર આ લોકો... વિષ્ણુ, તું તો ઓળખેને નીરવ...’’

‘‘એક નંબરનો જિદ્દી અને માથાનો ફરેલ છે...’’ વિષ્ણુપ્રસાદના ચહેરા પર સાવ ફિક્કું, પણ સ્મિત આવ્યું, ‘‘મને અત્યાર સુધી લાગતું હતું કે આ તારા ઘરવાળા પર પડ્યો છે, સાવ બીકણ ને બોદો, પણ હવે મને ખાતરી થઈ ગઈ કે એને મોટો ભલે તેં કર્યો, એનામાં જીન્સ તો વિષ્ણુપ્રસાદ ચોકસીના જ છે.’’ એમણે ખેંચીને નીરવને છાતીસરસો ચાંપી દીધો, ‘‘તું જિદ્દી છે તો હું તારો બાપ છું. લગન તું ભલે કરીને આવ્યો, પણ પાટર્ી તો થશે જ ! વિષ્ણુપ્રસાદ ચોકસીનો એકનો એક દીકરો પરણ્યો છે. ડાયમંડ બજારમાં ડંકો વાગી જવો જોઈએ.’’

‘‘ડેડી...’’

‘‘શટ-અપ, જસ્ટ શટ-અપ ! મારું ચાલે તો તને લાત મારીને ઘરમાંથી કાઢી મૂકું.’’ વિષ્ણુપ્રસાદ ચોકસીએ નીરવનો કાન પકડ્યો, ‘‘પણ આ છોકરાએ...’’ એમણે અલયનો ખભો થાબડ્યો, ‘‘આ છોકરાએ મને બે કલાક સમજાવ્યો છે.’’

‘‘એટલે તમે એના સમજાવ્યે મને ઘેર લઈ જાવ છો ?’’ નીરવે ઝટકો મારીને કાન છોડાવ્યો, ‘‘મારે નથી આવવું.’’

‘‘ન તો શું આવે, માણસો લાવ્યો છું તને ટીંગાટોળી કરીને લઈ જવા.’’ વિષ્ણુપ્રસાદ ચોકસીએ નીરવના ખભે જોરથી ધબ્બો માર્યો, ‘‘અને આજે ઘરમાં દાખલ થાય પછી પાટર્ી પૂરી ના થાય ત્યાં સુધી તું નજરકેદ રહીશ.’’ રિયા સામે જોઈને એમણે ઉમેર્યું, ‘‘તારી મા તારા ઝાંસામાં આવી જાય, મારું નામ વિષ્ણુપ્રસાદ ચોકસી છે. ચાલ...’’ કહીને એમણે એનું હેન્ડલગેજ લગભગ ઝૂંટવી લીધું. મહા લાડમાં અને વહાલમાં ઊછરેલી લક્ષ્મી બાપ-દીકરાની આ વિચિત્ર રિલેશનશિપ જોઈ રહી. રિયાએ હસીને એની સામે ખભા ઊંચક્યા અને હાથ લાંબો કરી જવાનો ઇશારો કર્યો.

‘‘ભાઈ...’’ આ આખા દૃશ્યમાંથી માંડ માંડ બહાર આવીને લક્ષ્મી અલયના ગળે વળગી પડી.

‘‘નારાજ તો હું પણ છું હોં, ને મારાથી વધારે વસુમા.’’

‘‘ખોટી વાત.’’ લક્ષ્મી હસી પડી, ‘‘વસુમા નારાજ હોય જ નહીં.’’

‘‘ખરી વાત છે. મા હવે એ બધાની બહાર નીકળી ગયાં છે.’’ અત્યાર સુધી ચૂપ અને ગંભીર ઊભેલી શ્રેયાએ ધીમેથી કહ્યું. લક્ષ્મીને ખેંચીને ગળે વળગાડી, ‘‘ઘેર ક્યારે આવશો લક્ષ્મીબેન ?’’

‘‘પાટર્ી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ ક્યાંય નહીં જાય.’’ વિષ્ણુપ્રસાદે વ્હીપ આપ્યો અને લક્ષ્મીનો હાથ કાંડમાંથી પકડી લીધો, ‘‘હું આને જ લઈ જાઉં છું. એટલે બધા આપોઆપ આવી જશે.’’ કહીને એમણે કાંડું પકડીને લક્ષ્મીને ખેંચી.

‘‘અરે ! અરે !’’ કરતો નીરવ પાછળ દોડ્યો.

‘‘નીરવ કોઈ છોકરી માટે પાછળ દોડે એ જોવાની પણ મજા આવે હોં...’’ અલયે કહ્યું અને સૌ હસતા હસતા પુત્રવધૂને ખેંચીને લઈ જતા સસરાની પાછળ પાછળ ચાલી નીકળ્યા.

