VEDH BHARAM - 30 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 30

રિષભે ટીવી પર ન્યુઝ ચાલુ કર્યા એ સાથે જ એન્કરનો અવાજ આવ્યો “થોડા દિવસો પહેલા સુરતના એક મોટા બિઝનેસમેન દર્શન જવેરીની હત્યા થઇ હતી. આ કેસ પોલીસ ડિપાર્ટમેન્ટનાં એક બાહોશ ઑફિસર રિષભ ત્રિવેદી હેન્ડલ કરી રહ્યા છે. અમને અંગત સુત્રો પાસેથી માહિતી મળી છે કે પોલીસે દર્શનની પત્ની અને દર્શનના મિત્ર કબીર કોઠારીને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. શું પોલીસ પાસે આ બે વિરુધ કોઇ સબૂત છે કે પછી માત્ર શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા છે? જો કે અમારી પાસે આ કેસને લગતા એક સ્ફોટક ન્યુઝ છે. દર્શનનુ ખુન જે ફાર્મ હાઉસ પર થયુ છે તે ફાર્મ હાઉસ પર આ પહેલા પણ ગૂના થઇ ચુક્યા છે. શું છે એ ગુનાઓ? અને આ ગુનાને દર્શનના ખૂન સાથે સંબંધ છે કે નહી? તે અમે તમને એક બ્રેક બાદ જણાવીએ છીએ.” આ સાંભળી રિષભનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો અને તેણે વસાવાને બોલાવી કહ્યું “ વસાવા સાહેબ મે તમને કહ્યુ હતુ કે આ વાત મીડિયા સુધી પહોંચવી ના જોઇએ. તો પછી આ વાત ન્યુઝમાં કેમ આવી ગઇ?”

આ સાંભળી વસાવાએ કહ્યું “ સર, મે તો પૂરતું ધ્યાન રાખ્યુ છે કે આ વાત બહાર ના જાય. બધા જ કર્મચારીને કડક સૂચના આપી દીધી છે. કોઇ કર્મચારી અત્યાર સુધી બહાર પણ ગયો નથી. એટલે વાત અહીથી લીક થઇ નથી.”

આ સાંભળી રિષભ બોલ્યો “ઓકે, પણ કોઇ રિપોર્ટરને અહી આવવા દેવાના નથી.”

“સર, આ ન્યુઝવાળાને વિકાસવાળા કેસની પણ ખબર છે એટલે માહિતી બીજી કોઇ જગ્યાએથી મળી હોય એવુ લાગે છે.” હેમલે કહ્યું.

“હા, સર આ બીજા ગુનાની વાત કરે છે તે વિકાસના અપહરણનો જ હશે.” અભયે પણ હેમલની વાતમાં ટાપસી પુરાવતા કહ્યું.

“હા તેની જ વાત હશે. હવે આપણે જલદી કોઇ પરિણામ મેળવવુ પડશે નહીતર આ કેસ આપણા હાથમાંથી નીકળી જશે.” રિષભે કહ્યું અને બ્રેક પૂરો થતા જ ટીવી પર પેલો એન્કર જોર જોરથી બોલવા લાગ્યો “તમને બધાને જાણીને નવાઇ લાગશે કે દર્શનના ફાર્મ હાઉસ પર આ અગાઉ બે ગુના થયા છે.” આ સાંભળી બધા ચોંકી ગયા.

