Self deprivation books and stories free download online pdf in Gujarati

સ્વ વિરહ

અત્યારે ના તો પાનખરનો મોસમ છે કે ના તો કોઈ એવી ઘટના ઘટી છે છતાં કેમ બધું ઉજ્જડ ભાસે છે??? આ પવનની લહેરખીઓનો સ્પર્શ જાણે કે ભુલાઈ ગયેલાં અને અધૂરાં રહેલાં સપનાઓની યાદ આપવે છે.

કાયમની સાથી બની ગયેલી આ એકાંતની ક્ષણો જાણે સમયની વાગેલી થપાટો અને ઠોકરો યાદ કરાવે છે.

પોતાનાનું સાચવવામાં 'સ્વ' નું બધું જ રહી ગયું. આ ફોટાઓ માત્ર સંગ્રહિત કરેલી યાદો નથી પણ મેં જીવેલી ક્ષણોનું જાણે તરોતાઝા ચિત્ર ઉપસાવે છે. આ કોલેજ સમયના ફોટો જોઈને તો મને લાગે છે જાણે હું એ જ સમયમાં પહોંચી ગયો. અમે બધા મિત્રો સાથે મળીને કેવી મસ્તી કરતા અને સાથે ફરવા પણ જતાં.

મને યાદ છે જયારે રાજેશે પેહલીવાર મારી મુલાકાત રોઝી સાથે કરાવી હતી. "સોહમ આ મારી સ્કૂલ સમયની મિત્ર છે રોઝી અને અમે હજી સુધી સારા મિત્રો રહ્યા છે."

હું અનિમેષ નજરથી એને જ જોઈ રહ્યો. એને જોતાં જ મારા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠેલાં એને મને લાગ્યું જાણે કે એને પેહેલે ઓળખું જ છું અને અંતરના ઊંડાણથી કોઈક લાગણી મને એની તરફ ખેંચી રહી હતી. એણે મારી સામે આપેલું સ્મિત આજે પણ મારી આંખો અને હૃદયમાં અંકિત છે.

એ તો રાજેશની મિત્ર માટે એની સાથે વાત કરીને ચાલી ગઈ. મેં થોડા દિવસો બાદ રાજેશને મારા મનની વાત કહેલી અને એણે રોઝી સાથે મારી દોસ્તી કરાવવાનું વચન આપેલું. અને એ વચન એણે નિભાવેલું પછી તો.......

સમય અમારી દોસ્તીનો અને સાથે વિતાવેલી ક્ષણોનો સાક્ષી બનતો ગયો. મેં યોગ્ય સમય જોઈને સુંદર ફૂલો સાથે એને મારા દિલની વાત અને એના પ્રત્યેની મારી પ્રેમભરી લાગણીઓ જણાવેલી. એ પણ હસીને શરમાઈને નીચી નજરે જોઈ રહી.

જેમ સમય વહેતો ગયો એમ અમારી મુલાકાતો વધતી ગઈ. ત્યારબાદ અમે નક્કી કર્યું કે અમે બંને જીવનભર માટે એકબીજાનો હાથ પકડીને ચાલવાનું નક્કી કર્યું પણ મને ક્યાં જાણ હતી કે આ સપનું અધૂરું રહી જશે અને સઘળા વચનો ખોટાં સાબિત થશે. મેં ઘરમાં અમારા સંબંધ માટે વાત કરી પણ અમારા પ્રેમને ધર્મના વાડા નડ્યા.

"આ તો ક્યારેય શક્ય ન બને" એમ કહીને પપ્પાએ મારી વાતનો તિરસ્કાર કરેલો અને હું એમની વાતનો વિરોધ ન કરી શક્યો. જયારે આ વાત મેં રોઝીને જણાવી તો એણે મારો હાથ પકડીને કહ્યું હતું.

"તારું મન જેમ કહે એમ કરજે. હું ફક્ત એટલું જાણું છું કે મારે તારી સાથે જીવવું છે."

હું લાચારીથી એની સામે જોઈ રહ્યો હું જાણતો હતો કે હું એની આશાઓ પર ખરો નથી ઉતરવાનો અને એને આપેલા વચનોમાં હું ખોટો પડવાનો છું. એનો તો કોઈ વાંક જ નહોતો એ તો બધાની વિરુદ્ધમાં જઈને પણ મારી સાથે રેહવા તૈયાર હતી.

થોડાં દિવસો મેં એની સાથે વાત જ ન કરી એકલો બધાની વચ્ચે રહીને પણ હું એકલો હતો. એક દિવસ રાજેશ ઘરે આવ્યો એને રોઝીએ મોકલ્યો હતો. એ મને મળવા માંગતી હતી. હું બીજે દિવસે એને મળવા ગયો.

"રોઝી હું......." આટલું બોલ્યો કે એણે મને મારા મોંઢા પર હાથ મૂકીને મને આગળ બોલતાં અટકાવી દીધો.

"તેં આટલાં દિવસ વાત ન કરી માટે હું સમજી ગઈ કે તારી શું મુશ્કેલી છે. તું મારી ચિંતા ન કર હું તારા નિર્ણયમાં તારી સાથે છું." આંખોમાં આંસુ સાથે એ બોલી.

