Aikha's light books and stories free download online pdf in Gujarati

આયખાનું અજવાળુ



...આજે બપોરના લૂંગી પેરી ને આંગણે આટા મારતો હતો. દીવાળી હવે સાવ જ નજીક હતી...બે ત્રણ મિત્રો ના ફોન પણ આવ્યા હાલો ક્યાંક ફરવા..પણ જીણો તાવ,શરદી ને માથાના દુખાવા એ ઘરમાં જ રેવા આજ્ઞા આપી..તેવા માં શેરી માંથી અવાજ આવ્યો . "હોય્યું.. લીખીયા.. દાતિયા...લ્યો.."
..મે મારી મા ને કીધું " માં આ તો એજ બાપો નથી ?જે વર્ષો થી આવે છે..? .માં કે "હા એ જ છે બિચારો બાપો આમાં જ જિંદગી કાઢી ગ્યો..બહુ ભલો માણસ છે.". હું શેરી માં નીકળ્યો.બાપા ને ઉભા રાખ્યા અને કહ્યું" બાપા.. હજી ફેરી કરો છો?. "બાપા કહ્યું .."શુ કરું ભીખ માંગતા શીખ્યો નહીં..અને ભગવાન આ હાથ પગ હલાવે છે ત્યાં હૂદી હાલીયે બાપા.. ભગવાન નો પાર માનું કે ખાટલે નથી ફગાવ્યો.. ધોડતો રાખ્યો છે એ એની ભલાઇ....80 વટાવી ગયો છું હવે.!!!"..બાપા એ કોઈ પણ લુલાટ કર્યા વગર મને રુઆબ અને આત્મવિશ્વાસ ના રણકા સાથે ઉત્તર આપ્યો...!
હું કઈ વધુ બોલું તે પહેલાં બાપા બોલ્યા " દવું કાઈ સોયું બોયું..."? બાપાએ જીવતર ની કોઈ ફરિયાદ વગર વેપાર માં ધ્યાન દીધું..!
મેં પણ તરત કીધું "હા દઈ દયો ..". બાપાએ સોયો ને દાંતીયા દીધા .મેં માગ્યા દામ દીધા.
પૈસા મેલા ટૂંકા ઝભા ના ખિસ્સા માં રાખતા બોલ્યા "તમારો ને મારો જૂનો નાતો ભાઈ તમને તો નનાકડેથી ઓળખું.. ."વેપાર થયો તેના રાજીપા સાથે બાપા ભેગો વધુ ગોઠડી માંડું ત્યાં મા ચા બનાવી આવ્યા.ને બાપા ને કીધું " લ્યો ચાય પીવો.."બાપા એ જોલી માંથી પહોળો વાટકો કાઢ્યો ને મા એ .. એમાં ગરમ ચા રેડી..વાટકા માંથી નીકળતી ચાની ગરમ વરાળ ...... કે જાણે ટાઢી થઈ ગયેલી વર્ષોની લાગણીઓ ગરમ થઇ રહી છે....!!!!
" જો મા ઓળખી ગયા"
બાપાએ ગરમ ચાને ફૂંક મારી ને કહ્યું
"એમ કાઈ જૂનો નાતો થોડો ભુલાય..!"
મા ડેલી ના પગથિયાં પર બેસતા બોલ્યા..
બાપા એ ચા નો એક સબડકો માર્યો ને માની વાત નો ખાલી ડોકું નમાવી ને જ હા માં ઉત્તર વાળ્યો..!
મા આગળ બોલ્યા
" આપડા કને કૈયેક પૈસા ના હોય તો રાબ રોટલો ખાઈ જાતો ને છોરિયું ને બગડીયું..દાંતીયા ને સોયું દઈ જતો.."
મા એ તો ભૂતકાળ ની જીણી છાલ જ ઉખેડી હતી..પણ મારા મન માં ભૂતકાળ ના કેટલાય જાડા પોપડા ઉખડવા લાગ્યા............!!!!!