ઘણો પ્રયત્ન કરવા છતાં વૈભવી જાણી શકી નહોતી કે વસુમાએ પૈસાનું શું કર્યું હતું ? એણે ભલભલી તરકીબ લગાવી જોઈ હતી, પરંતુ એને કોઈ રીતે જાણવા નહોતું મળ્યું કે વસુમા કોની મદદથી પૈસાની શી વ્યવસ્થા કરી રહ્યાં હતાં. વસુમા જાણતાં હતાં કે વૈભવીને આ બધું જાણવાનું કેટલું કુતૂહલ છે, પરંતુ એમણે આ વખતે જાણે હોઠ પર તાળું મારી દીધું હતું. ખુલ્લી હથેળીની જેમ કે ઉઘાડા પુસ્તકની જેમ જીવેલી આ સ્ત્રી જાણે અચાનક જ કિલ્લામાં પુરાઈ ગઈ હતી અને એ કિલ્લાનાં દ્વાર એણે ચસોચસ ભીડી દીધાં હતાં. ન પોતે અંદરથી બહાર આવવા માગતી હતી, ન બહારથી કોઈને અંદર આવવા દેવા તૈયાર હતી આ સ્ત્રી!

સવારના નાસ્તાનો સમય હવે જાણે બહુ ચૂપચાપ પસાર થઈ જતો. ઘરના આખાય વાતાવરણમાં એક બોજ, એક વજન હતું જાણે. હવા પણ કોઈ અવાજ કર્યા વિના જાણે ચૂપચાપ પસાર થઈ જતી આ ઘરમાંથી.

અભય અને વૈભવી જરૂર પૂરતી વાત કરતાં. શ્રેયા ઊઠે ત્યારે મોટે ભાગે અલય ઘરે પાછો ફર્યો હોય... શ્રેયા ક્યારેક ઝઘડતી, ફરિયાદ કરતી તો અલય વહેલો પાછો ફરીને સાંજે એને બહાર લઈ જતો, પણ ત્યારેય પોતાના કામમાં ખોવાયેલો, નવી સ્ક્રિપ્ટમાં અટવાયેલો અને વિચારોમાં ડૂબેલો રહેતો.

પંદર-વીસ દિવસમાં એની નવી ફિલ્મ ફ્લોર પર જવાની હતી.

શ્રેયા સમજતી એની આ મનઃસ્થિતિ, સમયની આ ખેચમતાણ અને છતાં એને અલયના સહવાસની, અલયના સમયની, અલયની સાથે વાતો કરવાની તરસ રહેતી.

‘‘આના કરતા તો પરણ્યા નહોતા ત્યારે વધારે મળતા આપણે.’’ શ્રેયા ક્યારેક સવારે ત્રણ-ચાર વાગ્યે પાછા ફરેલા અલયને કહેતી, એના પડખામાં સૂઈને, એના ખભે માથું મૂકીને, એની છાતી પર હાથ લપેટીને.

‘‘સ્વીટ હાર્ટ, તારો બાપ મારી નાખશે મને, જો મારી બીજી ફિલ્મ ફ્લોપ થઈ તો.’’ અલય શ્રેયાના વાળમાં આંગળા ફેરવતો અને મોટું બગાસું ખાતો, ‘‘બીજા દિવસે આવીને લઈ જશે તને.’’

‘‘શટ-અપ ! મૂરખ જેવી વાત ના કર.’’ શ્રેયા ખૂબ વહાલ કરતી અલયને. અલય પણ પ્રતિસાદ આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતો, પણ એનો થાક અને બીજે રોકાયેલું એનું મગજ ક્યારેય એનો સાથ છોડી દેતા અને લગભગ આખી રાત ઊંઘેલી શ્રેયા વાતો કરતી હોય ત્યારે આખી રાત જાગેલો અલય શ્રેયાની વાત સાંભળતો સાંભળતો વચ્ચે જ સૂઈ જતો.

શ્રેયા અકળાતી, એને જગાડવાનો વિચાર પણ આવતો. પછી ઘસઘસાટ ઊંઘતા અલયને એ વહાલથી જોઈ રહેતી. એને અલય માટે ગર્વ થતો. વહાલ ઊભરાઈ આવતું અને ઊંઘતા અલયને જ એ એટલું વહાલ કરતી કે અલય અર્ધતંદ્રામાં એને વારંવાર થપથપાવીને કહેતો, ‘‘સારું,હવે ઊંઘી જા... ઊંઘીજાને શ્રેયા, પ્લીઝ...’’

કલાક-બે કલાક સૂઈને અલય નીચે નાસ્તા માટે આવવાનો પ્રયત્ન જરૂર કરતો, પરંતુ એને ઘરનું કોઈ ડિસ્ટર્બ ના કરતું.

લજ્જાની પરીક્ષાઓ નજીક હતી એટલે એ પોતાની દિશામાં વ્યસ્ત રહેતી. એક આદિત્ય હતો, જેને કારણે ઘરમાં થોડીઘણી જિંદગી ધબકતી. એ ક્યારેક લજ્જાનો મોબાઈલ ઉઠાવીને એની અને અભિષેક વચ્ચે થતી એસ.એમ.એસ.ની આપ-લે જાહેરમાં વાંચતો. લજ્જા અકળાતી અને એને મારવા દોડતી. ડાઈનિંગ ટેબલની આસપાસ ગોળ ગોળ દોડતાં ભાઈ-બહેન અને એની બૂમાબૂમ ઘડીભર આ ઘરમાં પ્રાણ પૂરી જતી.

ફરી પાછો એ જ સન્નાટો...

