Aahvan - 38 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 38

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

આહવાન - 38

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૮

કાજલ અને મિકિન સાથે સિક્રેટ વિલામાં રહેલાં સહુની વાતચીત સાંભળીને જે અવાજ આવી રહયો હતો એ એક જ બંદુકની ગોળીનો અવાજ અને સાથે જ કાજલની એક દર્દભરી ચીસ સાથે સમી જતાં અને બધું વાતાવરણ એકદમ શાંત થઈ જતાં બધાં ગભરાઈ ગયાં...ને જરાં પણ અવાજ આવવાનો જ બંધ થઈ ગયો.

ભાગ્યેશભાઈ : " આ સાચું તો નહીં હોય ને ?? મારો મિકિન ?? અને કાજલ ?? "

આ બધું સાંભળ્યા બાદ ગભરાઈ તો એ ગયાં જ છે હવે કાજલ વિશે કંઈ પણ આવે એનો તો કોઈને સવાલ કે શંકા જ નથી પણ આ શું હશે એમનાં જીવ જોખમમાં મુકાઈ ગયાં છે ને કાજલની ઈજ્જત... કદાચ મિકિનને કંઈ થયું હશે તો એ લોકો કાજલને તો છોડશે જ નહીં.

સ્મિત : " પપ્પા બહું જલ્દીથી કંઈ કરવું પડશે... કદાચ બહું મોડું ન થઈ જાય..."

ભાગ્યેશભાઈ તો જાણે ગભરાઈ જ ગયાં કશું બોલી શકે એવી એમની સ્થિતિ જ નથી લાગતી.

વિશાખાએ એમને પાણી આપ્યું. પછી રાત્રે જ વિકાસને ફોન કર્યો. એને બધી વાત કરી. એ પણ ચિંતામાં આવી ગયો. પણ અત્યારની સ્થિતિ મુજબ એ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી બહાર નીકળવામાં ક્યારે પણ એનાં પર આના માટે કેસ થઈ શકે છે. આથી વિકાસને આ જોખમ આવી સ્થિતિમાં લેવું યોગ્ય ન લાગ્યું. એણે સવારે રિપોર્ટ આવતાં જ તરત તે આવી જશે એવું કહ્યું.

કાજલના પપ્પાને ફોન કરતાં જ બધી વાત થઈ. એ લોકો ત્યાંથી સ્મિતના ઘરે આવવાં તરત જ નીકળી ગયાં. દુનિયા આખી આરામથી સૂઈ રહી છે ત્યારે આજે ભાગ્યેશભાઈનાં પરિવારમાં એક એક જણ હચમચી ગયાં છે. સૌનો જીવ હવે શું થશે એ વિચાર માત્રથી તાળવે ચોંટી ગયો છે.

સ્મિત : " કોઈ પણ રીતે એ જગ્યાની ખબર પડવી જોઈએ તો જ કંઈ શક્ય બને...આ બધામાં આપણને એ જગ્યાનો કોઈ અંદાજ પણ ન આવ્યો. હવે શું કરીશું ?? "

વિશાખા : " આમાંથી મને આ બધું સાંભળ્યા પછી એવું લાગે છે કે મિસ્ટર અરોરા જ એવી વ્યક્તિ છે જેનું નામ જો મિડિયામાં આવે તો એનાં પર સીધી અસર પડી શકે છે બાકી મયુર તો મને એક શંકી લાગે છે‌... ત્રીજાં વ્યક્તિને આપણે ઓળખતાં નથી..."

સ્મિત : " મિકિનના ભાઈ તો હું અને વિકાસ જ છીએ તો એ કોણ હશે ?? કોઈ મારો વિરોધી કે પછી વિકાસનો સમજાતું નથી..‌"

ભાગ્યેશભાઈ : " વિકાસનો તો કોઈ વિરોધી હોઈ શકે એ વિચારવામાં પણ આવતું નથી. "

સ્મિત : " એ તો છે પણ જુની કંપનીમાંથી કોઈ હોય એવું લાગતું નથી આ અવાજ પરથી...પણ કોણ હોઈ શકે ?? અમારાં લીધે એ લોકોને કંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. "

વિકાસની અંજલિ સાથે વાત થતાં જ એ અર્થને એની મમ્મી પાસે મૂકીને અહીં આવી ગઈ ને થોડીવારમાં ફરીથી વિકાસનો ફોન આવ્યો એણે કહ્યું, " આ બધાં પરથી એ વાત ખબર પડે છે કે સરકાર હજું પણ મિકિનની તરફેણમાં છે. એ આપણને મદદ કરી શકે. કોઈ બહું મજબૂત અને વ્યવસ્થિત વ્યક્તિને પકડવો પડે...પણ બહું જલ્દી. કોઈ પણ રીતે મિડીયા સુધી આ રેકોર્ડિંગ પહોંચાડી દેવાનું છે અત્યારે જ....અને બીજો એક પ્લાન કહ્યો એ મુજબ અત્યારે જ કરવાનું બધું સમજાવી દીધું. "

