Resolution - the unbreakble bond - 4 books and stories free download online pdf in Gujarati

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 4

પ્રકરણ 4 યમનોત્રી


(ચારધામની યાત્રા માટે શ્રુતિ અને એનો પરિવાર નીકળી ગયા હતા. હાલ એ યમનોત્રીના રસ્તા પર પહાડો પર બળતા જંગલોના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રુતિ આ નજારાથી ખૂબ ડરી ગઈ હતી. હવે જોઈએ આગળ શું થાય છે?)

"શ્રુતિ જો આ બાજુ પણ આ ઝાડ અંદરથી બળી રહ્યા છે." શ્રુતિના માસી બોલી રહ્યા હતા અને પોતાના સ્માર્ટફોનમાં આ નજારો કેપ્ચર કરી રહ્યા હતા. શ્રુતિ કુદરતનું આ ભયાનક સ્વરૂપ જોઈ રહી હતી. વાંકા-ચૂંકા રસ્તા એને ડરાવી રહ્યા હતા.
છેવટે યમનોત્રીથી થોડા કિલોમીટર દૂર રાણાચટ્ટીમાં એક ગેસ્ટહાઉસ પર રાત્રે 8 વાગ્યે એમની મિનિબસ રોકવામાં આવી. એ ગેસ્ટહાઉસ પર એમના મેનેજર જઈ રૂમની વ્યવસ્થા કરી આવ્યા. ત્યારબાદ બધાને રૂમની ચાવી આપવામાં આવી.
ગેસ્ટહાઉસનું સ્થાન કઈક એવું હતું કે જેમાં રસ્તાથી અડીને રહેલ માળ પર એનું રિસેપશન અને એને અડીને 2 થી 3 રૂમ હતા. ત્યારબાદ નીચે બીજા 3 માળ ખીણમાં નદીની નજીક હતા અને ઉપર ધાબુ હતું. એટલે રસ્તા પરથી જોતા એવું લાગે જાણે હોટેલ એક જ માળની હોય. આ સ્થાન એટલું જોરદાર હતું. પણ રાત્રે પહોંચ્યા હોઈ કઈ જ ન દેખાઇ રહ્યું હતું. છેવટે શ્રુતિએ એની અને એના માતા-પિતાના રૂમની ચાવી લીધી. શ્રુતિ અને એના માસી એક રૂમના સૌથી નીચેના માળે અને તેના માતા-પિતાના રૂમ ઉપરના બીજા માળ પર હતો. શ્રુતિએ બંનેનો સામાન એમના રૂમમાં 2 ધક્કા ખાઈને મૂકી આવી. ત્યારબાદ પોતાનો સામાન લીધો અને પોતાના રૂમમાં ગઈ. સૌથી નીચેના ત્રીજા માળ પર બીજા નંબરનો રૂમ એનો હતો અને બીજા બે રૂમમાંથી એક રૂમમાં એની સાથે પ્રવાસ કરનાર એક આધેડ ઉંમરના કાકા અને માસી તેમજ બીજા રૂમમાં રસોઈયાનું ગ્રૂપનો ઉતારો હતો.

