Banashaiya - 12 books and stories free download online pdf in Gujarati

બાણશૈયા - 12

પ્રકરણઃ ૧૨

ટેકા વિનાની ભીતરની ભીંત

જીવનની આસ્વાદની પળો પૂનમના ચંદ્ર જેવી સોહામણી હતી. મેં જીવનભર સૌદર્યને ચાહ્યું હતું.

કુદરતે દરેક સ્ત્રીને સોળ શૃંગાર કરી સજી-ધજીને મ્હાલવાની દસ્તાવેજી પરવાનગી આપી જ હોય છે. સોળ શૃંગાર થકી પોતાની જાતને અભિવ્યક્ત કરવાની મહેચ્છા અને જીજીવિષા કુદરતે દરેક સ્ત્રીમાં ઠસોઠસ ભરી જ હોય છે. ખુદ પ્રકૃતિ પણ સ્ત્રી છે એ પણ સજીધજીને વસંતનાં વધામણા કરતી હોય છે.

મારી જન્મકુંડળીમાં શુક્ર બળવાન હોવાથી સ્વભાવગત હું પરફેકશનવાળી. મને લઘર-વઘર ડ્રેસિંગ ફાવે નહીં. કપાળની બિંદીથી લઈ હેરક્લચર અને હેરપિનથી લઈ ચંપલ સુધી મને મેચીંગ જ ગમે અને હોવું જ જોઈએ એવો આગ્રહ પણ. થીમથી લઈ મટીરીયલ અને કલર વચ્ચે એકરાગીતા હોવું જ જોઈએ એવો સ્વભાવ અને પસંદગી પણ ખરી. હું મારી જાતને એ રીતે ઢાળવા માટે સફળ પણ રહેતી.

પરંતુ, કુદરતને ક્યાં કોઈની ખુશી ગમે જ છે!! એને મન તો બીજાની ખુશીનું પાંદડું ખેરવવું અને ચોટાડવું રમત માત્ર. હું પણ એની ભોગ બની. અથવા, સગાં-સ્નેહીઓનાં શબ્દોમાં કહું તો “હીનાને નજર લાગી ગઈ છે.” કુદરતની ક્રૂરતાની કંકોતરી આવી પ્હોંચી મારે સરનામે. કુદરત મારાં ભીતરનાં સરનામાને ભાળી ગયું હતું.

હું પણ એક સ્ત્રી છું. સ્ત્રી હોવાને નાતે મને પણ સોળ શૃંગાર કરી સજવું-ધજવું અને અભિવ્યકત થવું ખૂબ ગમે. નિયમિત બ્યુટી ટ્રીટમેન્ટ લઈ જાતને સંવારવાનો અનહદ શોખ હતો. પરંતુ, ખબર નહીં ખુદની ખુદને જ ઈર્ષ્યા થઈ હશે કે શું? સોળ શૃંગારની જગ્યા મારા જીવનમાં માત્ર દશ જ મહિનામાં સોળ શસ્ત્રક્રિયાએ લીધી. મારું આખું શરીર વાઢકાપ અને ટાંકાઓ રૂપી ટેટુસથી કંડારાય ગયું હતું. ધડથી લઈ પગ સુધી એક સેન્ટીમીટર પણ એવી જગ્યા નહીં જ્યાં શસ્ત્રક્રિયા નહીં થઈ હોય. મારાં શરીરની સુંવાળપની જગ્યાએ હતા ફિક્સેટરનાં કાણાંઓ, ટાંકાઓની હારબંધ. મારું શરીર રણપ્રદેશ જેવું સુકું અને ખાબડખુબડ થઈ ગયું હતું. જાણે કે, નિયતિ એની કરામત થકી મારા પર અટ્ટહાસ્ય કરી રહી હતી. બ્યુટીટ્રીટમેન્ટની જગ્યા હવે મેડિકલ ટ્રીટમેન્ટે લઈ લીધી હતી. દરરોજનાં મેડિકલ ડ્રેસિંગ અને એમાંથી નીકળતાં ઈન્ફેક્શનનાં ફુવારા અને લોહીની નદીઓ વહેતી. ઘોસપીસનાં જાણે ખડકો ખડકાતાં હતા. મારાં સુંદર શરીરની સ્વામિની એવી હું, મારી ત્વચાની સુંવાળપની મોહિની એવી હું શ્વેત એપ્રોન ધારી અજાણ્યાઓને મારું શરીર ધરી દેતી હતી. વાઢકાપ ટાંકા ટૂકીથી મારી સુંવાળપ રણપ્રદેશ જેવી સૂક્કી ભૂખડ બની ગઈ હતી.