...મને યાદ છે આ બાપા ની અવસ્થા નો માચડો બરાબર હતો ત્યારે શેરી માં બંગડી ..સોયું.ને દાંતીયા ..લિખિયા (જીણા દાતા વાળો ટૂંકો કાંસકો ..કે જેનાથી સ્ત્રીઓ માથા માંથી જુ અને લીખ ખેંચી ને બહાર કાઢતા એ લિખિયો) વેચવા નીકળતા ત્યારે કેટલીયે છોકરીઓ.. સ્ત્રીઓ એમને ઘેરી વળતી..મારી બહેનો ને ખાસ ભાવ વાજબી કરી આપતો રાબ રોટલા ને લીધે..આ બાપો ગમે ત્યારે મારા ઘરે રોટલો ખાઇ શકતો.. ને મારી બહેનો એને રોટલો ખાતા હોય ત્યારે જાણે લાગ જોઈ ને પૂછી લે ." ઓલી પીળા રંગ ની બંગડી નથી લઈ આયા... કે લકાડી (સંતાડી)રાખી છે..? ને ગયે ફેરે પાણી કલર ની પણ સરસ હતી ..ફરી વાર લેતા આવજો.."
"લેતો આવીશ દીકરી.." કહી ને એ પાણી કલર નીબંગડી ના પારદર્શકતા જેવો પ્રેમ અને સંતોષ નો ઓડકાર ખાઈ ને ડેલી એથી નીકળતા.
અને આ નિર્મળ સબંધ ને લઈ ને મારી બહેનો ને એ વાજબી ભાવે દેતા.. ને મારી બહેનો ક્યારેક બંગડીઓ જોઈ લે ને વખાણ કરે..ને પાછી આપી દે તો આ બાપો તેનું મન પારખી જાય ને જબરદસ્તી બંગડીયું પકડાવી દે અને કહે કે છોરી મેં કીધું પૈસા દે?.. તારા જમા પડ્યા હે લઈ જા જા.....
એમની ઉદારતા નો આંક કોઈ બુદ્ધિ ની ફૂટપટ્ટી થી માપી ના શકાય....!!!