શ્રુતિ નીચે આવી ત્યારે એક ઠંડી હવાની લહેરખી આવી અને નીચેથી ઘૂઘવાતી નદીનો અવાજ આવ્યો. એ સાથે જ જંગલના જાતજાતના જાનવરો અને કીટકોનો અવાજ આવવા લાગ્યો. એ ડરી ગઈ અને તરત રૂમ ખોલી અંદર ગઈ. અંદર એના માસી રૂમની બારીઓ ખોલી હજુ ફ્રેશ જ થવા ગયા હતા. બાથરૂમમાંથી આવતા પાણીના અવાજને કારણે શ્રુતિને આ ખ્યાલ આવ્યો. રૂમનો દરવાજો બંધ કરી જેવો શ્રુતિએ સામાન મુક્યો કે દરવાજો કોઈએ ખટખટાવ્યો.
શ્રુતિએ દરવાજો ખોલ્યો. સામે એના પપ્પા ઉભા હતા. એમણે શ્રુતિને પૂછ્યું, "તને અહીં ફાવશે?? રૂમ બદલવા ગયો તારો, પણ મારા ફ્લોર પર કોઈ રૂમ ખાલી નથી. એટલે બદલવાની ના પાડી. એટલે જો તારે ઉપર અમારા રૂમમાં આવવું હોય તો આવી જા. અમે બંને નીચે આવી જઈશું."
"ના પપ્પા મમ્મીને નીચે ઉતરતા નહિ ફાવે. એટલે તમે ત્યાં જ રહો અમારે ચાલશે."
આ વાત થઈ કે શ્રુતિના પપ્પા "ઠીક છે." કહી બહારથી જ જતા રહ્યા. હજુ શ્રુતિ અંદર જાય અને દરવાજો બંધ કરે એ પહેલાં જ શ્રુતિના બાજુના રૂમવાળા માસી આવ્યા અને બોલવા લાગ્યા, "જો બેટા તું હજુ જવાન છે. આ રીતે બારી ખુલ્લી રાખીને રૂમમાં ન રહેવાય. છેલ્લો રૂમ આ રસોઈયા લોકોનો છે. કદાચ આવતા-જતા કંઈક આડુંઅવળું જોતા જાય....."
જે રીતે એ બોલ્યા,.શ્રુતિને થોડું અજુગતું લાગ્યું કે એ આવું કેમ બોલ્યા, એ કંઈ પણ જવાબ આપવા જાય એ પહેલાં સવિતામાસી બહાર આવ્યા અને બોલ્યા, "આ બારી તો મેં ખોલી હતી." શ્રુતિને ખબર પડી ગઈ કે માસી બાથરૂમમાં બધું સાંભળતા હતા.
એ આવ્યા કે સામેવાળા ચેતવણી આપનાર માસીનો ચહેરો થોડો ડીમ પડી ગયો. તરત એ પોતાની વાત કવર કરતા બોલ્યા, "ના.. ના.. આ તો મને લાગ્યું કે છોકરી નાની છે, નાસમજ છે, અને એકલી છે. એટલે હું તો સમજાવવા આવી હતી. કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ."
તરત સવિતાબેન બોલ્યા, "ચિંતા ન કરો. એ નાની છે, હું નહિ. મને સમજ છે એટલી. હું બારી બંધ કરી દઈશ."
આવું કહ્યું કે એ વૉર્નિંગ માસી જતા રહ્યા.
શ્રુતિ સવિતાબેનની સામે જોઈ બોલી, "આ શું હતું???"
સવિતાબેન શ્રુતિ સામે આંખ મારી બોલ્યા, "તું ચિંતા ન કર. આ બધું તું નહિ સમજે. તું હજી નાની છે." અને બંને હસવા લાગ્યા.

જમવાનું થઈ ગયું હતું અને બધાને એમના રૂમમાંથી બોલાવી દેવામાં આવ્યા. રીસેપશન અને રૂમ સિવાય વચ્ચેના હોલમાં 2 મોટા ડાઈનીંગ ટેબલ હતા. એની પર વારાફરતી બધાએ જમી લીધું. છેવટે બધું પૂરું થતા શ્રુતિ અને એના પિતા બહાર એક આંટો મારવા ગયા.

રાણાચટ્ટી. ગામના નામ પર એક સીધો રસ્તો. જેની બંને
તરફ હોટલ જ હતી. દૂર સુધી એમણે કોઈ રહેણાંક વિસ્તાર ન જોયો. અને ન તો કોઈ દુકાન કે કઈ બીજું. આ થોડી નવી દુનિયા હતી અમદાવાદ કરતા. અહીં શાંતિ હતી, નિરવ શાંતિ.... જો કોઈ મિનીબસ પસાર થાય તો એના હોર્નનો અવાજ જ વાતાવરણમાં ક્યાંય સુધી ગુંજતો રહેતો હતો. એ સિવાય કોઈ અવાજ નહિ. અમુક જીવોના અજાણ્યા અવાજ, અને નદીની સિંહ ગર્જના. એ સિવાય બીજું કંઈ જ સાંભળવા ન મળ્યુ. એમની ગેસ્ટહાઉસની ડાબી બાજુ 200 મીટર અને જમણી બાજુ 500 મીટર પછી એ ગામ પૂરું થઈ જતું હતું. ચાલીને એ લોકો પાછા આવ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા.

