Wolf Dairies - 14 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 14

શ્લોક અને સેમ મેઈન હોલમાં સોફા પર જ બેસીને કામ કરી રહ્યા હતા.

“આપણે મારા રૂમમાં જઈને કામ કરીએ? મને અહી ફાવતું નથી.” સેમએ કહ્યું. શ્લોકએ ખાલી માથું હલાવ્યું.

“તું જા, હું કોફી લઈને આવું.” કહીને સેમ રસોડામાં ગઈ.

શ્લોક સેમના રૂમમાં બધે નજર નાખી રહ્યો હતો. આખા રૂમમાં બધે જ ઢીંગલા, ટેડી, લાઈટ લાગેલા હતા. એવું લાગતું હતું જાણે આ કોઈ નાના બાળકનો રૂમ હોય.

દીવાલ પર નાના નાના સાઈઝના ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. જેમાં સેમ, જેક, ઈવ, કિમ બધાના ફોટો હતા. અમુક અજાણ્યાં લોકોના પણ હતા. તે એમના મિત્રો હશે તેવું શ્લોકએ અનુમાન લગાવ્યું.

તે બધા ફોટો પર નજર નાખી રહ્યો હતો. એક ફોટોને જોતા તેની નજર ત્યાં જ અટકી ગઈ.

તે ફોટોમાં સેમએ સાડી પહેરી હતી. તે વચ્ચે ઉભી હતી અને તેની બંને બાજુ શ્લોક અને રોમી હતા. તે ત્રણેય એ ફોટોમાં હસી રહ્યા હતા.

શ્લોકને જુનું બધું જ ફરી યાદ આવી ગયું. તેને ત્યાંથી નજર ફેરવી.. બીજા એક ફોટોમાં સેમ પાયલટના કપડા પહેર્યા હતા, અને જેકએ તેને પાછળથી પકડીને ઉભો હતો.

“કોફી..” કપ લંબાવતા રૂમમાં આવેલી સેમએ કહ્યું.

“આ ખાલી ફોટો છે? કે તું પાયલટ હતી?” શ્લોકએ તે ફોટો બતાવતા પૂછ્યું.

“તારે જાણીને શું કામ છે?” મોઢું ફેરવતા સેમએ કહ્યું.

“હમ.. તો કાલનો શું પ્લાન છે?” શ્લોકએ વાત બદલતા કહ્યું.

“પ્લાન એવો છે કે આપણે બંને સવારથી જ પર્સી પર નજર રાખીશું. પર્સી બહુ જ ખતરનાખ છે. તે ડીલના સમયએ જ ઘરની બહાર નીકળશે. અને એના માટે મને ઓળખવું કઈ અઘરું નથી. એટલે આપણે વેશ બદલીને જઈશું તો પણ તેને ખબર પડી જ જશે કે આપણે તેનો પીછો કરીએ છીએ.” સેમએ પલંગ પર બેસતા કહ્યું.

“તો આપણે તેના પર નજર કઈ રીતે રાખશું?” શ્લોકએ તેની પાસે બેસતા કહ્યું.

“એનું ઘર જે ફ્લેટમાં છે એની બિલકુલ સામે એક ફ્લેટ છે. મેં એ ખાલી કરાવ્યો છે કાલ માટે. આપણે ત્યાં છુપાઈ રહીશું. અને તેની હિલચાલ પર નજર રાખીશું. જેવો તે બહાર નીકળશે એવા આપણે બહાર નીકળીશું. અને તેનો પીછો કરીશું.” સેમએ કહ્યું.

“આપણે પીછો કરીશું ત્યારે એને આપણને જોઈ અથવા પકડી લીધા તો?” શ્લોકએ પૂછ્યું.

“એની ચિંતા તું ના કરીશ. એ હું કરી લઈશ.” સેમએ કહ્યું.

તે બંને લોકેશન અને ટાઇમ નક્કી કરી રહ્યા હતા. સેમ વાત કરતા કરતા જ સુઈ ગઈ.

“શું સાચે જ તું મને ભૂલીને આગળ વધી ગઈ છે? તો પછી તે આપણો આ ફોટો કેમ સાચવી રાખ્યો છે?” શ્લોક એ સેમના વાળ સરખા કર્યા.

