TARAS books and stories free download online pdf in Gujarati

તરસ

જમ્મુતવી ટ્રેન પાલનપુર રેલ્વેસ્ટેશનથી ઉપડે છ કલાક ઉપર વીતી ગયા હતા. ભર ઉનાળાનો સમય હોવાથી ગુજરાતીઓ ઉત્તર ભારતમાં ઉભરાઈ જવા તત્પર હતાં. લગાતાર ફેરિયાઓ અને ગુજરાતી સ્ત્રીઓની અવર-જવરથી આખો ડબ્બો વાઈબ્રન્ટ બન્યો હતો. સચિન તેણે ચાલુ કરેલા નવા બિઝનેસ બાબતે પોતાના ડીલર સાથે ડીલ ફાઇનલ કરવા લુધિયાણા જઇ રહ્યો હતો. દર વખતે પરિવાર સાથે ટ્રાવેલિંગ કરતો સચિન આજે પ્રથમ વખતે એકલો જઇ રહેલો હતો. સાથે એક નાની બેગ અને જરૂર જણાય તેટલા રૂપિયા લઈને તે નીકળ્યો હતો. બારી બાજુની બે બેઠકવાળી સીટ પર તેનું રિજર્વેશન થયું હતું. સામેની સીટ પર ચાર બંગાળીઓ અને બે ગુજરાતીઓ બેઠાં હતાં. શરૂઆતમાં બંગાળીઓ અને ગુજરાતીઓ માત્ર અંદરોઅંદર વાતો કરતાં હતાં. પરતું સમય જતાં તેઓએ એકબીજા સાથે વાતો ચાલુ કરી દીધી હતી. રાજસ્થાનનાં સૂકા પડેલા ખેતરોમાંથી ગરમ ‘લૂ’ બધાનાં શરીર દઝાડી રહી હતી. સચિન પોતાની સાથે માત્ર એક પાણીની બોટલ લઈને આવ્યો હતો, જે તેણે ચાર વાર ભરીને ખાલી કરી હતી. સામે બેઠેલા બંગાળીઓ પાણીનાં મોટા જગ ભરીને મુસાફરી કરી રહ્યા હતાં. વારંવાર પોતાનાં ચશ્માં સાફ કરતો સચિન તદ્દન નિષ્ક્રિય બની કાનમાં ઇયરફોન ભરાવી ગીતો સાંભળી રહ્યો હતો.

રોજ રાત્રે દસેક વાગ્યે જમવા ટેવાયેલા સચિને આઠેક વાગ્યે આવેલું જમવાનું દસ વાગ્યે જ્મ્યુ. આખા દિવસની “લૂ” ના થાકથી કોણ જયારે કયારે તેને ઊંધ આવી ગઈ તેનું તેને ભાન જ ન રહ્યું. અડધા એક કલાકની ઊંધ પછી તરસ લાગી. તે ઊભો થયો અને પોતાની બોટલમાથી હતું એટલુ પાણી પી ગયો. બે કલાકથી પડેલું પાણી ગરમ થઈ ચૂક્યું હતું. બંગાળીઓ હજુ મોબાઈલમાં વ્યસ્ત હતાં અને ગુજરાતીઓ કયારનાય સૂઈ ગયા હતાં!! ફરીથી સુવાનો પ્રયત્ન કરતાં સચિન આડો પડ્યો,પરતું હજુ ગળામાં ગરમાશ અનુભવાતી હતી. તે ઊભો થયો અને બંગાળી તરફ જઇ બોલ્યો.

”દાદા..થોડા પાણી મિલેગા કયા?”

બંગાળીએ પોતાનાં ચશ્માં કાઢી સચિનનું અવલોકન કર્યું.પછી હળવેકથી પુછુયું ”તુમકો કીધર જાના હે?”

“લુધિયાણા..” સચિન નિરસ સ્વરે બોલ્યો.

