Loaded Kartuus - 3 books and stories free download online pdf in Gujarati

Loaded કારતુસ - 3

પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને એકબીજામાં ન ભેળવનાર IG નાઈક આજે અસમંજસમાં મુકાઈ ગયાં. આ બંને એજન્ટ્સએ એમની ફોન પરની ગુફતગુ સાંભળી હશે કે નહીં એનું તારણ કાઢવાનો ન તો આ યોગ્ય સમય હતો કે ન યોગ્ય ઠેકાણું. એટલે વાતનો દોર પોતાની સત્તા તેમજ પોઝિશનનાં જોરે હાથમાં રાખતાં સંવાદ કન્ટિન્યૂડ રાખતાં જણાવ્યું કે,

"એન્ડ એક ખાસ કામ માટે મારે હમણાં જ નીકળીને સિક્કિમ પહોંચવું પડે એમ છે. ઓકે." કહી IG નાઈક પોતાની સાયરન વગરની મારુતિ વૅનમાં નારાંગપુરા પુલિસ સ્ટેશનની ટુકડી લઈને ત્યાંથી રવાના થવા આગળ વધ્યા.

કંઈક યાદ આવતાં પાછા ફરતી વખતે CBI એ. માધવનને ઉદ્દેશીને કહ્યું, "અગર આ માસૂમ કન્યાનો હત્યારો મળી આવે છે તો, આઈ રિપીટ માય વર્ડ્સ - મારી રાહ જોવાની કોઈ જ જરૂરત નથી, એન્કાઉન્ટર કરવો પડે તો કરી લેજો. બટ, બી કેરફુલ ગાય્ઝ. કોઈ સાઈકો લાગી રહ્યો છે."

"ચોક્કસ સર, એન્ડ થેંક્યું સર ફોર યોર કો-ઓપરેશન. વી વિલ ડેફીનેટલી ફોલો યોર એડવાઇઝ પ્લસ કન્સર્ન સર."

"જય હિંદ".

"જય હિંદ નાઈક સર." એક સાથે ફરી એકવાર જમણાં બૂટનો જોરદાર અવાજ આવે એમ સેલ્યુટ ઠોકી બંને એજન્ટ કામે લાગ્યાં.

એ. માધવન અને એ. કુટ્ટી બંને ટ્રેનિંગ કાળ પહેલાં એકબીજાનાં બેસ્ટ ફ્રેન્ડ હતાં. અને એ પછીથી એકમેકનાં વિરોધી બન્યાં. પણ, આ કેસમાં ફરી એકવાર બંન્નેવે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોવા બાદ પણ એકબીજાનાં પર્યાય બની કામ કરવાનું બીડું ઝડપ્યું અને એજ ક્ષણથી હવેલીની આરપાર છાનબીન શરૂ કરી દીધી.

હવેલી બે માળની હતી. અને એમાં ઉપર નીચે મળીને એમ લગભગ સાત ઓરડાઓ હતાં જે એમની જાહોજલાલી છતી કરવામાં કોઈ કચાશ બાકી નહોતાં રાખી રહ્યા. પણ હવે ઠેરઠેર ગાબડાઓ પડી ગયેલા તેમ જ ભૂકંપના ઝટકાઓ ખાઈ ખાઈને અપાહીજ પણ બની ગયેલી હતી. ઉપરનાં માળે એજન્ટ માધવને ખોજ શરૂ કરી અને ગ્રાઉન્ડ ફ્લોર પર એ. કુટ્ટીએ. હાઈ વોલ્ટેજની ટોર્ચ લાઈટ ફ્લેશ કરી કે જેથી ઝીણામાં ઝીણી વસ્તુ એજન્ટ કુટ્ટીની પૈની નજરથી બાકાત ન રહી જાય.

હવેલી અને ઊંચી કમ્પાઉન્ડ વૉલ વચ્ચે સૂકા ઘાસનું લોંન જેવું આંગણું હતું. જે હવે જર્જરિત હાલતમાં ય જાહોજલાલીની ચાડી ખાતું આમજ બેઠું હતું. જેનાં પર એક જમાનામાં કૂણું ઘાસ અને આસપાસ નાના મોટા સુગંધિત પુષ્પોનાં છોડવાઓ હશે એવો અંદાજ હાલની બેઢંગ પરિસ્થિતિથી મળી આવતો હતો.

દેશી કેક્ટ્સનાં પ્લાન્ટસ પાણી વગર પણ જીવતા હતાં. બાકીનાં નાનાં નાનાં છોડવા કદાચ દેખરેખ વગર નિર્જીવ તથા મૃતપ્રાયઃ બની ગયા હતાં. એ નિર્જન બયાંબાંમાં પણ કશુંક મળી આવશે એવી આશાએ ડિટેકટિવ કુણ્ડુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અચરજ પમાડે એવું હતું. પણ, કો. બીલ્લુ કશુંય બોલ્યા વગર સૂકાભઠ ગાર્ડનમાં આશાનું કિરણ શોધવા એટલી જ બેસબ્રી કેળવવા લાગ્યો.