આજે મારી પાસે હેરપિન્સ, ક્લચર્સ, બિંદીઓ, બંગડીઓ, ચંપલનું મસમોટું કલેક્શન છે. એ કલેક્શન જાણે મને બોલાવી રહ્યું હોય “ચાલને, હીના! મેચીંગ મેચીંગ રમીએ. ચાલને, કલર-કલરની સુંદર રંગોળી સજાવીએ.” વિવિધ શેડ્સની આઈલાઈનર જાણે મારા વિરહમાં ઝૂરી રહી છે. આઈલાઈનરની જગ્યા હવે અશ્રુઓની ધારે લઈ લીધી છે. કૉલોરબાર, ઓપીઓલની નેઈલપોલીસ હવે મારા માટે રંગીન બાટલીઓથી વિશેષ કંઈ જ નથી. નેઈલ આર્ટથી મોહિત થઈ હું મારી આંગળીઓ અને ટેરવાઓને પંપાળ્યા કરતી હતી. જાણે, ટેરવે સૂરજ ઉગ્યો હોય એવો આહલાદક આનંદ અનુભવતી હતી. પરંતુ, હવે એ જગ્યા બટકણાં નખે લઈ લીધી છે. નેઈલપોલિસની મનમોહકતાં ટેરવાંઓને અણી કાઢવા જેવી વાત થઈ ગઈ છે. સ્કિનનું મોઈસ્ચર વધારનાર વેક્સિન, મેનીક્યોર-પેડીક્યોરની જગ્યા દુઃખાવા બંધ કરનાર પાટાઓ અને ડી.વી.ડી. પંપે લઈ લીધી હતી. ચાર્મીંગ ફેઈસ પર ઉંમર પણ ખૂબ આગળ વધી ગઈ. વિવિધ લિપસ્ટિક્સનાં શેડસની જગ્યાએ હવે સૂક્કા ભઠ્ઠ થઈ ગયેલ હોઠો છે. અને વળી, એમાંયે મારાં ઘટાદાર વાળ સાથે તો હું દર ત્રણમહિને પ્રયોગો કરતી હતી. ક્યારેક સ્ટ્રેટ હેર તો ક્યારેક કર્લી કયારેક સ્ટેપકટ તો ક્યારેક બ્લડકટ તો ક્યારેક ફેઘરકટ. વિવિધ સ્પાથી લઈ, પ્રોટીનપેક, સીસટીન ટ્રીટમેન્ટ મારાં જીવનમાં તાણા-વાણાની જેમ વણાયેલ હતા. વારંવાર હેર કલરનાં શેડસ બદલવા આ બધું જાણે મારાં જીવનનો મુખ્ય એક ભાગ હતો. ગંજીફાની રમતની જેમ હું મારા વાળ સાથે રમત રમતી હતી. હવે આજે એ મારા વાળની મહામૂલી મૂડી પણ નથી. હાઈગ્રેડ ફિવર અને ભારેખમ એન્ટીબાયોટીકસનાં કારણે પાછળનાં ભાગે સાવ ટાલ પડી ગઈ છે. દરિયાઈ રેતીની જેમ ચમકતું મારું શરીર હવે સાવ ભૂખ્ખડ અને કાળું પડી ગયું છે. મેં મારા હાથે નૌકા બનાવી હતી. પરંતુ, મારી વહેતી જીવનનદી જ સૂકાઈ ગઈ છે તો એ નૌકા શું કામની! મેં કલાકારની પીંછીથી જીવનને રંગ્યું હતું. પણ, હવે એ રંગોની જગ્યા વેદના અને પીડાથી પુરાઈ ગઈ છે. મારું જીવન એક મર્યાદિત માળખામાં બંધિયાર થઈ ગયું છે. ઘણીવાર જીવ અકળાય ઉઠે છે. બાહ્ય દુનિયાને જોવાની લાલસા જાગી ઉઠે છે. પરંતુ, એ ઈચ્છાઓ પર કાબુ મારે મેળવવો જ રહ્યો. જુંદગીના દિવસો સુખેથી કાઢવા હોય તો સ્વીકારની ભાવના વિકસાવવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નથી. સોશીયલ મીડિયા પર સમય પસાર કરવો એ ભ્રામક છે એવી વિચારસરણી હું પહેલાં ધરાવતી હતી. પણ, આજે મારા માટે સોશીયલ મીડિયા જ એક રામબાણ સાબિત થઇ રહ્યું છે.ઘણીવાર વિચાર આવે છે કે હું દર્દી છું કે કેદી ? આ વિચારોને કાબુમાં રાખવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. મેં જાતે દિવસરાત મહેનત કરીને બનાવેલ મારાં જ પોતાના ઘરમાં હું ફરી શકતી નથી.આથી વધારે તો કંઈ સજા હોય શકે? પણ, સંજોગોને સંતોષનું આવરણ ઓઢાવવા માટે સફળ થઈ રહી છું. મને સમજાય ચૂક્યું છે કે ભીંત દરેક સજીવ - નિર્જીવ ને ટેકો આપી શકે. પણ એને પોતાને કોઈનો ટેકો મળતો નથી. એણે પોતે જાતે જ અડીખમ રહેવું પડે છે જો ટકવું હોય તો... લોહીથી સિંચન કરી 'અને લાગણીનું લીંપણ કરી મેં ઘર બનાવ્યું હતું. આજે હું મારા જ ઘરમાં હરીફરી નથી શકતી.

