Vishakanya - 2 books and stories free download online pdf in Gujarati

વિષકન્યા - 2

। પ્રકરણ : 2 ।

રોમા અને વિશાખા ભલે બંને બહેનો હતી , ભલે વિશાખા મોટી હતી અને રોમા નાની હતી –પણ હતી તો એકબીજાની હમશક્કલ ..! બંનેને સામ સામે ઉભી રાખી હોય અને વચ્ચે આદમકદનો આયનો મૂકી દેવામાં આવ્યો હોય –એમ એક બીજાનું પ્રતિબિંબ..! નાકનકશો , ચહેરાના વળાંકો , આંખોના ગોળાર્ધો ... ગાલ , હોઠ ... હડપચી ..ગરદનની લંબાઇ પણ એક સરખી ..! ગરદન ઘુમાવવાની રીત પણ એક સરખી ..! તફાવત હોય તો માત્ર તેમની વિચારસરણીમાં જ હતો .વિશાખા ભારતીય સંસ્ક્રુતિનું પ્રતિક હતી , હંમેશાં સાડીમાં જ લપેટાયેલી રહેતી , જરૂર પડે ત્યાં લાજનો ઘુમટો તાણી રસ્તાની એક બાજુ ઉભી રહી જતી –તો રોમા સમીરની માફક જ પાશ્ચાત્ય સંસ્ક્રુતિથી રંગાયેલી હતી .લાજ કે શરમ જેવું તેને કંઇ જ નહોતું ..અરે ! બીજું બધું તો ઠીક પણ મહારાજાની સામે પણ તે અર્ધનગ્ન વસ્ત્રો પહેરીને ઉભી થઈ જતી –કેટલીકવાર તો તેણે પહેરેલા બ્લાઉઝમાંથી તેના ઉન્નત પયોધરો મહારાજાની સામે ડોકિયાં કરવા લાગી જતા ..મહારાજા પોતે શરમાઇ જતા અને નજર ફેરવી લેતા .રોમા આ બધું સમજી શકતી પણ તે વર્તન તો એવું જ કરતી કે જાણે તેને કશી ખબર જ ના પડી હોય ..! મહારાજા મનોમન વિચારતા પણ ખરા કે આ રાજકુમારે તો ખરેખર નિર્લજ્જ અને બેશરમ છોકરી જ પસંદ કરી છે ..! એ સ્ટેટની શાનૌશૌક્ત અને લાજ મર્યાદાના ધજાગરા જ ઉડાડી દેશે ..પણ થાય શું ? તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું ,અને હવે જે થઈ રહ્યું હતું કે થવાનું હતું તેના ઉપર ન તો મહારાજાનો કોઇ ક્ન્ટ્રોલ હતો કે ના મહારાણીનો ..! તેમના હાથમાં કશું જ નહોતું .

જો કે રોમાના પપ્પા અને તેની મોટી બહેન વિશાખા તો અલગ વિચારસરણી ધરાવતાં હતાં .આમ તો સમીરની પહેલી મુલાકાત રોમા સાથે જ થઈ હતી , અને પ્રથમ નજરે જ તેને રોમા ગમી ગઈ હતી , રોમાના પ્રેમમાં તે પાગલ બની ગયો હતો અને રોમા સાથે જ લગ્ન કરવા માગતો હતો ..! મહારાજા તરફથી લગ્નનું કહેણ પણ રોમા માટે જ હતું , સમીરે પણ રોમાનો જ હાથ માગ્યો હતો પણ રોમાના પપ્પાએ –બહાદુરસિંહે એ કહેણ ઠુકરાવી દીધું હતું , તેમનું કહેવું હતું કે વિશાખા રોમા કરતાં મોટી છે માટે પહેલો વિવાહ- કે લગ્ન વિશાખાનું જ થવું જોઇએ ,જ્યાં સુધી વિશાખાનું લગ્ન ના થાય ત્યાં સુધી તેઓ રોમા વિશે વિચારી પણ ના શકે ..! મહારાજા અજેંદ્રસિંહને પણ બહાદુરસિંહની એ દલીલ યોગ્ય જ લાગી હતી ... અને બીજું ગર્ભિત કારણ એ પણ હતું કે બહાદુરસિંહને ખબર હતી કે રોમા નિર્લજ્જ છે –પાશ્ચાત્ય રંગે રંગાયેલી છે , તે ઉધાવડા સ્ટેટની મહારાણીની મર્યાદા જાળવી શકે તેમ નથી –બીજું મહારાજા પણ આવી ઉછાંછળી વહુ કદાચ ના પણ સ્વીકારે ..! આ તો રાજા-વાંજા –અને વાંદરાં –ક્યારે વીફરે તેનું કંઇ કહેવાય નહીં .લગ્ન પછી જો રોમાની નિર્લજ્જતા અને ફેશન મહારાજાના ધ્યાનમાં આવે ,તેમને પોતાના કુળની મર્યાદાનું ઉલ્લંઘન થતું લાગે અને રોમાને તગડી મૂકે તો ..?! પોતાની દિકરીનું તો જીવન જ બરબાદ થઈ જાયને..? આ બીકથી જ બહાદુરસિંહ પણ રોમાના બદલે વિશાખાને સમીર સાથે પરણાવવા માગતા હતા ..! અને અજેંદ્રસિંહની પણ એવી જ ઇચ્છા હતી .

સમીર અને વિશાખાનો વિવાહ તો ઘણી ધામધૂમથી કરવામાં આવ્યો હતો .લગ્ન જેવો જ મેળાવડો અને ખર્ચ કર્યો હતો મહારાજાએ ..! સમીર અને વિશાખા મળતાં હતાં ,સાથે ફરતાં હતાં ,એન્જોય પણ કરતાં હતાં...પણ એમની વચ્ચે મનમેળ નહોતો .પાશ્ચાત્ય વિચારસરણી ધરાવતો હોવાથી સમીર લગ્ન પહેલાં જ બધાં બંધનો અને મર્યાદાઓ ફગાવી દેવા માગતો હતો , પણ વિશાખા તેમાં સમંત નહોતી ..અને કોણ જાણે કેમ પણ વિશાખાનો સમીર સાથે વિવાહ થયો હોવા છતાં વિશાખા ખુશ નહોતી ,નારાજ હતી ..! તેને સમીર દુશ્મન જેવો લાગતો હતો –જો કે સમીરના મોંઢે તો તે ખૂબ પ્રેમ કરતી હોય એવું નાટક કરતી હતી ..! પણ તેના દિલમાં તો ભારોભાર સમીર પ્રત્યે કડવાસ વ્યાપેલી હતી ..! તે કોણ જાણે કેમ પણ સમીરનો કાંટો જ કાઢી નાખવા માગતી હતી ..! કોઇ જાણતું નહોતું –બધાંજ એમ માનતાં હતાં કે એ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ ...અંદરખાને તો તે નફરત કરતી હતી .

જોકે સમીર તો ભલે રોમાને ચાહતો હતો છતાં પણ તેણે હવે પોતાનું મન મનાવી લીધું હતું અને વિશાખા સાથે પ્રેમ કરવા લાગ્યો હતો –અને તે પણ દિલથી ..! તેના મનમાં પાપ નહોતું –જ્યારે વિશાખાના મનમાં પાપ હતું –તે કહેતી કંઇ અને કરતી અલગ ..! પણ થાય શું ?

સમીર વારંવાર લગ્ન પહેલાં જ વિશાખાને શરીર સબંધ બાંધવા મજબૂર કરતો હતો – વિશાખા કાયમ તેનો વિરોધ કરતી હતી ..! તે લગ્ન પહેલાં કોઇપણ પ્રકારની છૂટછાટ લેવા માગતી નહોતી ..પણ સમીર હવે અંતે આવી ગયો હતો .,જાણે કે કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ ગઈ હોય એમ ..! છેવટે સમીરે વિશાખાને ધમકી આપી જ દીધી કે જો તે હવે સમીર સાથે શરીર સબંધ બાંધવા તૈયાર નહીં થાય તો નાછૂટકે તેણે વિશાખા સાથેનો વિવાહ ફોક કરવો જ પડશે ..! અને એ ધમકીની સમીરે ધારી હતી તેવી અસર થઈ ..વિશાખાએ સમીરની માગણી સ્વીકારી પણ પોતાની શરતે ..! વિશાખાની શરત એ હતી કે તે સમીરને તાબે થશે –જરૂર થશે –તેની સાથે શરીર સબંધ પણ બાંધશે –પણ તે માટેનો સમય અને સ્થળ તે નક્કી કરે તે પ્રમાણે રાખવું પડશે ..! બે-ચાર દિવસના વિલંબ પછી વિશાખાએ કહ્યું કે હવે બે દિવસ પછી શરદ પૂનમ આવે છે –હું ઉધાવડા સ્ટેટની બહાર સ્ટેટનું એક ફાર્મ હાઉસ છે –“ એન્જોય ..” ત્યાં બધી ગોઠવણ કરાવું છું .શરદ પૂનમ હોવાથી પહેલાં આપણે બંને દૂધપૌવા ખાઇશું ,હું બટાટાવડાં બનાવડાવીશ ..આપણે તે ખાશું અને પછી ફાર્મના નામ પ્રમાણે જ આખી રાત એન્જોય કરીશું .

સમીર તો વિશાખાની ગોઠવણ જાણીને જ ખુશ થઈ ગયો .તેને લાગ્યું કે હવે જ જીવનનો સાચો આનંદ માણવા મળશે ..! તેને શરદ પૂનમની રાતનો બેસબ્રીથી ઇન્તજાર હતો પણ ...!

