VAHUE VAGOVYA MOTA KHORDA - 18 books and stories free download online pdf in Gujarati

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૮

થોડા સમયમાં જ દસ વર્ષ પહેલાના બધા બનાવો ઊડી ઊડીને આંખ આગળ દ્રશ્યમાન થઈને અદ્રશ્ય થઈ ગયા હતા. આખું કાળચક્ર ફરીને પાછું વર્તમાન સ્થિતિમાં આવી ગયું હતું. ડૂંઘાની નળી મોંઢામાં રાખતા એ ધ્રૂજતા હોઠ અને થોડી ભીની થયેલી આંખો એક સાચા માણસનો પરચો આપતી હતી. આમ તો કરણુભાના હ્ર્દયનો પલટો સમ્રાટ અશોકની જેમ ઝમકુના બનાવ પછી આવી ગયો હતો પણ પોતાના અહંકારના કારણે એ વિચારો બહારના આવી શક્યા. ઝમકુના મોત પછી એ પોતાની જાતને બહુ નીચ સમજવા લાગ્યા હતા. એ માણસના હૃદયના નાનકડા ખૂણામાં ક્યાંક કોઈ સારા વિચાર સળવળતા હતા. એમને ગરીબ-ગુરબાની જમીન હડફવાનું બંધ કરી દીધું હતું પણ હમીરભાની જેમ ગરીબોની મદદ કરવાનો વિચાર એ રોકી લેતા હતા. ક્યાંક એમને આવું બધુ કામ પોતાના સ્વભાવ બહાર લાગતું હતું. આ જનોઈવઢ ઘાએ એમના વિચાર તો ફેરવી નાંખ્યા પણ હજુ સુધી સારા વિચારોના અમલ કરવામાં એમને શરમ આવતી હતી. મનમાં થતું કે ' જો હું કોઈ નવું પગલું ભરીશ તો ગામ વાતો કરશે કે કરણુભા હમીરથી ડરી ગયો ' અને આ જ વિચારો એમને હમીરભા સામે બાથ ભીડવા મજબૂર કરતા હતા, ગામલોકોની મદદ કરવામાં પાછીપાની કરતા હતા. આથી ગામને તો બહારથી એ જુના જ કરણુભા લાગતા હતા. મનના એક ખૂણામાં તો હમીરભા પ્રત્યે ખૂબ આદર હતો પણ દુશમન સાથે વાત કરવામાં પોતાની તાકાત બતાવવાનું ભૂલતા નહિ. ડાયરામાં બેસતા કરણુભા સાંભળતા બધાને પણ કોઈની સલાહ લેતા નહિ. કહુંબા કર્યા પછીના ઠુંગા એમને કડવા લાગવા માંડ્યા હતા. પણ શું કરે એક વટ ખાતર આ બધું કરવું પડતું હતું.

આજે એ કરણુભા પુરેપુરા શુદ્ધ થઈ ગયા હતા. વર્ષોથી પોતાની દબાવી રાખેલી અનેક ઈચ્છાઓ પુરી કરવાની ઈચ્છા થઈ ગઈ હતી. સમાજના બધા ડરને ભૂલી જવાનું નક્કી કરી લીધું હતું. આથી જ સવારે કાશીબા અને સરસ્વતીને બોલાવીને એમની સામે હમીરભાના વખાણ કર્યા હતા. પણ એ વાત અવળી પડી હતી. અને એટલે જ સુતા સુતા આજે શંકરાને દસ વર્ષ પછી પણ ગાળો દેતા હતા. જંજરી ઠારીને સુવાની તૈયારી કરી ત્યાં રાતના બે ના ટકોરા પડી ગયા હતા.
' રામ રામ ' કરતા કરણુભાએ સુવાની તૈયારી કરી. ઊંઘ કોઈ વાતે આવવાનું નામ નો'તી લેતી.

