Wolf Dairies - 42 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 42

રીતુબેનએ પોતાની શક્તિથી બેભાન થતી પંછીને નીચે પડતા બચાવી અને પલંગ પર સુવડાવી. “તેને આરામ કરવા દો.” રીતુબેન પાછળ બધા જ રૂમની બહાર નીકળ્યા.

“તેની શક્તિઓ આવી રહી છે.” કેયુરભાઈએ કહ્યું.

“કેવી શક્તિઓ?” રાહુલએ પૂછ્યું.

“એ રાજકુમારીના વંશની છોકરી છે. તેથી તે પણ મારી જેમ જાદુ કરી શકે છે. એની શક્તિઓ તેને મળી ગઈ છે.” રીતુબેનએ ખુશ થતા કહ્યું.

“તેનો ચહેરો બિલકુલ રાજકુમારીને મળતો આવે છે. આ જરૂર કોઈ સારા સંકેત છે. આપણે તેના ઉઠવા સુધી રાહ જોવી પડશે.” સોફા પર બેસતા રાજેશભાઈએ કહ્યું.

પંછી એક વિશાળ તળાવ પાસે ઉભી હતી. તેનો પગ લપસ્યો પણ કોઈકએ તેનો હાથ પકડી લીધો. અને તે સુંદર યુવકે તેને પોતાની તરફ ખેચી.

“તમારો આભાર.” આંખો ઝુકાવતા તેણે કહ્યું.

“આ તો મારી ફરજ હતી.. રાજકુમારી શ્વેતા.” તેની નજીક આવતા તેણે કહ્યું.

તે શરમાઈને ત્યાંથી ભાગી ગઈ.

ધીમે ધીમે તે બંને રોજ મળવા લાગ્યા. તે એના માટે બધી જ જાતના ફૂલ લઇ આવતો. તેને ઘોડે સવારી શીખવતો. તે પણ એક રાજા હતો. તે તલવારબાજીમાં નિપુણ હતો.

“આ શું?” શ્વેતાએ તેને એક ખંજર ભેટમાં આપ્યું હતું.

“જયારે તું દુશ્મનથી ઘેરાઈ જાય અને તારી પાસે કોઈ રસ્તો નહિ બચે ત્યારે આ તારી મદદ કરશે.” હસીને શ્વેતાએ કહ્યું.

ધીમે ધીમે તે બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. તેના પ્રેમમાં શ્વેતા બધું જ ભૂલી ગઈ હતી. તે બધાથી છુપાઈને રોજ અક્ષયને મળવા જતી. એક દિવસ કોઈક રાજમહેલના સેવકએ તે બંનેને સાથે જોઈ લીધા.

રાજાને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે રાજકુમારીને ઘરમાં જ કેદ કરી લીધી. તેના બહાર જવા પર રોક લગાવી દીધી.

રાજકુમારીએ અક્ષયની યાદમાં ખાવા પીવાનું પણ છોડી દીધું હતું.

“બસ હવે બહુ થયું. તમારા લગ્ન રાજકુમાર વિક્રમ સાથે નક્કી કરી દીધા છે. આવતી પૂર્ણિમાએ તમારા બંનેના લગ્ન થશે.” કહીને રાજા ત્યાંથી જતા રહ્યા.

શ્વેતા આ વાતથી ખુબ જ દુઃખી થઇ.

“રાજકુમારી.. આપના માટે સંદેશ..” એક દાસીએ આવીને રાજકુમારીને ચિઠ્ઠી આપી.

“શ્વેતા... તારા વગર જીવવું હવે શક્ય નથી. મને ખબર છે તારા પિતાએ તારા લગ્ન નક્કી કરી દીધા છે. પણ લગ્ન વાળી રાતે હું તને ભગાવીને આ બધાથી દુર લઇ જઈશ. જો તું પણ આ જ ઇચ્છતી હોય તો મારી રાહ જોજે. જ્યાં આપણે પહેલી વાર મળ્યા હતા.” વાંચીને શ્વેતા ખુબ ખુશ થઇ ગઈ.

તે રાજકુમાર વિક્રમને જાણતી હતી. પણ તેને એ પસંદ નહોતો. એ બસ અક્ષય સાથે ખુશ રહેવા ઈચ્છતી હતી. તેની પાસે શક્તિઓ હતી પણ તે પોતાના પિતા વિરુદ્ધ તેને વાપરવા નહોતી માંગતી.

લગ્નની રાતે શ્વેતા દુલ્હનના કપડામાં તૈયાર થઈને તળાવ પાસે પહોચી. જ્યાં તે બંને પહેલી વાર મળ્યા હતા. પણ અચાનક જ અમુક લોકોએ તેને ઘેરી લીધી. તે બધા સિપાહી નહોતા.

“કોણ છો તમે?” શ્વેતાએ પૂછ્યું.

તે બધા જ ધીમે ધીમે માણસમાંથી વુલ્ફમાં ફેરવાઈ ગયા. આ જોઈ શ્વેતા ખુબ જ ગભરાઈ ગઈ. ડરના લીધે તે ત્યાંથી ભાગવા લાગી. વુલ્ફ હજુ પણ તેનો પીછો કરી રહ્યા હતા.

જયારે બીજી તરફ અક્ષય પિશાચો સાથે લડી રહ્યો હતો. તે લડાઈમાં ખુબ ઘવાયો હતો.

બીજા વુલ્ફએ આવીને તેની મદદ કરી અને તે ત્યાંથી ભાગી શ્વેતા તરફ વળ્યો. શ્વેતાને ઠોકર વાગવાથી નીચે પડીને બેભાન થઇ ગઈ.

શ્વેતા સુધી તે પહોચ્યો પણ પિશાચોએ તે બંનેને પકડી લીધા. શ્વેતાને જયારે ભાન આવ્યું ત્યારે તે રાજમહેલમાં હતી.

“પિતાજી..” તેનું ધ્યાન તેના ઘવાયેલા પિતા પર પડ્યું.

“તે હવે જીવતા નથી.” ત્યાં પાસે ઉભેલા રાજકુમાર વિક્રમએ કહ્યું.

“રાજકુમાર... એમને આ શું થયું છે?” રડતા શ્વેતાએ કહ્યું.

“બિચારા રાજા.. અને બિચારી રાજકુમારી... રાજકુમારીને પ્રેમ થયો તો પણ એક વુલ્ફ સાથે.. જે એની પાસે માત્ર ચંદ્રમણી લેવા આવ્યો હતો.” હસીને તેને ત્યાં ઘવાઈને બેઠેલા અક્ષય સામે જોયું.

“અક્ષય.. તું વુલ્ફ.. કહી દે કે આ ખોટું બોલે છે.. તું કઈ બોલતો કેમ નથી?” અક્ષય પાસે જઈ રડતા તેણે કહ્યું.

“આ સાચું છે શ્વેતા. હું વુલ્ફ છું. પણ મારો પ્રેમ.. એ ખોટો નહોતો. મને માફ કરી દે.” અક્ષયની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા.

“જે ભૂલ તે કરી... એ જ ભૂલ તારા પિતાએ કરી. એમને તારા માટે રાજકુમાર તો પસંદ કર્યો પણ તે એક પિશાચ નીકળ્યો. જેને લીધે એમણે જીવ ગુમાવ્યો.” હસીને વિક્રમએ કહ્યું.

“તને તો હું છોડીશ નહી.” પોતાની શક્તિ વાપરવા જતા શ્વેતા બોલી.

“એવું કઈ કર્યું તો તારો આ પ્રેમી પણ જીવ ગુમાવશે.” અક્ષયનું ગળું દબાવતા વિક્રમએ કહ્યું.

“એને કઈ ના કરીશ. આ આપણા વચ્ચેની વાત છે. એને જવા દે.” ડરતા શ્વેતાએ કહ્યું.

“અજીબ જાનવર છે આ પ્રેમ પણ.. ગમે તેટલો ધોખો આપો.. નફરત આપો.. દુઃખી કરો.. પણ પ્રેમ કરવાથી તમે લોકો થાકશો નહિ. ભલેને એ તમને હરાવી જ દે.” શ્વેતા પાસે જઈ વિક્રમએ કહ્યું.

“તું શું ઈચ્છે છે?” મન મક્કમ કરતા શ્વેતાએ પૂછ્યું.

“મને ચંદ્રમણી જોઈએ છે. જે તારા સિવાય બીજું કોઈ વ્યક્તિ એને શોધી શકે તેમ નથી.” વિક્રમએ કહ્યું.

“એ તારા જેવા લોકો માટે નથી બન્યો.” શ્વેતાએ અક્ષય તરફ આગળ વધતા કહ્યું.

તેને ખબર હતી કે અક્ષયના હાથમાં એ ખંજર હતું જે તેણે આપ્યું હતું. જે વાપરવાનો તે મોકો શોધી રહ્યો હતો.

“મારા રહેતા તું ક્યારેય સફળ નહિ થાય.” અક્ષય પાસે આવીને શ્વેતાએ તેના હાથમાં રહેલું ખંજર ખેચીને પોતાના જ પેટમાં ઉતારી દીધું.

“નહિ..” શ્વેતા તરફ દોડતા વિક્રમએ કહ્યું.

પણ શ્વેતાના પેટમાંથી જેવું લોહી નીકળ્યું, અનેક ગુલાબી પ્રકાશના કિરણો નીકળવા લાગ્યા. એ બધા કિરણો જઈને વિક્રમ પર વરસ્યાં. તેની ચામડી બળવા લાગી. એટલે તે ત્યાંથી ભાગી નીકળ્યો..

“શ્વેતા તે આ શું કર્યું? મને માફ કરી દે. આ મારી ભૂલ હતી.” શ્વેતાનું માથું પોતાના ખોળામાં લઇ રડતા અક્ષયએ કહ્યું.

“હું તારા માટે જરૂર પાછી આવીશ. તું મારી રાહ જોઇશ ને..?” કહી શ્વેતાએ પોતાની આંખો હંમેશા માટે મીંચી દીધી.

“અક્ષય..” બુમ પાડી પંછી સપનામાંથી ઉભી થઇ.

તેને ભૂતકાળનું બધું જ યાદ આવી ગયું હતું. અક્ષય હજુ પણ તેનો પ્રેમ હતો. વિક્રમ કોઈ બીજું નહિ પણ રોહન હતો.

“તું ઠીક છે” અવાજ થઈ બધા જ પંછી પાસે આવી ગયા.

પંછીએ ખાલી હકારમાં માથું હલાવ્યું.

“કઈ યાદ આવી રહ્યું છે તને?” રીતુબેનએ પૂછ્યું.

“હું પંછી છું. તમે મમ્મી પપ્પા છો. હું ક્રિસના ઘરમાં છું..” પંછીએ બેઠા થતા કહ્યું.

બધાએ નિઃસાસો નાખ્યો. કેમકે પંછીને કઈ પણ યાદ નહોતું.

“પણ મને આ યાદ છે..” કહી પંછીએ પોતાના હાથમાંથી ગુલાબી પ્રકાશ બહાર કાઢ્યો.

“તને બધું યાદ છે.” બધા જ ખુશ થઇ ગયા.

“હા. મને યાદ છે કે ક્રિસ મને ઘરે લઈને આવ્યો ત્યારે મારા હાથમાંથી આવો પ્રકાશ નીકળતો હતો.” હાથ તરફ જોતા પંછીએ કહ્યું.

“અમે તેને ઘરે લઇ જઈએ.” કહી પંછીને નીરજભાઈ અને રીતુબેન ઘરે લઇ ગયા.

તેમણે ઘરે જઈને પંછીને જૂની બધી વાતો કહી. જેમાં તેમણે અક્ષયને જ ગુનેહગાર ચીતર્યો હતો. અને રીતુબેનએ પંછીને શક્તિઓ વાપરતા પણ શીખવી. પણ પંછીને કઈ પણ યાદ નહોતું.

****

● શું પંછીને બધું યાદ આવી ગયું હતું?

● પંછીને જો બધું યાદ હતું તો તેણે મમ્મી પપ્પાને કઈ જણાવ્યું કેમ નહિ?

● રીતુબેનએ કેમ પંછીને અક્ષય વિશે ખોટું જણાવ્યું?

ક્રમશઃ