Slave - 5 books and stories free download online pdf in Gujarati

ગુલામ – 5

ગુલામ – 5

( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -2 )

અભયે ખડકી ખોલી એટલે ગઈ કાલની જેમ જ અશોકભાઈ અને પ્રવીણભાઈ ખાટલામાં બેઠાં હતાં. ચાની રકાબી નીચે પડી એટલે પોતે ગઇકાલ કરતાં આજે મોડો છે એ સમજી ગયો હતો.

“ત્રણસો માણસોની રસોઈનું એસ્ટીમેટ કઢાવ્યું છે” ભુપતભાઇએ કહ્યું, “મીઠાઈમાં મોતીચુર ચાલશેને ?”

સામે બેઠેલાં બંને વ્યક્તિએ યંત્રવત માથું ધુણાવ્યું. અભય તેનાં ભાભી પાસે ગયો, તેનાં ભાભીએ ઘૂંઘટ તાણેલો હતો.

“કંઈ તારીખ આવી ?” અભયે જિજ્ઞાસાવશ પુછ્યું.

“હાતમ” ભાભીએ શરમાઈને કહ્યું.

‘આઠમનાં દિવસે જન્માષ્ટમી છે અને સાતમનું શ્રીમંત છે, બંનેને એક સાથે જ આવવું હતું’ અભય મનમાં બબડ્યો. પછી ધીમેથી તેનાં પપ્પાની વાતો સાંભળવા ઉંબરા પર બેસી ગયો.

“દોઢસો કાર્ડ છપાવું, અહીં બધાને હાગમટુ આમંત્રણ આપવું છે અને કાર્ડમાં એક એક વ્યક્તિ માટે”

ભુપતભાઇ વધુ બોલતાં ગયાં. રસોઇમાં શું રાખવું, વાસણ અને મંડપની વ્યવસ્થા કેવી રીતે કરવી, મગબાફણાં (લાકડાં)ની વ્યવસ્થા કેમ કરવી એ બધી જ વિગતવાર માહિતીનો આલેખ સામે બેઠેલી બે વ્યક્તિને દર્શાવ્યો.

અભયને આવી કોઈ વાતમાં રસ નહોતો. એ ઉભો થવા જતો હતો ત્યાં તેનાં પિતાની નજર અભય પર પડી.

“અભય, કાલથી ઉદયનાં ઘરે વેલો જજે અને હાડા હાત(સાડા સાત) થાય ત્યાં પાછો આવી જાજે” ભુપતભાઇએ કહ્યું, “તારાં ભાભીનાં શ્રીમંતની તૈયારી કરવાની છે”

પિતા દ્વારા આવા શબ્દો કહેવામાં આવશે જ એ અભય જાણતો હતો એટલે તેણે હકારમાં માથું ધુણાવ્યું અને સુવા ચાલ્યો ગયો. અભય પડખા ફરતો હતો પણ એને ઊંઘ નહોતી આવતી. તેનાં મગજમાં અત્યારે બે જ વિચારો ઘુમતાં હતાં. એક, તેને જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં જોડાવું છે અને બીજો, જીગા અને રાજદીપે જે વાતો કહી તેનો અમલ કરવો છે. પોતાનાં પિતાને કેવી રીતે જન્માષ્ટમીની તૈયારીઓ માટે મનાવવા એ અભય વિચારવા લાગ્યો. આડા દિવસે પણ તેનાં પિતા બહાર ના નિકળવા દેતાં હોય તો હવે તો શ્રીમંતનો પ્રસંગ માથાં પર આવી રહ્યો હતો. હવે તો પૂછવામાં પણ મૂર્ખામી હતી. છતાં તેનાં મનનાં એક ખૂણે જન્માષ્ટમીની તૈયારીઓમાં જોડાવવાની ઈચ્છા દબાયેલી હતી.

