Kalindi .. books and stories free download online pdf in Gujarati

કાલિંદી..

કાલિન્દી

"કાલિન્દી " કાલિન્દી એટલે યમુના મહારાણી .

શ્રી કૃષ્ણની પટરાણી.

યમુનાનું જળ થોડું શ્યામ પણ તો યે કૃષ્ણ પ્રભુને ખૂબ ખૂબ વહાલું

યમનોત્રીમાંથી ખળખળ ખળખળ વહેતી યમુના, મથુરા જઈ ,બાળ ગોવિંદના ચરણસ્પર્શ કરી વધુ શ્યામ બનતી.

બસ !કાલિન્દી પણ શ્યામ હતી. પણ રૂપાળી હતી. કાળી પણ કામણગારી હતી. તેને પોતાના રૂપ ની ખબર હતી .આ શ્યામ રંગને પ્રેમ માત્ર શ્રીકૃષ્ણ જ કરી શકે ,બીજું કોઈ નહીં! તેથી મનથી જ તેણે પોતાની જાતને તૈયાર કરી હતી .જ્યારે કોઈ કોઈ ફૂટડો જુવાન તરફ જોતી તો હસીને મોઢું ફેરવી લેતી .કોઇ નવયુવાન તેની નજીક આવે તો તે ચેતી જતી

."મારો ઉપયોગ કરે છે સાલ્લો !મને મૂર્ખ બનાવે છે!"

પણ?

પણ અમેરિકામાં તેને ક્યાંય પોતાનો રંગ નડ્યોનહીં .તે ખૂબ ભણી. તે ડોક્ટર બની! એક પ્રતિષ્ઠિત ડોકટર બની અને અમેરિકામાં જ સ્થાયી થઈ.

"કાલિન્દી! એક વખતે તો ભારત આવ દીકરા." પપ્પા મમ્મીના વારે ઘડીએ આવતા, હૃદયથી આવતા આમંત્રણને તે નકારી ન શકી. અને ભારત આવવા નીકળી પડી .

ખૂબ મોટી મોટી બેગમાં સ્વપ્નાં ભરી!

પોતાના જીવનસાથી મેળવવાના સ્વપ્ના ભરી!

અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી. અમદાવાદ એરપોર્ટ પર જ મમ્મી-પપ્પાને મળી, ક્યાંય સુધી આલિંગન આપતી રહી.

"બસ દીકરા બસ ,હવે ઘરે જઈને વાહલો કરજે." મમ્મી પપ્પા બોલી ઉઠ્યાં.પણ કાલિન્દીનું મન ધરાતું ન હતું. મમ્મી પપ્પા ને આજે છોડવા જ નથી. બસ તેમને ભેટી જ રહું!

" મમ્મી તારા ખોળામાં માથું રાખી સુઈ જ રહું."

ઘર આવી ગયું. નાનો ભાઈ, ભાભી ,તેમનું મિઠડું બાળક ! જાણે સ્વપ્નમાં વિહરતી હોય ,તેમ સુખ પામવા લાગી.

"હલો કાલિન્દીના પપ્પા ફોન પર વાત કરી રહ્યા હતા.
" શું આજે સાંજે જોવા આવો છો ?ઓકે ..ઓકે ..જરૂર આવો."

"નો..નો..પપ્પા! આજે ને આજે જ ?શું હું તમને એટલી નડું છું કે આજે જ છોકરાવાળા ને જોવા બોલાવી લીધા."

"ગાંડી હજી જોવા આવશે! પછી બીજી બધી વાત. કહે, આજે ક્યાં જવું છે?'

"ક્યાંય નહીં! મમ્મીના હાથના ઢોકળા ખાવા છે, ગરમા ગરમ !કહેતા દાદી માં ના ખોળામાં માથું મૂકી બોલી ,"દાદી બોલ તને કોણ વહાલો હું કે ભઈલો?"

બધા જ હસી પડ્યા .

ભઈલો પણ આવી ગયો.

" કાલી તું મને ખૂબ વહાલી."

" પણ ભઈલુ ,તુ બધાને હું ખૂબ વહાલો!"

"જા..જા.." કહેતા ભાઈ બહેન તકિયા થી મારામારી કરવા લાગ્યા.