શ્લોકએ તેને સરખી સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડ્યું. અને રૂમના સોફા પર જ સુઈ ગયો.

“આ તો બહુ જ ખોટું થયું..” રોમીની આખી વાત સાંભળ્યા પછી કિમએ કહ્યું.

“હા. પણ હવે એ બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.” રોમીએ કહ્યું.

“મતલબ તું એક વુલ્ફ છે.” હસીને કિમએ કહ્યું.

“કેમ તને મારા વુલ્ફ હોવાથી કઈ વાંધો છે?” રોમીએ કિમ સામે જોઇને પૂછ્યું.

“ના. મને શું વાંધો હોય? મને તો વુલ્ફ પસંદ છે.” શરમાતા કિમએ કહ્યું.

“સાચે જ? મને પણ પેરિસની યુવતીઓ ખુબ પસંદ છે. એ બહુ પ્રેમાળ હોય છે ને એટલે.” કિમને છેડતા રોમીએ કહ્યું.

“હું તને પ્રેમ બતાવું..” કહીને કિમએ રોમી પર ઓશિકું ફેંક્યું. બંને મસ્તી કરતા કરતા જ સાથે સુઈ ગયા.

નક્કી કરેલી જગ્યાએ સવારે બધા જ પહોચી ગયા.

રોમી અને કિમ સવારથી જ ડકોટા પર નજર રાખી રહ્યા હતા. તેમણે તેની પાસેથી એવી કોઈ નવી માહિતી મળી નહોતી.

ઈવ અને જેક પણ સવારના કરનનો પીછો કરી રહ્યા હતા. તે વારે વારે પોતાના બોસને ફોન કરીને માહિતી આપી રહ્યો હતો કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે.

શ્લોક અને સેમ, પર્સીના સામેના ઘર પર છુપાઈને તેના પર ધ્યાન રાખી રહ્યા હતા. તેમણે પણ આ ડીલ વિશે કઈ ખાસ જાણવા મળ્યું નહિ.

સાંજ થતા, કિમ અને રોમી તે હોટેલમાં વેઈટર તરીકે પોતાનો વેશ બદલીને પહોચી ગયા હતા. કિમએ સેમની જેમ જ પોતાના વાળ થોડાં ગુલાબી કર્યા હતા. જેના લીધે તે ઓળખાઈ શકાતી નહોતી.

જેક અને ઈવ પણ વેશ બદલીને એક કપલ બનીને તે હોટલમાં જમવા આવી ગયા હતા. તેમણે ડકોટાના ટેબલની પાછળ જ ટેબલ બૂક કરાવ્યું હતું.

સેમ અને શ્લોકએ ધીમેથી પર્સીનો પીછો કર્યો અને હોટલની બાજુવાળી ગલીમાં જઈને છુપાઈ ગયા અને જેકના ઈશારાની રાહ જોવા લાગ્યા.

કિમએ તેમના ટેબલ પર માઈક્રોફોન ગોઠવ્યા હતા. જેથી તે શું વાત કરે છે તે બધાને સંભળાય.

“આ કરન છે. તે આપને મળવા માંગતો હતો, તેથી તેને અહી લાવ્યો છું.” પર્સીએ ઓળખાણ કરાવતા કહ્યું.

“મારા બોસ એક વ્યક્તિની શોધમાં છે.. તે એની કોઈ પણ કિંમત આપવા માટે તૈયાર છે. બસ એમને એ જોઈએ છે.” કરનએ કહ્યું.

“હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. પણ એ વ્યક્તિ કોણ છે...?” ડકોટાએ કહ્યું.

પર્સીનો અચાનક ટેબલ પર પડેલા પાણીના ગ્લાસ પર હાથ પડ્યો અને માઈક્રોફોન પર પાણી પડતાની સાથે જ સંભળાવાનું બંધ થઇ ગયું.

“હવે શું કરીએ?” ઈવએ ધીમેથી કહ્યું.

જેકએ કિમ સામે જોયું.

