Wolf Dairies - 22 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 22


“એ છોકરી અને તેની એક સાથી, તે બંને કાલે વિમાનમાં પરીક્ષાના સમયે એકલા હશે. જાણવા મળ્યું છે કે કાલે કોઈ સિક્યુરિટી નહિ હોય. તેના ભાઈને મેં પહેલા જ રસ્તામાંથી હટાવી દીધો છે. તો આપણું કામ સહેલું બની શકે છે. પણ હું તેની જવાબદારી ના લઇ શકું.” પર્સીએ એક અંધારા ઓરડામાં બેઠા સેમનો ફોટો બતાવતા કહ્યું.

“તને તારી જોઈતી કિંમત મળી જશે. મને બસ એ છોકરી જોઈએ છે.” પોતાની લાલ આંખો બતાવતા કરનએ સેમનો ફોટો હાથમાં લીધો.

“મને એક વાત નથી સમજાતી કે, તમારા જેવા શક્તિશાળી વેમ્પાયરને એક પાયલટની શું જરૂર પડી?” શંકાના ભાવ સાથે પર્સીએ પૂછ્યું.

“તે કોઈ સાધારણ છોકરી નથી. તેની પાસે જાદુઈ શક્તિઓ છે. એની માએ વર્ષો પહેલા અમારા બોસની બધી શક્તિઓ નાશ કરી દીધી હતી. પણ પોતાની મિત્રને બચાવા જતા એની માએ પણ પોતાની શક્તિઓ ગુમાવી હતી.” કરનએ બધી વાત જણાવી.

“તો એમા આ છોકરી તમારા શું કામમાં આવશે?” પર્સીએ પૂછ્યું.

“આ બધી શક્તિઓ પાછી ત્યારે જ મળી શકે જયારે એક નવું જાદુગર અસ્તિત્વમાં આવે. અને અત્યારે આ છોકરી એક જ છે જે આ કામ કરી શકે છે. એના ઘરના તેને બચાવવા માટે પોતાનાથી દુર રાખે છે. પણ આપણે એની શક્તિઓ જાગૃત કરાવશું.” કરનએ હસીને કહ્યું.

“હા બિલકુલ.” પર્સીએ હસીને કહ્યું.

****

“તું ઠીક છે?” ટ્રેઈનીંગ સેન્ટરમાં બેઠેલી સેમને જોઈ કિમએ કહ્યું.

“હા. બસ જેક વિશે વિચારી રહી છું. એ ઠીક હશે કે નહિ.” સેમએ દુઃખી થતા કહ્યું.

“આજે છેલ્લો દિવસ છે પરીક્ષાનો. આ પતે એટલે આપણે સીધા એની પાસે જ જઈશું. અને તેની જોડે ઈવ છે. એટલે ચિંતા ના કરીશ.” સેમને હિંમત આપતા કિમએ કહ્યું.

“ક્રિયા અને સમાયરા.. તમારો વારો છે.” ત્યાં એક ઓફિસરએ કહ્યું.

માથું હલાવીને તે બંને પોતાના વિમાનમાં બેઠા. બંને હેડફોન કાન પર ચડાવીને લોકેશન જોઈ રહ્યા હતા. માહિતી આપી તેમણે ઉડાન ભરી.

“આ શું થઇ રહ્યું છે? હું કોઈ લોકેશન મોકલી નથી શકતી. જલ્દી હેડક્વાર્ટર જોડે સંપર્ક કર.” ગભરાતા સેમએ કહ્યું.

“હેલ્લો.. કંટ્રોલ રૂમ... શું તમે અમને સાંભળી શકો છો?” કિમ બોલી રહી હતી.

“આપણો સંપર્ક તૂટી ગયો છે. તે આપણને સાંભળી નથી શકતા. આપણે જાતે જ રસ્તો શોધવો પડશે. ચિંતા ના કરીશ, આપણે સાથે મળીને કરી લઈશું.” કિમએ સેમને હિંમત આપતા કહ્યું.

ગભરાતા સેમએ સંતુલન જાળવી રાખ્યું.