વોર્ડરોબમાંથી મારાં ડ્રેસીસ અને સાડીનું કલેક્શન ડોકિયું બહાર કાઢી મને ઠીંગો બતાવી રહ્યા હોય એવું લાગે છે. અને, છેક અગાસીનાં દાદરે યોજેલ ચંપલોનું એક્ઝિબિશન મને આમંત્રી રહ્યું છે. વિવિધ સ્થળોથી ખરીદેલ પર્સીસ અને હેન્ડબેગ હવે જીવનથી જ ‘હેંગ’ થઈ ગયા છે. જાણે તેઓ ફિક્કા હાસ્ય સાથે કહી રહ્યા છે “ચાલને હીના! ઉઠને હીના! આપણે સજી-ધજીને ઉપવનમાં મ્હાલવા જઈએ, ફેરફુદરડી ફરીએ.” મેક, એન્વાયએકલ, લોરીયલ એ બધી બ્રાન્ડ હવે મને આકર્ષી શકતી નથી.

પરંતુ, આ બધું જ મારા માટે નકામું છે. હું પોતે જ મારી જાતને ટેકો નથી આપી શકતી તો પર્સ અને ડ્રેસ અને સાડી અને ચંપલ્સ અને સેન્ડલ્સને શું કરું!!!??? એ બધાંની જગ્યા વોકર અને સ્ટીકે લઈ લીધી છે. મારાં જમણા હાથના અંગૂઠાની વેઈન થ્રોમ્બ થઈ ગઈ છે. વિવિધ મેક-અપ, લિપસ્ટિકસ અને આઈલાઈનર ને બીજુ ઘણું બધું મારાં ધ્રુજારી-કંપારીવાળા હાથ માટે અભિશાપ છે. આ બધું મારા માટે ડ્રેસિંગ ટેબલમાં પડેલ સાપનાં રાફડા સમાન થઈ ગયું છે.

