Wolf Dairies - 26 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 26


“પંછી.. હું ક્યારનો ઉભો છું અહી હવે જલ્દી ચાલ. આપણે કોલેજના પહેલા દિવસ જ મોડા પહોચીશું.” પંછીના ઘરની બહાર બાઈક લઈને ઉભેલા ક્રિસએ ઘડિયાળમાં જોઇને બુમ પડી.

“બસ. આવી ગઈ ક્રિસ. આમને આમ હું એક દિવસ બધી જગ્યાએ મોડા પહોચવાનો રેકોર્ડ બનાવી દઈશ. હું જાઉં.” કહીને પંછી તેના મમ્મી પપ્પાને પગે લાગીને ક્રિસની પાછળ બાઈક પર બેઠી.

ઊંચા વૃક્ષોવાળા બરફથી ઢંકાયેલા રસ્તાઓમાં લોકો સ્વેટર અને ટોપીઓ પહેરીને રસ્તાઓ પર જોવા મળી રહ્યા હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરજના અજવાળા સાથે આ માદક ઠંડી આખા શહેરને ગુલાબી બનાવી રહી હતી.

જાણે કે બરફની તળેટીઓની વચ્ચે જ બનાવવામાં આવી હોય તેવી સુંદર સેંટ લુઇસ કોલેજનું બોર્ડ ક્રિસ અને પંછીને દેખાયું. જોતા જ ખબર પડી જાય કે આ કોલેજ ઘણાંય વર્ષોથી અહી સ્થિત હશે. કાલે પડેલા બરફથી અમુક જગ્યાએ બરફથી ઢંકાયેલી કોલેજ આહલાદક લાગી રહી હતી.

“વાહ ક્રિસ, આ કોલેજ કેટલી સુંદર છે. આવી સુંદર જગ્યા તો મેં આજ પહેલા ખાલી ફિલ્મોમાં જ જોઈ છે.” કોલેજને જોતા પંછીએ કહ્યું.

“ચાલ મારા સ્કુલવાળા મિત્રો આવી ગયા છે. એ આપણી જ રાહ જોવે છે.” બાઈક પાર્ક કરતા ક્રિસએ કહ્યું.

“આ પ્રિયા છે. એને તું તારો ભાઈ સમજી શકે પંછી, કેમકે એ કોઈ છોકરાથી કમ નથી.” એકદમ છોકરા જેવા કપડા પહેરેલી છોકરીના ખભા પર હાથ મુકતા ક્રિસએ કહ્યું.

“તું આની વાત બિલકુલ નહિ માનીશ પંછી, એ મારાથી બાસ્કેટ બોલમાં હારી જાય છે એટલે આવું કહે છે.” ક્રિસને ખભા પર મારતા પ્રિયાએ કહ્યું.

“અને આ છે અમારા ગ્રુપની મિસ મેકઅપની દુકાન, સંયુક્તા.” ખુબ જ તૈયાર થયેલી અને મીની સ્કર્ટ પહેરીને ઉભેલી, લિપ્સ્ટીક કરતી છોકરીને જોઇને ક્રિસએ કહ્યું.

“ઓહ પ્લીસ ક્રિસ. કેટલી વાર કહ્યું મને સેમ કહીને બોલાવ.” ક્રિસને આંખો કાઢતા સેમએ કહ્યું.

“આ રાહુલ છે. અને તે મારા સગા કાકાનો દીકરો છે. જેની લાઈફનો બોડી બનાવવા સિવાય બીજો કોઈ ગોલ નથી.” હાથ મિલાવતા ક્રિસએ જીમના ટ્રેકસુટમાં સજ્જ છોકરાની ઓળખાણ કરાવી.

“એન્ડ ગાયસ, આ છે પંછી. મારી પડોસી અને મારા પપ્પાના ફ્રેન્ડની છોકરી. હવે તે આપણી સાથે છે. તે હમણાં જ દિલ્હીથી અહી શિફ્ટ થઇ છે.” પંછીએ સફેદ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. અને માથામાં નાની બિંદી લગાવી હતી. કાનમાં નાના ઝૂમખાં પહેર્યા હતા. કોઈ મેકઅપ વગર પણ તે ખુબ સુંદર લાગી રહી હતી.

“વેલકમ પંછી” બધા જ એક સાથે બોલ્યાં.

“હાઈ, ક્રિસ. મેં સાંભળ્યું કે, તે નવા ફ્રેન્ડ બનાવી લીધાં?” પાછળથી ક્રિસના ખભા પર હાથ મુકીને એક છોકરીએ કહ્યું. જેને બહુ જ બધો મેકઅપ કર્યો હતો, હાઈ હિલ્સ પહેર્યા હતાં, તેણે ખુબ જ ટૂંકો શોર્ટ અને ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું.

