Wolf Dairies - 12 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 12

સિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તેને ઘરે પાછી લઇ આવ્યા હતા. છતાં પણ તેની હાલત હજુ બહુ નબળી હતી. સહારા સાથે જ તે ઉભી થતી. આ વાતને બે દિવસ થઇ ગયા હતા. તેણે શ્લોક કે રોમી સાથે હજુ સુધી કોઈ વાતચીત કરી નહોતી. શ્લોકએ પણ પ્રયત્ન નહોતો કર્યો.

સવારે સિયા ઉઠી ગઈ હતી. નાની તેને જ્યુસ પીવડાવી રહ્યા હતા.

“કેવું છે હવે?” ક્રિસએ રૂમમાં આવતા પૂછ્યું.

“હું પાણી લઈને આવું.” કહીને નાની બહાર નીકળ્યા.

“શું થયું સિયા? બેટા જીવનમાં પ્રેમ જ બધું નથી હોતો. એ તને પ્રેમ નથી કરતો તો પછી તારા રડવાથી કે દુઃખી થવાથી શું એ તને પ્રેમ કરવા લાગશે? અને કરી પણ લે કદાચ તો એ જબરજસ્તી કહેવાય.. સાચો પ્રેમ નહિ.” સિયાને સમજાવતા ક્રિસએ કહ્યું.

સિયાએ માથું હલાવ્યું.

“સેમ...” ક્રિસએ કહ્યું.

સિયાને અચાનક પોતાનું સાચું નામ સંભાળતા જ ઝટકો લાગ્યો હોય તેમ ક્રિસ સામે જોયું.

“તું તો સેમ હતી ને? સિયા તો બસ એક નાટક હતું. તો હવે તને આ સિયા સાથે એટલો બધો લગાવ કેમ છે? તારે તો સેમ બનવું જોઈતું હતું. મેં તને અહી મજબુત બનાવવાની જવાબદારી સાથે રાખી હતી. પણ તું તો વધારે કમજોર બની રહી છે. તું આ સિયા નથી બેટા. તારા અસ્તિત્વને અહી ના ગુમાવીશ.” સિયાના માથા પર હાથ મુકતા ક્રિસએ કહ્યું. સિયા ક્રિસને ભેટી પડી અને ક્યારના રોકી રાખેલા આંસુ ઠાલવી દીધા.

“મારે હવે અહી નથી રહેવું અંકલ. મારે ઘરે જવું છે. જો હું અહી રહીશ તો વધુ નબળી પડતી જઈશ. હું મારી આગળની ટ્રેઈનીંગ ત્યાં જ પૂરી કરીશ. અને હવે જેકની જેમ ક્યુરેટરનો એક ભાગ બનીશ.” મન મજબુત કરતા સિયાએ કહ્યું.

“ખુબ સારો નિર્ણય છે. હું આજે જ વાત કરું છું. પણ ત્યાં સુધી તારું ધ્યાન રાખ મારી ઢીંગલી.” સિયાને ટપલી મારીને બહાર જતા ક્રિસએ કહ્યું.

“એ પણ તો બિલકુલ તારા જેવી જ નાદાન હતી...” ક્રિસએ મનમાં વિચાર્યું.

સિયા ઘરના મેઈન હોલમાં સોફા પર બેઠી હતી. જયા તેની સાથે વાતો કરી રહી હતી.

શ્લોક અને રોમી હજુ હોસ્પિટલથી આવ્યા જ હતા. તેઓ હજુ ઘરની બહાર જ પહોચ્યા હશે. અને એક છોકરો ત્યાં આવી પહોચ્યો.

“સેમ... અહી રહે છે?” તેને નજીક આવીને શ્લોક અને રોમીને પૂછ્યું.

“અહી એ નામનું કોઈ નથી રહેતું. સરનામું શું છે?” રોમીએ જવાબ આપ્યો.

“આ...” તેને પોતાના ફોનમાં રહેલું સરનામું બતાવતા કહ્યું.

“સરનામું તો અહીનું જ છે. કદાચ ખોટું સરનામું આપી દીધું હશે.” શ્લોકએ કહ્યું.

“અરે નહિ યાર... એ અહી જ છે. મને એના અહી હોવાનો આભાસ થઈ રહ્યો છે. બે મિનીટ..” કહી તે ઘરમાં ઘુસ્યો.

