Shankanu Bhoot – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

શંકાનું ભૂત – દિવ્યેશ ત્રિવેદી

બપોરે અઢી વાગ્યા હતા. ઓફીસમાં રિસેસ તો ક્યારની પડી ગઈ હતી. એક – બે – જણા તો આવીને સહી કરીને કામે નીકળી ગયા હતા. બે-ચાર જણા બહાર ચા પીવા ગયા હતા. એક સજ્જન ખુરશી પર પગ ચડાવીને ઝોકે ચડયા હતા. એક ભાઈ ક્યારના ટેલિફોન પર તૂટી પડ્યા હતા. મારા હાથમાં એક રસપ્રદ નવલકથા હતી.

ટેલિફોન પર સગાં-વહાલાંના ખબર-અંતર પૂછી રહેલા કિશનલાલે ફોનને સહેજ આરામ આપ્યો કે તરત રીંગ આવી. સામે છેડેથી પેલો માણસ કોણ જાણે કેટલીય વારથી ફોન કરતો હશે! કિશનભાઈએ જ ફોન ઉપાડીને થોડી વાત કરી. પછી મારી તરફ ફરીને બૂમ પાડી, “મહેતા, તમારો ફોન…!”

ઊભા થઈને મેં ફોન લીધો, “હેલ્લો કોણ?”

“મહેતા સાહેબ છે?”

“બોલો, મહેતા બોલું છુ!”

“મારે તમને મળવું છે!” સામેથી સહેજ પીઢ લાગતો પુરુષ અવાજ આવ્યો.

“આવો, સાંજે પાંચ વાગ્યા સુધી તો હું ઓફીસમાં જ હોઉં જ છું…”

“ના, મારે તમારું અંગત કામ છે!”

“તો વાંધો નહીં! મારે તમને ઘરે મળવું છે… તો ઘરે ક્યારે મળી શકો?”

“ઘરે? એવો આગ્રહ શા માટે? અહીં આવો! જે વાત હશે તે થશે!”

“મારે માંડ પંદર મિનિટનું જ કામ છે… કાલે આવું? સવારે? નવ પહેલાં? ફાવશે?

“પણ ભાઈ, તમે કોણ છો અને શા માટે મને મળવું છે એ કહો તો કંઈક સમજ પડે… એ સિવાય હું તમને ઘરે મળવાની કેવી રીતે હા પાડી શકું?

“ના, એવું કંઈ ચિંતા કરવા જેવું નથી. મારે માત્ર તમારી થોડી સહાયની જરૂર છે…”

“સહાયની? મારી પાસે? કંઈક તો વાત કરો? અકળામણ થતી હતી એની વાતથી.

“એમ કરીએ, પરમ દિવસે રજા છે. ઘરે જ હશો ને? ક્યારે અનુકૂળ છે?”

“સોરી! પરમ દિવસે મને જરાય અનુકૂળ નથી. તમે મને કામનો પ્રકાર જણાવો અને તમારો પરિચય આપો…”

“હું લાખાણી… અને અત્યારે હું બીજા કોઈકને ત્યાંથી ફોન કરું છું એટલે વિગત આપતો નથી. તમને ઝાઝી તકલીફ નથી આપવી. બસ, દસ – પંદર મિનિટ…”

“લાખાણી… હું તમને ઓળખતો હોય એમ લાગતું નથી. એક કામ કરો. આજે સાંજે પાંચ સુધી અને આવતી કાલે આખો દિવસ હું ઓફિસમાં જ છું. એક વખત પાંચ મિનિટ માટે પણ અહીં આવીને મને મળી જાવ પછી વિચારીશું… અને હા, લાખાણી એટલે?”

“ધીરુભાઈ લાખાણી…”

અને આગળ વાત કર્યા વિના ફોન મૂકી દીધો. ખરો માણસ છે….જે હોય તે ફોન પર કહી દેતાં શું થતું હશે? પાછું ઘેર જ મળવું છે!

ટેબલ પર આવીને નવલકથા પાછી હાથમાં લીધી. વાંચવાનું શરૂ કર્યું. ચાર-પાંચ પાના ફરી ગયાં પછી એકદમ ખ્યાલ આવ્યો કે શું વાંચ્યું એ જ ખબર નથી. આંખો વાંચતી હતી, મન તો ધીરુભાઈ લાખાણીમાં જ હતું. કઈ જાતના માણસો હોય છે? પોતાનો પૂરો પરિચય આપતાં પણ જાણે એમના પેટમાં દુઃખે છે. હશે, મારે ક્યાં એનું કામ છે? એણે કહ્યું કે એને મારી ‘સહાય’ ની જરૂર છે. તો એની મેળે આવશે… પણ હું એક મામૂલી ક્લાર્ક એને શું સહાય કરવાનો હતો? કદાચ ઓફિસની કોઈક ફાઈલમાં એનું અટવાઈ ગયું હશે. લાંચબાંચ આપવાનો ઈરાદો હશે… પણ એ માટે ય ઘેર આવવાની શી જરૂર? ફોન પર ફોડ તો પાડવો જોઈએ ને!