સવારે લગભગ 5 વાગ્યે શ્રુતિ ઉઠી, આજે એમને યમનોત્રી દર્શન કરવા જવાનું હતું. એ ઉઠી કે સીધી તાજી હવા લેવા માટે બહાર જ આવી ગઈ. બહાર નીકળી કે એક સુંદર નજારો એની રાહ જોઈ રહ્યો હતો. પહાડોમાં સવાર જલ્દી થઈ જતી હોય છે. અહીં પણ સવાર પડી ગઈ હતી અને સૂરજ પહાડો પાછળથી આવી સંતાકૂકડી રમી રહ્યો હતો. નીચે 200 ફૂટ નીચેના ઢોળાવ બાદ ત્યાંથી ઘૂઘવાટ કરતી યમુના નદીનો મોટો પટ નજરે ચઢ્યો. આસપાસ બધે જ લીલોતરી પથરાયેલી હતી. એ ગેસ્ટહાઉસના સૌથી નીચેના માળે હતી, ત્યાંથી ઊંચા પહાડો, વચ્ચે નદી, ઢોળાવો પર જંગલ અને પહાડ પાછળથી દેખાતો સૂરજ. નાનપણમાં દરેક છોકરાએ દોરેલું ચિત્ર જાણે પ્રત્યક્ષ બની એની સામે ઉભું હતું.
શ્રુતિ હજુ આ વાતાવરણનો લાભ જ લઈ રહી હતી કે પાછળથી એના માસી બાથરૂમમાંથી નીકળ્યા અને બોલ્યા, "ઓ રાજકુમારી, વાતાવરણ માણી લીધું હોય તો જરા જલ્દી તૈયાર થઈ જા. 6 વાગ્યે નાસ્તો કરી આપણે તરત નીકળવાનું છે."
શ્રુતિ પોતાની આ આત્મદર્શનની પરિસ્થિતિમાંથી તરત બહાર નીકળી કે રૂમમાં પોતાની નિત્યક્રિયા પુરી કરવા જતી રહી. બધું પૂરું કરી લઈ જવાનો સામાન એક બેગપેકમાં મૂકી એ અને એની માસી ઉપર આવ્યા. શ્રુતિ ઉપર આવતા પહેલા એના માતા-પિતાને ઉપર આવવા માટે કહીને આવી અને એમનો અમુક સામાન પોતાની બેગમાં મુકીને આવી હતી. ઉપરના માળે આવતા જ એમણે અનુભવ્યું કે એ જ બંને જણ જ સૌથી પહેલા આવ્યા છે અને હજુ નાસ્તો પણ મુકાયો નથી. એટલે એ બંનેએ રસ્તા પર થોડી સેર કરવાનું વિચાર્યું.
એક આંટો મારીને આવ્યા કે ઉપમા અને ચા-કોફી મુકાઈ ગઈ હતી અને અમુક લોકો નાસ્તો પણ કરી રહ્યા હતા. પોતાના માતા-પિતાને નાસ્તો પીરસી શ્રુતિએ નાસ્તો કર્યો અને ત્યારબાદ પોતાની સાથેનો સામાન લઈ એ લોકો યમનોત્રી જવા બસમાં બેસી ગયા. આજે રાત્રે પણ એમનો ઉતારો રાણાચટ્ટીના એ જ ગેસ્ટહાઉસમાં હતો. એટલે બધો સામાન લેવાની જરૂરિયાત ન વર્તાઈ.

આખરે સવારના 8 વાગતા એ બસ યમનોત્રી પહોંચી. શ્રુતિના પિતાએ ત્યાંથી પોતાના પરિવારના 4 સદસ્યો માટે એમણે ડોલી નક્કી કરી. (ડોલી એટલે એક ખુરશીમાં ચાર લાકડા અને એમને સ્પોર્ટ કરી બનાવેલી એક જગ્યા જેને ચાર વ્યક્તિ ઉપાડે.) ડોલી માટે યમનોત્રીમાં એસોસિયેશન હોય છે. ચારે ડોલીનો ભાવ નક્કી થઈ ગયો. શ્રુતિના મમ્મી માંડ ડોલીમાં બેસી શક્યા. ડોલીવાળાએ થોડુંક અંતર કાપ્યું હશે કે ડોલીવાળા ઉભા રહી ગયા અને વધુ પૈસા લેવા માટે એ ત્રણે સાથે ઝઘડવા લાગ્યા. શ્રુતિના માસી તો ક્યારના આગળ નીકળી ગયા હતા. અહીં શ્રુતિ અને એના માતા-પિતાની ડોલીવાળા વચ્ચે જ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. નીચે જે ભાડાએ એ લોકો તૈયાર થયા. એ થોડી ઉપર આવતા એમને ઓછું લાગ્યું, આથી શ્રુતિના પિતાએ પોતાની વાત પર મક્કમ રહી એ લોકોને ઉપર જવા મનાવી લીધા.