એક સ્ત્રી તરીકે મને સજવા-સંવરવાનો ખાસ્સા પ્રમાણમાં શોખ હતો. પરંતુ, એ બધું હવે મને મટીરીયાલીસ્ટીક લાગે છે. ગળથૂંથીમાંથી વારસામાં મળેલ મમ્મીનાં આધ્યાત્મિક બીજ હવે અંકુર ફિઝિયોડી રહ્યા છે. આમ તો, હું બાળપણથી જ લકઝુરીયસ સાથે કહી શકાય એટલાં પ્રમાણમાં આધ્યાત્મિક વલણ ધરાવનારી અને ઈશ્વરપ્રેમી તો હતી જ. ઉપવાસ, અનુષ્ઠાન, ઈશ્વર પ્રત્યેનો અનુરાગ તો હતા જ. ઈશ્વર પ્રત્યેની આસ્થાને કારણે મને મારી લકઝરીયસ અને મોહ-માયાવાળી જીંદગી છોડવા વધારે સમય પણ ન લાગ્યો કે દુઃખ પણ ન થયું. આ બધાની વચ્ચે પણ હું વાસ્તવિકવાદી તો હતી જ. આ બધા મોજ-શોખ વગર ક્યારેય મને ‘હું ટેકા વિનાની નિરાધાર ભીંત એવું અનુભવ્યું નથી.’ હા, ઘણીવાર મને બાહ્ય દુનિયાની લાલચ થઈ આવે છે. પરંતુ, ખુદની ખુદા સાથે વાર્તાલાપ કરી લઉં છું. એકલતાનાં ઉપવાસનાં પારણાં એકાંતનાં હિંડોળે લેતાં મને આવડી ગયા છે. મારાં અનુષ્ઠાનમાં મારું ‘હોવાપણું’ મને જડી ગયું. દર્પણ પૂછે, આંખો લૂછે પણ સાથે સાથે ભીતરનું ભાથું પણ બંધાઈ રહ્યું છે. હવે, મને દર્પણનાં ગમા-અણગમા સાથે કોઈ તમા નથી. મારું અંતર બ્રહ્માંડમાં આંતરનાદ કરી રહ્યું છે. કોઈક અગમ્ય, અલૌકિક ઈશ્વરીય શક્તિ મારા ભીતરમાં સંવેદી શકું છું. દરેક પરિસ્થતિમાં ખુશ રહેવાનો રસ્તો મને જડી ગયો છે. ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા-આસ્થા-આધ્યાત્મિકતા વધુ દ્રઢ બની રહી છે. ‘વસ્તુપ્રિયા’ માંથી હવે હું ‘પ્રભુપ્રિયા’ બની રહી છું. 'વસ્તુપ્રિયા ' અને 'શૃંગારપ્રિયા'માંથી હવે 'પ્રભુપ્રિયા' બની રહી છું. હવે મારાં ભીતરને કોઈ ટેકાની જરીર નથી રહી. મારી ભીતરની ભીંત વધુ ને વધુ મજબૂત બની રહી છે. હવે મારે સુંદર, સ્વચ્છ અને નિર્મળ થઈ વહેવું છે. ખુદ મારા ઈશ્વરે મારી આંગળી ઝાલી લીધી છે. ઈશ્વરનાં દરબારમાં જવા માટે મેક-અપ કરવાની જરૂર નથી એવું બ્રહ્મજ્ઞાન થઈ ચૂક્યું છે. બધું જ નશ્વર છે. માત્ર ઈશ્વર સાક્ષાત છે. આત્મા ઈશ્વરીય છે. અને, ઈશ્વર એનાં પ્રિય સંતાનોને કોઈપણ હાલતમાં શરણ આપે જ છે એ બ્રહ્મજ્ઞાન મને લાધી ગયું છે. જયારે બધુ પરિચિત છોડી શૂન્યમાં સરી જવાની ક્ષણો સામે આવીને ઊભી રહી ત્યારે બધી અપેક્ષાઓ સંકેલી લીધી હતી. પરંતુ, એ સમયે આધ્યામિક આકાશમાં વિહાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જીવનનું ધ્યેય ધુણી ધખાવવાનું છે એ મેં સમજી લીધું સ્વીકારી પણ લીધું કારણ એકલું સમજ્વું પુરતું નથી. બધી આશા, અરમાનો ઉમંગો ઉલ્લાસ કાંક્ષા મહત્વકાંક્ષાને સંકેલતા શીખવું એ પણ સૌભાગ્ય છે.