અભય જાણતો હતો કે એ કોઈ દિવસ તેનાં પિતાને પૂછી નહીં શકે. જ્યારે પણ તેનાં પિતા સુધી કોઈ દરખાસ્ત મોકલવી હોય ત્યારે અભય તેનાં બા (મમ્મી) નો સહારો લેતો. અભય તેનાં બાને પ્રેમથી સમજાવતો અને તેનાં પિતાને મનાવવા કહેતો. આવતી કાલે બા સાથે વાત કરીને પિતાને મનાવવાનું અભયે નક્કી કરી લીધું અને સુઈ ગયો.

વહેલી સવારે અભયની આંખ ઉઘડી ગઈ હતી. સપનામાં પણ તેને શ્રીમંત અને જન્માષ્ટમીનાં દ્રશ્યો નજરે ચડ્યા હતાં. સ્નાનાદી ક્રિયા પતાવી, તૈયાર થઈને અભય ફળિયામાં આવ્યો. અભયનાં પિતા વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા (પાકને પાણી આપવા) ગયાં હતાં. તેનાં બા ફળિયામાં ચૂલો સળગાવીને રોટલી કરી રહ્યાં હતાં. અભયે ખૂણામાં રહેલું, ખાતરની પ્લાસ્ટિકની થેલીનું આસનીયું ખેંચીને તેની બા સામે પાથર્યું. ચાની કિટલી ચૂલાનાં દેતવા(અંગાર)માં ગરમ થતી હતી એ લઈને રકાબીમાં ઠાલવી.

“એક વાત કવ બા !!!” અભયે બરફ જેવાં ઠંડા અને તળાવનાં પાણી જેવાં શાંત સ્વરે કહ્યું.

“બોલને” તેનાં બા સગુણાબેને રોટલી વણવામાં જ ધ્યાન આપીને કહ્યું.

“તરપાળામાં મારાં દોસ્તો જન્માષ્ટમી ઉજવવાનાં છે” અભયે અચકાતાં અચકાતાં કહ્યું.

સગુણાબેન રોટલી વણતાં વણતાં અટકી ગયાં અને તીખી નજરે અભય સામે જોયું.

“તો !!” સગુણાબેન ડોકું ઊંચું કરીને ઈશારો કરતાં પુછ્યું.

“મારે પણ એમાં જોડાવું છે” અભયે મક્કમ અવાજે કહ્યું.

સગુણાબેને ફરી રોટલી વણવામાં ધ્યાન આપ્યું, તાવડી પર રહેલી રોટલીને પલટાવી તેણે અડધી મિનિટ વિચારમાં કાઢી. એ દરમિયાન અભયે શિરામણને ન્યાય આપ્યો.

“તું ગાંડો તો નથી થઈ ગયોને !!!” સગુણાબેને મૌન તોડીને કહ્યું, “હાતમને દી તારાં ભાભીનું શ્રીમંત છે, ખબર છે ને ?”

“મને ખબર છે બા” અભયે પૂર્વવત શાંત અવાજે કહ્યું, “બે દિવસ હું જન્માષ્ટમીની તૈયારીમાં નય જાવ”

સગુણાબેન ફરી મનોમંથન કરવા લાગ્યાં. પોતાની વાત તેનાં બાને ગળે ઉતરી રહી છે એ વાત જાણી અભયનાં ચહેરા પર સ્મિતનું મોજું ફરી વળ્યું.

“તારાં બાપાને પૂછી જો, મને કાંઈ વાંધો નથી” સગુણાબેને પોતાનો નિર્ણય જણાવ્યો.

“તમને ખબર છે ને બા, બાપા મારી વાત નય માને” અભયે પેટનો દુઃખાવો કહ્યો, “તમે વાત કરોને”

“તારે જન્માષ્ટમીમાં જાવું છે, તું જ વાત કરને. હું હૂ(શું) કામ કરું ?”

“બા…” અભયે લાંબો લહેકો લીધો, “તમારી વાત મારાં બાપા માનશે, મને બોવ ઈચ્છા છે”

સગુણાબેને તાવડી પરથી રોટલી ઉતારી અભયની થાળીમાં રાખી.

“કરશોને વાત ?” અભય તેની બા સામે આશાભરી નજરે જોઈને કહ્યું.

“કરવી જ પડશેને” સગુણાબેને નિઃસાસો નાંખીને કહ્યું.

અભય ખુશ થઈ ગયો. તેનાં ચહેરા પરનું સ્મિત કાન સુધી ખેંચાય આવ્યું.

“તો હું ઉદયનાં ઘરેથી સીધો જ ત્યાં વયો(ચાલ્યો) જઈશ” અભયે શિરામણ પતાવતાં કહ્યું, “તમે બાપા હારે વાત કરી લેજો”

*

“ત્રણ દિવસનો ફાળો બાર હજાર થયો છે” ઉદયે હિસાબ લગાવ્યો, “હજી આઠ દિવસ બાકી છે એટલે ત્રીસ હજાર આસપાસ ફાળો થશે”

“ગયાં વર્ષ કરતાં આ વર્ષે વધી જશેને તો !’ જીગાએ ખુશ થતાં કહ્યું.

“ગયાં વર્ષે બાવીશ હજાર થયો હતો, અત્યારે જેમ ફાળો મળે છે એ હિસાબે વધવો જ જોઈએ” ઉદયે કહ્યું. બધાં દોસ્તો નદી કાંઠે આવીને બેઠાં હતાં.

“તો આ વર્ષે કોઈ લાંબી ટ્રીપ મારશું” જીગાનો ચહેરો ખીલી ઉઠ્યો.

“હા યાર, ગયાં વર્ષે તો બે હજાર જ વધ્યા હતા અને એમાં પણ સાળંગપુર સુધીનું બજેટ થયું હતું. આ વર્ષે ક્યાંક દૂર જવું છે” રાજદીપે કહ્યું.

જન્માષ્ટમીનો ખર્ચો બાદ કરતાં જેટલો ફાળો વધતો તેમાં પુરી ટોળકી દર વર્ષે બજેટ અનુસાર કોઈ ટ્રીપ ગોઠવતાં. છેલ્લાં વર્ષે સાળંગપુર સુધીનો ફાળો વધ્યો હતો એટલે આ વર્ષે વધુ ફાળો એકઠો કરવા આ ટોળકી મથી રહી હતી.

“આપણે જુગાડ લગાડીશું” ઉદયે ભેજું વાપર્યું, “ગયા વર્ષે માખણ વેચાતું લાવ્યા હતાં, જેનો ખર્ચો બે હજાર થયો હતો. આ વર્ષે લખાકાકા ભરવાડ પાસેથી ફાળો લેશું નય અને માખણની જવાબદારી એને આપી દેશું. આમય એને ચાલીશ ગાયું છે, એ ના નય પાડે. ગયાં વર્ષે આપણે હજાર રૂપિયાની લાઈટો લાવ્યાં હતાં એટલે આ વર્ષે એનો ખર્ચો પણ નય રે, કાલે હું ધોળા જઈને એકવીશ માટલી લઈ આવું, જન્માષ્ટમી નજીક આવે છે એમ હરામી ભાવ વધરતાં જાય છે. અત્યારે લઈ લેશું તો સસ્તામાં મળી જાહે”

“આટલો બધો ખર્ચો ઓછો થઈ જાહે તો તો લાંબી ટ્રીપ પાક્કી આપણી” જીગાએ કહ્યું.

આ બધાં વાત કરતાં હતાં એમાં અભય ચુપચાપ એકબાજુમાં ગુમસુમ ઉભો હતો. એ ચિંતિત અને વિચારમગ્ન જણાતો હતો. ઉદયનું ધ્યાન તેનાં પર ગયું.

“કેમ ભાઈ, મોઢા ઉપર કેમ બાર વાગ્યાં છે ?” ઉદયે પુછ્યું, “પાછું બાપાએ કાંઈ કીધું ?”

“ના અલા” અભયે કહ્યું, “સાતમનાં દિવસે ભાભીનું શ્રીમંત છે”

“ હા તો એમાં હૂ થયું ?” જીગાએ કહ્યું, “તું એની તૈયારીમાં રેજે”

“અને આયા તમે એકલાં તોડાવ ?” અભયે મોઢું બગાડ્યું.

“અરે ભલા માણસ, ભાઈબંધ છવી તારાં. દુશ્મન નથી” જીગો હસ્યો, “તારે આવવાનું ઘણું મન છે પણ તારાં બાપા નય આવવા દે ઇ અમને ખબર છે. એટલે તું શ્રીમંતનાં કામમાં ધ્યાન આપજે અને આઠમને દી હવારે આવી જજે પાછો”

જીગા તરફ જોઈને અભયે સ્મિત કર્યું. બે દિવસ પહેલાં આ જ જીગા સાથે અભયને બોલવાનું થયું હતું અને અત્યારે એ જ જીગો તેને સમજી રહ્યો હતો.

“હારુ હાલો, હું અભયને મૂકી આવું છું” ઉદય ઉભો થઈને બોલ્યો.

“હા અને કાલે મટકી માટે ધોળા જવાનું છે યાદ છે ને ?” જીગાએ કહ્યું.

“તું નવરો હોય તો આવજે હારે, બેય લેતાં આવશું” ઉદયે કહ્યું.

“વાંધો નય, ફોન કરજે”

ઉદયે મોટરસાયકલ શરૂ કરી. અભય પાછળ સવાર થઈ ગયો. અભયનાં ચહેરાનો રંગ અત્યારે ઉડી ગયો હતો. તેનાં બાપાએ વહેલાં ઘરે આવવા કહ્યું હતું અને અત્યારે સવા નવ થઈ ગયાં હતાં. તેની બાએ જન્માષ્ટમીની વાત કરી હશે અને બાપાએ શું નક્કી કર્યું હશે એની તેને ચિંતા થઈ રહી હતી. જો એનાં બાપા ખારા થયાં તો બીજાં જ દિવસથી તેનું તરપાળા આવવાનું બંધ થઈ જવાનું હતું.

“બોઉ વિચાર નહિ, બધું બરોબર થઈ હશે. તું જેટલું વિચારીશ એટલી જ તકલીફ વધશે” ઉદયે અભયની મનોસ્થિતિનો તાગ લગાવીને કહ્યું.

“મારાં બાપાએ મને સાંજે ઘરે રહેવા કહ્યું હતું, હું બાને સમજાવીને આવ્યો છું પણ ઘરે પહોંચીશ એટલે બાપા કાંઈક તો બોલશે જ” અભયે કહ્યું.

“એ તો બોલ્યાં રાખે, બોઉ મગજમાં નહિ લેવાનું” ઉદયે કહ્યું, “તું તારી રીતે જીવને”

“જે થશે એ જોયું જશે” આખરે અભયે વાત પૂરી કરતાં કહ્યું.

રોજની જેમ ઉદય ભુપતભાઈનાં ઘરથી થોડે દુર અભયને ઉતારીને ચાલ્યો ગયો. અભય પણ રોજની જેમ થાકેલાં અને હારેલાં પગે ખડકીમાં પ્રવેશ્યો. ભુપતભાઇ ખાટલા પર બેસીને માવો ચોળી રહ્યાં હતાં. અભયનાં બા વાંસણ માંજતાં હતાં. અભયે તેનાં પિતા સાથે આંખ મેળવવાનું ટાળ્યું અને જમવા માટે હાથ-પગ ધોવા ચાલ્યો ગયો. હાથ-પગ ધોઈને એ રૂમાલ તરફ વળતો હતો ત્યારે તેનાં પિતાએ અવાજ આપ્યો, “અભય, આયા આવતો”

(ક્રમશઃ)