“ત્રણેક વર્ષ પહેલા દર્શનનો એક મિત્ર વિકાસ દોશી આ જ ફાર્મ હાઉસ પરથી ગાયબ થઇ ગયો છે જેનો હજુ સુધી કોઇ પતો લાગ્યો નથી. આ વિકાસ દોશી અને દર્શન બંને કોલેજ કાળના મિત્રો હતા. બંને મિત્રો સાથે એક જ જગ્યાએ દુર્ઘટના બની છે. શું છે આ દુર્ઘટના પાછળનું કારણ? એવુ તો શું છે કે આ ફાર્મ હાઉસ પર જ આવી દુર્ઘટના બની છે. શું આ મિત્રોના ભુતકાળમાં એવુ કંઇ છે કે તે બંને સાથે આવુ બન્યું? શું હજુ કોઇ છે જેની સાથે આવુ બની શકે છે? આ બધા પ્રશ્નોના જવાબ ફાર્મ હાઉસ પર બનેલી ત્રીજી ઘટના સાથે જોડાયેલા છે. શું છે આ ઘટના? આ ઘટનામાં કોણ કોણ સામેલ છે? આ બધી વાત અમે તમને એક બ્રેક પછી બતાવશું.” ત્યારબાદ બ્રેક આવતા રિષભે ટીવીને મ્યુટ કરી દીધુ અને બોલ્યો

“આ ત્રીજી ઘટના શું છે? જે આપણને હજુ સુધી ખબર નથી.” અને પછી વસાવા સામે જોઇને બોલ્યો “આ સિવાય કોઇ કેસ આ ફાર્મહાઉસ પરનો નથી ને?”

“ના સર, મે બધી જ ફાઇલ ચેક કરી લીધી છે. ફાર્મહાઉસ પરનો ત્રીજો કોઇ કેસ નોંધાયો નથી.” વસાવાએ કહ્યું.

“સર, આ પત્રકારો પણ ના હોય ત્યાંથી ન્યુઝ શોધી લાવે છે.” અભયે કહ્યું.

“એ લોકો આપણા કરતા સારી ડ્યુટી કરે છે. આપણે તે લોકો પાસેથી શીખવુ પડશે.” રિષભે કહ્યું.

“સર, તે લોકોને કોઇ નીયમો નડતા નથી જ્યારે આપણે અહી બધા નિયમો પાળવાના હોય છે.” અભયે દલીલ કરી. આ વાત રિષભને ગમી નહી પણ ત્યાં જ ફરીથી ન્યુઝ ચાલુ થતા રિષભે ટીવીનુ વોલ્યુમ અનમ્યુટ કર્યુ. ન્યુઝ એન્કર હવે તેના પૂરા મૂડમાં આવી ગયો હતો અને બોલી રહ્યો હતો “આ જ ફાર્મ હાઉસ પર લગભગ સાત વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી કે જે કોઇ પણ રેકોર્ડમાં નોંધાઇ નથી. આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી પણ આ જ ઘટના આ બે ગુનાઓ પાછળ જવાબદાર હોવાની પૂરી શકયતા છે. શું છે આ ઘટના? અને કોની સાથે બની હતી? તો ચાલો અમે તમને બતાવીએ કે શું હતી આ ઘટના? આ ઘટના છે બળાત્કારની. અને બળાત્કાર કરનાર હતા વિકાસ, દર્શન અને તેનો ત્રીજો એક મિત્ર. તો ચાલો તમને અમે આ ઘટના વિસ્તારથી સમજાવીએ. આજથી લગભગ સાત વર્ષ પહેલા દર્શન અને વિકાસ સુરતની એક પ્રખ્યાત એંજીનીયરીંગ કોલેજમા ભણતા હતા ત્યારે તેણે તેની સાથે જ ભણતી એક છોકરી પર આ જ ફાર્મહાઉસ પર બળાત્કાર કર્યો હતો. આ છોકરીએ પોલીસમાં ફરીયાદ કરેલી પણ દર્શને તેના પૈસાનો ઉપયોગ કરી કેસ દબાવી દીધો હતો અને ફરીયાદ નોંધવામા પણ ના આવી. ત્યારબાદ આ છોકરીનું શું થયુ? તે અમને ખબર નથી પણ અમારી પાસે પાકી માહિતી છે કે આ બળાત્કાર કરનાર દર્શન, વિકાસ અને તેનો કોઇ ત્રીજો મિત્ર હતા. આ ત્રીજો મિત્ર કોણ હતો? તેની અમારી પાસે કોઇ માહિતી નથી. આ બળાત્કાર કરનાર બે વ્યક્તિમાંથી એક આ જ ફાર્મહાઉસ પરથી ગાયબ થઇ ગયો છે અને બીજાનુ તે જ ફાર્મહાઉસ પર ખૂન થયુ છે. શું આ બંને ગુના પાછળ કોઇ એવી વ્યક્તિ છે જે તે બળાત્કારનો બદલો લઇ રહી છે? શું પોલીસ આ બાબત જાણે છે? કે પછી અત્યારે પણ પોલીસ તેને દબાવી દેવા માંગે છે? હું અહીંથી સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટને પૂછવા માંગુ છું કે શું આ કેસની નિષ્પક્ષ તપાસ થશે? કે પછી આ કેસને પણ દબાવી દેવામાં આવશે?” ન્યુઝ પૂરા થતા જ રિષભે ટીવી બંધ કરીને રિમોટ ટેબલ પર પછાડીને મૂક્યૂ.