ધમાલ મસ્તીમાં ક્યારે સાંજ પડી ?ખબર જ નહીં પડી.
અને છોકરા વાળા કાલિંદીને જોવા આવી ગયા.

કાલિંદીને થોડુંક અતડું લાગ્યું. શું હું કોઈ જોવાની ચીજ છું? શું આ દસ મિનિટ ની વાત પરથી આખી જિંદગીની મુસાફરી તય કરવાની?

તો પણ તૈયાર થઈ ,હાથમાં પાણીના ગ્લાસ લઈને બહાર આવી.

પાણીનો ગ્લાસ હાથમાં જ રહી ગયો .

"સાવજ "પણ રંગે શ્યામ .કદાચ કાલિન્દી કરતા પાંચ વર્ષે મોટો અને આંખ ?લાગણી નીતરતી!ભાવવાહી!
ખૂબ ઓછા બોલો.

,શરમાળ .

ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર.

અમેરિકા જવા માટે આતુર એન્જિનિયર.

કાલિંદીને પસંદ પડી ગયો .પસંદ શું? કાલિન્દી તો પ્રેમમાં પડી ગઈ. તે ભૂલી ગઈ કે એ અમેરિકા સ્થિત પ્રતિષ્ઠિત ડોકટર છે. તે ભૂલી ગઈ સ્વને અને
અને અર્પિત થઈ ગઈ "સાવજ" ને પહેલી જ નજરથી!
રંગેચંગે સગાઈ થઈ ગઈ.

ખૂબ આપલે થઈ.

લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા.

કાલિંદીને "સુવર્ણ"થી મઢી સાવજને આપી.

અને કાલિન્દી અમેરિકા ચાલી ગઈ.

સાવજને ત્યાં જલ્દી બોલાવવાનું વચન આપી.

કાલિન્દીએ અમેરિકા જઈ સાવજ માટે પ્રયત્ન કરવા માંડ્યા. થોડા જ વખતમાં સાવજ પણ અમદાવાદ છોડી, અમેરિકા જવા નીકળી ગયો.

કાલિન્દી એ તેને સારી કંપનીમાં જોબ પણ અપાવી.

સાવજ થોડાક જ વખતમાં પોતાના મા-બાપને ત્યાં બોલાવી લીધા.

કાલિન્દી એ એક સુંદર મકાન બનાવ્યું .પોતાનું મકાન .ખૂબ પ્રેમાળ પતિ પ્રેમાળ સાસુ-સસરા ,કિલ્લોલ કરતા બાળકો ,આજુબાજુ લીલાછમ બગીચા થી ઘેરાયેલું !એક" કાસા સદન "

"કાલિન્દી સાવજ" શબ્દનું ટુંકુ સ્વરૂપ "કાસા સદન"

ગૃહ પ્રવેશ થયો

સાસુ-સસરા પણ પ્રેમાળ.

પણ?

એક રાતે..

ચીસ આવવા માંડી. કાલિંદીની..

તેના શરીર પર લાકડીના સોળ ઉઠતા હતા .કાલિંદીને ઠેરઠેર મારી હતી.

તેના સાસુ-સસરા મૌન હતા.

સાવજે તેને ખેંચી , વાળ પકડીને ખેંચી. કાલિંદીના કપડાં પણ ફાટ્યા.

કાલિન્દી "ના..ના.. "કરતી રહી, પણ સાવજે ?અડધી રાતે માર મારી ઘરની બહાર કાઢી મૂકી.

" તું ખૂબ કાળી છે .તું ખુબ જાડી છે. મને નથી ગમતી .."

"મને નથી ગમતી .."કાલિંદીના મનો મસ્તકમાં આ શબ્દો પડઘાની જેમ ગુંજતા રહ્યા.

તે ઊભી થઈ.

પારકા પ્રદેશમાં ,

અડધી રાત્રે ,

ફાટેલા તૂટેલાં કપડે ,

રડતી રડતી ,

એ પાગલની માફક બોલતી "નથી ગમતી.. નથી ગમતી.. "

અસ્પષ્ટ ઉચ્ચારણ કરતી ,

ચાલવા માંડી.

એકાંત રોડ ઉપર ..

પડતી આખડતી...

આપણી દીકરી કાલિન્દી.

હીના દવે