યમનોત્રી નીચેથી ઉપર જવાનો રસ્તો માત્ર 5 કિલોમીટરનો જ છે. પણ સીધું ચઢાણ અને પાતળી હવા એને વધુ મુશ્કેલ બનાવે છે. 10000 ફૂટની ઊંચાઈને કારણે મેદાની પ્રદેશમાં રહેનાર લોકો માટે એ ચઢાણ બહુ અઘરું બની જાય છે. અધવચ્ચે પહોંચ્યા બાદ ડોલીવાળાઓએ ડોલી નીચે ઉતારી એમને કહ્યું કે હવે એમનો નાસ્તાનો સમય છે. એટલે એ નાસ્તો કરશે. એ જગ્યાએ શ્રુતિ એકલી જ હતી, એના મમ્મી કે પપ્પાની ડોલી એને દેખાઈ નહિ. 5 મિનિટ રાહ જોઈ કે એના પપ્પા આવ્યા અને એ બંને જણા શ્રુતિની મમ્મીને શોધવા નીકળ્યા.
અહીં બધા ડોલીવાળાએ પોતાના નાસ્તા હાઉસ બાંધી રાખ્યા હતા. લગભગ 200-300 મીટર ઉપર ચઢ્યા કે શ્રુતિએ એની મમ્મીની ડોલી જોઈ. એ એની ઉપર જ બેઠેલા હતા. અને ડોલીવાળા ત્યાં જ નાસ્તો કરી રહ્યા હતા. જેવું શ્રુતિના મમ્મીએ એ બંને જણને જોયા કે એમને થોડી શાંતિ થઈ. એ ત્રણેયએ ત્યાં ચા-પાણી કર્યા અને ડોલીવાળાના નાસ્તા અને પોતાની ચાનું બિલ ચૂકવી નીચે પોતાની ડોલી તરફ આવ્યા. ત્યાં એમના નાસ્તાનું બિલ ચૂકવી ત્રણેય આગળ વધ્યા.

સવારના 11 વાગ્યા હતા અને ઠંડીનું જોર થોડું ઓછું પડ્યું હતું. તડકો હોવાને કારણે જેકેટની જરૂરિયાત રહી નહતી. પરંતુ બેગમાં જેકેટ, રેઇનકોટ અને અન્ય નાસ્તો અને બીજો સામાન તો હતો જ. દર થોડા અંતર બાદ ડોલીવાળા ડોલી નીચે મૂકી ઉધરસ ખાવા લાગતા. શાંત થઈ પાછી ડોલી ઊંચકી લેતા. આ વાત થોડી આશ્ચર્યજનક હતી. પણ ત્યાંની પાતળી હવા, પોતાની સાથે ઊંચકેલ એક વ્યક્તિનું વજન અને એની સાથે સીધું ચઢાણ. આ બધા જ કારણ આ પરિસ્થિતિના જવાબદાર માની શકાય.
એ લોકો ઉપર પહોંચ્યા અને મંદિરથી 500 મીટર દૂર એમને ડોલી પરથી ઉતાર્યા. શ્રુતિ સાથે ડોલી ઉપડનાર 4 વ્યક્તિમાંથી એક આવ્યો, એની મમ્મી પાસે પણ એક વ્યક્તિ આવ્યો. અને પાછળ જ એના પપ્પા પણ આવતા દેખાયા. મંદિર નજીક બ્રીજ પર પહોંચતા જ જોડે યમુના નદી દેખાઈ. કેટલાક લોકો નદીમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો મંદિરની નજીકના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. પહાડ પરથી નીકળતી યમુના ખૂબ નિર્મળ લાગી રહી હતી. સહેજ પણ પ્રદુષણ કે કચરો એ પાણીમાં નહતો.
ત્યાં એક નાની સરખી પૂજા કરાવી, નજીકના ગરમ પાણીના ફુવારા પાસે જઈ શ્રુતિએ પોતાની પાસે રહેલી ચોખાની પોટલી ત્યાં ફુવારા નજીક ઉભા રહેલા એક વ્યક્તિને આપી. એ વ્યક્તિએ લાકડીના સહારે પાંચ મિનિટ એ પોટલી ગરમ પાણીમાં ડુબાડી શ્રુતિને પાછી આપી. અને 50 રૂપિયા લીધા. ત્યાંની માન્યતા પ્રમાણે જો આવી રીતે પોટલીમાં લીધેલ ચોખા ઘરે લાવી ઘરના લોકર અથવા મંદિરમાં મુકવામાં આવે તો ઘરનો ઉદ્ધાર થાય છે. અને માન્યતાઓના ક્યારેય પુરાવા નથી હોતા. એટલે બધા શ્રદ્ધાળુઓ આ માન્યતાઓનું પાલન કરતા જ હોય છે.
દર્શન હજુ પુરા જ થયા હતા કે એમની સાથે આવનાર ડોલીવાળા ભાઈ એમને નીચે લઈ જવા જલ્દી કરી રહ્યા હતા. અત્યાર સુધી જે કુમળો તડકો નીકળ્યો હતો, તેનું સ્થાન હવે કાળા વાદળોએ લીધું હતું. અહીં વરસાદનું કોઈ ઠેકાણું હોતું નથી. બપોર થાય કે તરત પડવા લાગે. એ ત્રણેય જેટલી બને એટલી જલ્દી પરત ફરવા લાગ્યા. ત્યાં લીધેલ પૂજાપાની કોથળી ખાલી હોઈ શ્રુતિએ એને ફેંકવા વિચાર્યું અને ડોલીવાળા ભાઈને કચરાપેટી અંગે પૂછ્યું. આટલી દુકાનો અને ગીચતા છતાં ત્યાં કોઈ દુકાન પર એને કચરાપેટી ન દેખાઈ.
એ ભાઈ એને એક રેલિંગ નજીક લઈ ગયો અને નદીના ખીણનો પ્રદેશ બતાવ્યો અને બોલ્યો, "યહી પર ડાલ દીજીયે."
શ્રુતિ આ સાંભળી ગુસ્સે થઈ ગઈ, "અગર આપ લોગ હી યહાઁ, ઇસ પવિત્ર સ્થાન કા મહત્વ નહીં સમજેગે તો ઓર કૌન સમજેગા???" એમ કહી એ બધો કચરો એણે પોતાની બેગમાં મૂકી દીધો. એણે એ પણ ત્યાં ખીણમાં જોયું કે પહાડો પરથી નીકળતી નિર્મળ યમુના અહીં માણસોના સ્પર્શ બાદ પ્રદુષિત થવા લાગી અને એમાં જાતજાતનો કચરો તરવા લાગ્યો હતો. એ આ જોઈ ખૂબ દુઃખી થઈ ગઈ.