બીજી બાજુ સમશેરસિંહની બાજુમાં સુતેલી દેવલ પડખું ફરવા ગઈ ત્યાં રઝાઈનો એક દોરો હાથના ઘા સાથે અથડાતા એક ચિત્કાર નીકળી ગયો અને એની ઊંઘ ઊડી ગઈ. બે ટકોરા એને પણ ઊંઘમાં સાંભળ્યા હતા. જાગવાની એક કલાક હજુ બાકી હતી. આજે એને નક્કી કર્યું હતું કે ત્રણ વાગ્યે જાગી જવું છે. અને કામ બધું વહેલા પાર પાડી દેવું છે. એ આવી રીતે કાશીબા અને કરણુભાને રીઝવવા માંગતી હતી. એના બાપના વેરને ભૂલવવા માંગતી હતી. એ થોડીવાર માટે દીવાના ઝાંખા અંજવાળામાં પોતાના પતિના મુખને જોતી રહી. બે દિવસના સંબંધના માણસને જોતા જ એ પોતાના અડધા દુઃખ ભૂલી જતી. બેઘડી સમશેરસિંહના ગાલ પર હાથ ફેરવવાનું મન થયું પણ ખરબચડા હાથે એનો વિચાર રોકી લીધો. પાછી નજર હાથ પર ગઈ. અને તરત જ હમીરભા પર ખોબલે ને ધોબલે આશીર્વાદનો વરસાદ વરસાવવા લાગી.
" હે .. માતાજી ! તે મારા બાપની આબરૂ રાખી લીધી બાકી આજે વાઢયા વગર આવી હોત તો મારી શું હાલત થાત. મારા બાપાને નો કે'વાનું કેત... ને. મને મારા બાપાએ ખેતરનું કામ નો શીખવાડ્યું હોત તો હું આજ શું કરેત. " વિચારોના મહાસાગરમાં અને આંખોના ઊંડા ખાડામાં પાછી ભરતી આવી ગઈ હતી. એટલામાં જ ત્રણના ટકોરા પડ્યા. એ છોકરી જાગીને નાહ્વા માટે ગઈ. તૈયાર થઈને કામે લાગી ગઈ. આ બધું કામ કરણુભા સુતા સુતા જોતા હતા. આખી રાતના સૂતેલો એ માણસ કામ માટે ધમાકા દેતી દેવલને જોઈને જાણે પોતાના પર પાપના થર જામતા હોય એવો અનુભવ કરતો હતો. બધાને જાગવાનો સમય થયો ત્યાં તો ખાલી ભેંસોને દોહવાની જ બાકી હતી. બીજું બધું કામ દેવલના ઘવાયેલા હાથે અને ઘવાયેલા હૃદયે કરી લીધું હતું. આજે દેવલની પોતના સાસરિયામાં બીજી સવાર પડી હતી.

આ બાજુ દેવલ વગરની ત્રીજી સવાર સેજકપરની પડી હતી. હજુ મોસૂઝણું થયું નહોતું. નાનકડા મંદિરીયા સામે બેઠા બેઠા હમીરભા શિવસ્તોત્ર પૂરો કરી કાગબાપુના છંદ બોલી રહ્યા હતા.

ભભકે ગણ ભુત ભયંકર ભુતળનાથ અધંતર તે નખતે,
ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે,
ડમરુંય ડડંકર બાંહ જટંકર શંકર તે કૈલાસ સરે,
પરમેશ્વર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.

એક પછી એક છંદમાં એક અલગ જ શુરાતનવાળો રાગ હમીરભા ગાઈ રહ્યા હતા. અજમલ ઘરની ઓસરીમાં એક નાનકડી ચાદર પર રમી રહ્યો હતો. એ એકલો એકલો ઊભો થતો અને વળી પાછો ચાદર પર બેસી જતો હતો. વળી ક્યારેક કયારેક હમીરભાના છંદ ઉપર મોજ પડી જતા જેવી ફાવે એવી તાળી પાડીને ખિલખિલાટ હસી પડતો હતો. સેજલબા રસોડામાં હમીરભાના શિરામણની તૈયારી કરતા હતા. મોટા ફળિયાના એક ખૂણામાં એક નાનકડી ઓરડીની બહાર એક ખાટલા પર એક બુઢ્ઢો માણસ કફના ગળફા કાઢી રહ્યો હતો. એ થોડો ગાંડા જેવો લાગતો હતો. કપડાં સારા પહેર્યા હતા પણ થોડા મેલાં થઈ ગયા હતા. એ પણ કદાચ શિરામણની રાહ જોતો હતો.