“આટલી મોટી વાત આપણને કેમ ખબર ના પડી? આપણે કદાચ આ કેસ હેન્ડલ કરવા માટે લાયક જ નથી. જો આપણી લાયકાત હોય તો પણ આપણા પ્રયત્ન પૂરતા નથી.” આટલુ બોલી રિષભે અભય સામે જોયુ અને બોલ્યો “તુ નિયમની વાત કરે છે ને તો એ કહે કે તને કઇ જગ્યાએ નિયમ નડ્યો. મે તમને એકશન લેવામાં ક્યા ના પાડી છે? અને આપણી પાસે તો પૂરતી ઓથોરીટી છે આ જે પત્રકાર કામ કરે છે તે તો ઓથોરીટી વિના પોતાની આવડતથી કામ કરે છે.”

આ સાંભળી અભય થોડો ઢીલો પડી ગયો અને બોલ્યો “સોરી સર, તમારી વાત સાચી છે કદાચ આપણા પ્રયત્ન પૂરતા નથી. પણ હું પ્રોમિસ આપુ છું કે હવે પછી તમને ફરીયાદનો મોકો નહીં આપુ.”

“ આમા તારો એકનો વાંક નથી મારો પણ વાંક છે. હું કેસના મુળ સુધી પહોંચી શક્યો નથી. પણ કદાચ હવે આપણે મોકો ચુકી ગયા છીએ. આ કેસ હવે સી.બી.આઇને સોપી દેવામાં આવશે.” રિષભે અફસોસ સાથે કહ્યું.

“સર, આપણે કોઇ પણ રીતે આ કેસ આપણી પાસે રાખવો જોઇએ. અમે બધા તમને પ્રોમિસ આપીએ છીએ કે હવે પછી આ કેસની નાનામાનાની બાબત અમે તપાસ્યા વીનાની છોડશુ નહીં.” હેમલે પણ અભયની જેમ જ કહ્યું.

આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો. થોડીવાર બાદ તે ઊભો થતા બોલ્યો “હું એક પ્રયત્ન કરી લઉ. જો એ સફળ થઇ જાય તો આ કેસ આપણા હાથમાંથી કોઇ લઇ શકશે નહીં.” એટલુ બોલી તે ઓફિસમાંથી બહાર નીકળી સીધો જ કબીર પાસે ગયો અને સામેની ખુરશીમાં બેસતા બોલ્યો “ સોરી એક ઇમરજન્સી કામ આવી ગયુ હતુ. હા તો બોલો તમે શું કહેતા હતા?”

આ સાંભળી કબીર બોલ્યો “જો ઓફિસર, તમે ખોટા આદર્શવાદી થઇ રહ્યા છો. મારી ઓફર સ્વીકારી લો તમે માત્ર આંકડો બોલો, કેસ કે ચેક જે જોઇતુ હશે તે મળી જશે. આખી જીંદગી આરામ કરી શકશો.” કબીરે કહ્યું.