કિમ ઓર્ડર લેવાના બહાને તેમના ટેબલ પાસે ગઈ. અને ધીમેથી તે નજીક જઈને કરન જે કહી રહ્યો હતો તે સાંભળી રહી હતી. તેમની વાત સાંભળીને તેના હોશ ઉડી ગયા. તે ફટાફટ રોમી પાસે આવી.

“આપણે જલ્દી અહીંથી નીકળવું જોઈએ. શ્લોકને ઇન્ફોર્મ કર તે અને સેમ જલ્દી અહીંથી નીકળી જાય.” કિમએ રોમીને ડરતાં કહ્યું.

“શું થયું?” રોમીએ સામે પૂછ્યું.

“અત્યારે સવાલો માટે સમય નથી. મેં કહ્યું એ કર.” કિમએ હુકમ કરતા કહ્યું.

રોમી કઈ કરે તે પહેલા જ તે બધા ઉભા થઈને હોટલમાંથી બહાર નીકળવા લાગ્યા.

“બધા પોતાની લોકેશન લઇ લો.” જેકએ કહ્યું.

જેક અને ઈવ તેમની પાછળ જવા લાગ્યા. ત્યાં કરન અને ડકોટા અને બીજા પાંચ – છ માણસ હતા. તે હોટેલની બાજુની શાંત ગલીમાં પ્રવેશ્યા.

“હવે પીછો કરવાનું બંધ કરો. અમે તમને જોઈ લીધા છે.” ડકોટાએ મોટેથી પાછળ ફરી જેક સામે જોઇને કહ્યું.

“હા. પોતાને અમારા હવાલે કરી દો. ક્યુરેટરના એજન્ટ્સએ તમને ઘેરી લીધા છે.” જેકએ મોટેથી તેની સામે આવતા કહ્યું.

વચ્ચે ડકોટા, કરન, પર્સી અને તેમના સાથીઓ હતા. અને તેમણે એક બાજુથી જેક, ઈવ, શ્લોક, સેમએ તેમને ઘેરી લીધા હતા.

“એવું તને લાગે છે... જલ્દી ખતમ કરો આ બાળકોને..” પોતાના માણસોને ડકોટાએ કહ્યું.

કિમ અને રોમી ફટાફટ દોડીને બહાર આવ્યા. પણ વાત હવે તેમના હાથમાં નહોતી રહી.

રોમી અને ઈવ પોતાની કરંટ આપવાની બંદૂકથી બધાને બેભાન કરવા લાગ્યા. કિમ અને જેક ડકોટા પાછળ ભાગ્યા. કિમના હાથમાંથી એક ગુલાબી પ્રકાશ રેલાયો અને તેને તેના વડે ડકોટાનો રસ્તો રોક્યો. જેકએ વચ્ચે આવીને તેને એક મુક્કો મારી ત્યાં જ બેહોશ કરી દીધો.

સેમ અને શ્લોક પર્સી પાછળ ભાગ્યા. તે બંનેએ તેને ઘેરી લીધો.

“પ્લીસ.. મને ના મારીશ..” સેમથી ડરતાં તેને કહ્યું.

“હિસાબ બરાબર તો કરવો જ પડે ને..” લુચ્ચું હસતા સેમએ કહ્યું.

સેમના હાથમાંથી ગુલાબી પ્રકાશ રેલાવા લાગ્યો તે જોઈ પર્સી ભાગ્યો.. શ્લોકએ પોતાની બંદુક કાઢી.. પણ સેમએ પોતાના હાથમાંથી નીકળતા પ્રકાશ વડે એક દોરડા જેવું બનાવ્યું અને પર્સીને પગથી પકડી આકાશમાં ઉપર ઉઠાવીને જમીન પર પટક્યો. ઊંચાઈથી પડવાના કારણે તે બેભાન થઇ ગયો. શ્લોકના તો આ બધું જોઇને હોશ ઉડી ગયા હતા.

****

● સેમ પર્સી સાથે કયો હિસાબ બરાબર કરી રહી હતી?

● કિમ ટેબલ પર કરનની કઈ વાત સાંભળીને ડરી ગઈ?

● કરનને કઈ કિંમતી વસ્તુની તલાશ છે?

● કિમ અને સેમ પાસે આ કેવી શક્તિઓ છે?

ક્રમશઃ