"હું એને ગળે લાગીને મારો ભાર હળવો કરવા માંગતો હતો પણ હું ન કરી શક્યો મારામાં એ હિંમત નહોતી રહી."

હું ધીમા અવાજે બોલ્યો "રોઝી આપણાં ધર્મ આપણાં પ્રેમના......." આટલું બોલીને હું અટકી ગયો.

આંખોમાં આંસુ સાથે એણે મારો હાથ પકડયો અને મૌન રહીને જ ઘણું કહી ગઈ. એ આંખોમાં આંસુ સાથે વિદાય લઈને ચાલવા લાગી. હું એને કાયમ માટે રોકી લેવા માંગતો હતો. પણ હું એ ન કરી શક્યો.

આ મુલાકાત પછી કયારેય અમે મળ્યા નહીં કે વાત કરી નહીં. ત્યારબાદ સમય અને સંજોગો સાથે હું ગોઠવાતો ગયો. એકદિવસ રાજેશ દ્વારા જાણવા મળ્યું કે રોઝી અન્ય વ્યક્તિ જીવનમાં આગળ વધી ગઈ છે અને ખુશ છે. આ જાણીને એક ઊંડો ઘા થયો પણ સાથે જ એ ખુશ છે એ જાણીને સંતોષ થયો.

મારા લગ્ન પણ સમય જતાં ઘરનાની ઈચ્છા પ્રમાણે સંપ્પન થયા. મારું મન રોઝીના ગયા પછી આ જીવનમાં ક્યારેય લાગ્યું નહીં એના વિરહે મને એકલો મુક્યો નહીં. હું ક્યારેય દિલથી ખુશ રહીને મારા જીવનને માણી ન શક્યો.

બીજો વસવસો એ હતો કે મારે નાનો પણ પોતાનો જ બિઝનેસ ઉભો કરવો હતો પણ મારા પપ્પાનું સપનું મને ડોક્ટર બનાવવાનું હતું જેથી એમનું સફળ ડૉકટરનું તરીકેનું સ્થાન હું સંભાળી શકું.

આજે મેં એમનું સપનું તો પૂરું કર્યું પણ મને આ બધામાં મારુ પોતાનું કોઈ સ્થાન કે અસ્તિવ દેખાતું નહોતું. હું આટલાં વર્ષો સુધી જે વિરહમાં ઝુર્યો એમાં હું એકલો જ હતો.

જે વિરહની પીડા મેં સહી એમાં હું મને પોતાને મારા 'સ્વ' ને શોધતો હું જાણતો કે એ 'સ્વ' ક્યારેય નહીં મળે છતાં ઝાંઝવાના જળની માફક વલખાં મારતો અને વિચારતો કે કોઈક રીતે આ વિરહ સહન કરવાની ધીરજ અને શક્તિ મને મળી રહે.

મને અફસોસ હતો કે મેં હમેંશા બધાની જ ઈચ્છાઓ સાચવી. ફક્ત મારી જ ઈચ્છાઓનું દમન કર્યું જે વર્ષો જે સમય મેં ગુમાવ્યા એમાંય રોઝી એ મને ફરી જીવવા નહોતા મળવાના. મેં બધામાં હમેંશા ઘરના સભ્યોની ઈચ્છા અને મન રાખ્યું પણ મને નહોતી ખબર કે આવનારા સમયમાં એ જ મારા અસહ્ય વિરહનું કારણ બનશે. આ વિરહ એવો છે જેનો કોઈ ઈલાજ નથી. માન - સમ્માન, ઘર - પરિવાર, સુખ - સંપત્તિ સઘળું હોવા છતાં હું વિરહની અસહ્ય વેદનાની પીડાથી દુઃખી હતો.

આજે મારો પુત્ર સ્મિત કોલેજમાં આવી ગયો. આજે એનાં કોલેજનો પ્રથમ દિવસ છે અને ખૂબ ખૂશ છે પણ હું એને એની ઇચ્છાનું જીવન જીવવા દઈશ મારી મરજીનું નહીં.

જોતજોતામાં સ્મિતે કોલેજના છ મહિના પુરા કરી લીધા. એ તો પેહલાં કરતા વધુ ખુશ રેહવા લાગ્યો અને કોલેજ લાઈફને ભરપૂર માણી રહ્યો હતો. એને જોઈને લાગતું કે જાણે એને ઉડવા માટે ખુલ્લું આકાશ મળી ગયું. આજે મારી પત્ની હોત તો ખૂબ ખુશ થઈ હોત.