...કાંચ ની બંગડીયું હાથમાં ચડે નહીં કે માપ વધઘટ થાય તો આ બાપા છોકરીયું ને કેતા .." જાવ હાબુ ચોપડી આવો.
તો કેટલીક છોકરીયું પેલે થી જ સાબુ ચોપડી ને ઉભી હોય.અને એ ઉતાવળ કરતા બોલે." વેલા ને આમારો સાબુ હુકાઈ જશે"
ત્યારે બાપા રમૂજ કરી ને કેતા "તમે ના હુકાઈ જજો..જરા ખમો વારા ફરતી આવશે."
બંગડી પેરવતા તૂટી પડે તો તૂટેલી બંગડી ના ટુકડા બહેન ઉપાડી લે.. અને કહે "મારા ભાઇ ને તોરણ બનાવવા કામ આવશે.."
.....એ તૂટેલી રંગીન બંગડી ના અર્ધ ચંદ્રાકાર ટુકડા ને કોઈ દવાની શીશી ના ઢાકણા માં કાણું પાડી કેરોસીન ભરી તેમાં વાટ નાખી ને ચમની બનાવીએ ને પછી એમા એ બંગડી ના કાચ ના ટુકડા ને બન્ને બાજુ થઈ પકડી બરાબર તેનો મધ્યભાગ ચમની માં તપાવીએ એટલે થોડી જ વારમાં એ વચ્ચે થી આખો વળી જાય ને બે છેડા એકદમ ભેગા થઈ જાય એટલે બાજુ માં પાણી ન વાટકામાં નાખીએ એટલે છમ કરતો ને ઠરી જાય. આમ એક પછી એક ટુકડા એકબીજા માં પરોવતા જઈએ અને તોરણ બનતું જાય..!પણ.. બાપા હાથમાં પેરવતા જેટલી બંગડી તૂટે એ નુકાસન આ બાપા નું..!! બાપા તુટેલી બંગડી નો હિસાબ ના રાખે..!
આવા ખિલખિલાટ વચ્ચે આ બાપા દીકરીઓને બાપ ની જેમ માથે હાથ ફેરવે ને ભાવ માં કોઈ રકઝક નહીં છોરિયું જે કે તે..!!!
એવામાં ક્યારેક કોક વણઝારા જેવી સ્ત્રીઓ બંગડીવેચવા શેરી માં નીકળે ને આ બાપો પણ છોકરીયું ના ઘેરા વચ્ચે બગડીયું બતવતા હોય.....ત્યારે પેલી સ્ત્રી બાજુ માં આવી ને કેતી કે "આ ભાયડાઉ પાહે બગડીયું ચડાવો સો તે શરમનથી આવતી ??..."ત્યારે છોરિયું બાપાનું ઉપરાણું લઇ ને તેના પર ગુસ્સે થતી ત્યારે આ બાપા છોરિયું ને અટકાવતા... અને કેતા કે " ..એ ય બચાડી ધંધો કરવા નીકળી છે.કૈએક એના કને લેજો છોડીયું હો.."" ઇ વાંદરી કને કય ની લઇએ ..લેશું તો તમારા કને જ."બધી છોકરીયું એક સાથે પેલી બંગડી વાળી ઉપર ગુસ્સો ઠાલવતી.ઓલી બંગડી વાળી એ શેરી ના વળાંક પાસે ઉભી રહી સામે મોમાં ભરેલ બઝર વાળી થુંક ઉડાડી ને હાલતી થતી........!!!"પાણી દવું વાટકો વિછળવા?"મા ના આ વાકયે ફરી વર્તમાન માં લાવી દીધો"દયો જરાક.."બાપા એ ચાનો એઠો વાટકો પાણી થી વિછડી ને જોલી માં નાખ્યો ને ખભે પડેલી પછેડી થી તેની જાડી ને પાકી ગયેલી મૂછમાં ચોંટેલી ચા ને સાફ કરી વર્ષો પેલા પણ આજ મૂછ ..થોડીક લાલ આંખ ને એ આંખ ને જાણે માણસાઈ ની હદ ન વટાવવા માટેની કાળા સુરમાં ની આણ......
..બાપા પોતાનું પોટલું વીટવા મંડ્યા..
મેં કીધું "બાપા પગ માં કાઈ પેર્યું નથી
મારા જુના બુટ પડ્યા છે ઉભા રયો લઈ આવું. પેરી નાખજો..".

" એ ના ના ભાઈ હું પગ માં કઈ પેરતો જ નથી ના લઈ આવતા.. એમ કહી મને રોક્યો
"મેં કીધુ પેરો ને શુ વાંધો છે..?"
તો કે .".ના ભાઈ પેલે થી જ નથી પેર્યા હવે રહી રહી ને નથી પેરવા ..ભલે આ પગ ધરતીમાતા ને અડતાં જાય કે કાં ? "
મને હસી ને કયું .......ને બાપા ઉભા થયા ને લાકડી માં પોટલું પોરવ્યુ ને મા ને હાથથી આવજો નો ઈશારો કરી..આગળ હાલ્યા ને સાદ દીધો..
" એ .....લ્યો કોઈ દાંતીયા હોયું ..લિખિયા..!!!!!!!"
બાપા એ ખુલા પગે આગળ પગલાં માંડ્યા... ને જાણે એક એક પગલે આત્મનિર્ભરતાંના દીવડા પ્રગટતા જતા હતા...
મારી શેરી જાણે ખુમારીના દીવડા થી દીવાળી પહેલા જ જળાહળા થઈ ગઈ..! આયખા ના ખોડીયામાં નિરંતર સ્વમાનનું દીવેલ પુરીને આયખાને અજવાડનાર.. ને જિંદગીના આખરી પડાવ માં સંતોષ ની સોય થી જીવતર ને સાંધી ને ...ખુમારી ના દાંતિયા કાસ્કા થી પીડા રૂપી જૂ ને ઢસડી ને બહાર ફેંકી..સ્વમાનભેર જિંદગી જીવતા. આ ઇન્સાન ને સલામ
....કે જેને આજે મારા આંગણે આવી મારી સમજણ ના દિવડામાં તેલ પૂરી ને મારી દિવાળી ને જગામગા કરી .!!!

-------------સી. ડી. કરમશીયાણી
****************
9426143122