“લુધિયાણા કીધર પડતા હે?” બંગાલી બાબુએ વાત આગળ વધારતા કહ્યું.

”વો..અમૃતસર સે થોડા આગે હે..કલ દોપહર કો પહોચેંગે” સચિને પાણીના બે જગ તરફ નજર કરી કહ્યું.

“અચ્છા...તુમ વેસે કરતા કયા હે?” બંગાલીએ પોતાનાં ચશ્માં પાછા લગાવી પૂછ્યું.

“દાદા..મેને નયા કપડે કા ધંધા ચાલુ કિયા હે. આપ થોડા પાણી દોગે કયાં?” બંગાળી થોડા મૂંઝાયો, પછી નમ્રતાથી રસગુલ્લાની ચાસણી જેવા મીઠા અવાજથી બોલ્યો “ઉડીબાબા...સોરી પાણી તો હમ નહી દે સકતે.”

“હાશ...એટલીસ્ટ વાત તો પતી.” વિચારથી ખુશ થઈ સચિન પોતાની સીટ પર બેઠો. તે હવે ફેરિયાની રાહ જોવા લાગ્યો. સામે બે જગ પાણી ભરેલા હોવા છતાં પાણી માટે ના કહેનારા બંગાળી તરફ તેને ગુસ્સો આવ્યો. સચિનની તરસ વધવા લાગી. ટ્રેન કોઈ સ્ટેશન પર પણ ઊભી રહેતી નહોતી. સચિન જેમતેમ કરી ફરી પાછો સીટ પર આડો પડ્યો. બંગાળી હજુ જાગતો હતો, તે કદાચ પોતાનાં સામાનની ચોકી કરી રહ્યો હતો. સચિનની આંખો મીચાણી.

સચિનની આંખો સામે પાણીના બાટલાઓથી ભરેલું ફ્રિજ!! ફ્રિજરમાં પણ અઢળક બરફ. ફ્રિજનાં દરવાજાની પાછળના ખાનાઓમાં ફ્રૂટી,જ્યુસ અને શરબતની બોટલ. સચિનનું મન લલચાયું. તેણે ફટાફટ એકદમ ચિલ્ડ પાણીની બોટલ ઉઠાવી અને સીધી હોઠે લગાવી દીધી. ગળામાં ઠંડુ પાણી પડતાંની સાથે જ રાહત થઇ ગઈ. પછી વળી તેણે ફ્રૂટીની એક બોટલ પીધી. હવે તે બરાબર ધરાઇ ચૂક્યો હતો. આખા શરીરમાં ઠંડક પ્રસરી ગઈ હોય તેવું અનુભવાઇ રહ્યું હતું. સચિન તળાવમાં પડી રહેલી ભેંસની જેમ સંતૃપ્ત થયો હોય તેવો અહેસાસ કરી રહ્યો હતો અને અચાનક ઝાટકો લાગો. મોઢે માંડેલી બોટલ જાણે ઉછળી હોય તેવા અનુભવ સાથે તે જાગ્યો. જોયું તો તે હજુ ટ્રેનમાં જ હતો. ટ્રેન સ્ટેશન પરથી ઉપડી હતી. તે ફટાફટ ઊભો થયો અને દરવાજા તરફ ચાલ્યો. ઘડિયાળમાં જોયું તો 12:૦5 થઈ હતી. અને ‘દેશનોક’ નામનું સ્ટેશન પાછળ રહી ગયું હતું. તેણે પોતાના ગળા પર હાથ મૂક્યો. દરવાજાના બાજુમાં હાથ-મોં ધોવાના નળ આગળ તે ઊભો રહયો. તેને પાણી ચાલુ કરી હાથ પર લીધું. થોડી ક્ષણ વિચાર કર્યા પછી, પાણી પીધા વગર જ તે સીટ પર જઈને બેઠો. હવે તેની તરસ ચરમસીમાએ પહોંચી હતી. સંપૂર્ણ ડબ્બો શાંત થઈ ગયો હતો. ગળુ બિલકુલ સુકાઈ ગયું હતું. ગળામાંથી થૂંક પણ ન નીકળે તેવી પરિસ્થિતી હતી. સામેવાળો બંગાળી પણ જોકા ખાતો હતો. ફેરિયાઓની પણ અવર-જવર ન હતી. તેને બારી પાસે બેસી સ્ટેશનની રાહ જોવાનું નક્કી કર્યું. માથામાં હાથ ફેરવતા ફેરવતા તે બારીએ બેઠો. ભરપૂર થાકને કારણે તેની આંખ ફરી મીંચાઈ ગઈ.