“શું હિંમત છે છોકરીઓની..” પાછળથી પર્સીએ કહ્યું.

“તું.. કોણ છે તું? અને અહી કઈ રીતે આવ્યો?” અજાણ્યાં માણસને જોઇને કિમએ જોરથી તેણે ધમકાવતા કહ્યું.

પોતાનું મોઢું ઢાંકેલા કરનએ પોતાના વેમ્પાયર હોવાનો ફાયદો ઉઠાવીને ઝડપથી કિમના ગળા પર મારીને તેને બેભાન કરી દીધી.

“કિમ.. કિમ તું ઠીક તો છે ને..?” ગભરાતા સેમએ કહ્યું. પણ તેને વિમાન પરનું પોતાનું સંતુલન ગુમાવ્યું નહિ.

“સાચે જ બહુ સારી પાયલટ છે તું..” પર્સીએ હસીને સેમ સામે જોયું.

કરનએ તેને પણ બેભાન કરી દીધી. અને વિમાનનું સંતુલન સંભાળ્યું.

****

ઈવ ઉઠીને જેક માટે કોફી બનાવી રહી હતી.

સ્ટોર રૂમમાંથી કંઇક અવાજ આવતા ઈવ એ તરફ ગઈ.

“જેક.. શું તું છે?” ઈવએ આગળ વધતા પૂછ્યું. પણ સામે કઈ જવાબ મળ્યો નહિ.

ઈવએ ધીમેથી સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો.

“ઓહ.. આ તો બિલાડી હતી.” એક સફેદ બિલાડીને ત્યાં જોઇને ઈવ હસી પડી.

“આ શું છે?” ઈવનું ધ્યાન ત્યાં લગાવેલા ફોટો પર પડ્યું.

તે ફોટો પર ધૂળ જામી ગઈ હતી. ઈવએ પોતાના હાથથી જ એને સાફ કરી.

“આ તો.. જેક.. અને હું...” ઈવ ત્યાં જ ફોટો પકડીને નીચે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું.

“ઈવ.. ઓહ તું અહી છે. અહી શું કરે છે? હું ક્યારનો તને..” ઈવને ત્યાં જોતા જ રૂમમાં આવેલા જેકએ કહ્યું. પણ ઈવને રડતા જોઈ તે ચુપ થઇ ગયો.

ઈવ તેની સામે જોયા વગર જ વધુ રડવા લાગી. તેને હજુ પણ પેલો ફોટો મજબુતીથી પકડી રાખ્યો હતો.

“શું થયું? તું કેમ આમ રડે છે? પ્લીસ ચુપ થઇ જ. મને જણાવ શું થયું?” ઈવ પાસે જઈને નીચે બેસી જેકએ તેનો ખભો પકડ્યો.

“મારી નજીક ના આવ. દુર રહે મારાથી..” ગુસ્સામાં ઉભા થતા ઈવએ કહ્યું.

“હા હું તારાથી દુર છું. પણ થયું શું?” પોતાના હાથ દુર હટાવતા જેકએ કહ્યું.

“આ ફોટો તારો છે ને?” ઈવએ પોતાના હાથમાં રહેલો ફોટો બતાવતા કહ્યું.

“પ્લીસ ના કહી દે.. પ્લીસ.. તું એ ના હોઈ શકે..” ઈવ મનમાં વિચારી રહી હતી.

“હા. હું જ છું. અને મારી બાજુમાં એ છોકરી છે જેના વિશે મેં તને કહ્યું હતું.” જેકએ ધીમેથી કહ્યું.

“ઇવલીન..” ઈવએ કહ્યું.

“હા. પણ તને કઈ રીતે ખબર?” જેકએ આશ્ચર્યથી ઈવ સામે જોયું.

“કેમકે એ હું જ છું. ઇવલીન રિચર્ડ.. જેની મા તારા લીધે કોમામાં જતી રહી. અને આટલા વર્ષો પછી પણ તે કોમામાં જ છે. હું એ જ છોકરી છું જેને તારા કારણે ક્યારેય માનો પ્રેમ નથી મળ્યો.” ઈવના હાથમાંથી ફોટો નીચે પડીને તેનો કાચ તૂટી ગયો.