ત્યારબાદ એના માતા-પિતા પોતાની ડોલીમાં બેસી ગયા. એકમાત્ર શ્રુતિની ડોલીનું કોઈ નિશાન નહતું. જેના કારણે એ અને એની સાથે આવનાર ભાઈ તરત નીચે ઉતરવા લાગ્યા. ચાલતા-ચાલતા પણ એ ભાઈ હજુ વરસાદની બીક બતાવ્યે જઈ રહ્યા હતા. મંદિરથી 2 કિલોમીટર પછી શ્રુતિને એની ડોલી મળી અને એ એની પર બેસી.

પાછા આવતી વખતે પાછા એ જ નાસ્તાની દુકાન. અને એ બધાનો રાજમાં-ચાવલનો ઓર્ડર. બપોરના 2 વાગ્યા હતા. શ્રુતિ ઉભી થઈ પાછી પોતાની મમ્મી પાસે જતી રહી અને એ બંનેએ ત્યાં મેગી અને ચાની મજા માણી. હજુ હાલ એના પપ્પા આવ્યા કે વરસાદ ચાલુ થઈ ગયો. શ્રુતિએ એની મમ્મીને શરદીથી બચાવવા પોતાનો રેઇનકોટ પહેરાવી દીધો. અને બધું બિલ ચૂકતે કરી એ લોકો નીચે ઉતરી આવ્યા.
શ્રુતિ હવે સમજી કે પેલો ભાઈ એને વરસાદના નામથી ડરાવી કેમ રહ્યો હતો!!! ઉપર જવાનો એકમાત્ર રસ્તો, જેમાં ખચ્ચરની આવનજાવનને કારણે એમનું છાણ આખા રસ્તે પડતું હોવાથી રસ્તો ખૂબ ચીકણો થઈ જાય અને ત્યાથી પડી જવાનો પણ ડર રહે. એ સિવાય વરસાદ પડતાં જ ત્યાનું વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય. જેને પણ સહન ન કરી શકાય. શ્રુતિ નીચે આવી પણ પલળવાને કારણે એને ઠંડી ચઢી હતી. એની મમ્મીએ રેઇનકોટ પહેર્યો હોવાથી સુરક્ષિત હતી. એના પિતાએ ત્યાંથી એકદમ પાતળી પોલીથીનથી બનેલો એક સસ્તો રેઇનકોટ ત્યાંથી લઈ પહેરી લીધો.