લગભગ અડધા કિલોમીટરની ગોળાઈનો સ્વિમિગ પુલ!! ચારે બાજુ પાણી જ પાણી અને આખા સ્વિમિગ પૂલમાં એક માત્ર સચિન. સ્વિમિગ પુલના કિનારે વિદેશી ખાના-પીણાઓ. સ્વિમિગ પુલના ચમકતા પાણીમાં મોં ડૂબાડી તે કિનારે પહોંચ્યો. આંખો આગળથી વાળ દૂર કરી, તેણે કિનારે મૂકેલા મોસંબીના જ્યુસનો ગ્લાસ મોઢે લગાવ્યો. ખટાશથી ભરપૂર જ્યુસ પીવાથી તેનાં ગળામાં ઠંડક પ્રસરી. બાજુમાં જ પડેલી વાઇનની બોટલ જોઈ તેનો જીવ વધુ લલચાયો. સચિન મુબઈમાં જતો ત્યારે વાઇન અવશ્ય પીતો હતો. પોતાની ફેવરિટ બ્રાન્ડ જોઈ સચિનથી રહેવાયું નહીં અને બાજુમાં પડેલા લંબગોળ ગ્લાસમાં વાઇન લીધી. બાજુમાં જ પડેલ પીનટ્સ મોઢાંમાં નાખી તેણે વાઇનનો ગ્લાસ હોઠે લગાવ્યો. સમગ્ર શરીર ઉત્તેજીત થઇ ગયું. પાણીની ઠંડક અને વાઇનની અમુક હદ સુધીની ગરમાહટના કારણે તેણે અજીબ ફિલ થયું. પગથી પાણીમાં છબછબિયાં કરતાં-કરતાં તેણે ગ્લાસ પૂરો કર્યો. જાણે જીવન આખું સંતોષાઈ ગયું હોય એમ તેણે આંખો બંધ કરી અને માથું કિનારા પર ટેકવ્યું.

હજુ તો સ્વિમિંગ પુલમાં તે ડૂબકી મારવા જ જતો હતો ને અચાનક કોલાહોલ તેનાં કાને સંભળાયો. તે ચમક્યો. સ્વપ્નમાં થઇ રહેલા રસપાનને કારણે તે બેઠો-બેઠો બારીના સળિયા પર જીભ ફેરવતો હતો. તે બારીથી દૂર થયો. તેને પોતાના પ્રત્યે ધૃણા થવા લાગી. બંગાળીનો અવાજ કાને પડતા તેનું ધ્યાન ફંટાયુ. બંગાળી ભાષામાં ચારેય જણ કંઇક બરાડા પાડતાં હતા. સચિન વિષય-વસ્તુ જાણવા માટે ઊભો થવા ગયો અને પગમાં ઠંડક પ્રસરી. નીચે જોયું તો પાણી જ પાણી હતું.

“ઊડી બાબા...પૂરા જગ ખાલી હો ગયા.અબ હમ કયાં પીએગા?”

“કિસને કિયા?”

“પતા નઇ” બીજાએ ફરી જવાબ આપ્યો. સચિને બંગાળી બાજુ જોયું. બંગાળીએ સચિન સામે જોયું.