છેલ્લા મહિના-દોઢ મહિનાથી ઘરની આ પરિસ્થિતિમાં જાણે કોઈ ફેરફાર શક્ય જ નહોતો એવી રીતે સૌ જીવી રહ્યા હતા.

ક્યારેક ક્યારેક અભય મોડો આવતો, ક્યારેક રાત બહાર રોકાઈ જતો. હવૈ વૈભવી જાણતી હતી એ ક્યાં હતો - હોઈ શકે, એટલે એ પૂછવાનું ટાળતી અને અભય કહેવાનું.

એણે જાણે પ્રિયાને એમની જિંદગીના એક ભાગ - ગમતા કે અણગમતા પણ એક ભાગ તરીકે સ્વીકારી લીધી હતી.

ક્યારેક અભય અને વૈભવી કોઈ પાટર્ીમાં કે સોશિયલાઇઝિંગ માટે બહાર નીકળતાં, પરંતુ ઘરેથી નીકળીને ઘરે આવતાં સુધી અભય ભાગ્યે જ કશું બોલતો. વૈભવી થોડી વાર વાતો કરવાનો પ્રયત્ન કરીને ચૂપ થઈ જતી.

અજયના ટેલિફોન ક્યારેક રણકતા અને ઘરના દરેક સભ્યને થોડી વાર માટે ડૂમો ભરાઈ જતો... પણ હવે એ ડૂમો વિખરાતા વાર નહોતી લાગતી. સૌએ જાણે પોતપોતાની દશા અને દિશા વિશે એક સમજ કેળવી લીધી હતી જાણે, સૌએ પોતપોતાની આસપાસ એક નાનકડું વર્તુળ રચી લીધું હતું. એકબીજાના વર્તુળ જ્યાં એકબીજાને સ્પર્શે એટલા વિસ્તારમાં સૌ સાથે હતા અને પછી પાછા પોતપોતાના વર્તુળમાં સમાઈ જતા.

એક સમાધાનની, સ્વીકારની પરિસ્થિતિ હતી શ્રીજી વિલામાં !

એક સૂર્યકાંત અજબ પ્રકારની બેચેનીમાંથી પસાર થઈ રહ્યા હતા. એમનું મન જાણે વસુમાના મનમાં ચાલી રહેલા મનોમંથનનો પડઘો પાડતું હતું. એ જોઈ શકતા હતા કે વસુમા કોઈ એક પ્રકારના વિચારના વંટોળમાંથી પસાર થાય છે. કોઈ એક નિર્ણય પર આવવાનો પ્રયાસ કરે છે, પણ આવી શકતાં નથી.

ક્યારેક રાત્રે જાગીને છત તરફ તાકતાં વસુમાને જોઈને સૂર્યકાંત પૂછી બેસતા, ‘‘શું થાય છે વસુ ?’’

વસુમા જવાબ ના આપતાં અને ખાલી આંખે સૂર્યકાંત તરફ તાકી રહેતાં. જાણે અબોલ રહીને એ સૂર્યકાંતને જવાબ આપતાં હતાં કે શું થાય છે એ સમજાતું હોત તો હું મારી જાતે એનો ઉપાય ના શોધત ?

એક દિવસ સૂર્યકાંતથી ના રહેવાયું.

રાત્રે અચાનક એમની આંખ ખૂલી ત્યારે એમણે જોયું કે વસુમા જાગે છે. આ દૃશ્ય એમના માટે છેલ્લા ઘણા વખતથી નવું નહોતું. ઘણું ઇચ્છવા છતાં એ આ બાબતે વસુમાને કશું પૂછવાનું ટાળતા, પરંતુ આજે એમને લાગ્યું કે આ પરિસ્થિતિ વિશે વાત કરવી જ રહી.

પોતાની ફેવરિટ આરામખુરશીમાં બેઠેલાં વસુમાને જોઈને સૂર્યકાંતે પોતાની બાજુમાં પડેલા મોબાઈલમાં સમય જોયો. પાંચ ને ત્રીસ. એ ઊભા થયા. બાથરૂમમાં જઈને કોગળો કર્યો, મોઢા પર પાણી છાંટ્યું અને વસુમા પાસે આવીને ઊભા રહ્યા. વસુમાના ઓરડાનો બગીચા તરફ ખૂલતો કોલેપ્સેબલ દરવાજો આખો ખુલ્લો હતો.

વસુમા બહાર પ્હો ફાટેલા લાલ આકાશ તરફ જોઈ રહ્યાં હતાં.

‘‘વસુ !’’ સૂર્યકાંતે વસુમાના વાળમાં હાથ ફેરવ્યો.

‘‘કાન્ત.’’ વસુમાનો અવાજ જાણે કોઈ બીજી દુનિયામાંથી આવતો હોય એવો, પહેલાં ક્યારેય ના સાંભળ્યો હોય એવો, જુદો અને રણકતો હતો.

‘‘કંઈ કહેવું છે ?’’

વસુમાએ સૂર્યકાંતની સામે જોયું. ક્ષણેક એમની આંખોમાં આંખો નાખીને સ્થિર નજરે જોઈ રહ્યાં, ‘‘હા.’’

‘‘તો કહી નાખ વસુ, કારણ કે જે વાત તને વલોવે છે એ વાત સાંભળ્યા વિના મારો છૂટકો નથી અને વાત કહ્યા વિના તારી પાસે કોઈ આરો નથી.’’

