Samarpan - 34 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 34

આગળના ભાગમાં આપણે જોયું કે સવારે ઉઠતા જ દિશાના મોબાઈલમાં એકાંતના વોઇસ મેસેજ આવે છે. દિશા સાથે પોતે કેવી રીતે જોડાયેલો રહેશે તેનું સોલ્યુશન પણ એકાંત આ વોઇસમેસેજ દ્વારા સમજાવે છે, દિશાને મળ્યા વગર કે વાત કર્યા વગર જ સાંભળી શકવાની આ અનોખી રીત એકાંતે શોધી કાઢી હતી. એકાંત દિશા પ્રત્યેના પોતાના પ્રેમને પણ અભિવ્યક્ત કરે છે અને રોજના ઓછામાં ઓછા પાંચ વોઇસમેસેજ આવશે તેમ પણ જણાવી દે છે. એકાંતના આ આઈડિયાથી દિશાને થોડી માનસિક શાંતિ મળે છે. એકાંત અને દિશા મળે નહીં એ માટે થઈને પોતે વિસામોમાં આવવાનો સમય પણ બદલી નાખે છે. સમય વીતતો જાય છે અને એકાંત રાબેતા મુજબ પોતાના વોઇસ મેસેજ દ્વારા દિશા સાથે જોડાતો રહે છે, પરંતુ રુચિ અને દિશાના સંબંધોમાં સુધાર આવતો નથી. નિખિલ પણ આ વાતને અનુભવે છે. છેલ્લા ઘણા સમયથી રુચિ દિશાના ઘરે પણ નથી ગઈ એ પણ નિખિલ જુએ છે અને એ બધાને ધ્યાનમાં રાખીને રુચિને બહાર ફરવાના બહાને દિશાના ઘરે લઈ જાય છે. દિશાને જ રુચિ સાથેના અબોલાનું કારણ પૂછે છે. દિશા બધી જ વાત જણાવે છે. અને તે બન્નેએ ઉતાવળમાં ઘરે કરેલી વાતના કારણે તકલીફો ઊભી થઈ હોવાનું જણાવે છે. નિખિલ પણ સ્વીકારે છે કે તેના મમ્મી પપ્પા આ વાત ના સ્વીકારી શક્યા, રુચિને પણ પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે. એકાંતથી તેની મમ્મીને દૂર કર્યાની ભૂલ સમજાય છે. ઘરે આવી નિખિલ સાથે ચર્ચા કરી દિશાને તેની ખુશીઓ પાછી અપાવવાનું નક્કી કરે છે. હવે જોઈએ આગળ શું થાય છે.

સમર્પણ - 34

રુચિ અને નિખિલના ગયા પછી બીજા દિવસે દિશાએ જોયું કે રોજ નિયત સમયે અચૂક આવી જતાં વોઇસ મેસેજ આજે આવ્યા નહોતા. ત્યાં જ ફોનની રિંગ રણકી, દિશા ''હલો'' બોલે એ પહેલાં જ એકાંતે એને અટકાવી, ''બોલીશ નહીં દિશા... સોરી આજે નેટમાં કોઈ તકલીફ હોવાથી મેસેજ થઈ શક્યા નહી, એટલે જ વિચાર્યું કે તું ઉઠીશ ત્યારે જ કોલ કરીશ. તને નવાઈ લાગતી હશે ને ? મેં બોલવાની ના પાડી એટલે... તો સાંભળ, આ મ્યૂટ કોલ છે, વોઇસ મેસેજ જ માની લે. તારે બોલવાનું નથી ફક્ત સાંભળ. મારી મજબૂરી તો જો દિશા, તારો અવાજ સાંભળે કેટલા દિવસ થઈ ગયા ? છતાં તારા એકેએક શબ્દો મારા હૃદયમાં કોતરાયેલા છે. ચાલો, આજે નેટમાં ખરાબી મારા માટે વરદાન સાબિત થઈ. મારો અવાજ તારા સુધી સીધો જ પહોંચાડી શકયાનો આનંદ છે. દિશા સાચું કહું ? એકબીજા સાથે વાત ના થઇ શકતી હોવાથી કે એકબીજાને ના જોઈ શકવાથી મારા પ્રેમમાં ઓટ જરાય નથી આવી. એ તું અનુભવી શકતી જ હોઈશ. જાણું છું હજુ તારું દિમાગ ક્યારેક હાલક-ડોલક થતું જ હશે, કે આવો પ્રેમ તે કોઈ કરતું હશે ? પણ જોઇલે કોઈ કરે કે ના કરે હું તો તને આવો જ પ્રેમ કરું છું. મને તારા પ્રત્યક્ષ હોવા-ના હોવાથી કોઈ ફર્ક પડ્યો નથી કે ક્યારેય પડશે પણ નહીં. વગર માંગેલા વચને બંધાયો છું, દિશા... હું તારો જ હતો, તારો જ છું અને તારો જ રહીશ. જોવા જઈએ તો મજા આવે છે આ રીતે પણ તને ચાહવાની. તું એક ચેલેન્જ છે મારી માટે જેને હસતા-હસાવતા મારે પાર પાડવાનું છે.''