કો. કુણ્ડુ સ્વામી કર્ણાટકી સંગીતની કોઈ રિધમ ગાતાં ગાતાં સૂકા ઘાસમાં ઝીણવટથી પાદચિહ્ન શોધી રહ્યો હતો, અને એ સાથે જ એની ચાલ થોડીક લટકમટક થઈ રહી હતી. સાંઝનાં ખીલતાં અંધકારમાં ટોર્ચ લાઈટનાં સહારે ફુટ સ્ટેપ્સ શોધવા એ સૂકા ઘાસની પુણીમાં સોઈ શોધવા જેવું કપરું કામ હતું. પણ, જે ઉત્સાહ અને લગનથી કુણ્ડુ હવાલદાર કાર્યરત હતો એ પરથી એનાં મનમાં ચાલી રહેલા હાવભાવ જાણવા અઘરા નહોતા. હર એક ડંડો જમીન પર ઠોકતી વખતે ખૂનીની પીઠ ને દંડતો હોય એટલો જોશ તથા જોર એ ફટકારમાં જણાઈ આવતો હતો.

"કુણ્ડુ! આમાંનું અડધું પણ જોર તારી બૈરી પર કાઢ્યું હોત ને તો આટલા વર્ષોમાં તારાં ઘરે એટલિસ્ટ બે ત્રણ વાર તો નક્કી પારણાં ઝૂલ્યા હોત. કેમ બરાબરને!" બીલ્લુ એનાં સાથી હવાલદાર કુણ્ડુની મશ્કરી કરી વાતાવરણ હળવું કરવાનો તેમજ એનાં મગજમાં ભરાયેલો ગુસ્સો ઠારવાનો યથાવત પ્રયાસ કરવા લાગ્યો. ત્યાં કુણ્ડુ એ હવેલીની કમ્પાઉન્ડ વૉલ પાસે આંગળી ચીંધતા અકડાઈ ગયેલા હાથે કશુંક બતાવ્યું.

કુણ્ડુની દર્શાવેલી દિશા તરફ હરણફાળ દોડ લગાવી જોયું તો રક્તનાં છાંટા દેખાયાં. સૂકાયેલા સોનચંપાની એ કૂંપણ ફૂટેલી રક્તરંજીત ડાળખી એ. કુટ્ટીએ રૂમાલથી ઝિપલોક બેગમાં મૂકવા સાથે કો. બીલ્લુને ઈશારાથી એનાં ખાસ મિત્ર કુણ્ડુનું ધ્યાન બીજી તરફ વળે એ માટે એને પોતાની સાથે ને સાથે રાખવા જણાવ્યું.

"ક્યા કુછ મિલા સર?" કુણ્ડુનાં પ્રશ્નમાં જુગુપ્સા વૃત્તિ છલકાઈ આવતી હતી એ સાથે એ અજાણી બાળકી માટેની કરુણા પણ એટલી જ વર્તાતી હતી. હા - ના જેવો મિશ્રિત જવાબ આપી એ. કુટ્ટી ત્યાંથી હવેલીની ભીતર જતો રહ્યો.

"ક્યા કુણ્ડુ સ્વામી, બસ ક્યા, ઇતના ભી ભરોસા નહીં ક્યા હમ પે!" ચક્રમ પાંચાલ જેવી એક્ટિંગ કરી કો. કુણ્ડુને હસાવવાનો બીલ્લુનો પ્રયત્ન કંઈક અંશે સફળ થયો. અને એજ સમયનો ફાયદો ઉઠાવતાં બીલ્લુએ કુણ્ડુને એની પ્યારી સુંદરી બદ્દલ છંછેડવાની કોશિશ ચાલુ રાખી.

"એય બીલ્લુ! તું મારી સુન્દરીને કશું ન કહીશ, એ તો મને કેટલી ચાહે છે, એની તને શી ખબર. અને એ પણ એક સ્ત્રી જ છે. એ તો ચાહે છે માતૃત્વને ધારણ કરવા. પણ, મારું જ મન નથી માની રહ્યું." વાત પલટતો હોય એમ નાટકીય અંદાઝમાં શરમાતા કો. કુણ્ડુએ ફરી કહેવાનું શરૂ કર્યું:

"મારી દિલની રાણી સુન્દરીની સુંદરતા કરમાઈ જાય. એ હું સહેજેય ન થવા દઉં ને!"