“એવી તો કોઈ વાત નથી જેસ. આ મારી પડોશી છે પંછી.” ઓળખાણ આપવાતા ક્રિસએ કહ્યું.

“મને આવા બહેનજી ટાઇપ ફ્રેન્ડસમાં કોઈ રસ નથી ક્રિસ. આઈ હોપ કે તું ભૂલ્યો નહિ હોય કે આજે ફ્રેશર પાર્ટી વિશે નક્કી કરવાનું છે. અને આપણે સ્કુલની જેમ અહી પણ સૌથી પોપુલર કપલ સાબિત થઇ શું. તો આપણે ઓર્ગેનાઇઝર કમિટીમાં જોડાઈ રહ્યા છીએ ને?” ક્રિસની નજીક આવતાં જેસએ કહ્યું.

“હા. મને યાદ છે જેસ. હું હમણાં જ આવું.” કહીને ક્રિસ જેસ જોડે ગયો.

“આ કોણ છે પ્રિયા?” પંછીએ પ્રિયા સામે જોયું.

“આ છે જસ્લીન. જે પોતાની જાતને જેસ કહેવડાવે છે. કદાચ એને પોતાનું આખું નામ યાદ નહિ રહેતું હોય. અને બદકિસ્મતીથી એ ક્રિસની ગર્લફ્રેન્ડ છે.” પ્રિયાની વાત સાંભળીને પંછી પણ હસી.

“ચાલો યાર. ક્લાસ ચાલુ થઇ ગયા હશે.” સેમએ કહ્યું. બધા જ ક્લાસ તરફ ગયા. પંછી ખુશ હતી કે તેને પહેલા જ દિવસ આટલા સારા મિત્રો મળી ગયા.

“૨ મિનીટ ફ્રેન્ડસ. એક ગુડ ન્યુઝ છે. આ ફ્રેશર પાર્ટી વિશે છે.” ક્લાસ પત્યાં પછી બધા જ બહાર નીકળી રહ્યા હતાં ત્યારે જ ક્રિસએ બધાને રોક્યા.

બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા.

“આ વખતે એવી ફ્રેશર પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે જે આજ પહેલા ક્યારેય નહોતી થઇ. આ એક પિકનીક ફ્રેશર પાર્ટી છે. આપણે બધા એક મસ્ત જગ્યાએ પિકનીક પર જઈ રહ્યા છીએ, અને ત્યાં જ ફ્રેશર પાર્ટી અરેંજ કરી છે.” ખુશ થતાં ક્રિસએ કહ્યું.

“તો તો બહુ જ મજા આવશે, શું કહેવું પંછી?” પ્રિયાએ પંછી સામે જોઇને ખુશ થતા કહ્યું.

“પણ પ્રિયા, આપણે કાલે જ જવાનું છે તો પાર્લરમાં જવાનો અને શોપિંગ કરવાનો તો સમય જ નહિ મળે એનું શું?” સેમની વાત સાંભળી બધા જ હસ્યા.

****

ખુબ જ અંધારા જંગલમાં ચંદ્રના પ્રકાશ સિવાય કઈ જ દેખાઈ નહોતું રહ્યું. અને બધી જ બાજુથી ભયાનક પશુઓ, ચામાચિડિયા અને ઘુવડના અવાજ આવી રહ્યા હતાં. તે લગ્નના કપડામાં સજ્જ હતી. એની પાછળ કોઈક પડ્યું હતું. એટલે જ તે પોતાનો જીવ બચાવીને દોડી રહી હતી.

તેના હ્રદયના ધબકારા પણ તેને સંભળાઈ રહ્યા હતાં. આટલા અંધારા અને ગીચ જંગલમાં પણ તે દોડી રહી હતી, કારણ કે તે પૂનમની રાત હતી એટલે જ તે જોઈ શકતી હતી. તે વારે વારે પાછળ જોઈ રહી હતી. દોડવાના કારણે તેના પગમાં બહુ જ બધી ઠોકરો વાગી હતી. જેના કારણે તેના પગ પણ તેના ઘરચોળા જેવા લાલ રંગાઈ ગયા હતાં. તેની પાછળ આવતાં અવાજ બધું ઘેરા બનવા લાગ્યા અને તે લોકોએ તેને પકડી લીધી. તેની આંખે અંધારા છવાઈ ગયા. તેની આંખો ધીમે ધીમે બંધ થઇ ગઈ.