“એય.. અંદર ક્યાં જાય છે.” શ્લોકએ આગળ આવીને તેને રોક્યો.

“ભાઈ બે જ મિનીટ. મને એક વાર જોઈ લેવા દે. મને વિશ્વાસ છે કે તે અહી જ છે.” તેણે શાંતિથી કહ્યું.

“પણ અહી તે નામનું કોઈ નથી રહેતું.” રોમીએ સમજાવતા કહ્યું.

“જો હું કહું એ કેવી દેખાય છે. તેના સહેજ ગુલાબી વાળ છે. અને તે સૌથી સુંદર છે. અને માસુમ પણ. તેની આંખો વાદળી છે. મારા જેવી.” તે વર્ણન કરી રહ્યો હતો.

આંખો વિશે સાંભળતા શ્લોકને સિયાની વાદળી આંખો યાદ આવી.

“તે અહી નથી... બહાર નીકળ..” ગુસ્સાથી શ્લોકએ કહ્યું.

“ઓહ.. ગુસ્સો.. હવે તો નથી જ જવું. શું કરી લઈશ?” આગળ આવતા તેણે કહ્યું.

શ્લોકએ તેના નાક પર જોરથી ઘૂસો માર્યો. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

તેણે પણ શ્લોકના પેટ પર મુક્કો માર્યો. શ્લોક નીચે પડી ગયો. તે બંને લડવા લાગ્યા. રોમી તેમને છોડાવી રહ્યો હતો.

અવાજ સાંભળતા જ બધા ત્યાં આવી પહોચ્યા. સિયા પણ સમજી ના શકી કે આ બધું શું થઇ રહ્યું છે. તે બંને લડતા લડતા ઘરના હોલ સુધી આવી ગયા.

“જેક...” સિયાએ માંડ ઉભા થતા કહ્યું.

સિયાના અવાજથી શ્લોક રોકાઈ ગયો અને જેક પણ.

“સેમ..” તે સિયા તરફ આગળ વધ્યો. સિયા તેને ભેટીને રડવા લાગી.

“બસ બસ બચ્ચા.. બહાદુર છે તું તો. મને માફ કરી દે. મેં તને આમ એકલી મૂકી દીધી.” સિયાને ચુપ કરાવતા તેને કહ્યું.

“મેં તને બહુ યાદ કર્યો.” સિયા હજુ પણ તેને વળગીને રડી રહી હતી.

“મેં પણ..” તેને કહ્યું.

“તું બહુ જ ખરાબ છે જેક.. તને એક વાર પણ મારી યાદ ના આવી. તારા વગર હું કેટલી એકલી..” સિયાએ રડતા જેકની છાતી પર હાથ પછાડયા.

“હું હવે તને મુકીને ક્યાય નહિ જાઉં. મને નહોતી ખબર કે તું ક્યાં છે. મને જેવી ખબર મળી તેવો જ હું તને લેવા માટે આવી ગયો.” સિયાનો હાથ પકડીને તેને કહ્યું.

ત્યાં સુધીમાં બધા જ હોલમાં આવી ગયા હતા.

“જેક..” ક્રિસએ કહ્યું.

“હેલ્લો અંકલ ક્રિસ.” ક્રિસ સામે હાથ લંબાવતા જેકએ કહ્યું.

“તો તું આવી જ ગયો.” હાથ મિલાવતા ક્રિસએ કહ્યું.

“તને આ શું થયું?” જેકના નાકમાંથી વહેતા લોહીને જોતા સિયાએ કહ્યું.

“મેં કહ્યું હતું ને... તે અહી જ છે.” શ્લોક સામે જોઇને હસતા જેકએ કહ્યું.

શ્લોક ગુસ્સામાં તેના તરફ આગળ વધ્યો પણ સિયા વચ્ચે આવી ગઈ.

“ચલ હવે.. મોડું થાય છે.” પોતાના નાકમાંથી વહેતા લોહીને સાફ કરતા જેકએ કહ્યું.

“જેક 2 મિનીટ. તું જા, હું આવું છું.” સિયા હજુ પણ શ્લોક સામે જોઈ રહી હતી.

જેક સિયાની વાત માનતો બહાર નીકળી ગયો.