આ તો રાજાનો કુંવર .જરૂર હોય તો તો જાસૂસી કરાવે પણ જરૂર ના હોય તો ય જાસૂસી કરાવે , શરદ પૂનમની રાત હતી તે દિવસે જ તેના અંગત માણસોએ તેને ચેતવણી આપી દીધી કે રાતે “ એન્જોય “ ફાર્મ હાઉસમાં જશો નહીં .સમીરને મારી નાખવાનું કાવતરૂં ઘડાઇ ગયું છે .દુશ્મનો સમીરને કોઇપણ રીતે પતાવી દેવા માગે છે , પણ આ કાવતરૂં તો જબર જસ્ત પ્લાનથી બનાવ્યું છે . શરદ પૂનમની રાતે પહેલાં તો સમીરને દૂધ પૌઆમાં જ ઘેનની દવા નાખી ઉંઘાડી દેવાનો  પ્લાન હતો ..સમીર ઉંઘી જાય પછી સમીર માટે સ્પેશ્યલ કોબ્રા નાગ એક-બે નહીં પણ પાંચ પાંચ કોબ્રા નાગ જંગલ ખાતાના ફોરેસ્ટર પાસે મંગાવ્યા હતા .સમીર ઉંઘી જાય પછી વિશાખા ચૂપચાપ એ ફાર્મ હાઉસમાંથી નીકળી જવાની હતી અને પાછળ એ કોબ્રા નાગ જેને કરંડિયામાં પૂરી રાખ્યા હતા તે છોડી દેવાનો પ્લાન હતો .સમીર ઉંઘી જાય પછી વિશાખા જ બહાર નીકળતી વખતે ફાર્મ હાઉસની બહારથી જ લાઇટનો ફ્યુઝ કાઢી લેવાની હતી જેથી સમગ્ર ફાર્મ હાઉસમાં અંધાર પટ છવાઇ જાય ,સમીર કોબ્રા નાગ જોઇ ના શકે અને મદારી એ કરંડિયા ખોલી નાખવાનો હતો .અંધારપટમાં જ સમીર ઉંઘતો રહે અને નાગ તેનું કામ તમામ કરી નાખે ..! સમીરના ગુપ્તચરો જે માહિતી લાવ્યા હતા તે સમીર માટે ચિંતા કરાવનારી હતી .જો સમીર ફાર્મ હાઉસ જાય તો તેનું કામ તમામ થઈ જાય ..!..!પહેલાં તો સમીર ગુપ્તચરો ઉપર જ ગુસ્સે થઈ ગયો ..તેને આ માહિતી ઉપર વિશ્વાસ જ નહોતો .તેની દલીલ પણ સાચી જ હતી –ભલા કોઇ ઓરત પોતાના થનારા પતિને મરાવી નાખે ખરી ? અને જો આ વાત સાચી હોય તો શા માટે?

વિશાખાનાં તો સમીર સાથે એન્ગેજમેન્ટ થયાં હતાં , તે સમીરની મહારાણી બની ઉધાવડા સ્ટેટ ઉપર રાજ્ય કરવાની હતી –ભલા કોઇ આમ પાકા પાયે પોતાના માટે પીરસાયેલી પકવાનોની થાળી પાછી ઠેલે ખરૂં ? વિશાખાને સમીરના મ્રુત્યુથી શું ફાયદો થાય ? તેને ફાયદો નહીં પણ નુકશાન જ થાય –પછી તે શા માટે સમીરને મરાવી નાખવા માગતી હતી ? સમીરનું મર્ડર કરવા પાછળ વિશાખાનો હેતુ શું હશે –તેની ના તો સમીરને સમજ પડતી હતી કે ના ગુપ્તચરો તેનો જવાબ આપી શકતા હતા ...પણ ગુપ્તચરો એક વાત પૂરા વિશ્વાસ સાથે જ કહી કે તેમની વાત સાચી જ છે ,જો તે માહિતી ખોટી પડે તો તેમનો શિરચ્છેદ કરી નાખજો ..પછી તો સમીરને તેમની વાત સાચી માનવી જ પડેને ?

તે રાતે સમીર ના ગયો ફાર્મ હાઉસ ..! વિશાખા સૌથી પહેલાં જ ત્યાં પહોંચી ગઈ ..તેણે સમીરને બોલાવવા માટે ત્રણથી ચાર માણસો વારાફરતી મોકલ્યા પણ ગુપ્તચરોની સલાહ પ્રમાણે સમીર ના જ ગયો ..પછી મોડી રાતે સમાચાર આવ્યા કે વિશાખાને ફાર્મ હાઉસમાં કોબ્રા નાગે ડંખ માર્યા અને વિશાખાનું મરણ થયું છે .સમીર મારતા ઘોડે વિશાખાના ઘેર ગયો પણ તેના ઘેર તો તાળું હતું .આજુબાજુમાંથી સમાચાર મળ્યા કે વિશાખાની અંતિમ વિધિ કરવા માટે આખું કુટુંબ પોતાના વતન ગયું છે ..પણ વિશાખા મ્રુત્યુ પામી છે એ વાત સાચી ..!

--તો પછી વહેલી સવારમાં સમીરના બંગલે ડોરબેલ મારી બારણું ખોલાવનાર વિશાખા કેવી રીતે આવી ? શું વિશાખા ભૂત થઈ હતી –કે પછી આમાં પણ બીજું જ કોઇ રહસ્ય હતું ?સમીરને કશી ખબર પડતી નહોતી પણ વિશાખાને જોઇ તેને લાગ્યું કે વિશાખા ભૂત થઈ છે એટલે જ તે બેભાન થઈ ગયો ..!