‘‘તમે જાણો છો, સમજો છો બધુ કાન્ત.’’

‘‘હા, જુઠ્ઠું નહીં બોલું.’’ સૂર્યકાંત ત્યાં જ વસુમાની બાજુમાં જ પલાંઠી વાળીને ફર્શ પર બેસી ગયા. એમણે પોતાના બંને હાથ વસુમાના ઘૂંટણ ઉપર વાળીને ટેકવ્યા, ‘‘જાણું છું... સમજું પણ છું કે સમય થઈ ગયો છે ને છતાં તારા મોઢે સાંભળવાની લાલસા બાકી રહી ગઈ છે, કદાચ !’’

‘‘સમય ક્યારેય પૂરો નથી થતો કાન્ત, એ તો વહ્યા જ કરે છે અવિરત. ગઈ ક્ષણે નદીના વહેણમાં જે પાણી આપણે જોઈએ છીએ, તે તો આગળ નીકળી જાય છે. આપણે ત્યાં જ ઊભા રહી જઈએ છીએ.’’

‘‘વસુ, મારો અધિકાર નથી, છતાં પૂછું છું.’’ સૂર્યકાંતનો અવાજ તરડાઈ ગયો. એમણે ગળું ખંખાર્યું. ખુરશીના હાથા પર મુકાયેલા વસુમાના હાથ પર એમણે ધીરે ધીરે હાથ ફેરવવા માંડ્યો. વસુમાની ત્વચાને સ્પર્શતી એમની આંગળીઓ જાણે એ પળને આખેઆખી પોતાનામાં ઉતારી દેવા માગતી હોય એમ તરસી થઈને ફરી રહી હતી, ‘‘બહુ પીડા થાય છે ? વીતેલું બધું જ ફરી ફરીને પાછું આવે છે ?’’

‘‘કાન્ત !’’ વસુમાએ પોતાના હાથ પર બેબાકળી થઈને ફરતી સૂર્યકાંતની હથેળી ઉપર પોતાનો બીજો હાથ મૂક્યો, લાગણીમાં, વહાલમાં, સહાનુભૂતિમાં સહેજ દબાવ્યો એમનો હાથ, ‘‘વીતેલું તો વીતી જ જાય છે. હું ક્યારે ભૂતકાળને સંભારતી નથી અને આવનારી ક્ષણથી ફફડતી નથી... મારે માટે તો આ જ ક્ષણ સત્ય છે.’’

‘‘તો શું પીડે છે તને ? કેમ આટલી બેચેન, આટલી વિચલિત રહે છે તું ?’’ સૂર્યકાંતે આખરે એ વાત પૂછી જ નાખી, જે એમને આટલા દિવસથી ખૂંચી રહી હતી, ‘‘મારા કારણે જો આ પીડા હોય તો હું અજય પાસે જઈને રહેવા તૈયાર છું.’’

વસુમા હસી પડ્યાં.

એ મોતીની જેમ ગોઠવાયેલી શ્વેત દંતપંક્તિ, જાણે માપ લઈને ચીતર્યા હોય એવા ગુલાબી હોઠ, નમણું નાક, ડાઘા વગરની તગતગતી ઊજળી ત્વચા, મોટી મોટી ભાવવાહી આંખો, ધનુષ્ય જેવી ભ્રકૃટિ અને ભ્રકૃટિની મધ્યમાં લાલચટ્ટક ચાંલ્લો...

સૂર્યકાંત એમની સામે જોઈ રહ્યા, ‘‘આ સ્ત્રી કહે તો છે કે સમય વહે છે, પણ જ્યાં સુધી એની ઉંમરને સંબંધ છે ત્યાં સુધી એણે સમયને થંભાવી દીધો છે જાણે...’’

એમણે હાથ લંબાવીને વસુમાના ગાલ ઉપર અછડતો સ્પર્શ કર્યો, ‘‘વસુ, તું કહે તેમ કરીશું, પણ હવે હું તને આ વલવલાટમાંથી, આ તરફડાટમાંથી બહાર કાઢવા માગું છું.’’

‘‘કાન્ત, હું જ નહીં રહું આ પરિસ્થિતિમાં લાંબો સમય.’’ એમના ચહેરા પર સ્મિત અકબંધ હતું, ‘‘મને તો સુખ આકર્ષે જ છે. શાંતિની મનોદશા શાશ્વત રહે એ જ મારો પ્રયાસ હોય છે.’’

‘‘તો શું થાય છે તને ?’’ સૂર્યકાંતનો હાથ હજીયે એમના ગાલ ઉપર હળવો હળવો ફરી રહ્યો હતો, ‘‘શું કરવું છે તારે ?’’

‘‘બસ, એ જ નક્કી કરવાની મનોદશામાં છું.’’

‘‘એટલે ?’’

‘‘કાન્ત ! મને લાગે છે કે હવે શ્રીજી વિલાની ક્ષિતિજો ઓળંગીને મારે આકાશ તરફ જવું છે.’’

‘‘વસુ !’’ સૂર્યકાંત હસવા લાગ્યા, ‘‘મૃત્યુ આપણા હાથમાં ક્યાં છે ? એ તો જ્યારે ઉપરવાળો બોલાવે ત્યારે જ...’’