"માઁ બનવાથી કોઈની સુંદરતા ખંડિત થયેલી જોઈ છે કદી! શું ધડ માથા વગરની વાતો કરે છે કુણ્ડુ!! - જો, હું તારો ફ્રેન્ડ છું કે નહીં, એટલે તારી ફિકર થાય છે. બસ, એ ઈરાદાથી જ આ વાત કરી." કુણ્ડુનાં ચહેરા પરના હાવભાવ જોઈ બીલ્લુ સમજી ગયો કે એને એ વાત પસંદ નથી પડી. છતાં વાત ફેરવવાને બદલે બીલ્લુએ બીજો કાંકરો ફેંક્યો.

"ચલ છોડ, જવા દે એ વાતો. પણ એ તો કહે કે આ વર્ષે લગ્નની એનિવર્સરી પર ક્યાં ફરવા જવાનો પ્લાન કર્યો છે તેં અને તારી રાણીએ! કેટલા દિવસની રજા મંજૂર કરવા માટેની અરજી આપી છે, એક મહિનાની કે પછી બે!!" મૂંછમાં હસતો બીલ્લુ કુણ્ડુને હસાવવા મથી રહ્યો. પણ, હરહંમેશ મજાક કરી જાણતો કો. કુણ્ડુ આજે હસવાને બદલે ગુસ્સે ભરાયો.

"બીલ્લુ, હમણાં જ તે કહયું છોડ એ વાતો, તો પછી વારેઘડીએ કેમ તારી સોઈ મારી રાણી પર જ અટકે છે! બે હાથ જોડું છું તને, મુઝે બક્ષ દે મેરે ભાઈ."

"અરે કુણ્ડુ! તને બાળકો કેટલાં ગમે છે, બસ એ વાતે દુઃખ થાય છે. મેં થોડીવાર પહેલાં પણ જોયું'તુ કે તું પેલી બાળકીને જોઈને વિહ્વળ થઈ ઊઠ્યો હતો, કે જાણે એ તારી કોઈ સગી ન હોય.." કો. બીલ્લુ અજાણતા જ કો. કુણ્ડુ સ્વામીનું મન દુભવી ગયો.

"બીલ્લુ, કેવી વાત કરે છે તું! જાણે કે તું લોખંડી પુરુષ છું કેમ! તારું મન દુઃખી નથી થયું કે! કેવો જઘન્ય અપરાધ આચર્યો હશે એ બાળકી પર કે એ જીવતાજીવત બધું સહન કરતી રહી અને એને બચાવવા કોઈ આવ્યું નહિ..!!"

કહેતામાં તો કો. કુણ્ડુ ભાંગી જ પડ્યો. બીલ્લુ ખોજબીન છોડી એનાં ખભે હાથ મૂકી સાંત્વના આપવા લાગ્યો. પોતાની પાસેની બેગમાંથી પાણીની બોટલ આપી એને એક ખૂણે બેસીને નિરાંતે પાણી પીવા કહ્યું અને પોતે ઉપરનાં માળે કુટ્ટી સર સાથે શોધખોળ કરવામાં મચી પડ્યો કે જેથી માધવન સર કે બીજા કોઈનું ધ્યાન રેસ્ટ લેતાં કો. કુણ્ડુ પર ન જાય.

કલાકેક શોધ્યા બાદ પણ કંઈ ન મળતાં કુટ્ટી ઉપર તરફનાં પગથિયાં ચઢતી વખતે ગડથોલું ખાઈ ગયો. પગ લપસીને પડવા જ જતો હતો ત્યાં ફિલ્મી નટ જેવી એન્ટ્રી મારીને એજન્ટ માધવને એનાં વર્ષો જૂનાં શત્રુને ગબડતાં બચાવી લીધો.


"થેંક્સ યાર માધવન."

"ઉંઘરેટી બોલવાઈ રહી હોય એવું લાગે છે. નહીંતર પગથિયું ચૂકી ન જવાત."

"ઈટ્સ ઓકે મશાલ! પગ મોચવાયો તો નથી ને તારો! બતાવ તો જરા."

"ના, ના, આઈ એમ કમ્પ્લિટલી ફાઇન. થેંક્સ વન્સ અગેઇન."

"ચાલ, ફોર્મલિટી છોડ. હાથ મિલાવ યાર." આંખ મિંચકાવતા એણે કુટ્ટીને પોતાનો હાથ આગળ ધરી પીઠ ઠોકતાં શેકહેન્ડ કન્ટિન્યૂડ કર્યા બાદ કહ્યું, "આ હવેલી આમેય આપણા ફ્રેન્ડ જોગીનાં ઇલાકામાં આવે છે. એ હિસાબે આપણે બંન્ને આ ઇલાકાનાં શેર છીએ શેર. કોઈની મજાલ છે કે અહીં કોઈપણ જાતનો ક્રાઈમ કરવાની હિંમત પણ કોઈ કરી શકે!!"

અટ્ટહાસ્ય કરતો માધવન એક રાક્ષસથી સહેજેય ઊણો ઉતરે એવો નહોતો લાગી રહ્યો.

® તરંગ
21/01/21

★★★ loaded કારતુસ ★★★

ક્રમશઃ (3)