“મને પણ મારી લે. ખાલી એને જ કેમ માર્યો? કે પછી મારો ગુસ્સો એના પર ઉતારી રહ્યો હતો?” અકળાઈને સિયાએ કહ્યું.

“સિયા પ્લીસ.. મને એક વાર સાંભળી લે..” આજીજી કરતા શ્લોકએ કહ્યું.

“શું? શું સાંભળું હું? અને કેટલુ સાંભળું? ક્યાં સુધી સાંભળું શ્લોક? કહે ને.. તું શું સમજે છે? મજાક... મજાક છે ને જિંદગી? બહુ જ સરસ. પણ પોતાના જીવનનો મજાક બનાવ. બીજાની સાથે આ રમત ના રમીશ.” રડતા સિયાએ કહ્યું.

“સિયા.. તું શાંત થઇ જા..” રોમીએ કહ્યું.

“ના રોમી.. શું એ પ્રેમ નહોતો? જવાબ આપ મને.. શું એ પ્રેમ નહોતો? એ તારા.. પીળા ફૂલ.. આપણું કનેક્શન... એ બધું જ ખોટું હતું?” સિયાએ શ્લોકનો કોલર પકડીને કહ્યું.

શ્લોકએ પોતાનું માથું ઝુકાવી લીધું.

“આ પ્રેમ છે? સાચે જ? તો મને આવો પ્રેમ નથી જોઈતો. તું મને સજા આપે છે.. તને પ્રેમ કરવાની સજા.. મેં તને પ્રેમ કર્યો મારો બસ આટલો વાંક હતો.. અને એટલે તું મને આટલી બધી રડાવે છે? આટલી બધી દુઃખી કરે છે? તો પછી શ્લોક ભાગવત તું સફળ રહ્યો એમાં. મેં તને પોતાની જાતથી વધારે પ્રેમ કરવાની ભૂલ કરી છે.. એટલે મને સજા તો મળવી જ જોઈએ. ખોટા વ્યક્તિને પ્રેમ કરવાની સજા. તું તો બહુ હેન્ડસમ ડોક્ટર છે ને.. તને મારા જેવી બહેનજી પસંદ નથી ને? પણ સાચું એ છે કે તું હવે મારા લાયક જ નથી રહ્યો. તું એ શ્લોક નથી જેને મેં પ્રેમ કર્યો હતો. અને મારા જેકને મારીને તે એ સાબિત કરી દીધું. હું અહી જ આ સંબંધ અને પ્રેમ બંને પુરા કરું છું. હું જાઉં છું.” સિયાએ રડતા કહ્યું.

શ્લોકએ છેલ્લા વાક્યને સાંભળીને આંખો ઉંચી કરી તેને અચાનક જ ઝટકો લાગ્યો.

“સિયા બેટા સંભાળ..” નાનીએ સિયા પાસે આવતા કહ્યું.

“હવે નહિ સહન થાય નાની આ બધું. તમે મને માથી વધુ પ્રેમ આપ્યો છે. તમે હંમેશા અહી રહેશો.” હ્રદય પર હાથ રાખતા સિયાએ કહ્યું.

તેની આંખમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. નાના નાની અને ક્રિસને પગે લાગી, રોમીને ગળે વળગી રડતી તે ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. તેણે જેકનો હાથ પકડ્યો અને શ્લોક સામે નજર કર્યા વગર તે ઘર છોડીને હંમેશા માટે જતી રહી.

એ પછી સિયાની ક્યારેય કોઈ ખબર ના મળી. મેં ક્યારેય જાણવાની કોશિશ પણ ના કરી. હું અને રોમીએ ક્યુરેટરમાં જોડાયા. અમે તેમાં બે વર્ષ કામ કર્યું. ખુબ મહેનત કરી. અને પેરિસ માટેના બેસ્ટ ઓફિસર માટે સિલેક્ટ થયાં. કોને ખબર હતી કે આમ આટલા વર્ષો પછી અહી સિયા અચાનક મળી જશે. એ પણ આવી રીતે.

****

● જેક કઈ રીતે ક્રિસને ઓળખતો હતો?

● સિયા આટલા વર્ષો સુધી ક્યાં હતી?

● શું હવે શ્લોક અને સિયાના સંબંધ સુધરશે?

ક્રમશઃ