Slave - 1 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 1

Featured Books
Share

ગુલામ – 1

ગુલામ

લેખક – મેર મેહુલ

પ્રસ્તાવના

નમસ્કાર વાંચકમિત્રો,

કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે જે બદલ આપ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. આગળ પણ આવો જ પ્રેમ મળી રહે એવી અપેક્ષા છે. જે વાંચકમિત્રો મને પ્રથમવાર વાંચી રહ્યાં છે તેઓને મારી અન્ય નવલકથાઓ વાંચવા વિનંતી છે, જેથી મારી લેખનશૈલીથી તેઓ પરિચિત થાય.

આપ સૌ જાણો જ છો કે મારાં લેખનકાર્યની શરૂઆત ‘પ્રેમકથાઓ’ લખવાથી થઈ હતી. મારી માન્યતા અનુસાર એ એકમાત્ર એવો વિષય છે જેમાં બધાં જ વિષયો આવરી શકાય છે. હોરર વાર્તા, સસ્પેન્સ, થ્રિલર, જાસૂસી વાર્તા, પ્રવાસ નિબંધ કે પછી કોઈ ફિલોસોફી. બધા જ વિષયો આ એક વિષયમાં આવરી શકાય છે.

પ્રેમ કથાઓ લખવા પર મારી સારી એવી પકડ છે અને મને એ વિષય પર લખવું પસંદ છે. પણ ‘કલાકાર’ નવલકથાને જેવી રીતે વાંચકોએ આવકારી છે એ પરથી મને એટલું તો સમજાય રહ્યું છે કે વાંચકો વિષય સાથે લેખનશૈલી પણ ધ્યાનમાં લેતાં જ હોય છે. વિષય કોઈ પણ હોય, જો એને સચોટ રીતે રજૂ કરવામાં આવે તો વાંચકોનાં માનસ પર છાપ છોડી જ જાય છે. કલાકાર નવલકથામાં મારી થોડી ભૂલો હતો એ હું સ્વંય સ્વીકારું છું. વાંચકોને આ નવલકથા ખૂબ જ પસંદ આવી છે પણ હું એ નવલકથામાં મારો સંપૂર્ણ હિસ્સો નથી આપી શક્યો એ વાતનું મને દુઃખ સાલે છે.

ખેર, ફરી એકવાર પ્રેમકથાથી કંઈક જુદાં વિષય પર લખવાનો પ્રયાસ કરું છું. આશા રાખું છું સૌને પસંદ આવશે.

નવલકથા વિશે :-

નવલકથાનું કવરપેજ જોઈને અંદરના લખાણ વિશે અનુમાન ન લગાવશો. અહીં હું સ્પષ્ટ રીતે કહું છું કે કવરપેજ પર દેખાતાં દ્રશ્યો જેવું અંદર કશું નથી લખ્યું. આ હોરર કે સસ્પેન્સ નવલકથા નથી, નથી તો કોઈ ક્રાઈમ કે થ્રિલર.

આ નવલકથા મારી છે, તમારી છે, એ બધાં લોકોની છે જે એક સમયે આ અવસ્થામાંથી પસાર થઈ ગયા છે, પસાર થઈ રહ્યા છે અથવા પસાર થવાનાં છે. અઢાર વર્ષથી પચીસ વર્ષની અવસ્થાને કોઈ આલેખી શકતું નથી. આ અવસ્થામાં સૌ કોઈનાં મંતવ્યો જુદાં જુદાં હોય છે. કોઈ દિલનું સાંભળે છે તો કોઈ દિમાગનું અને બંને પોતાની જગ્યાએ સાચા જ હોય છે.

કહેવાય છે ને દુનિયાનો સૌથી ઘાતક હથિયાર સની દેઓલનો અઢી કિલોનો હાથ નહિ પણ માણસની જીભ હોય છે. જીભ માણસને સફળતાનાં શિખરો સુધી લઈ જઈ શકે છે અને એ જ જીભ જમીન પર પણ પટકી શકે છે. આ નવલકથાનો મુખ્ય વિષય જ એ છે. શરીર પર લાગેલાં ઘાવ તો સમય સાથે રૂઝાય જાય છે પણ શબ્દો રૂપી લાગેલાં ઘાવ વર્ષો સુધી જેવાને તેવા જ રહે છે. એકદમ ઉજ્જડ અને જીવતાં.

આ નવલકથાને બે અંકોમાં વહેંચવામાં આવી છે, વાંચકો એને સિક્કાની બે બાજુ કહી શકે છે. અત્રે પ્રથમ પહેલુ પ્રસ્તુત છે. નવલકથાનાં પાત્રોની વાસ્તવિકતાં જળવાઇ રહે અને મુખ્ય વિષયને ન્યાય મળી રહે એ માટે પાત્રોની બોલી પ્રાદેશિક ભાષામાં રજૂ કરવામાં આવી છે. યોગ્ય જણાય ત્યાં કૌંસમાં શિષ્ટરૂપ પણ લખવામાં આવ્યું છે જેથી વાંચકોની રુચિ જળવાઈ રહે અને શબ્દો સમજવામાં પણ સરળતા રહે.

નવલકથાની ઘટનાંઓ જુદાં જુદાં સમયમાં બનતી હોવાથી દરેક ભાગ સાથે વર્ષ પણ જણાવવામાં આવ્યું છે જે ધ્યાનમાં લેશો. વધુમાં તો નવલકથા માત્રને માત્ર મનોરંજનનાં હેતુથી લખવામાં આવી છે, કોઈનાં અંગત જીવનને સ્પર્શતી નથી અને પાત્રોને ન્યાય આપવા સકારાત્મક અથવા નકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે જે ધ્યાનમાં લેશો.

તો ચાલો કરીએ નવો અધ્યાય.

શ્રી ગણેશાય નમઃ

ભાગ – 1

પરિચય

(વર્ષ : ઓગસ્ટ – 2018)

“ઑય અભલા, હાલને નાવા” જીગાએ બૂમ પાડી. અભય નદીને કિનારે આવેલી પંદર ફૂટ ઊંચી ભેખડ પર બેઠો હતો.

“મને તરતાં નથી આવડતું ભાઈ” અભયે વળતાં જવાબમાં બૂમ મારી.

“શેર(શહેર)માં રેલાં છોકરાનો આ જ વાંધો છે, ગામડામાં રેવાનું તો હાવ ભુલી જ જાવ છો” જીગાએ અભયની મશ્કરી કરતાં કહ્યું. એક દોસ્ત ભેખડ ફરીને અભય પાસે આવ્યો, નાકને દબાવીને નદીમાં કૂદકો માર્યો.

“જો આમ દેગડી(કૂદકો) મારતાં આવડવું જોવે” જીગો બોલ્યો.

“એવું કશું નથી જીગલા, તારી જેમ બધાને તરતાં નો આવડતું હોય” અભયે પોતાનો બચાવ કર્યો. પણ એ જાણતો હતો કે એનાં દોસ્તો એની મજાક કર્યા વીનાં રહેશે નહીં એટલે એ ઉભો થઈને ભેખડ ઉપર રહેલાં પાણીનાં ટાંકાની જર્જરિત ઓરડીનાં ઓટલે આવીને બેઠો.

“શું થયું અભય ?” ઉદયે આવીને પુછ્યું, “કેમ અહીં બેઠો છે ?”

“આટલું ચોખ્ખું ના બોલ, ઓલા લોકો તારી પણ મજાક ઉડાવશે” અભયે તિરસ્કાર ભરી નજરે નદી તરફ જોઈને કહ્યું, “કૉલેજ કરીને તો પગ પર કુલ્હાડી મારી છે, એનાં કરતાં હીરામાં લાગી ગયાં હોત કે બાપાને ખેતીમાં મદદ કરી હોત તો સારું હતું”

ઉદય આગળ ચાલીને અભય પાસે બેઠો. અભયનાં ખભા પર હાથ રાખી તેને સાંત્વના આપતાં બોલ્યો,

“તું શું કામ એવું વિચારે છે, આપણાં પણ દિવસો આવશે. અત્યારે જે લોકો હસી હસીને આપણી મજાક ઉડાવે છે એ જ લોકો સામે ચાલીને માન આપશે”

“ક્યારે આવશે એ દિવસ ?, કૉલેજ પુરી કરી એને એક વર્ષ થઈ ગયું. આપણી સાથે ભણતાં એનાં માંગા આવવા લાગ્યા છે અને આપણે હજી નોકરી જ શોધીએ છીએ” અભયે કઠોર અવાજે કહ્યું, “એક તો નોકરીની ચિંતા અને ઉપરથી બાપાનો ત્રાંસા”

અભયની વાત સાંભળીને ઉદય હળવું હસ્યો. અભયનો ખભો દબાવી પોતાનાં તરફ ખેંચીને બોલ્યો, “હવે શું કર્યું તારાં બાપાએ ?”

“મારે તો રોજનું થયું છે હવે, ગોવિંદદાદો જતાં જતાંય હેરાન કરે છે. કાલે એનું પાણીઢોળ છે તો બાપાએ મને કામ કરાવવા હાજર રહેવા કહ્યું છે”

“એમાં શું થયું ?, કામ તો કરવું જ પડે ને”

ઉદયની વાત સાંભળી અભયે ઉદય તરફ ચહેરો ઘુમાવ્યો. જાણે ઉદયે નાડી-નેફા વગરની વાત કહી દીધી હોય એમ ગુસ્સાભરી નજર તેનાં પર નાંખીને અભય બોલ્યો, “તું આવી વાતો કરે છે !!?, મારાં બાપાનાં ત્રાંસ વિશે તો તું જાણે જ છે. હું કામ કરવામાં કોઈ દિવસ આળસ નથી કરતો પણ હું કામ કરતો હોઉં ત્યારે બાપા સુપરવાઇઝરની જેમ માંથે ઊભાં રહે છે અને વાત વાતમાં ટોક્યાં કરે છે એ મને નથી ગમતું”

“થોડું સહન કરી લેવાનું, બાપા છે” અભયનો ગુસ્સો જોઈને ઉદયે હંમેશાની જેમ તેને શાંત પાડવા ઠંડા અવાજે કહ્યું.

“બાપા છે એટલે જ તો શાંત છું” અભયે ઊંડો શ્વાસ લઈને નિઃસાસો નાંખ્યો.

“એ બધી વાત છોડ, તું ન્હાવા આવે છે કે નહીં ?” વાતોનો દોર બદલવાનાં ઈરાદાથી ઉદયે પૂછ્યું.

“તું જ જા ભાઈ, બાપાને ખબર પડશે તો મારું આવ્યું બનશે” અભયે પોતાની જ વાત પર હસીને કહ્યું, “આમ પણ થોડીવારમાં ગબ્બરનો ફોન આવશે એટલે મારે જવું પડશે”

“ઠીક છે, તું બેઠો રહે અહીં. હું જાઉં છું” કહેતાં ઉભો થઈને ઉદય ભેખડ તરફ ચાલ્યો.

અભય નતમસ્તક થઇને થોડીવાર માટે વહેતાં પાણીને જોઈ રહ્યો. પાણી સાથે તેનાં મગજમાં વિચારો પણ વહેતાં હતાં. એને ન્હાવા જવાની અદમ્ય ઈચ્છા હતી, દોસ્તો સાથે પાણીમાં તરતાં શીખવું હતું પણ પિતાનાં ડરને કારણે એ પોતાની ઈચ્છાને મનમાં જ દબાવી રાખતો હતો.

હજી એ આગળ કંઇ વિચારે એ પહેલાં યમરાજનું તેડું આવ્યું હોય તેમ તેનો ફોન રણક્યો. ફોનની ડિસ્પ્લેમાં અંગ્રેજીમાં ‘પાપા’ લખ્યું હતું. અભય માટે તેનાં પિતાનો કૉલ યમરાજનાં તેડાથી કમ નહોતો. તેનાં પિતાનો કૉલ આવે એટલે એ અંદરથી ડરી જતો. તેનાં પિતા હંમેશા ફોનમાં તેને કોઈને કોઈ કારણસર ખિજાતાં જ રહેતાં જેને કારણે કૉલ આવતાં તેનો સ્વભાવ આપમેળે ચીડચિડો થઈ જતો.

“હાં…બપ્પા !!!” અભયે અનિચ્છાએ ફોન ઉપાડીને કહ્યું.

“ક્યાં છો ?” સામેથી કડક, તીખો અને ઘેરો બરછીની ધાર જેવો અવાજ અભયનાં કાને પડ્યો.

“બધાં ભાઈબંધ નદીએ નાવા આવ્યા છે તો ત્યાં બેઠો છું” અભયે તળપદી ભાષામાં કહ્યું. અભય માત્ર ઉદય સાથે જ સ્પષ્ટ ભાષામાં વાત કરતો. બંનેએ કૉલેજ સાથે કરી હતી એટલે શહેરી રહેણીકહેણીથી પરિચિત હતાં.

“ખબર નથી પડતી…!!!” અભયનાં પપ્પા તેનાં મિજાજ અનુસાર, એક વારથી થડનાં બે ભાગ થઇ જાય એવા અવાજે બોલ્યા, “આયા બધાં મેમાન (મહેમાન) આવીને બેઠા છે અને તારે ભાઈબંધ હારે બેઠવું છે. છાનોમાનો ઘર ભેકતીનો થા”

અભય સમસમી ઉઠ્યો. જો કે તેનાં પિતાનાં આવા વર્તનથી એ ટેવાઈ ગયો હતો એટલે શું જવાબ આપવો એ અભય જાણતો હતો.

“આવું છું” એટલું કહીને તેણે ફોન કાપી નાંખ્યો. પછી પોતાનાં પર જ ગુસ્સે થતાં તેણે ઓટલા પર બે મુક્કા માર્યા. એ તેનાં પિતા સામે કશું બોલી ના શકતો. બાળપણથી જ તેને એવાં વાતાવરણમાં ઉછેરવામાં આવ્યો હતો જેને કારણે મોટી ઉંમરના વ્યક્તિઓને સાચું પણ ના બોલી શકાતું.

અભય ઉભો થયો. થાકેલાં, હારેલા, નિસ્તેજ ચહેરે તેણે પગ ઉપાડ્યા.

*

ભાવનગર જિલ્લાનો ઉમરાળા તાલુકો, ઉમરાળા તાલુકાનું તરપાળા ગામ અને તરપાળા ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલો પ્રતાપગઢ ટીમ્બો. પ્રતાપગઢમાં કિલ્લા જેવું કંઈ હતું નહીં, એક શતાબ્દી પહેલા પ્રતાપ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે અહીં સ્થાયી થયો હશે. ત્યારબાદ તેનો વંશ-વેલો અહિંથી જ આગળ વધ્યો હશે અને અત્યારે એક સદી પછી તેની પાંચ જેટલી પેઢી ઉતરી આવી અને વડની વડવાયો જેમ ફેલાઈને દોઢસો જેટલાં માણસોનો એક ટીમ્બો બની ગયો. અહીં માત્ર મકવાણા પરિવારનાં ત્રીસેક જેટલાં ખોરડાં હતાં.

પ્રતાપગઢને ગામનો દરજ્જો પ્રાપ્ત થયેલો નહોતો, આ ગામને તરપાળામાં આવરી લેવામાં આવ્યું હતું માટે ગામડાને મળતી સવલતોનો લાભ આ ટીમ્બાને નહોતો મળતો. વર્ષોની મહેનત પછી એક સરકારી શાળા અને જ્યોતિગ્રામની સુવિધા અહીં સુધી પહોંચવા પામી હતી.

પ્રતાપગઢ જેટલું પછાત જણાતું હતું એટલું આધુનિક પણ હતું. અહીંના લોકો ભલે કાળી મજુરી કરતાં પણ ઘણાં લોકોનાં મકાનો કોઈ બંગલાથી કમ નહોતાં. લોકો આધુનિક પદ્ધતિથી ખેતી કરતાં હતાં, ઘણા જુવાનિયાઓ સુરત શહેરમાં જઈને સ્થાયી થઈ ગયા હતાં.

ટીમ્બાની ભૂગોળ પણ રસપ્રદ કહી શકાય એમ છે, કાળુભાર નદીનાં ઉત્તર દિશા તરફ પડતાં કાંઠે તરપાળા ગામ આવેલું છે. એ ગામનાં પાદરમાંથી ઉત્તર દિશા તરફ જ ત્રણેક કિલોમીટરનો ધુળિયો રસ્તો છે, રસ્તાની બંને તરફ લીલીછમ વાડીઓ હતી. પ્રતાપગઢનાં પાદરે એક વેકળું હતું, ખેતરોમાં ભરાયેલું પાણી અહીંથી કાળુભાર સુધી પહોંચતું. પ્રતાપગઢમાં આંબાનાં બગીચા હતાં, લીંબુનાં બગીચા હતાં, ઘણી જગ્યાએ સીતાફળનાં પણ બગીચા હતાં. ચોમાસામાં અહીંની ટેકરીઓ લીલી ચાદર ઓઢી લેતી, નજર ફેંકો ત્યાં સુધી લીલુંછમ ઘાસ દેખાતું.