નીચે ઉતરી ડોલીવાળાઓના પૈસા ચૂકતે કરી. શ્રુતિ પોતાની બસ શોધી અને પોતાના માતા-પિતાને ત્યાં લઈ ગઈ. નીચે હજુપણ વરસાદ જોરમાં હતો. આથી એ લોકોએ ગરમાગરમ ચા પીધી અને ત્યારબાદ બસમાં ગયા. બસમાં એ લોકો જ સૌથી છેલ્લા હતા. બસની બહાર નજર કરતા શ્રુતિને ત્યાના ખુશનુમા વાતાવરણને કારણે ખૂબ ઠંડક મળી. એ અહીં રહેવા ઇચ્છતી હતી પણ એ શક્ય નહતું. ત્યારબાદ બસ ઉપડી અને સીધી જ રાણાચટ્ટીની ગેસ્ટહાઉસ પર રોકવામાં આવી.

ગેસ્ટહાઉસ પર ઉતરી ત્યાં સુધીમાં સાંજના 5 વાગી ચુક્યા હતા. વરસાદમાં પલળવાને લીધે શ્રુતિને શરદી થઈ ગઈ હતી. પણ એણે એ તરફ ધ્યાન ન આપ્યું. પોતાનાં રૂમ પર પરત ફરી એણે કપડાં બદલ્યા અને ઉપર એના માતા-પિતાના રૂમ પર ગઈ. ત્યાં જઈ એણે એમની બેગ સમેટવામાં અને ગંદા કપડાં ધોવામાં પોતાનો સમય કાઢ્યો. આ થયું કે ઉપર જમવાનું તૈયાર જ હતું. એ બધા ઉપર જમવા ગયા. અને જમીને એ એના પિતા સાથે રાણાચટ્ટીની સેર કરવા ગઈ. પરત ફરી કે એના પિતા રિસેપશન પાસે બેઠા અને શ્રુતિને પોતાના રૂમની ચાવી આપી. જેથી એ એની મમ્મીને એના રૂમ પર લઈ જઈ શકે.
એ, એની મમ્મી અને માસી ત્રણેય એના રૂમ પર ગયા અને દરવાજો ખોલી એ હજુ બધું વ્યવસ્થિત કરી રહી હતી કે એનો ફોન વાગ્યો. એણે કટ કર્યો. એનો ફોન ફરીથી વાગ્યો. આ વખતે કોઈ ઈમરજન્સી સમજી એણે ફોન ઉપડ્યો. તો એના ફ્રેન્ડ રોહિતનો એ કૉલ હતો. એણે જે કંઈ પણ કહ્યું, પણ શ્રુતિ ખૂબ ઉદાસ જણાઈ રહી હતી. એની માસીએ શ્રુતિનો ઉતરેલો ચહેરો જોયો અને એની ઉદાસીનું કારણ પૂછ્યું.
શ્રુતિએ બસ એ જ ઉદાસીમાં જવાબ આપ્યો, "મારી બેંકિંગની પરીક્ષા 22 માર્ચે છે....."
એના માસી આ વાત સમજ્યા અને એ પણ પરેશાન થઈ ગયા.

(શ્રુતિની પરેશાનીનું કારણ સમજી શકાય. એ હાલ જે જગ્યાએ છે ત્યાં દરેક વખતે પરિસ્થિતિ સમાન નથી હોતી. એને હજુ બીજા ત્રણ ધામ પર દર્શન કરવાના બાકી હતા. એ ક્યારે અમદાવાદ પહોંચે અને પરીક્ષા ક્યારે આપશે એ વાતની એને ચિંતા થઈ રહી હતી. આગળ જોઈએ શુ થાય છે????)

(મિત્રો, મને ખ્યાલ છે કે વાર્તાની ધીમી ગતિ અને પ્રેમ પ્રકરણના અભાવને કારણે આ નવલકથા ખૂબ કંટાળાજનક થઈ ગઈ છે. હું પ્રયત્ન કરું જ છું કે તમને રસપ્રદ લખાણ સાથે ચારધામ સબંધિત સચોટ જાણકારી પણ પુરી પાડું. એટલે શક્ય એટલું હું તમારા દરેક ભાવને પહોંચી વળવા પ્રયત્ન કરીશ. આપ પણ મને પ્રતિભાવ દ્વારા સહકાર આપશો તો મારા માટે થોડીક આસાની રહેશે.)