All is well - 6 books and stories free download online pdf in Gujarati

ઓલ ઈઝ વેલ - ૬

ધ ઇન્ડિપેન્ડેન્ટ્સ ડે
એક સત્ય ઘટના જે હજુ ઘટી નથી

હું ભારત છું. જયોતિષીઓ કહે છે કે જેમ માનવની કુંડળી હોય એમ રાષ્ટ્રની પણ કુંડળી હોય. જેમ માનવની કુંડળી પર ગ્રહોનો પ્રભાવ હોય એમ રાષ્ટ્રની કુંડળીને પણ ગ્રહો અસર કરતા હોય. મને લાગે છે કે જેમ માનવની કુંડળીમાં સાડાસાતી બેસે ત્યારે એની હાલત બદથી બદતર થઈ જાય એમ જ મારી કુંડળીમાં પણ અત્યારે સાડા સાતી બેઠી
લાગે છે, લગભગ છેલ્લા સેંકડો વર્ષોથી.

મારો દશકો (સતયુગનો એ દીર્ઘકાળ) મને યાદ છે. જયારે અહીં રામ, કૃષ્ણ, ભગીરથ, સત્યવાન, મીરાં, નરસિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા અપાર હિમ્મત, સાહસ, નીડરતા, શૂરવીરતા, પવિત્રતા અને સંસ્કારી આત્માઓ-પરમાત્માઓ જન્મ્યા હતા, જીવ્યા હતા. મેં કંસ, જરાસંઘથી શરૂ કરી મહંમદ ગઝની, રોબર્ટ ક્લાઇવ અને જનરલ ડાયર જેવા ત્રાસવાદી દુષ્ટાત્માઓને પણ મેં મારે ત્યાં ત્રાસ-પીડા આચરતા જોયા છે. બધું પસાર થઈ ગયું છે. સૌ જતા રહ્યા છે.
વર્ષોથી હું માનવની નિમ્ન થઇ રહેલી જીવનશૈલી અને તળિયે જઈ રહેલી નૈતિકતાને ચૂપચાપ જોઈ રહ્યો છું. મને આમ તો કશો ફર્ક નથી પડતો. હું તો સદાકાળ રહેવાનો જ. પેઢીઓને જન્મતી, ખલાસ થતી મેં જોઈ છે. આમ છતાં, ક્યારેક માનવની પરાકાષ્ઠાએ પહોંચેલી વર્તણુંકથી હું ખૂબ જ રોમાંચિત થઈ ઉઠું છું, ગર્વ અને ગૌરવથી નાચી ઉઠું છું, તો ક્યારેક મારું રૂંવાડે રૂવાડું રડી ઉઠે છે.

બસ આવી મને જીવંત કરતી કોઈક જ ઘટના ક્યારેક જ બને છે. કયારેક...આજની જેમ. આજે ૧૫મી ઓગષ્ટ ૨૦૧૧ના સોમવારની સવારે મારું રોમેરોમ રતનપર ગામના એ જર્જરિત મકાન સામે આંખમાં પ્રાણ લાવીને જોઈ રહ્યું છે. ઘટના નાની છે પણ મને પગથી માથા સુધી સ્પર્શી ગઈ છે. વાત છે પાંચ દિવસ પહેલાની. તારીખ ૧૦મી ઓગષ્ટ, ૨૦૧૧ની મોડી રાત્રિ.
============= ============