દિશા ઈચ્છવા છતાં કઈ બોલી શકતી નહોતી. તેની આંખમાંથી સરતાં આંસુઓ તે વાતનો પુરાવો આપી રહ્યા હતા. દિશાની આંખો સામે એકાંત નામનું આખું વિશ્વ તેની રાહ જોઇને ઊભું હતું, પરંતુ દિશા એ તરફ એક ડગલું પણ આગળ વધી શકે તેમ નહોતી. એક તરફ રુચિ અને એનો સંસાર હતો અને બીજી તરફ એકાંતનો ભરપૂર પ્રેમ, એક તરફ રુચિની જવાબદારીનું બંધન હતું તો બીજી તરફ એકાંતની બંધન વિનાની ચાહત. પણ દિશા માટે તો ના ચાહવા છતાં એકાંત તરફનો રસ્તો ભૂલવો પડે એમ હતો. જોકે એકાંત પણ એજ ઈચ્છતો હતો કે તે રુચિ તરફના સંબંધને નિભાવે. પરંતુ દિશા એકાંતના એ સમર્પણને પણ સમજતી હતી. એ પોતે તકલીફ લઈ રહ્યો હતો પરંતુ દિશાને તે હરદમ ખુશી જ આપવા ઇચ્છતો હતો. છતાં પણ દિશાથી કંઇજ થઈ શકે એમ નહોતું !!!
એકાંત તેની વાતો દ્વારા ક્યાંય સુધી દિશાને હિંમત આપતો રહ્યો, દિશા કંઈ જ બોલી શકી નહિ.. ફરી રાબેતા મુજબ કાલથી વોઇસ મેસેજ મોકલવાનું જણાવીને એકાંતે ફોન મુક્યો.
ફોન રાખતાની સાથે જ દિશાએ પાસે રહેલા સોફાના ટેકે જમીન પર બેસીને આજે પરાણે દબાવી રાખેલી લાગણીને અવાજ સાથે છૂટી મૂકી, ચોધાર આંસુએ રડી લીધું, પોતાની વેદનાને આંસુઓમાં વહાવી દીધી, થોડી વાર પછી પોતાની જાતે જ હિંમત એકઠી કરી અને બેઠી થઈ. મોઢું ધોઈ અને તૈયાર થઈ અને "વિસામો" જવા માટે નીકળી ગઈ.
આ તરફ રુચિ પોતે કરેલી ભૂલ કેવી રીતે સુધારી શકાય, તેના માટે સતત વિચાર કરવા લાગી હતી. અચાનક તેના મગજમાં એક ચમકારો થયો અને નિખિલને તેના વિશે જણાવવાનું નક્કી કર્યું. નિખિલ આ સમયે ઓફીસે હતો અને ઘરમાં વાત થઈ શકે તેમ નહોતી, માટે તેણે નિખિલને ફોન કરીને જણાવી દીધું કે મમ્મી માટેની વાત કરવી છે તો આપણે બહાર ક્યાંક મળીએ અને વાત કરીએ. નિખિલે પણ તૈયારી બતાવી તેને ઘરે લેવા આવવા માટેનું જણાવ્યું.
નિખિલને વહેલો આવેલો જોઈને તેની મમ્મીએ કારણ પૂછ્યું. નિખિલે પણ રુચિને શોપિંગમાં લઈ જવાનું બહાનું બનાવી રુચિ સાથે બહાર નીકળ્યો. બંને નજીકના કેફેમાં આવીને બે ચાનો ઓર્ડર આપી બેઠા અને વાત શરૂ કરી.
રુચિએ કહ્યું : "નિખિલ, મેં મમ્મી સાથે બહુ ખરાબ વર્તન કર્યું, ગુસ્સામાં મેં એને ખોટી સમજી અને વાત કરવાની જ બંધ કરી દીધી. પણ હવે મારે ખરેખર કંઈક કરવું છે, એના માટે. બસ. હું આ રીતે એને નથી જોઈ શકતી. તું કંઈક કર પ્લીઝ. "
નિખિલ : "રુચિ, હું પણ મમ્મીની હાલત સમજુ છું, અને એટલું તો હું પણ જાણું છું કે એ તારા માટે અને તારી ખુશી માટે કંઈપણ કરી શકે છે. એમની પહેલી પ્રાયોરિટી તું જ છે અને તું જ રહેવાની છું. સાચું કહું તો એમણે તારા કારણે એમના જીવનની કુરબાની આપી દીધી છે. આપણા ઘરમાં કોઈ પ્રોબ્લમ ના થાય અને તારા ઉપર કોઈ આંગળી ના ઉઠાવે એટલા માટે થઈને એમને જે વ્યક્તિ પાસેથી ખુશી મળતી હતી એમની સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી. જો એ ઈચ્છે તો એમને કોઈ રોકનારું નહોતું, એ એમની મરજી મુજબનું પહેલા પણ કરી શકતા હતા, અને આજે પણ કરી જ શકે. પરંતુ એમના માટે તું જ એમનું બધું જ છે. જો તું જ એમની સાથે આવું કરીશ તો એ કેમ સહન કરી શકે ? અને તે આ બધું મને કીધું પણ નહોતું, આતો મેં જોયું કે દર અઠવાડીયે ને અઠવાડિયે ઉપડતી ટ્રેન અચાનક બંધ કેમ પડી ગઈ ? અને હું તને ત્યાં લઇ ગયો ત્યારે જ ખબર પડી મને."