તેની આંખો ખુલી ત્યારે તે એક ઓરડામાં પુરાયેલી હતી. હિંમત કરીને તે ઉભી થઇ તેને બધું જ ઝાંખું દેખાવા લાગ્યું. તેને ઓરડો ખોલ્યો અને બહાર નીકળી. મુખ્ય હોલમાં મોટું ઝુમ્મર લટકી રહ્યું હતું. તેની નજર સીડીઓ પર પડી. જાણે કે સીડીઓ તેને બોલાવી રહી હોય. તે સીડીઓ ચડવા લાગી. સીડીઓ કોઈક ભવ્ય રાજમહેલની લાગી રહી હતી, જેના પર લાલ કાર્પેટ પાથરેલું હતું. અચાનક તેનું ધ્યાન ત્યાં રહેલી એક મોટી ફોટો ફ્રેમમાં પડી જેમાં એક રાણીના કપડામાં તેનો પોતાનો જ ફોટો હતો.

તેની પાછળ કોઈક ઉભું હતું, જેનો તેને ખ્યાલ નહોતો. એના ખભા પર કોઈકનો હાથ અડ્યો. ગભરાઈને જેવી તે પછી ફરી તેવું જ પાછળ ઉભેલા તે વ્યક્તિએ તેના પેટમાં છરી વડે ઊંડો ઘા કરી દીધો. તે એ વ્યક્તિનો ચહેરો જોઈ ના શકી.

અચાનક જ પંછીની આંખ ખુલી ગઈ. હમેશાની જેમ તેણે આજે પણ ફરી એ જ સપનું જોયું જે તે વર્ષોથી જોતી આવે છે.

“ખબર નહિ એ વ્યક્તિ કોણ હશે, જેને મને રોજ સપનામાં મારવાની મજા આવતી હશે?” પોતાનો પરસેવો લુછીને પંછીએ પાણી પીધું. અને તે ફરીથી ઊંઘમાં ખોવાઈ ગઈ.

****
આખા શહેરમાં અંધારું છવાયેલું હતું. તે કોઈકની ઉંચી બિલ્ડીંગ પર કાળા કોટ પહેરીને ઉભો હતો. પવનમાં તેનો કોટ ઉડી રહ્યો હતો. ધીમે ધીમે બરફ પડી રહ્યો હતો. પણ આ બરફ અને ઠંડીની તેના પર કોઈ જ અસર થઇ રહી નહોતી. તે આટલી ઉંચાઈથી જંગલના અંધકાર તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ચંન્દ્રનું પ્રતિબિંબ છલકાઈ રહ્યું હતું.

તેના ગોરા ચહેરા પર ના તો કોઈ દુઃખ હતું ના કોઈ ખુશી. તેનો ચહેરો લાગણીવિહીન લાગી રહ્યો હતો. તેના ખભા સુધી આવતાં લાંબા વાળ હવામાં ઉડી રહ્યા હતાં. એવું લાગી રહ્યું હતું કે તેને સમયની કોઈ જ પરવાહ નથી. તે બસ હજુ પણ પોતાના ભૂતકાળમાં જ જીવી રહ્યો છે.

“પ્રેમ.. જેનો પહેલો શબ્દ જ અધુરો હોય, એ કોઈ બીજાને કઈ રીતે પૂરો કરી શકે છે? પ્રેમ છે જ એક દગો. પ્રેમ હંમેશા વ્યક્તિને દુઃખ જ આપતો હોય છે. પ્રેમ પતી જતો હોય છે પણ દર્દ ક્યારેય ખતમ નથી થતો. શ્વાસ લીધા વગરનો ખબર નહિ કેટલીય સદીઓથી બસ હું જીવી રહ્યો છું. બસ એક સજાના ભાગ રૂપે જેનું નામ છે પ્રેમ. આ આગ સદીઓથી મારી અંદર લાગી રહી છે છતાં હું અંધકારમય છું. બસ હવે મને વધારે દર્દ નથી જોઈતું. આ પ્રેમ નથી જોઈતો હવે મને.” તે પોતાની સાથે જ જાણે વાત કરી રહ્યો હતો. કેમકે તેને સાંભળવાવાળું ત્યાં કોઈ જ નહોતું. અને કદાચ તેને કોઈની જરૂર પણ નહોતી. અચાનક જ તે નીચે કુદ્યો અને જંગલ તરફ પવનની ઝડપે દોડવા લાગ્યો અને ક્યાંક ગાયબ થઇ ગયો.

****

● પંછીને સપનામાં કોણ મારી રહ્યું હતું?

● પંછીના આ સપના અને તેનું મનાલી આવવું શું એકબીજા સાથે જોડાયેલું હતું?

● જંગલમાં ગાયબ થવા વાળો એ વ્યક્તિ કોણ હતો?

● શું પિકનીકમાં કંઇક થવાનું છે?

ક્રમશઃ