‘‘મૃત્યુ ? મેં ક્યાં મૃત્યુની વાત કરી ?’’ સૂર્યકાંત નવાઈથી વસુમા તરફ જોઈ રહ્યા. સદાય અકળ રહેલી આ સ્ત્રી આજે પણ એટલી જ અકળ હતી એમને માટે.

‘‘હું હવે અહીંથી બહાર જવા માગું છું.’’

‘‘બહાર ? બહાર ક્યાં ? આ ઘર છે તારું. અહીં તારું કુટુંબ વસે છે. તારાં સંતાનો...’’ પછી સહેજ અચકાઈને ઉમેર્યું, ‘‘તારો પતિ...’’

‘‘એની મેં ક્યાં ના પાડી ?’’ વસુમાના ચહેરા પર એક ગૂઢ સ્મિત અને ન સમજાય તેવા ભાવ હતા, ‘‘હવે આ ઘરની ચાર દીવાલોની બહાર એક વિશાળ કુટુંબ મારી રાહ જુએ છે. કંઈ કેટલાંય સંતાનો મારે માટે વાટ જોઈને બેસી રહ્યાં છે, કેટલાંય વર્ષોથી.’’

‘‘વસુ, કંઈ સમજાય તેવું બોલ.’’ સૂર્યકાંતના અવાજમાં નહીં ઇચ્છવા છતાંયે સહેજ અકળામણ ઊતરી આવી, ‘‘હું તારા જેટલો બુદ્ધિશાળી પણ નથી અને મને આ કોયડાની ભાષા ઉકેલવાની ટેવ પણ નથી.’’

‘‘કાન્ત, હું ઘણા દિવસથી વિચારું છું કે પાછી ગામ ચાલી જાઉં.’’

‘‘ત્યાં કોણ છે ?’’

‘‘કોઈ નથી.’’ વસુમાના ચહેરા પર પેલું સ્મિત એમ જ હતું, ‘‘એટલે જ જવું હોય એમ પણ બને ને ?’’

‘‘આ શું ઘેલછા છે વસુ ? ભર્યુંભાદર્યું ઘર અને સુખનો આ સંસાકર મૂકીને...’’

‘‘મૂકીને ક્યાં જાઉં છું ?’’ વસુમાએ પોતાના ગાલ પર મુકાયેલા સૂર્યકાંતના હાથને હળવેથી પોતાના હાથમાં લીધો, ‘‘જવા માગું તોય જઈ શકું ?’’ વસુમાએ એક માની મમતાથી, માર્દવથી અકળાઈ ગયેલા, વિચલિત થઈ ગયેલા સૂર્યકાંતના વાળમાં આંગળીઓ પરોવી, ‘‘આ બધું તો હું જ્યાં જઈશ ત્યાં મારી અંદર, મારી સાથે જ આવશે કાન્ત, તમે જે જીવો છો એને છોડીને તમે ક્યાંય જઈ શકતા નથી અને જે છોડો છો એને તમે ક્યારેય જીવી શકતા નથી.’’ એમણે સૂર્યકાંતને જાણે સધિયારો આપતાં હોય એમ એમના વાળમાં આગળીઓ ફેરવી, ‘‘આ વાત આપણા બેથી વધારે કોણ સમજી શકે એમ છે ?’’

‘‘તને રોકવાનો અધિકાર નથી મને.’’ સૂર્યકાંતને ડૂમો ભરાઈ આવ્યો, ‘‘ને તને હક છે જવાનો હવે.’’ એમણે સહેજ ભીની થઈ ગયેલી આંખોએ વસુમાની સામે જોયું, ‘‘જવું જરૂરી છે ?’’

‘‘જરૂરી તો કશુંય હોતું જ નથી કાન્ત.’’ એમણે ક્ષણેક શ્વાસ લીધો અને ફરી લાલચોળ થઈ ગયેલા આકાશ તરફ તાકી રહ્યાં. સૂરજ ઊગવાની તૈયારી હતી. ઠંડો પવન વાઈ રહ્યો હતો. બહાર ઊભેલા બધા જ છોડવા એ પવનમાં ફરફરતા હતા. બહારની લોન પર પસાર થતો પવન જાણે ઘાસ ઉપર મોજાં રચતો હતો, ‘‘અને છતાંય એને બિનજરૂરી ગણીને છોડી પણ નથી જ શકાતું.’’