એનાં એ જ ચાર પાનાં ફરી વાંચ્યાં. પરંતુ પંદર પગથિયાં ચડવામાં પાવાગઢ ચડવા જેટલો થાક લાગે એવી લાગણી એટલા ચાર પાનાં વાંચતાં થઈ. ચોપડી આપોઆપ ટેબલ પર ઊંધી ગોઠવાઈ ગઈ. રિસેસ ક્યારે પૂરી થઈ ગઈ અને જવાનો સમય ક્યારે થઈ ગયો એ પણ ખબર ન પડી. ફાઈલ ટેબલ પર રહી અને ચોપડી ખાનામાં મૂકી દીધી. લાખાણી… અશોકભાઈ લાખાણીને તો હું ઓળખું છું…પણ આ ધીરુભાઈ …? ક્યારેય મળ્યા હોય એવું લાગતું નથી… હશે, જે હશે તે !

સાંજે ઘરે ગયા પછી અચાનક જ પૂછાઈ ગયું, “કોઈ આવ્યું હતું?”

જવાબ નકારમાં મળ્યો. ચા પીધી. મુંબઈથી માસીનો પત્ર આવ્યો હતો. અમે મજામાં અને તમે મજામાં સિવાય ખાસ કશું પત્રમાં નહોતું. બારણું ખખડ્યું. તરત ઊભા થઈને એક અજીબ જિજ્ઞાસા સાથે બારણું ખોલ્યું. પડોશીની નાનકી દોડતી અંદર આવી ગઈ, “માસી, મારી મમ્મી વડાંનો મસાલો ચાખવા તમને બોલાવે છે!” કદી ઊભા થઈને બારણું ખોલવાની તસ્દી નહીં લેનાર હું આજે સફાળો ઊભો થઈને બારણું ખોલવા ગયો એનું આશ્ચર્ય પત્નીના ચહેરા પર વંચાતું હતું.

રાત્રે જમતાં જમતાં પત્નીને સહજ પૂછી લેવાયું, “ કોઈ લાખાણી…ધીરુભાઈ લાખાણીને તું ઓળખે છે?”

“કેમ? કોણ છે? મને એવા કોઈ નામનો ખ્યાલ નથી!”

“ના, કદાચ કોઈક તારી સાથે નોકરી કરનારમાંથી કે તારી મમ્મીના ઘર સાથે પરિચિત…”

“ના રે ના! હું તો આ નામ જ પહેલી વાર સાંભળું છું… પણ છે કોણ? વાત શી છે?”

“વાત કંઈ નથી… આ તો અમસ્તું!”

“પણ એકદમ આ નામ ક્યાંથી આવ્યું? કોઈ પ્રોબ્લેમ છે?”

“તું ય ખરી છે! સહેજ વાત કરી એમાં તો તું લઈ મંડે છે. કશું નથી, અમસ્તું જ પૂછ્યું!”

પત્ની ચૂપ થઈ ગઈ. એનો ચહેરો કહેતો હતો કે આવો તોછડો જવાબ ગમ્યો નહોતો.

સૂતી વખતે સાહજિક જ પત્નીએ પૂછ્યું, “તમે પેલા અશોકભાઈની તો વાત નહોતા કરતા ને? એ ય લાખાણી જ છે ને!”

“તું છાલ છોડને! વાત પતી ગઈ. નાહક શું કામ…”

પત્ની કેમ ધીરુભાઈ લાખાણીની આટલી ચર્ચા કરે છે? એના મનમાંથી ય વિચાર નથી નીકળ્યો લાગતો!

લાઈટ બંધ કરી. આંખ લાગતી હતી. તન્દ્રામાંય ટેલિફૉન પરની એ જ બધી વાતો તાદ્રશ થવા લાગી. અકળામણ થઈ, કોણ હશે આ ધીરુભાઈ લાખાણી?

બીજે દિવસે ઓફિસમાં જઈને પહેલું કામ અશોકભાઈ લાખાણીને ફોન કરવાનું કર્યું. એ ય કોઈ ધીરુભાઈ લાખાણીને ઓળખતા નહોતા. તો પછી આ કોણ …?