બધો પ્લાન નક્કી થઈ ગયાં બાદ સ્મિત અને વિશાખા ગાડી લઈને વેશપલટો કરીને એક જગ્યાએ ફટાફટ નીકળી ગયાં. સ્મિતનો મોટો દીકરો રીકેન એને કમ્પ્યુટરનું એ બધું સારું ખબર હોવાથી એને ભાગ્યેશભાઈ સાથે રાખવામાં આવ્યો.

થોડીવારમાં જ શશાંકભાઈ ત્યાં આવી ગયાં. એમને તો હજું બધી વાત પણ નથી કરી. એમને વાત કરતાં એ લોકો તો ગભરાઈ ગયાં. બાળકો પણ બહું નાનાં છે વળી મિકિન અને કાજલની પણ કંઈ એવી ઉંમર ક્યાં છે .

શશાંકભાઈએ તરત જ કાજલનાં એક રિપોર્ટર ફ્રેન્ડને ફોન કર્યો. જરૂરી માહિતી આપી બધી જ સાચી વાત કરી . પછી એ કહે એ મુજબ આ રેકોર્ડિંગ ન્યુઝ ચેનલ પર આવે એ રીતે બધું સમજાવી દીધું. પછી બધાં ફરીથી મિકિન કે કાજલ એ લોકોની વાતચીતનો કોઈ અવાજ આવે તો કંઈ જાણ થાય એ માટે રાહ જોઈ રહ્યાં છે.

****************

સ્મિત અને વિશાખાએ એક રિપોર્ટર પાસેથી અરજન્ટમાં મિસ્ટર અરોરાની બધી માહિતી ભેગી કરીને એ એમનાં બંગલે વેશ બદલીને પહોંચ્યાં. સિક્યુરિટી એ સમયે ઊંઘી રહ્યો છે. ધીમેથી ગેટ ખોલીને અંદર પહોંચ્યાં. એમણે દરવાજો ખખડાવતાં લગભગ પંદરેક વર્ષની છોકરીએ અડધી બંધ જેવી આંખોએ બગાસાં ખાતાં ખાતાં દરવાજો ખોલ્યો.

એ બોલી, " કોણ છો તમે ?? અડધી રાત્રે ?? બધાં સૂઈ ગયાં છે... "

એ સાથે પાછળની એક સ્ત્રીનો અવાજ આવ્યો , "કોણ છે બેટા ?? ઉભી રહેજે. ઉંઘમાં દરવાજો ખોલીશ નહીં..."

ત્યાં તો સ્મિત અને વિશાખાએ મળીને ધીમેથી એને બહાર ખેંચી લીધી અને એ કંઈ પણ બોલે કે બૂમો પાડે એ પહેલાં એનું મોં બંધ કરી દીધું અને દરવાજો બંધ કરીને ફટાફટ ત્યાંથી ધીમે પગલે બહાર નીકળી ગયાં.

વોચમેન તો હજુ સુતો જ છે. મિસ્ટર અરોરાનાં પત્નીએ જોયું તો દરવાજો બંધ જ છે...એમને થયું કે કદાચ કોઈ સ્વપ્ન છે અહીં તો કોઈ નથી વિધિ રૂમમાં સૂતી હશે...!! એમ વિચારીને એ રૂમમાં ગયાં. એમને જાણે ચેન ન પડ્યું. એ ફરીથી ઉભાં થયાં ને બહાર આવ્યાં તો ગેટ બંધ છે અને સિક્યુરિટી પણ જાગતો આંટા મારી રહ્યો છે...એ જોઈને એમણે પૂછ્યું, " કોઈ આયા થા બાહર સે ?? "

સિક્યુરિટી ગભરાઈને બોલ્યો, : " નહીં મેડમ..."

પછી મિસિસ અરોરાને થોડી ધરપત થઈ એ પાછાં રૂમમાં જઈને સૂઈ ગયાં....!! અને સિક્યુરિટી ફરીથી એ મોટે મોટેથી ખુરશીમાં લાંબા થઈને નસકોરાં બોલાવવા લાગ્યો.

****************

સ્મિત અને વિશાખાને જોઈને વિધિ બોલી, " કોણ છો તમે લોકો ?? હું તમને ઓળખતી નથી તમે લોકો કેમ મને આમ ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યાં છો ?? "

વિશાખા : " ચુપ અત્યારે એક શબ્દ પણ બોલીશ નહીં...."

વિધિ : " પણ તમે લોકો કિડનેપર જેવાં તો નથી લાગી રહ્યાં . તમને ખબર છે મારાં પપ્પા અમદાવાદનાં કમિશનર છે એમને ખબર પડશે ને તો...??"

સ્મિત : " તો શું બેટા ?? "

વિધિ : " કિડનેપ કરે છે અને બેટા કહે છે કંઈ સમજાતું નથી...આ તો કોમેડી મુવીનું શુટિંગ હોય એવું લાગે છે."

વિશાખા : " તું કેટલું બોલે છે છોકરી ?? તારાં પપ્પા ક્યાં છે અત્યારે ?? તારાં ફેમિલીમાં કોણ કોણ છે ?? "

વિધિ : " હું વિધિ...બાકી તો બધાનું તમારે શું કામ છે ?? "

વિશાખા : " પૂછું એટલો જ જવાબ જોઈએ.... તારાં પપ્પા ઘરે છે કે નહીં ?? "

વિધિ થોડી ગભરાઈ : " ના ઘરે નથી ."

સ્મિત : " તો ક્યાં છે ?? "

વિધિ : " ખબર નહીં પણ અઠવાડિયાંમાં ત્રણેક દિવસ તો એ બહાર જ હોય છે રાત્રે. હું, મમ્મી અને મારો મોટોભાઈ વિહાન જ હોઈએ‌.."

વિશાખા : " ઘરે ન હોય તો એ ક્યાં હોય ?? "

વિધિ થોડી રડમસ બની ગઈ ને બોલી, " મને ડર લાગે તમે મને આવી રીતે ક્યાં લઈ જાવ છો ?? "

સ્મિત : " તને કંઈ જ નહીં થાય. તું બસ ડર્યા વિના સાચાં જવાબ આપીશ તો અમે તને પાછાં ઘરે મૂકી જઈશું...પણ જો ખોટું બોલીશ તો..."

સ્મિતે સહેજ આંખો ગુસ્સાવાળી હોય એમ કરતાં જ વિધિ બોલી, " અંકલ અમને તો એ એવું કહે છે કે એ અમારું અમદાવાદની બહારની સાઈડે એક ફાર્મહાઉસ છે ત્યાં દેખરેખ માટે જાય છે‌..એક વાર મેં જીદ પણ કરેલી અમને પણ લઈ જાવ... મેં બહું જીદ્દ કરતાં એમણે મને એક લાફો મારી દીધો હતો...એ પછીથી હું કે ભાઈ કંઈ પૂછતાં નથી પણ એક દિવસ મેં મમ્મીને એમને ગુસ્સાથી એમનાં રૂમમાં બોલતાં સાંભળ્યા હતાં કે," આપણા સંબંધો હવે ખબર છે ને આ છોકરાંઓ માટે જ છે...બાકી છે સતા છે જે તારાં બાપને કારણે છે એટલે તને છોડીશ તો ક્યારેય નહીં...પણ આપણાં રસ્તા હવે અલગ છે...તારે મને કંઈ પણ કહેવાનું નહીં..."

વિધિ ફરી બોલી, " અંકલ આનો મતલબ મને સમજાયો નહોતો બહું...કે એ શું કહેવા માંગતા હતાં...પણ ખબર નહીં પપ્પા ગમે તે કહે મમ્મી કદી સામે કંઈ કહેતી જ નથી...હા એ છે કે પપ્પા મને એ ફાર્મહાઉસ જવાની વાત સિવાય એ મને કદી દુઃખી કરતાં નથી...મને અને ભાઈને પાણી કહીએ તો દૂધ આપે છે...અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે‌‌..."

સ્મિત : " તારાં નાના કોણ છે ?? "

વિધિ : " અરવિંદ ગજ્જર...એ બહું મોટાં પોલિટિશિયન છે...તમને નામ ખબર હશે કદાચ...!! "

આ સાંભળતાં જ સ્મિત અને વિશાખા એકબીજાં સામે જોઈ રહ્યાં..!!

કોણ હશે આલોક ગજ્જર ?? વિધિએ આપેલી બધી માહિતી પરથી મિકિન અને કાજલને શોધી શકાશે ?? કેવી રીતે જિંદગી સામે કાજલ અને મિકિન લડશે ?? વિકાસ સવારે નેગેટિવ રિપોર્ટ સાથે આવી શકશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....