‘‘તું મને ક્યારેય સમજાઈ નહીં વસુ.’’ સૂર્યકાંતની આંખના ખૂણા હવે પલળી ગયા, ‘‘બહુ ચાહી તને... બહુ ધિક્કારી પણ ખરી. તારી સાથે અહમની પાળ બાંધીને તારી લાગણીઓનાં મોજાં ફીણ ફીણ કરી નાખ્યાં મેં. સાચા-ખોટાના ત્રાજવામાં વહાલ અને વિશ્વાસને તોલતો રહ્યો. જવાબદારીથી ભાગીને જિંદગી જીવવા મથતો રહ્યો હું... મેં જ્યારે જ્યારે તારા વિશે વિચાર્યું ત્યારે તારો ભય લાગ્યો. તારું તેજ આંજી ગયું મને. તારી બુદ્ધિથી પરાસ્ત થવાની લાગણી મારા પુરુષત્વને સતત પીડતી રહી. તારા સત્ય અને નિષ્ઠાની સામે હું મારી જાતને વધુ ને વધુ નાનો અનુભવતો રહ્યો. તારા સિદ્ધાંતોની સામે મેં હંમેશ મારી મારી હાર-જીતને મૂકીને મારા મનને સાચું ઠેરવવાનો વ્યર્થ પ્રયાસ કર્યો જ છે.’’ એમણે જાણે રુદન રોકતા હોય એમ ઊંડો શ્વાસ લીધો. ઘડીભર આંખો મીંચી. એમની ડાબી આંખના ખૂણે તોળાઈ રહેલું એક આંસુ સરકીને ગાલ પર આવી ગયું, ‘‘ને છતાંય કહું છું કે તું મને ક્યારેય સમજાઈ નહીં.’’

‘‘માણસને સમજવો શું કામ પડે કાન્ત ?’’ વસુમાના આંગળા હજીયે એમના વાળમાં ફરતાં હતા, ‘‘બસ, એમ જ, બિનશરતી પ્રેમ ના થઈ શકે ?’’

‘‘બધા તારા જેટલા...’’

‘‘પણ મારી સાથે સરખામણી જ શું કામ કરો છો ? હું આદર્શ નથી. હું કોઈ દેવી-દેવતાની મૂર્તિ નથી કે નથી કોઈ પરફેક્શનનું પ્રમાણ...’’ વસુમાનો અવાજ પણ હવે સહેજ પલળી ગયો, ‘‘કાન્ત, આપણા બધાના સંબંધો ધારણા પર આધારિત હોય છે. આપણે સામેની વ્યક્તિને જે ધારતા હોઈએ એ જ એનો ચહેરો હોય છે, આપણા માટે ! એ સિવાયના કે એની પાછળના ચહેરા આપણે જોવા પણ નથી હોતા ને જાણવા પણ.’’ જાણે બોલતા થાક લાગતો હોય એમ એ અટક્યાં. એક-બે શ્વાસ લીધા, ‘‘માણસ તો વ્યક્ત થવા માટે અધીરો હોય છે, પરંતુ વ્યક્ત થવાની અને અભિવ્યક્તિ ઉકેલવાની ભાષા, સમય અને આવડત ક્યારેય સરખા નથી હોતા. બસ ! બધો ગોટાળો ત્યાં જ થઈ જાય છે કાન્ત.’’

‘‘આ બધું મને નથી સમજાતું. મને તો એક જ વાત સમજાય છે કે જ્યારે હું પાછો ફર્યો છું, જ્યારે આપણાં સંતાનો સરસ રીતે ગોઠવાઈ ગયાં છે અને જ્યારે બધું જ સ્થિર થઈ ગયું છે ત્યારે જવાની જિદ કેમ?’’

‘‘કાન્ત, મારું નામ મારા બાપુએ વિચારીને પાડ્યું હશે. જગત આખું સ્થિર થઈ જાય, પણ વસુંધરાએ જ ફરતાં જ રહેવું પડે.’’ એ ઘડીભર ચૂપ રહ્યાં. પછી મીંચેલી આંખે બોલતાં રહ્યાં, ‘‘જો વસુંધરા સ્થિર થઈ જાય તો બાકીના જગતની સ્થિરતા ભયમાં આવી જાય કાન્ત.’’

‘‘શબ્દો !’’ સૂર્યકાંતનો અવાજ જાણે ધ્રૂજી ગયો, ‘‘અખૂટ શબ્દો છે તારી પાસે, કુશાગ્ર બુદ્ધિ. સારા-ખોટાની, ન્યાય-અન્યાયની સ્પષ્ટ સમજ... આ બધું તને ક્યાંય સ્થિર થવા જ નહીં દે વસુ !’’ જાણે અફર સત્ય ઉચ્ચારતા હોય એમ એમણે કહ્યું, ‘‘તું તારા સમયથી પહેલાં જન્મી છે અને તારા સમયથી જુદું જીવી છે એટલે હવે આ સમયના વર્તુળમાં તને બાંધવી શક્ય નથી એ સમજું છું હું.’’ પછી એમણે વસુમાના ખોળામાં માથું નાખી દીધું, ‘‘છતાં મોહ થઈ જાય છે વસુ, તારા જેવી સ્ત્રી સાથે જીવવાનો.’’

‘‘કાન્ત, જીવી શક્યા હોત તો સારું જ થાત.’’ વસુમા હજીયે બંધ આંખે જ બોલી રહ્યાં હતાં, ‘‘પણ હવે મોહ કે માયા, કોઈ બંધન કે કશુંયે પુરવાર કરવાની જરૂરિયાત મને રોકી શકતા નથી.’’ એમણે આંખો ઉઘાડી અને સૂર્યકાંતની સામે જોયું, ‘‘મેં બહુ પ્રયાસ કર્યો મારી જાતને આવાં નાનાં નાનાં રમકડાં આપીને રમાડી જોવાનો.’’ એ ફરી આકાશ તરફ જોવા લાગ્યાં, ‘‘પણ ના કાન્ત, મારે જવું છે... મારે જવું જ રહ્યું.’’