કાયમની જેમ આજે પણ સ્મિત ઈયરપ્લેગ લગાવીને ગીતો સાંભળતો વૉક પરથી આવી રહ્યો હતો. હું જોઈ રહ્યો હતો કે એના હાથમાં એક પારદર્શી બેગ હતી એમાં ફૂલોની માળા હતી. મારી નજર એના તરફ જ હતી. જેવો ઘરમાં આવ્યો કે તરત એ પોતાની મમ્મીના ફોટા પાસે જઈને હાર ચઢાવ્યો અને મારા હાથમાં એણે સુંદર મહેકતા ફૂલોનો ગુલદસ્તો મુક્યો. આજે મારા અમારા લગ્નની વર્ષગાંઠ હતી પણ મેં જીવનમાં વિરહ સિવાય કંઈ જોયું નહીં પેહલાં રોઝી પછી કરિયરના સપના રોડાઈ ગયા. બે વર્ષ પહેલાં જ મારી પત્નિ લાંબી બીમારીના કારણે અમને એકલા મૂકીને ચાલી ગઈ. મારી મમ્મીએ ઘરની સાથે મારી અને સ્મિતની મોટાભાગની જવાબદારી ઉઠાવી લીધી હતી.

અચાનક ડૉરબેલ વાગે છે મેં દરવાજો ખોલ્યો તો હું આશ્ચર્યમાં પડી ગયો અને હું કોઈ સપનું જોઇ રહ્યો હોય એમ લાગ્યું. આછા વાદળી કલરના ડ્રેસમાં રોઝી મારી સામે ઊભી હતી. બંને એકબીજાને જોઈ રહ્યા. અમે વર્ષો પછી એકબીજાને જોયાં હતા. મને ક્ષણવાર માટે તો એમ જ લાગ્યું જાણે મારી રગેરગમાં રોઝી વ્યાપી ગઈ.

મેં જોયું તો રોઝીની પાછળ સ્મિત અને રાજેશ આવીને ઊભાં મને સમજાતું નહોતું કે હું શું બોલું???

"ઘરમાં નહીં બોલાવે??" એમ કેહતા રાજેશ હસી રહ્યો એટલે રોઝી પણ હસી અને એ લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો. અમે બેઠાં સ્મિતે એમને પાણી આપ્યું મારી મમ્મી પણ આવીને મારી બાજુમાં બેઠી.

"રાજેશ!!! કેમ અચાનક??? કહ્યા વગર??? એક મેસેજ તો કરાય ને???" એમ કેહતા મેં બધાથી નજર ચુરાવીને રોઝી સામે જોયું અમારી આંખો એક થઈ ગઈ એ શરમાઈને નીચું ભાળી ગઈ.

"જો!!! તું નસીબદાર છે જે તું ન બોલી શક્યો એ તારો આ દીકરો સમજી ગયો" હસતાં ચહેરે રાજેશ બોલ્યો એના ચહેરા પર કોઇ અજાણી ખુશીના ભાવ હું ભાળતો હતો.

"હું કંઈ ન સમજ્યો???" એમ કહીને હું આશ્ચર્ય સાથે સ્મિત સામે જોઈ રહ્યો.

"પપ્પા તમે તમારી જૂની યાદોમાં ખોવાયેલા રહો છો અને વિરહથી તડપી રહ્યાં એ મેં જાણ્યું તમે જે ફોટાઓ કાયમ જોઈને ક્યાં ખોવાઈ જતા એ હું સમજી ગયો હતો માટે મેં રાજેશ અંકલને તમારા ફોનથી ફોન કરીને બધું જણાવ્યું. ત્યારે એમણે મને તમારી પ્રેમની અને લાંબા વિરહની વેદના જણાવી અને સાથે જ આ......." સ્મિત આટલું બોલે છે ત્યાં જ રાજેશ એને ઈશારો કરી આગળ બોલતા અટકાવે છે.

"જો સોહમ!!! રોઝી આગળ વધી હતી જીવનમાં પણ એનું લગ્નજીવન લાંબુ ટક્યું નહીં અને ડિવોર્સ થઈ ગયા હતા પણ તું તારા જીવન અને જવાબદારીઓ સાથે જોડાયેલો હતો માટે એણે મને તને કંઈપણ જણાવવા ના પાડી હતી અને વિરહ સહન કરતી રહી એ તને કયારેય ભૂલી શકી નહોતી માટે જ હવે સ્મિત ઇચ્છે છે કે આટલાં લાંબા વિરહમાંથી તમને બંને મુક્ત થાવ અને ખુશી અને આનંદથી સાથે રહો. તું રોઝીને અપનાવી લે."

"હું તો..... પણ રોઝી.....??" આટલું બોલી હું રોઝી સામે જોઈ રહ્યો.

"મારી તો પેહલાં પણ ક્યાં ના હતી???" એમ કહીને રોઝી મારી સામે જોઈ રહી. મેં મમ્મી સામે જોયું. મમ્મીએ હકારમાં માથું હલાવી આંખોમાં આંસુ સાથે હા પાડી.

અંતે મને મારા અને રોઝીના કોર્ટમેરેજ કરાવાયા અને અમારા બંનેના મિલનથી હું સઘળું દુઃખ ભૂલી ગયો. અમે બંને ખૂબ ખુશ હતા અને મારા સહુથી મોટા વિરહમાંથી મને છુટકારો મળ્યો જે રોઝીનો વિરહ હતો.


✍......ઉર્વશી.