”ઇસમે સે થોડા મુઝે પીલા દે તે, તો ભી અચ્છા થા” સચિને મહેનત ભેગી કરી કહ્યું. બંગાળી નીચું જોઈ ગયો.

“કહી તુમને તો? હે દાદા?” બંગાળીએ શક કરતાં કહયું.

“નહિ...હમ ઇતના ભી નહિ ગીરતે હે” કહી સચિન ફરી પાછો બારી તરફ બેઠો. આજની રાત કદાચ તે પૂરી નહિ કરી શકે તેવો તેણે ભય લાગવા લાગ્યો. દસેક મિનિટ એકબીજા પર આરોપ નાખી બંગાળીઓ ફરી પાછા સૂઈ ગયાં. કોઈ સ્ટેશન આવી રહ્યું ન હતું. તેને મોબાઈલમાં ચેક કર્યું. આગળનું સ્ટેશન બીકાનેર 1:35 વાગ્યે આવવાનું હતું. તેણે સમય જોયો, 12:40 થઈ હતી. હજુ કલાક પસાર કરવાનો હતો. સચિનની ધીરજ ખૂટવા લાગી હતી. સ્વ્પનમાં ભરપૂર પાણી અને જ્યુસ જોયા બાદ તેનું મન વિચલિત થયું હતું. તે દરવાજા પાસે જઈને ઊભો રહયો. દરવાજાની નીચે તેણે રેલ્વેનાં પાટાની જગ્યાએ પાણીના પાટા દેખાવા લાગ્યા. આખી ટ્રેન અંડર વોટર ચાલતી હોય તેવો તેને ભાસ થવા લાગ્યો. તે આમતેમ આંટા મારવા લાગ્યો.તેનું શરીર ઢીલું પાડવા લાગ્યું. માનસપટ પર અંધારા છવાઈ જવા લાગ્યાં. અચાનક તેને હાથ મોં ધોવાનો નળ યાદ આવ્યો. તેણે ફટાફટ નળ ચાલુ કરી, નીચે મોઢું રાખી દીધું. અલાસ...માંડ બે ચાર ટીપાં પડ્યા હશે અને પાણી આવતું બંધ થઈ ગયું!! આજે તેને પાણીના સદપયોગ સમજાઈ રહ્યો હતો. ઘરે નાહતા વેડફાતા પાણી, બ્રશ કરતી વખતે ચાલુ નળ, પીધા પછી વધેલા પાણીને વોશબેશીનમાં ફેકતા ચિત્રો તેને સ્પષ્ટ દેખાવા લાગ્યાં.

તેને હવે ચક્કર આવવા લાગ્યાં હતાં. તે દોડી ફટાફટ ટોઇલેટમાં ગયો. અસ્વચ્છ હોવાં છતાં, તે અંદર ઘુસી નળ ચાલુ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પરતું પાણી એક પણ નળમાં નહોતું આવતું. અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાયો હોય તેમ તે પોતાની જાતને ફસાયેલો અનુભવવા લાગ્યો. તે ત્યાં જ બેસી ગયો. ફરી પાછી તેની આંખો મીંચાઇ.

ટ્રેન ઊભી રહી. સચિન રાજીનાં રેડ થઈ ગયો, તે ફટાફટ દોડતો નીચે ઉતર્યો. આવતા-જતાં લોકોને હડસેલા મારતો તે સ્ટોલ સુધી પહોચ્યો. ફ્રીજમાં પાણીની બોટલો જોઈ તેનાં ચહેરા પર સ્મિત ફરક્યું. લોકોની ભીડને હટાવી દુકાનના કાઉન્ટર સુધી પહોચ્યો અને 500ની નોટ આપતા બોલ્યો “એક પાણીની બોટલ આપોને?” પેલાએ પૈસા લીધા અને ફ્રિજ તરફ આગળ વધ્યો. તેણે ફ્રિજનું હેન્ડલ પકડી ફ્રિજ ખોલવાનો પ્રયત્ન કર્યો. ફ્રિજ ખૂલતું જ નહોતું.