એ પછી ખાસ્સી વાર બેમાંથી કોઈ કશુંયે ના બોલ્યું. વસુમાની આંગળીઓ એમ જ સૂર્યકાંતના વાળમાં ફરતી રહી અને સૂર્યકાંત એમ જ વસુમાના ખોળામાં માથુ નાખીને નિઃશબ્દ એ આંગળીઓનો સ્પર્શ અનુભવતા રહ્યા.

ડાઇનિંગ ટેબલ પર બેઠેલા દરેક ચહેરા પર જાણે એક ઓથાર ઊતરી આવ્યો હતો.

જે પળે વસુમાએ ઘર છોડીને જવાનો નિર્ણય જાહેર કર્યો એ પળથી આ પળ સુધી કંઈ કેટલીયે વજનદાર ક્ષણો પસાર થઈ ગઈ હતી. હવા જાણે વહેતી અટકી ગઈ હોય એમ શ્રીજી વિલાના ડાઇનિંગ ટેબલ ઉપર એક મૌન થીજી ગયું હતું.

કોઈને સમજાતું નહોતું કે વસુમાના આ નિર્ણય પછી શું કહેવું જોઈએ અથવા શું કહી શકાય ? સૌ જાણતા હતા કે વસુમા એક વાર નિર્ણય કરે પછી એમાં ફેરફારને અવકાશ ભાગ્યે જ રહેતો.

‘‘મા...’’ આખરે ક્યારના ચમચીથી પ્લેટમાં આકારો ચીતરી રહેલા અભયે ઊંચું જોયું, ‘‘શું કામ જાય છે ? ન જા...’’ એનો અવાજ ભરાઈ આવ્યો. આંખોમાંથી આંસુ પ્લેટમાં ટપકી ગયાં. લજ્જા અને આદિત્ય પણ જાણે કશું ના કહી શકવાના કારણે રડી પડ્યાં.

અંજલિ અને રાજેશને પણ આ નિર્ણય કહેવા માટે વસુમાએ બોલાવ્યાં હતાં, અલય, શ્રેયા, અંજલિ, રાજેશ, નીરવ, લક્ષ્મી, અભય, વૈભવી, આદિત્ય, લજ્જા અને સૂર્યકાંત જાણે ચીતર્યા હોય એમ સ્થિર થઈ ગયાં હતાં.

‘‘તારું ઘર છોડીને બીજે જઈશ ?’’ અંજલિએ સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘‘તેં જ મને શીખવાડ્યું હતું કે પોતાની જવાબદારી પૂરી કર્યા વિના બીજું કંઈ પણ કરનારી સ્ત્રી ખોટું જ કરે છે.’’

‘‘મારી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે અંજલિ.’’ વસુમાએ બહુ જ સ્થિર અને સંયત અવાજે કહ્યું.

‘‘મને લાગે છે માની વાત સાવ સાચી છે. આખી જિંદગી તમારા બધાની સગવડો સાચવી છે.’’

‘‘ઉપકાર નથી કર્યો.’’વસુમાએ હળવેથી કહ્યું, ‘‘મારી ફરજ હતી ને કર્યું છે.’’

‘‘તને થાક લાગે છે મા ?’’ અભયે વહેતા આંસુ સાથે પૂછ્‌યું, ‘‘તું જે ઇચ્છે તે, જેમ ઇચ્છે તેમ, અહીં ગોઠવી આપું તો ?’’ એનો અવાજ રડતા રડતા રુંધાઈ ગયો, ‘‘શ્રીજી વિલા છોડીને ના જા મા, પ્લીઝ...’’

‘‘આટલું બધું રડવાની કે મને આજીજી કરવાની કોઈ જરૂરત જ નથી. હું રિસાઈને, ચિડાઈને, દુઃખી થઈને કે થાકીને નથી જતી.’’ વસુમાના ચહેરા પર સ્મિત આવ્યું, ‘‘સંતોષથી, સુખથી, સંપૂર્ણ તૃપ્તિથી જાઉં છું.’’

‘‘પણ મા, શું જરૂર છે ?’’ વૈભવીએ પણ દલીલ કરવાનો પ્રયાસ કરી જોયો, ‘‘હવે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. બધું ગોઠવાયેલું છે. સૌ સુખી છે, સેટલ છે.’’

‘‘એટલે જ જવું છે. ક્યાંય કશું અધૂરું હોત તો હું ના જ જાત.’’

‘‘હું અધૂરો થઈ જઈશ, બસ.’’ ક્યારના શાંતિથી આ આખીયે પરિસ્થિતિને બને એટલા સમાધાનથી જોવાનો પ્રયાસ કરી રહેલા સૂર્યકાંતથી બોલાઈ ગયું.

‘‘કાન્ત, કોઈ અધૂરું નથી. સૌ પોતપોતાનામાં પૂરા છે. હું મારી અધૂરપને પૂરી કરવા જાઉં છું એમ કહું તો ?’’

લક્ષ્મી અને નીરવ આ આખી પરિસ્થિતિમાં કશું સમજી શકે એમ નહોતાં. એ પોતે જ ભારતમાં નહોતા રહેવાના એટલે વસુમાની સાથે કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી એમ સમજતા હતા, છતાંય એમના ચહેરા પર એક વિષાદ તો ગોઠવાઈ જ ગયો હતો.

