Shivering - 2 - last part books and stories free download online pdf in Gujarati

કંપારી - ૫ - છેલ્લો ભાગ

બખોલામાથી અંદર જોયું તો રૂમના અંદરના એક ખૂણે પપ્પા મમ્મી બહેન જીજાજી મૂઢ અવસ્થામાં સૂતા હતા.

વૈદિક મંત્રોચ્ચાર સંભળાઈ રહ્યા હતા.

એકબાજુ જટાધારી બાવો બેઠેલો હતો અને એક બાજુ ભક્તો જેવા દેખાતા બે માણસો બેઠા હતા.

અને પાછળ નાથિયો ઊભો હતો.

જટાધારી બાવો દેખાવમાં ૧૦ ફૂટ જેટલો ઊંચો દેખાતો હતો. એની સામે ખૂણામાં મમ્મી, પપ્પા, બહેન જીજાજીને ગાઢ નીંદરમાં ઊંઘાડી દેવામાં આવ્યા હતા.

એટલામાં આદેશ આપ્યો કે ચારેયને મારી સામે યમની દિશામાં મોઢું રાખીને સૂવાડી દો.

પેલા માણસો એ અને નાથીયાએ આદેશનું પાલન કરીને બધાને યમની દિશામાં સૂવાડી દીધા.

કમંડળમાં ભરેલ જળનો ચારેય પર છંટકાવ કર્યો.

પછી જોરથી મોટા અવાજે બોલ્યો, “હે ભોળા શંકર..... જે ચાલતું આવ્યું છે એમ હું તને આ ચાર પરિપૂર્ણ લોકોની આહુતિ આપી રહ્યો છુ.”

મારું મગજ અતિશય ઝડપેદોડી રહ્યું હતું.

બધી તર્ક અને ઈચ્છા પૂરી કરતાં ગોળાઓ ધરબી બેઠેલા મારા માનવદેહના મનોચ્છા મુજબ મેં ઈચ્છા વ્યક્ત કરી કે “મારે કારણ જાણવું છે કે આ શું થઈ રહ્યું છે? અહી એવી માયાવી તાકાત ઉત્પન્ન થાય

જેનાથી હાજર તમામ લોકો શીતનિંદ્રામાં ધકેલાઈ જાય. પણ મનના જોડાણથી અમે બધા એકબીજા સાથે વાત કરી શકીએ.”

અમુક સેકંડોમાં રૂમની વચ્ચોવચ એક મોટો ચમકારો થયો. સૂર્યના તેજ કરતાં પણ ખતરનાક.

ચમકારો થતાવારમાં બધા જેમ હતા એમના એમ સ્થિર થઈ ગયા. ખાલી મનના જોડાણથી વાત કરી શકીએ એટલી જ છૂટ હતી.

પેલા જટાધારી બાવાનો અવાજ કર્યો, “કોણ સામે ચાલીને મોતને વહાલું કરવા આવ્યું છે.”

નાથિયો – “ખબર નહીં હું હમણાં જ જોઈને આવ્યો. આમની સાથેનો એ પાંચમો વ્યક્તિ સૂતો છે.”

જટાધારી - “મારું નામ વિજયાસુર છે. આઠસો વરસ થયા છે મારા પેદા થયે... આજ સુધી કોઈની તાકાત નથી મને રોકવાની... જે હોય એ કામમાં દખલગીરી કર્યા વગર ચૂપચાપ ચાલ્યું જવું જોઈએ...નહિતર તારું મોત તને શોધતું શોધતું આવશે.”

નાથિયો – “મેં તમને કહ્યું હતું મહારાજ આપણે એને મારી નાખીએ.”

જટાધારી – “એને મારીએ તો આપનું કામ આગળ વધે એમ નહોતું. તું ભૂલી ગયો લાગે છે કે મેં તને કહ્યું હતું કે મારે પરિવાર પરીપૂર્ણ જોઈએ. બે યુગલ તો તે લાવી આપ્યા પણ એ છોકરાનું જ્યાં સુધી આપણે આ લોકોની આહુતિ ના આપીએ ત્યાં સુધી જીવિત હોવું જરૂરી હતું. જો એને મારી નાખવામાં આવે તો યમરાજ સહિત સમગ્ર દેવો અને દેવતીઓ એના મોક્ષ માટે એની આજુબાજુ પરિભ્રમણ કરતાં રહે. એ લોકો આપણું કામ થવા જ ના દે. ફટાફટ એને બેભાન કરવો પડશે.”

નાથિયો – “વાત કરી શકીએ એટલું જ બાકી હું હલનચલન કરી શકતો જ નથી.”

જટાધારી – “હું પણ... કોણ છે અમારા કામમાં વિધ્ન ઊભું કરનાર...”

હું બોલ્યો – “અગત્સ્ય નામ છે મારું.... મેં તમને રોકી રાખ્યા છે. તમે જેની બલી ચડાવી રહ્યા છો એમાંથી એક મારા પિતા, બીજા મારા માતા એ સિવાયના મારા બહેન અને જીજાજી છે.”

જટાધારી – “હે બાળક સાતસો વરસની મારી તપસ્યા છે. અને તું જે આ સબંધોની વાત કરે છે એનો એક દિવસ જરૂર મૃત્યુ થશે પછી શું કરીશ???”

હું બોલ્યો – “તમે શું કરવા માંગો છો?”

જટાધારી – “મારી પાસે જે કંકાલ પડ્યું છે એમાં પ્રાણ પુરીને એને જીવંત કરવા માંગુ છું.”

હું બોલ્યો – “કેમ? એવું કરવાથી શું થશે?”

જટાધારી – “એ કંકાલ મારા ગુરુજીનું છે એમને મારા કરતાં પણ વધારે સિધ્ધિઓ મેળવી હતી પણ એ મૃત્યુ પર સિધ્ધી ના મેળવી શકયા એટલે એમનું જીવન વ્યર્થ ગયું. મારે એ સિધ્ધિઓ શીખવી છે. એ પહેલા એને ક્ષણ માટે જીવંત કરીને જેમ શિવજીએ ગણપતિની ગરદન પર હાથીનું શીર્ષ બેસાડયું એ જ રીતે હું પહેલા એમ કરવા પ્રયત્ન કરીશ. જો હું એમ કરી લઈશ તો આ દુનિયામાં સૌથી વધારે સિદ્ધિઓ મારી પાસે હશે. કૃષ્ણએ કહ્યું હતું એમ હું પણ કહી શકીશ કે “સંભવામી યુગે યુગે.”

મારા મનમાં બ્રહ્માણ્ડના બહુ બધા રહસ્યોનો ઉકેલ મળી ગયેલો એટલે મે પણ એ જટાધારી વિજયસૂરને સમજાવવાનો પ્રયત્ન કરવાનો ચાલુ રાખ્યો.

“હે જટાધારી, ભગવાન શિવની વાત છે તો એટલું કહીશ. આ શીર્ષ બેસાડવાની વિધિ ચાલતી હતી ત્યારે વિધિ કરનાર શિવશંકર પોતે હતા પણ તમારે એ પણ ના ભૂલવું જોઈએ કે એને જોનાર અલગ લોકો હતા અને એને જોનારના મોઢે સાંભળીને લખનાર પણ અલગ વ્યક્તિ હતા. લખનારે ખાલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે પણ ઘટના કેવી રીતે સફળ થઈ એ તો ભગવાન શિવ જ જાણે... તમે શાસ્ત્રનું અધ્યયન ખૂબ કર્યું છે પણ એનું વિસ્તરણ સરખું કર્યું નથી. આજના યુગ કામ કરતાં પહેલા જેમ ગણપતિની આરાધના કરવામાં આવે છે એવી રીતે શાસ્ત્રમાં લખેલો કોઈ શ્લોક કોઈ ઘટનાની શરૂઆત દર્શાવે છે નહીં કે એની રીત... ”

જટાધારી ક્રોધિત થઈ ગયો – “તું મને સમજાવીશ? હું તને નષ્ટ કરી નાખીશ.”

મેં જવાબ આપ્યો - “હે ગુરુદેવ....આ બધા વિધિના લેખ છે...એને કોઈ બદલી શકતું નથી.. ૯૦૦૦ વરસ પહેલા ખુદ રાવણ પણ એની દીકરીના લખાયેલા લેખ બદલી શક્યો નહોતો.”

એ જટાધારી હસતાં બોલ્યો – “હા...હા...હા...હા... એક સામાન્ય માણસ તરીકે હું જનમ્યો...પણ મોત પર વિજય મેળવીને આજે સાતસો વરસ જીવ્યો. બદલી નાખ્યા ને મેં વિધિના લેખ......? ”

મારા શરીરમાં ખુલેલા રહસ્યો દ્વારા ગોળાઓ દ્વારા મેં જવાબ આપ્યો, “વિધિના લેખ ખોટા હોય તો જે સિદ્ધિઓ તમે આ ચાર લોકોની આહુતિ આપીને મેળવવા માંગો છો એ બધી જ સિદ્ધિઓ તમે ક્યારની ય મેળવી લીધી હોત.

હવે તો સમજો.... વિધિના લેખ સ્પષ્ટ છે કે તમે મોતને સિદ્ધ કરશો પણ તમે સાતસો વરસ સુધી તો એક પણ સિદ્ધિ નહીં મેળવી શકો. અને હવે તો મારી પાસે ચાર ગોળાઓની તાકાત છે. હું મરી જઈશ પણ આ કામ તમને કરવા નહીં દઉં.”

જટાધારીએ જવાબ આપ્યો – “એ ચાર ગોળા મેં જ તને આપ્યા છે. હું જાણું છું એમાં કેટલી તાકાત છે. એ ચાર ગોળાઓ બીજું કઈં જ નહીં પણ તારા આ ચાર લોકોના શક્તિપુંજ છે. આ લોકોની આહુતિ ના ચડે ત્યાં સુધી તારે આ ગોળાઓ સાથે કામ લેવાનું કઠિન રહેશે. આહુતિ થઈ જાય પછી આ ગોળાઓ અને એની શક્તિઓ તારા શરીરમાં સ્થાયી થઇ જશે. પછી તું એનો સીધેસીધો ઉપયોગ કરી શકીશ.”

મેં જવાબ આપ્યો – “ એકલા શક્તિપુંજ જ નહીં પણ એમની ભક્તિ, એમના નસીબ અને એમની રાશિના દમદાર ગુણો પણ એ ગોળાઓ સાથે મને મળ્યા છે.”

જટાધારીએ જવાબ આપ્યો – “વાહ તું તો આ ગોળાનું રહસ્ય બહું જલ્દી બધુ સમજી ગયો.”

મેં સામે કહ્યું – “હા... મારી પાસે મારા પિતાશ્રીનું નસીબ અને તર્ક શક્તિ છે, મારી ક્રિષ્નાભક્ત માતૃશ્રીને લીધે ભગવાન શ્રી કૃષ્ણાના બધા હાથ મારા માથા પર છે. મારી બહેન ને લીધે હું પોતાના માટે સ્પષ્ટ છું. અને મારા જીજાજીનો સામેવાળાને કેવી રીતે માત કરવો એનો પાવર મને મળેલો છે. આ બધુ તો હું ક્યારનો સમજી ગયેલો પણ સ્પષ્ટ તમે કહ્યું ત્યારે સમજાયું.”

જટાધારી અકળાયો – “નાથીયા અને મારા શિષ્યો... મારો આદેશ છે કે સૌથી પહેલા તમારે આને બેભાન કરવાનો છે નહીં તો આપની બધી મહેનત એળે જશે. જરૂર પડે તો મારી પણ નાંખજો.”

“જી મહારાજ” નાથિયો અને બંને સેવકો એકસાથે બોલાયા

એટલામાં શક્તિપૂંજ થયો અને બધા લોકોના શરીર જીવંત અવસ્થામાં આવી ગયા.

પેલા બંને સેવકો મારી તરફ દોડ્યા. એ તો બહું માયકાંગલા હતા એટલે એમના શરીર પર તો મેં ધારિયા વડે કેટલાય ઘા કરી નાખ્યા. નાથિયો ડરીને ત્યાંથી નાસી છૂટ્યો.

હવે રૂમમાં માત્ર બે જ લોકો બચ્યા હતા એમાં એક તો હું પોતે અને બીજા જટાધારી.

એ ગુસ્સામાં ઊભો થયો અને આહુતિ માટે તૈયાર કરેલી તલવાર ઉપાડી અને મારી બાજુ આવવા લાગ્યો. ૧૦ ફૂટની હાઈટવાળો વિકરાળ બાવો તલવાર ઉગમતા મારી તરફ આવવા લાગ્યો.

સેકંડના ૧૦૦માં ભાગમાં ફટાફટ મગજ દોડાવી રહ્યો હતો કે આને ટક્કર આપવા માટે હવેનો છેલ્લો તર્ક સાચો પડવો જોઈએ. ગોળાઓનો સાથ જોઈશે જ....

નીચે ઘૂંટણીયે બેસું તો એક હાથની મુઠ્ઠી ભરાય એટલી માટી મળી જાય.

એ નજીક આવતો ગયો એમ તત્પરતાથી નીચે બેસીને એક હાથ જમીન પર ફેરવીને મુઠ્ઠી જેટલી માટી ભરી. એટલામાં પેલો જટાધારી નજીક આવી ગયો એટલે મુઠ્ઠી ભરેલી માટી એના મોઢા બાજુ તાકાતથી હવામાં ઉડાવી. અચાનક માટી ઉડતા એ જટાધારીની આંખો મિચાઈ ગઈ અને થોડીક સેકન્ડો માટે એ હબતાઈ ગયો. એનો લાભ ઉઠાવીને મેં એના પેટમાં ધારિયાનો ઊંડો ઘા કરી દીધો ત્યારબાદ ઉપરાછાપરી ત્રણ ચાર ઊંડા ઘા કરી નાખ્યા. એ જટાધારી કણસતો સંતુલન ગુમાવતાં નીચે પડી રહ્યો હતો. એટલામાં દરવાજો ખૂલ્યો. નજર કરી તો કેશવલાલના છોકરાઓ ચાર-પાંચ લોકોને લઈને અમને બચાવવા આવી ગયા. એ લોકોએ આવીને પરિસ્થિતી સંભાળી લીધી.

મેં ગોળાઓ સમક્ષ મનોમન ઈચ્છાવ્યક્ત કરી કે મારા માતા, પિતા, બહેન અને બનેવી ફરીથી પહેલા જેવા થઈ જાય.

શરીરમાંથી એક પછી એક ગોળા નીકળીને જે ગોળા જે લોકોના દેહની ઉર્જા અને તાકાતથી ઉત્પન્ન કરવામાં આવ્યા હતા એમના શરીરમાં જઈને ગરકાવ થઈ ગયા. બેહોશીની અસર હોવાથી એ લોકોને ભાનમાં આવતા વાર લાગી. પણ પ્રભુની કૃપા કે બધા હેમખેમ બચી ગયા. આવી ઘટનાની જાણ કેશવલાલને કરવામાં આવી. કેશવલાલે બધાને લઈને પોતાની ઘેર આવવાનું કહી દીધું. સ્કૂલવાળા ગામ પાંસૂરિયાના પ્રમુખને પણ ફોન કરીને ગાંધીનગરના મહેમાનો પાસે બનેલી આ ઘટનાની જાણ કરવામાં આવી.

- - - - - - - -

આખી ઘટનાની વાત પુરી કરી અને લોકોનો શાબ્દિક આભાર વ્યક્ત કરતાં કહ્યું.

“થેન્ક યૂ તમારા લોકોની દુઆ અને ઈશ્વરના આશીર્વાદને લીધે જ અમે આજે સંયુક્ત અને જીવિત છે” એ સાથે હાજર તમામ લોકોએ શ્રી અગત્સ્ય શેઠ અને એમના પરિવારના લોકોને હરખ સાથે તાળીઓથી વધાવી લીધા.

(સતપાલ શેઠ ગાંધીનગરના બહું મોટા બિઝનેશમેન હતા.થોડા દિવસ પહેલા એમના મૂળવતન સૈયદપૂરામાં એક ફંકશનમાં હાજરી આપવા જતાં એમની સાથે અને એમના પરિવાર સાથે એક ભયાનક ઘટના ઘટી હતી.

સતપાલ શેઠ જોડે ના થવાનું કઈં થઈ ગયું હોત તો???..... હજારો લોકો બેકાર થઈ જાય.

કંપનીનો મૂળ પાયો શ્રી સતપાલ શેઠ જ હતા. હેમખેમ બચીને પરત આવ્યા એ ખુશીમાં એમના ભાગીદાર અને એમની કંપની દ્વારા કે.જી.બી હોટેલમાં એક મોટું ફંક્શન રાખવામાં આવ્યું હતું. કેશવલાલના પરિવારને અને શ્રી સતપાલ શેઠના ગામના ખાસ મિત્રોને અને સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ લોકો સપરિવાર ગાંધીનગર આવ્યા હતા. શ્રી સતપાલ શેઠના છોકરા અગત્સ્ય શેઠ જ બધું જાણતા હતા. એટલે અગત્સ્ય શેઠે આ ઘટના કહી સંભળાવી. જેનાથી બધાના મનમાં આ ઘટનાને લઈને જે પ્રશ્નો હતા એ બધાના એમને બધા જે જવાબ મળી ગયા હતા.)



સમાપ્ત
(એનું કારણ આ કંપારી મને આવેલું એક ભયાનક સ્વપ્ન હતું. જેવુ જોયેલું એવું લખવાનો પ્રયત્ન કર્યો છે. વાર્તા સ્વરૂપમાં ઢાળવા થોડા બદલાવ પણ કર્યા છે. જે રાતે સ્વપ્ન જોયું હતું એ દિવસે ઊંઘમાંથી ઝબકી ગયો હતો. રીતસરની કંપારી છૂટી ગઈ હતી. પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મોટાભાગના સ્વપ્ન ઉઠતાં વારમાં ભુલાઈ જાય છે એમ વિચારીને સ્વપ્ન ભુલાઈ ના જાય એના માટે કાગળમાં લખી રાખ્યું. લખવાનું ચાલું કર્યું એ વખતે છેલ્લા ભાગ સુધી તો પહોચી ગયો પણ છેલ્લો ભાગ જેવો સ્વ્પનમાં જોયેલો એવો લખવો ખૂબ કઠિન હતો અંતે છેલ્લો ભાગ ઘણા બદલાવ સાથે લખીને પ્રકાશિત કર્યો છે. બહું જ બદલાવ સાથે લખેલો છે. મને અંતિમ ચરણ અને મેઈન સસ્પેન્સિવ ભાગ રીલીઝ કરવામાં બહુ સમય લાગી ગયો એ બદલ હું દિલગીર છું.
આ સ્વપ્ન હજું પણ આખેઆખું યાદ છે અને એને યાદ કરતા અત્યારે પણ કંપારી છૂટી જાય છે.....આભાર)