‘‘હું સીધો જ મૂળ વાત પર આવું.’’ પોલીસ અધિકારીના અવાજમાં રહેલી કડકાઈ અને સ્થિરતા સામે બેઠેલા અગિયારે અગિયાર પોલીસ કર્મીઓને બહારથી તેમ જ ભીતરથી ખામોશ કરી ગઈ. અવાજ પરથી લાગ્યું કે ઉપરી અધિકારી કોઈ અસાધારણ વાત ઉચ્ચારવા જઈ રહ્યા છે. બાવીસે બાવીસ આંખ ઉપરી અધિકારીના ચહેરા પર ચોંટી ગઈ. રાત્રિના અગિયાર વાગ્યા હતા. બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. આમ તો શહેર આખામાં શાંતિ હતી - એક બનાવને બાદ કરતાં. બનાવ હતો છેલ્લા સત્તર દિવસથી ચાલી રહેલા અનશનનો. બેઠા હતા લગભગ ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થીઓ ધરણાં ઉપર. મહાનગર પાલિકાના વિશાળ બિલ્ડીંગની બહાર, મંડપ બાંધીને, મંડપ પર તાલપત્રી બાંધીને, યુવક-યુવતીઓ, ભૂખ્યા-તરસ્યા. દિવસે ક્રાંતિકારી ગીતો, દેશભકિત ગીતો, પ્રાર્થનાઓ અને પ્રવચનોનો દોર ચાલતો અને રાત્રે ધીમા અવાજે રામધૂન ગાતા. પહેલા ત્રણ દિવસનો જુસ્સો હવે ઘણો ઓસરી ચૂક્યો હતો. કેટલાંક બેહોશ થઈ ગયા હતાં, તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દિવસે દિવસે ઘટી રહેલા જુસ્સાને પાંચમા દિવસે જયારે મીડિયા કવરેજ મળ્યું ત્યારે અચાનક જ જોશઝનૂન મળ્યું. દેશભરમાં આ આંદોલન ચર્ચાવા માંડયું.
આંદોલન હતું શિક્ષણ ક્ષેત્રે થયેલા બેફામ ફી વધારાના વિરોધમાં. કોઈ અસર નહોતી આ આંદોલનની, કારણ કે બે વર્ષ પહેલા પણ આ જ રીતે ફી વધારવામાં આવેલી, ત્યારે આખા રાજ્યમાં દેખાવો થયેલા, આંદોલનો થયેલા, ધરણાં થયેલા અને છેલ્લે સૂરસૂરીયુ થઈ ગયેલું. સરકાર આગળ સૌ ઝુકી ગયા હતાં. કેટલા દિવસો લડે સૌ? કેટલા દિવસો બગાડે? સરકાર તો સાવ નવરી જ હતી આવા કામો માટે. જ્યારે આંદોલનકારીઓનો એકેક
દિવસ કિંમતી હતો. ભણ્યા વિનાની એમની એકેક ક્ષણ એમના કેરિયરને ચૂંથી રહી હતી. જ્યારે નેતાઓ, મંત્રીઓને તો આ આંદોલનને લીધે પ્રચાર, પ્રસિદ્ધિ મળતા હતા.

એ વખતના સંજોગો સામે વિદ્યાર્થીઓની આખી પેઢી ઝુકી ગઈ, પણ આ વખતે વાત વણસી શકે એમ હતી. મીડિયા વીફર્યું હતું. પરિસ્થિતી વણસી રહી હતી. ‘ઓપોઝીશન’ પાર્ટીએ આ મુદ્દાને બહુ વ્યવસ્થિત પકડ્યો હતો. રાજકીય નેતાઓ પણ આખરે તો માણસ જ છે ને! એટલે માનવ તરીકેની સ્વાભાવિક નબળાઈઓ તો તેમનામાં હોવાની જ ને! હતી જ. અને એટલે જ વ્યવસ્થા સાથે સંકળાયેલો આ મુદ્દો, સમાજ સેવાના મૂળ ધ્યેયથી રાજકારણનું પહેલું પગથિયું ચઢનારા શાસક પક્ષના નેતાઓના દિમાગમાં ‘અહંકાર’નો પ્રશ્ન બનવા માંડયો. ફી વધારાનો નિર્ણય પાછો લેવો એ જાણે સ્વાભિમાનના ચૂરે ચૂરા કરી નાંખવા જેવો મહાભયંકર નિર્ણય હોત એવું ‘સત્તા પક્ષ’ને લાગવા માંડયું. આખરે નિર્ણય લેવાયો.

અને નિર્ણયના ભાગ રૂપે એક ઝેરીલું વાક્ય ઉપરી અધિકારીએ સામે બેઠેલા અગિયાર સિનીયર પોલીસ કર્મીઓના કાનમાં રેડ્યું. ‘આજે રાત્રે ત્રણ વાગ્યે આપણે આંદોલન મસળી નાંખવાનું છે. ઍટ એની કોસ્ટ. બદલામાં તમને દરેકને દસ-દસ લાખ રૂપિયા મળી જશે.’ શિયાળ જેવી બાવીસ આંખોમાં વહેશી હર્ષ ડોકાયો. સૌના મગજમાં ગરમી અને
નશો ઘૂમરાવા માંડયા. વિદેશી શરાબની બોટલો ખૂલી અને ચાલીસ મિનીટ બાદ અગિયારે અગિયાર ખૂંખાર બની ચૂક્યા હતા.
============ =============

રજનીશ જોષી અને શિવાની આચાર્ય મંડપના એક થાંભલાને અઢેલીને નિરાશ ચહેરે બેઠા હતા.બંનેને એકબીજાના વિચારો પ્રત્યે માન હતું. શિવાનીના પિતા ડોકટર હતા જ્યારે રજનીશના પિતા ગામડે ગોરપદું કરતા હતા. ખરાબ હાલત હતી રજનીશના પરિવારની. પણ રજનીશ ખૂબ જ હોશિયાર પાક્યો હતો. ગામડાની નિશાળમાં દસમા ધોરણનું
ભણીને એણે ૮૨% માર્ક મેળવ્યા હતા. ખૂબ વિચારીને એણે સાયન્સ રાખ્યું હતું અને મા-બાપે પેટે પાટા બાંધી, જૂના દાગીના વેચી છોકરાની ફી ભરી હતી. બારમા ધોરણમાં રજનીશને ૯૩% આવ્યા ત્યારે આખું ગામડું ગાડુંતૂર થયું હતું. અત્યારે રજનીશ એન્જીિનીયરીંગના ત્રીજા વર્ષમાં હતો, પાંચમા સેમેસ્ટરમાં. જયારે શહેરી વાતાવરણમાં ઉછરેલી છતાં સાદી, સીધી, સરળ શિવાની પહેલા વર્ષમાં.

‘જો ફી વધારો પાછો નહિ લેવાયને...’ ફરીથી રજનીશે તૂટક અવાજે એનું એ જ વાક્ય દોહરાવ્યું. ‘તો મારે ભણવાનું પડતું મૂકવું પડશે.’ શિવાની ચૂપચાપ સાંભળી રહી. કોસતી રહી સરકારને, વ્યવસ્થાને, નેતૃત્વને. લગભગ બધાં જ આવી નિરાશા જનક વાતે વળગેલાં હતાં. વિદ્યાર્થી નેતા સૌરભ મહેતા, વિશ્વજીતસિંહ જાડેજા અને અભિજીત ત્રિવેદી હજુ આશાવાદી હતા. એમણે કહ્યું હતું સૌને ‘‘હવે આ આંદોલન સફળ થવાના આરે છે, અને સરકાર ઝૂકવા તૈયાર થઈ ગઈ છે. બસ એ લોકો માહોલ બનાવી રહ્યા છે. અને તેઓ સાચા પણ છે. ઝૂકવાનુંયે છે અને પબ્લિકમાં શાખ પણ બનાવવાની છે. પણ આપણે સૌ યાદ રાખીશું. સરકાર જેવું સમાધાન જાહેર કરે અને ફી વધારો પાછો ખેંચી લે કે તરત જ એમને માનપૂર્વક બિરદાવીશું. ખોટાં ફટાકડાં ફોડી, લાડુ-પેંડા વહેંચી આપણી ‘જીત’ બદલ તેમને ઉશ્કેરાટ થાય એવું એક પણ પગલું નહીં ભરીએ.’’
સાંભળી રહેતા વિદ્યાર્થીઓ, આશાભરી આંખે, હૃદયે અને જાગી ઉઠતું મન આ વાણીને સાચી માની લેવા. બસ હવે હડતાલ પતે એટલે જટ પટ જમી, મંદિરે દર્શન કરી, કોલેજની ફી ભરી મંડી પડવું છે વાંચવા. કેટલુંયે પ્રેક્ટિકલ કરવાનું છે અને કેટલીયે રેફરન્સ બુક્સ વાંચવાની છે. પરીક્ષા પણ નજીક આવી રહી છે. આ સત્તર-વીસ દિવસનો ‘લોસ’
કવર કરવા ડે એન્ડ નાઇટ મંડી પડવું પડશે. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. કદાચ આકાશ રડી રહ્યું હતું...! રાત્રિના બે વાગી ચૂક્યા હતા.
=============== ============
ભારેખમ રાત્રિ...
સૂમસાન શહેર.. બહુ ઝડપી પરંતુ રહસ્યમય તૈયારીઓ થવા માંડી પોલીસ હેડ ક્વાર્ટરમાં. પાંચ મોબાઇલ વાન, બસ ઓર્ડરની રાહ જોઈ ઊભી હતી. દરેકમાં વીસ વીસ જૂનિયર કોન્સ્ટેબલ્સ ગોઠવાઈ ચૂક્યા હતા. મિશનની જાણ હવે કુલ વીસ જણાંને હતી. એક ઉચ્ચ અધિકારી, અગિયાર સિનીયર અફસરો અને આઠ હેડ કોન્સ્ટેબલ્સ. દરેક હેડ કોન્સ્ટેબલના ખિસ્સામાં લાખ લાખ રૂપિયા પડી ચૂક્યા હતા અને છેલ્લી બે જ કલાકમાં આટલા બધા જૂનિયર પોલીસથી વાનો છલકાઈ ચૂકી હતી.
પાંચ પોલીસવાનની દસ હેડલાઇટ ચાલુ થઈ એ સાથે જ પોલીસ હેડ કવાર્ટર ઝળહળી ઉઠ્યું અને દૂર બે-ચાર કૂતરાનો ભસવાનો અવાજ વાતાવરણને વધુ ભયાવહ બનાવી ગયો.

હેડ ક્વાર્ટરના કન્ટ્રોલ રૂમમાં બેઠેલા બારેય અધિકારીઓએ પરસ્પરને આખરી સૂચનાઓ આપી. આ બાર જણાંને જ ખબર હતી કે આવનારી ‘બે કલાક’નું શું મહત્વ હતું! ‘ઈતિહાસ’માં નોંધાઇ જવાની હતી આ બે કલાકો. અઠવાડિયાઓ સુધી ચોરે અને ચૌટે આવનારી બે કલાકો ચર્ચાઈ જવાની હતી. આ એક ‘મિની જલિયાંવાલા બાગ’નો હત્યાકાંડ જ હતો.

અંગ્રેજોએ વર્ષો પહેલા એ કાંડ વખતે જે અનુભવ્યું હતુ, એ જ આંશિક અનુભવ આ બારેય જણા કરી રહ્યા હતાં. સમાજ આખાને કાયદાની, પોલીસની તાકાતનો ‘અહેસાસ’ કરાવવાનો હતો. વિદ્યાર્થીઓને ‘અનશન’ ત્યાગવાની અપીલ અઠવાડિયા પહેલા થઈ ચૂકી હતી, ખુદ શિક્ષણમંત્રીશ્રીએ પણ વિનંતી કરી હતી. પણ વિદ્યાર્થીઓ ‘સમજી’ નહોતા રહ્યા. આવડા મોટા રાજકીય નેતાઓની ‘વિનંતી’ જે નહોતી કરી શકી એ હવે પોલીસની ‘લાઠી’એ કરી બતાવવાનું હતું.
આ બધી વાતો, ખૂબ ગંભીર હતી. બારેય જણા આ વાતની ગંભીરતાને પૂરેપૂરી સમજતાં હતા. એથીયે વધુ સમજતો હતો, બુઢ્ઢો હેડ કોન્સ્ટેબલ રઘુનાથ..!
============= ============
રઘુનાથની મોટી દિકરી અત્યારે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. છેલ્લા એક મહિનાથી એની ટ્રીટમેન્ટ ચાલુ હતી. મેજર ઓપરેશન કરવાનું હતું. દોઢ લાખ રૂપિયાની જરૂર હતી. અઠ્ઠાવન વર્ષનો રઘુનાથ રિટાયર્ડ થવાને આરે ઊભો હતો. નાનપણથી એણે જોઈ હતી જિંદગીની બેરૂખી! હજુયે રઘુનાથને ભર ઊંઘમાંથી જગાડી દેતી પિતાની પંખે લટકતી લાશ..!
હા,આપઘાત કરી લીધેલો રઘુનાથના પિતા, જયશંકર માસ્તરે. કંટાળી ગયેલા તેઓ પોતાની ભીતરે પનપતી-સળગતી અપરાધ ભાવની ચિનગારીઓથી! અપરાધભાવ પોતાના પુત્ર હોવા પર! નામોશી પોતાના પિતાના કરતૂતોની! હા, રઘુનાથના દાદા ભૈરવનાથ એ સમયે અંગ્રેજોના સૈનિક હતા.
ઈ.સ. ૧૯૧૯માં થયેલા જલિયાવાલા કાંડ વખતે દાદા ભૈરવનાથની ઉંમર ઓગણીસ વરસની હતી. તુંડમિજાજી, ક્રોધી સ્વભાવના દાદા ભૈરવનાથે અંગ્રેજ અમલદારના હુકમનું પાલન અક્ષરશઃ કર્યું હતું. પહેલી ગોળી એમણે જે સરદારની છાતીમાં ઘૂસાડી એ એમનાથી સો ફૂટ દૂર હતો. છતાં એની મરણચીસ અને ગડથોલું ભૈરવનાથે નજરોનજર
જોયું હતું, માણ્યું હતું, પણ પછીની ચીસાસીસથી તેઓના ભીતરે ઊંડે ઊંડે ‘કંઈક’ કંપ્યું હતું. આમ છતાં એમણે આઠેક ક્રાંતિવીરોને ઠાર કર્યા હતાં. એ પછીની ત્રણ રાત્રિ ભૈરવનાથ ઘરે નહોતા આવ્યા. છ મહિના બાદ છુટ્ટી લઈ ગામડે ‘રતનપર’ આવ્યા ત્યારે ગામ આખાએ એમના ઉપર ફીટકાર વરસાવેલો. પુત્ર જયશંકરે આ ફીટકાર બહુ નાની ઉંમરે, લગભગ પાંચ વર્ષની ઉંમરે જોયો અને એમની છાતીમાં આ ફીટકાર ચીતરાઈ ગયો.
દિવસો વીત્યા... ભારત આઝાદ થયું... રતનપરમાં ભૈરવનાથના ખોરડાં પર ગામ લોકોએ કાળો પટ્ટો લગાડી, ‘જલિયાંવાલા બાગનો જલ્લાદ’ શબ્દો ચીતરી નાંખ્યા હતાં. એ ભૂંસવાની પુત્ર જયશંકરે હિંમત પણ નહોતી કરી અને ઈચ્છા પણ નહોતી કરી.

એ ‘કાળું કામ’ પેઢીઓને ‘લાંછન’ લગાડી ગયું હતું. જયશંકરના વિવાહ પણ માંડ માંડ થયા હતા. નાનપણથી ડાહ્યો, સમજુ અને સિધ્ધાંતવાદી જયશંકર, પિતાના ભૂતકાળથી ભારે પરેશાન હતો. સમાજના પ્રશ્નો કરતાં જયશંકરની પોતાની જ વિચારધારા એને વધુ ચૂંથતી હતી. રઘુનાથ જન્મ્યો, રેવતી જન્મી.. અને એક દિવસ જયશંકરે આત્મહત્યા કરી તમામ પીડાઓમાંથી મુક્તિ મેળવી લીધી. ગામલોકોમાં ફરી આ ઘર ચર્ચાઈ ગયું. જોઈ હતી રઘુનાથે પિતાની લાશ. સાંભળી હતી એણે ગામલોકોની વાતો. એટલે જ... રઘુનાથ આજની ઘટનાને વધુ ગંભીરતાથી સમજતો હતો. આખરી ઓર્ડર લેવા એ હેડ કવાર્ટરના કન્ટ્રોલ રૂમ તરફ ગયો.
============== ===========

એકાએક વધી ગયેલી ચહલપહલથી વિદ્યાર્થીઓ ઝબકીને જાગી ગયા. અમુકે ઘડિયાળમાં જોયું. હજુ તો ત્રણ જ વાગ્યા હતાં! ઇમરજન્સી એમ્બ્યુલન્સ એકસો આઠની ત્રણ ચાર ગાડીઓ દોડતીક સાયરન વગાડતી પસાર થઈ ગઈ. સૌ સાવધ થઈ ગયાં. થોડી વારમાં ‘પ્રેસ’ લખેલી બેક કાર પણ ત્યાંથી નીકળી. શું થઈ રહ્યું છે? શહેરમાં કંઈક તો નવાજૂની થઈ જ છે. બેક જણાંએ મોબાઈલમાં ટીવી ચેનલ પકડી. બ્રેકિંગ ન્યૂઝ હતાં. શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં એક સાથે બાર ઉચ્ચ અધિકારીઓ પર ફાયરીંગ કરી તેમની લાશ બિછાવી દેવામાં આવી હતી. કોઈને કશું સમજાયું નહોતું. સમાચાર તેમને ચોંકાવી ગયા. ધ્રુજાવી ગયા, પણ એથી વિશેષ કશું જ અત્યારે એમને સમજાયું નહીં.

વાત ધીમે ધીમે બહાર આવી. લગભગ બપોરના બાર વાગ્યે મિડીયા સમક્ષ બધાં ખુલાસા પહોંચી ચૂક્યા હતા. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો ગેઇમ પ્લાન, રઘુનાથ નામના હેડ કોન્સ્ટેબલે બહુ સહજતાથી નિષ્ફળ બનાવી, બારેય જલ્લાદોને જહન્નમ ભેગા કરી દીધા હતાં. ગોળી રઘુનાથને પણ વાગી હતી. એને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું. પોલીસ હેડ કવાર્ટરમાં તૈયાર ઊભેલા તમામ પોલીસ કર્મીઓએ રઘુનાથના
સાહસને સાથ આપતાં બયાનો કેમેરા સમક્ષ આપ્યા હતા. રઘુનાથની પત્ની પારવતી, મોટી દિકરી - જે હોસ્પિટલમાં હતી, નાની દિકરી, તથા બહેન રેવતી, સૌ કોઈના ઇન્ટરવ્યૂ લેવાયા. એક જ વાત હતી સૌની..
‘રઘુનાથે શહેરના ત્રણસો વિદ્યાર્થીઓનો જીવ બચાવવા, શહેરને જલિયાંવાલા બાગ બનતું અટકાવવા, આ બારેય નરાધમ, અંગ્રેજોની ઔલાદોને મૃત્યુદંડ ફટકારી પોતાના ઝમીરને ઝળકાવ્યું તથા પરિવારના દરેક સભ્યનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યુ છે.’
============ ==============

સાંજે પાંચ વાગ્યે રતનપર ગામના વડીલો, રઘુનાથની સ્મશાન યાત્રામાં સામેલ થવા આવ્યા ત્યારે પેલા ત્રણસો વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા સહિત સમગ્ર શહેર આ ‘શહીદ’ને શ્રધ્ધાંજલિ આપવા ઉમટ્યું હતું.

બીજા જ દિવસે ‘ફી વધારો પરત ખેંચવાનો સરકારનો નિર્ણય તથા રઘુનાથની શહીદીને બિરદાવતા સમાચારો’ તમામ અખબારોમાં છપાયાં. રતનપર ગામની પંચાયતે અને સમગ્ર ગ્રામજનોએ, ભૈરવદાદાના ખોરડાં પરથી કાળો ડાઘ દૂર કરી ૧૫મી ઓગષ્ટના આજના દિવસે એ ઘરની દિવાલ પર ‘રતનપરની શાન, શહીદ રઘુનાથ ઝિંદાબાદ’ શબ્દો કોતરાવી, રાષ્ટ્રધ્વજ લહેરાવી પૂરા સન્માન સાથે આ પરિવારનું બહુમાન કર્યું.
=============== ============
હું ભારત ખૂણે ખાંચરે ઝઝૂમતા આવા રઘુનાથ જેવા સ્વાભિમાની, સજજન અને સાહસી માનવોની જિંદાદીલીથી એટલો બધો હરખાઈ જાઉં છું કે બસ.... હરખથી આંખ છલકાઈ જાય છે.
Share

NEW REALESED