જ્ઞાનસાગરમાં ડૂબકી લગાવી નિજાનંદમાં રમી લેતાં, ભમી લેતાં હું અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. આ જીવન એ મોહ-માયાની જંજાળ છે. એમાંથી બહાર નીકળી શરીરની જગ્યાએ આત્માને સજાવવો છે. આધ્યાત્મિકતાનાં શૃંગારરસથી આત્માને સજાવવો છે. આત્માને શુધ્ધતા-નિર્મળતાથી સજાવી પરમાત્માને શરણે ધરવો છે.

ડર્મેટોલોજીસ્ટ એવી મારી દીકરી ઉર્ફે કાનુ કહે છે “મમ્મુ! મેડિકલ સાયન્સ પાસે દરેક પ્રશ્નોનાં જવાબ તૈયાર જ હોય છે, હું તારી સ્કિન ટાઈટનીંગ, એન્ટીએજીંગ, રીજોન્યૂવેશન કરી આપીશ. ખરેખર! તું પહેલાં જેવી બ્યુટીફૂલ થઈ જશે.” એ મને હેર ટ્રીટમેન્ટ, નેઈલ ટ્રીટમેન્ટની મેડિસીન્સ સજેશ કરે છે. પણ, હવે મને બાહ્ય જગત અને બાહ્ય સુંદરતાની જીજીવિષા રહી નથી. મારા હર શ્વાસમાં દઢ વિશ્વાસ છે કે તનની નહીં મનની સુંદરતા પ્રભુને ગમે છે, મારા ઈષ્ટને મારાં આત્માનો શૃંગાર ગમે છે. હવે મને વિવિધ લેટેસ્ટ ડ્રેસીસ અને સાડી કરતાં પરિપક્વતાનાં પરિવેશ ગમે છે. જેનાથી હું ઈશ્વરને પામી શકું.

જીવનનું પરિવર્તન એ મનઃચક્ષુ ઉઘાડવાની એક નિર્માણ પામતી પરિસ્થિતિ જ છે. જીવનનું ધ્યેય ધૂણીધખાવવાનું છે. એ મેં સમજી લીધું અને સ્વીકારી પણ લીધું કારણ મને સમજાઈ ગયું હતું કે એકલું સમજવું પુરતું નથી અપનાવીને પાલન કરવું અતિ કપરાં ચઢાણ ચઢવા જેવું અતિમુશ્કેલ કાર્ય છે. બધી આશા, અરમાનો, ઉમંગો, ઉલ્લાસો, કાંક્ષાઓ અને મહત્વકાંક્ષાને સંકેલતા શીખવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને, આધ્યાત્મિક આકાશમાં વિહરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભીતરમાં ભગવાનો રંગ ઘૂંટાતો ગયો.

‘ઈશ્વર શાશ્વત છે, બાકીનું બધું નશ્વર છે.’ ની સમજણનાં સૂર મારા અંતરપટમાં ગુંજી રહ્યા છે. થિયેટર્સ, મોલ્સ, ફાઈવસ્ટાર હોટેલ્સ, ફિઝિયોરેનટ્રીપ્સનાં અભરખાં હવે અભરાઈએ મૂકાય ગયા છે. હવે હું અંતરના ઊંડાણમાં નીલા-ભૂરા પાણી સાથે છબછબિયાં કરી શકું છું, રૂની પુણી જેવાં સફેદ આકાશમાર્ગે દોડવાની મજા માણું છું, કેસરિયા અને સહેજ લાલાશ પડતાં સૂરજને ચુંબન કરી શકું છું. ચંદ્ર પર નૌકાવિહાર કરી શકું છું. પર્વતને બાથમાં ભરી મજબૂતાઈનો અહેસાસ કરી શકું છું. સંપૂર્ણ બ્રહ્માંડ પ્રતિતીનાં પ્રદેશોનું ઝુમખું છે અને જીવન એ ઈશ્વરનાં વિરાટ સ્વરૂપનાં દર્શન કરવાનો લ્હાવો છે. એવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે.