Mission 'Rakhwala' - 2 books and stories free download online pdf in Gujarati

મિશન 'રખવાલા' - 2

આગળના ભાગમાં જોયું કે , બધા મિત્રો હિમાંશુ ના ઘરે ભેગા મળીને મોળે સુધી ધીંગામસ્તી કરે છે.ત્યારે હિમાંશુ ની નજર પાછળ મેદાનમાંથી આવતા પ્રકાશ પર પડે છે. અને બધા મિત્રો પાછળ મેદાનમાં જોવા જાય છે પરંતુ પ્રકાશનું તેજ વધતાં ની જોતજોતામાં હિમાંશુ અને તેના સાથીઓ ગાયબ થઈ જાય છે.

હવે આગળ,

મિશન 'રખવાલા' (part - 2)


હિમાંશુ અને તેના મિત્રોને ધીમે રહીને ખૂબ જ ગરમી લાગવા લાગી. તેમને થતું હતું કે તેઓ પૃથ્વીના કેન્દ્રની ખૂબ જ નજીક છે. તેમણે આજુબાજુ ઉપરનીચે નજર મારી તો તેમની આંખો આશ્વર્યથી પહોળી થઈ ગઈ. તેઓ ત્રિકોણાકાર દિવાલો જેવી રચનાવાળા ઓરડામાં ઉભા હતાં."અરે, હિમાંશુ આપણે આ ક્યાં આવી ગયા?"દિવ્ય એ પૂછ્યું "હા, કે ?આ મારું ઘર છે. હું અહીં રોજે રોજ આવું છું. એટલે મને ખબર છે કે આપણે ક્યાં આવ્યાં એમ? હું પણ અહીં. પહેલી વખત જ આવ્યો છું. તો મને કઈ રીતે ખબર પડે કે આ શુ છે તે?"હિમાંશુએ ગુસ્સામાં કહ્યું. "અરે યાર ! તમે બંને લડવાનું બંધ કરો અને અહીંથી બહાર કઈ રીતે નીકળીએ તેનો વિચાર કરો" તેજસ કંટાળીને કહ્યું.

તેઓ વિચાર કરતાં હતાં ત્યાં તો સામેથી એક ત્રિકોણાકાર દરવાજો ખૂલ્યો અને તેમાંથી એક વ્યકિત હિમાંશુ અને તેમના મિત્રો પાસે આવ્યો.

આ વ્યકિત દેખાવે વૃક્ષ જેવો હતો.તેને માથે વાળની જગ્યાએ પાંદડા હતાં. તેના હાથ અને પગ ઝાડની ડાળખી જેવા હતાં. તેનું બદન ઝાડના થડ જેવું લાગતું હતું. આંગળીઓના ટેરવા પર પાંદડા જેવી રચનાઓ હતી.

તે વૃક્ષ જેવાં વ્યક્તિએ હિમાંશુ અને તેના મિત્રોને કહ્યું;" અમારા સરદાર તમારી રાહ જુએ છે. મારી સાથે આવો." અને હિમાંશું અને તેના મિત્રો તેની પાછળ પાછળ ચાલવા લાગે છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ફરી એકવાર ત્રિકોણાકાર દરવાજો ખૂલ્યો અને જેવા હિમાંશુ અને તેના મિત્રોએ બીજા ઓરડામાં પ્રવેશ કર્યો ત્યાં તો તેમને ખૂબ જ આશ્વર્ય થયું.તે ઓરડામાં લીલા રંગનો પ્રકાશ આવતો હતો.પણ એ પ્રકાશ ક્યાંથી આવતો હતો તે કહેવું મુશ્કેલ હતું.ત્યાં પહેલા કરતાં થોડી ઓછી ગરમીનો અહેસાસ થતો હતો.ત્યાં થોડાં વૃક્ષો જેવા દેખાવ ધરાવતા વ્યક્તિઓ ચારે તરફ વ્યવસ્થિત રીતે બેઠેલા હતાં.તેમાંથી એક બધાના આસન કરતાં થોડાં ઊંચા આસન પર બેઠાં હતાં. હિમાંશુ અને તેના મિત્રોને લાગ્યુ કે જે થોડાં ઊંચા સ્થાન પર બેઠાં છે તે જ આ લોકોના સરદાર હોવા જોઈએ.


* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"આવો બાળકો, હું વૃક્ષોનો સરદાર છું. તમે ગભરાશો નહીં. હું તમને કોઈને પણ હેરાન કરીશ નહીં. તમે જ અમારી મદદ કરી શકો છો. એટલે અમે બધાએ તમને અહીં લાવવાનો નિર્ણય લીધો હતો." વૃક્ષોના સરદારે કહ્યું. "પણ અમે તમારી મદદ કઈ રીતે કરી શકીએ ?" બધા મિત્રોએ આશ્વર્ય સાથે પૂછ્યું.

"હિમાંશુ, કમલેશ, તેજસ , દિવ્ય મને ખાતરી હતી જ કે તમને આ સવાલ જરૂર થશે.એટલે જ અમે તેના જવાબ માટે બધી તૈયારી કરી રાખી છે."આમ, કહી વૃક્ષોના સરદારે તાળી વગાડી. તાડી વગાડવાની સાથે જ લીલો પ્રકાશ એક તરફ ખેંચાયો અને તેની બીજી બાજુ ધરતીનો નકશો ખૂલે છે.

" આ જુઓ,.....". "પણ તમને અમારા નામ કઈ રીતે જાણો છો?"દિવ્ય એ સરદારની વાત કાપતાં કહ્યું. "એ હું તમને કહું. હા, તો હું એ કહેતો હતો કે આ નકશામાં તમે જે મેદાન જુઓ છો એ મેદાન માં તમે રોજ રમો તે છે. તે મેદાનથી થોડે દૂર અમે રહીયે છે.પણ હાલના સમયમાં કેટલાક લોકો લાકડું મેળવવા માટે અમને મારી નાંખવા માંગે છે.તમે જાણતાં જ હશો કે પૃથ્વી પર ખૂબ ગરમી પડે છે. તેનું એક માત્ર કારણ વૃક્ષછેદન છે. વૃક્ષછેદન ને કારણે પૃથ્વી પરના તાપમાનમાં અસહ્ય વધારો થયો... " . "હા, એ વાત તો સાચી કે વૃક્ષ છેદન ને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થયો છે.પણ તેમાં અમે તમારી મદદ કઈ રીતે કરી શકીયે ? તે અમને સીધે સીધું કહો જો અમે તમારી મદદ કરી શકીએ તો અને તમારી મદદ જરૂર કરીશું. "કમલેશે વચ્ચે જ પૂછ્યું.

"ઠીક છે, તો હું સીધો મુખ્ય મુદ્દા પર આવું . તમારા જેવા કેટલા બાળકો, પક્ષીઓ, પ્રાણીઓ, વટેમાર્ગુઓ અમારી છાંયમાં આવીને બેસે છે. અમે એ બધુ ગુમાવવા માંગતા નથી. એટલે તમારે અમને કપાતાં બચાવવાનું છે.ને આ કામ ફક્ત તમે જ કરી શકો એટલે જ અમે તમને બધાને અમારી આ ગુપ્ત મુલાકાતમાં બોલાવ્યાં છે. આને તમે અમારી વિનંતી કે હુક્મ માની શકો છો. અમારા જેવાં કેટલાય નિર્દોષ વૃક્ષો દિવસ દરમ્યાન કપાય જાય છે. અમે મૂંગા છીએ એટલે મનુષ્ય અમારી પીડા નથી સમજી શકતા પણ અમારી મદદ તમારાં જેવાં ભૂલકાઓ જ કરી શકે છે અને એટલે જ.." . વૃક્ષોના સરદારને વચ્ચે કાપતાં તેજસે કહ્યું,"માફ કરશો, તમને બચાવવામાં અમારી જાનને નુકશાન થાય તો તેની ભરપાઈ કોણ કરશે? તમે તો ત્યારે અમારી મદદ કરવાનાં નથી. તો પછી અમે અમારી જાનને મુશ્કેલીમાં શા માટે મૂકીયે ?"

"તેજસ તારી વાત એકદમ સાચી છે. હું તમારા આ પ્રશ્નનો ઉત્તર આપીશ પણ......" સરદાર હજી તો વાક્ય પૂરું કરે તેમાં તો લીલો પ્રકાશ બદલાયને લાલ રંગમાં પરિવર્તિત થયો. "મને લાગે છે તમારો જવાનો સમય થઇ ગયો છે.પણ તેજસ, એટલું યાદ રાખજે કે હું તારા પ્રશ્નનો જવાબ આપીશ પણ હમણાં એ શક્ય નથી. "કહેતાં કહેતાં સરદારે પોતાની આંખો બંધ કરી. અને લાલ પ્રકાશ તેજ થયો...


* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"હિમાંશુ, હિમાંશુ, બેટા ઉઠતો ... જો તારા મિત્રો તો ક્યારના ઘરે જતા રહ્યાં છે. ચાલતો " મમ્મીએ હિમાંશુને ઢંઢોળતા કહ્યું. "અરે ! પેલા વૃક્ષોના સરદાર ક્યાં ગયાં ?"હિમાંશુએ આળસ મરોડતા પૂછ્યું. "ક્યા સરદારની વાત કરે છે?ઊંઘમાં કોઈ સપનું જોયું લાગે છે.ચાલ ઉઠ હવે. " મમ્મીએ કંટાળીને કહ્યું.


* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


હવે, આગળ શું થશે? હિમાંશુ નું શું આ ખરેખર કોઈ સપનું હતું કે કોઈ હકીકત હતી.સરદારે શા માટે એવું કહ્યું કે આગળના સવાલના જવાબ તમને પછી મળશે? લીલા પ્રકાશમાંથી લાલ પ્રકાશમાં રૂપાંતર થવા પાછળનું શું રહસ્ય હોઈ શકે?આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે વાંચતાં રહો મિશન 'રખવાલા' '.