રુચિ : "હા, હવે. મને એમ કે બધાએ જ ધમકાવી દીધી'તી મને, તો તું ય ધમકાવીશ.''
નિખિલ : "હા, તો કરો એવું તો સાંભળી પણ લેવાનું...(રુચિએ એની સામે મોઢું મચકોડયું) અને તું જે કહે છે એ બધું જ બરાબર પણ પહેલા એમ કહે કે તારા મમ્મીની સંમતિ વગર આપણે શું કરી શકવાના હતા ?"
રુચિ : "એ મને નથી ખબર, બસ કંઈક એવું કરવું છે કે એને પણ એમ થઈ જાય કે એની દીકરી પણ એની ખુશી માટે કંઈપણ કરી શકે છે. મેં એ બંનેને સાથે જોયેલા છે, મમ્મીના મોઢે એમની ઘણી વાતો સાંભળી છે. પહેલા મને પણ વિશ્વાસ નહોતો આવતો કે આવું કોઈ વ્યક્તિ મારી મમ્મીને મળી શકે, પણ હવે પૂરેપૂરો વિશ્વાસ છે કે બસ દુનિયામાં મારી મમ્મી માટે જો કોઈ સર્જાયું હોય તો તે આ જ વ્યક્તિ છે. એ તો પહેલેથી જ મમ્મીને અપનાવવા તૈયાર છે, પણ મમ્મી જ નથી માની રહી. બંનેને ભેગા થઈ શકતા હોય તો એમના માટે હું કંઈપણ કરી છૂટીશ."
નિખિલ : "સમજુ છું રુચિ, હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. જો ખરેખર કંઈક કરવું જ હોય, તો લોકોનો સામનો તો કરવો જ પડશે. અને આ 21મી સદી છે અહીંયા ઘણું બધું શક્ય છે. અને હું જાણું છું કે તું કરી શકીશ. તને યાદ છે ? લગ્નમાં તે તારી મમ્મીના હાથે કન્યાદાન કરાવવાની ઈચ્છા દર્શાવી ત્યારે કેટલાક લોકોના વિરોધ છતાં પણ એ શક્ય બન્યું જ હતું. જો રુચિ, કોઈ કામ સરળ નથી હોતું એમ જ કોઈ કામ ધારીએ એટલું મુશ્કેલ પણ નથી હોતું. બસ એને પાર પાડવા માટેનો ઉત્સાહ અને પોતાના ઉપરનો અડગ વિશ્વાસ હોવો જોઈએ. કેટલાક લોકો બદલાવ તરત સ્વીકારી શકતા નથી, પરંતુ આખરે તેમણે પણ સ્વીકારવું જ પડે છે. એમ જ જો મમ્મીની બાબતમાં પણ આપણે પહેલ કરીશું તો સમય જતાં બીજા બધા પણ સ્વીકારશે. માટે તું શરૂઆત કર, હું સાથ આપવા તૈયાર છું !"
રુચિ : "નિખિલ મને એજ સમજમાં નથી આવતું કે શરૂઆત કેવી રીતે કરું ? એક તો ઘરે મમ્મી-પપ્પાને કેવી રીતે સમજાવી શકીશું ? એજ મોટો પ્રશ્ન છે."
રુચિને વચ્ચે જ રોકતા નિખિલે કહ્યું : "મમ્મી- પપ્પાને સમજાવવાની જવાબદારી મારી. હું એમને સમજાવી લઈશ. પણ પહેલા એ કહે તું કરવાની છે શું ? અને મમ્મી આ માટે તૈયાર થશે ? કારણ કે એકવાર આ વાતને લઈને જ તમારા બંને વચ્ચે બોલચાલ થઈ ગઈ છે. જો તું ફરીવાર મમ્મી સામે તેમના લગ્નની વાત કરીશ તો તે સ્વીકારશે ખરા ?
રુચિ : "મને એ જ વાતનો ડર લાગે છે નિખિલ કે શું થશે ? અને કેવી રીતે કરીશું ? અને એટલે જ મેં તને વાત કરવા બોલાવ્યો, તું કંઈક આઈડિયા આપ."
નિખિલ ઊભો થઈ અને ટેબલની આગળ-પાછળ આંટા મારતાં વિચારોમાં ખોવાઇ ગયો. રુચિ પણ ચ્હાના ઘૂંટ ભરતાં-ભરતાં પોતાના મગજને દોડાવી રહી...!!

વધુ આવતા અંકે.....