‘‘પણ મા...’’ અભય કશું કહેવા જતો હતો અને અલયે એને વચ્ચે જ રોકી દીધો.

‘‘મા જવા માગે છે અને એ જશે.’’ અલયે વસુમાની સામે જોયું, ‘‘અમે કોઈ મૂકવા આવીએ કે તું જાતે જ જઈશ ?’’

‘‘જઈશ તો હું જાતે જ - એકલી જ.’’ એમની આંખો મીંચાઈ ગઈ. ક્ષણેક બધા જ એમના ચહેરા પર પથરાયેલી શાંતિ અને તૃપ્તિની આભાને જોઈને મુગ્ધ થઈ ગયા. પછી એમણે આંખો ઉઘાડી. સૌની સામે સ્થિર અને શાંત દૃષ્ટિથી એક વાર જોયું, ‘‘હું કશુંયે છોડીને નથી જતી, કશુંયે તોડીને નથી જતી... માત્ર જાઉં છું ! તમે જ્યારે ઇચ્છો ત્યારે મને મળવા આવી શકો છો.’’ પછી એમણે સ્મિત કર્યું, ‘‘સાચું પૂછો તો તમે આવશો એ મને ગમશે.’’

‘‘મા...’’ શ્રેયાએ બહુ જ ધીમેથી, પણ ભીના અવાજે કહ્યું, ‘‘ક્યારે જવાના છો ?’’

‘‘આવતી કાલે સવારે.’’ વસુમાએ કહ્યું. પછી સૌની સામે ફરી એક વાર જોઈને ધીમા પગલે પોતાના ઓરડા તરફ ચાલી ગયાં.

એમના ગયા પછી અભયનું ધ્રૂસકું છૂટી ગયું. સૂર્યકાંતની આંખો પણ વહી નીકળી. બાકીના બધા જ, અંજલિ, રાજેશ, નીરવ, લક્ષ્મી, શ્રેયા, લજ્જા, આદિત્ય... પોતાની લાગણીને વહેતી રોકી ના શક્યાં.

એક માત્ર વૈભવીના ચહેરા પર અજબ જેવા ભાવ આવ્યા. એ રડતી નહોતી, પરંતુ જાણે કશું ખોઈ બેઠી હોય, કશું ખૂબ કીમતી એની પાસેથી ચાલી ગયું હોય એવા ખાલીપાના ભાવ હતા એના ચહેરા પર.

‘‘મને જીવનભર આ સ્ત્રીની ઇર્ષ્યા આવતી રહી.’’ એણે દાંત નીચે નીચલો હોઠ દબાવ્યો. બંને હાથ ટેબલ પર એવી રીતે પકડ્યા, જાણે એની ખુરશી ધરતીકંપથી ધણધણી રહી હોય, ‘‘અત્યારે આ ક્ષણે મને વસુંધરા મહેતાની સૌથી વધારે ઇર્ષ્યા આવે છે.’’ આટલું બોલતાં બોલતાં એની આંખો ભરાઈ આવી. એ ઊભી થઈ અને સડસડાટ ઉપરની તરફ દોડતી જતી રહી.

નાનકડા ગામના એ મંદિરના પ્રાંગણમાં હવે એક વિશાળ પાકું મકાન ઊભું હતું.

મકાનની પાછળથી ઊગતો સૂરજ એનાં કૂણાં-કેસરી કિરણો વીખરાવતો હળવે હળવે પોતાનો દિવસ આરંભી રહ્યો હતો.

‘દેવશંકર મહેતા કન્યા શાળા’ના અર્ધગોળ બોર્ડની નીચેથી એક સુંદર છારું પાથરેલો રસ્તો પસાર થતો હતો. એ રસ્તો એક વિશાળ ચોકમાં જઈને અટકતો હતો. લાલ ઇંટો અને ગ્રે રંગના કોટા સ્ટોનથી બાંધેલો એ ચોક અત્યારે રંગબેરંગી કપડાં પહેરેલી પાંચથી વીસ વર્ષની પાંચસોથી વધારો છોકરીઓથી ખીચોખીચ ભરેલો હતો.

પલાંઠી વાળીને બેઠેલી એ દરેક છોકરી ટટ્ટાર અને તેજથી સભર દેખાતી હતી.

એક સૂરીલો અવાજ આખાયે વાતાવરણને ભરી દેતો ચોતરફ ગૂંજી ઊઠ્યો, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે...’

એ અવાજનો પડઘો પાડતા હોય એમ પાંચસો કૂણા અવાજો એ જ સૂરમાં એકસાથે ગૂંજ્યા...‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે...’

શ્રીજી વિલાની સવાર આમ તો હજીયે રોજની જેમ જ પડતી હતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી શ્રીજી વિલાના બગીચામાં ભજન ગૂંજતું, ‘‘દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...’’

પણ અવાજ હવે વસુમાનો નહોતો.

(સમાપ્ત)

Rate & Review

Meerprit

Meerprit 5 days ago

Bhoomika Bhojak
Chhotalal

Chhotalal 2 weeks ago

Rekha Ruparelia

Rekha Ruparelia 2 weeks ago

Alpa Vora

Alpa Vora 2 weeks ago