“ઓકે, મને તમારી ઓફર મંજુર છે પણ મારે તમને એ પૂછવાનુ છે કે તમારે અહીથી છુટવુ છે કે આ દુનિયા છોડી દેવી છે. કેમકે જો મે તમને અહીથી છોડ્યા તો તમે આ દુનિયામાં જાજુ ટકશો નહીં.”

રિષભે કહ્યું.

આ સાંભળી કબીરને કઇ સમજાયુ નહી એટલે તે બોલ્યો “ઓફિસર જે કહેવુ હોય તે સ્પષ્ટ કહો.”

આ સાંભળી રિષભ બોલ્યો “ઓકે, તો સાંભળો વિકાસનું અપહરણ અને દર્શનનુ ખૂન બંને ગુના જેણે પણ કર્યા છે તેનો હવે પછીનો ટાર્ગેટ તમે છો. જો તમે અહીથી નીકળ્યા તો તે તમને છોડશે નહીં. એટલે તમારા માટે આ જગ્યા સેફ છે. હવે તમે જે કહો તે કામ હું પૈસા લઇને કરી આપીશ.”

આ સાંભળી કબીર થોડો ડરી ગયો પણ તરત જ તેણે બડાઇ મારતા કહ્યું “મને હાથ લગાડવાની કોઇની તાકાત નથી. હું મારી સીક્યોરીટી વધારી દઇશ.”

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “સિક્યોરીટી તો દર્શન પાસે તમારા કરતા વધારે હતી તો પણ તે બચ્યો નથી. છતા તમારે છુટવુ હોય તો મને વાંધો નથી.”

આ સાંભળી કબીરનો ડર ચહેરા પર દેખાવા લાગ્યો અને તે બોલ્યો “પણ કોઇ મને શું કામ મારે? મે શું તેનુ બગાડ્યુ છે?”

રિષભ આ જ મોકાની રાહ જોતો હતો એટલે તરત જ બોલ્યો “તમે ત્રણેયે ભુતકાળમાં જે ગુનો કર્યો છે તેનુ ફ્ળ કોઇ તમને આપી રહ્યું છે.”

આ સાંભળી કબીરનો એકદમ ઢીલો પડી ગયો અને બોલ્યો “અમે ભુતકાળમાં એવુ કશુ કર્યુ નથી.” કબીરના અવાજ પરથી જ ખબર પડતી હતી કે તેનો બચાવ પાંગળો છે. પણ રિષભ કંઇ બોલ્યો નહી એટલે કબીર અકળાયો અને બોલ્યો “ઓફિસર તમે મને બચાવી લો. હું તમને જ મારી સિક્યોરીટી માટે પૈસા આપીશ.”

આ સાંભળી રિષભ બોલ્યો “છતા હું તમને બચાવી નહી શકુ કેમકે જ્યાં સુધી મને ખબર નથી કે કોણ તમારો દુશ્મન છે ત્યાં સુધી હું તમારી રક્ષા કઇ રીતે કરી શકુ?”

“મે કંઇ નહોતુ કર્યુ દર્શન અને વિકાસે જ કર્યુ હતુ. હું તો નિર્દોશ છું.” કબીર ગભરાઇને બોલતો હતો.

આ સાંભળી રિષભે કહ્યું “તમે જે કહેવુ હોય તે સ્પષ્ટ કહો. આ આપણી વાત કોઇને ખબર નહી પડે. હું તમને મદદ કરીશ.” હવે કબીર રિષભની જાળમાં પૂરો ફસાઇ ગયો હતો.

ત્યારબાદ કબીર જે વાત કરી તે સાંભળી રિષભનો આ કેસ વિશેનો આખો દ્રષ્ટીકોણ બદલાઇ ગયો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM