Mangal - 25 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 25

મંગલ - 25

મંગલ
Chapter 25 -- લગ્નની વાત
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પચ્ચીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. આગલા ભાગમાં આપણે જોયું કે લડતા ઝગડતા અને સાથે મોટા થયેલા નાનપણનાં બે મિત્રો મંગલ અને ધાનીનાં હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટે છે. કાનજી વાઘેર બે યુવા હૈયાનાં અંતરમાંથી અંકુરણ પામેલા પ્રેમનાં છોડનાં એકમેવ સાક્ષી બને છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું પચ્ચીસમું પ્રકરણ
મંગલ Chapter 25 – લગ્નની વાત

Chapter 25 –લગ્નની વાત
ગતાંકથી ચાલુ
શું કહેવું એ જ મંગલને સમજાતું ન હતું. કાનજી કાકા એ યુવા હૈયાઓને બરાબર સમજી શકતા નથી. તે મંગલની પાસે આવીને બેઠા અને ખભે હાથ દઈને બોલ્યા, “મંગલ, આમ તો હું તારા બાપની ઉંમરનો છું, પણ હું આજે એટલો પણ મોટો નથી થઈ ગયો કે કોઈ પોતાનાં મનની વાત ના કરી શકે. ખભે તો દોસ્ત જ હાથ રાખી શકે. આજે દોસ્ત સમજી તારા મનની બધી વાત કરી દે.”
મંગલ હજું શરમાતો હતો. તેને જોઈને કાનજી કાકા બોલ્યા, “તું પણ ગજબનો શરમાય છે. અરે, કહી દે ને ! ધાની તને ગમે છે ? હા કે ના ? જો ગમતી હોય તો વાત હલાવું કેશવજી બાપા પાસે.” કાનજી કાકા આજે જાણે તેનાં લગ્ન કરાવી નાખવાનાં મૂડમાં હોય એમ વાત કરી રહ્યા હતા.
“અરે નહીં નહીં ! એવું ના કરતાં. હમણાં કંઈ કરવું નથી.” અચાનક આવી પ્રતિક્રિયાથી ગભરાઈને મંગલે કહ્યું.
“એમાં રાહ શેની જોવાની હોય ? એવું તો નથી કે તમે બે ય જુદી જુદી નાતનાં છો. એવું પણ નથી કે બે ય નાં ઘરવાળા માનતા ના હોય. નજીક નજીકમાં જ રહો છો. બે ય ઘરને આવવા જવાનો વહેવાર પણ છે. તમારા બે ય નાં બાપા મારા મિત્ર પણ છે. તો વાંધો શું છે ?” કાનજી કાકા પ્રશ્નાર્થ ભરી નજરથી મંગલ જોઈ રહ્યા હતા. તેને એ સમજાતું ન હતું કે મંગલ કેમ ના પાડી રહ્યો હતો.
“બીજી કોઈ વાત છે ? જો મંગલ, જે વાત હોય એ મને કહી શકે છે. તને બીજી કોઈ છોકરી ગમતી હોય એવું તો નથી ને ? કે હું અમથો અમથો જ તર્ક લગાડતો હતો ?”
મંગલ ગડમથલમાં હતો. તેને શું કહેવું એ જ સમજાતું ના હતું. ધાની માટે પોતાનાં મનમાં જે લાગણી છે એ ખરેખર પ્રેમની જ છે કે એમ જ કોઈ આકર્ષણ છે એ પણ તે સમજી શકતો ન હતો. લાગણી પ્રેમની પણ હોય તો પણ શું, તેની સામે પોતાનાં પ્રશ્નો કેટલાંય હતા. આખરે પોતે મનની સઘળી વાતો કાનજી કાકા સમક્ષ ઠાલવી.
“કાકા, મારા મનમાં બીજા ઘણા પ્રશ્નો છે.”
“હા, તો કહી દે. આજે તારે જે કહેવું હોય એ કહી દે. આપણને સાંભળવાવાળું બીજું કોઈ નથી.” કાનજી કાકાએ ધરપત આપી.
“એવું છાનું રાખવા જેવુ કંઈ જ નથી. વાત એમ છે કે મને બાપુની ચિંતા થાય છે. બાપુ ત્યાં દૂર સામેનાં મુલકમાં કઈ રીતે જીવતા હશે ? શું ખાતા હશે ? એ લોકો તેને હેરાન તો નહીં કરતાં હોય ને ? હું પણ કેવો દીકરો છું કાકા, જે પોતાનાં બાપુને છોડાવી શક્યો નથી. લોકો કહેતા હતા કે પાકિસ્તાનની જેલમાં જે માછીમારોને પકડીને લઈ જવાયા છે, તે આજે જીવતા હશે કે નહીં, તેનાં પણ સમાચાર નથી મળતા. ક્યાંક... ક્યાંક મારા બાપુ.... મારા બાપુ ! કાકા, મારા બાપુને તો કંઈ થયું નહીં હોય ને ?” મંગલ પોતાની વ્યથાને ઠાલવી રહ્યો હતો.
મંગલ પોતાની આ વ્યથા કહેશે એની તો કાનજી કાકાને કલ્પના પણ ન હતી. તે તેને સાંભળી રહ્યા.
“એક બાજુ જેનાં બાપુ જેલની અંધારી કોટડીમાં સડી રહ્યા હોય એ પોતે પોતાનાં સુખ અને પોતાનાં જ પ્રેમ પાછળ ગાંડો થાય એ માણસ કેટલો સ્વાર્થી હશે ? ધાની મને ગમે છે કાકા, પણ મને લાગે છે કે આ યોગ્ય સમય નથી. આજે મારી પાસે બીજા ઘણાં કામ છે. મારી પાસે પૂરતાં પૈસા પણ નથી. હું એને કઈ રીતે રાખીશ ? હું એનું કેમ પૂરૂ કરીશ ? મારે હજું બાપુને પણ છોડાવવા છે પણ કેમેય કરીને થતું નથી.”
મંગલનાં નિ:સ્વાર્થ ભાવને કાનજી કાકા મનોમન વંદન કરતાં રહ્યા. આજ સૂધી તેઓ આજુ બાજુની દુનિયાથી તે અલિપ્ત જ રહ્યા હતા. દુનિયામાં બધે જ તેને સ્વાર્થનાં દર્શન થતાં હતા. જ્યાં થોડા સ્વાર્થ માટે માણસો પોતાનાં જ ભાઈઓને હણી નાખવામાં એક પળ માટે પણ સંકોચ કરતાં નથી. આ મંગલ કઈ માટીનો બન્યો છે ? આજ સૂધી તો પ્રેમ એટલે બે છોકરા છોકરી વચ્ચે થતું અતૂટ બંધન – એમ જ સમજી રહ્યા હતા. પહેલી વાર પોતાનાંથી ઘણી નાની ઉંમરનાં મંગલમાં તેને પ્રેમ સાથે એક પુખ્ત જવાબદાર પુરૂષનાં દર્શન થયા. તેને થઈ ગયું કે પ્રેમ આંધળો હોય એ વાત ખોટી છે. એ તો કવિતાઓમાં અને ફિલસૂફીમાં જ સારી લાગે. પ્રેમ તો જવાબદારીનાં ભારણ સામે ઝૂકી ના જાય પણ તેને વહન કરી શકવાની શક્તિ અર્પે અને પ્રેરણા આપે એવો હોવો જોઈએ.
“કાકા, કંઈક તો કહો. કાકા ?” મંગલે તેની સામે એકીટશે જોતાં કાનજી કાકાને જોતાં કહ્યું.
“શું કહું દીકરા ? આજે તો તે તારા આ કાકાને પ્રેમની શિક્ષા આપી જ દીધી.”
“હું સમજ્યો નહીં.” મંગલે આશ્ચર્યથી પૂછ્યું.
“તે મને સમજાવી દીધું છે. તારે સમજવાની જરૂર નથી. પણ એક વાત કહું. બાપુને છોડાવવા એ તારી જવાબદારી છે, તો સાથે સાથે તારા ઘરડા થઈ ગયેલા માડી પ્રત્યે પણ કોઈ જવાબદારી પણ હોય ને ! તું તો તારા કામથી હમણાં ચાલ્યો જઈશ. પાછળ તારા માડી તારી રાહમાં દિવસો જેમ તેમ કરીને કાઢી નાખે છે. તારા બાપુનાં ગયા પછી લાખીબેન સાવ એકલા પડી ગયા છે. તેને આ અવસ્થામાં એકલતા ના સાલે એ માટે તારી ગેરહાજરીમાં તારા માડીનું ધ્યાન કોણ રાખે છે ? ધાની જ ને ? ભલે એ મોઢેથી ના બોલી હોય, પણ મનોમન તો તમે બંને એકબીજાથી પ્રેમની સગાઈથી બંધાઈ ગયા છો. ધાનીએ જે તારા ઘર માટે કર્યું છે, એનાં માટે પણ તારી જવાબદારી તો બને જ છે. તેનાં મનનાં ઓરતાંઓને આમ જ ચકનાચૂર ના કરીશ. એનાં જેવી છોકરી બીજે ક્યાંય નહીં મળે.” કાનજીકાકાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
“પણ કાકા, એવું તમે કઈ રીતે કહી શકો કે ધાનીને પણ હું પસંદ છું ?” સંકોચ સાથે મંગલે પૂછ્યું.
“અરે ગાંડા, તું એને ગમતો ના હોય તો તારી ગેરહાજરીમાં તારી માડીનું રોજ ધ્યાન શા માટે રાખે ?” કાનજીકાકાએ કહ્યું.
કાનજીકાકાની સમજાવટથી મંગલનાં મનનું સમાધાન થઈ ગયું. પણ હજું ઘરે એ વાત કેમ કરવી એ બાબતે હજુ અસમંજસમાં હતો. તેની મૂંઝવણ કાનજીકાકા પામી ગયા. એ સમયે તો તેઓ કશું બોલ્યા નહીં. તેણે માત્ર એટલું કહ્યું, “એક કામ કર. અત્યારે તું ઘરે જા. વાત વાતમાં ઘણું અંધારું થઈ ગયું છે. તારા માડી રાહ જોતાં હશે તારી. લગ્નની વાત કરવામાં તને સંકોચ થતો હોય તો હું તને મદદ કરીશ.” કાનજીકાકાએ કહ્યું.
“તમે ? પણ...”
“પાછું પણ ? તારું પણ બણ નહીં ખૂટે. તું જા. હું કાલે સવારે ઘરે આવીશ. તૈયાર રહેજે.”
“સારું કાકા, તો હું જાઉં છું.” મંગલે ઘર તરફ ચાર પાંચ ડગલાં માંડ્યા ત્યાં જ ઊભો રહી ગયો. પાછળ વળીને દોડીને તે કાનજીકાકાને ભેટી પડ્યો. કાનજી કાકાએ થોડી વાર સૂધી તેનાં માથે હાથ ફેરવ્યા કર્યું અને છેલ્લે કહ્યું, “જા, માડી રાહ જોતાં હશે.”
મંગલ ત્યાંથી નીકળી ગયો. સવાર પડતાં તે વહેલા ઊઠીને વહેલા તે ફળિયામાં બેસીને કાનજીકાકાની રાહ જોવા લાગ્યો. તેમનાં પગ સતત હલચલ કરી રહ્યા હતા. હૃદય જાણે જાણે જોર જોરથી ધડકતું હતું. વારે વારે ઊઠીને પાણી પીવા જતો હતો. લાખીબહેનને પણ નવાઈ લાગી. ‘બધુ બરાબર તો હશે ને ?’ તેવા તેને વિચારો આવતા હતા. મંગલનાં મનમાં શું ચાલી રહ્યું છે તે તો મંગલ જ જાણતો હતો. બધુ સમું સૂતરું પાર પડી જાય એનાં માટે ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. થોડી વારમાં ડેલા બહાર અવાજ આવ્યો. મંગલની નજર ડેલા તરફ મંડાઈ. ડેલો ખૂલ્યો અને કાનજી કાકા ફળિયામાં દાખલ થયા.
લાખીબહેન તેને જોઈને વિચારમાં પડી ગયા. ઘણાં વર્ષો થઈ ગયેલા તેને પોતાનાં ઘરે આવ્યા તેને. અરે ! પત્નીનાં મર્યા પછી કાનજી વાઘેરનું લગભગ કોઈનાં પણ ઘરે જવાનું બંધ જ થઈ ગયેલું. લગભગ ‘નાત બહાર’ થઈ ગયા હોય તેવી રીતે એ જીવતા હતા. આજે અચાનક સૂર્ય કઈ દિશામાં ઉગ્યો હશે કે કાનજી વાઘેરનાં પગલાં પોતાનાં ઘરે પડ્યા !
“આવો આવો કાનજીભાઈ, આજે તમે અમારા ઘરે ? બેસો બેસો.” ખાટલો ઢાળીને તેને આવકારતા બેસવા કહ્યું.
લાખીબહેન તેનાં માટે પાણી ભરવા ગયા. કાનજીકાકાએ મંગલને પોતે બધુ સંભાળી લેશે એવી ઈશારાથી બાહેંધરી આપી. લાખીબહેને પાણી આપ્યું. પાણી પી ને ખોંખારો ખાઈને પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.
“લાખીબહેન, કેમ છો ? ઘણાં સમયથી ભાઈબંધનાં ઘરે ગયો નથી. આજે મંગલને જોયો તો થયું કે લાવ, મળી આવું. હાલ ચાલ પૂછી આવું. મંગલમાં તો મને મારો ભાઈબંધ જ દેખાય છે. બહું સમજુ છોકરો છે.” કાનજીકાકાએ પૂર્વભૂમિકા બાંધી.
“હા, એમાં તો કંઈ શંકા નથી. ભગવાન સૌને મંગલ જેવો દીકરો આપે.” લાખીબહેન સ્મિત સાથે પોતાનાં દીકરા સામે જોઈને બોલ્યા.
“લાખીબહેન, એક વાત કહું ? છોકરો જુવાન થઈ ગયો છે. હવે ક્યાં સૂધી ઢસરડા કરશો ? વહુ લાવી દો. તમને ય કામમાં રાહત મળી રહેશે.” કાનજીકાકાએ કહ્યું.
લાખીબહેન વિચારમાં પડી ગયા. વાત તો બરાબર છે કાનજીભાઈની. તેણે કહ્યું, “વાત તો તમારી સાવ સાચી. પણ એમ કંઈ કોઈ પોતાનાં ઘરની દીકરી થોડી આપી દે ? એક હોડી હતી કમાવવાનું સાધન, એ પણ એનાં બાપુ સાથે ચાલ્યું ગયું. મંગલ થોડું કમાઈ લે છે પણ એમ લગ્ન પછી પૂરૂ કેમ કરશે ? આવનારી વહુ કેવી આવશે એ કેમ ખબર પડે ?”
“લાખીબહેન, વાત તો તમારી પણ સાચી છે. હું તો કહું છું કે કોઈ તમારા જાણમાં હોય અને ડાહી હોય એવી છોકરી સાથે મંગલનું ગોઠવજો.”
“એવી ડાહી છોકરી રસ્તામાં થોડી પડી હોય છે ? તમારા ધ્યાનમાં કોઈ છોકરી છે ? મંગલને પણ ગમવી જોઈએ ને ?” લાખીબહેને કહ્યું.
એટલામાં ધાની ત્યાં આવી. તે કાનજીકાકાને જોઈને થોડી વાર વિચારમાં પડી ગઈ. ‘કાકા અહીં કેમ આવ્યા હશે ? એ તો કોઈનાં ઘરે જતાં જ નથી.’ તે મનમાં બોલી. તેણે મંગલ સામે પ્રશ્નાર્થભરી નજર નાખી. મંગલ નીચે જોઈ ગયો.
“અરે ધાની ? આવ બેટા. કામ હતું ?” લાખીબહેને પૂછ્યું.
“માડી, તમારી પાસે કાળા દોરાની રીલ હશે ? એક કપડું તૂટી ગયું છે. સીવવાનું છે ને દુકાન પણ બંધ છે. મા એ મોકલી છે. કાલે આપી જઈશ.” ધાનીએ કહ્યું.
“બેટા, તારે પૂછવાનું ના હોય. જા, અંદર ઓરડીમાં કબાટમાં ડબ્બામાં પડી હશે. લઈ લે અને હા, પાછું આપવાનું નથી.” લાખીબહેન બોલ્યા.
ધાની અંદર ગઈ. કાનજીભાઈએ લાગ જોઈને વાત માંડી.
“લાખીબહેન, ખોટું ના માનતા પણ એક વાત કહું ?”
“હા હા, કહો ને ! એમાં ખોટું શું લગાડવું ?”
“બેન, આપણાં મંગલ માટે ધાની કેમ રહે ?” કાનજીભાઈએ આખરે વાત માંડી. તેની એક નજર લાખીબહેન તરફ હતી અને એક નજર ધાનીનાં હાવભાવ તરફ હતી. ધાની તો સાંભળીને એક ક્ષણ માટે ઊભી જ રહી ગઈ. તેનાં કાનને વિશ્વાસ આવતો જ ન હતો. મનોમન તે જેને ચાહતી હતી તેની સાથે મિલનનો માર્ગ આમ સાવ સામે જ આવીને ઊભો રહી જશે એની તેને કલ્પના સુદ્ધાં ન હતી. પણ હજું તો પ્રસ્તાવ લાખીબહેન પાસે પહોંચ્યો હતો. ‘એ હા પાડશે ? મંગલને પણ શું હું ગમીશ ? મા બાપુ ને આ ગમશે કે નહીં ?’ એવા વિચારો તેનાં મનમાં ફરી વળ્યા.
“કાનજીભાઈ ? તમે આ શું કહો છો ? કંઈક તો વિચારીને કહો.”
“લો, એમાં મેં શું ખોટું કહ્યું ? તમારે ડાહી અને તમારું અને મંગલનું ધ્યાન રાખે એવી છોકરી જોઈએ છે. સાચું ?” કાનજીભાઈએ પ્રશ્ન કર્યો.
“હા... પણ...”
“પણ શું ? તમે શું, આસપાસનાં પાડોશીઓને પણ પૂછો કે લાખીબહેનનું ધ્યાન કોણ રાખે છે તો બધા ધાનીનું નામ લેશે. તમારા ઘરે લક્ષ્મી આવે છે, લાખીબહેન. વધાવી લો.” કાનજીભાઈએ કહ્યું.
“અરે પણ મંગલને અને ધાનીને તો પૂછી લેવું પડે ને ? એમ ને એમ તો કેમ નક્કી કરવું ? ધાનીનાં મા બાપની ઈચ્છા પણ પૂછવી પડે.” લાખીબહેને કહ્યું.
“તો અત્યારે જ પૂછી લો. બે ય અહીં જ છે.”
લાખીબહેને પહેલા ધાની સામે જોયું. ધાની નીચું જોઈને અંદર ઓરડીમાં ચાલી ગઈ. તે તેની પાસે ગયા અને પૂછ્યું, “ધાની ? દીકરી, જો તારી ઉપર કોઈ જબરદસ્તી નથી. તારી મરજી હોય તો જ કહેજે. મંગલ તને ગમે છે ?”
ધાની શરમાઈને થોડું હસી અને નીચું જોઈ ગઈ. લાખીબહેનને ધાનીનો જવાબ મળી ગયો. ધાની માથે હાથ મૂકીને તે મંગલ પાસે આવ્યા ને તેને તેની ઈચ્છા પૂછી, “મંગલ, તને ધાની ગમે છે ?”
“માડી... માડી...” એમ કહેતાં તેણે કાનજીકાકા તરફ નજર નાખી. તે તેની સામે ઈશારો કરીને ‘હા’ પાડવા સમજાવતા હતા.
અંતે તેણે ‘હા’ માં માથું ધુણાવ્યું. તેનાં મુખ પર સ્મિતની રેખા હતી. બંનેની મૂક સંમતિ જોઈને લાખીબહેન હરખમાં આવી ગયા.
હવે વારો હતો ધાનીનાં મા-બાપુને સમજાવવાનો. એ કેવી રીતે કરવું એ પણ પ્રશ્ન હતો. ધાની પણ થોડી ચિંતામાં હતી. લાખીબહેને તેને હિંમત આપી અને કહ્યું, “બેટા, હવે એ મારી ઉપર છોડ. હું તારા મા-બાપુંને સમજાવીશ. તમારા બંનેનાં સુખ માટે હું વાત કરીશ.”
“ઠીક ત્યારે બેન, હવે હું નીકળું.” કાનજીભાઈ પોતાનું કામ જાણે પૂરૂ થયું હોય તેમ રજા લેતાં કહ્યું.
“કાનજીભાઈ, તમે નથી જાણતા કે આજે તમે મને કેવડી સરસ ભેટ આપી છે, એ તમે નથી જાણતા. ધાની મારા ઘરની લક્ષ્મી બને એનાંથી બીજું શું રૂડું શું હોય ? આજે મારા ભાગ્ય ઉઘડી ગયા. ઝાઝા કરીને રામ રામ તમને ભાઈ.”
“રામ રામ બેન. ચાલો હું નીકળું છું.” કાનજીભાઈ નીકળી ગયા.
લાખીબેને મંગલ સામે જોયું તો તે નીચું જોઈ ગયો. પછી તેણે ધાની બાજુ નજર નાખી. ધાની નીચું મોઢું કરીને શરમાઈને પોતાનાં ઘર ભણી દોડી ગઈ.

To be Continued…
Wait For Next Time…
Rate & Review

Hardas

Hardas 1 year ago

Viral

Viral 1 year ago

Vijay

Vijay 1 year ago

Balkrishna patel
Pragnesh Desai

Pragnesh Desai 1 year ago