હમીરભા પૂજા પુરી કર્યા પછી રોજિંદા વસ્ત્રો પહેરીને ઓરડાની બહાર આવ્યા અને સેજલબાને શિરામણ માટે સાદ કર્યો. સેજલબાએ હમીરભાનું શિરામણ બહાર કાઢ્યું અને એક પિત્તળની થાળીમાં એ માણસ માટે ખાવાનું કાઢેલું હતું એ હમીરભાને આપ્યું. હમીરભા એ થાળી લઈને એ બૂઢ્ઢા માણસને જમવાનું આપવા માટે ગયા.
" લે ભઈ ! શામજી ખઈ લે. "
" ના હું નઈ ખવ હો.... અતારે તમારી પાંહેથી ખઈ લઈશ તો હમણાં મારી ઝમકી આવશે અને હું ઓસુ ખઈશ તો મારી ઉપર ભઠી જાશે. અટલે હું નઈ ખવ. "
" હા આ ઝમકીએ જ મોકલ્યું સે. ઈને લૂગડાં ધોવા જાવાનું હતું અટલે મને આપીને જઇ સે. લે ખઈ લે. "
" એવુ સે ! ઈને નઈ ખબર હોય મને જોયા વગર મારો બાપો નઈ ખાઈ. આવવા દો ઈને મારે ઈને થોડું કે'વુ પડશે. રોજ કંઈક ને કંઈક કામે જતી રે સે. મને જોવા જ નથી આવતી. " આટલુ બોલી શામજીભાઈ ખાવા લાગ્યા. આજે દસ વર્ષ પછી પણ શામજીભાઈને વિશ્વાસ નહોતો આવતો કે ઝમકુ નથી રહી. એ માણસની બુદ્ધિ ચસ્કી ગઈ હતી. કદાચ આટલો મોટો આઘાત સહન ન કરી શક્યા. કામ કરવાનું શરીર ના પાડવા લાગ્યું. પણ હમીરભા શામજીનું ગાંડા થવાનું કારણ પોતાની જાતને માનતા હતા. આથી જ એને દસ-દસ વર્ષથી પોતાના ઘેર સાચવતા હતા. કદાચ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા હતા. હમીરભા વધુ બોલ્યા વગર જ જમવાનું આપીને ઘરની ઓસરી ચડી ગયા. કારણ કે આ સંવાદનો તો નિત્યક્રમ થઈ ગયો હતો. એટલે જ શામજીની વાત સાંભળી ના સાંભળી કરી ત્યારબાદ શિરામણ કરીને ગામમાં ફરવા માટે નીકળી ગયા.

પુરા ગામમાં આંટો મારીને એ સીધા ભીખુભાના ઘર તરફ ગયા. મન તો ક્યારનું ય એમના ઘેર પહોંચી ગયું હતું. એનું કારણ એ હતું કે ભીખુભા દેવલને વળાવીને આવી ગયા હશે એવું એ અનુમાન કરી ચુક્યા હતા.
" અલા ! જાગ્યો કે નઈ ? " ખડકીમાંથી અંદર જતા હમીરભાએ સાદ કર્યો. પણ જોયું ત્યાં તો ભીખુભા ફળિયામાં ખાટલો નાંખીને સુતા જ હતા. ભીખુભાના પત્ની ઘરનું બધું કામ કરતા હતા. હમીરભા તો ખાટલા પર બેસી ગયા. આમ તો ભીખુભાની કાયા મોટી એટલે જગ્યા નો'તી પણ એ થોડા ખાટલાની વળી પર બેઠા તો થોડા ભીખુભાના ઢીંચણ પર બેઠા. પછી પ્રેમથી એક ટપલી ગાલ પર મારીને જગાડ્યા.
" જાગ એય કરણકુંભ ... જાગ "
" આવી ગ્યો મારી ઊંઘનો દુશમન. " ભીખુભાએ આંખો ચોળતા ચોળતા બેઠા થતા જ કહ્યું.
" બેસ હું દાંતણ કરી લવ. કવ સુ સાંભળો સો ચા મુકો મહારાજ પધાર્યા સે. " ખાટલા ઉપરથી નીચે ઉતરીને દાંતણ કરવા ચોકડી તરફ જતા ભીખુભાએ એમના પત્નીને ચા કરવાનો હુકમ પણ આપી દીધો. થોડીવાર હમીરભા પણ ચુપ જ બેસી રહ્યા. પગની મોજડીથી ફળિયામાં રહેલી ધૂળને ખોતરતા હતા. અને આ જ કામમાં પગની સાથે આંખો પણ લાગી હતી. એટલામાં ભીખુભા દાંતણ કરીને આવી ગયા.