બપોરે દોઢેક વાગ્યે પિસ્તાલીસેક વર્ષની ઉંમરના એક ભાઈ આવ્યા. ખાદીના લેંઘો-જભ્ભો પહેર્યા હતા. મારા ટેબલ પાસે આવીને ઊભા રહ્યા, નીચા નમીને ધીમેથી બોલ્યા, “મહેતા સાહેબ આપ જ ને?”

“હા, કેમ? તમે ધીરુભાઈ લાખાણી?”

પેલા ભાઈ સહેજ અચંબામાં પડીને મારી સામે જોવા લાગ્યા, પછી બોલ્યા, “ના, મારું નામ અનિલ ઉપાધ્યાય… આ કંકોત્રી આપવાની હતી… રેકોર્ડ ઓફિસની સુપ્રિટેન્ડન્ટ સાહેબે મોકલાવી છે…”

મેં કંકોત્રી લઈને જોયું તો ઉપર એમ. જે. મહેતા લખેલું હતું. મેં કહ્યું, “ઉપરના માળે જાવ…”

“તમે …?”

“હું આર. જે. મહેતા…”

બપ્પોરે ચાર વાગ્યા હશે. ત્યાં તો ફોન આવ્યો, “મહેતા સાહેબ, હું લાખાણી… ધીરુભાઈ લાખાણી…કેમ છે?

“નથી મજામાં…ભાઈ, શું કામ તમે જુલમ કરો છો? જે કામ હોય તે કહી નાંખો ને?

“સાહેબ, આમ… આમ… આપ ખેર, કાલે આવું સાહેબ?”

“ના, હું તમને જાણતો નથી. ઓળખતો નથી અને મારે તમારું કોઈ જ કામ નથી. માટે મહેરબાની કરીને તમે વાતને ટૂંકાવો તો સારું… આ સંજોગોમાં હું તમને મારે ઘેર આવવાની હા કહી શકું નહીં. મહેરબાની કરો અને મળવું હોય તો સાંજે પાંચ પહેલાં ઓફિસ પર આવો અને હા, હવે ફોન નહીં કરતા!” મારા અવાજમાં સ્પષ્ટ રોષ અને ઉત્તેજના વરતાતી હતી. એના જવાબની રાહ પણ જોયા વિના મેં રિસિવર મૂકી દીધું.

સાંજે ચારેક વાગ્યે એક ભાઈ આવ્યા. પેન્ટ-શર્ટ પહેરેલા હતાં. ચશ્મા ચડાવેલા હતાં અને ઉંમર આશરે ૩૨ – ૩૫ વર્ષની હશે, “મારું નામ ધીરુભાઈ… ધીરુભાઈ લાખાણી… કેમ છો? મજામાં?”

હું ઘડીભર તો એ માણસને જોઈ જ રહ્યો પરંતુ મારી અંદર ઉમટેલી લાગણીઓને દબાવીને મેં કહ્યું, “ બોલો, શું કામ હતું?”

“આપણે સહેજ બહાર જઈએ તો કેવું?”

જવાબ આપ્યા વિના હું ઊભો થયો અને નીચે પૂજાજીની લારીએ જઈને અમે બેઠા. પૂછું પૂછું થતું હતું છતાં મેં એને કંઈ જ પૂછ્યું નહિ. છેવટે એણે જ કહ્યું, “મહેતાસાહેબ, વાત જાણે એમ છે ને કે…” ચા આવી. પાછો વિરામ અને ગ્લાસમાંથી ઢોળાતું પાણી અચાનક અટકી ગયું હોય તેમ અટકી ગયેલું સસ્પેન્સ…

“વાત જાણે એમ છે ને કે, પેલા વિરેન્દ્રભાઈ અગ્રવાલ ખરા ને…”

“હું નથી ઓળખતો… તમે તમારી વાત કરો ને!”

“એ જ કહું છું સાહેબ! હું બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિસર છું અને વિરેન્દ્રભાઈ અગ્રવાલ અમારા ક્લાયન્ટ છે. મારે મારી બહેન માટે મકાનની જરૂર છે અને એમણે મને તમારો સંપર્ક સાધવાનું કહ્યું છે. તમારું મકાન દેવમંદિર સોસાયટીમાં…”

“તમને મારું શું નામ કહ્યું હતું?

“એમ. જે. મહેતા…”

“એ હું નહીં, મારા બાપ! હું આર. જે. મહેતા… હવે તમે ચૂપચાપ ચા પીને ઉપરના માળે જતા રહો…” અને એકી શ્વાસે કપમાં રહેલી ગરમ ગરમ ચા ગટગટાવીને હું ઊભો થઈ ગયો.