ટૂંકમાં, શહેરીકરણથી દુર આ પછાત ટીમ્બો પહેલી નજરે જ પસંદ આવી જાય એવો રમણીય, નયનપ્રિય અને દિલને સુકુન અપાવે તેવો હતો.

ભુપતભાઇ કાળુભાઇ સોલંકી, દસેક વર્ષથી પોતાનાં મોસાળમાં રહેતાં હતાં. આશરે પિસ્તાલિસેક વર્ષની ઉંમર, ઉંચાઈ સવા પાંચ ફૂટ અને શરીરે ગોળમટોળ. તેનો ચહેરો જોઈને જ વ્યક્તિ નકારાત્મક વિચારો ધરાવે છે તેનો ખ્યાલ આવી જાય. પૂરાં ટીમ્બામાં ભુપતભાઇનાં પરિવારનું એક જ જુદું ખોરડું હતું. તેનાં માતાનું ગામ હોવાથી એ પણ અહીં ભળી ગયાં હતાં.

ભુપતભાઇની પત્ની, સગુણાબેન. તેનાં પતિથી જુદાં સકારાત્મક વિચારો ધરાવતાં હતાં પણ પુરુષ પ્રધાન ઘરમાં તેઓનો અવાજ લગ્ન કરીને આવતાં સમયે જ દબાય ગયેલો અને આજ દિન સુધી દબાયેલો જ હતો. ભુપતભાઇને ત્રણ બાળકો હતાં. ચોવીશ વર્ષનો અજિત,. બાવીશ વર્ષની મનીષા અને ઓગણીસ વર્ષનો અભય. ભુપતભાઇનાં માતા રતનબેન સિત્તેર વર્ષનાં હતાં પણ યુવાન છોકરીને માત આપી શકે એવા સ્ફૂર્તિલા હતા.

અજિત અને મનીષાનાં લગ્ન થઈ ગયાં હતાં. જ્યારે અભય એક વર્ષ પહેલાં ભાવનગરમાં કોલેજનાં ત્રણ વર્ષ પૂરાં કરીને પરત ફર્યો હતો.

અભય, સ્વભાવે જિજ્ઞાસુ હતો. કંઈક નવું કરવાનો તેનામાં ખંત હતો, નવા નવા લોકોને મળીને વિચારો અને સંસ્કૃતિનું આદાનપ્રદાન કરવાની તેની આદત હતી. શામળદાસ કોલેજમાંથી જ્યારે એ B.A. પૂરું કરીને આવ્યો ત્યારે પ્રતાપગઢમાં તેના વધમણાં કરવામાં આવ્યાં હતાં. શાલ ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે કોલેજ સુધી પહોંચવાવાળો પ્રતાપગઢમાં એકમાત્ર અભય હતો.

ત્યારે તો અભય ખૂબ જ ખુશ થયો હતો. સગા-સંબંધીઓમાં તેનો મોભો વધી ગયો હતો. લોકો તેને માન આપતાં થઈ ગયાં હતાં. કોઈ પણ સરકારી કામ કે કાગળને અનુસંધાન કામ હોય તો અભયનો જ સંપર્ક સાધવામાં આવતો. પણ સમય જતાં એ માન ઓસરતું ગયું, મોભો ઢળવા લાગ્યો. શિક્ષિત બેરોજગાર થયેલાં અભયને બધાં મેણાં મારવા લાગ્યાં. તેની સાથે જ લોકો તરફનો અભયનો મિજાજ બદલાવા લાગ્યો. તરપાળામાં રહેતાં તેનાં દોસ્ત ઉદય સિવાય એ કોઈને કામ પૂરતો જ મળતો અને કામ પતે એટલે પોબારા ગણવાના ફિરાકમાં રહેતો.

(ક્રમશઃ)