" કાં ભઈબંધ સુ ભૂલો પડ્યો અતાર અતારમાં " ભીખુભાએ તો ખાટલા બેસતા જ હમીરભાના બરડામાં આદત મુજબ ધબ્બો મારી દીધો અને બાજુમાં બેસી ગયા. હમીરભા અચાનક જ વિચારમાંથી બહાર આવી ગયા.
" કંઈ નઈ ! તું ચારે પુગ્યો ઘરે ? "
" બસ, ભાંગતી રાતે અમે આવી ગયા'તા. "
" દેવલ ચમ સે ? " આ સવાલ સાંભળતા જ ભીખુભાએ હમીરભાની પીઠ પરથી હાથ લઈ લીધો. થોડો અવાજ એમનો નીચો થઈ ગયો.
" એકદમ મજામાં સે. પણ ભઈ સોડી મોટી થઈ જઈ હો. ઇને લીધેલા મારા મીઠણાંએ મારા માથાને ટાઢું પાડી દીધું. ઇના બોલવામાં જે ખમકારા હતા એવા હમીર મેં કોઈ દી' હાંભળ્યા નથી. તને ખબર સે મને કોઈ દી' રોવું નથી આવતું, તોય દેવલ પાંહેથી નીકળ્યો તારે મારું એક આહુડું પડી ગ્યું. અને ઇમાય ઇ ચાંદલો કરતા કરતા બોલી ' મારો રાવણ જેવો કાકો રોતા ભૂંડો લાગે હો ! ' હમીર તે'દી મને તું બૈરાં જમ રોતા જરાય નો'તો ગમ્યો પણ કાલ તો હું ય રોઈ પડ્યો. " હમીરભાના સવાલનો ખોટો જવાબ આપીને ભીખુભા થોડા ઢીલા પડી ગયા. હમીરભાની આંખો થોડી ભીની થઇ પણ મન મનાવીને પાછો સવાલ કર્યો.
" અરે ! હું તને ઇમ પુસુ સુ કે ઈને કોઈએ કંઈ કીધું નથી ને. આપડી દુશ્મનીની દાઝ ઇના ઉપર નથી કાઢી ને. ? "
" ના.... ના ! દેવલને બહુ હાચવસે જો...જે. કાશીબા તો આપડે દહ વરહ પે'લા જોયા ઇ સે જ નઈ. હાવ ભગત માણહ થઈ જ્યા સે. અને કરણુભા તો કશું બોલતા જ નથી. મેં ઘણી કોશિશ કરી હતી ઉશ્કેરવાની પણ કોઈ કંઈ નો બોલ્યું. અટલે આ બધી ચિંતા સોડી દે. " આવી વાતો હાલતી હતી ત્યાં ચા આવી ગઈ. બંનેએ ચા પીધી. ત્યાં તો સવાર પણ થઈ ગઈ હતી. સૂર્યની સોનેરી કિરણો જમીન પર પ્રસરવા લાગી હતી અને આવી જ એક સવાર સુલતાનપુરમાં પણ થઈ હતી.

ક્રમશ: ........
લેખક: અરવિંદ ગોહિલ

થોડા ટીપ્પણ
જનોઈવઢ ઘા - જનોઈ જ્યાં હોય એ ડાબા ખભાથી લઈને છેક હ્ર્દય સુધી જે ઊંડો ઘા થાય એને જનોઈવઢ ઘા કહેવાય છે. અહીં આપણે મોટા આઘાતના અર્થમાં લીધો છે.
જંજરી -હોકો- ડુંઘો
ઠુંગા - કડવા કાહૂંબા કર્યા પછી મોઢાની કડવાશ દૂર કરવા માટે કોઈ ગળ્યો ખોરાક સાથે રાખવામાં આવે છે એને ઠુંગા કહેવામાં આવે છે. ( આમ તો થોડી વિચિત્ર ભાષા થશે તોય થોડું સ્પષ્ટ કરું તો બાઇટિંગના અર્થમાં લઈ શકાય. )