“અરે યે ખૂલ ક્યું નહિ રહા હે? પેલા માણસે દુકાનદારને પૂછ્યું.

“અરે...વો ચાવી મેં ધર પર ભૂલ ગયાં હું” દુકાનદારે કહ્યું. આટલુ સંભાળતાની સાથે જ સચિનના કાને ટ્રેનનું હોર્ન સંભળાયુ. લોકો ટ્રેન તરફ દોડવા લાગ્યાં. સચિન ત્યાં જ ઊભો રહયો. ટ્રેન ચાલવા લાગી હતી. તેને માટે આજે તરસ છીપાવવી જ સર્વસ્વ બની ગયું હતું.

“અરે ભાઈ...કુછ તો કર” સચિન બરાડતા બોલ્યો.

“અરે નહિ ખુલ રહા તો ક્યા કરું? આપ ચલે જાઓ..આપ કી ટ્રેન જા રહી હૈ” પેલાએ કહ્યું.

“નહિ..મુજે પાણી ચાહિયે હી ચાહીએ” સચિને જીદ પકડી. દુકાનદારે સામેની લીન પર બીજી ટ્રેન આવતા જોઈ અને સચિનને ધક્કો મારતા કહ્યું “ચલ અબ નીકલ...” અને તે પછડાયો.

જેવો તે પછડાયો કે ટોયલેટના દરવાજો ખખડાવવાનો અવાજ થયો. તેને મહામહેનતપૂર્વક આંખો ખોલી. ત હજુ ટોયલેટમાં જ હતો. પોતે ફરી મરીચિકા સમાન સ્વપ્નમાં હતો. લોકોની ચહલ-પહલ વધી હતી. તે ટોયલેટમાથી ઊભો થયો, અને પોતાની સીટ તરફ ચાલવા લાગ્યો. ટ્રેન સ્થિર હતી તેનું તેને ભાન નહોતું. 01:35 વાગ્યા હતા.

ટ્રેન બીકાનેર સ્ટેશન પર ઊભી હતી. અચાનક તેની બારીમાંથી નજર બહાર પાણીની પરબ પર ગઈ. થોડીવાર તે જોઈ રહ્યો, પછી ઉદાસ મોઢે પોતાની સીટ પર બેઠો. લોકોના પગ તેને અથડાઈને ચાલતા હતા. તે ઝબકયો અને બહારની પરબ તરફ દોટ મૂકી. પાણી છે કે નહિ? સારું છે કે ખરાબ? વિચાર કર્યા વગર જ તેણે નળ નીચે મોઢું માંડ્યુ. ખળખળ કરતું પાણી ટાંકીમાથી નળમાં અને નળમાંથી સચિનના ગળામાં ઉતર્યું. સચિને જાણે અમૃત પીધું હોય તેમ તૃપ્ત થવા લાગ્યો. તે નળે મંડ્યો જ રહયો.

“ઓ...ભાઈ તેરી ટ્રેન છૂટ રહી હે.” કોઈકે પાછળથી બુમ પાડી કહ્યું. સચિન હજુ મંડ્યો જ હતો. સંપૂર્ણપણે તૃપ્ત થયા બાદ જ તેને ટ્રેનની સ્થિતિનું ભાન થયું. તે દોડ્યો અને ખડખડાટ હસતો હસતો ટ્રેનમાં ચડ્યો. સીટ પર બેસતાની સાથે જ તેણે રાહતનો શ્વાસ લીધો. સામે બંગાળી હજુ ઝોંકા ખાતો હતો. સચિનના ચહેરા પર ચમક હતી. આ સ્વપન નહિ પણ હકીકત હતી, તે જાણીને તે વધુ ખુશ થયો. એટલામાં જ એક ફેરિયો “પાણી બોટલ... પાણી બોટલ” ની હળવી બૂમો પાડતો સચિન આગળથી પસાર થયો!!