“તું.. ઇવલીન.. આ કઈ રીતે હોઈ શકે? તું મજાક કરે છે ને ઈવ? પ્લીસ આવો મજાક ના કરીશ. મને બહુ ડર લાગે છે.” પોતાના કાન પર હાથ મુકતા જેકએ દર્દથી કહ્યું.

“ડર તો હવે મને તારાથી લાગે છે. કે મેં ફરી એક વાર તારા જેવા માણસ પર ભરોસો કર્યો.” ઈવએ નફરતથી કહ્યું.

“મને માફ કરી દે ઈવ. તું મને જે સજા આપીશ તે મને મંજુર છે. પણ મારાથી આમ નફરત ના કરીશ. તારી આ નફરત મારો જીવ લઇ લેશે.” જેકની આંખમાં પણ આંસુ હતા.

“મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હું જાઉં છું પાછી હોસ્ટેલ.” કહી ઈવ રડતી ત્યાંથી બહાર નીકળી ગઈ.

હારેલો જેક ત્યાં જ નીચે બેસી ગયો.

“પ્રેમ સાચે જ અજીબ છે. જીતી ગયેલા વ્યક્તિને હરાવી નાખે.. અને હારેલા માણસને જીતાડી દે છે.” ઈવના ગયા પછી દારૂ પીતા જેક બોલી રહ્યો હતો.

એ રાતે જેક દારુ પીને ત્યાં જ પડ્યો રહ્યો.

ઈવ રડતી પોતાના હોસ્ટેલના રૂમ પર આવી ગઈ. તે બહુ જ દુઃખી હતી. પણ તેનું દુખ વહેચવા ત્યાં કિમ અને સેમ પણ નહોતા.

તેને લાગ્યું કે એ બંને પરીક્ષામાં વ્યસ્ત હશે. ઈવ રડતા રડતા જ સુઈ ગઈ.

સેમ અને ઈવનું વિમાન સંપર્કમાં નહોતું. એટલે આખું એર ફોર્સ ડીપાર્ટમેન્ટ તેમને શોધવામાં લાગી ગયું હતું. થોડી શોધ કર્યા પછી વિમાન એક જંગલ વિસ્તારમાંથી મળ્યું. પણ એ વિમાનમાં માત્ર કિમ જ હતી. જેને હજુ સુધી ભાન આવ્યું નહોતું. જયારે સેમની કોઈ ખબર નહોતી.

“હેલ્લો. હા જેક બોલું છું. શું? કેવી રીતે? હું હમણાં જ આવું છું.” સવારે જેકને ડીપાર્ટમેન્ટથી સેમ બાબતે ફોન આવતા જેક ફટાફટ ત્યાં પહોચ્યો.

ઈવ ત્યાં પહેલેથી જ હાજર હતી. પણ તેણે જેકને અવગણ્યો.

જેક પણ અત્યારે બહુ ચિંતામાં હતો એટલે તે આ વિષય પર ઈવ સાથે બહેસ કરવા માંગતો નહોતો.

“શું થયું કેપ્ટન? ક્યાં છે સેમ? કઈ રીતે થયું આ બધું?” અધીરાઈથી જેકએ કમાન્ડીંગ ઓફિસરને પૂછ્યું.

“અમને વિમાન મળી ગયું છે. અને તેમાં ખાલી ક્રિયા મળી છે. તેમાં સમાયરા ક્યાય નથી. અને ક્રિયા હજુ સુધી ભાનમાં આવી નથી. અમારા સિપાહી તે વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે.” તે વ્યક્તિએ શાંતિથી બધું જણાવ્યું.

“શું હું તેમની સાથે જઈ શકું?” જેકએ નિરાશ થતા કહ્યું.

****

● શું હવે ઈવ, જેકને માફ કરશે?

● ક્રિયાને ભાન આવશે કે નહિ?

● સેમનું શું થશે?

● જેક સેમને બચાવી શકશે?

● સેમની શક્તિઓ જાગૃત થશે કે નહિ?

ક્રમશઃ